યહોવાહ જરૂર ‘ન્યાય કરશે’
“રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે?”—લૂક ૧૮:૭, પ્રેમસંદેશ.
૧. તમને કોની પાસેથી ઉત્તેજન મળે છે અને શા માટે?
આજે દુનિયામાં લાખો યહોવાહના સાક્ષીઓ છે. તેઓમાંના ઘણા ભાઈ-બહેનો વર્ષોથી યહોવાહની તન-મનથી ભક્તિ કરે છે. શું તમે તેઓમાંના કોઈને ઓળખો છો? તમે કદાચ કોઈ બહેનને ઓળખતા હશો જેમણે વર્ષો પહેલાં બાપ્તિસ્મા લીધું હતું. તે હજીયે તન-મનથી યહોવાહને ભજે છે. ભાગ્યે જ કોઈ મિટિંગ ચૂકે છે. અથવા તમે કોઈ ભાઈને ઓળખતા હશો જે વર્ષોથી મંડળ સાથે પૂરા દિલથી લોકોને પ્રચાર કરે છે. તેઓમાંના ઘણા એવું વિચારતા હતા કે અત્યાર સુધીમાં તો, દુષ્ટ જગતનો ન્યાય કરવા યહોવાહ આર્માગેદ્દોન લઈ આવ્યા હશે. પણ એમ બન્યું નથી. દુષ્ટતા તો દિવસે દિવસે ફૂલેફાલે છે. તોપણ યહોવાહનાં વચનોમાંથી તેઓની શ્રદ્ધા જરાય ઓછી નથી થઈ. તેઓ દુષ્ટ જગતના અંત સુધી ટકી રહેવા બધું જ કરે છે. (માત્થી ૨૪:૧૩) યહોવાહમાં તેઓની અતૂટ શ્રદ્ધા જોઈને મંડળમાં સર્વને ખૂબ જ ઉત્તેજન મળે છે.—ગીતશાસ્ત્ર ૧૪૭:૧૧.
૨. શું જોઈને આપણને દુઃખ થાય છે?
૨ તોપણ આપણા મંડળમાં અમુક એવા ભાઈ-બહેનો હોઈ શકે જેઓ નિરાશ થઈ ગયા છે. અમુકે તો વર્ષોથી યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો છે. પણ હવે તેઓની શ્રદ્ધાનો દીવો ધીમે ધીમે બુઝાઈ ગયો છે. અમુકે તો મંડળ સાથેનો નાતો જ કાપી નાખ્યો છે. તેઓને જોઈને આપણને ખૂબ જ દુઃખ થાય છે. આપણી તો એ જ તમન્ના છે કે “ભૂલા પડેલા” ભાઈ-બહેનોને આપણાથી થઈ શકે એમ મદદ કરીએ, જેથી તેઓ ફરીથી યહોવાહની ભક્તિ શરૂ કરે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૭૬; રૂમી ૧૫:૧) એક બાજુ યહોવાહે આપેલાં વચનોમાં અમુક ભાઈ-બહેનોની શ્રદ્ધા ખૂબ મજબૂત છે. જ્યારે બીજી તરફ અમુકની શ્રદ્ધા પડી ભાંગી છે. એનાથી અમુક સવાલો ઊભા થાય છે. ઘણા સાક્ષીઓને યહોવાહનાં વચનોમાં શ્રદ્ધા રાખવા શું મદદ કરે છે? “યહોવાહનો મહાન દિવસ નજીક” છે, એ વચનમાં અતૂટ શ્રદ્ધા રાખવા માટે આપણે દરેકે શું કરવું જોઈએ? (સફાન્યાહ ૧:૧૪) એના જવાબ મેળવવા, ચાલો આપણે લુકના પુસ્તકમાંથી એક દાખલો તપાસીએ.
“માણસનો દીકરો આવશે” એ સમયમાં રહેતા લોકોને ચેતવણી
૩. વિધવા અને ન્યાયાધીશનો દાખલો ખાસ કરીને કયા લોકોને લાગુ પડે છે? શા માટે?
૩ આપણે આગળના લેખમાં મધરાતે પરોણાગત બતાવનાર વ્યક્તિનો દાખલો જોયો હતો. તે પોતાના મિત્ર પાસે અડધી રાતે ખાવાનું માંગતો હતો. (લુક ૧૧:૫-૧૩) ઈસુએ એવો જ એક દાખલો લુકના અઢારમા અધ્યાયમાં વાપર્યો હતો. એક વિધવા ને ન્યાયાધીશનો દાખલો. એની આજુબાજુની કલમો તપાસતા ખબર પડે છે કે એ દાખલો કયા લોકોને લાગુ પડે છે. દાખલો ખાસ કરીને એ સમયમાં જીવતા લોકોને લાગુ પડે છે જ્યારે “માણસનો દીકરો,” એટલે કે ઈસુ પોતે સ્વર્ગમાં યહોવાહના પસંદ કરેલા રાજા બનશે. એ સમય ૧૯૧૪થી શરૂ થઈ ચૂક્યો છે.—લુક ૧૮:૮.a
૪. લુકના અઢારમા અધ્યાયમાં વિધવા અને ન્યાયાધીશનો દાખલો આપતા પહેલાં ઈસુએ શાની વાત કરી?
૪ વિધવા અને ન્યાયાધીશનો દાખલો આપતા પહેલાં ઈસુએ જણાવ્યું: “ચમકતી વીજળી એક દિશાથી બીજી દિશા સુધી આકાશમાં પ્રકાશે છે” તેમ, પોતે યહોવાહના રાજ્યના રાજા બનશે ત્યારે એની સાબિતી બધે જ જોવા મળશે. (લુક ૧૭:૨૪; ૨૧:૧૦, ૨૯-૩૩) તોપણ દુષ્ટ જગતના ‘અંતના સમયમાં’ જીવતા મોટા ભાગના લોકો એ સાબિતીને જરાય ધ્યાન નહિ આપે. (દાનીયેલ ૧૨:૪) કેમ નહિ? કારણ કે નુહ અને લોતના જમાનાના લોકોની જેમ તેઓ પણ યહોવાહે આપેલી ચેતવણી તરફ આંખ આડા કાન કરશે. નુહના જમાનાના લોકોનો નાશ થયો એ દિવસ સુધી તેઓ “ખાતા, પીતા, વેચાતું લેતા આપતા, રોપતા, બાંધતા હતા.” (લુક ૧૭:૨૬-૨૯) તેઓ પોતાના જીવનમાં એટલા રચ્યા-પચ્યા હતા કે યહોવાહે આપેલી ચેતવણીને જરાય ધ્યાન આપ્યું નહિ. છેવટે તેઓ માર્યા ગયા. (માત્થી ૨૪:૩૯) એ જ રીતે આજે પણ લોકો પોતાના જીવનમાં એટલા જ મશગૂલ છે. તેઓ દુનિયાની હાલત પારખી શકતા નથી કે, આ દુષ્ટ જગતનો અંત હવે આવી પહોંચ્યો છે.—લુક ૧૭:૩૦.
૫. (ક) ઈસુએ કોને ચેતવણી આપી અને શા માટે? (ખ) શા માટે અમુક ભાઈ-બહેનોની શ્રદ્ધા ઓછી થઈ ગઈ છે?
૫ ઈસુને ફિકર હતી કે કદાચ પોતાના શિષ્યો, શેતાનના જગતની મોહ-માયાથી લલચાઈને તેઓએ પાછળ મૂકી દીધું હતું એ પાછા લેવા ન જાય. (લુક ૧૭:૨૨, ૩૧) જોકે અમુક ભાઈ-બહેનો સાથે એમ જ થયું છે. તેઓ વર્ષોથી કાગને ડોળે રાહ જોતા હતા કે યહોવાહ ક્યારે દુષ્ટ જગતનો અંત લાવે. પણ તેઓની ધારણા પ્રમાણે યહોવાહ આર્માગેદ્દોન લાવ્યા ન હોવાથી તેઓ નિરાશ થઈ ગયા. તેઓની શ્રદ્ધાનો દીવો ધીમે ધીમે બુઝાઈ ગયો. હવે તેઓ એમ માને છે કે યહોવાહ દુષ્ટ જગતનો ન્યાય કરશે એ દિવસને હજી તો ઘણી વાર છે. તેઓ ધીમે ધીમે પ્રચાર કામમાં ઠંડા પડી ગયા. પછી દુનિયાની મોહ-માયામાં એટલા ડૂબી ગયા કે યહોવાહની ભક્તિ કરવા તેઓ પાસે હવે જરાય સમય નથી. (લુક ૮:૧૧, ૧૩, ૧૪) તેઓએ પહેલાં જે મૂકી દીધું હતું એ પાછા ફરીને લેવા ગયા. એ કેટલું ખરાબ કહેવાય!
‘હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ’
૬-૮. (ક) વિધવા અને ન્યાયાધીશનો દાખલો જણાવો. (ખ) ઈસુએ કઈ રીતે એ દાખલો લાગુ પાડ્યો?
૬ યહોવાહે આપેલાં વચનોમાંથી આપણી શ્રદ્ધા નબળી ન પડે એ માટે આપણે શું કરવું જોઈએ? (હેબ્રી ૩:૧૪) ઈસુએ પોતાના શિષ્યોને શેતાનના દુષ્ટ જગતમાં પાછા ન ફરવાની ચેતવણી આપ્યા પછી એ પ્રશ્નનો જવાબ આપ્યો.
૭ શા માટે ‘હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને નિરાશ ન થવું જોઈએ?’ એ સમજાવવા ઈસુએ એક દાખલો આપ્યો: ‘એક નગરમાં એક ન્યાયાધીશ હતો, તે ન ઈશ્વરની બીક રાખતો કે ન તો માણસોનું માન રાખતો. એ જ નગરમાં એક વિધવા હતી. તે તેની પાસે જઈને કહ્યા કરતી, કે મારા વિરોધી સામે મને ન્યાય અપાવો. કેટલાક સમય સુધી તો ન્યાયાધીશને તેમ કરવાની ઇચ્છા ન હતી. છતાં અંતે તેણે પોતાના મનમાં કહ્યું, “જો કે હું ઈશ્વરની બીક રાખતો નથી અથવા માણસોનું માન રાખતો નથી, છતાં આ વિધવાના આગ્રહને લીધે તેને તેનો હક્કદાવો મળી રહે તે જોઈશ. નહિ તો, તે આવીને મને હેરાન હેરાન કરી મૂકશે!”’
૮ એમ કહ્યા પછી ઈસુએ બોધ આપતા કહ્યું: “એ અપ્રમાણિક ન્યાયાધીશ જે કહે છે તે સાંભળો. તો રાતદિવસ સહાયને માટે ઈશ્વરને પોકારનાર પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે? શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે? હું તમને કહું છું કે તે તેમની તરફેણમાં [પક્ષે] વિના વિલંબે ન્યાય કરશે. પણ માનવપુત્ર પૃથ્વી પર આવે, ત્યારે તેને વિશ્વાસ જડશે કે કેમ?”—લૂક ૧૮:૧-૮, પ્રેમસંદેશ.
‘મને ન્યાય અપાવ’
૯. વિધવા અને ન્યાયાધીશના દાખલામાં આપણને શું શીખવા મળે છે?
૯ આ દાખલામાંથી આપણને એક મહત્ત્વની બાબત જોવા મળે છે. એ શું છે? એમાં ઈસુએ જણાવ્યું કે ન્યાયાધીશે વિધવાને કઈ રીતે ન્યાય આપ્યો. વિધવાએ ભીખ માગતા કહ્યું કે ‘મને ન્યાય અપાવો.’ ન્યાયાધીશે કહ્યું: ‘તેને તેનો હક્કદાવો મળી રહે તે હું જોઈશ.’ ઈસુએ પૂછ્યું કે ‘શું ઈશ્વર ન્યાય નહિ કરે?’ પછી તરત યહોવાહ વિષે ઈસુએ કહ્યું કે ‘તે તેમના પક્ષે વિના વિલંબે ન્યાય કરશે.’ (લૂક ૧૮:૩, ૫, ૭, ૮, પ્રેમસંદેશ) તો સવાલ થાય કે યહોવાહ ક્યારે દુષ્ટ જગતનો ન્યાય કરશે?
૧૦. (ક) પહેલી સદીમાં યહોવાહે ક્યારે વૈર વાળ્યું હતું? (ખ) આપણા સમયમાં યહોવાહ પોતાના ભક્તોને ક્યારે અને કઈ રીતે ઇન્સાફ આપશે?
૧૦ પહેલી સદીમાં યહોવાહના “વૈર વાળવાના દિવસો” ૭૦ની સાલમાં આવ્યા હતા. એ વર્ષે યરૂશાલેમ અને યહુદીઓના મંદિરનો નાશ કરવામાં આવ્યો. (લુક ૨૧:૨૨) આજે પણ યહોવાહ પોતાના ભક્તોને ‘પોતાના મહાન દિવસે’ ઇન્સાફ આપશે. (સફાન્યાહ ૧:૧૪; માત્થી ૨૪:૨૧) જેઓ તેમના ભક્તોને “દુઃખ દે છે” તેઓને યહોવાહ એ દિવસે ‘દુઃખનો બદલો આપશે.’ તેમ જ “તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે.”—૨ થેસ્સાલોનીકી ૧:૬-૮; રૂમી ૧૨:૧૯.
૧૧. કઈ રીતે યહોવાહ જલદી જ ઇન્સાફ કરશે?
૧૧ ઈસુએ ગૅરન્ટી આપી હતી કે યહોવાહ જલદી જ ઇન્સાફ કરશે. બાઇબલ જણાવે છે કે યહોવાહ બધું સહન કરે છે. એનાથી આપણને એવું લાગે કે તે “ઢીલ” કરે છે તોપણ તે ચોક્કસ સમયે ઝડપથી દુષ્ટ લોકોનો ન્યાય કરશે. (લુક ૧૮:૭, ૮; ૨ પીતર ૩:૯, ૧૦) નુહના જમાનામાં યહોવાહે મોડું કર્યા વગર દુષ્ટ લોકોનો જળપ્રલયથી નાશ કર્યો. એ જ રીતે લોતના જમાનામાં પણ તેમણે દુષ્ટ લોકો પર આગ વરસાવીને તેઓનો નાશ કર્યો. ઈસુએ કહ્યું કે “જે દિવસે માણસનો દીકરો [ઈસુ ખ્રિસ્ત] પ્રગટ થશે તે દિવસે તે પ્રમાણે જ થશે.” (લુક ૧૭:૨૭-૩૦) ફરીથી એ જ રીતે દુષ્ટોનો “અકસ્માત [અચાનક] નાશ થશે.” (૧ થેસ્સાલોનીકી ૫:૨, ૩) આપણે યહોવાહ પર પૂરો ભરોસો રાખી શકીએ કે ન્યાય ચૂકવવાનો દિવસ જરૂર આવશે. એ માટે યહોવાહ જરાય મોડું નહિ કરે. તે શેતાનના દુષ્ટ જગતને એક પલ પણ વધારે ચાલવા નહિ દે.
યહોવાહ જરૂર ન્યાય કરશે
૧૨, ૧૩. (ક) ઈસુએ વિધવા ને ન્યાયાધીશનો દાખલો આપીને યહોવાહ વિષે કયો પાઠ શીખવ્યો? (ખ) આપણને કેમ પૂરી ખાતરી છે કે યહોવાહ આપણી પ્રાર્થના સાંભળીને જરૂર ન્યાય આપશે?
૧૨ વિધવા અને ન્યાયાધીશનો દાખલો આપીને ઈસુએ સત્યના બીજા મહત્ત્વનાં પાસાં પણ ચમકાવ્યા. એ સમજાવતા ઈસુએ કહ્યું: ‘એ અપ્રમાણિક ન્યાયાધીશ જે કહે છે તે સાંભળો. તો પોતાના લોકોના પક્ષમાં ઈશ્વર ન્યાય નહિ કરે?’ ઈસુ અહીં એમ કહેતા ન હતા કે એ ન્યાયાધીશની જેમ યહોવાહ પોતાના ભક્તો સાથે વર્તશે. ઈસુ તો પોતાના શિષ્યોને એ જણાવતા હતા કે ન્યાયાધીશ ને યહોવાહમાં મોટો ફરક છે! તેઓમાં શું ફરક છે?
૧૩ ઈસુએ આપેલા દાખલામાં ન્યાયાધીશ ‘અન્યાયી કે અપ્રમાણિક’ હતો. જ્યારે કે ‘યહોવાહ તો ન્યાયી ન્યાયાધીશ છે.’ (ગીતશાસ્ત્ર ૭:૧૧; ૩૩:૫) ન્યાયાધીશને વિધવાની જરાય પડી ન હતી. જ્યારે કે યહોવાહ દરેકની સંભાળ રાખે છે. (૨ કાળવૃત્તાંત ૬:૨૯, ૩૦) એ ન્યાયાધીશ વિધવાને મદદ કરવા તૈયાર ન હતો. જ્યારે કે યહોવાહ પોતાના ભક્તોને મદદ કરવા સદા તૈયાર છે. (યશાયાહ ૩૦:૧૮, ૧૯) એ દાખલામાંથી આપણે શું શીખી શકીએ? એ જ કે અન્યાયી ન્યાયાધીશ જો વિધવાનું સાંભળીને તેને ન્યાય આપતો હોય તો, શું યહોવાહ પોતાના ભક્તોની દુઆ સાંભળીને તેઓને ન્યાય નહિ આપે?—નીતિવચનો ૧૫:૨૯.
૧૪. યહોવાહ દુષ્ટ જગતનો ન્યાય કરશે એમ માનવાનું આપણે કેમ છોડવું ન જોઈએ?
૧૪ યહોવાહ જલદી જ દુષ્ટ જગતનો ન્યાય કરશે. એમ માનવાનું જેઓ છોડી દે છે, તેઓ મોટી ભૂલ કરે છે. કઈ રીતે? એક તો તેઓ યહોવાહ પર શંકા કરી રહ્યા છે. તેઓ જાણે કહી રહ્યા છે કે યહોવાહનાં વચનોમાં જરાય ભરોસો મૂકવા જેવું નથી. જોકે એમ કહેવાનો કોઈની પાસે હક્ક નથી. (અયૂબ ૯:૧૨) હવે મહત્ત્વનો સવાલ એ છે કે ‘શું આપણે અંત સુધી યહોવાહને વફાદાર રહીશું?’ વિધવા અને ન્યાયાધીશનો દાખલો જણાવ્યા પછી ઈસુએ એ જ પ્રશ્ન પૂછ્યો હતો.
‘પૃથ્વી પર તેને એવો વિશ્વાસ જડશે કે કેમ?’
૧૫. (ક) ઈસુએ કયો પ્રશ્ન પૂછ્યો અને શા માટે? (ખ) આપણે પોતાને શું પૂછવું જોઈએ?
૧૫ ઈસુએ વિચારવા જેવો પ્રશ્ન પૂછ્યો કે જ્યારે “માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને [એવો] વિશ્વાસ જડશે?” (લુક ૧૮:૮) ઈસુએ ‘એવો વિશ્વાસ’ કહ્યો ત્યારે તે સામાન્ય વિશ્વાસ વિષે વાત કરતા ન હતા. પણ વિધવાને હતો એવા વિશ્વાસની તે વાત કરતા હતા. ઈસુએ એનો જવાબ આપ્યો નહિ. તે ચાહતા હતા કે તેમના દરેક શિષ્યો પોતાને આવા પ્રશ્નો પૂછે: ‘શું મને વિધવા જેવો ઈશ્વરમાં વિશ્વાસ છે કે કેમ. શું મારી શ્રદ્ધા ધીમે ધીમે નબળી થઈ રહી છે? મેં જે છોડી દીધું છે એ પાછું મેળવવા શું હું તલપી રહ્યો છું?’ આપણે દરેકે પોતાને પૂછવું જોઈએ કે ‘“માણસનો દીકરો” એટલે કે ઈસુ મારું હૃદય તપાસે તો, મારી શ્રદ્ધામાં તેમને કોઈ ખામી દેખાશે કે કેમ?’
૧૬. વિધવાને ન્યાયાધીશમાં કેવો વિશ્વાસ હતો?
૧૬ યહોવાહ પોતાના ભક્તોને જરૂર ન્યાય આપશે. આપણને જો ન્યાય જોઈતો હોય તો એ વિધવાની જેમ કરવું જોઈએ. તેણે શું કર્યું? ‘તે વારંવાર ન્યાયાધીશ પાસે જઈને કહેતી કે “મને ન્યાય અપાવો.”’ તેને પાકો વિશ્વાસ હતો કે પોતાને જરૂર ન્યાય મળશે. એટલે જ હિંમત હાર્યા વગર તે વારંવાર ન્યાયાધીશ પાસે ન્યાયની ભીખ માંગવા ગઈ. જો કોઈ વાર આપણા ધાર્યા પ્રમાણે યહોવાહ મોડું કરે છે એવું લાગે તોપણ તે તેમના સમયે જરૂર ઇન્સાફ આપશે. આપણને યહોવાહમાં અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. એટલું જ નહિ, પણ આપણે રાતદહાડો યહોવાહને પ્રાર્થના કરવી જોઈએ. એમ કરવાથી આપણે બતાવીશું કે આપણને યહોવાહનાં વચનોમાં અતૂટ ભરોસો છે. (લુક ૧૮:૭) પૃથ્વી પર યહોવાહનો ન્યાયનો દિવસ આવે એમ પ્રાર્થના કરવાનું કોઈ છોડી દે તો એ શું બતાવે છે? તે જાણે એમ કહી રહ્યા છે કે યહોવાહ પોતાના ભક્તો માટે કંઈક કરશે એવો તેમને જરાય વિશ્વાસ નથી.
૧૭. પ્રાર્થનામાં લાગુ રહેવા અને યહોવાહ દુષ્ટ જગત પર ન્યાયનો દિવસ લાવશે એવો ભરોસો રાખવા આપણી પાસે કયાં કારણો છે?
૧૭ વિધવાના સંજોગો પરથી આપણને જોવા મળે છે કે આપણે કેમ પ્રાર્થના કરતા રહેવું જોઈએ. એ વિધવાના અને આપણા સંજોગોમાં શું ફરક છે એનો વિચાર કરો. એ વિધવાને ન્યાયાધીશ પાસે જવાનું કોઈ ઉત્તેજન આપતું ન હતું. તોપણ તે જતી હતી. જ્યારે કે બાઇબલ આપણને હંમેશાં ‘પ્રાર્થનામાં લાગુ રહેવા’ ઉત્તેજન આપે છે. (રૂમી ૧૨:૧૨) એ વિધવા પાસે કોઈ ગૅરન્ટી ન હતી કે તેને ન્યાય મળશે જ. યહોવાહ આપણને ગૅરન્ટી આપે છે કે તે આપણને જરૂર ન્યાય ચૂકવશે. યહોવાહે પોતાના ભક્ત દ્વારા કહેવડાવ્યું: “જોકે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જો; કેમ કે તે નક્કી આવશે, તે વિલંબ કરશે નહિ.” (હબાક્કૂક ૨:૩; ગીતશાસ્ત્ર ૯૭:૧૦) વિધવાને ન્યાય અપાવવા કોઈ તેના માટે ન્યાયાધીશને અરજ કરતું ન હતું. પણ આપણી પાસે તો ઈસુ છે. તે તો ‘ઈશ્વરને જમણે હાથે છે, તે આપણી સારુ’ ઈશ્વરને વિનંતી કરે છે. (રૂમી ૮:૩૪; હેબ્રી ૭:૨૫) એ વિધવા લાચાર હતી. તોપણ તે વારંવાર ન્યાયાધીશ પાસે જઈને ઇન્સાફની ભીખ માગતી હતી. તેને આશા હતી કે પોતાને જરૂર ન્યાય મળશે. તો પછી, આપણને તો યહોવાહમાં અતૂટ વિશ્વાસ હોવો જ જોઈએ કે તે દુષ્ટ જગતનો જલદી જ ન્યાય કરશે!
૧૮. પ્રાર્થના કઈ રીતે આપણી શ્રદ્ધાને મજબૂત કરવા અને ન્યાય મેળવવા મદદ કરશે?
૧૮ વિધવાના દાખલામાંથી આપણને બે બાબતો શીખવા મળે છે. એક, આપણી શ્રદ્ધા નબળી ન થાય એ માટે આપણે હંમેશાં પ્રાર્થનામાં યહોવાહની મદદ માગતા રહેવું જોઈએ. એમ કરીશું તો આપણી શ્રદ્ધાને નબળી કરતી નડતરો દૂર થશે. એનો અર્થ એ નથી કે દેખાડો કરવા બધા જુએ એમ પ્રાર્થના કરીશું તો આપણી શ્રદ્ધા મજબૂત રહેશે. (માત્થી ૬:૭, ૮) આપણે પૂરા દિલથી એ માનીને પ્રાર્થના કરીએ કે ઈશ્વરના સાથ વગર આપણે કંઈ કરી શકતા નથી. એમ કરીશું તો યહોવાહ સાથેનો આપણો નાતો મજબૂત થશે. આપણી શ્રદ્ધા પણ અડગ રહેશે. આ દુષ્ટ જગતમાંથી બચવા યહોવાહમાં શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે. એટલે જ ઈસુએ તેમના શિષ્યોને ઉત્તેજન આપ્યું કે “સર્વદા [હંમેશાં] પ્રાર્થના કરવી જોઈએ, અને કાયર થવું નહિ.” (લુક ૧૮:૧; ૨ થેસ્સાલોનીકી ૩:૧૩) એ ખરું છે કે ‘યહોવાહનો મહાન દિવસ’ કંઈ આપણી પ્રાર્થનાઓ પર નિર્ભર નથી. આપણે પ્રાર્થના કરીએ કે ન કરીએ, યહોવાહનો એ દિવસ એના સમયે જરૂર આવશે. પરંતુ યહોવાહ આપણને ન્યાય ચૂકવશે કે નહિ, તેમની લડાઈમાં આપણે બચીશું કે નહિ, એ આપણા પોતાના પર આધારિત છે. યહોવાહમાં પૂરી શ્રદ્ધા રાખીને તેમને પ્રાર્થના કરતા રહીશું, અને સારા કામોમાં લાગુ રહીશું તો આપણે જરૂર બચીશું.
૧૯. યહોવાહ પોતાના ભક્તોને જરૂર ન્યાય આપશે, એમ આપણે પોતે કઈ રીતે સાબિત કરી શકીએ?
૧૯ યાદ કરો કે ઈસુએ શું પૂછ્યું હતું: “માણસનો દીકરો આવશે, ત્યારે પૃથ્વી પર તેને [એવો] વિશ્વાસ જડશે?” તેમના પ્રશ્નનો શું જવાબ છે? આજે આખી દુનિયામાં યહોવાહના લાખો ભક્તોએ એનો જવાબ આપ્યો છે. કઈ રીતે? પૂરા દિલથી પ્રાર્થનામાં લાગુ રહીને. યહોવાહ દુષ્ટ જગતનો ન્યાય કરે એ મહાન દિવસની ધીરજથી રાહ જોઈને. એમ કરીને તેઓ બતાવે છે કે તેઓમાં ઈસુ જોવા માગે છે એવો જ વિશ્વાસ છે. એ જોઈને આપણને કેટલો આનંદ થાય છે! આજે શેતાનની દુનિયા ભલેને આપણી સાથે ગમે એવો અન્યાય કરે, તોપણ આપણને પૂરી શ્રદ્ધા છે કે યહોવાહ પોતાના ભક્તોને જરૂર ન્યાય આપશે. (w 06 12/15)
[Footnote]
a લુક ૧૭:૨૨-૩૩માં આપેલો દાખલો સમજવા એ કલમો વાંચો. ‘માણસના દીકરા’ વિષે લુક ૧૮:૮માં પૂછેલા સવાલનો જવાબ લુક ૧૭:૨૨, ૨૪, ૩૦ કઈ રીતે આપે છે એ નોંધ કરો.
આપણે શું શીખ્યા?
• શા માટે અમુક ભાઈ-બહેનોએ ઈશ્વરમાં શ્રદ્ધા ગુમાવી દીધી છે?
• આપણને કેમ પૂરો વિશ્વાસ છે કે દુષ્ટ જગત પર યહોવાહનો ન્યાયનો દિવસ જરૂર આવશે?
• પ્રાર્થનામાં લાગુ રહેવા આપણી પાસે કયાં કારણો છે?
• પ્રાર્થનામાં લાગુ રહેવાથી આપણે કેવી રીતે પોતાની શ્રદ્ધાને મજબૂત રાખી શકીએ?
[Picture on page 18]
વિધવા ને ન્યાયાધીશના દાખલામાંથી આપણે શું શીખ્યા?
[Pictures on page 21]
આજે લાખો લોકો માને છે કે યહોવાહ તેઓને જરૂર ન્યાય આપશે