વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૫/૧ પાન ૧૭-૧૮
  • યુવાનો તમારા માતા-પિતાનું હૃદય ખુશીઓથી ભરી દો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાનો તમારા માતા-પિતાનું હૃદય ખુશીઓથી ભરી દો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • સરખી માહિતી
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • માબાપ અને બાળકો—પ્રેમથી વાતચીત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • તમારા બાળકોનું જતન કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૫/૧ પાન ૧૭-૧૮

યુવાનો તમારા માતા-પિતાનું હૃદય ખુશીઓથી ભરી દો

પ્રેરિત યોહાને લખ્યું, “જ્યારે મારા સાંભળવામાં આવે છે કે મારાં બાળકો સત્યમાં ચાલે છે, ત્યારે એ કરતાં બીજાથી મને મોટો આનંદ થતો નથી.” (૩ યોહાન ૪) ખરું કે અહીંયા ઈસુના શિષ્યોને ‘બાળકો’ કહેવામાં આવ્યા છે. તોપણ ઈશ્વરભક્ત માબાપ આ શબ્દો તેઓના બાળકોને લાગુ પાડી શકે. માતા-પિતાનો કોઈ પણ નિર્ણય બાળકના જીવનને અસર કરે છે તેમ, બાળક જે કંઈ કરે એની માતા-પિતાના જીવનમાં ઘણી અસર પડે છે.

ઈસ્રાએલના રાજા સુલેમાને જણાવ્યું કે બાળકો જે કંઈ પગલું ભરે એની માતા-પિતા પર કેવી અસર પડે છે. તેમણે લખ્યું: “જ્ઞાની દીકરો પોતાના બાપને હર્ષ ઉપજાવે છે; પણ મૂર્ખ દીકરો પોતાની માને ભારરૂપ છે.” (નીતિવચનો ૧૦:૧) તેથી બાળકો અને યુવાનો, તમે જે કંઈ કરો, સમજી-વિચારીને કરો. એનો જરૂર વિચાર કરજો કે ‘એની મારા મમ્મી-પપ્પા પર શું અસર પડશે. તેમને કેવું લાગશે.’ શા માટે આમ વિચારવું યોગ્ય છે?

જરા વિચાર કરો, તમારા માતા-પિતાએ કેવા જતનથી તમારો ઉછેર કર્યો છે. અરે, તમારો જન્મ પણ થયો ન હતો ત્યારથી તેઓ તમારી ચિંતા કરતા હતા. તમારા માટે પ્રાર્થના કરતા હતા. તમારો જન્મ થયો પછી તમારા પર કેવો પ્રેમ વરસાવ્યો, તમારી સંભાળમાં રાત-દિન એક કરી નાખ્યા. તમારા જન્મથી તેઓની ખુશીનો પાર ન રહ્યો. એ માટે તેઓએ ઈશ્વરનોય ઘણો ઉપકાર માન્યો. તેઓને એ પણ ખબર હતી કે બાળકનો ઉછેર કરવો રમત વાત નથી. તેઓએ તમારા સારા ઉછેર માટે બનતું બધું જ કર્યું. પૂરી જવાબદારીથી તમારી સંભાળ રાખી.

યહોવાહને ભજતા હોવાથી તમારા માતા-પિતાએ તમારા ઉછેર માટે યહોવાહની જ સલાહ શોધી હશે. તેઓએ કેટલીયે વાર બાઇબલ અને બાઇબલનું માર્ગદર્શન આપતું આપણું સાહિત્ય વાંચ્યું હશે. એની સલાહ અમલમાં મૂકી હશે. જેઓના બાળકો મોટા થઈ ગયા છે એવા અનુભવી માબાપની સલાહ લીધી હશે. તેમણે સતત પોતાની ચિંતાઓ ઈશ્વરને પ્રાર્થનામાં કહી હશે. (ન્યાયાધીશો ૧૩:૮) તમે મોટા થયા તેમ તેઓ તમારા સારા ગુણો જોઈ શક્યા. સાથે સાથે તમારી કમજોરી પણ જાણતા હતા. (અયૂબ ૧:૫) તમે કિશોરવયે પહોંચ્યા તેમ બીજી ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હશે. અમુક વાર તમે માતા-પિતાની સામે પણ થયા હશો. એવા વખતે તમે તેઓને વધારે પ્રાર્થના કરતા, બાઇબલ વાંચતા જોયા હશે. તમે યહોવાહની ભક્તિમાં લાગુ રહી શકો એ માટે તમને કોઈ રીતે મદદ કરવા તેઓ સતત વિચાર કરતા હતા.

તેઓએ હંમેશાં તમને માતા-પિતાનો પ્રેમ આપ્યો. હૂંફ આપી. તેઓ હંમેશાં તમારી તબિયતની ચિંતા કરતા. તમે કાયમ ખુશમિજાજમાં રહો એની ખાતરી રાખી. સાથે સાથે તમે ઈશ્વરભક્તિમાં પાછા ન પડો એનુંયે ધ્યાન રાખ્યું. તમે મોટા થઈ ગયા પછી પણ તેઓ આજેય તમારી એટલી જ ચિંતા કરે છે. તમારા ઉછેરમાં માબાપે તમને જાતે નિર્ણય લેતા પણ શીખવ્યું. તેઓને ખબર છે કે મોટા થયા પછી તમારે પોતે નિર્ણયો લેવા પડશે. ભલે તેઓએ તમને સારી રીતે ઉછેર્યા હશે, તેઓને કોઈ ગૅરંટી નથી કે તમે જીવનમાં સફળ થશો. કેમ નહિ? કારણ કે તેઓ જાણે છે કે જીવનમાં ફેંસલા તો તમારે જ લેવાના છે. તમારે જ એ પસંદ કરવાનું છે કે તમે કયે માર્ગે જશો.

“બાળકો સત્યમાં ચાલે છે” એ સાંભળીને માતા-પિતાને ‘ઘણો આનંદ થાય’ છે. પણ બાળકો મૂર્ખની જેમ વર્તે તો માબાપને ઘણો આઘાત લાગે છે. સુલેમાને કહ્યું: “મૂર્ખ દીકરો પોતાના બાપને ખેદરૂપ છે, તે પોતાની જનેતાને દુઃખરૂપ છે.” (નીતિવચનો ૧૭:૨૫) બાળકો સાચા ઈશ્વરનો માર્ગ છોડી દે છે ત્યારે માબાપને કેટલું દુઃખ અને દર્દ થાય છે!

યુવાનો, ભૂલશો નહિ તમે કુટુંબમાં, મિત્રોમાં કે સગાં-વહાલાંમાં ઘણા લાડલા છો. તમે જે કંઈ કરો, એની તેઓ પર અસર પડે છે. ખાસ કરીને તમારા માબાપ પર. જો તમે ઈશ્વરથી દૂર જાવ અને તેમણે આપેલા નિયમો ના પાળો તો, તમારા માતા-પિતાને ઘણું દુઃખ થશે. પણ જો તમે યહોવાહનું કહ્યું માનો, તેમના માર્ગે ચાલો તો, તમારા માતા-પિતાનું દિલ ખુશીઓથી ભરાઈ જશે. તો પછી, મનમાં ગાંઠ વાળો કે તમારા માબાપનું હૃદય ખુશીથી ભરી દેશો. જરા વિચાર કરો, જે માબાપે તમને મોટા કર્યા, સારી સંભાળ રાખી, તમારા પર પ્રેમ વરસાવ્યો, તેઓનું હૃદય ખુશીઓથી ભરી દેવા આનાથી મોટી ભેટ બીજી શું હોઈ શકે! ( w 07 5/1)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો