યહોવાહનો શબ્દ જીવંત છે
એઝરાના મુખ્ય વિચારો
બીજા કાળવૃત્તાંતનો અહેવાલ જ્યાં પૂરો થાય છે, ત્યાંથી એઝરાનો અહેવાલ શરૂ થાય છે. એના લેખક એઝરા હતા, જે યહોવાહના યાજક હતા. એઝરા એ અહેવાલની શરૂઆત ઈરાનના રાજા કોરેશના એક હુકમથી કરે છે. રાજાના હુકમ પ્રમાણે, બાબેલોનની ગુલામીમાં બાકી રહેલા યહુદીઓમાંથી જેને પોતાના વતન પાછા જવું હોય એ જઈ શકતા હતા. અહેવાલને અંતે જણાવાયું છે કે વતન પાછા ગયેલા અમુક લોકોને શુદ્ધ કરવા એઝરાએ કડક પગલાં લીધાં. શા માટે? કેમ કે જેઓ ઈસ્રાએલીઓ ન હતા, તેઓ સાથે નાતો જોડીને તેઓ બગડી ગયા હતા. આ પુસ્તક ઈસવીસન પૂર્વે ૫૩૭થી ઈ.સ. પૂર્વે ૪૬૭નો, ૭૦ વર્ષનો અહેવાલ આપે છે.
એ અહેવાલમાં એઝરા આ મુદ્દા લોકોને ચોક્કસ જણાવવા માગતા હતા: કઈ રીતે યહોવાહ પોતાનું વચન પૂરું કરીને, પોતાના લોકોને બાબેલોનની ગુલામીમાંથી છોડાવે છે. કઈ રીતે યહોવાહ ફરીથી યરૂશાલેમમાં સાચી ભક્તિ શરૂ કરાવે છે. એટલે એઝરા એને લગતા બનાવો પર ખાસ ધ્યાન દોરે છે. એઝરાના પુસ્તકમાં ખાસ કરીને જણાવ્યું છે કે કઈ રીતે મંદિર ફરીથી બંધાયું. યહોવાહના લોકોએ ઘણી ભૂલો કરી અને આસપાસના લોકોએ તેઓને બહુ સતાવ્યા. છતાંયે યહોવાહની ભક્તિની જીત થઈ. આ અહેવાલ આપણને પણ ઘણું શીખવે છે, કેમ કે આપણા સમયમાં પણ બધી બાજુ યહોવાહની ભક્તિ થશે. આજે લોકોના ટોળેટોળાં “યહોવાહના પર્વત” પર ચઢી રહ્યા છે. આખી પૃથ્વી “યહોવાહના મહિમાના જ્ઞાનથી” ભરપૂર થવાની તૈયારીમાં છે.—યશાયાહ ૨:૨, ૩; હબાક્કૂક ૨:૧૪.
મંદિર ફરી બંધાયું
કોરેશે યહુદી ગુલામોને આઝાદ કર્યા. અધિકારી શેશ્બાસ્સારના હાથ નીચે, લગભગ પચાસેક હજાર યહુદીઓ યરૂશાલેમ પાછા ફર્યા. તેઓએ ત્યાં તરત જ વેદી બાંધી. ફરીથી યહોવાહને અર્પણો ચઢાવવા લાગ્યા.
એના પછીના વર્ષે ઈસ્રાએલી લોકોએ યહોવાહના મંદિરનો પાયો નાખ્યો. જેઓ ઈસ્રાએલીઓ ન હતા, તેઓમાંના અમુક લોકો બાંધકામમાં વારંવાર તકલીફો ઊભી કરતા. આખરે રાજાના હુકમથી કામ બંધ પણ કરાવી દીધું. હાગ્ગાય અને ઝખાર્યાહ નબીઓએ લોકોમાં ફરીથી હોંશ જગાડી. જેથી, મનાઈ છતાં લોકો ફરીથી મંદિર બાંધવાનું કામ ચાલુ રાખે. ઈરાની રાજાનો કાયદો એ કાયદો, એને કોઈ બદલી શકે નહિ. એટલે, અસલમાં કોરેશે આપેલા હુકમને લીધે દુશ્મનો ટાઢા પડી ગયા. જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે કોરેશે “યરૂશાલેમમાંના દેવના મંદિર વિષે” કરેલા હુકમની વાત બહાર આવી. (એઝરા ૬:૩) મંદિરનું બાંધકામ પૂરજોશથી ચાલુ રહ્યું અને પૂરું થયું.
સવાલ-જવાબ:
૧:૩-૬—જે ઈસ્રાએલીઓ વતન પાછા આવ્યા નહિ, તેઓની શ્રદ્ધા શું ડગમગી ગઈ હતી? અમુક લોકો યરૂશાલેમ પાછા ન ગયા, એનું કારણ ધન-દોલત હોય શકે. કદાચ સાચી ભક્તિ માટે તેઓને બહુ હોંશ નહિ હોય. પણ બધા જ એવા ન હતા. વિચારો કે લગભગ ૧,૬૦૦ કિલોમીટર (૧,૦૦૦ માઈલ) જેટલી મુસાફરી કરતા ચાર-પાંચ મહિના લાગે. વતનમાં જઈને ૭૦ વર્ષોથી ઉજ્જડ પડેલી જગ્યામાં રહેવું સહેલું ન હતું. ત્યાં જઈને ભારે બાંધકામ કરવાનું હતું, જેમાં ઘણી તાકાત જોઈએ. શક્તિ જોઈએ. એટલે સંજોગો, તબિયત, ઘડપણ, કુટુંબ વગેરેને લીધે અમુક પાછા ન ફરી શક્યા.
૨:૪૩—નથીનીમ કોણ હતા? તેઓ ઈસ્રાએલીઓ ન હતા, પણ મંદિરમાં સેવા કરવા પસંદ થયેલા સેવકો હતા. એમાં યહોશુઆના સમયના ગિબઓની લોકોના વંશજો પણ હતા. તેઓને ‘દાઊદે તથા તેના સરદારોએ લેવીઓની સેવાને સારૂ નીમ્યા હતા.’—એઝરા ૮:૨૦.
૨:૫૫—સુલેમાનના સેવકોના પુત્રો કોણ હતા? તેઓ ઈસ્રાએલીઓ ન હતા. પણ યહોવાહની ભક્તિમાં તેઓને ખાસ કામ સોંપવામાં આવ્યું હતું. તેઓ મંદિરમાં શાસ્ત્રીઓ કે શાસ્ત્રની નકલ કરનારા તરીકે સેવા આપતા હોય શકે.
૨:૬૧-૬૩—યહોવાહની ઇચ્છા જાણવા ઉરીમ અને તુમ્મીમ વપરાતા હતા. લોકો ગુલામીમાંથી પાછા આવ્યા ત્યારે, શું તેઓ પાસે એ હતા? યાજકના પુત્રો હોવાનો દાવો કરનારા વંશાવળી પરથી એ સાબિત કરી શક્યા નહિ. એઝરામાં જણાવ્યા પ્રમાણે જો ઉરીમ અને તુમ્મીમ હોત, તો તેઓ એનાથી સાબિત કરી શક્યા હોત કે પોતે યાજકના પુત્રો છે કે નહિ. એ સમયે કે એના પછી ઉરીમ અને તુમ્મીમનો ઉપયોગ થયો હોય, એવું બાઇબલ જણાવતું નથી. યહુદીઓના માનવા પ્રમાણે, ઈ.સ. પૂર્વે ૬૦૭માં મંદિરનો નાશ થયો પછી, ઉરીમ અને તુમ્મીમનો ઉપયોગ થયો નથી.
૩:૧૨—યહોવાહનું ‘પ્રથમનું મંદિર જોયું હતું, એવા વૃદ્ધો’ કેમ રડ્યા? તેઓને યાદ હતું કે સુલેમાને બાંધેલું મંદિર કેવું જોરદાર હતું! પણ હવે તેઓની નજર સામે જે નવું મંદિર ઊભું થઈ રહ્યું હતું, ‘એ તેઓની નજરમાં શૂન્યવત્’ અથવા તો કંઈ જ ન હતું. (હાગ્ગાય ૨:૨, ૩) તેઓએ નિસાસો નાખ્યો હશે કે હવે તેઓની સખત મહેનત છતાં પણ પહેલા જેવું મંદિર બનાવી નહિ શકે. એટલે તેઓ રડી પડ્યા.
૩:૮-૧૦; ૪:૨૩, ૨૪; ૬:૧૫, ૧૬—મંદિર ફરીથી બાંધતા કેટલાં વર્ષ લાગ્યાં? ‘તેઓ આવ્યા તેના બીજા વર્ષે,’ એટલે કે ઈ.સ. પૂર્વે ૫૩૬માં મંદિરનો પાયો નંખાયો. રાજા આર્તાહશાસ્તાના રાજમાં, ઈ.સ. પૂર્વે ૫૨૨માં કામ બંધ કરી દેવાયું. રાજા દાર્યાવેશના રાજના બીજા વર્ષ સુધી, એટલે કે ઈ.સ. પૂર્વે ૫૨૦ સુધી કામ બંધ રહ્યું. પણ દાર્યાવેશના રાજના છઠ્ઠે વર્ષે, એટલે કે ઈ.સ. પૂર્વે ૫૧૫માં મંદિરનું બાંધકામ પૂરું થયું. (“ઈ.સ. પૂર્વે ૫૩૭થી ૪૬૭ના ઈરાની રાજાઓ” બૉક્ષ જુઓ.) આ રીતે મંદિરના બાંધકામને વીસેક વર્ષ લાગ્યાં.
૪:૮–૬:૧૮—આ કલમો કેમ અરામી ભાષામાં લખાઈ હતી? એમાં મોટા ભાગે સરકારી અધિકારીઓએ રાજાને લખેલા પત્રો અને એના જવાબો છે. એઝરાએ એ સમયના લખાણોમાંથી એની નકલ કરી હતી, જે અરામીમાં લખાયાં હતાં. એ દિવસોમાં વેપારધંધામાં અને સરકારી ખાતાની એ ભાષા હતી. આ અરબી જેવી જૂની ભાષામાં બાઇબલના બીજા ભાગો પણ લખાયા છે. જેમ કે એઝરા ૭:૧૨-૨૬; યિર્મેયાહ ૧૦:૧૧ અને દાનીયેલ ૨:૪ખ–૭:૨૮.
આપણે શું શીખી શકીએ?
૧:૨. યશાયાહે બસો વર્ષ પહેલાં કરેલી ભવિષ્યવાણી સાચી પડી. (યશાયાહ ૪૪:૨૮) બાઇબલની કોઈ ભવિષ્યવાણી કદીયે ખોટી પડી નથી.
૧:૩-૬. અમુક ઈસ્રાએલીઓ બાબેલોનમાંથી પાછા પોતાના વતન આવી શક્યા ન હતા. એવી જ રીતે યહોવાહના બધા જ ભક્તો કંઈ ફૂલ-ટાઈમ પ્રચાર કરી શકતા નથી, કે પછી વધારે જરૂર હોય ત્યાં પ્રચાર કરવા જઈ શકતા નથી. તોપણ વધારે પ્રચાર કરી શકે છે એવા ભાઈ-બહેનોને તેઓ શાબાશી આપે છે અને સાથ આપે છે. સાથે સાથે એ કામ માટે યહોવાહની સંસ્થાને દાન પણ આપે છે.
૩:૧-૬. ઈ.સ. પૂર્વે ૫૩૭ના સાતમા મહિનામાં (તીશરી, સપ્ટેમ્બર/ઑક્ટોબર), પાછા ફરેલા ઈશ્વરભક્તોએ પહેલું અર્પણ ચડાવ્યું. વર્ષો પહેલાં, ઈ.સ. પૂર્વે ૬૦૭ના પાંચમા મહિનામાં (એબ, જુલાઈ/ઑગસ્ટ), બાબેલોનીઓ યરૂશાલેમમાં ઘૂસી આવ્યા હતા. બે મહિના પછી યરૂશાલેમનો પૂરેપૂરો નાશ કરી નાખ્યો હતો. (૨ રાજાઓ ૨૫:૮-૧૭, ૨૨-૨૬) આ બનાવો બતાવે છે કે યરૂશાલેમ ૭૦ વર્ષ ઉજ્જડ પડ્યું રહેશે, એ ભવિષ્યવાણી ચોક્કસ સમયે પૂરી થઈ. (યિર્મેયાહ ૨૫:૧૧; ૨૯:૧૦) યહોવાહ જે કંઈ કહે એ હંમેશાં પૂરું થઈને જ રહે છે.
૪:૧-૩. યહોવાહના ભક્તોએ જૂઠા ભક્તો સાથે કોઈ કરાર ન કર્યો, જેથી ધર્મમાં કોઈ ભેળસેળ ન કરવી પડે. (નિર્ગમન ૨૦:૫; ૩૪:૧૨) આજે યહોવાહના સાક્ષીઓ પણ ભક્તિમાં ભેળસેળ કરનારા સાથે સોબત રાખતા નથી. એવી કોઈ વિધિ કે કાર્યક્રમમાં પણ ભાગ લેતા નથી.
૫:૧-૭; ૬:૧-૧૨. યહોવાહ પોતાના લોકોને આશીર્વાદ આપવા સંજોગો બદલી શકે છે.
૬:૧૪, ૨૨. યહોવાહની ભક્તિ પૂરા જોશથી કરીએ તો, ચોક્કસ તેમનો સાથ અને આશીર્વાદ મળશે.
૬:૨૧. યહોવાહના મંદિરનું બાંધકામ જોર-શોરથી થઈ રહ્યું હતું. એ જોઈને એ વખતે યહુદાહમાં રહેતા સમરૂનીઓને અને જૂઠી ભક્તિમાં ફસાઈ ગયેલા યહુદીઓને પોતાના જીવનમાં ફેરફારો કરવા હિંમત મળી. આપણે પણ યહોવાહની ભક્તિમાં, પ્રચાર કામમાં, શું એવી જ હોંશ બતાવવી ન જોઈએ?
એઝરા યરૂશાલેમ આવે છે
યહોવાહનું મંદિર ફરી બંધાયું અને અર્પણ થયું, એને પણ પચાસ વર્ષ વીતી ગયાં. હવે ઈ.સ. પૂર્વે ૪૬૮નું વર્ષ આવ્યું. એઝરા બાબેલોનથી યરૂશાલેમ જાય છે. તેમની સાથે યહોવાહના અમુક ભક્તો પણ છે. તેઓની સાથે દાનો પણ છે. એઝરાને યરૂશાલેમમાં શું જાણવા મળે છે?
એઝરાને સરદારોએ કહ્યું: ‘ઈસ્રાએલી લોકો તેમ જ યાજકો તથા લેવીઓ દેશોના લોકોથી જુદા રહેતા નથી. તેઓનાં ધિક્કારપાત્ર કૃત્યો પ્રમાણે તેઓ વર્તે છે. હા, એ ઉલ્લંઘનમાં ખાસ કરીને સરદારોના તથા સત્તાવાળાઓના હાથ છે.’ (એઝરા ૯:૧, ૨) એઝરાનું તો કાળજું કપાઈ ગયું. તેમને કહેવામાં આવ્યું કે “ખૂબ હિંમત રાખીને આ કામ કર.” (એઝરા ૧૦:૪) એઝરાએ કડક પગલાં લીધાં. લોકોએ નમ્રતાથી તેમનું કહેવું માન્યું.
સવાલ-જવાબ:
૭:૧, ૭, ૧૧—આ બધી કલમો એ જ આર્તાહશાસ્તાની વાત કરે છે, જેણે મંદિરનું બાંધકામ અટકાવી દીધું હતું? ના. બે ઈરાની રાજાઓનું નામ અથવા ટાઈટલ આર્તાહશાસ્તા હતું. ઈ.સ. પૂર્વે ૫૨૨માં જેણે મંદિરનું કામ બંધ કરાવ્યું, એ બાર્દિયા કે ગૌમત રાજા હતો. એઝરા જ્યારે યરૂશાલેમ આવ્યા ત્યારે આર્તાહશાસ્તા લોંગીમેનસ રાજા હતો.
૭:૨૮–૮:૨૦—એઝરા સાથે યરૂશાલેમ જવા ઘણા યહુદીઓ કેમ તૈયાર ન હતા? ખરું કે યહુદીઓનો પહેલો સમૂહ યરૂશાલેમ પાછો ગયો, એને ૬૦ કરતાં વધારે વર્ષો વીતી ગયાં હતાં. તોપણ ત્યાં હજુ ઘણું કામ બાકી હતું. ત્યાં નવેસરથી જીવન શરૂ કરવું કંઈ સહેલું ન હતું. એમાં જોખમ પણ હતું. બાબેલોનમાં જે યહુદીઓ ધનવાન હતા, તેઓને માટે યરૂશાલેમમાં એવી કોઈ ધનદોલત ન હતી. મુસાફરીનાં જોખમો પણ હતા. યરૂશાલેમ પાછા ફરવા માટે યહોવાહમાં પૂરી શ્રદ્ધાની જરૂર હતી. સાચી ભક્તિ માટે હોંશની, હિંમતની જરૂર હતી. અરે, ખુદ એઝરાએ પણ યહોવાહનો પૂરો સાથ માંગ્યો, યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખી. એઝરાએ આપેલી હિંમતથી ૧,૫૦૦ કુટુંબ, એટલે લગભગ ૬,૦૦૦ લોકો તેમની સાથે જવા તૈયાર થયા. એઝરાની તૈયારી જોઈને, ૩૮ લેવીઓ અને ૨૨૦ નથીનીમ પણ તૈયાર થયા.
૯:૧, ૨—જેઓ ઈસ્રાએલીઓ ન હતા, તેઓ સાથે લગ્ન કરવાથી શું જોખમ ઊભું થયું હતું? મસીહ આવે ત્યાં સુધી, યરૂશાલેમ પાછા ફરેલા લોકો યહોવાહની ભક્તિના રખેવાળ હતા. યહોવાહના ભક્તો ન હતા, તેઓ સાથે લગ્ન કરવાથી ભક્તિમાં ભેળસેળ થઈ જાય. અમુક લોકો તો મૂર્તિની પૂજા કરનારા સાથે પરણી ગયા હતા. આમ જો થતું રહે તો, ધીમે ધીમે સાચી ભક્તિ ને ખોટી ભક્તિમાં કોઈ ફરક નહિ રહે. યહોવાહની પવિત્ર ભક્તિનું નામનિશાન મટી જાત. પછી, મસીહ કોના દ્વારા આવે? એટલે જ એ સાંભળીને એઝરાનું કાળજું કપાઈ ગયું!
૧૦:૩, ૪૪—પત્નીઓની સાથે તેઓનાં બાળકોને પણ કેમ છોડી દેવામાં આવ્યાં? એમ કરવામાં આવ્યું ન હોત તો, છોડી દેવામાં આવેલી પત્નીઓ પોતાનાં બાળકોને કારણે મોટા ભાગે પાછી આવ-જાવ કરવા લાગી હોત. નાનાં બાળકોને મમ્મીની વધારે જરૂર હોય છે.
આપણે શું શીખી શકીએ?
૭:૧૦. એઝરા પોતે શાસ્ત્રવચનો સમજવા ખૂબ મહેનત કરતા. તે સારી રીતે શીખવતા પણ હતા. આપણા માટે કેવો સરસ દાખલો! યહોવાહના નિયમોની મદદ લેવા તે પહેલેથી પ્રાર્થના કરીને પોતાનું મન તૈયાર કરતા. યહોવાહ પોતાના નિયમો દ્વારા શું કહેવા માંગે છે, એ સમજવા એઝરાએ મન લગાડ્યું હતું. એઝરા જે શીખે એ પોતે પાળે, બીજાને પણ શીખવવા મહેનત કરતા.
૭:૧૩. રાજીખુશીથી ભક્તિ કરનારા લોકો યહોવાહને ગમે છે.
૭:૨૭, ૨૮; ૮:૨૧-૨૩. એઝરાએ યરૂશાલેમની લાંબી, જોખમી મુસાફરી શરૂ કરતા પહેલાં, યહોવાહની સ્તુતિ કરી. દિલથી વિનંતી કરી. યહોવાહને માટે તે પોતાના માથે જોખમ લેવા તૈયાર હતા. એઝરાએ આપણા માટે સરસ દાખલો બેસાડ્યો.
૯:૨. આપણે “કેવળ પ્રભુમાં” પરણવું જોઈએ.—૧ કોરીંથી ૭:૩૯.
૯:૧૪, ૧૫. ખરાબ સોબતથી યહોવાહ સાથેનો નાતો કપાઈ જઈ શકે.
૧૦:૨-૧૨, ૪૪. યહોવાહના જે ભક્તોએ બીજા લોકોમાંથી પત્નીઓ કરી હતી, તેઓએ પસ્તાવો કરીને, પોતાની ભૂલ સુધારી. તેઓનું વલણ અને વર્તન દાખલો લેવા જેવું હતું.
યહોવાહ હંમેશાં વચનો પાળે છે
એઝરાનું પુસ્તક કેવું અનમોલ છે! યહોવાહ પોતાનું વચન સમયસર પાળે છે. પોતાના લોકોને બાબેલોનની ગુલામીમાંથી છોડાવે છે. સાચી ભક્તિ ફરી શરૂ થાય છે. એનાથી યહોવાહમાં, તેમનાં વચનોમાં આપણી શ્રદ્ધા હજુ પણ વધે છે!
એઝરાના પુસ્તકમાં આપણને કેટલા બધા લોકોના દાખલા મળ્યા. યરૂશાલેમ પાછા ફરેલા એઝરા અને અમુક યહુદીઓની ભક્તિનું કહેવું પડે. તેઓ યરૂશાલેમમાં યહોવાહની ભક્તિ ફરીથી શરૂ કરવા ત્યાં આવી પહોંચ્યા. આ પુસ્તકમાં યહોવાહનો ડર રાખનારા પરદેશીઓ, ખોટા કામનો પસ્તાવો કરનારા નમ્ર લોકો પણ હતા. એઝરાનું પુસ્તક સાબિતી આપે છે કે ‘યહોવાહનો શબ્દ જીવંત, સમર્થ’ કે શક્તિશાળી છે.—હેબ્રી ૪:૧૨.
[ચાર્ટ/પાન ૧૦ પર ચિત્ર]
ઈ.સ. પૂર્વે ૫૩૭થી ૪૬૭ના ઈરાની રાજાઓ
મહાન કોરેશ (એઝરા ૧:૧) ઈ.સ. પૂર્વે ૫૩૦માં મરણ પામ્યો
કેમ્બાયસીસ (એઝરા ૪:૬) ઈ.સ. પૂર્વે ૫૩૦-૨૨
કે અહાશ્વેરોશ
આર્તાહશાસ્તા (એઝરા ૪:૭) ઈ.સ. પૂર્વે ૫૨૨ (ફક્ત સાત
—બાર્દિયા કે ગૌમત મહિનાના રાજ પછી તેનું ખૂન થયું)
દાર્યાવેશ પહેલો (એઝરા ૪:૨૪) ઈ.સ. પૂર્વે ૫૨૨-૪૮૬
આર્તાહશાસ્તા (એઝરા ૭:૧) ઈ.સ. પૂર્વે ૪૭૫-૨૪
લોંગીમેનસ
[ફુટનોટ]
a એઝરાના પુસ્તકમાં શાસ્તા વિષે જણાવાયું નથી. એસ્તેરના પુસ્તકમાં તેને અહાશ્વેરોશ કહેવામાં આવ્યો છે.
[ચિત્ર]
અહાશ્વેરોશ
[પાન ૯ પર ચિત્ર]
કોરેશ
[પાન ૯ પર ચિત્ર]
ગુલામો વતન પાછા જાય, એવા કોરેશના લખાણવાળો ગોળ પથ્થર (સાઈરસ સિલિન્ડર)
[ક્રેડીટ લાઈન]
Cylinder: Photograph taken by courtesy of the British Museum
[પાન ૧૨ પર ચિત્ર]
એઝરા કેવી રીતે હોશિયાર શિક્ષક બન્યા, એ તમે જાણો છો?