સ્વર્ગ જેવી ધરતી પર જીવો
‘ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું જેને પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો હતો.’ —૨ કોરીંથી ૧૨:૨-૪.
જલદી જ આ પૃથ્વી જાણે સ્વર્ગ જેવી બની જશે, જેને આપણે પારાદેશ કહીએ છીએ. પહેલી વાર એ સાંભળીને તમને કેવું લાગ્યું હતું? એ યુગમાં આંધળાઓ દેખતા થશે, ને બહેરાઓ સાંભળતા થશે. અરે, આપણા ગુજરી ગયેલા સગા-વહાલાઓ પણ ફરીથી જીવશે! આ બધું જાણીને શું તમારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા? એ સમયે રણ બગીચા જેવું બનશે. વરુ ને ચિત્તા જેવા જંગલી પ્રાણીઓ, નાનકડા ઘેટાં સાથે રમશે. શું તમને એ યુગ જોવો નહિ ગમે!—યશાયાહ ૧૧:૬; ૩૫:૫, ૬, યોહાન ૫:૨૮, ૨૯.
૨ શું પૃથ્વી ખરેખર સ્વર્ગ જેવી બનશે? હા, કારણ કે ઈસુએ એક માણસને કહ્યું હતું: ‘હું તને ખચીત કહું છું, કે તું પારાદૈસમાં હોઈશ.’ (લુક ૨૩:૪૩) યહોવાહ પણ વચન આપે છે કે તે ‘આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’ (પ્રકટીકરણ ૨૧:૪) નજીકમાં ઈશ્વરના “વચન પ્રમાણે નવાં આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાયીપણું વસે છે,” એ ચોક્કસ આવશે.—૨ પીતર ૩:૧૩.
૩ પૃથ્વી સ્વર્ગ જેવી બનવાની તો હજુ થોડી વાર છે. પણ આજે, યહોવાહે પોતાના સંગઠનમાં સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું કર્યું છે. કદાચ તમને થશે કે ‘એ કેમ બની શકે? એ કેવું સ્વર્ગ છે? આના વિષે બાઇબલ શું કહે છે?’ આ લેખમાં આપણે આ પ્રશ્નોના જવાબ મેળવીશું.
પાઊલને થયેલું દર્શન
૪ પાઊલે કહ્યું: ‘ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છું, કે જેને ઉપર ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. અને એવા માણસને હું ઓળખું છું (તે શરીરમાં હતો કે શરીર બહાર હતો, તે હું જાણતો નથી; દેવ જાણે છે), કે તેને પારાદૈસમાં ઉપાડી લેવામાં આવ્યો, અને માણસથી બોલી શકાય નહિ, એવી વાતો તેના સાંભળવામાં આવી.’ (૨ કોરીંથી ૧૨:૨-૪) આ માણસ પાઊલ જ હોવા જોઈએ. આ દર્શનની વાત કરી એ પહેલાં, પાઊલ પોતાના વિરોધકોને જણાવી રહ્યા હતા કે પોતે ઈસુના પ્રેષિત છે. પણ એ દર્શનનો અર્થ શું થાય? એને અને આપણે વાત કરીએ છીએ, એ પારાદૈસ જેવા વાતાવરણને શું લાગે-વળગે છે?—૨ કોરીંથી ૧૧:૫, ૨૩-૩૧.
૫ ‘ત્રીજું આકાશનો’ અર્થ શું થાય છે? અમુક લોકો કહે છે કે એ આકાશગંગા છે, અથવા પૃથ્વી ફરતેનું વાતાવરણ છે. પણ લોકો ધારે એવી એ કોઈ જગ્યા નથી. બાઇબલ ઘણી વખત કોઈ ખાસ શબ્દ કે વાક્ય પર ભાર આપવા ત્રણ વાર લખે છે. (સભાશિક્ષક ૪:૧૨; યશાયાહ ૬:૩; માત્થી ૨૬:૩૪, ૭૫; પ્રકટીકરણ ૪:૮) તેથી, પાઊલના દર્શનમાં ‘ત્રીજું આકાશ’ ખૂબ મહત્ત્વનું છે. એ તો યહોવાહના સંગઠનને રજૂ કરે છે, જે સનાતન સત્ય શીખવે છે.
૬ ચાલો આપણે પાઊલની અમુક ભવિષ્યવાણીઓ તપાસીએ જે આ વાત પર વધુ પ્રકાશ ફેંકે છે. પહેલી તો યહોવાહની પસંદ કરેલી પ્રજા, ઈસ્રાએલ વિષે છે. બાઇબલે જણાવ્યું હતું કે યરૂશાલેમનો નાશ થશે અને ઈસ્રાએલીઓ ગુલામીમાં જશે. ઈસ્રાએલનો દેશ ૭૦ વર્ષ સુધી ઉજ્જડ રહેશે, કેમ કે તેઓ વારંવાર યહોવાહને યહોવાહને બેવફા બનતા હતા. બાઇબલે એ પણ જણાવ્યું હતું કે ૭૦ વર્ષ પછી ઈસ્રાએલી લોકોને આઝાદી મળશે. તેઓ પાછા વતન જઈને યહોવાહની ભક્તિ કરશે. શું આ ભવિષ્યવાણી સાચી પડી? હા, ઈસવીસન પૂર્વે ૬૦૭માં બાબેલોનીઓએ યહુદાહ અને યરૂશાલેમનો નાશ કર્યો. પછી ઈ.સ. પૂર્વે ૫૩૭માં ઈસ્રાએલીઓને આઝાદી મળી. (પુનર્નિયમ ૨૮:૧૫, ૬૨-૬૮; ૨ રાજાઓ ૨૧:૧૦-૧૫; ૨૪:૧૨-૧૬; ૨૫:૧-૪; યિર્મેયાહ ૨૯:૧૦-૧૪) પણ ૭૦ વર્ષોમાં એ દેશની હાલત કેવી થઈ? એ દેશ જંગલ અને રણ જેવો બની ગયો. એ અનેક જંગલી જાનવરોનું ઘર બની ગયો. (યિર્મેયાહ ૪:૨૬; ૧૦:૨૨) પણ યહોવાહે વચન આપ્યું હતું કે, તે “ફરીથી ઇઝરાયલને આશીર્વાદ આપશે, અને તેનાં અરણ્યો વનસ્પતિથી ભરપૂર થશે; તેનાં ઉજ્જડ રણો એદન વાડી [કે સ્વર્ગ] જેવાં સુંદર બનશે. ત્યાં આનંદ તથા હર્ષ હશે, અને આભારસ્તુતિ તથા મધુર ગીતો સાંભળવા મળશે.”—યશાયા ૫૧:૩, IBSI.
૭ યહોવાહે એ પણ કહ્યું હતું કે, ‘અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; વન આનંદ કરશે ને ગુલાબની પેઠે ખીલશે. તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; લંગડો હરણની પેઠે કૂદશે, ને મૂંગાની જીભ ગાયન કરશે; કારણ કે અરણ્યમાં પાણી, અને વનમાં નાળાં ફૂટી નીકળશે. ને તરસી ભૂમિ તે પાણીના ઝરા થઈ જશે; શિયાળોના રહેઠાણમાં તેમને સૂવાને ઠેકાણે, ઘાસની સાથે બરૂ તથા સરકટ ઊગશે.’ (યશાયાહ ૩૫:૧-૭) ઈસ્રાએલીઓ પોતાના વતન પાછા ગયા ત્યારે આ વચન સાચું પડ્યું. દેશની બૂરી હાલત સાવ બદલાઈ ગઈ.
ઈશ્વરભક્તો પર આશીર્વાદોનો વરસાદ
૮ જાણે ચપટી વગાડતા આખો દેશ સુંદર બની ગયો! ફક્ત ભૂમિ જ નહિ, લોકોનો સ્વભાવ પણ સાવ બદલાઈ ગયો. જેમ રણોમાં ફૂલ ખીલી ઊઠ્યા, તેમ લોકોમાં સદ્ગુણો ખીલી ઊઠ્યા. એના વિષે યશાયાહે કહ્યું હતું: ‘યહોવાહના છોડાએલા પાછા આવીને હર્ષનાદ કરશે અને તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે.’ (યશાયાહ ૩૫:૧૦) યશાયાહે એમ પણ કહ્યું કે, આઝાદી પામેલા ઈસ્રાએલી લોકો ‘ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાશે. જેમ વાડી તેમાં રોપેલાંને ઉગાડે છે, તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.’ (યશાયાહ ૬૧:૩, ૧૧) યશાયાહે એમ પણ કહ્યું કે ‘યહોવાહ તેઓને નિત્ય દોરશે, ને તેઓને બળ આપશે; તેઓ સારી રીતે પાણી પાએલી વાડીના જેવા, ને ઝરાના અખૂટ પાણીના જેવા થશે.’ (યશાયાહ ૫૮:૧૧; યિર્મેયાહ ૩૧:૧૦-૧૨) યહોવાહના આશીર્વાદથી ઈસ્રાએલીઓ ફરી સાચી ભક્તિ કરી શક્યા.
૯ યશાયાહની ભવિષ્યવાણી અને પાઊલનું સંદર્શન, ખ્રિસ્તી મંડળને લાગુ પડે છે. એ મંડળ “દેવની [ફળદ્રુપ] ખેતી” છે. (૧ કોરીંથી ૩:૯) પણ પાઊલનું “સંદર્શન” ક્યારે સાચું પડશે? એ તો વર્ષો પછી થવાનું હતું. પાઊલ જાણતા હતા કે તેમના મરણ પછી ખ્રિસ્તી ધર્મમાં ભેળસેળ થવાની હતી. ખ્રિસ્તીઓ યહોવાહને છોડી દેવાના હતા. (૨ કોરીંથી ૧૨:૧; પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૨ થેસ્સાલોનીકી ૨:૩, ૭) તોપણ અમુક ખ્રિસ્તીઓ યહોવાહને વળગી રહ્યા. તેઓ રણમાં ઊગી નીકળેલા એક બે નાજુક ફૂલો જેવા હતા. પણ પાઊલના દર્શન પ્રમાણે યહોવાહના ભક્તો ફરી ‘પોતાના પિતાના રાજ્યમાં સૂરજની પેઠે પ્રકાશવાના’ હતા. (માત્થી ૧૩:૨૪-૩૦, ૩૬-૪૩) એ ૧૯૧૪ પછી થોડાં વર્ષોમાં થયું. એ પછી યહોવાહના ભક્તો જાણે સ્વર્ગ જેવા વાતાવરણમાં રહેતા હતા. યહોવાહે ફક્ત તેઓને જ સનાતન સત્ય આપ્યું હતું. આ જ ખુશીના સમય વિષે પાઊલને દર્શન થયું હતું.
૧૦ આજે યહોવાહના ભક્તો સ્વર્ગ જેવા વાતાવરણમાં છે. ખરું કે આપણે ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ છીએ. જેમ પાઊલના દિવસોમાં ખ્રિસ્તીઓ એકબીજાને મનદુઃખ કરતા, તેમ આપણે પણ એકબીજાનું મનદુઃખ કરીએ છીએ. (૧ કોરીંથી ૧:૧૦-૧૩; ફિલિપી ૪:૨, ૩; ૨ થેસ્સાલોનીકી ૩:૬-૧૪) તેમ છતાં, આપણે શાંતિમાં રહીએ છીએ. વિચાર કરો કે દુનિયામાં લોકો ઈશ્વરના સાચા જ્ઞાન માટે તરસે છે, પણ આપણી તરસ છિપાઈ છે. લોકો દુઃખમાં છે, પણ સત્ય જાણવાથી આપણને શાંતિ છે. ઈશ્વરના જ્ઞાનનું પાણી ન મળવાથી લોકો ફૂલની માફક કરમાઈ ગયા છે. પણ ઈશ્વર આપણા પર આશીર્વાદો વરસાવે છે. (યશાયાહ ૩૫:૧, ૭) દુનિયામાં લોકો અંધકારમાં જીવે છે, પણ આપણા પર સનાતન સત્યનો પ્રકાશ છે. ઘણા લોકો જાણે બહેરા છે, બાઇબલનો સંદેશો સાંભળતા નથી. પણ આપણે એ સાંભળીને સમજી શકીએ છીએ! (યશાયાહ ૩૫:૫) દાખલા તરીકે, આપણે દાનીયેલ અને યશાયાહના પુસ્તકોમાંથી કેટલું બધું શીખી શક્યા! આપણે દરેક કલમની સમજણ મેળવી શક્યા. યહોવાહના લોકોમાં સનાતન સત્ય, નદીની જેમ વહે છે. શું આ બતાવતું નથી કે યહોવાહના ભક્તો સ્વર્ગ જેવા વાતાવરણમાં છે?
૧૧ હવે એ પણ વિચારો કે યહોવાહના લોકો વચ્ચે કેટલો પ્રેમ છે. અનેક નાત-જાતના હોવા છતા, આપણે બધા બાઇબલ વિષે એક સરખું જ શીખીએ છીએ. આપણે એક રાગથી યહોવાહની સ્તુતિ ગાઈએ છીએ. સત્ય શીખતા પહેલાં, અમુક ભાઈ-બહેનનો સ્વભાવ જાણે જંગલી જાનવર જેવો હતો. પણ હવે તેઓનો સ્વભાવ કેટલો સારો છે. કદાચ તમારો સ્વભાવ પણ બદલાયો હશે. શું તમે ભાઈ-બહેનોમાં એવા મોટા ફેરફારો જોયા છે? (કોલોસી ૩:૮-૧૪) ભલે આપણે હજી ભૂલો કરીએ છીએ, પણ એકબીજાને ફાડી ખાતા નથી. (યશાયાહ ૩૫:૯) મંડળમાં કેટલી શાંતિ છે! ફક્ત એક બે જગ્યાએ જ નહિ, પણ આખા જગતમાં યહોવાહના ભક્તો આવી શાંતિમાં છે. નજીકમાં આખી ધરતી પણ સ્વર્ગ જેવી સુંદર બનશે. શું તમને એમાં રહેવાનું નહિ ગમે?
૧૨ યહોવાહે ઈસ્રાએલીઓને એમ પણ કહ્યું કે, ‘જે સર્વ આજ્ઞા હું આજે તમને ફરમાવું છું તે પાળો, એ સારૂ કે તમે બળવાન થાઓ, ને દેશનું વતન પામો.’ (પુનર્નિયમ ૧૧:૮) વળી, યહોવાહે કહ્યું, ‘એ માટે તમે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળો, ને તેઓને અમલમાં મૂકો; રખેને જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું, તે દેશ તમને ઓકી કાઢે. પણ મેં તમને કહ્યું છે, કે તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ.’ (લેવીય ૨૦:૨૨, ૨૪) યહોવાહે અનેક વાર ઈસ્રાએલીઓને ભલામણ કરી હતી. જો તેઓ તેમની આજ્ઞા પાળશે તો જ, તેઓને વચનના દેશમાં રહેવા મળશે. પણ આ સલાહ તેઓના દિલમાં ઊતરી નહિ. છેવટે યહોવાહે, બાબેલોનીઓ દ્વારા તેઓને સ્વર્ગ જેવા સુંદર દેશમાંથી કાઢી મૂક્યા.
૧૩ જો આપણે ધ્યાન નહિ રાખીએ, તો આપણને પણ સ્વર્ગ જેવા ખ્રિસ્તી મંડળમાંથી કાઢી મૂકવામાં આવશે. મંડળમાં રહેવા માટે એટલું જ પૂરતું નથી કે આપણે એકબીજાની સાથે દોસ્તી બાંધીએ. પણ આપણે હંમેશાં યહોવાહની ભક્તિ કરતા રહીએ. નહિતર આપણે યહોવાહનો આશીર્વાદ ગુમાવીશું. (મીખાહ ૬:૮) ખ્રિસ્તી મંડળ ખરેખર સ્વર્ગ જેવું સુંદર છે. એમાં ખૂબ પ્યારા ભાઈ-બહેનોનો આપણને સાથ છે. એમાં આપણને મન અને દિલની શાંતિ પણ મળે છે!
૧૪ પણ શાંતિ મેળવવા માટે આપણે ઈશ્વરને વળગી રહેવું જોઈએ. આપણે કઈ રીતે એમ કરી શકીએ? એક તો આપણે બાઇબલ વાંચવું જોઈએ અને બીજું એની સલાહ દિલમાં ઉતારવી જોઈએ. એ વિષે ગીતશાસ્ત્ર ૧:૧-૩ કહે છે, ‘જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને ધન્ય છે! પણ યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઈ તે કરે છે તે સફળ થાય છે.’ બાઇબલને સારી રીતે સમજવા બીજું શું કરવું જોઈએ? આપણે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા મળતા પુસ્તક-પુસ્તિકા વાંચવા જોઈએ. એમાંથી આપણને સનાતન સત્ય મળે છે. સ્વર્ગ જેવા ખ્રિસ્તી મંડળ સિવાય આપણને એવું જ્ઞાન બીજે ક્યાંથી મળશે?—માત્થી ૨૪:૪૫-૪૭.
ભાવિ માટેની આશાને પકડી રાખો
૧૫ ઈસ્રાએલીઓ ૪૦ વર્ષ સુધી અરણ્યમાં રખડ્યા. મુસા તેઓને પિસ્ગાહના પહાડો સુધી લઈ ગયા. એ જગ્યા યરદન નદીની પૂર્વ બાજુએ હતી. મુસા અને ઈસ્રાએલીઓ વચનના દેશના આંગણે ઊભા હતા. પણ મુસા તેઓને એ દેશમાં લઈ જઈ નહિ શકે, કેમ કે તેમણે વર્ષો પહેલાં ભૂલ કરી હતી. (ગણના ૨૦:૭-૧૨; ૨૭:૧૨, ૧૩) તેમ છતાં, તેમણે યહોવાહને વિનંતી કરી કે, ‘કૃપા કરીને મને પાર જવા દે, ને યરદનની પેલી પારનો ઉત્તમ દેશ જોવા દે.’ એટલે યહોવાહે મુસાને પિસ્ગાહના પહાડો પર ચડીને એ “ઉત્તમ” દેશ જોવા દીધો. એ દેશ ખરેખર કેવો હતો?—પુનર્નિયમ ૩:૨૫-૨૭.
૧૬ આજે તો એ દેશ ફક્ત પથ્થર ને રેતી ભરેલું રણ છે. સખત તાપના લીધે ઝાડ-પાન સુકાઈ ગયા છે. પણ મુસાના જમાનામાં એ દેશ જાણે કે સુંદર બગીચા જેવો હતો. અમેરિકન વિજ્ઞાન અંગ્રેજી મૅગેઝિનમાં જમીનનો અભ્યાસ કરનાર એક વૈજ્ઞાનિક કહે છે: ‘હજારો વર્ષ દરમિયાન આ દેશ રણ બની ગયો. એ કુદરતી રીતે થયું નથી, પણ માણસોએ એ દેશ બગાડ્યો છે.’ તે એમ પણ કહે છે કે ‘હજારો વર્ષ પહેલાં, આ દેશ સુંદર બગીચા જેવો હતો. ત્યાં ઘેટાં-બકરાં આમતેમ રખડતા અને ચરતા.’ ખરેખર, માણસના લીધે એ સુંદર દેશ આજે સાવ ઉજ્જડ બની ગયો છે.a
૧૭ આ વૈજ્ઞાનિકોનું કહેવું સાચું છે. બાઇબલ આપણને જણાવે છે કે એક વખત એ દેશ ખરેખર સ્વર્ગ જેવો હતો. યહોવાહે ઈસ્રાએલીઓને કહ્યું કે, ‘જેનું વતન પામવાને તમે એ દેશમાં પ્રવેશ કરવાના છો, તે ડુંગરવાળો તથા ખીણોવાળો દેશ છે. આકાશના વરસાદનું પાણી તે પીએ છે; તે દેશને યહોવાહ તારો દેવ કાળજી રાખે છે.’—પુનર્નિયમ ૧૧:૮-૧૨.
૧૮ બાઇબલ જમાનામાં વચનનો દેશ ખૂબ સુંદર હતો. અરે, ઈસ્રાએલી લોકો ગુલામીમાં હતા ત્યારે પણ, લબાનોન, કાર્મેલ અને શારોનની સુંદરતા વિષે વિચારીને તેઓનું દિલ ઝૂમી ઊઠ્યું હશે! તેઓને યશાયાહના આ શબ્દો યાદ આવ્યા હશે કે, “તે પુષ્કળ ખીલશે, વળી આનંદ તથા હર્ષનાદ કરીને તે હરખાશે; તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ, આપણા દેવનો વૈભવ જોશે.” (યશાયાહ ૩૫:૨) ઈસ્રાએલીઓ બાબેલોનમાંથી આઝાદી મેળવીને વતન પાછા ગયા, ત્યાર પછીથી આ ભવિષ્યવાણી પૂરી થઈ.
૧૯ દાખલા તરીકે, શારોનનો દેશ કેવો હતો? એની એક બાજુ સમરૂનના પહાડો હતા, તો બીજી બાજુ મહાસાગર (ભૂમધ્ય સમુદ્ર) હતો. (પાન ૧૦ પરનો ફોટો જુઓ.) ત્યાંની જમીન બહુ જ સારી હતી. ઘેટાં-બકરાંને ચરવા માટેનાં મેદાનો ખૂબ સુંદર હતા. એ દેશમાં અનેક નદીઓ વહેતી હતી. દેશની ઉત્તર બાજુ, મોટા મોટા વૃક્ષોના જંગલો હતા. (૧ કાળવૃત્તાંત ૨૭:૨૯; ગીતોનું ગીત ૨:૧; યશાયાહ ૬૫:૧૦) યશાયાહ ૩૫:૨ની ભવિષ્યવાણી બતાવે છે કે ઈસ્રાએલીઓ અને તેઓના દેશ પર અનેક આશીર્વાદો આવ્યા. પાઊલને થયેલું દર્શન પણ આ ભવિષ્યવાણીમાં પૂરું થાય છે. કઈ રીતે? એ બતાવે છે કે આપણા દિવસમાં યહોવાહના ભક્તોમાં સનાતન સત્ય ફેલાશે. યહોવાહ પોતાના ભક્તો પર ખૂબ આશીર્વાદો વરસાવશે. એ અને બીજી ભવિષ્યવાણીઓ બતાવે છે કે નજીકમાં આપણી પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બનશે.
૨૦ આપણી પાસે સનાતન સત્ય છે. આપણી આશા છે કે નજીકમાં આપણે સ્વર્ગ જેવી સુંદર ધરતી પર હંમેશાં જીવીશું. પણ કઈ રીતે? ટૂંકમાં કહીએ તો, બાઇબલમાંથી વધુ શીખો. બાઇબલ વધારે સારી રીતે સમજવા માટે આપણે શું કરવું જોઈએ? એક રીત છે કે જ્યારે આપણે કોઈ જગ્યા વિષે વાંચીએ, ત્યારે નકશો તપાસીએ. એમાંથી આપણે જાણીશું કે એ જગ્યા ક્યાં છે, એની આસપાસ શું છે. હવે પછીનો લેખ બતાવશે કે આપણે કઈ રીતે આવો અભ્યાસ કરી શકીએ.
[ફુટનોટ]
a ડેનિસ બેલી પોતાના અંગ્રેજી પુસ્તક બાઇબલનો ભૂગોળમાં કહે છે કે, ‘બાઇબલના જમાનાથી આજ સુધી એ દેશ ખૂબ બદલાયો છે. પહેલાં ઘણાં જંગલો હતાં. પણ બળતણ અને બાંધકામ માટે માણસોએ જંગલોને કાપી નાખ્યા. પછી, તાપ ને મોસમને લીધે ભૂમિ સૂકાઈ ગઈ. છેવટે દેશ નકામો બની ગયો.’
તમને યાદ છે?
• પાઊલે દર્શનમાં શું જોયું હતું અને એનો શું અર્થ થાય છે?
• યશાયાહના ૩૫મા અધ્યાયની ભવિષ્યવાણી ક્યારે સાચી પડી? એને પાઊલના દર્શન સાથે શું લાગે-વળગે છે?
• આપણે કઈ રીતે સનાતન સત્ય પકડી રાખીને આવનાર સુંદર ધરતી પર જીવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આપણા ભાવિ વિષે બાઇબલ શું કહે છે?
૨, ૩. (ક) શા માટે કહી શકાય કે નજીકમાં પૃથ્વી સ્વર્ગ જેવી બનશે? (ખ) આજે યહોવાહે તેમના ભક્તો માટે શું કર્યું છે?
૪. બીજો કોરીંથી ૧૨:૨-૪ શું જણાવે છે અને એ દર્શન કોને થયું હતું?
૫. પાઊલના દર્શનમાંનું ‘ત્રીજું આકાશ’ શું છે?
૬. ઈસ્રાએલી લોકોને શું થયું હતું?
૭. ઈસ્રાએલીઓ વતન પાછા ગયા ત્યારે દેશમાં કેવા ફેરફારો થયા?
૮. ઈસ્રાએલી લોકોની હાલત વિષે યશાયાહે શું કહ્યું હતું?
૯. પાઊલના દર્શનનો શું અર્થ થાય છે? એ ખુશીનો સમય ક્યારે જોવા મળ્યો?
૧૦, ૧૧. આપણે ભૂલો કરીએ છીએ છતાં, શા માટે આપણે સ્વર્ગ જેવા વાતાવરણમાં છીએ?
૧૨, ૧૩. સ્વર્ગ જેવા ખ્રિસ્તી મંડળમાં રહેવા માટે આપણે શું કરવું જોઈએ?
૧૪. સનાતન સત્ય મેળવવા માટે આપણે શું કરવું જોઈએ?
૧૫. મુસા શા માટે વચનના દેશમાં ન જઈ શક્યા? પણ તેમણે શું જોયું?
૧૬, ૧૭. (ક) વચનનો દેશ કેવો હતો ને આજે કેવો છે? (ખ) કયો પુરાવો છે કે વચનનો દેશ એક વખત સ્વર્ગ જેવો હતો?
૧૮. ઈસ્રાએલીઓને યશાયાહ ૩૫:૨ પરથી કયું ઉત્તેજન મળ્યું હશે?
૧૯, ૨૦. (ક) જૂના જમાનામાં શારોન કેવું હતું? (ખ) સ્વર્ગ જેવી સુંદર ધરતી પર જીવવા માટે આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૦ પર ચિત્ર]
વચનના દેશમાં, શારોન ખૂબ ફળદ્રુપ હતું
[ક્રેડીટ લાઈન]
Pictorial Archive (Near Eastern History) Est.
[પાન ૧૨ પર ચિત્ર]
મુસાએ જોયું કે વચનનો દેશ “ઉત્તમ” હતો