વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૮/૧૫ પાન ૨૨-૨૬
  • ભલે થાકી જઈએ, પણ હિંમત ન હારીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભલે થાકી જઈએ, પણ હિંમત ન હારીએ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • ખ્રિસ્તને પગલે ચાલવું અઘરું નથી
  • ‘દરેક બોજાને ફેંકી દો’
  • પોતાની શક્તિ પ્રમાણે સેવા કરો
  • યહોવાહ આપણને શક્તિ આપશે
  • હિંમત ન હારશો!
  • ઈશ્વરની શક્તિથી લાલચ અને નિરાશાનો સામનો કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • નિરાશા સામે કઈ રીતે લડી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • યહોવાહ થાકેલાને બળ આપે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • યહોવાહ દીન-દુખિયાને છોડાવે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૮/૧૫ પાન ૨૨-૨૬

ભલે થાકી જઈએ, પણ હિંમત ન હારીએ

‘યહોવાહ દેવ, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્‍ન કરનાર છે; તે નિર્ગત થતા નથી, ને થાકતા પણ નથી; નબળાને તે બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.’—યશાયાહ ૪૦:૨૮, ૨૯.

ઈસુએ તેમના શિષ્યોને પ્રેમથી કહ્યું: ‘ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. કેમકે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.’ (માત્થી ૧૧:૨૮-૩૦) આ શબ્દો આપણે સારી રીતે જાણીએ છીએ. યહોવાહ તેમના ભક્તોને પણ તેમના માર્ગમાં ચાલવા ઉત્તેજન આપે છે જેથી તેઓને તાજગી મળે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) બાઇબલમાંથી યહોવાહ પરમેશ્વર વિષે શીખવાથી અને તેમના સિદ્ધાંતો જીવનમાં ઉતારવાથી તમને ચોક્કસ તાજગી મળી જ હશે!

૨ તોપણ યહોવાહના ભક્તો અમુક સમયે થાકી જાય છે. અમુકને થોડા સમય પૂરતો થાક હોય છે અને બીજાને લાંબા સમય સુધી રહે છે. ઘણા ભાઈઓએ મંડળમાં વર્ષો સુધી જવાબદારી ઉપાડી હોય છે. પછી તેઓને યહોવાહની સેવા બોજો લાગે છે. આપણે જો એવું અનુભવતા હોઈશું તો યહોવાહ સાથેનો આપણો નાતો તૂટી જઈ શકે છે. તેથી આપણે એવી લાગણીઓ જલદીથી દૂર કરવી જોઈએ.

૩ ઈસુને મારી નાખવામાં આવ્યા એના થોડા સમય પહેલાં તેમણે શિષ્યોને કહ્યું: “તમારાં હૃદયોને શોકાતુર થવા ન દો; ઈશ્વર પર વિશ્વાસ રાખો અને મારા ઉપર પણ વિશ્વાસ રાખો.” (યોહાન ૧૪:૧, પ્રેમસંદેશ) ઈસુ જાણતા હતા કે તેમના શિષ્યોની ક્રૂર સતાવણી થશે. તેથી કદાચ પ્રેષિતો ઠોકર ખાઈને સત્યમાં ઠંડી પડી જઈ શકે. (યોહાન ૧૬:૧) જો પ્રેષિતો નિરાશા દૂર ન કરે તો, કદાચ યહોવાહ પરનો તેઓનો વિશ્વાસ પણ ઊઠી જાય. આજે આપણે સાવચેત ન રહીએ તો આપણી સાથે પણ એવું થઈ શકે. આપણે જો લાંબા સમય સુધી યહોવાહની સેવામાં ઠંડા કે ધીમા પડી ગયા હોય તો, કદાચ આપણું દિલ નિરાશામાં દબાઈ જઈ શકે. (યિર્મેયાહ ૮:૧૮) એનાથી આપણા મન પર એટલી અસર થઈ શકે કે યહોવાહની સેવા કરવાનું મન પણ ઊઠી જાય.

૪ બાઇબલ ખરું જ કહે છે: “પૂર્ણ ખંતથી તારા હૃદયની [દિલની] સંભાળ રાખ; કેમ કે તેમાંથી જ જીવનનો ઉદ્‍ભવ છે.” (નીતિવચનો ૪:૨૩) કેવી સરસ સલાહ! જો આ સલાહને ધ્યાનમાં રાખીએ તો, આપણે યહોવાહની સેવામાં નબળા કે ઠંડા પડીશું નહિ. પણ જો આપણે તેમની સેવામાં ઠંડા પડી ગયા હોઈએ, તો પ્રથમ પારખવાની જરૂર છે કે શા કારણથી એમ થયું છે.

ખ્રિસ્તને પગલે ચાલવું અઘરું નથી

૫ ખરું કે ખ્રિસ્તને પગલે ચાલવા ઘણી મહેનત કરવી પડે છે. (લુક ૧૩:૨૪) ઈસુએ કહ્યું: “જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.” (લુક ૧૪:૨૭) આ કલમો આપણે માત્થી ૧૧:૨૮-૨૯ સાથે સરખાવીએ ત્યારે એવું લાગી શકે કે આપણે ઘણો ફેરફાર કરવો પડશે. આપણને કઈ રીતે તાજગી મળી શકે? કેમ કે એ તો ઘણું જ અઘરું બનશે. પણ એ ખરું નથી.

૬ ખરું કે કાળી મજૂરી કરવાથી થાકીને લોથપોથ થઈ જવાય છે. પણ જો એ ખરી ભાવનાથી કરવામાં આવે તો, દિલમાં સાચે જ સંતોષ થાય છે. (સભાશિક્ષક ૩:૧૩, ૨૨) યહોવાહનું સત્ય લોકોને શીખવવાથી આપણને જે આનંદ થાય છે એવો આનંદ બીજે ક્યાંથી મળી શકે? યહોવાહના સંસ્કાર પ્રમાણે હર વખતે જીવવું કંઈ રમત વાત નથી. તોપણ એ જીવનમાં ઉતારવાથી આપણા પર પુષ્કળ આશીર્વાદો આવે છે. (નીતિવચનો ૨:૧૦-૨૦) યહોવાહની સેવામાં કોઈ દુઃખ સહેવું પડે તોપણ આપણે જાણી છીએ કે યહોવાહનું નામ રોશન થાય છે.—૧ પીતર ૪:૧૪.

૭ આજે જૂઠા ધર્મો એકદમ અંધકારમાં છે. એની સરખામણીમાં ઈસુની ઝૂંસરી ફૂલ જેવી હલકી છે. યહોવાહ આપણને ખૂબ જ ચાહે છે. આપણા ગજા ઉપરાંત તે આપણને કંઈ કરવાનું કહેતા નથી. યહોવાહની “આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) શાસ્ત્ર બતાવે છે કે ઈસુને પગલે ચાલવું એટલું અઘરું નથી. યહોવાહની ભક્તિ આપણને કદી થકવી નાખશે નહિ.

‘દરેક બોજાને ફેંકી દો’

૮ આપણે જો યહોવાહની સેવામાં ઠંડા પડી ગયા હોઈએ તો એની પાછળ એક કારણ છે. આ દુષ્ટ જગત. આ જગત આપણને થકવી નાખે છે, કારણ કે “આખું જગત તે દુષ્ટની [શેતાનની] સત્તામાં રહે છે.” વળી, આપણે ચારે બાજુથી ખોટા વિચારો ધરાવતા લોકોથી ઘેરાએલા છીએ. એ આપણા વિશ્વાસને ઊધઈની જેમ કોરી ખાય શકે. (૧ યોહાન ૫:૧૯) તેમ જ, જો આપણે પૈસા બનાવવા કે નવી નવી વસ્તુઓ મેળવવા પાછળ લાગી જઈશું તો ચોક્કસ યહોવાહની સેવામાં ઠંડા પડી જઈશું. એ આપણને એટલા થકવી નાખશે કે યહોવાહની સેવા કરવાનું આપણને જરાય મન પણ નહિ થાય. એ કારણથી શાસ્ત્ર આપણને આગ્રહ કરે છે કે ‘દરેક બોજાને ફેંકી દો.’—હેબ્રી ૧૨:૧-૩.

૯ આજે જગતને શામાં રસ છે? જગતમાં તો બસ ‘નામ કમાવો, પૈસા બનાવો, રમત-ગમત અને મોજશોખમાં ડૂબી જાવ અને બધે જ ફરવા જાવ. નવી નવી વસ્તુઓ લાવો, એમાં શું ખોટું છે!’ આ બધું આપણા દિલને ભમાવી શકે. (૧ યોહાન ૨:૧૫-૧૭) પહેલી સદીમાં અમુક ખ્રિસ્તીઓ પૈસાના ગુલામ બની ગયા હતા. પ્રેષિત પાઊલ સમજાવે છે: “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે. કેમકે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારનાં પાપનું મૂળ છે; એનો લોભ રાખીને કેટલાએક વિશ્વાસથી ભટકી ગયા છે, અને ઘણાં દુઃખોથી તેઓએ પોતાને વીંધ્યા છે.”—૧ તીમોથી ૬:૯, ૧૦.

૧૦ યહોવાહની સેવામાં જો આપણે થાકી ગયા હોય કે ઠંડા પડી ગયા હોય તો એની પાછળ શું કારણ હોય શકે? એ ધનદોલતનો મોહ હોય શકે. આપણે જો સાવચેત નહિ રહીએ તો ઈસુએ બી વાવનારની વાર્તામાં જે કહ્યું એવું આપણું પણ થશે જ. એ વાર્તામાં ઈસુએ ‘ચિંતાઓ, દોલતની માયા અને વસ્તુઓ માટેના લોભની’ સરખામણી કાંટાઓ સાથે કરી હતી. જેવી રીતે કાંટા બીને વધવા દેતા નથી, એવી જ રીતે દુનિયાની મોહમાયા યહોવાહના સત્યને આપણા દિલમાં મૂળ નાખવા દેતી નથી. (માર્ક ૪:૧૮, ૧૯) તેથી, હેબ્રી ૧૩:૫ આપણને સલાહ આપે છે: “તમારો સ્વભાવ નિર્લોભી થાય; પોતાની પાસે જે હોય તેથી સંતોષી રહો; કેમ કે તેણે [યહોવાહે] કહ્યું છે, કે હું તને કદી મૂકી દઈશ નહિ, અને તને તજીશ પણ નહિ.”

૧૧ આપણી પાસે જે વસ્તુઓ હોય છે એનો કેવો ઉપયોગ કરીએ છીએ, એનાથી આપણે કદાચ યહોવાહની સેવામાં ઠંડા પડી શકીએ. અમુક ભાઈ-બહેનોની તબિયત સારી રહેતી નથી. અથવા, પ્રિયજનો ગુજરી ગયા હોવાથી તેઓ ભાંગી પડે છે. એટલે સમયથી સમય તેઓને જીવનમાં ફેરફાર કરવાની જરૂર પડે છે. એક યુગલે કહ્યું કે ‘આરામના સમયે અમે મનગમતી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા અને અમુક પ્રોજેક્ટમાં લાગી જતા. એ બધી પ્રવૃત્તિઓ વિષે અમે બેસીને વિચાર કર્યો. જે વસ્તુઓની અમને જરૂર ન હતી એ પેક કરીને એક બાજુ મૂકી દીધી.’ આપણે પણ તેઓની જેમ સમયથી સમય આપણી પ્રવૃત્તિઓ વિષે વિચારીશું તો, નકામી બાબતો પાછળ શક્તિ અને સમય બગાડવાને બદલે યહોવાહની સેવામાં સૌથી સારી રીતે વાપરી શકીશું. એમ કરવાથી આપણને તેમની સેવામાં ખરી તાજગી મળશે.

પોતાની શક્તિ પ્રમાણે સેવા કરો

૧૨ આપણે ઘણી વાર નાની મોટી ભૂલો કરી બેસીએ છીએ. એ કારણથી પણ થાકી જઈ શકીએ. એ વિષે દાઊદના શબ્દો કેટલા સાચા છે: “મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે; ભારે બોજાની માફક તે મને અસહ્ય થઈ પડ્યા છે.” (ગીતશાસ્ત્ર ૩૮:૪) આપણે આવું અનુભવતા હોય ત્યારે જીવનમાં અમુક ફેરફાર કરવાથી રાહત મળી શકે છે.

