બાપ્તિસ્મા લેવા શું કરવું જોઈએ
“મારે બાપ્તિસ્મા પામવાને શી અડચણ છે?”—પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૬.
૧, ૨. ફિલિપે કુશના અધિકારી સાથે કઈ રીતે વાત શરૂ કરી? અને શું બતાવે છે કે આ અધિકારીને પરમેશ્વરમાં બહુ શ્રદ્ધા હતી?
ઈસુના મરણના એક-બે વર્ષ પછી કુશ દેશનો એક અધિકારી યહોવાહની ભક્તિ કરવા યરૂશાલેમ આવ્યો હતો. તેને યહોવાહ માટે બહુ શ્રદ્ધા હતી. તે રથમાં લગભગ ૧૫૦૦ કિલોમીટર લાંબી મુસાફરી કરીને યરૂશાલેમ આવ્યો હતો. પછી તે યરૂશાલેમની દક્ષિણે ગાઝાહ જતા રસ્તેથી પાછો જઈ રહ્યો હતો. મુસાફરી લાંબી હોવાથી તે શાસ્ત્ર વાંચી રહ્યો હતો. આ બતાવે છે કે તેને પરમેશ્વરમાં કેટલી શ્રદ્ધા હતી. યહોવાહે તેનું દિલ પારખીને સ્વર્ગદૂત દ્વારા શિષ્ય ફિલિપને તેને પ્રચાર કરવાનું માર્ગદર્શન આપ્યું.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૬-૨૮.
૨ ફિલિપ માટે કુશના અધિકારી સાથે વાત કરવી બહુ સહેલી હતી. કેમ કે, તે અધિકારી પોતાના સમયના રિવાજ પ્રમાણે મોટેથી યશાયાહનો વીંટો વાંચતો હતો. ફિલિપ એ સાંભળી શકતા હતા. ફિલિપે અધિકારીને રસ પડે એવો એક સાદો સવાલ પૂછ્યો: “તું જે વાંચે છે તે શું તું સમજે છે?” આ સવાલથી યશાયાહ ૫૩:૭, ૮માંથી ચર્ચા શરૂ થઈ. આ કલમોની ચર્ચા કર્યા પછી ફિલિપે “તેને ઈસુ વિષેની સુવાર્તા પ્રગટ કરી.”—પ્રેરિતોનાં કૃત્યો ૮:૨૯-૩૫.
૩, ૪. (ક) શા માટે ફિલિપે કુશી અધિકારીને બાપ્તિસ્મા આપ્યું? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ થોડા જ સમયમાં કુશી અધિકારીને સમજ પડી કે પરમેશ્વરના મકસદને પૂરો કરવામાં ઈસુ કઈ ભૂમિકા ભજવે છે. તે એ પણ સમજ્યો કે બાપ્તિસ્મા લઈને ખ્રિસ્તના શિષ્ય બનવાની જરૂર છે. તેથી રસ્તા પર એક જગ્યાએ વધારે પાણી જોયું તો તેણે ફિલિપને પૂછ્યું કે, “મારે બાપ્તિસ્મા પામવાને શી અડચણ છે?” જોકે આ અધિકારીના સંજોગો અલગ હતા. શા માટે? તે જન્મથી યહુદી ન હતો તોપણ યહુદી ધર્મ સ્વીકારીને યહોવાહની ભક્તિ કરતો હતો. જો તેણે એ સમયે બાપ્તિસ્મા ન લીધું હોત તો, બીજા એક મોકા માટે લાંબો સમય રાહ જોવી પડત. પરમેશ્વર તેની પાસેથી શું ચાહે છે એ સૌથી મહત્ત્વની વાત તે સમજ્યો હતો. તેથી તે જલદીમાં જલદી પૂરાં દિલથી પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહતો હતો. ફિલિપે ખુશી ખુશી આ અધિકારીની ઇચ્છા પૂરી કરી અને તેને બાપ્તિસ્મા આપ્યું. પછી અધિકારી “આનંદ કરતો કરતો પોતાને માર્ગે ચાલ્યો ગયો.” આ અધિકારીએ પોતાના દેશમાં જઈને પૂરા જોશથી સુસમાચારનો પ્રચાર કર્યો હશે.—પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૬-૩૯.
૪ જોકે બાપ્તિસ્માનો નિર્ણય ઉતાવળે કે વગર વિચાર્યે ન કરવો જોઈએ. પણ આ કુશી અધિકારીનો દાખલો બતાવે છે કે અમુક લોકો પરમેશ્વરના વચનનું સત્ય સાંભળીને થોડા વખત પછી બાપ્તિસ્મા પામે છે.a તેથી આ સવાલો પર વિચાર કરવો જોઈએ: બાપ્તિસ્મા લેવા કેવી તૈયારી કરવી જોઈએ? કેટલી ઉંમરે બાપ્તિસ્મા લેવું જોઈએ? બાપ્તિસ્મા પહેલાં પરમેશ્વરની સેવામાં કેટલી હદ સુધી પ્રગતિ કરવી જોઈએ? સૌથી મહત્ત્વનો સવાલ, યહોવાહ કેમ ચાહે છે કે બાપ્તિસ્મા લેવું જરૂરી છે?
અતૂટ વચન
૫, ૬. (ક) પહેલાંના સમયમાં યહોવાહના લોકોએ તેમના પ્રેમની કઈ રીતે કદર બતાવી? (ખ) બાપ્તિસ્મા લેવાથી આપણે યહોવાહ સાથે કેવા સંબંધનો આનંદ માણી શકીએ?
૫ યહોવાહે ઈસ્રાએલીઓને મિસર કે ઇજિપ્તમાંથી છોડાવ્યા પછી કહ્યું કે તેઓ તેમનું ‘ખાસ ધન’ એટલે કે ખાસ પ્રજા બની શકશે. તે તેઓનું પ્રેમાળ રીતે રક્ષણ કરશે. તેઓને એક ‘પવિત્ર જાતિ’ બનાવશે. જોકે આ આશીર્વાદો મેળવવા માટે ઈસ્રાએલીઓએ યહોવાહના પ્રેમની કદર કરવા અમુક પગલાં ભરવાની જરૂર હતી. ઈસ્રાએલીઓએ એમ જ કર્યું. તેઓએ વચન આપ્યું કે “યહોવાહે જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું.” આમ તેઓએ યહોવાહ સાથે કરાર કર્યોં. (નિર્ગમન ૧૯:૪-૯) પહેલી સદીમાં ઈસુએ પોતાના અનુયાયીઓને સર્વ દેશનાઓને શિષ્ય બનાવવાની આજ્ઞા આપી. જેઓએ ઈસુનું શિક્ષણ સ્વીકાર્યું તેઓએ બાપ્તિસ્મા લીધું. એમ કરવાથી તેઓ યહોવાહ સાથે સંબંધ બાંધી શક્યાં. એ બતાવતું હતું કે એવો સંબંધ રાખવો હોય તો ઈસુમાં વિશ્વાસ બતાવીને બાપ્તિસ્મા લેવું જરૂરી હતું.—માત્થી ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮, ૪૧.
૬ બાઇબલના આ અહેવાલથી જાણવા મળે છે કે જેઓ યહોવાહની ભક્તિ કરવાનું અતૂટ વચન આપે છે તેઓને તે આશીર્વાદો આપે છે. તેથી તેમનો આશીર્વાદ મેળવવા માટે પહેલા સમર્પણ કરવાનું છે, એટલે કે આપણે આખી જિંદગી યહોવાહને જ ભજવાનું નક્કી કરવાનું છે. બીજું આપણે બાપ્તિસ્મા લેવાનું છે. એનાથી આપણે પાકો નિર્ણય કરીએ છીએ કે આપણે યહોવાહનાં ધોરણો પાળીશું અને તેમના માર્ગમાં ચાલીશું. (ગીતશાસ્ત્ર ૪૮:૧૪) એના બદલામાં યહોવાહ જાણે આપણો હાથ પકડીને આપણને ખરા માર્ગ પર ચલાવશે.—ગીતશાસ્ત્ર ૭૩:૨૩; યશાયાહ ૩૦:૨૧; ૪૧:૧૦, ૧૩.
૭. સમર્પણ અને બાપ્તિસ્માનો નિર્ણય શા માટે વ્યક્તિએ પોતે કરવો જોઈએ?
૭ કયા કારણોથી આ બે પગલાં ભરવાં જોઈએ? એક, યહોવાહ માટેનો પ્રેમ અને બીજું, તેમની સેવા કરવાની ઇચ્છા. કોઈએ પણ બાપ્તિસ્મા એટલા માટે ન લેવું જોઈએ કે કોઈ એમ કહે કે બાઇબલ સ્ટડીને લાંબો સમય થઈ ગયો છે. અથવા મિત્રો બાપ્તિસ્મા લઈ રહ્યાં છે એટલે લઈએ છીએ. જોકે માબાપ કે અનુભવી ભાઈ-બહેનો સમર્પણ અને બાપ્તિસ્મા લેવા વિષે વિચારવાનું ઉત્તેજન આપશે. જેમ કે પ્રેષિત પીતરે પણ પોતાના સાંભળનારાઓને ‘બાપ્તિસ્મા પામે’ માટે ઉત્તેજન આપ્યું હતું. (પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૮) ખરું કે બાપ્તિસ્મા લેવા લોકો આપણને ઉત્તેજન આપી શકે. પરંતુ યાદ રાખો કે જીવનભર પરમેશ્વરની ભક્તિ કરવાનું પોતે જ નક્કી કરવાનું છે. પરમેશ્વરની ઇચ્છા પૂરી કરવાનો નિર્ણય આપણો પોતાનો હોવો જોઈએ.—ગીતશાસ્ત્ર ૪૦:૮.
બાપ્તિસ્મા માટે પહેલેથી તૈયારી
૮, ૯. (ક) બાઇબલ પ્રમાણે નવા જન્મેલા બાળકોને બાપ્તિસ્મા આપવું કેમ ખોટું છે? (ખ) નાની ઉંમરમાં બાપ્તિસ્મા લેતા પહેલાં શું સમજવાની જરૂર છે?
૮ શું બાળકો જીવનભર પરમેશ્વરની ભક્તિ કરવાનો નિર્ણય લઈ શકે? જોકે બાઇબલમાં એવું કશું લખવામાં આવ્યું નથી કે કઈ ઉંમરે બાપ્તિસ્મા લેવું. તોપણ એક વાત નક્કી છે કે નવા જન્મેલા બાળકોને બાપ્તિસ્મા આપી શકાતું નથી. કેમ કે, તેઓ વિશ્વાસને આધારે કોઈ નિર્ણય લઈ શકતા નથી. પરમેશ્વરને પોતાનું જીવન સમર્પણ કરવાનો પણ નિર્ણય લઈ શકતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૨) ઇતિહાસકાર ઑગસ્તસ નિએન્ડરે પોતાના પુસ્તક ખ્રિસ્તી ધર્મ ને ચર્ચનો ઇતિહાસ (અંગ્રેજી) પુસ્તકમાં પહેલી સદીના ખ્રિસ્તીઓ વિષે આમ લખ્યું: ‘એ સમયમાં બાપ્તિસ્મા ફક્ત મોટેરાંઓને આપવામાં આવતું હતું. કેમ કે તેઓ બાપ્તિસ્મા અને વિશ્વાસ વચ્ચે કેટલો ગાઢ સંબંધ છે એ સમજી શકતાં હતાં.’
૯ પરંતુ નાના છોકરા-છોકરીઓ વિષે શું? અમુક તો નાની ઉંમરથી જ પરમેશ્વર અને તેમના મકસદ વિષેની બાબતોને સમજી શકે છે. અને પરમેશ્વર જે ચાહે છે એ કરવાની ઇચ્છા તેઓમાં હોય છે. જોકે બીજા યુવાનોને થોડી વાર લાગે છે. યુવાનોએ પણ બાપ્તિસ્મા લેવા માટે મોટેરાંની જેમ પરમેશ્વરની માંગોને પૂરી કરવી જોઈએ. એટલે કે તેઓએ પણ યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવાનો છે. બાઇબલનું પાયાનું શિક્ષણ લેવાની જરૂર છે. તેમ જ, પરમેશ્વરને સમર્પણ કરવામાં કઈ જવાબદારીનો સમાવેશ થાય છે એ જાણવાની જરૂર છે.
૧૦. સમર્પણ અને બાપ્તિસ્મા પહેલાં શું કરવાની જરૂર છે?
૧૦ ઈસુએ પોતાના શિષ્યોને ઘણી આજ્ઞા આપી હતી. તેઓએ એ વાતો સર્વને શીખવવાની હતી. (માત્થી ૨૮:૨૦) તેથી નવા લોકોએ બાઇબલ સત્યનું ખરું જ્ઞાન લેવાની જરૂર છે. એ જ્ઞાનને આધારે તેઓ યહોવાહ અને બાઇબલ પર વિશ્વાસ કરી શકશે. (રૂમી ૧૦:૧૭; ૧ તીમોથી ૨:૪; હેબ્રી ૧૧:૬) પછી બાઇબલનું સત્ય તેમના દિલ સુધી પહોંચશે ત્યારે તેઓ પસ્તાવો કરવા અને જૂના રીત-રિવાજોને છોડવા પ્રેરાશે. (પ્રેરિતોનાં કૃત્યો ૩:૧૯) આખરે જેમ ઈસુએ આજ્ઞા આપી હતી તેમ તેઓ આખું જીવન યહોવાહની ભક્તિ કરવા અને ઈસુની આજ્ઞા પ્રમાણે બાપ્તિસ્મા લેવા નક્કી કરશે.
૧૧. બાપ્તિસ્મા પહેલાં શા માટે નિયમિત પ્રચાર કરવો જોઈએ?
૧૧ બાપ્તિસ્મા લેવા પ્રગતિ કરવામાં રાજ્યના સુસમાચાર જણાવાની જરૂર છે. પ્રચાર કામ કરવું આ અંતના દિવસોમાં બહુ જ જરૂરી છે. કેમ કે યહોવાહે આ કામ સોંપ્યું છે. (માત્થી ૨૪:૧૪) બાપ્તિસ્મા નહિ પામેલા પ્રકાશકોને પોતાના વિશ્વાસ વિષે બીજાઓને જણાવાનો મોકો મળ્યો છે. પ્રચારમાં ભાગ લેવાનો તેઓને કેવો આશીર્વાદ મળે છે. તેથી જો તેઓ નિયમિત પ્રચાર કરવાની આદત પાળશે તો, બાપ્તિસ્મા પછી પણ તેઓ પૂરા જોશથી નિયમિત પ્રચાર કરી શકશે.—રૂમી ૧૦:૯, ૧૦, ૧૪, ૧૫.
કઈ બાબત બાપ્તિસ્મા લેતા રોકે છે?
૧૨. અમુક લોકો શા માટે બાપ્તિસ્મા લેવા તૈયાર નથી?
૧૨ અમુક લોકો બાપ્તિસ્મા લેતા નથી કેમ કે તેઓ એની સાથે આવતી જવાબદારીઓ ઉપાડવા તૈયાર નથી. તેઓ જાણે છે કે યહોવાહના નિયમો અને સિદ્ધાંતો પ્રમાણે ચાલવા તેઓએ જીવનમાં મોટા મોટા ફેરફારો કરવા પડશે. અથવા તેઓને ડર હોય છે કે બાપ્તિસ્મા પછી તેઓ પરમેશ્વરની ઇચ્છા મુજબનું જીવન જીવી શકશે કે કેમ. અમુક લોકો એમ પણ વિચારે કે ‘બાપ્તિસ્મા પછી હું કદાચ કોઈ ખોટું કામ કરી બેસું, તો મને મંડળમાંથી કાઢી મૂકવામાં આવશે.’
૧૩. ઈસુના જમાનામાં અમુક લોકો તેમના શિષ્ય બનવાથી કેમ પાછા હટ્યાં?
૧૩ ઈસુના જમાનામાં અમુક લોકોએ પોતાના સુખને જીવનમાં પહેલું રાખ્યું. અથવા કુટુંબના સંબધોને વધારે મહત્ત્વ આપ્યું, તેથી તેઓ શિષ્યો બન્યા નહિ. દાખલા તરીકે, એક શાસ્ત્રીએ ઈસુને કહ્યું કે જ્યાં જ્યાં તમે જશો ત્યાં ત્યાં હું પણ આવીશ. પણ ઈસુએ કહ્યું કે ઘણી વાર તેમને માથું ટેકવવાનું ઠામઠેકાણું મળતું નથી. ત્યારે એ શાસ્ત્રી ઈસુના શિષ્ય બનવાથી પાછળ હટી ગયો. કેમ કે, તેને મુશ્કેલ જીવન જીવવું ન હતું. ઈસુએ બીજા એક માણસને શિષ્ય બનવાનું કહ્યું ત્યારે એ માણસે કહ્યું કે હું પહેલાં મારા પિતાને ‘દાટવાની’ જવાબદારી પૂરી કરી આવું. એવું લાગે છે કે આ માણસ પિતાનું મોત થાય અને તેમને દાટવાની ગોઠવણ કરે ત્યાં સુધી પોતાના ઘરમાં રાહ જોવા ચાહતો હતો. પણ ખરેખર તો સમય આવ્યે કે એ જરૂર પડ્યે તે પોતાની જવાબદારી પૂરી કરી શક્યો હોત. તેથી તે ચાહત તો, તરત જ ઈસુનો શિષ્ય બની શક્યો હોત. છેલ્લે ત્રીજા એક માણસે ઈસુને કહ્યું કે હું શિષ્ય બનું એ પહેલાં મારા કુંટુબને “છેલ્લી સલામ” કરી આવું. ઈસુએ કહ્યું કે આવા બહાના કાઢવા એ ‘પછવાડે જોવા’ બરાબર છે. આ ત્રણ દાખલા પરથી જોઈ શકીએ છીએ કે યહોવાહના સેવક બનવામાં જવાબદારીથી દૂર ભાગે છે તેઓ પાસે કોઈને કોઈ બહાનું જરૂર હોય છે.—લુક ૯:૫૭-૬૨.
૧૪. (ક) પીતર, આંદ્રિયા, યાકુબ અને યોહાનને ઈસુએ માણસો પકડવાનું આમંત્રણ આપ્યું ત્યારે, તેઓએ શું કર્યું? (ખ) ઈસુની ઝૂંસરી કે જવાબદારી ઉઠાવવાથી આપણે કેમ અચકાવું ન જોઈએ?
૧૪ પરંતુ, પીતર, આંદ્રિયા, યાકુબ અને યોહાન બહાના કાઢનારાથી કેટલા અલગ હતા! બાઇબલ જણાવે છે કે ઈસુએ તેઓને શિષ્ય બનવાનું અને માણસો પકડનારા બનવાનું એટલે કે બીજા લોકોને પરમેશ્વર વિષે શીખવવાનું કહ્યું ત્યારે, “તેઓ તરત જાળો મૂકીને તેની પાછળ ગયા.” (માત્થી ૪:૧૯-૨૨) આમ તરત જ નિર્ણય લેવાથી તેઓએ પોતાના જીવનમાં ઈસુએ કહેલી વાત અનુભવી: “મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમ કે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો. કેમ કે મારી ઝૂંસરી સહેલ છે, ને મારો બોજો હલકો છે.” (માત્થી ૧૧:૨૯, ૩૦) ભલે બાપ્તિસ્મા લેવાથી આપણા પર ઝૂંસરી અથવા જવાબદારી આવી પડે છે. પણ ઈસુ ખાતરી આપે છે કે એ જવાબદારી આપણે પૂરી કરી શકીએ છીએ. એનાથી આપણે તાજગી અનુભવીએ છીએ.
૧૫. મુસા અને યિર્મેયાહનો દાખલો શું બતાવે છે?
૧૫ બાપ્તિસ્મા લેવાની ઇચ્છા રાખે છે તેઓને એનાથી આવતી જવાબદારીને સો ટકા પૂરી નહિ કરી શકે એવી લાગણી તો થશે જ. મુસા અને યિર્મેયાહનો વિચાર કરો. તેઓ સાથે પણ એવું જ કંઈક બન્યું હતું. શરૂઆતમાં યહોવાહે તેઓને જવાબદારી સોંપી, ત્યારે તેઓને લાગ્યું કે પોતે એ જવાબદારી પૂરી નહિ કરી શકે. (નિર્ગમન ૩:૧૧; યિર્મેયાહ ૧:૬) યહોવાહે તેઓને કઈ રીતે હિંમત આપી? તેમણે મુસાને કહ્યું: “હું નિશ્ચે તારી સાથે હોઇશ.” અને તેમણે યિર્મેયાહને વચન આપ્યું: “તારો છૂટકો કરવા સારુ હું તારી સાથે છું.” (નિર્ગમન ૩:૧૨; યિર્મેયાહ ૧:૮) એવી જ રીતે આપણે પણ ભરોસો રાખી શકીએ કે પરમેશ્વર જરૂર આપણને મદદ કરશે. આપણને એવો ડર હોય કે સમર્પણ પ્રમાણે જીવી શકીશું કે નહિ તો, પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ અને ભરોસો આપણને એવા વિચારોથી દૂર રાખશે. પ્રેષિત યોહાને લખ્યું: “પ્રેમમાં ભય નથી; પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે.” (૧ યોહાન ૪:૧૮) એક નાના બાળકને એકલું ક્યાંય બહાર જવાનું હોય તો, તેને ડર લાગશે. પરંતુ જો પિતા તેની સાથે હશે તો, તે કોઈ પણ જાતના ડર વિના પિતાનો હાથ પકડીને ચાલશે. એવી જ રીતે આપણે પણ યહોવાહ પર પૂરો ભરોસો રાખવો જોઈએ. એમ કરીશું તો, વચન આપ્યા પ્રમાણે તે આપણી સાથે જાણે ચાલે છે અને આપણા ‘સર્વ રસ્તાઓ પાધરા કરશે.’—નીતિવચનો ૩:૫, ૬.
માનથી વર્તવાનો પ્રસંગ
૧૬. બાપ્તિસ્મા આપતી વખતે કેમ પાણીમાં પૂરેપૂરા ડૂબાડવામાં આવે છે?
૧૬ બાપ્તિસ્મા પહેલાં એ વિષય પર એક ટૉક આપવામાં આવે છે. એમાં બાપ્તિસ્માના મહત્ત્વ વિષે સમજાવવામાં આવે છે. ટૉકના અંતે બાપ્તિસ્મા લેનારને બે સવાલ પૂછવામાં આવે છે. તેઓ આ સવાલોનો જવાબ ‘હાʼમાં આપીને પોતાનો વિશ્વાસ બીજાઓ આગળ જાહેર કરે છે. (રૂમી ૧૦:૧૦; પાન ૨૨ પરનું બૉક્સ પણ જુઓ) એ પછી ઈસુની જેમ વ્યક્તિને પાણીમાં પૂરેપૂરી ડૂબાડીને બાપ્તિસ્મા આપવામાં આવે છે. બાઇબલ કહે છે કે ઈસુ બાપ્તિસ્મા પછી “પાણીમાંથી નીકળી” આવે છે અથવા ‘પાણીમાંથી ઉપર આવે છે’. (માત્થી ૩:૧૬; માર્ક ૧:૧૦) આ બતાવે છે કે યોહાન બાપ્તિસ્મકે ઈસુને પાણીમાં પૂરેપૂરા ડુબાડ્યાં હતાં.b આ રીતે પાણીમાં ડૂબકી મારીને આપણે બતાવીએ છીએ કે આપણે જીવનમાં બહુ મોટો ફેરફાર કર્યો છે. આપણે મોતમાંથી પાછા ઊઠ્યાં છીએ. એટલે કે આપણે પહેલાં જે કાર્યો કરતાં હતાં એ છોડીને યહોવાહની ભક્તિમાં નવેસરથી જિંદગી શરૂ કરીએ છીએ.
૧૭. બાપ્તિસ્મા લેનાર અને બીજાઓ, આ પ્રસંગે કઈ રીતે આદરથી વર્તી શકે?
૧૭ બાપ્તિસ્મા ખુશીની સાથે એક ગંભીર પ્રસંગ છે. બાઇબલ જણાવે છે કે યરદન નદીમાં યોહાન ઈસુને બાપ્તિસ્મા આપી રહ્યાં હતાં ત્યારે ઈસુ પ્રાર્થના કરી રહ્યાં હતાં. (લુક ૩:૨૧, ૨૨) ઈસુના દાખલાને અનુસરીને બાપ્તિસ્મા લેનારાઓએ પણ આ પ્રસંગ પ્રત્યે આદર બતાવવો જોઈએ. સાથે સાથે પોતાના કપડાં પર પણ ધ્યાન આપવું જોઈએ. બાઇબલ આપણને રોજિંદા જીવનમાં પણ શોભતાં કપડાં પહેરવાની સલાહ આપે છે. તેથી બાપ્તિસ્મા વખતે શોભતાં કપડાં પહેરવાં એ કેટલું જરૂરી છે! (૧ તીમોથી ૨:૯) બાપ્તિસ્મા જોવા જનારાંઓએ પણ આદરથી વર્તવું જોઈએ. કઈ રીતે? તેઓએ બાપ્તિસ્માની ટૉક ધ્યાનથી સાંભળવી જોઈએ. જેથી ચીસો પાડવી કે સીટી મારવા જેવું કંઈ ન કરવું જોઈએ. પણ માનથી તાળીઓ પાડવી જોઈએ.—૧ કોરીંથી ૧૪:૪૦.
બાપ્તિસ્મા પામેલાને મળતો આશીર્વાદ
૧૮, ૧૯. બાપ્તિસ્મા લેવાથી આપણને કયા આશીર્વાદ મળે છે?
૧૮ આપણે પરમેશ્વરને જીવન સમર્પણ કરીને બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે, આપણે એક ખાસ પરિવારનો ભાગ બનીએ છીએ. પહેલો આશીર્વાદ યહોવાહ પરમેશ્વર આપણા પિતા અને દોસ્ત બને છે. બાપ્તિસ્મા પહેલાં પરમેશ્વર સાથે આપણો કોઈ સંબંધ ન હતો. પણ હવે તેમની સાથે આપણો સંબંધ પાકો થાય છે. (૨ કોરીંથી ૫:૧૯; કોલોસી ૧:૨૦) ઈસુના બલિદાનને આધારે આપણે પરમેશ્વરની નજીક જઈએ છીએ અને તે પણ આપણી નજીક આવે છે. (યાકૂબ ૪:૮) ઈશ્વર ભક્ત માલાખી જણાવે છે કે પરમેશ્વરનું નામ ધારણ કર્યા પછી યહોવાહ આપણા પર ખાસ ધ્યાન આપે છે. આપણી પ્રાર્થના સાંભળે છે. અને આપણાં નામ તેમના યાદીના પુસ્તકમાં લખે છે એટલે કે આપણને કાયમી જીવનની આશા આપે છે. પરમેશ્વર કહે છે: ‘તેઓ મારા થશે; જેમ કોઈ પિતા પોતાની સેવા કરનાર પોતાના પુત્ર પર દયા રાખે તેમ હું તેમના પર દયા રાખીશ.’—માલાખી ૩:૧૬-૧૮.
૧૯ બાપ્તિસ્મા લેવાથી આપણે આખી દુનિયામાં ફેલાયેલા ભાઈ-બહેનોનો એક ભાગ બનીએ છીએ. પ્રેષિત પીતરે ઈસુને પૂછ્યું કે શિષ્યોએ જે જે જતું કર્યું છે એના બદલામાં તેઓને શું મળશે. ઈસુએ તેઓને વચન આપ્યું: ‘જે કોઈએ ઘરોને, ભાઈઓને, બહેનોને, બાપને, માને, છોકરાંને કે ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.’ (માત્થી ૧૯:૨૯) એના ઘણા વર્ષો પછી પીતરે પત્રમાં આખી દુનિયામાં ફેલાયેલા ‘બંધુમંડળનો’ ઉલ્લેખ કર્યો. પીતરે પોતે એનાથી મળતા આશીર્વાદનો અનુભવ કર્યો. આજે આપણે પણ એનો અનુભવ કરી શકીએ છીએ.—૧ પીતર ૨:૧૭; ૫:૯.
૨૦. બાપ્તિસ્મા લેવાથી કઈ આશા મળે છે?
૨૦ ઈસુએ પણ કહ્યું કે શિષ્યો બનશે તેઓ “અનંતજીવનનો વારસો પામશે.” જો આપણે યહોવાહને જ ભજવાનું નક્કી કરીને બાપ્તિસ્મા લઈએ, તો આપણને ‘ખરેખરું જીવન ધારણ’ કરવાની આશા મળે છે. એટલે કે પરમેશ્વરની નવી દુનિયા જે બગીચા જેવી બનશે એમાં જીવવાની આશા મળે છે. (૧ તીમોથી ૬:૧૯) ખરેખર આપણે અને આપણા પરિવાર માટે આનાથી સારું ભવિષ્ય શું હોઈ શકે! આપણી આ આશા પૂરી થશે ત્યારે આપણે ‘સદાસર્વકાળ યહોવાહના નામ પર શ્રદ્ધા રાખીને ચાલીશું.’—મીખાહ ૪:૫. (w06 4/1)
[ફુટનોટ્સ]
a પેન્તેકોસ્તના દિવસે ત્રણ હજાર યહુદીઓ અને યહુદી ધર્મ સ્વીકારેલા વિદેશીઓએ પીતરનું ભાષણ સાંભળીને તરત જ બાપ્તિસ્મા લીધું. કુશી અધિકારીની જેમ તેઓ પણ પરમેશ્વરના સત્યનું પાયાનું શિક્ષણ પહેલેથી જાણતા હતા.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૭-૪૧.
b વાઇન્સ્ એક્સપૉઝિટરિ ડિક્ષનરી ઑફ ન્યૂ ટેસ્ટામેન્ટ વર્ડસ્ પ્રમાણે, બાપ્તિસ્મા માટે જે ગ્રીક શબ્દ વાપર્યો છે એનો અર્થ ‘પાણીમાં પૂરેપૂરું ડૂબાડીને બહાર કાઢવું.’
શું તમે સમજાવી શકો?
• કઈ રીતે અને શા માટે આપણે યહોવાહ પ્રત્યે પ્રેમ બતાવવો જોઈએ?
• બાપ્તિસ્મા લેતા પહેલાં યહોવાહની સેવામાં કેટલી પ્રગતિ કરવી જોઈએ?
• આપણે નિષ્ફળ જવાની કે જવાબદારી નિભાવવાના ડરથી બાપ્તિસ્મા લેતા કેમ અચકાવું નહિ?
• બાપ્તિસ્મા લેવાથી કયા આશીર્વાદો મળી શકે?
[પાન ૨૬ પર ચિત્ર]
“મારે બાપ્તિસ્મા પામવાને શી અડચણ છે?”
[પાન ૨૯ પર ચિત્ર]
બાપ્તિસ્મા ખુશીનો અને એક ગંભીર પ્રસંગ છે