તમે શેતાન વિષે શું માનો છો?
બાઇબલ જણાવે છે કે શેતાન સાચે જ છે. મનુષ્યો તેને જોઈ શકતા નથી. શા માટે? બાઇબલ કહે છે કે “ઈશ્વર આત્માસ્વરૂપ છે.” તેથી ઈશ્વરને આપણે જોઈ શકતા નથી. એ જ રીતે શેતાનને પણ આપણે જોઈ શકતા નથી. (યોહાન ૪:૨૪, કોમન લેંગ્વેજ) શેતાન એક ખરાબ દૂત છે. પણ તે કઈ રીતે ખરાબ બન્યો?
બાઇબલ જણાવે છે કે યહોવાહે માણસને બનાવ્યો, એના લાંબા સમય પહેલાં ઘણા સ્વર્ગદૂતો બનાવ્યા હતા. (અયૂબ ૩૮:૪, ૭; હેબ્રી ૧:૧૩, ૧૪) એ દૂતોને બનાવ્યા ત્યારે તેઓમાં કોઈ ખામી ન હતી. તેઓ યહોવાહ જેવા જ પવિત્ર હતા. યહોવાહે તેઓમાંના કોઈને પણ શેતાન બનાવ્યો ન હતો. તેઓમાં કોઈ બૂરાઈ ન હતી. તો પછી, શેતાન આવ્યો ક્યાંથી? શેતાનનો અર્થ થાય વિરોધ કરનાર. મૂળ ભાષામાં એનો અર્થ જૂઠી વાતો ફેલાવનાર, શત્રુ કે નિંદા કરનાર પણ થાય છે. જેમ કોઈ સારા ઘરનો માણસ ચોરી કરીને ચોર બને છે. એ જ રીતે, ઈશ્વરનો એક સ્વર્ગદૂત ખોટી ઇચ્છાઓને લીધે શેતાન બન્યો. બાઇબલ સમજાવે છે કે કઈ રીતે વ્યક્તિ પોતે ખરાબ બને છે: “માણસ પોતાની ભૂંડી વાસનાઓથી લલચાઈને પાપમાં પડે છે. ત્યાર પછી આ ભૂંડી વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે. અને પાપ પરિપક્વ થઈને મરણ નિપજાવે છે.”—યાકોબ ૧:૧૪, ૧૫, પ્રેમસંદેશ.
પરમેશ્વર સામે થનાર સ્વર્ગદૂતના કિસ્સામાં આમ જ બન્યું. યહોવાહે પહેલા માનવ યુગલ આદમ અને હવાને બનાવીને દુનિયાની શરૂઆત કરી. એ વખતે પેલો સ્વર્ગદૂત ધ્યાનથી બધું જોઈ રહ્યો હતો. તે જાણતો હતો કે યહોવાહે આદમ અને હવાને આ આજ્ઞા આપી હતી: તેઓએ આખી પૃથ્વીને સારા લોકોથી ભરી દેવાની હતી, જેઓ પછી ઈશ્વરની જ ભક્તિ કરવાના હતા. (ઉત્પત્તિ ૧:૨૮) હવે આ સ્વર્ગદૂતે વિચાર્યું કે ઈશ્વરની જગ્યાએ મને એ માન અને ભક્તિ મળે તો કેવું સારું! આ રીતે જેના હક્કદાર ફક્ત યહોવાહ જ હતા, એ પામવાની તેના મનમાં લાલચ જાગી. આ ખોટી ઇચ્છા દિલમાંથી કાઢી નાખવાને બદલે, તેણે એની લાલસા રાખી. આખરે જૂઠું બોલ્યો. યહોવાહની સામો થયો. ચાલો આપણે જોઈએ કે એ કઈ રીતે બન્યું.
આ ખરાબ દૂતે સાપ દ્વારા પહેલી સ્ત્રી હવા સાથે વાત કરી. તેણે હવાને પૂછ્યું: “શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું?” હવાએ એ દૂતને પરમેશ્વરની આજ્ઞા કહી કે ‘અમે ફળ ખાઈશું તો મરી જઈશું.’ સાપે તેને કહ્યું: “તમે નહિ જ મરશો; કેમ કે દેવ જાણે છે કે તમે [વાડીના વચ્ચેના વૃક્ષનું ફળ] ખાશો તે જ દિવસે તમારી આંખો ઊઘડી જશે, ને તમે દેવના જેવાં ભલુંભૂંડું જાણનારાં થશો.” (ઉત્પત્તિ ૩:૧-૫) એ દૂતે આરોપ મૂક્યો કે ઈશ્વરે આદમ અને હવાને સાચું કહ્યું ન હતું. તેનું કહેવું હતું કે એ ફળ ખાવાથી તો હવા ઈશ્વર જેવી બની જશે. સારું શું છે ને ખરાબ શું છે, એ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરનો હતો. હવાને પણ એ અધિકાર મળી જશે. આ પહેલું જૂઠાણું હતું. એનાથી એ દૂત નિંદા કરનાર બન્યો. તે ઈશ્વરનો દુશ્મન કે વિરોધી થયો. એટલે જ ઈશ્વરના આ શત્રુને બાઇબલ ‘જૂનો સર્પ, દુષ્ટાત્મા તથા શેતાન’ કહે છે.—પ્રકટીકરણ ૧૨:૯.
“જાગતા રહો”
શેતાને હવાને જૂઠું કહ્યું અને પોતાની યોજનામાં સફળ થયો. બાઇબલ કહે છે: “તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારૂં, ને જોવામાં સુંદર, ને જ્ઞાન આપવાને ઇચ્છવાજોગ એવું એ વૃક્ષ છે, તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું; અને તેની સાથે પોતાનો વર હતો તેને પણ આપ્યું, ને તેણે ખાધું.” (ઉત્પત્તિ ૩:૬) હવાએ શેતાનનું માનીને ઈશ્વરની આજ્ઞા તોડી. તેણે આદમને પણ આ ફળ આપ્યું. આદમે પણ ફળ ખાઈને ઈશ્વરની આજ્ઞા તોડી. આમ શેતાનના કહેવાથી પ્રથમ યુગલ ઈશ્વરની સામે થયું. દુઃખની વાત છે કે એના લીધે તેઓએ યહોવાહથી મોં ફેરવી લીધું. ત્યારથી શેતાન આખી માણસજાતને ભમાવી રહ્યો છે. શા માટે? જેથી લોકો સાચા ઈશ્વરથી દૂર થઈ જાય અને શેતાનની ભક્તિ કરવા લાગે. (માત્થી ૪:૮, ૯) એટલે જ બાઇબલ ચેતવણી આપે છે: “સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.”—૧ પીતર ૫:૮.
આમ બાઇબલ સાફ બતાવે છે કે શેતાન ખરેખર છે. તે એક સ્વર્ગદૂત છે જે દુષ્ટ અને ખતરનાક બની ગયો છે. એ જાણીને આપણે માનવું જ જોઈએ કે શેતાન છે. પણ એ જ પૂરતું નથી. આપણે જાણવાની જરૂર છે કે શેતાન લોકોને ગેરમાર્ગે દોરવા કેવી “યુક્તિઓ” કે ચાલાકીઓ અજમાવે છે. (૨ કોરીંથી ૨:૧૧) તેની ચાલાકીઓ કઈ છે? આપણે કઈ રીતે એનો સામનો કરી શકીએ?
શેતાન માણસની ઈશ્વરભક્તિની ભૂખનો ફાયદો ઉઠાવે છે
માણસની શરૂઆતથી આજ સુધી શેતાન ધ્યાનથી મનુષ્યોને જોતો આવ્યો છે. તે આપણો સ્વભાવ સારી રીતે જાણે છે. તે જાણે છે કે આપણી જરૂરિયાત શું છે. શામાં રસ છે. કેવી ઇચ્છા છે. શેતાન એ પણ જાણે છે કે આપણને ઈશ્વરભક્તિની ભૂખ સાથે બનાવવામાં આવ્યા છે. એટલે તેણે એનો ફાયદો ઉઠાવ્યો છે. કેવી રીતે? લોકોના મનમાં જૂઠાં ધાર્મિક શિક્ષણો ભરીને. (યોહાન ૮:૪૪) ઘણા ધર્મો ઈશ્વર વિષે મીઠું-મરચું ઉમેરીને શીખવે છે. લોકોને સાવ ગૂંચવણમાં નાખે છે. આવાં શિક્ષણ પાછળ કોનો હાથ હોય શકે? બધા જ ધર્મો સાચું શીખવતા નથી, કેમ કે તેઓમાં કોઈ તાલમેલ નથી. એટલે એમાં કોઈ શંકા નથી કે એની પાછળ શેતાનનો હાથ છે. તે જ ધર્મો દ્વારા ખોટું શીખવીને લોકોને ભમાવી રહ્યો છે. બાઇબલ જણાવે છે કે શેતાન ‘આ જગતનો દેવ’ છે. તેણે સત્ય વિષે લોકોનાં મન આંધળાં કરી દીધાં છે.—૨ કોરીંથી ૪:૪.
પરમેશ્વરનું સત્ય જૂઠાં શિક્ષણથી લોકોનું રક્ષણ કરે છે. કેવી રીતે? પહેલાના જમાનામાં સૈનિકો રક્ષણ માટે કમરે પટ્ટો બાંધતા. એનાથી તેઓની કમરનું રક્ષણ થતું. એવી જ રીતે બાઇબલ પરમેશ્વરના સત્યને પટ્ટા સાથે સરખાવે છે. (એફેસી ૬:૧૪) જો તમે બાઇબલનું જ્ઞાન દિલમાં ઉતારો અને જીવનમાં લાગુ પાડો તો, એ સત્યનો પટ્ટો બાંધવા જેવું છે. બાઇબલનું જ્ઞાન જૂઠાં શિક્ષણથી તમારું ખરેખર રક્ષણ કરશે.
માણસમાં ઈશ્વરભક્તિની ભૂખ હોવાથી તેણે એવી બાબતો જાણવા કોશિશ કરી છે જે વિષે તે અજાણ છે. એનાથી તે શેતાનના બીજા એક ફાંદામાં ફસાયો છે. અજાણી બાબતો જાણવાની માણસને તમન્ના છે. એનો ફાયદો ઉઠાવવા શેતાને મેલીવિદ્યાની જાળ ફેલાવી છે. એક શિકારી જેમ શિકારને ફસાવવા લાલચ મૂકે છે, તેમ શેતાન પણ દુનિયાભરના લોકોને લલચાવવા, ફસાવવા અલગ અલગ ચાલ વાપરે છે. જેમ કે, ભવિષ્ય ભાખવું, જોષ જોવો, જ્યોતિષ વિદ્યા, સંમોહન શક્તિ, જાદુટોણા, હાથની રેખાઓ જોવી વગેરે.—લેવીય ૧૯:૩૧; ગીતશાસ્ત્ર ૧૧૯:૧૧૦.
તમે મેલીવિદ્યાથી કઈ રીતે પોતાનું રક્ષણ કરી શકો? પુનર્નિયમ ૧૮:૧૦-૧૨ જણાવે છે: “તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે પોતાના દીકરાને કે દીકરીને અગ્નિમાં ચલાવતો હોય, કે જોષ જોતો હોય, કે શકુન જોતો હોય, કે ધંતરમંતર કરનાર, કે જાદુગર, કે મોહિની લગાડનાર કે મૂઠ મારનાર, કે ઈલમી, કે ભૂવો હોય. કેમ કે જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવાહ કંટાળે છે; અને એવાં અમંગળ કામોને લીધે તો યહોવાહ તારો દેવ તેઓને તારી આગળથી હાંકી કાઢે છે.”
આ શાસ્ત્રવચન આપણને સીધી સલાહ આપે છે: મેલીવિદ્યાથી દૂર રહો. એની સાથે કોઈ સંબંધ ન રાખો. પરંતુ જો તમે મેલીવિદ્યામાં કોઈક રીતે ફસાઈ ગયા હોય ને એનાથી છૂટવું હોય તો શું કરશો? તમારે એફેસસ શહેરના ખ્રિસ્તીઓની જેમ કરવું જોઈએ. બાઇબલ જણાવે છે કે યહોવાહનાં વચનો સાંભળ્યાં પછી, “ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકઠાં કરીને સર્વેના દેખતાં તેઓને બાળી નાખ્યાં.” એ પુસ્તકો બહુ મોંઘાં હતાં. એની કિંમત ચાંદીના ૫૦,૦૦૦ સિક્કા બરાબર હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૯:૧૯, ૨૦) તોપણ એફેસસના ખ્રિસ્તીઓ એને બાળી નાખતા અચકાયા નહિ.
શેતાન માણસની નબળાઈનો ફાયદો ઉઠાવે છે
એક સારો દૂત શેતાન બન્યો, કેમ કે તેને બધાથી મોટા બનવું હતું. તેણે હવાને પણ પરમેશ્વર જેવી બનવા લલચાવી અને તેનામાં ઘમંડ જગાડ્યું. આજે શેતાન ઘણા લોકોમાં ઘમંડની લાગણી ઊભી કરીને તેઓને પોતાના કાબૂમાં લે છે. દાખલા તરીકે, અમુક લોકોને લાગે છે કે તેઓની નાત કે જાત બીજાઓ કરતાં ઊંચી છે. તેઓનો દેશ જ સૌથી સારો. પણ બાઇબલ શિક્ષણથી આ વિચારો કેટલા અલગ છે! (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૪, ૩૫) બાઇબલ જણાવે છે: ‘એક માણસમાંથી ઈશ્વરે બધી પ્રજાઓ પેદા કરી.’—પ્રેષિતોનાં કાર્યો, ૧૭:૨૬, પ્રેમસંદેશ.
શેતાન કોશિશ કરે છે કે લોકો ઘમંડી બને. આપણે તેનો સામનો કરવા નમ્ર બનવાની જરૂર છે. બાઇબલ આપણને સલાહ આપે છે, “પોતાને સમજવા જોઈએ તે કરતાં બહુ મોટા સમજી ન બેસો.” (રોમ ૧૨:૩, પ્રેમસંદેશ) “દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (યાકૂબ ૪:૬) એટલે શેતાનનો સામનો કરવા આપણે નમ્ર બનીએ અને યહોવાહને પસંદ પડે એવો સ્વભાવ કેળવીએ.
શેતાન માણસની અયોગ્ય જાતીય ઇચ્છાઓ પણ ભડકાવે છે. આમ, તે જેની તેની સાથે સેક્સ કરવા લલચાવે છે. યહોવાહની નજરે જાતીય ઇચ્છા હોવી કંઈ ખોટું નથી. બાઇબલના નિયમોમાં રહીને એનો આનંદ માણીશું તો, જિંદગીમાં ખરો સંતોષ મળશે. જ્યારે કે શેતાન લોકોને ખોટી રીતે જાતીય ઇચ્છા પૂરી કરવા લલચાવે છે. (૧ કોરીંથી ૬:૯, ૧૦) ચાલો આપણે શુદ્ધ અને પવિત્ર બાબતો પર જ ધ્યાન આપીએ. (ફિલિપી ૪:૮) એ આપણા વિચારો અને લાગણીઓને કાબૂમાં રાખવા મદદ કરશે.
શેતાનનો સામનો કરતા રહો
શું આપણે શેતાનનો સામનો કરી શકીએ? ચોક્કસ! બાઇબલ ખાતરી આપે છે કે “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” (યાકૂબ ૪:૭) જો કે તમે શેતાનની સામા થાવ, એટલે તરત તે તમારો પીછો નહિ છોડે. તમે પરમેશ્વરનું જ્ઞાન લેતા રહેશો તો, તે તમારા પર અનેક મુશ્કેલીઓ લાવશે. કદાચ તે થોડો સમય છોડી દે, પણ ફરી પાછો તમને ફસાવવાની કોશિશ કરશે. (લુક ૪:૧૩) તોપણ, તમારે શેતાનથી બીવાની જરૂર નથી. તમે હંમેશાં તેની સામે થશો તો, તે તમને સાચા ઈશ્વર દૂર કરી શકશે નહિ.
શેતાનનો સામનો કરવા તમારે શું કરવું જોઈએ? એક તો શેતાન વિષે બને એટલું જાણો. જેમ કે, તે કઈ રીતે લોકોને છેતરે છે. તેની ચાલાકીથી બચવા શું કરવું જોઈએ. એ માટે ફક્ત બાઇબલ જ મદદ કરી શકે. પૂરા દિલથી બાઇબલમાંથી શીખો. પછી એને જીવનમાં લાગુ પાડો. તમારી આસપાસ યહોવાહના સાક્ષીઓ હોય તો, તેઓ ખુશી ખુશી તમારા સમયે આવીને બાઇબલમાંથી શીખવશે. એ માટે યહોવાહના સાક્ષીઓને જરૂર પૂછો અથવા આ મૅગેઝિનના પ્રકાશકોને લખો.
બાઇબલમાંથી શીખતા જશો તેમ, શેતાન તમને સચ્ચાઈ જાણતા અટકાવશે. તમારા પર સતાવણી લાવશે. તમારાં સગાં-વહાલાં કે મિત્રો નારાજ થઈ જશે. પણ તેઓ હજુ બાઇબલનું અનમોલ સત્ય જાણતા નથી. બીજાઓ તમારી મજાક પણ ઉડાવે. બીજાઓને લીધે તમે બાઇબલનું અનમોલ સત્ય શીખવાનું છોડી દેશો, તો શું ઈશ્વર ખુશ થશે? શેતાન તો ચાહે છે કે તમે હિંમત હારી જાઓ. તમે સાચા ઈશ્વર વિષે શીખવાનું બંધ કરી દો. પણ બાઇબલમાંથી શીખવાનું બંધ ન કરો. (માત્થી ૧૦:૩૪-૩૯) શેતાન કંઈ તમારો માલિક નથી. યહોવાહ આપણા સરજનહાર છે. તેમણે આપણને જીવન આપ્યું છે. તેથી શેતાનની સામા થવા પાક્કો નિર્ણય લો ને યહોવાહના ‘હૃદયને આનંદ પમાડો.’—નીતિવચનો ૨૭:૧૧.
[પાન ૬ પર ચિત્ર]
ખ્રિસ્તીઓ બન્યા તેઓએ મેલીવિદ્યાનાં સર્વ પુસ્તકો બાળી નાખ્યાં
[પાન ૭ પર ચિત્ર]
બાઇબલમાંથી શીખવાનો પાક્કો નિર્ણય કરો