૧૩ શાસ્ત્ર આપણને “સુજ્ઞાન [ડહાપણ] તથા વિવેકબુદ્ધિ” કેળવવાનું ઉત્તેજન આપે છે. (નીતિવચનો ૩:૨૧, ૨૨) યાકૂબ ૩:૧૭ કહે છે: ‘જે જ્ઞાન ઉપરથી છે તે સહેજે સમજે એવું’ કે વાજબી છે. અમુક ભાઈ-બહેનો પ્રચારમાં ઘણો સમય આપી શકે છે. જ્યારે અમુક એમ કરી શકતા નથી. જેઓ વધારે કરી શકતા નથી તેઓને કદાચ લાગશે કે ‘મારે પણ બીજા ભાઈ-બહેનોની જેમ પ્રચાર કરવો જોઈએ.’ પણ ગલાતી ૬:૪, ૫ આપણને સલાહ આપે છે: “દરેક માણસે પોતાની રહેણીકરણી તપાસી જોવી, અને ત્યારે તેને કોઈ બીજા વિષે નહિ, પણ કેવળ પોતાને વિષે અભિમાન કરવાનું કારણ મળશે. કેમ કે દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.” ખરું કે પ્રચારમાં ભાઈ-બહેનોનો ઉત્સાહ જોઈને આપણને પણ પ્રચારમાં તેઓની જેટલું જ કરવાનું મન થઈ શકે. પરંતુ આપણે દરેકે પોતાના સંજોગો પ્રમાણે પૂરા દિલથી યહોવાહની સેવામાં ભાગ લેવો જોઈએ.

૧૪ આપણે નાની નાની બાબતોમાં પણ વાજબી બનવું જોઈએ. એમ કરીશું તો આપણે જલદી યહોવાહની સેવામાં થાકીશું નહિ. આપણે દરેક જાણીએ છીએ કે તંદુરસ્ત રહેવું હોય તો યોગ્ય ખોરાક લેવો જોઈએ, કસરત કરવી જોઈએ અને બરાબર આરામ લેવો જોઈએ. શું તમે એમ કરો છો? દાખલા તરીકે, એક યુગલનો વિચાર કરો. તેઓ યહોવાહના સાક્ષીઓની એક બ્રાન્ચમાં સેવા આપે છે. તેઓ જાણે છે કે કાયમ યહોવાહની સેવા કરવી હોય તો શું કરવું જોઈએ. પત્ની કહે છે: “અમારી પાસે ગમે એટલું કામ હોય તોપણ અમે દરરોજ સાંજે બને તેમ વહેલા સૂઈ જઈએ છીએ. તેમ જ નિયમિત કસરત પણ કરીએ છીએ. એમ કરવાથી અમને ખૂબ જ લાભ થયો છે. અમે પોતાના અનુભવથી શીખ્યા છીએ કે અમે કેટલું કરી શકીશું. અમે પોતાને કોઈની સાથે સરખાવતા નથી. પણ અમારા ગજા પ્રમાણે યહોવાહની સેવા કરીએ છીએ.” શું તમે પૂરતો આરામ કરો છો? શું તમે આચરકૂચર ખાવ છો કે યોગ્ય ખોરાક ખાવ છો? આપણે જો પોતાની બરાબર સંભાળ રાખીશું તો યહોવાહની સેવામાં થાકીશું નહિ.

૧૫ જોકે, આપણા દરેકના એકસરખા સંજોગો હોતા નથી. દાખલા તરીકે, એક બહેનનો વિચાર કરો. તેમને ઘણી બીમારીઓ હતી. બાકી રહ્યું તો કેન્સર પણ થયું. એવી હાલતમાં તેમણે પાયોનિયરીંગ પણ કર્યું હતું. તેમને આવી હાલતમાં ટકી રહેવા ક્યાંથી મદદ મળી? તે કહે છે: “હું એકલી શાંત જગ્યાએ જવા માટે સમય કાઢતી. હું બહુ થાકી જતી કે ટેન્શનમાં આવી જતી ત્યારે જલદી જ એકાંત શોધતી. જેથી હું પોતાને શાંત કરી શકું, બાઇબલ વાંચી શકું અને આરામ લઈ શકું. એ મારા માટે બહુ જ મહત્ત્વનું હતું.” આપણે પણ સમજી વિચારીને વર્તીશું તો પોતાની મર્યાદા પારખી શકીશું. પછી પોતાની બરાબર સંભાળ રાખી શકીશું. એમ કરીશું તો આપણે યહોવાહની સેવામાં થાકીશું નહિ.

યહોવાહ આપણને શક્તિ આપશે

૧૬ આપણી શ્રદ્ધાનો દીવો હોલવાય નહિ એની આપણે ખૂબ સંભાળ રાખવી જોઈએ. એ સૌથી મહત્ત્વનું છે. ખરું કે આપણે કામ કરવાથી સખત થાકી જતા હોઈશું. પણ યહોવાહની ભક્તિ કરવાથી આપણે કદી થાકીશું નહિ. યહોવાહ પોતે ‘નબળાને બળ આપે છે; અને કમજોરને તે પુષ્કળ જોર આપે છે.’ (યશાયાહ ૪૦:૨૮, ૨૯) પ્રેષિત પાઊલે પોતે એ અનુભવ્યું હતું. તેમણે લખ્યું: “અમે હિંમત હારતા નથી. જો કે અમારાં શરીરો ધીમે ધીમે નાશ પામતાં જાય છે પણ અમારું આંતરિક જીવન દરરોજ વૃદ્ધિ પામતું જાય છે.”—બીજો કરિંથી ૪:૧૬, IBSI.

૧૭ કલમના આ શબ્દોને ધ્યાન આપો: “દરરોજ.” એનો શું અર્થ થાય? એનો અર્થ થાય કે આપણે દરરોજ યહોવાહના આશીર્વાદનો લાભ લેવો જોઈએ. જેમ કે બાઇબલ વાંચન અને પ્રાર્થના કરવી જોઈએ. એક મિશનરિ બહેનનો વિચાર કરો. તેમણે ૪૩ વર્ષ મિશનરિ સેવા આપી હતી. તે ઘણી વાર થાકી જતી અને સાવ ઉદાસ પણ થઈ જતી. તોપણ એ બહેન યહોવાહની સેવામાં થાકી નહિ. તે કહે છે: “હું દરરોજ સવારે વહેલી ઊઠીને યહોવાહને પ્રાર્થના કરતી અને બાઇબલ વાંચતી. પછી જ બીજું કામ કરતી. એ મારો નિયમ હતો. એમ કરવાથી જ હું આજ સુધી ટકી રહી છું.” જો આપણે પણ એ બહેનની જેમ રોજ યહોવાહને પ્રાર્થના કરીશું, તેમના ગુણો અને વરદાનો પર વિચાર કરીશું તો તે ચોક્કસ આપણને વિશ્વાસમાં અડગ રહેવા શક્તિ આપશે.

૧૮ મોટી ઉંમર અને લાંબા સમયની બીમારીને લીધે આપણે નિરાશ થઈ જઈએ, તોપણ દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. એમ કરવાથી આપણને ચોક્કસ મદદ મળશે. આવા ભાઈ-બહેનોની નિરાશાનું શું કારણ હોય શકે? એનું કારણ એ નથી કે તેઓ પોતાને બીજા ભાઈબહેનો સાથે સરખાવે છે. ના, પણ તેઓ હવે પહેલાં જેટલું કરી શકતા ન હોવાથી નિરાશ થઈ જાય છે. તોપણ તેઓ યહોવાહની નજરમાં અતિમૂલ્ય છે એ જાણીને તેઓને દિલમાં કેટલી શાંતિ થતી હશે! નીતિવચનો ૧૬:૩૧ કહે છે: “માથે પળિયાં એ મહિમાનો મુગટ છે, તે નેકીના માર્ગમાં માલૂમ પડશે.” યહોવાહ આપણા દરેકના સંજોગો જાણે છે. આપણે ગમે એટલા કમજોર હોઈએ તોપણ તેમની સેવા કરીએ છીએ, એ તેમની નજરમાં અતિમૂલ્ય છે. આપણે તેમની સેવામાં જે કંઈ પણ કરીએ છીએ એને યહોવાહ કદી ભૂલશે નહિ. હેબ્રી ૬:૧૦ આપણને એની ખાતરી આપે છે: “દેવ તમારા કામને તથા તેના નામ પ્રત્યે તમે જે પ્રીતિ દેખાડી છે, અને સંતોની જે સેવા કરી છે, અને હજુ કરો છો, તેને વિસરે એવો અન્યાયી નથી.” આપણી સાથે એવા ઘણા ભાઈ-બહેનો છે, જેઓ વર્ષોથી યહોવાહની સેવા કરતા આવ્યા છે. એ જોઈને શું આપણને આનંદ નથી થતો!

હિંમત ન હારશો!

૧૯ ઘણાનું માનવું છે કે નિયમિત કસરત કરવામાં આવે તો જલદી થાક નહિ લાગે. એવી જ રીતે જો આપણે યહોવાહની સેવામાં બનતું બધું જ કરતા રહીશું તો જલદી નિરાશ નહિ થઈએ. ગલાતી ૬:૯, ૧૦ કહે છે: “સારું કરતાં આપણે થાકવું નહિ; કેમકે જો કાયર ન થઈએ, તો યોગ્ય સમયે લણીશું. માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું, અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.” તમે નોંધ કરી કે કલમમાં કહે છે કે “સારું કરતાં આપણે થાકવું નહિ.” એનો શું અર્થ થાય? એ બતાવે છે કે આપણે હંમેશાં આપણાથી થઈ શકે એ પ્રમાણે બીજાઓનું ભલું કરતા રહેવું જોઈએ. આપણે એમ કરતા રહીશું તો કદી યહોવાહની સેવામાં થાકીશું નહિ.

૨૦ આપણે દુન્યવી લોકો સાથે સમય પસાર કરીશું તો ચોક્કસ યહોવાહની સેવામાં થાકી જઈશું. તેઓને યહોવાહના નિયમો પાળવામાં જરાય રસ હોતો નથી. નીતિવચનો ૨૭:૩ આપણને ચેતવે છે: “પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પણ મૂર્ખની હેરાનગતિ તે બન્‍ને કરતાં ભારે હોય છે.” આપણે યહોવાહની સેવામાં ટકી રહેવું હોય તો એવા લોકો સાથે બિનજરૂરી સમય પસાર કરવો ન જોઈએ. તેઓ કાયમ કચકચ અને બીજાઓની ટીકા કરતા હોય છે. એનાથી આપણે યહોવાહની સેવામાં નિરાશ થઈને થાકી જઈ શકીએ.

૨૧ યહોવાહ ચાહે છે કે આપણી શ્રદ્ધાનો દીવો કદી હોલવાય નહિ. એ કારણથી તેમણે આપણા માટે મિટિંગો ગોઠવી છે. ત્યાં મળતા શિક્ષણથી અને ભાઈ-બહેનોની સંગતથી આપણે એકબીજાને ખરા સમયે ઉત્તેજન આપી શકીશું. એમ કરવાથી આપણને યહોવાહની સેવામાં ટકી રહેવા શક્તિ મળશે. (હેબ્રી ૧૦:૨૫) મંડળમાં બધાએ યાદ રાખવું જોઈએ કે મિટિંગમાં આપણે જવાબ આપતા હોઈએ કે પ્લેટફોર્મ પરથી શીખવતા હોઈએ ત્યારે, દરેકને ઉત્તેજન મળે એવી રીતે મીઠાશથી બોલવું જોઈએ. જેઓ શીખવે છે તેઓએ તો એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. (યશાયાહ ૩૨:૧, ૨) મંડળમાં ઉત્તેજન કે કડક સલાહ આપતા હોઈએ તોપણ મીઠાશથી બોલવું જોઈએ. (ગલાતી ૬:૧, ૨) આપણને જો બીજાઓ પર પ્રીતિ હશે તો યહોવાહની સેવા હોંશે હોંશે કરતા રહીશું અને થાકીશું નહિ.—ગીતશાસ્ત્ર ૧૩૩:૧; યોહાન ૧૩:૩૫.

૨૨ આ અંતના સમયમાં યહોવાહની સેવા કરવી કંઈ સહેલું નથી. એવું પણ નથી કે આપણે યહોવાહના સેવકો છીએ એટલે આપણને કંઈ જ નહિ થાય. આપણે પણ થાકી જઈએ છીએ, કોઈ વાતમાં મન-દુઃખ થયું હોય તો નિરાશ પણ થઈએ છીએ. ભલે આપણે ભૂલો કરતા હોઈએ, તોપણ ૨ કોરીંથી ૪:૭ કહે છે: ‘આપણી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને આપણી નથી એ જાણવામાં આવે.’ જોકે આપણે થાકી તો જઈશું, તોપણ યહોવાહની સેવા છોડીશું નહિ. આપણે દિલથી માનવું જોઈએ કે ‘યહોવાહ મને સહાય કરનાર છે.’—હેબ્રી ૧૩:૬.

આપણે શું શીખ્યા?

• આપણને થકવી નાખે એવી પ્રવૃત્તિઓ કઈ છે, અને એનાથી રાહત મેળવવા આપણે શું કરી શકીએ?

• આપણે કેવી રીતે ભાઈ-બહેનોનું ભલું કરી શકીએ?

• આપણે નિરાશ થઈએ કે થાકી જઈએ ત્યારે યહોવાહ આપણને કેવી રીતે ટકાવી રાખે છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧, ૨. (ક) જેઓ યહોવાહની સેવા કરવા ચાહે છે તેઓને કયું આમંત્રણ આપવામાં આવ્યું છે? (ખ) જો સાવધ ન રહીએ તો શું થઈ શકે?

૩. ઈસુએ તેમના પ્રેષિતોને યોહાન ૧૪:૧ પ્રમાણે કેમ સલાહ આપી?

૪. શું કરવાથી આપણે યહોવાહની સેવામાં થાકીશું નહિ?

૫. માત્થી ૧૧:૨૮-૨૯ અને લુક ૧૪:૨૭ આપણે સરખાવીએ તો શું જોવા મળે છે?

૬, ૭. આપણે કઈ રીતે કહી શકીએ કે યહોવાહની ભક્તિ આપણને કદી થકવી નાખશે નહિ?

૮. શા માટે આપણે યહોવાહની સેવામાં થાકી જતા હોઈ શકીએ?

૯. દુનિયાની મોહમાયા આપણને કેવી રીતે થકવી શકે?

૧૦. અમીર બનવા વિષે બી વાવનારની વાર્તામાંથી આપણે શું શીખી શકીએ?

૧૧. કેવી પ્રવૃત્તિઓ આપણને થકવી નાખી શકે? એમાંથી આપણે કઈ રીતે છુટકારો મેળવી શકીએ?

૧૨. આપણે પોતાની ભૂલો વિષે શું સ્વીકારવું જોઈએ?

૧૩. આપણે પ્રચાર કરતા થાકીએ નહિ માટે શું યાદ રાખવું જોઈએ?

૧૪, ૧૫. પોતાની સંભાળ રાખવા આપણે શું કરવું જોઈએ?

૧૬, ૧૭. (ક) આપણી શ્રદ્ધાનો દીવો હોલવાય ન જાય એ માટે શું કરવું જોઈએ? (ખ) આપણે દરરોજ શું કરવું જ જોઈએ?

૧૮. મોટી ઉંમરના અને લાંબા સમયથી બીમાર હોય તેઓને બાઇબલ કયો દિલાસો આપે છે?

૧૯. યહોવાહની સેવામાં મંડ્યા રહેવાથી આપણને શું લાભ થશે?

૨૦. આપણે નિરાશ ન થઈએ એ માટે કોની સંગતથી દૂર રહેવું જોઈએ?

૨૧. આપણે મિટિંગોમાં એકબીજાને કેવી રીતે ઉત્તેજન આપી શકીએ?

૨૨. આપણે ભૂલો કરીએ તોપણ શું ન કરવું જોઈએ?

[પાન ૨૩ પર ચિત્ર]

ઈસુ જાણતા હતા કે નિરાશામાં ડૂબી રહેવું પ્રેષિતો માટે સારું નથી

[પાન ૨૪ પર ચિત્ર]

અમુક જણે મનગમતા શોખ છોડી દીધા છે

[પાન ૨૬ પર ચિત્ર]

સાચા દિલથી ભલે થોડું જ કરી શકીએ, પણ યહોવાહની નજરે બહુ જ કિંમતી છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો