વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૬/૧ પાન ૨૧-૨૬
  • ઘડપણમાં હોંશથી યહોવાહની ભક્તિ કરનારા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઘડપણમાં હોંશથી યહોવાહની ભક્તિ કરનારા
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • દરરોજ યહોવાહને ભજનારા
  • નવું નવું શીખતા રહેવું
  • સંજોગો બદલાયા પણ તેઓ ન બદલાયા
  • ધીરજનાં ફળ મીઠાં
  • વૃદ્ધ ભાઈઓ—યહોવા તમારી વફાદારીને અનમોલ ગણે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • કપરા દિવસો આવે, એ પહેલાં યહોવાની ભક્તિમાં વધુ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • ઘડપણને માથે મહિમાનો મુગટ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • યહોવાહના ભક્તોનું જીવન ઘડપણમાં પણ સુખી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૬/૧ પાન ૨૧-૨૬

ઘડપણમાં હોંશથી યહોવાહની ભક્તિ કરનારા

‘જેઓને યહોવાહના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ ઘડપણમાં પણ ફળદાયક કે અનમોલ સાબિત થશે.’—ગીતશાસ્ત્ર ૯૨:૧૩, ૧૪.

૧, ૨. (ક) ઘડપણ વિષે આપણા મનમાં કેવા વિચારો આવે છે? (ખ) આદમથી મળેલા વારસા વિષે બાઇબલ કેવાં વચન આપે છે?

ઘડપણ! આ સાંભળીને શું તમારા મનમાં કોઈ દાદા કે બા આવે છે? કરચલી પડેલો ચહેરો. માંડ માંડ સાંભળતા કાન. ડગુમગુ ડગુમગુ કરતા પગ. આ બધું સહેતા તમે તેઓને જોયા છે. ઘડપણના “માઠા દિવસો” કંઈ કેટલીયે તકલીફો લાવે છે. એના વિષે સભાશિક્ષક ૧૨:૧-૭ જણાવે છે. પણ એ કલમો જે દુઃખ-તકલીફોની વાત કરે છે, એ સહેવા યહોવાહે માણસ બનાવ્યો ન હતો. એ તકલીફો તો આદમબાબાએ ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું, એના લીધે આવે છે.—રૂમી ૫:૧૨.

૨ આપણી ઉંમર વધતી જાય, એ કંઈ શાપ નથી. ઉંમર વધે તેમ તેમ, વધારે અનુભવી બનીએ છીએ. છેલ્લાં છએક હજાર વર્ષોમાં મનુષ્યને જન્મથી જ આદમ પાસેથી પાપ ને મરણનો વારસો મળ્યો છે. એના લીધે આપણી જે હાલત થઈ છે, એ કાયમ નહિ રહે. યહોવાહે માણસને કાયમ જીવવા જ બનાવ્યો હતો. યહોવાહ બધી જ દુઃખ-તકલીફો, ઘડપણ, અરે મરણનું પણ નામ-નિશાન મિટાવી દેશે. તેમને ભજનારા સર્વ લોકો અમર જીવન જીવશે. (ઉત્પત્તિ ૧:૨૮; પ્રકટીકરણ ૨૧:૪, ૫) એવો સમય આવશે જ્યારે ‘હું માંદો છું, એવું કોઈ પણ કહેશે નહિ.’ (યશાયાહ ૩૩:૨૪) દાદા-દાદી ‘જુવાન’ થશે, “બાળકના કરતાં પણ” તંદુરસ્ત થશે. (અયૂબ ૩૩:૨૫) પણ ત્યાં સુધી વારસામાં બીમારી મળે તેમ, આદમ પાસેથી મળેલો પાપ અને મરણનો વારસો સહન કર્યે જ છૂટકો. તોયે યહોવાહના ભક્તોને ઘડપણમાં પણ ઘણા આશીર્વાદો મળે છે.

૩. કઈ રીતે ઈશ્વરનો કોઈ પણ ભક્ત ‘ઘડપણમાં પણ અનમોલ સાબિત થશે’?

૩ યહોવાહ પોતે વચન આપે છે કે ‘જેઓને પોતાના મંદિરમાં રોપવામાં આવેલા છે, તેઓ ઘડપણમાં પણ ફળદાયક કે અનમોલ સાબિત થશે.’ (ગીતશાસ્ત્ર ૯૨:૧૩, ૧૪) અહીં કવિ સુંદર રીતે એક હકીકતનું વર્ણન કરે છે. ઈશ્વરનો કોઈ પણ ભક્ત દિલથી ભક્તિ કરતો રહી શકે છે, પછી ભલેને ઘડપણનાં કાળાં વાદળ ઘેરાયાં હોય. એ સત્ય હકીકત છે! ભલેને પહેલાંના ભક્તોની વાત હોય કે આજના ભક્તોની.

દરરોજ યહોવાહને ભજનારા

૪. ઘડપણમાં પણ આન્‍ના કેવી ભક્તિ કરતા હતા? તેમને કેવો આશીર્વાદ મળ્યો?

૪ પહેલાંના જમાનામાં યહોવાહને દિલથી ભજનાર આન્‍નાનો દાખલો લો. તે ૮૪ વર્ષના દાદીમા હતા. ‘તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ અને પ્રાર્થનાઓ સહિત ભક્તિ કરતા હતા.’ આન્‍નાના પિતા ‘આશેરના કુળના’ હતા. તે લેવી ન હતા. એટલે તેઓ મંદિરમાં રહેતા નહિ. ૮૪ વર્ષની ઉંમરે પણ દાદીમા રોજ મંદિરે જાય. સવારના અર્પણથી સાંજના અર્પણ સુધી મંદિરમાં જ રહે. જરા વિચારો, તેમને રોજ મંદિરે આવવા-જવા કેટલી તકલીફ પડતી હશે! પણ તેમની ભક્તિ ફળી. તેમના પર ઈશ્વરની કૃપા થઈ. ઈસ્રાએલી લોકોને આપેલા નિયમો પ્રમાણે, યુસફ અને મરિયમ નાનકડા ઈસુને મંદિરે લઈ આવ્યા. આન્‍ના મંદિરે જ હોવાથી, તેમણે ઈસુને જોયા. આન્‍નાએ ‘તે જ ઘડીએ ઈશ્વરની સ્તુતિ કરી, ને જેઓ યરૂશાલેમના ઉદ્ધારની વાટ જોતા હતા તે સર્વને તેના સંબંધી વાત કરી.’—લુક ૨:૨૨-૨૪, ૩૬-૩૮; ગણના ૧૮:૬, ૭.

૫, ૬. આન્‍નાની જેમ, આજે ઘડપણમાં પણ ઘણા ભાઈ-બહેનો શું કરે છે?

૫ આજે આન્‍ના જેવા કેટલા બધા ભાઈ-બહેનો આપણી સાથે છે. તેઓ મોટે ભાગે મિટિંગ ચૂકતા નથી. યહોવાહની ભક્તિ માટે દિલથી પ્રાર્થના કરે છે. યહોવાહ વિષે લોકોને જણાવતા તેઓ તન-મનથી થાકતા નથી. ૮૦ની ઉંમર વટાવી ચૂકેલા એક દાદા કાયમ દાદી સાથે મિટિંગમાં જાય. દાદાનું કહેવું છે કે ‘ભઈ, આપણે મિટિંગમાં નહિ તો બીજે ક્યાં જઈએ! જ્યાં યહોવાહના લોકો, ત્યાં જ આપણે ને. એમાં જ મનની શાંતિ મળે.’ એ સાંભળીને આપણી હોંશ કેટલી વધે છે!—હેબ્રી ૧૦:૨૪, ૨૫.

૬ હવે જેન બાનો અનુભવ લો. એ પણ ૮૦ વટાવી ગયા છે. તેમનું માનવું છે: ‘યહોવાહની ભક્તિમાં જો હું કંઈ કરી શકું એમ હોય, તો કેમ નહિ? ખરું કે કોઈ કોઈ વાર ઉદાસ પણ થઈ જાઉં છું. તોયે બધાને મારી સાથે નિરાશ કરવા માંગતી નથી.’ બીજા ભાઈ-બહેનોને મળવા બા બીજા દેશોમાં ફર્યા છે. જેથી, એકબીજાને યહોવાહની ભક્તિ કરવા હોંશ મળે. એની વાત કરતા જેન બાની આંખો ચમકી ઊઠે છે. હમણાં બા કોઈ દેશની ટૂરમાં ગયેલા. તેમણે તેમની સાથે ગયેલાઓને કહ્યું, ‘હું તો આ કિલ્લાઓ જોઈ જોઈને થાકી. મારે તો પ્રચારમાં જવું છે!’ ખરું કે તેમને ત્યાંની ભાષા આવડતી ન હતી. તોપણ પ્રચારમાં ગયા ને બાઇબલમાં લોકોનો રસ જગાડ્યો. અરે, બા અમુક વર્ષો સુધી એવા મંડળમાં પણ હતા, જેને મદદની જરૂર હતી. એમ કરવા તે નવી ભાષા શીખ્યા. મિટિંગમાં જતા-આવતા તેમને કલાક-કલાક લાગતો!

નવું નવું શીખતા રહેવું

૭. મુસાએ ઘડપણમાં પણ કઈ રીતે યહોવાહ સાથેનો નાતો કાયમ રાખવાની તમન્‍ના બતાવી?

૭ ઉંમર વધે તેમ અનુભવ વધે. (અયૂબ ૧૨:૧૨) પણ ઉંમર વધવાની સાથે સાથે, વ્યક્તિની ભક્તિમાં આપોઆપ વધારો થતો નથી. એટલે યહોવાહના ભક્તો ઘડપણમાં પણ “જ્ઞાનમાં વધારો” કરતા જ રહે છે. (સુભાષિતો [નીતિવચનો] ૯:૯, સંપૂર્ણ) યહોવાહે મુસાને મોટી જવાબદારી સોંપી ત્યારે તે ૮૦ વર્ષના હતા. (નિર્ગમન ૭:૭) તેમના સમયમાં પણ બધા કંઈ એટલું જીવતા નહિ. મુસાએ જ લખ્યું કે “અમારી વયના દિવસો સિત્તેર વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ એંસી વર્ષ થાય.” (ગીતશાસ્ત્ર ૯૦:૧૦) એ ઉંમરે પણ મુસા નવું નવું શીખતા રહ્યા. તેમણે કંઈ કેટલાંયે વર્ષો યહોવાહની દિલોજાનથી ભક્તિ કરી. મોટી જવાબદારીઓ ઉપાડી. એ પછી પણ યહોવાહને અરજ કરી કે “કૃપા કરીને મને તારા માર્ગ જણાવજે, કે હું તને ઓળખું.” (નિર્ગમન ૩૩:૧૩) યહોવાહ સાથેનો નાતો કાયમ રાખવા મુસા બધું જ કરવા તૈયાર હતા.

૮. દાનીયેલ ૯૦ વટાવી ગયા પછી પણ કઈ રીતે નવું નવું શીખતા રહ્યા? એનાથી કેવા આશીર્વાદો મળ્યા?

૮ ઈશ્વરભક્ત દાનીયેલનો વિચાર કરો. એ ૯૦ વટાવી ગયા પછી પણ, યહોવાહનાં વચનો વાંચતા રહેતા, એ વીંટાઓ કદી છોડતા નહિ. એ વીંટાઓ કદાચ લેવીય, યશાયાહ, યિર્મેયાહ, હોશિયા અને આમોસના જેવાં લખાણો હોય શકે. એમાંથી દાનીયેલ જે શીખ્યા, એના પરથી યહોવાહને દિલથી પ્રાર્થના કરવા લાગ્યા. (દાનીયેલ ૯:૧, ૨) યહોવાહે તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો. તેમણે દાનીયેલ પાસે સ્વર્ગદૂતને મોકલ્યો. એ દૂતે આવનાર મસીહની અને યહોવાહની ભક્તિનું શું થશે, એની સમજણ આપી.—દાનીયેલ ૯:૨૦-૨૭.

૯, ૧૦. નવું નવું શીખતા રહેવા અમુકે શું કર્યું છે?

૯ મુસા અને દાનીયેલની જેમ જ, આપણે જીવીએ ત્યાં સુધી દિલથી યહોવાહની ભક્તિ કરીએ, નવું નવું શીખતા રહીએ. આજે આપણા વહાલા ભાઈ-બહેનો એમ જ કરે છે. વર્થ નામે એક દાદાની ઉંમર ૮૦થી વધારે છે. મંડળમાં વડીલ છે. “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” પાસેથી આવતાં પુસ્તકો-મૅગેઝિનો તેમને બહુ જ ગમે. (માત્થી ૨૪:૪૫) એ દાદા વાત કરે છે: ‘સચ્ચાઈ તો મારી રગેરગમાં વહે છે. એમાંય હું જોઈ શકું છું કે સત્યનો પ્રકાશ દિવસે દિવસે કેવો વધતો જાય છે!’ (નીતિવચનો ૪:૧૮) હવે ફ્રેડ દાદાનો વિચાર કરો. તેમણે ફુલ-ટાઇમ પ્રચારમાં ૬૦ કરતાં વધારે વર્ષો કાઢ્યાં છે. તેમને ભાઈ-બહેનો સાથે બાઇબલ પર વાતચીત કરવાનું બહુ ગમે. તે કહે છે કે ‘મારા મગજમાં કાયમ બાઇબલના વિચારો ઘૂમતા હોય. તમે જો બાઇબલના વિચારો વાંચો, સમજો, પચાવી જાણો, તો મજા આવી જાય. એક વિચારને તમે બીજા વિચાર સાથે જોડી શકશો. પછી તમારી પાસે “સત્ય વચનોની” અધૂરી નહિ, પણ પૂરતી માહિતી હશે.’—૨ તીમોથી ૧:૧૩.

૧૦ એવું નથી કે ઘડપણમાં નવી નવી કે મુશ્કેલ બાબતો ન શીખાય. ૬૦, ૭૦ કે ૮૦ની ઉંમર વટાવી ચૂકેલા લોકો વાંચતા-લખતા શીખ્યા છે. અમુક તો નવી ભાષા શીખ્યા છે. યહોવાહના ભક્તોમાંના અમુકે દેશ-પરદેશના લોકોને સચ્ચાઈનો માર્ગ બતાવવા એમ કર્યું છે. (માર્ક ૧૩:૧૦) હેરી કાકાનો દાખલો લઈએ. કાકા-કાકી ૬૦ વટાવી ગયા પછી, બંનેએ પોર્ટુગીઝ ભાષાના લોકોને સત્ય શીખવવાનું નક્કી કર્યું. હેરી કાકા કહે છે: ‘મોટી ઉંમરના થઈએ પછી, કોઈ પણ કામ મુશ્કેલ લાગે.’ તોપણ તેઓએ હાર માની નહિ. તેઓ પોર્ટુગીઝ ભાષામાં બાઇબલ સ્ટડી ચલાવી શક્યા. હવે ઘણાં વર્ષોથી હેરી કાકા પોર્ટુગીઝમાં ડિસ્ટ્રીક્ટ સંમેલનોમાં ટૉક પણ આપે છે.

૧૧. મોટી ઉંમરે ઘણા યહોવાહની જે રીતે ભક્તિ કરે છે એનો વિચાર કેમ કરવો જોઈએ?

૧૧ ખરું કે બધા એવું કરી શકતા નથી. બધાના સંજોગો અને તબિયત એવા હોતા નથી. તો આપણે કેમ તેઓના દાખલાનો વિચાર કરીએ છીએ? એવું કહેવા માટે નહિ કે આપણે એમ જ કરવું જોઈએ. ના, એવું નથી. પણ ઈશ્વરભક્ત પાઊલે જેમ લખ્યું એવો સ્વભાવ કેળવીએ. તેમણે હેબ્રી મંડળના ભાઈ-બહેનોને ત્યાંના મહેનતુ વડીલોનો દાખલો આપ્યો: “તેઓના ચારિત્રનું [સ્વભાવનું] પરિણામ જોઈને તેઓના વિશ્વાસનું અનુકરણ કરો.” (હેબ્રી ૧૩:૭) ઘડપણમાં પણ ભાઈ-બહેનોએ કેવી શ્રદ્ધા રાખી, એના અનુભવો સાંભળીએ. એનાથી આપણી હોંશ વધશે અને તેઓ જેવી શ્રદ્ધા કેળવી શકીશું. હેરી કાકા હવે ૮૭ વર્ષના થયા. તેમણે જણાવ્યું કે તેમની હોંશ શાનાથી વધે છે: “મારી જિંદગીનાં બાકીનાં વર્ષો મારે હજુ સાચવીને જીવવું છે. જેથી, હું યહોવાહની ભક્તિ કરવા બનતું બધું જ કરી શકું.” આગળ ફ્રેડ દાદાની વાત કરી, તે બેથેલમાં રાજીખુશીથી યહોવાહની ભક્તિ કરે છે. તેમની સલાહ છે કે “તમારે પોતે નક્કી કરવું પડે કે યહોવાહની દિલથી ભક્તિ કરવા શું કરી શકો. પછી એને વળગી રહો.”

સંજોગો બદલાયા પણ તેઓ ન બદલાયા

૧૨, ૧૩. બાર્ઝિલ્લાયના સંજોગો બદલાયા તોપણ તેમણે શું કર્યું?

૧૨ ઘડપણનો કડવો ઘૂંટડો ગળે ઉતારવો બહુ અઘરો છે. એવા સંજોગોમાં પણ યહોવાહની ભક્તિ દિલથી કરી શકાય છે. એ બાર્ઝિલ્લાય ગિલઆદીના અનુભવમાંથી જોઈ શકાય છે. દાઊદના જમાનાની આ વાત છે. એ વખતે આબ્શાલોમે પોતાના પિતા દાઊદ સાથે બેવફાઈ કરી. દાઊદે પોતાનું લશ્કર લઈને નાસી છૂટવું પડ્યું. ૮૦ વર્ષના બાર્ઝિલ્લાયે તેઓની સંભાળ રાખી. ખાવા-પીવાનું પૂરું પાડ્યું. પછી દાઊદ યરૂશાલેમ પાછા જતા હતા. તેઓએ યરદન નદી ઓળંગી ત્યાં સુધી બાર્ઝિલ્લાય તેઓ સાથે રહ્યા. દાઊદે તેમને પોતાની સાથે રાજ-દરબારમાં આવીને રહેવા કહ્યું. બાર્ઝિલ્લાયે શું કહ્યું? ‘આજ હું એંશી વર્ષનો છું; હું જે ખાઉં છું કે હું જે પીઉં છું તેનો સ્વાદ શું તારા સેવકને લાગે છે? ગાનાર પુરુષોનો કે ગાનાર સ્ત્રીઓનો સાદ શું હું હવે સાંભળી શકું છું? જો, આ તારો દાસ કિમ્હામ; તે મારા મુરબ્બી રાજા સાથે ભલે નદી ઊતરીને આવે; તારી દૃષ્ટિમાં જે સારૂં લાગે તે તું તેને વાસ્તે કરજે.’—૨ શમૂએલ ૧૭:૨૭-૨૯; ૧૯:૩૧-૪૦.

૧૩ બાર્ઝિલ્લાયના સંજોગો બદલાયા હતા. તોયે તેમણે પોતાનાથી બને એમ યહોવાહના રાજા, દાઊદને સાથ આપ્યો. તેમણે કબૂલ્યું કે પહેલાંની જેમ પોતે સ્વાદ માણી શકતા નથી અને સાંભળી શકતા નથી. પણ તેમના મનમાં કડવાશ ભરાઈ ન હતી. કોઈ સ્વાર્થ વગર, તેમણે કિમ્હામની ભલામણ કરી. પોતાને મળનારા લાભ કિમ્હામને ઑફર કર્યા. તે માણસનું દિલ દરિયા જેવું હતું! બાર્ઝિલ્લાયની જેમ આજે પણ ઘણા સ્વાર્થી નહિ, પણ ઉદાર દિલના છે. તેઓ યહોવાહની ભક્તિમાં બને એટલો સાથ આપે છે, કેમ કે તેઓ જાણે છે કે ‘એવાં યજ્ઞો કે અર્પણોથી ઈશ્વર બહુ રાજી થાય છે.’ આવા પ્યારા ભાઈ-બહેનો આપણા માટે કેટલો મોટો આશીર્વાદ છે!—હેબ્રી ૧૩:૧૬.

૧૪. ગીતશાસ્ત્ર ૩૭:૨૩-૨૫ના શબ્દોમાં કઈ રીતે જાણે જાન આવે છે?

૧૪ દાઊદના સંજોગો પણ કંઈ કેટલીયે વાર બદલાયા. તોયે તેમને યહોવાહમાં પૂરો ભરોસો હતો કે તે પોતાના ભક્તોને કદીયે છોડી દેશે નહિ. પોતાની જિંદગીના અંતે દાઊદે એક ગીત રચ્યું, જે આજે ગીતશાસ્ત્રનો ૩૭મો અધ્યાય છે. કલ્પના કરો કે દાઊદના હાથમાં વીણા છે. પોતાની જિંદગી પર વિચાર કરતા, તેમના મોંમાંથી આ શબ્દો સરી પડે છે: “જ્યારે માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે, ત્યારે તે તેનાં પગલાં સ્થિર કરે છે. જોકે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ; કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે. હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.” (ગીતશાસ્ત્ર ૩૭:૨૩-૨૫) દાઊદના ઘડપણનું આ ગીત યહોવાહે બાઇબલમાં લખાવી લીધું. એનાથી એ શબ્દોમાં જાણે જાન આવે છે!

૧૫. ઘડપણમાં પણ યોહાને કઈ રીતે સરસ દાખલો બેસાડ્યો?

૧૫ હવે ઈશ્વરભક્ત યોહાનનો દાખલો જોઈએ. એમાંથી આપણે જોઈશું કે ઘડપણમાં ગમે એવા સંજોગોમાં પણ યહોવાહ સાથેનો નાતો પાકો રાખી શકાય છે. તેમણે યહોવાહની ભક્તિ લગભગ ૭૦ વર્ષો કરી. પછી, તેમને “દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે” પાત્મસ ટાપુ પર કેદ કરવામાં આવ્યા. (પ્રકટીકરણ ૧:૯) તેમના માટે હજુ ઘણું કામ બાકી હતું. પાત્મસ ટાપુ પર તેમને પ્રકટીકરણનું પુસ્તક લખવાની મોટી જવાબદારી મળી. એ તેમણે ધ્યાનથી લખી લીધું. (પ્રકટીકરણ ૧:૧, ૨) એમ માનવામાં આવે છે કે રોમન સમ્રાટ નર્વાના રાજમાં તેમને કેદમાંથી છોડવામાં આવ્યા. લગભગ ૯૮ની સાલમાં તેમની ઉંમર ૯૦ કે ૧૦૦ વર્ષની હતી. એ ઉંમરે યોહાને પોતાના નામનું પુસ્તક અને પત્રો લખ્યા! એ બધાંય પુસ્તકો તેમણે જીવનનાં છેલ્લાં વર્ષોમાં લખ્યાં હતાં.

ધીરજનાં ફળ મીઠાં

૧૬. જેઓ બોલી શકતા નથી, તેઓ યહોવાહની દિલથી ભક્તિ કરતા રહેવા શું કરી શકે?

૧૬ ઘડપણમાં વધારે-ઓછી તકલીફો જુદી જુદી રીતે આવી શકે છે. અમુક મોટી ઉંમરને લીધે બોલી પણ શકતા નથી. તોપણ યહોવાહનો અતૂટ પ્રેમ અને અપાર કૃપાની મીઠી યાદો તેઓની જીવનસાથી છે. ભલે તેઓ મોંથી બોલી ન શકે, પણ દિલમાં તેઓ યહોવાહને કહે છે કે “હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરૂં છું.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭) યહોવાહ જાણે છે કે ‘તેના નામનું ચિંતન કરનારા’ કોણ છે. તેઓને જોઈને યહોવાહનું દિલ ખુશીઓથી ભરાઈ જાય છે, કેમ કે આજે મોટા ભાગના લોકોને ઈશ્વરની કંઈ પડી નથી. (માલાખી ૩:૧૬; ગીતશાસ્ત્ર ૧૦:૪) યહોવાહ આપણા દિલના વિચારો જાણીને ખુશ થાય છે, એનાથી તમને કેવું લાગે છે?—૧ કાળવૃત્તાંત ૨૮:૯; ગીતશાસ્ત્ર ૧૯:૧૪.

૧૭. લાંબા સમયથી યહોવાહને વળગી રહેનારા ભક્તોએ શું કર્યું છે, જે આપણે કદી ન ભૂલીએ?

૧૭ મોટી ઉંમરના આપણા વહાલા ભાઈ-બહેનોએ વર્ષોથી યહોવાહની ભક્તિ કરી છે. એ દરેકે યહોવાહની ભક્તિમાં જે પણ કર્યું છે, એ કદી ભૂલીએ નહિ. ઈસુએ કહ્યું હતું કે “તમારી ધીરજથી તમે તમારા જીવને બચાવશો.” (લુક ૨૧:૧૯) અમર જીવનની ભેટ ધીરજ રાખીશું તો જ મળશે. ઘડપણમાં પણ ઘણા ભાઈ-બહેનો યહોવાહને વળગી રહે છે, ‘તેમની ઇચ્છા પ્રમાણે જ વર્તે’ છે. હવે તેઓ ચોક્કસ રાહ જોઈ શકે કે તેઓને ‘વચનનું ફળ મળે.’—હેબ્રી ૧૦:૩૬.

૧૮. (ક) મોટી ઉંમરના ભાઈ-બહેનોની કેવી ભક્તિ જોઈને યહોવાહ રાજી થાય છે? (ખ) હવે પછીના લેખમાં આપણે શું જોઈશું?

૧૮ યહોવાહની ભક્તિમાં તમે થોડું કરો કે ઘણું, તે તમને બહુ જ અનમોલ ગણે છે. ઘડપણમાં ‘બહારનો માણસ’ કે શરીર નબળું પડતું જાય છે. પણ યહોવાહની ભક્તિમાં આપણું દિલ કે ‘અંદરનો માણસ’ દિવસે દિવસે યુવાન થાય છે. (૨ કોરીંથી ૪:૧૬) યહોવાહની ભક્તિમાં તમે પહેલાં જે કંઈ કર્યું, એની તે કદર કરે છે. હમણાં પણ તમે તેમના નામ માટે જે કંઈ કરો છો, એનાથી બેશક તેમની છાતી ગજ-ગજ ફૂલે છે. (હેબ્રી ૬:૧૦) હવે પછીના લેખમાં આપણે જોઈશું કે ભાઈ-બહેનોની એવી શ્રદ્ધાને લીધે બીજા લોકોનાં જીવન પર કેવી છાપ પડી. (w 07 6/1)

આપણે શું શીખ્યા?

• આન્‍નાએ મોટી ઉંમરના ભાઈ-બહેનો માટે કેવો દાખલો બેસાડ્યો?

• વ્યક્તિને જે કરવું હોય, એમાં કાયમ ઉંમર કેમ નડતી નથી?

• ઘડપણમાં પણ ભાઈ-બહેનો કઈ રીતે યહોવાહને વળગી રહી શકે?

• મોટી ઉંમરના ભાઈ-બહેનોની ભક્તિથી યહોવાહને કેવું લાગે છે?

[Picture on page 23]

યહુદાની ગુલામી કેટલી લાંબી હશે, એ દાનીયેલે ‘પવિત્ર શાસ્ત્રમાંથી’ જાણ્યું

[Pictures on page 25]

ઘડપણમાં પણ ભાઈ-બહેનો મોટે ભાગે મિટિંગ ચૂકતા નથી, પૂરી હોંશથી પ્રચાર કરે છે અને નવું નવું શીખતા રહે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો