વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w07 ૯/૧ પાન ૨૭-૩૧
  • બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • માબાપનો સારો દાખલો
  • માબાપ બાળકો સાથે પ્રાર્થના કરશે
  • બાળકોને બાઇબલ સ્ટડી કરવા ઉત્તેજન આપો
  • કુટુંબમાં શાંતિ કેળવો
  • બાળકની જવાબદારી
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • માતા-પિતાઓ, બાળકોનાં દિલમાં યહોવા માટે પ્રેમ કેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • માતાપિતાઓ—યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • યહોવાહના માર્ગમાં કુટુંબને દૃઢ બનાવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
w07 ૯/૧ પાન ૨૭-૩૧

બાળકોને યહોવાહને પ્રેમ કરતા શીખવો

“યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.”—ગીતશાસ્ત્ર ૧૨૭:૪.

૧, ૨. કઈ રીતે કહેવાય કે બાળક “બાણ” જેવું છે?

તીરંદાજ ધનુષ્યમાં બાણ ચઢાવીને દોરી કે પણછ ધીમેથી ખેંચે છે. નિશાન તાકે છે. એમ કરવામાં ખૂબ જોર કરવું પડે છે. તોય તેનો હાથ આઘો-પાછો થતો નથી. પછી નિશાન પર બાણ છોડે છે. બાણ નિશાન સુધી પહોંચશે કે નહિ એ શાના પર આધાર રાખે છે? અનેક બાબતો પર. જેમ કે તેનામાં કેટલી આવડત છે. પવન કેવો છે. બાણ કેવું છે.

૨ સુલેમાન રાજાએ કહ્યું કે બાળકો “બાણ” જેવા છે અને માબાપ તીરંદાજ જેવા છે. (ગીતશાસ્ત્ર ૧૨૭:૪) તીરંદાજના હાથમાં બાણ બહુ વાર રહેતું નથી. તે નિશાન તાકીને છોડી દે છે. એ જ રીતે બાળકો પણ માબાપના હાથમાં થોડાં જ વર્ષો હોય છે. તેઓ પણ ઘર છોડીને પોતાનો સંસાર માંડે છે. પ્રશ્ન થાય કે માબાપ કઈ રીતે બાળકોને યહોવાહના માર્ગમાં ઉછેરી શકે? (માત્થી ૧૯:૫) શું માબાપ પોતાના બાળકોને નિશાન સુધી પહોંચાડી શકશે? એટલે કે બાળકો પોતાનો ઘર-સંસાર માંડ્યા પછી પણ તન-મનથી યહોવાહને પ્રેમ કરશે? તેમના માર્ગમાં ચાલતા રહેશે? એનો જવાબ ત્રણ બાબતો પણ આધાર રાખે છે. એક, માબાપ કેવા છે. બીજું, ઘરના કેવા વાતાવરણમાં બાળકનો ઉછેર થાય છે. ત્રીજું, ‘બાણ’ એટલે બાળક પોતે કેવું છે. શું તે માબાપનું કહ્યું માને છે? ચાલો આપણે એ ત્રણ બાબતોની ચર્ચા કરીએ. પહેલાં જોઈએ કે માબાપ કેવા હોવા જોઈએ.

માબાપનો સારો દાખલો

૩. માબાપ જે કહે એ પોતે પણ કેમ લાગુ પાડવું જોઈએ?

૩ ઈસુએ માબાપ માટે સારો દાખલો બેસાડ્યો છે. કઈ રીતે? ઈસુએ લોકોને જે શીખવ્યું એ પોતે જીવનમાં લાગુ પાડ્યું. (યોહાન ૧૩:૧૫) ફરોશીઓ લોકોને જે ‘કહેતા’ એ પોતે ‘ન કરતા.’ એટલે ઈસુએ તેઓને ઠપકો આપ્યો. પણ ઈસુ ફરોશીઓ જેવા ન હતા. (માત્થી ૨૩:૩) માબાપે પણ ઈસુની જેમ કરવું જોઈએ. તો જ બાળક પર એની સારી અસર પડશે. દોરી વગરનું ધનુષ્ય નકામું છે. એ જ રીતે માબાપ યહોવાહની ભક્તિ તન-મનથી નહિ કરે તો, બધું નકામું છે.—૧ યોહાન ૩:૧૮.

૪. માબાપે પોતાને કેવા સવાલ પૂછવા જોઈએ? શા માટે?

૪ માબાપે કેમ બાળકો માટે સારો દાખલો બેસાડવો જોઈએ? કેમ કે ઈસુએ પણ માબાપ માટે દાખલો બેસાડ્યો છે. તેઓ ઈસુની જેમ યહોવાહને પ્રેમ કરતા શીખશે તો, બાળકો પણ યહોવાહને પ્રેમ કરતા શીખશે. બાળકના દોસ્તો સારા હશે તો તે સારો થશે. નહિતર ‘દુષ્ટ સોબત આચરણ બગાડશે.’ (૧ કોરીંથી ૧૫:૩૩) બાળકોના જન્મથી જ તેમની એકદમ નજીક અને તેમના દોસ્તો તરીકે માબાપ હોય છે. માબાપે પોતાને પૂછવું જોઈએ: ‘અમે તેમના કેવા દોસ્ત છીએ? શું તે અમારી પાસેથી કંઈ સારું શીખે છે? પ્રાર્થના અને બાઇબલનો અભ્યાસ કરવા વિષે અમે બાળકો માટે કેવો દાખલો બેસાડીએ છીએ?’

માબાપ બાળકો સાથે પ્રાર્થના કરશે

૫. માબાપની પ્રાર્થનાથી બાળકો પર કેવી અસર પડશે?

૫ માબાપની પ્રાર્થનાઓ સાંભળીને પણ બાળકો યહોવાહ વિષે ઘણું શીખી શકે છે. બાળકો જુએ કે માબાપ જમતા પહેલાં યહોવાહનો આભાર માને છે. તેમ જ બાઇબલની સ્ટડી કરતા પહેલાં યહોવાહને પ્રાર્થના કરે છે. એની બાળકો પર કેવી અસર પડશે? તેઓ શીખશે કે યહોવાહ જ રોટી-કપડાં ને મકાન પૂરાં પાડે છે. તેમ જ, યહોવાહ બાઇબલમાંથી આપણને સત્ય શીખવે છે. એ માટે આપણે તેમનો આભાર માનવો જોઈએ. માબાપના દાખલામાંથી બાળકો આ મહત્ત્વના પાઠ શીખી શકે છે.—યાકૂબ ૧:૧૭.

૬. માબાપ બાળકોને કઈ રીતે બતાવી શકે કે યહોવાહ તેઓમાં રસ લે છે?

૬ તમે જમતા પહેલાં ને બાઇબલ અભ્યાસ વખતે કુટુંબ સાથે પ્રાર્થના કરતા હશો. એ સિવાય પણ કુટુંબને કે બાળકને નડતી બાબત વિષે પ્રાર્થના કરી શકો. એમ કરવાથી તેઓ જોઈ શકશે કે યહોવાહ આપણા પિતા છે. તે આપણા દરેકની સંભાળ રાખે છે. (એફેસી ૬:૧૮; ૧ પીતર ૫:૬, ૭) એક પિતાએ કહ્યું: “અમારી દીકરી જન્મી ત્યારથી અમે તેની સાથે પ્રાર્થના કરીએ છીએ. તે મોટી થઈ તેમ, તેને લાગુ પડે એવી બાબતો વિષે પણ પ્રાર્થના કરતા. તેના લગ્‍ન થયા ત્યાં સુધી અમે દરરોજ ભેગા મળીને પ્રાર્થના કરતા.” માબાપ, શું તમે પણ બાળકો સાથે દરરોજ પ્રાર્થના કરો છો? તેઓને શીખવો કે યહોવાહ પરમેશ્વર રોજી-રોટી પૂરી પાડે છે, બાઇબલનું સત્ય શીખવે છે. સાથે સાથે તે આપણી સંભાળ પણ રાખે છે. તે આપણા પિતા છે, જે હર પલ આપણી ચિંતા કરે છે. માબાપ, તમે એમ જરૂર શીખવશો, ખરું ને?—ફિલિપી ૪:૬, ૭.

૭. બાળકને લાભ થાય એવી પ્રાર્થના કરવા માબાપે શું કરવાની જરૂર છે?

૭ બાળકો કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે એ માબાપે જાણવી જોઈએ. એનાથી તેઓ બાળકને લાભ થાય એવી પ્રાર્થના કરી શકશે. એક ભાઈને બે દીકરીઓ છે. તે કહે છે: “દરેક અઠવાડિયાના અંતે હું પોતાને પૂછતો: ‘મારા બાળકોને આ અઠવાડિયે શાની ચિંતા હતી? તેઓને શેનાથી ઉત્તેજન મળ્યું?’” માબાપ, તમે પણ આવા સવાલ પોતાને પૂછો. પછી જરૂર હોય એ પ્રમાણે બાળકો સાથે પ્રાર્થનામાં એ જણાવો. બાળકને યહોવાહને પ્રાર્થના કરવાનું શીખવવું જોઈએ. તેમ જ, તે આપણી પ્રાર્થના સાંભળે છે એ શીખવવું જોઈએ. એનાથી બાળકોને યહોવાહની ભક્તિ માટે પ્રેમ જાગશે.—ગીતશાસ્ત્ર ૬૫:૨.

બાળકોને બાઇબલ સ્ટડી કરવા ઉત્તેજન આપો

૮. બાળકોને નિયમિત બાઇબલ સ્ટડી કરવા કેમ ઉત્તેજન આપવું જોઈએ?

૮ માબાપ બાઇબલ સ્ટડી કરવા હોંશીલા હશે તો બાળક પર એની ઊંડી અસર થશે. તેઓ પણ ઈશ્વર સાથે નાતો બાંધશે. કોઈની પણ સાથે નાતો કે દોસ્તી બાંધવા વ્યક્તિએ વાતચીત કરવી જોઈએ. બીજાનું સાંભળવું પણ જોઈએ. પણ આપણે કઈ રીતે યહોવાહનું સાંભળી શકીએ? યહોવાહે ‘વિશ્વાસુ ચાકર’ દ્વારા બાઇબલ સમજાવતા આપણને અનેક પુસ્તકો આપ્યાં છે. એનો આપણે અભ્યાસ કરવો જોઈએ. (માત્થી ૨૪:૪૫-૪૭; નીતિવચનો ૪:૧, ૨) માબાપે બાળકોને નિયમિત બાઇબલની સ્ટડી કરવા ઉત્તેજન આપવું જોઈએ. એનાથી તેઓના દિલમાં બાઇબલ સ્ટડી માટે પ્રેમ જાગશે. તેમ જ યહોવાહ સાથે પાક્કો નાતો બંધાશે.

૯. બાળકો કઈ રીતે નિયમિત બાઇબલ સ્ટડી કરવાનું શીખી શકે?

૯ બાળકોને નિયમિત બાઇબલ સ્ટડી કરવા કઈ રીતે મદદ કરી શકાય? એ માટે પણ માબાપ જ સારો દાખલો બેસાડી શકે. શું બાળકો જોઈ શકે છે કે બાઇબલ વાંચવામાં ને સ્ટડી કરવામાં તમને ખૂબ મજા આવે છે? ખરું કે તમે બાળકોની સંભાળ રાખવામાં ઘણા બીઝી હશો. તમને કદાચ થશે કે બાળકોને લીધે બાઇબલ વાંચવાનો ને સ્ટડી કરવાનો ક્યાં ટાઇમ છે! તોપણ પોતાને પૂછો, ‘શું બાળકો મને દરરોજ ટીવી જોતા જુએ છે?’ જો હા તો, શું તમે સમય કાઢીને જાતે બાઇબલ સ્ટડી કરશો? એમ કરશો તો, બાળકો પણ તમારે પગલે ચાલશે.

૧૦, ૧૧. શા માટે માબાપે નિયમિત ફૅમિલી સ્ટડી કરવી જોઈએ?

૧૦ બાળકોને બીજી કઈ રીતે યહોવાહને સાંભળવાનું શીખવી શકાય? નિયમિત રીતે કુટુંબ સાથે બાઇબલ સ્ટડી કરવાથી. (યશાયાહ ૩૦:૨૧) કદાચ અમુકને લાગશે કે, ‘અમે બાળકો સાથે કાયમ મિટિંગમાં જઈએ છીએ. અમારે ફૅમિલી બાઇબલ સ્ટડીની શી જરૂર છે?’ ફૅમિલી સ્ટડી કરવાના ઘણા કારણો છે. એક તો યહોવાહે બાળકોને શીખવવાની જવાબદારી માબાપને આપી છે. (નીતિવચનો ૧:૮; એફેસી ૬:૪) ફૅમિલી સ્ટડી કરવાથી બાળકો જોઈ શકશે કે યહોવાહની ભક્તિમાં ઢોંગ ન ચાલે. એ જીવનનો ભાગ હોવી જોઈએ. મિટિંગમાં જે રીતે વર્તીએ છીએ એ જ રીતે ઘરમાં પણ વર્તવું જોઈએ.—પુનર્નિયમ ૬:૬-૯.

૧૧ ફૅમિલી સ્ટડી કરવાથી માબાપને બાળકો વિષે શું જાણવા મળશે? એ જ કે યહોવાહના શિક્ષણ ને તેમના નીતિ-નિયમો વિષે તેઓને કેવું લાગે છે. દાખલા તરીકે, માબાપ બાળકો સાથે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકમાંથી સ્ટડી કરી શકે.a એમાંથી સ્ટડી કરવાથી માબાપ બાળકોના વિચારો, મંતવ્ય ને ભાવનાઓ જાણી શકશે. પછી તેઓને યહોવાહના વિચારો સમજાવવા માબાપ અમુક કલમો પર સાથે ચર્ચા કરી શકે. એમ કરવાથી બાળકોને તમે યહોવાહની નજરે ‘ખરુંખોટું પારખતાં’ શીખવી શકશો.—હેબ્રી ૫:૧૪.

૧૨. બાળકો મોટા થાય તેમ શા માટે સ્ટડીમાં ફેરફાર કરવો જોઈએ? માબાપ, તમે કેવી રીતો વાપરી છે?

૧૨ બાળકો મોટા થાય તેમ સ્ટડીમાં થોડો ફેરફાર કરી શકાય. એક યુગલને બે દીકરીઓ હતી. તેઓને સ્કૂલની એક પાર્ટીમાં ડાન્સ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેઓના પિતા કહે છે: “અમે અમારી દીકરીઓને કહ્યું કે ‘હવે પછીની ફૅમિલી સ્ટડીમાં હું ને તારી મમ્મી બાળકોનો ભાગ ભજવીશું. તમે માબાપ બનજો. એક મા અને બીજી પિતા બનજો.’ પણ તેઓએ સાથે મળીને સ્કૂલ ડાન્સ વિષે સંશોધન કરવાનું હતું. પછી તેઓએ એમાંથી માર્ગદર્શન આપવાનું હતું.” એનું શું પરિણામ આવ્યું? તેઓના પિતા કહે છે, “બંને દીકરીઓએ જે રીતે માબાપનો ભાગ ભજવ્યો એ જોઈને અમે નવાઈ પામ્યા. દીકરીઓએ અમને બાઇબલમાંથી સમજાવ્યું કે કેમ સ્કૂલના ડાન્સમાં ભાગ ન લેવો જોઈએ. તેઓએ એ પણ બતાવ્યું કે એના બદલે કેવી પ્રવૃત્તિઓ કરી શકાય. એનાથી અમે તેઓના વિચારો, મંતવ્ય ને ભાવનાઓ જાણી શક્યા.” ખરું કે નિયમિત ફૅમિલી સ્ટડી કરવી સહેલું નથી. એને આનંદિત અને ઉપયોગી બનાવવા મહેનત માંગી લે છે. તોપણ એમ કરવા માટે દિલમાં ગાંઠ બાંધવી જોઈએ. એ મહેનતના ફળ જરૂર મળશે.—નીતિવચનો ૨૩:૧૫.

કુટુંબમાં શાંતિ કેળવો

૧૩, ૧૪. (ક) ઘરમાં શાંતિ જાળવવા માબાપ શું કરી શકે? (ખ) માબાપ પોતાની ભૂલ કબૂલશે તો શું થશે?

૧૩ માની લો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે તીરંદાજ નિશાન તાકે છે. એવા સંજોગોમાં નિશાન તાકવું વધારે મુશ્કેલ પડશે. પણ શાંત વાતાવરણ હોય તો સહેલું બનશે ખરું ને? એવી જ રીતે ઘરમાં શાંતિ નહિ હોય તો, માબાપ બાળકોને સારી રીતે ઉછેરી નહિ શકે. યહોવાહને પ્રેમ કરતા શીખવી નહિ શકે. શિષ્ય યાકૂબે લખ્યું: “સલાહ કરાવનારાઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.” (યાકૂબ ૩:૧૮) માબાપ ઘરમાં કઈ રીતે શાંત વાતાવરણ રાખી શકે? સૌથી પહેલાં તો પતિ-પત્નીમાં ગાઢ સંબંધ હોવો જોઈએ. તેઓને એકબીજાને માટે અતૂટ પ્રેમ હોવો જોઈએ. એકબીજાને માન આપવું જોઈએ. એમ કરવાથી બાળકો પણ બીજાઓને માન આપતાં અને યહોવાહને પ્રેમ કરતા શીખશે. (ગલાતી ૬:૭; એફેસી ૫:૩૩) જે ઘરમાં પ્રેમ અને માન હોય ત્યાં શાંતિ હોય. પતિ-પત્ની વચ્ચે શાંતિ હશે તો, કુટુંબમાં આવતી મુશ્કેલીઓને તેઓ શાંતિથી હલ કરશે.

૧૪ લગ્‍નજીવનમાં મુશ્કેલીઓ આવે જ છે. આજે એવું કોઈ કુટુંબ નથી જેઓના જીવનમાં કોઈ મુશ્કેલીઓ ન હોય. કોઈ વાર માબાપ બાળકો સાથેના વર્તનમાં ઈશ્વર જેવા ગુણો બતાવતા ચૂકી જાય છે. (ગલાતી ૫:૨૨, ૨૩) એવું થાય ત્યારે માબાપે શું કરવું જોઈએ? તેઓ પોતાની ભૂલ કબૂલે તો, શું બાળકો આગળ પોતાનું માન ગુમાવશે? ચાલો આપણે પ્રેરિત પાઊલનો દાખલો લઈએ. મંડળના ભાઈ-બહેનો માટે તે પિતા સમાન હતા. (૧ કોરીંથી ૪:૧૫) તેમણે પણ પોતાની ભૂલ કબૂલી. (રૂમી ૭:૨૧-૨૫) તોપણ તેમના માટે આપણું માન ઓછુ થયું નથી, એના બદલે વધ્યું છે. પાઊલની પણ નબળાઈઓ હતી. છતાંય તેમણે કોરીંથ મંડળને લખ્યું: “હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીંથી ૧૧:૧) માબાપ, તમે પણ પોતાની ભૂલો સ્વીકારશો તો, બાળકોની નજરે તમારું માન વધશે

૧૫, ૧૬. માબાપે કેમ બાળકોને મંડળના ભાઈ-બહેનોને પ્રેમ કરતા શીખવવું જોઈએ? તેઓ એમ કઈ રીતે કરી શકે?

૧૫ ઘરમાં શાંતિ જાળવી રાખવા માબાપ બીજું શું કરી શકે? પ્રેરિત યોહાને લખ્યું: ‘જો કોઈ કહે, કે હું ઈશ્વર પર પ્રેમ રાખું છું, પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે; કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો ઈશ્વર જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી.’ (૧ યોહાન ૪:૨૦, ૨૧) બાળકોને મંડળના ભાઈ-બહેનોને પ્રેમ કરતા શીખવવું જોઈએ. એમ કરવાથી પણ બાળકો યહોવાહને પ્રેમ કરતા શીખશે. માબાપે આ સવાલ પર વિચાર કરવો જોઈએ: ‘શું હું મંડળના ભાઈ-બહેનો વિષે હંમેશાં સારું બોલું છું કે કંઈક ને કંઈક વાંક કાઢું છું?’ માબાપ એ કઈ રીતે જાણી શકે? બાળકો મિટિંગ અને ભાઈ-બહેનો વિષે શું કહે છે એ ધ્યાનથી સાંભળો. બાળકો જે કંઈ કહે છે એમાં તમને તમારા વિચારો દેખાઈ આવશે.

૧૬ બાળકો મંડળના ભાઈ-બહેનોને પ્રેમ કરે એ માટે માબાપ શું કરી શકે? પિટર ભાઈને બે દીકરાઓ છે. તે કહે છે: “અમારા છોકરાઓ નાના હતા ત્યારથી અમે મંડળના અનુભવી ભાઈ-બહેનોને હંમેશાં ઘરે બોલાવતા. સાથે જમતા. સાથે રમતા ને મઝા કરતા. અમને અને બાળકોને બહુ મઝા આવતી. અમે આવી સંગતમાં અમારા છોકરાઓને મોટા કર્યા. તેઓ જોઈ શકે છે કે ઈશ્વરની ભક્તિ કરવાથી આનંદ મળે છે.” ડેનિસભાઈ પાંચ દીકરીઓના પિતા છે. તે કહે છે: “દીકરીઓને અમે મંડળના અનુભવી પાયોનિયર ભાઈ-બહેનો સાથે દોસ્તી બાંધવાનું ઉત્તેજન આપતા. સંજોગો પ્રમાણે સરકીટ અને ડિસ્ટ્રીક્ટ ઓવરસિયર અને તેમની પત્નીને જમવા બોલાવતા.” શું તમે તમારા બાળકોને એવું અનુભવવા મદદ કરો છો કે મંડળના ભાઈ-બહેનો પણ કુટુંબનો ભાગ છે?—માર્ક ૧૦:૨૯, ૩૦.

બાળકની જવાબદારી

૧૭. બાળકોએ કયો નિર્ણય કરવાનો છે?

૧૭ ચાલો આપણે ફરી તીરંદાજનો વિચાર કરીએ. તીરંદાજ નિશાન તાકવામાં કુશળ છે. પણ બાણ થોડું વાંકું થઈ ગયું હોય તો એ નિશાન સુધી પહોંચશે નહિ. જો તીરંદાજને ખબર પડે કે બાણ વાંકું થઈ ગયું છે તો, તે સીધું કરવા કોશિશ કરશે. એવી રીતે માબાપને ખબર પડે કે બાળકોના વિચારો સુધારવાની જરૂર છે તો શું કરવું જોઈએ? તેઓએ યહોવાહનું જ્ઞાન શીખવીને બાળકોને સુધારવા કોશિશ કરવી જોઈએ. પણ છેવટે તો બાળકોએ નક્કી કરવું પડશે કે તેઓ દુનિયાના કે યહોવાહના ‘માર્ગમાં’ ચાલશે.—નીતિવચનો ૩:૫, ૬; રૂમી ૧૨:૨.

૧૮. બાળકોના નિર્ણયની બીજાઓ પર કેવી અસર પડશે?

૧૮ જોકે બાળકોને ‘ઈશ્વરના શિક્ષણમાં ઉછેરવાની’ જવાબદારી માબાપની છે. પણ મોટા થઈને કેવી વ્યક્તિ બનશે એ તો બાળક પોતે જ નક્કી કરશે. (એફેસી ૬:૪) તેથી બાળકો, પોતાને પૂછો, ‘માબાપ મને પ્રેમથી જે શિક્ષણ આપે છે એ હું દિલમાં ઉતારું છું?’ બાળકો, તમે માબાપ પાસેથી યહોવાહ વિષે શીખતા રહેશો તો તમારું ભલું થશે. તમને જોઈને તમારા માબાપ હરખાશે. એટલું જ નહિ, એનાથી યહોવાહના દિલને પણ ખુશી થશે.—નીતિવચનો ૨૭:૧૧. (w 07 9/1)

[Footnote]

a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

શું તમને યાદ છે?

• પ્રાર્થના અને બાઇબલ સ્ટડી કરવાથી માબાપ કઈ રીતે બાળકો માટે સારો દાખલો બેસાડી શકે?

• ઘરમાં શાંતિ જાળવી રાખવા માબાપ શું કરી શકે?

• બાળકોએ કેવો નિર્ણય લેવાનો છે? એની બીજાઓ પર કેવી અસર પડશે?

[Picture on page 29]

શું તમે બાઇબલ સ્ટડી કરીને બાળકો માટે સારો દાખલો બેસાડો છો?

[Picture on page 30]

ઘરમાં શાંતિ હશે તો, ખુશી હશે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો