વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૧૦/૧૫ પાન ૪-૭
  • સૌથી સારા શિક્ષણનો લાભ લો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સૌથી સારા શિક્ષણનો લાભ લો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • સાચા ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ
  • સુધરવા હિંમત આપશે
  • તમે પણ સૌથી સારું શિક્ષણ મેળવી શકો
  • બા ઇ
    સજાગ બનો!—૧૯૯૮
  • સૌથી સારું શિક્ષણ, યહોવાહનું શિક્ષણ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • કેવું શિક્ષણ તમને સફળ બનાવી શકે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૧૦/૧૫ પાન ૪-૭

સૌથી સારા શિક્ષણનો લાભ લો

બાઇબલ કહે છે, યહોવાહ સૃષ્ટિના સર્જનહાર છે. તેમણે મનુષ્યને પણ બનાવ્યા. (ઉત્પત્તિ ૧:૨૭; પ્રકટીકરણ ૪:૧૧) યહોવાહ મહાન શિક્ષક છે. તેમણે પ્રથમ યુગલ આદમ અને હવાને એદન વાડીમાં જરૂરી શિક્ષણ પૂરું પાડ્યું, જેથી તેઓ સારી રીતે રહી શકે. યહોવાહ ઇચ્છતા હતા કે પોતે કાયમ તેઓની સંભાળ રાખશે અને જરૂરી શિખામણ આપતા રહેશે. (ઉત્પત્તિ ૧:૨૮, ૨૯; ૨:૧૫-૧૭; યશાયાહ ૩૦:૨૦, ૨૧) ઈશ્વર તેઓને હંમેશાં સાથ આપવાના હતા અને તેઓ કાયમ માટે જીવવાના હતા, એનો વિચાર કરો!

અફસોસની વાત છે કે તેઓએ આ આશીર્વાદ ગુમાવ્યા, કેમ કે આદમ અને હવાએ પરમેશ્વરનો નિયમ તોડ્યો. તેઓએ પરમેશ્વરથી મોં ફેરવી લીધું. તેઓ પાપી બન્યા. એના લીધે તેઓ યહોવાહના નિયમ પ્રમાણે જીવવાની ક્ષમતા ગુમાવી બેઠા. તેઓ ધીમે ધીમે ઘરડા થઈને મરણ પામ્યા. તેઓના પાપને કારણે આખી માણસજાત પાપના પંજામાં આવી ગઈ. (ઉત્પત્તિ ૩:૧૭-૧૯; રૂમી ૫:૧૨) તેઓની અમુક પેઢીઓ પછી પૃથ્વીની હાલત કેવી થઈ ગઈ? એના વિષે બાઇબલ કહે છે: “યહોવાહે જોયું કે માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઇ, ને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે.”—ઉત્પત્તિ ૬:૫.

આજથી લગભગ ૪,૫૦૦ વર્ષ પહેલાં યહોવાહે જોયું કે મનુષ્યના વિચારો નિરંતર ભૂંડા છે. એમાંય વળી, આજે તો એના કરતાં પણ અતિશય ભૂંડી હાલત છે. ઘણા લોકો આજે જૂઠું બોલતા, ચોરી કરતા કે કોઈનું ખૂન કરતા જરાય ખચકાતા નથી. આજે દુનિયામાં કોઈને કોઈની પડી નથી. એ કારણે મુશ્કેલીઓ વધતી જાય છે. એના લીધે સમાજમાં અને કુટુંબોમાં સંબંધો બગડતા નથી શું? દુનિયામાં મુશ્કેલીઓ વધતી જાય છે, એનો અર્થ એ નથી કે ઈશ્વરને આપણી કંઈ પડી નથી. આપણે ઈશ્વરને માથે દોષનો ટોપલો મૂકી દેવો જોઈએ નહિ. યહોવાહ કાયમ મનુષ્યનું ભલું જ ઇચ્છે છે. તે સાચું શિક્ષણ આપવા સદા તૈયાર છે. એ કારણે ઈશ્વરે લગભગ ૨,૦૦૦ વર્ષ પહેલાં ઈસુને સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલ્યા. ઈસુ, યહોવાહના હાથ નીચે યુગોથી ભણ્યા હતા. તે પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે યહોવાહનું શિક્ષણ લોકોને સૌથી સારી રીતે શીખવ્યું.

સાચા ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ

ઈસુ ખ્રિસ્તના પ્રચારથી સાચા ખ્રિસ્તી ધર્મની શરૂઆત થઈ. સાચા ખ્રિસ્તીઓનું જીવન પ્રેમના શિક્ષણ પર આધારિત હતું. તેઓએ ઈશ્વરના શિક્ષણ પ્રમાણે દરેક રીતે જીવવાનું હતું. એનાથી તેઓ ઈશ્વરના નામને માન અને મહિમા આપતા હતા. (માત્થી ૨૨:૩૭-૩૯; હેબ્રી ૧૦:૭) ઈસુ જે શીખવતા હતા એ પોતાનું નહિ પણ યહોવાહનું શિક્ષણ હતું. એના વિષે યોહાન ૮:૨૯ કહે છે: “જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે; તેણે મને એકલો મૂક્યો નથી; કેમ કે જે કામો તેને ગમે છે તે હું નિત્ય કરૂં છું.” એ બતાવે છે કે ઈસુ જે કંઈ પ્રચાર કરતા કે શીખવતા એની પાછળ યહોવાહનો હાથ હતો. ઈસુના શિષ્યો પર જ્યારે મુશ્કેલીઓ આવતી ત્યારે તેઓ મૂંઝાઈ જતા ન હતા. યહોવાહે તેઓને ઈસુ દ્વારા શિક્ષણ પૂરું પાડ્યું હતું. તેઓ ઈસુના પગલે ચાલતા હોવાથી તેઓનો સ્વભાવ સુધર્યો. આજે પણ ઈસુના શિષ્યો કે યહોવાહના ભક્તો તેમના પગલે ચાલી રહ્યા છે.—“ઈસુનો દાખલો અને શિક્ષણની અસર,” પાન ૬ પરનું બૉક્સ જુઓ.

સાચા ખ્રિસ્તી ધર્મની અસર વ્યક્તિના મન અને દિલ પર થાય છે ત્યારે, તેનામાં સુધારો થવા લાગે છે. (એફેસી ૪:૨૩, ૨૪) લગ્‍નસાથીને વફાદાર રહેવા વિષે ઈસુએ શું કહ્યું હતું એનો એક દાખલો લઈએ: “વ્યભિચાર ન કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે; પણ હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૭, ૨૮) ઈસુ પોતાના શિષ્યોને શીખવતા કે હંમેશા પોતાનું દિલ અને મન શુદ્ધ રાખવું જોઈએ. નહિ તો આપણને ખરાબ વિચારો આવશે અને આપણે ખોટાં કામો કરી બેસીશું. એનાથી ઈશ્વર અને બીજાઓને દુઃખ નહિ થાય શું?

બાઇબલ આ સલાહ આપે છે: “આ દુનિયાના ધોરણને અનુસરો નહિ; પરંતુ ઈશ્વરને તમારા મનનું પૂરેપૂરું બદલાણ કરીને તમારું આંતરિક રૂપાન્તર કરવા દો. ત્યાર પછી જ તમને ઈશ્વરની ઇચ્છાની ખબર પડશે કે શું સારું છે, ઈશ્વરને શું ગમે છે અને શું સંપૂર્ણ યોગ્ય છે.” (રોમનો ૧૨:૨, પ્રેમસંદેશ) તમને સવાલ થઈ શકે કે ‘શું એવું શિક્ષણ મેળવવાથી વ્યક્તિનું મન બદલાઈ શકે?’ બાઇબલમાં આપેલા ઈશ્વરના વિચારો અને સિદ્ધાંતો પોતાના દિલમાં ઉતારીશું તો જ આપણામાં સારા ફેરફારો આવશે.

સુધરવા હિંમત આપશે

“ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે.” (હિબ્રૂ ૪:૧૨, પ્રેમસંદેશ) આજે જેઓ બાઇબલની સલાહ પોતાના જીવનમાં ઉતારે છે, તેઓ પર ઊંડી અસર પડે છે. એ બતાવે છે કે એમાં આપેલી સલાહ જૂની નથી થઈ ગઈ. આપણે જો બાઇબલનું શિક્ષણ દિલમાં ઉતારીશું તો જીવનમાં સારા ફેરફારો કરવા હિંમત મળશે. ઈસુના પગલે ચાલવાનું મન થશે. એનાથી પોતાના સ્વભાવમાં સુધારો કરી શકીશું. બાઇબલનું શિક્ષણ આપણને કઈ રીતે મદદ કરી શકે છે એ આ અનુભવોમાંથી જોવા મળે છે.

પહેલા લેખમાં આપણે ઈમિલીઆની વાત કરી હતી. તે કહે છે: “હું એકલા હાથે ઘરનું વાતાવરણ સુધારી શકું એમ ન હતી. પરંતુ, યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી ત્યારે થોડા જ સમયમાં હું જોઈ શકી કે સુધારો થઈ શકશે. બાઇબલના શિક્ષણથી મારું વલણ બદલાઈ ગયું. હું મારા મગજને ઠંડું રાખતા, ધીરજ રાખતા શીખી. સમય જતાં મારા પતિ અમારી સાથે બેસીને બાઇબલમાંથી શીખવા લાગ્યા. દારૂ છોડવો તેમના માટે સહેલું ન હતું. તોપણ તેમણે છેવટે છોડી દીધો. એનાથી અમારું લગ્‍નજીવન સફળ બનાવવા અમને નવી તક મળી. હવે આનંદથી અમે અમારાં બાળકોના દિલમાં બાઇબલનું શિક્ષણ ઉતારી રહ્યા છીએ.”—પુનર્નિયમ ૬:૭.

સાચા ખ્રિસ્તીઓ બાઇબલમાંથી જે શિક્ષણ આપે છે, એનાથી ગુંડા જેવા માણસો પણ સુધરી શકે છે. મૅન્યૂઅલનાa કિસ્સામાં એ સાચું પડ્યું. મૅન્યૂઅલ તેર વર્ષનો હતો ત્યારે, ઘર છોડીને ભાગી ગયો. તે ગાંજા જેવું મેરીજુઆના પીવા લાગ્યો. સમય જતાં તે હેરોઈનનો ગુલામ બન્યો. તેની પાસે પૈસા ન હતા કે માથું મૂકવાનું ઠેકાણું ન હોવાથી, સ્ત્રી-પુરુષોને પોતાનો દેહ વેચવા લાગ્યો. ઘણી વાર મૅન્યૂઅલ લોકોને લૂંટતો. તે મોટે ભાગે ડ્રગ્સના નશામાં એવું કરતો. તે બહુ મારામારી કરતો હોવાથી, ઘણી વાર તેને જેલમાં જવું પડ્યું હતું. તેને એક વાર ચાર વર્ષની જેલ થઈ. જેલમાં પણ તે હથિયારો વેચતો હતો. અમુક સમય પછી તેણે લગ્‍ન કર્યાં. પોતે જે રીતે જીવતો હતો એનાં ફળો તેણે ભોગવવા પડ્યા. તે કહે છે: “અમારી હાલત ખરાબ હોવાથી એક વાર અમે મરઘાં ઘરમાં રહ્યા. મારી પત્ની ઈંટોના ચૂલા પર રસોઈ બનાવતી. એ મને યાદ છે. અમારી હાલત બહુ જ ખરાબ હતી. અરે, મારા સગાં પણ મારી પત્નીને કહેતા કે તે મને છોડી દે.”

મૅન્યૂઅલે કઈ રીતે પોતાના જીવનમાં સુધારો કર્યો? તે કહે છે: “અમારા એક ઓળખીતા યહોવાહના સાક્ષી હતા. એક દિવસે તેમણે મને બાઇબલમાંથી વાત કરી. તેમના કહેવા પ્રમાણે, ‘ઈશ્વરને લોકોની પડી છે.’ પણ હું તો તેમને પુરાવો આપતો કે ઈશ્વર છે જ નહિ. મારા જીવનમાં તકલીફો છે એ જ બતાવી આપે છે. તોપણ તે મને માનથી અને ધીરેથી સમજાવતા. એનાથી મને નવાઈ લાગી. એ કારણે મેં કહ્યું કે ‘હું તમારા કિંગ્ડમ હૉલમાં આવીશ.’ કિંગ્ડમ હૉલમાં અમુક જણા મારા વિષે જાણતા હતા કે હું કેવો છું. તોપણ તેઓએ પ્રેમથી મને આવકાર્યો કે હું જાણે તેઓનો ભાઈ ન હોવ! એ જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. તેઓના વર્તનથી મને ડ્રગ્સ છોડી દેવાની હિંમત મળી. પરસેવો પાડીને નોકરી કરવાનું ઉત્તેજન મળ્યું. હું યહોવાહના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગ્યો. એના ચાર મહિના પછી હું પણ પ્રચાર કરવા માટે લાયક બન્યો. એના ચાર મહિના પછી મેં બાપ્તિસ્મા લીધું અને યહોવાહનો સાક્ષી બન્યો.”

સાચા ખ્રિસ્તી બનવાથી મૅન્યૂઅલ અને તેના કુટુંબને શું ફાયદો થયો? મૅન્યૂઅલ કહે છે: “બાઇબલમાંથી હું સત્ય શીખ્યો ન હોત તો, વર્ષો પહેલાં ચોક્કસ મરી ગયો હોત. ઈસુના શિક્ષણ પ્રમાણે જીવવાથી મને મારું કુટુંબ ફરી મળી ગયું. જે રીતે મેં નાનપણમાં જીવન પસાર કર્યું, એવું મારાં બાળકોને અનુભવવું નહિ પડે. આજે જે રીતે મારું ને મારી પત્નીનું બને છે, એ માટે હું યહોવાહનો ઉપકાર માનું છું. તેમની મદદ વગર અમે ક્યાંયના રહ્યા ન હોત. મારા અમુક જૂના મિત્રો મને શાબાશી આપી ગયા, ‘અમને લાગે છે કે તું હવે ખરા માર્ગ પર છે.’”

જોન દક્ષિણ આફ્રિકાની એક ઝૂંપડપટ્ટીમાં રહે છે. તે શીખ્યો કે ખ્રિસ્તી જીવનમાં બે બાબત સમાયેલી છે, સારા સંસ્કાર અને ચોખ્ખાઈ. તે સમજાવે છે: ‘અમારી દીકરી કોઈ વાર આખું અઠવાડિયું નાહતી નહિ. એની અમને કંઈ પડી ન હતી.’ તેની પત્ની સ્વીકારે છે કે તેઓનું ઘર ઉકરડા જેવું દેખાતું. પરંતુ બાઇબલમાંથી શીખ્યા પછી બધું બદલાઈ ગયું. જોન પહેલાં કારોની ચોરી કરતી ટોળી સાથે સોબત રાખતો હતો. તેણે એ બધું છોડી દીધું. તે કુટુંબની વધારે સારી રીતે સંભાળ રાખવા લાગ્યો. જોન કહે છે, “અમે શીખ્યા કે ખ્રિસ્તીઓ તરીકે આપણું શરીર અને કપડાં ચોખ્ખાં હોવાં જોઈએ. પહેલો પીતર ૧:૧૬ના શબ્દોમાંથી એ પણ શીખ્યા કે આપણે શુદ્ધ, પવિત્ર રહેવું જોઈએ. યહોવાહ પરમેશ્વર પોતે પવિત્ર છે. હવે અમે અમારું નાનકડું ઘર પણ ચોખ્ખું રાખીએ છીએ.”

તમે પણ સૌથી સારું શિક્ષણ મેળવી શકો

આપણે જે અનુભવો જોયા એવા તો ઘણા જ છે. હજારો લોકો બાઇબલમાંથી ઈશ્વરનું શિક્ષણ લઈને હવે સારી રીતે જીવન જીવવાનું શીખ્યા છે. બાઇબલમાંથી શીખ્યા પછી તેઓ ઇમાનદાર અને મહેનતુ બને છે. એની તેમના માલિકો કદર કરે છે. તેઓ સારા મિત્રો અને પાડોશી બને છે. બીજાઓને મદદ કરે છે. એટલું નહિ, પણ તેઓ ગંદુ અને ગુંડાગીરીનું જીવન છોડી દે છે. તેઓની તબિયત સારી રહે છે. મનની શાંતિ મળે છે. તેઓ લાગણીઓ કાબૂમાં રાખી શકે છે. ગુંડાગીરીનું જીવન જીવવા પોતાની માલમિલકત વાપરવાને બદલે, તેઓ એ પોતાના કુટુંબના ભલા માટે વાપરે છે. (૧ કોરીંથી ૬:૯-૧૧; કોલોસી ૩:૧૮-૨૩) યહોવાહે બાઇબલમાં જે સલાહ આપી છે, એ જીવનમાં ઉતારીને આપણે બતાવી શકીએ કે સાચા ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ સૌથી સારું છે. ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવનાર વિષે બાઇબલ કહે છે: ‘જે કંઇ તે કરે છે તે સફળ થશે.’—ગીતશાસ્ત્ર ૧:૩.

યહોવાહ મહાન ઈશ્વર છે. તે આપણને શિખામણ આપવા ચાહે છે. એ જાણવાથી આપણને કેટલું ઉત્તેજન મળે છે! તે પોતાના વિષે કહે છે: “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશાયાહ ૪૮:૧૭) સાચે જ યહોવાહે તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના ઉદાહરણથી સાચો માર્ગ બતાવ્યો છે. જેઓ તેમને ઓળખતા હતા અને જેઓએ તેમનો ઉપદેશ સાંભળીને દિલમાં ઉતાર્યો, તેઓના જીવનમાં એની ઊંડી અસર થઈ હતી. એ જ રીતે આજે જેઓ તેમનું શિક્ષણ દિલમાં ઉતારે છે, તેઓના જીવનમાં પણ એવી જ અસર થાય છે. અમારી પ્રાર્થના છે કે તમે પણ શીખો કે ઈસુએ એવું શું શીખવ્યું હતું. તમારા વિસ્તારમાં રહેતા યહોવાહના સાક્ષીઓ સાથે વાત કરશો તો, તેઓ ખુશીથી તમને બાઇબલનું અમૂલ્ય શિક્ષણ લેવા મદદ કરશે.

[ફુટનોટ]

a અમુક નામ બદલવામાં આવ્યાં છે.

[પાન ૬ પર બોક્સ/ચિત્ર]

ઈસુનો દાખલો અને શિક્ષણની અસર

જાખી મુખ્ય દાણી કે કર ઉઘરાવનાર હતો. લોકો પાસેથી ખોટી રીતે પૈસા ઉઘરાવીને તે અમીર બન્યો હતો. પરંતુ ઈસુના કહેવા પ્રમાણે કરીને તેણે પોતાનું જીવન બદલી નાખ્યું.—લુક ૧૯:૧-૧૦.

શાઊલ તાર્સસ શહેરનો હતો. તે ખ્રિસ્તીઓને બહુ જ સતાવતો હતો. તે બદલાઈ ગયો. ખ્રિસ્તનો શિષ્ય બન્યો. પછી પાઊલ નામથી ઓળખાયો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૨:૬-૨૧; ફિલિપી ૩:૪-૯.

કોરીંથીના ઘણા લોકો ખ્રિસ્તી બન્યા પહેલાં, ‘વ્યભિચારી, મૂર્તિપૂજક, લંપટ, સજાતીય સમાગમ કરનારા, ચોર, લોભી, છાકટા, નિંદક અને જુલમથી પૈસા પડાવનારા હતા.’ પરંતુ સાચા ખ્રિસ્તી ધર્મ વિષે શીખ્યા પછી ‘ઈસુના નામની મારફતે તેઓને પાપમાંથી શુદ્ધ કરવામાં આવ્યા, અલગ કરવામાં આવ્યા અને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવામાં આવ્યા.’—૧ કોરીંથી ૬:૯-૧૧, પ્રેમસંદેશ.

[પાન ૭ પર ચિત્ર]

બાઇબલના શિક્ષણથી તમે સફળ થશો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો