વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૮/૧૫ પાન ૨૪-૨૯
  • પ્રેમનો નિયમ આપણા હૃદયમાં છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રેમનો નિયમ આપણા હૃદયમાં છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • હૃદયમાં લખેલો નિયમ
  • નિયમનું મૂળ પ્રેમમાં છે
  • પ્રેમ કરવાનો અર્થ થાય કે આપણે આજ્ઞા પાળીએ
  • આપણાં કામોથી દેખાઈ આવતો પ્રેમ
  • ઈશ્વર તમને ચાહે છે, તમે પણ તેમને ચાહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • પડોશી પર પ્રીતિ કર, એટલે શું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • “એ જ ઈશ્વર પરનો પ્રેમ છે”
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • પ્રેમમાં વધતા જાઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૮/૧૫ પાન ૨૪-૨૯

પ્રેમનો નિયમ આપણા હૃદયમાં છે

“હું મારો નિયમ તેઓનાં હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ.”—યિર્મેયાહ ૩૧:૩૩.

૧, ૨. (ક) આપણે હવે શાની ચર્ચા કરીશું? (ખ) યહોવાહે કઈ રીતે સિનાય પર્વત આગળ તેમની હાજરી બતાવી?

છેલ્લા બે લેખોમાંથી આપણે શીખ્યા કે મુસા સિનાય પર્વત પરથી ઊતર્યા, ત્યારે તેમના ચહેરા પર યહોવાહનું ગૌરવ ચમકતું હતું. આપણે એ પણ શીખ્યા કે મુસાએ શા માટે થોડા સમય માટે પોતાનો ચહેરો ઢાંકવો પડ્યો હતો. ચાલો આપણે હવે બીજી એક બાબતનો વિચાર કરીએ જે આજના ખ્રિસ્તીઓને અસર કરે છે.

૨ મુસા પર્વત પર હતા ત્યારે યહોવાહે તેમને આજ્ઞાઓ આપી હતી. એ વખતે ઈસ્રાએલીઓએ સિનાય પર્વતની આગળ હતા. ત્યાં તેઓએ યહોવાહની હાજરીની મહાન નિશાનીઓ જોઈ. બાઇબલ કહે છે: ‘ગર્જના તથા વીજળી તથા પર્વત પર ઘાડું વાદળ, તથા રણશિંગડાનો બહુ મોટો અવાજ થયાં; અને તેથી છાવણીના સર્વ લોક ધ્રૂજી ગયા. અને આખા સિનાય પર્વત ઉપર ધુમાડો થયો, કેમ કે યહોવાહ તે પર અગ્‍નિ દ્વારા ઊતર્યો; અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચઢ્યો, ને આખો પર્વત બહુ કંપ્યો.’—નિર્ગમન ૧૯:૧૬-૧૮.

૩. યહોવાહે ઈસ્રાએલીઓને કઈ રીતે દસ આજ્ઞાઓ આપી, અને તેઓ એનાથી શું સમજ્યા?

૩ યહોવાહે એક સ્વર્ગદૂત દ્વારા ઈસ્રાએલીઓ સાથે વાત કરી. તેમણે આપેલા નિયમો દસ આજ્ઞાઓ તરીકે ઓળખાય છે. (નિર્ગમન ૨૦:૧-૧૭) આથી, આ આજ્ઞાઓ ઈશ્વર તરફથી આવી હતી એ વિષે લોકોને કોઈ શંકા ન હતી. યહોવાહે આ દસ આજ્ઞાઓ પથ્થરની બે પાટીઓ પર લખી આપી હતી. પરંતુ મુસાએ ઈસ્રાએલીઓને સોનાના વાછરડાંની પૂજા કરતા જોયા ત્યારે, તેમણે આ બે પાટીઓને ભાંગી નાખી. જોકે, યહોવાહે ફરીથી તેમની આજ્ઞાઓ પથ્થરની પાટીઓ પર લખી આપી. મુસા આ વખતે આજ્ઞાઓ લઈને પર્વત પરથી ઊતર્યા ત્યારે તેમનો ચહેરો પ્રકાશથી ચમકતો હતો. આથી બધા સમજી ગયા હશે કે એ આજ્ઞાઓ બહુ મહત્ત્વની છે.—નિર્ગમન ૩૨:૧૫-૧૯; ૩૪:૧, ૪, ૨૯, ૩૦.

૪. દસ આજ્ઞાઓ કેમ ખૂબ મહત્ત્વની હતી?

૪ પથ્થરની બે પાટીઓ પર લખાયેલી ઈશ્વરની દસ આજ્ઞાઓ કરાર કોશની અંદર મૂકવામાં આવી. એ કરાર કોશ પહેલાં મંડપના અને પછી મંદિરના સૌથી પવિત્ર ભાગમાં મૂકવામાં આવ્યો. આ બે પાટીઓ પર જે આજ્ઞાઓ લખેલી હતી, એ ઈસ્રાએલીઓ સાથે થયેલા કરારના મૂળ સિદ્ધાંતો બતાવતી હતી. અને એના આધારે યહોવાહ ઈસ્રાએલી પ્રજા પર રાજ કરતા હતા. એનાથી એ પણ સાબિત થયું કે યહોવાહ પોતે પસંદ કરેલા લોકો પર, એટલે કે ઈસ્રાએલીઓ પર રાજ કરતા હતા.

૫. ઈસ્રાએલીઓને ઈશ્વરે જે નિયમો આપ્યા એમાં કઈ રીતે તેમનો પ્રેમ પ્રગટ થાય છે?

૫ આ નિયમો આપણને યહોવાહ વિષે, અને ખાસ કરીને તે પોતાની પ્રજાને કેટલી ચાહે છે એ વિષે ઘણું જણાવે છે. જે લોકોએ આ નિયમો પાળ્યા, તેઓ માટે એ એક અનમોલ ભેટ બન્યા. એક વિદ્વાને લખ્યું: ‘માણસે બનાવેલા કોઈ પણ નીતિ નિયમ, ઈશ્વરે આપેલી દસ આજ્ઞાઓ જેટલા સારા નથી. અરે, એ એની નજીક પણ કદી આવી નહિ શકે.’ મુસાને આપેલા નિયમશાસ્ત્ર વિષે યહોવાહે કહ્યું: “તો હવે જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે; અને મારે સારૂ તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો.”—નિર્ગમન ૧૯:૫, ૬.

હૃદયમાં લખેલો નિયમ

૬. પથ્થર પર લખેલા નિયમો કરતાં, કયો નિયમ વધુ મૂલ્યવાન બન્યો?

૬ હા, ઈશ્વરે આપેલા નિયમો બહુ મૂલ્યવાન હતા. પરંતુ, શું તમે જાણો છો કે એ પથ્થર પર લખેલા નિયમો કરતાં, અભિષિક્ત ખ્રિસ્તીઓ પાસે વધારે મૂલ્યવાન ચીજ છે? યહોવાહે ઈસ્રાએલીઓ સાથે નિયમ કરાર બાંધ્યો હતો. પણ તેમણે કહ્યું હતું કે એક નવો કરાર શરૂ થશે. “હું મારો નિયમ તેઓનાં હૃદયમાં મૂકીશ, તેઓના હૃદયપટ પર તે લખીશ.” (યિર્મેયાહ ૩૧:૩૧-૩૪) ઈસુ આ નવા કરારના મધ્યસ્થ હતા. પરંતુ, તેમણે પોતાના શિષ્યોને એકેય નિયમ લખીને આપ્યો ન હતો. વાણી અને વર્તનથી ઈસુએ પોતાના શિષ્યોના મન અને હૃદયમાં યહોવાહનો નિયમ મૂક્યો.

૭. ‘ખ્રિસ્તનો નિયમ’ સૌથી પહેલા કોને મળ્યો? પછી કોણે એનો સ્વીકાર કર્યો?

૭ આ નિયમ, “ખ્રિસ્તનો નિયમ” તરીકે ઓળખાય છે. એ નિયમ યાકૂબના વંશમાંથી આવેલી ઈસ્રાએલી પ્રજાને આપવામાં આવ્યો ન હતો. પરંતુ, ઈશ્વરે પસંદ કરેલી નવી પ્રજાને આપવામાં આવ્યો જે “દેવના ઈસ્રાએલ” તરીકે ઓળખાય છે. (ગલાતી ૬:૨, ૧૬; રૂમી ૨:૨૮, ૨૯) દેવનું ઈસ્રાએલ, અભિષિક્ત ખ્રિસ્તીઓથી બનેલું છે. થોડા સમય બાદ, સર્વ દેશોમાંથી આવેલી “એક મોટી સભા” પણ તેઓ સાથે જોડાઈ. આ સભા પણ ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૦; ઝખાર્યાહ ૮:૨૩) ‘એક જ ઘેટાંપાળકની’ દેખરેખ હેઠળ, આ બંને સમૂહ એક ટોળું બનીને “ખ્રિસ્તનો નિયમ” સ્વીકારે છે. એટલું જ નહિ, તેઓ એ નિયમના માર્ગદર્શન પ્રમાણે જીવે છે.—યોહાન ૧૦:૧૬.

૮. મુસાના નિયમશાસ્ત્ર અને ખ્રિસ્તના નિયમ વચ્ચે કયો ફરક હતો?

૮ ઈસ્રાએલી પ્રજા જન્મથી જ મુસાના નિયમશાસ્ત્રથી બંધાયેલી હતી. જ્યારે કે, ખ્રિસ્તીઓ પોતાની મરજીથી ખ્રિસ્તના નિયમ હેઠળ આવે છે. પછી ભલે તેઓ ગમે એ જાતિના હોય કે ગમે એ દેશમાં જન્મ્યા હોય. તેઓ યહોવાહ અને તેમના માર્ગો વિષે શીખે છે અને તેમની ઇચ્છા પૂરી કરવા કોશિશ કરે છે. અભિષિક્ત ખ્રિસ્તીઓના “હૃદયમાં” જાણે ઈશ્વરનો નિયમ ‘લખેલો’ છે. તેઓ ફરજને લીધે એ પાળતા નથી. તેમ જ, તેઓ એ ડરથી પણ પાળતા નથી કે નિયમ નહીં પાળવાથી ઈશ્વર તેઓને સજા કરશે. આજ્ઞા પાળવાનું મૂળ કારણ ખૂબ ઊંડું છે. ઈશ્વરનો નિયમ બીજાં ઘેટાંના હૃદયમાં પણ લખેલો છે, એટલે તેઓ પણ ઈશ્વરની આજ્ઞા ખુશીથી પાળે છે.

નિયમનું મૂળ પ્રેમમાં છે

૯. ઈસુએ કઈ રીતે બતાવ્યું કે યહોવાહના સર્વ નિયમોનું મૂળ પ્રેમ છે?

૯ યહોવાહના સર્વ નિયમો અને આજ્ઞાઓનો સાર એક જ શબ્દમાં આપી શકાય છે: પ્રેમ. સાચી ભક્તિ કરવા માટે એની હંમેશા જરૂર રહી છે અને હંમેશાં જરૂર રહેશે. ઈસુને પૂછવામાં આવ્યું કે સૌથી મહત્ત્વનો નિયમ કયો છે ત્યારે, તેમણે જવાબમાં કહ્યું: “પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર.” બીજો નિયમ આ હતો: “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” પછી તેમણે કહ્યું: “આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” (માત્થી ૨૨:૩૫-૪૦) આમ, ઈસુએ બતાવ્યું કે ફક્ત મુસાનો નિયમ અને દસ આજ્ઞાઓ જ નહિ, પણ આખા હેબ્રી શાસ્ત્રનું મૂળ પ્રેમમાં હતું.

૧૦. આપણને કઈ રીતે ખબર છે કે ખ્રિસ્તના નિયમનું મૂળ પ્રેમ છે?

૧૦ ખ્રિસ્તીઓના દિલમાં જે નિયમ છે, શું એનું મૂળ ઈશ્વર અને પડોશી માટેનો પ્રેમ છે? હા, બિલકુલ! ખ્રિસ્તના નિયમનો અર્થ થાય કે ખ્રિસ્તીઓ ઈશ્વરને દિલથી ચાહે. એમાં એક નવી આજ્ઞા પણ છે: ખ્રિસ્તીઓએ એકબીજા પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ બતાવવો જોઈએ. અરે, બીજાઓ માટે પોતાનો જીવ પણ આપી દે. આપણે પણ ઈસુ જેવો જ પ્રેમ બતાવવો જોઈએ. ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે તેઓ ઈશ્વરને પ્રેમ કરે, અને જેમ પોતે શિષ્યોને પ્રેમ બતાવ્યો તેમ તેઓ એકબીજાને પ્રેમ બતાવે. એકબીજા માટેનો આવો ઊંડો પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ખાસ ઓળખ છે. (યોહાન ૧૩:૩૪, ૩૫; ૧૫:૧૨, ૧૩) ઈસુએ શિષ્યોને પોતાના દુશ્મનોને પણ પ્રેમ કરવાનું શીખવ્યું.—માત્થી ૫:૪૪.

૧૧. ઈસુએ કઈ રીતે ઈશ્વર અને માણસો માટે પ્રેમ બતાવ્યો?

૧૧ પ્રેમ બતાવવામાં ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો. તે એક શક્તિશાળી સ્વર્ગદૂત હતા. તોપણ તે રાજીખુશીથી તેમના પિતાની ઇચ્છા પૂરી કરવા પૃથ્વી પર આવ્યા. ઈસુએ પોતાનો જીવ અર્પી દીધો જેથી આપણે સદા માટે જીવી શકીએ. એટલું જ નહિ, તેમણે લોકો માટે દાખલો બેસાડ્યો કે તેઓએ કઈ રીતે જીવવું જોઈએ. ઈસુ નમ્ર સ્વભાવના હતા. દયા અને અનુકંપાથી ભરપૂર હતા. બોજથી દબાયેલા અને જુલમથી કચડાઈ ગયેલાઓને તેમણે મદદ કરી. તેમણે લોકોને “અનંતજીવનની વાતો” શીખવી અને થાક્યા વગર યહોવાહ વિષે શીખવતા રહ્યા.—યોહાન ૬:૬૮.

૧૨. ઈશ્વર માટેનો પ્રેમ અને પડોશી માટેનો પ્રેમ કઈ રીતે એકબીજા સાથે જોડાયેલા છે?

૧૨ ઈશ્વર અને પડોશી માટેનો પ્રેમ એકબીજા સાથે જોડાયેલા છે. પ્રેરિત યોહાને કહ્યું: ‘પ્રેમ દેવથી છે; જો કોઈ કહે, કે હું દેવ પર પ્રેમ રાખું છું, પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો દેવ જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી.’ (૧ યોહાન ૪:૭, ૨૦) યહોવાહ પ્રેમના સાગર છે. તે જે કંઈ કરે, એ પ્રેમથી કરે છે. આપણે એકબીજાને પ્રેમ બતાવી શકીએ છીએ, કેમ કે ઈશ્વરે આપણને તેમના જેવા બનાવ્યા છે. (ઉત્પત્તિ ૧:૨૭) પડોશીને પ્રેમ બતાવીને આપણે ઈશ્વરને પણ પ્રેમ બતાવીએ છીએ.

પ્રેમ કરવાનો અર્થ થાય કે આપણે આજ્ઞા પાળીએ

૧૩. ઈશ્વર માટે પ્રેમ બતાવવા આપણે પહેલાં શું કરવું જોઈએ?

૧૩ આપણે ઈશ્વરને જોઈ શકતા નથી, તો આપણે કઈ રીતે તેમને પ્રેમ કરી શકીએ? સૌથી મહત્ત્વનું અને પહેલું પગલું એ છે કે આપણે તેમને ઓળખીએ. આપણે કોઈ અજાણી વ્યક્તિને પ્રેમ કરી શકતા નથી. તેના પર વિશ્વાસ પણ રાખી શકતા નથી. આથી, ઈશ્વરનું વચન આપણને બાઇબલ વાંચવાનું, પ્રાર્થના કરવાનું અને બીજા ઈશ્વરભક્તો સાથે જોડાવવાનું ઉત્તેજન આપે છે. આમ આપણે ઈશ્વરને સારી રીતે ઓળખી શકીશું. (ગીતશાસ્ત્ર ૧:૧, ૨; ફિલિપી ૪:૬; હેબ્રી ૧૦:૨૫) આ વિષે સુવાર્તાના ચાર પુસ્તકો બહુ જ મદદ કરે છે. કેમ કે એમાં ઈસુના જીવન અને સેવાકાર્ય વિષે જણાવ્યું છે. એનાથી આપણે જોઈ શકીએ છીએ કે યહોવાહ કેવા છે, તેમનો સ્વભાવ કેવો છે. આપણે ઈશ્વરને નજીકથી ઓળખીએ અને યાદ રાખીએ કે તે આપણને કેટલા ચાહે છે, ત્યારે તેમની આજ્ઞાઓ પાળવાની આપણી તમન્‍ના દિવસે દિવસે વધે છે. તેમ જ, આપણામાં તેમના જેવા બનવાની ઇચ્છા વધે છે. હા, ઈશ્વરને પ્રેમ કરવામાં આપણે તેમની આજ્ઞાઓ પણ પાળવી જોઈએ.

૧૪. આપણે શા માટે કહી શકીએ કે ઈશ્વરની આજ્ઞાઓ બોજરૂપ નથી?

૧૪ આપણે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરીએ, ત્યારે આપણને ખબર પડે છે કે તેને શું ગમે છે અને શું નથી ગમતું. એ જાણીને આપણે પોતાનો સ્વભાવ કે વર્તન બદલીએ છીએ. કેમ કે આપણે એ પ્રિયજનને નાખુશ કરવા ચાહતા નથી. પ્રેરિત યોહાને લખ્યું: “આપણે દેવની આજ્ઞાઓ પાળીએ, એ જ દેવ પરનો પ્રેમ છે; અને તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) હા, ઈશ્વરની આજ્ઞાઓ બોજ નથી. તેમણે આપણને કંઈ હજારો આજ્ઞાઓ આપી નથી. પ્રેમ આપણને માર્ગદર્શન આપે છે. આપણે પોતાના દરેક કામમાં શું કરવું ને શું ન કરવું, એ જાણવા માટે અનેક નિયમો યાદ રાખવાની જરૂર નથી. ફક્ત ઈશ્વર માટેનો પ્રેમ આપણને બતાવે છે કે આપણે શું કરવું જોઈએ. જો આપણે ઈશ્વરને ચાહતા હોઈશું, તો ખુશીથી તેમની ઇચ્છા પ્રમાણે વર્તીશું. આમ, આપણે ઈશ્વરને ખુશ કરીશું અને એનાથી આપણને પણ લાભ થશે. કેમ કે ઈશ્વરનું માર્ગદર્શન હંમેશાં આપણા ભલા માટે હોય છે.—યશાયાહ ૪૮:૧૭.

૧૫. યહોવાહ જેવા બનવાની પ્રેરણા ક્યાંથી આવે છે? સમજાવો.

૧૫ ઈશ્વર માટેનો પ્રેમ આપણને તેમના જેવા ગુણો બતાવવાની પ્રેરણા આપે છે. આપણે કોઈ વ્યક્તિને ચાહીએ ત્યારે તેનો સ્વભાવ પસંદ કરીએ છીએ અને તેના જેવા બનવા કોશિશ કરીએ છીએ. યહોવાહ અને ઈસુ વચ્ચેના સંબંધનો વિચાર કરો. તેઓ સ્વર્ગમાં કદાચ અબજો અબજો વર્ષો સાથે રહ્યા હતા અને તેઓ વચ્ચે પ્રેમનો અતૂટ નાતો હતો. ઈસુ એટલે હદ સુધી તેમના પિતા જેવા છે કે તે પૃથ્વી પર હતા ત્યારે પોતાના શિષ્યોને કહી શક્યા: “જેણે મને જોયો છે તેણે બાપને જોયો છે.” (યોહાન ૧૪:૯) તેથી, યહોવાહ અને તેમના પુત્રને આપણે નજીકથી ઓળખીશું, તેઓની દિલથી કદર કરીશું તો આપણને તેઓના જેવા બનવા વધુ પ્રેરણા મળશે. ઈશ્વર માટેનો પ્રેમ અને તેમના શક્તિની મદદથી આપણે ‘જૂનું માણસપણું અને તેની કરણીઓ સુદ્ધાં ઉતારી મૂકી શકીએ અને જે નવું માણસપણું છે, તે પહેરી શકીએ છીએ.’—કોલોસી ૩:૯, ૧૦; ગલાતી ૫:૨૨, ૨૩.

આપણાં કામોથી દેખાઈ આવતો પ્રેમ

૧૬. આપણા પ્રચાર અને શિષ્યો બનાવવાના કામ દ્વારા કઈ રીતે ઈશ્વર અને પડોશી માટેનો પ્રેમ પ્રગટ થાય છે?

૧૬ ખ્રિસ્તીઓ તરીકે, આપણે ઈશ્વર અને પડોશી માટેના પ્રેમને લીધે પ્રચાર અને શિષ્યો બનાવવાનું કામ કરીએ છીએ. એ કામ કરવાથી આપણે યહોવાહને ખુશ કરીએ છીએ કેમ કે “સઘળાં માણસો તારણ પામે, ને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની [ઈશ્વરની] ઇચ્છા છે.” (૧ તીમોથી ૨:૩, ૪) આપણે બીજાઓને ખ્રિસ્તનો નિયમ હૃદયમાં મૂકવા મદદ કરીએ છીએ, ત્યારે આપણને આનંદ મળે છે. આ વ્યક્તિઓ પ્રગતિ કરે અને પોતાનો સ્વભાવ બદલીને યહોવાહ જેવા ગુણો બતાવવા લાગે ત્યારે આપણને કેટલો આનંદ થાય છે. (૨ કોરીંથી ૩:૧૮) ખરું કહીએ તો, આપણે બીજાઓને ઈશ્વરને ઓળખવા મદદ કરીએ ત્યારે તેઓને સૌથી અનમોલ ભેટ આપીએ છીએ. ઈશ્વરના મિત્ર બનવા ચાહે છે, તેઓ સદા માટે એનો આનંદ માણી શકે છે.

૧૭. દુન્યવી ઝગમગાટ પાછળ પડવાને બદલે આપણે શા માટે યહોવાહ અને લોકો માટે પ્રેમ વધારવો જોઈએ?

૧૭ આપણે એવા જમાનામાં જીવીએ છીએ જ્યાં લોકો ધન-દોલત અને મોજશોખની ચીજ-વસ્તુને બહુ મૂલ્યવાન ગણે છે. અરે, એને જીવની જેમ ચાહે છે. પછી ભલેને તેઓની એ વસ્તુઓ હંમેશ માટે ન ટકે કે કોઈ એને ચોરી જાય. (માત્થી ૬:૧૯) બાઇબલ ચેતવણી આપતા કહે છે: “જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૬, ૧૭) હા, યહોવાહ સદા રહેશે. તેમને ચાહે છે અને તેમની સેવા કરે છે, તેઓ પણ સદા રહેશે. આ દુન્યવી ઝગમગાટ થોડો જ સમય ટકવાનો છે. તો પછી, શું એ વધારે સારું નથી કે એની પાછળ પડવાને બદલે આપણે યહોવાહ અને લોકો માટે પ્રેમ વધારીએ?

૧૮. એક મિશનરી બહેને કઈ રીતે હમદર્દી બતાવી?

૧૮ પ્રેમના માર્ગ પર ચાલે છે, તેઓ યહોવાહનું નામ રોશન કરે છે. સોનિયા નામની એક બહેનનો વિચાર કરો. તે સેનેગલમાં મિશનરી છે. તેણે હાઈડી નામની સ્ત્રી સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. હાઈડીને તેના પતિ તરફથી એચઆઈવીનો ચેપ લાગ્યો હતો. હાઈડીનો પતિ ગુજરી ગયો પછી તે બાપ્તિસ્મા પામી. પરંતુ, થોડા સમય બાદ તેની તંદુરસ્તી બગડી ગઈ. એઈડ્‌સને લીધે તેણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. સોનિયા કહે છે: ‘હૉસ્પિટલના કર્મચારીઓ બનતી બધી જ મદદ કરતા હતા પણ, તેનું ધ્યાન રાખવા પૂરતો સ્ટાફ ન હતો. આથી, હાઈડીનું ધ્યાન રાખવા માટે મંડળના અમુક ભાઈ-બહેનોને બોલાવવામાં આવ્યા. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી એની બીજી જ રાતથી હાઈડીની પથારીની બાજુમાં જ હું ગોદડી પાથરીને તેની દેખરેખ કરવા લાગી. તેના મોત સુધી ત્યાં રહીને હું તેની ચાકરી કરતી રહી. હૉસ્પિટલના મોટા ડૉક્ટરે મને કહ્યું: “અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે કુટુંબીજનોને ખબર પડે કે કોઈ બીમાર સગાં-વહાલાંને એઈડ્‌સ છે, ત્યારે તેઓ તેને છોડી દે છે. જ્યારે તમે તો આ દરદીના કોઈ સગાં-વહાલાં નથી. તમે તેની જાતિના કે તેના દેશના પણ નથી. તોપણ તમે શા માટે એવી જોખમકારક સ્થિતિમાં આવ્યા” મેં તેમને સમજાવ્યું કે મારા માટે તો હાઈડી સગી બહેન જેવી હતી. અમારા બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે જાણે અમે બંને એક મા-બાપ હોય એમ લાગતું હતું. આ બહેનનું ધ્યાન રાખવામાં મને ઘણી ખુશી મળી છે.’ એ પણ નોંધ કરવા જેવું છે કે હાઈડીનું પ્રેમથી ધ્યાન રાખવામાં સોનિયાને કોઈ પણ બીમારી થઈ નહિ.

૧૯. હૃદયમાં ઈશ્વરનો નિયમ હોવાથી આપણે શું કરવું જોઈએ?

૧૯ આમ, આજે બીજાઓ માટે પોતાનું સર્વસ્વ કુરબાન કરી દે એવા યહોવાહના સેવકોના ઘણા દાખલા જોવા મળે છે. આજે ઈશ્વરના લોકોની ઓળખ કોઈ લેખિત નિયમથી થતી નથી. એને બદલે, આપણે હેબ્રી ૮:૧૦ના આ શબ્દોને આજે સાચા પડતા જોઈએ છીએ: “હવે પછી જે કરાર હું ઈસ્રાએલના વંશજોની સાથે કરીશ, તે આ છે; હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ, ને તેઓના હૃદયપટ પર તે લખીશ: હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.” યહોવાહે આપણા હૃદયમાં તેમનો નિયમ લખ્યો છે. ચાલો આપણે એને હંમેશાં સાચવી રાખીએ અને દરેક તકે પ્રેમ બતાવતા રહીએ.

૨૦. ખ્રિસ્તનો નિયમ કેમ એક અનમોલ ચીજ છે?

૨૦ જગતભરના ભાઈ-બહેનો એકબીજાને સાચો પ્રેમ બતાવે છે. તેઓ સાથે જોડાઈને યહોવાહની સેવા કરવાથી આપણને કેટલો આનંદ મળે છે! આ પ્રેમ વગરની દુનિયામાં, જેઓના દિલમાં ખ્રિસ્તનો નિયમ છે, તેઓ પાસે એક અનમોલ ચીજ છે. તેઓ ફક્ત યહોવાહનો જ પ્રેમ અનુભવતા નથી, પરંતુ પોતાના ભાઈચારામાં જે અતૂટ પ્રેમ છે, એનો પણ આનંદ માણે છે. “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારૂં તથા શોભાયમાન છે!” ભલે યહોવાહના સાક્ષીઓ અનેક દેશોમાં રહે છે, જુદી જુદી ભાષાઓ બોલે છે અને જુદી જુદી સંસ્કૃતિ પાળે છે, તેઓ બધા સંપથી એક જ ધર્મ પાળે છે. આવો સંપ દુનિયામાં બીજે ક્યાંય જોવા નહિ મળે. આ સંપને લીધે જ યહોવાહનો આશીર્વાદ તેઓ પર છે. ગીતશાસ્ત્રના એક લેખકે લખ્યું: “યહોવાહે ત્યાં [પ્રેમથી સંપીને રહેતા લોકો મધ્યે] આશીર્વાદ, એટલે અનંતકાળનું જીવન, ફરમાવ્યું છે.”—ગીતશાસ્ત્ર ૧૩૩:૧-૩.

તમે જવાબ આપી શકો છો?

• દસ આજ્ઞાઓ કેટલી મહત્ત્વની હતી?

• હૃદયમાં લખેલો નિયમ શું છે?

• ‘ખ્રિસ્તના નિયમમાં’ પ્રેમ કયો ભાગ ભજવે છે?

• આપણે કઈ રીતોએ ઈશ્વર અને પડોશી માટેનો પ્રેમ બતાવી શકીએ?

[પાન ૨૫ પર ચિત્ર]

ઈસ્રાએલીઓ પાસે પથ્થરની પાટીઓ પર લખેલા નિયમો હતા

[પાન ૨૬ પર ચિત્ર]

ઈશ્વરનો નિયમ ખ્રિસ્તીઓના દિલમાં લખેલો છે

[પાન ૨૮ પર ચિત્ર]

વર્ષ ૨૦૦૪ના મહાસંમેલનમાં સેનેગલથી આવેલી એક છોકરી સાથે સોનિયા

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો