વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w08 ૧/૧ પાન ૨૫-૨૯
  • જીવનના ઝરામાંથી પાણી પીવા માટે યોગ્ય ગણાયા

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવનના ઝરામાંથી પાણી પીવા માટે યોગ્ય ગણાયા
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • મોટી સભાની શ્રદ્ધાનો પુરાવો
  • મહાન વિપત્તિ પછી નવી દુનિયા
  • ‘જુઓ! મોટું ટોળું’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • મોટું ટોળું ઈશ્વરનો અને ખ્રિસ્તનો મહિમા કરે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • રાજ્ય માટે યોગ્ય ગણાયા
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • શું તમે “સત્યનો આત્મા” મેળવ્યો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
w08 ૧/૧ પાન ૨૫-૨૯

જીવનના ઝરામાંથી પાણી પીવા માટે યોગ્ય ગણાયા

“જે હલવાન છે, તે તેઓનો પાળક થશે, અને જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને દોરી લઈ જશે.”—પ્રકટીકરણ ૭:૧૭.

૧. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને બાઇબલ કઈ રીતે ઓળખાવે છે? ઈસુએ તેઓને કઈ જવાબદારી સોંપી?

બાઇબલ શીખવે છે કે સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરીકે ઓળખાય છે. તેઓ આજે પૃથ્વી પર ઈસુને આધીન સર્વ મંડળો અને એને લગતા બધા જ કામની સંભાળ રાખે છે. ૧૯૧૮માં ઈસુએ એ ‘ચાકરની’ શ્રદ્ધા ચકાસી. એ વખતે જોવા મળ્યું કે તેઓ ‘વખતસર ખાવાનું’ એટલે યહોવાહનું સત્ય શીખવતા હતા. તેથી ઈસુએ “પોતાની બધી સંપત્તિનો કારભાર” તેઓને સોંપ્યો. (માત્થી ૨૪:૪૫-૪૭ વાંચો.) આમ તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં જોડાતાં પહેલાં, પૃથ્વી પર યહોવાહના ભક્તોને મદદ કરે છે.

૨. ઈસુની સંપત્તિમાં શાનો સમાવેશ થાય છે?

૨ યહોવાહે પોતે ઈસુને મસીહી રાજા બનાવ્યા છે. આખી દુનિયામાં યહોવાહના રાજ્યનો પ્રચાર કરવા ઈસુ “પોતાની સર્વ સંપત્તિ” વાપરે છે. એ “સર્વ સંપત્તિ” શું છે? મંડળ, સંસ્થા, પુસ્તકો ને પ્રચારને લગતી ગોઠવણો. લોકોને યહોવાહનું સત્ય શીખવવા ઈસુ એ બધાનો ઉપયોગ કરે છે. ઈશ્વરભક્ત યોહાને સંદર્શનમાં જોયેલી ‘મોટી સભાની’ દેખભાળ પણ સંપત્તિમાં આવી જાય છે. યોહાને મોટી સભા વિષે લખ્યું: “જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના તથા ભાષાના, કોઈથી ગણી શકાય નહિ એટલા માણસોની એક મોટી સભા! તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઊભેલા હતા; તેઓએ શ્વેત ઝભ્ભા પહેરેલા હતા, અને તેઓના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.”—પ્રકટીકરણ ૭:૯.

૩, ૪. આપણને કયા આશીર્વાદો મળ્યા છે?

૩ ઈસુએ “બીજાં ઘેટાં” વિષે વાત કરી હતી. (યોહાન ૧૦:૧૬) એમાં “મોટી સભા” પણ આવી જાય છે. એ બન્‍ને જુદાં જુદાં નહિ પણ એક જ ગ્રૂપ છે. મોટે ભાગે આપણે બધા એ ગ્રૂપના છીએ. આપણને સ્વર્ગ જેવી પૃથ્વી પર અમર જીવનની આશા છે. આપણને ખાતરી છે કે ઈસુ ‘જીવનના પાણીના ઝરા પાસે આપણને દોરી જશે. ઈશ્વર આપણી આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે.’ એટલે જ ‘આપણે હલવાનના રક્તમાં પોતાનાં વસ્ત્ર ધોઈને ઊજળાં કર્યાં છે.’ (પ્રકટીકરણ ૭:૧૪, ૧૭) ઈસુની કુરબાનીમાં આપણને અતૂટ શ્રદ્ધા હોવાથી યહોવાહની નજરે આપણા ‘ઝભ્ભા શ્વેત’ છે. એટલે કે યહોવાહ ‘મોટી સભાને’ પણ ઈબ્રાહીમની જેમ ન્યાયી ગણે છે.

૪ આપણને આશા છે કે ‘મોટી વિપત્તિમાં’ શેતાનની દુનિયાનો નાશ થશે ત્યારે આપણે બચી જઈશું. (યાકૂબ ૨:૨૩-૨૬) એ પહેલાં આપણે યહોવાહ સાથે ને તેમના ભક્તો સાથે પાકો નાતો બાંધવો જોઈએ. આમ કરીશું તો આર્માગેદ્દોનમાંથી બચી જઈશું. (યાકૂબ ૪:૮; પ્રકટીકરણ ૭:૧૫) આપણે મન ફાવે એમ કરતા નથી. પણ રાજા ઈસુ ખ્રિસ્ત અને તેમના ‘ચાકરની’ દોરવણી પ્રમાણે રાજીખુશીથી યહોવાહની ભક્તિ કરીએ છીએ.

૫. મોટી સભાના ભાઈ-બહેનો કઈ રીતે ‘ચાકરને’ ટેકો આપે છે?

૫ સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો શેતાનના જગતમાં અગ્‍નિ-પરીક્ષામાંથી પસાર થાય છે. તેઓમાંના બહુ થોડા જ આજે પૃથ્વી પર છે. તેઓને પૂરી ખાતરી છે કે મોટી સભાના ભાઈ-બહેનો બધી જ રીતે ટેકો ને સાથ આપશે. મોટી સભાના પ્રચાર કામને લીધે દર વર્ષે તેઓમાં હજારોની સંખ્યામાં વધારો થાય છે. એટલે જ આજે ૧,૦૦,૦૦૦ જેટલાં મંડળો છે. સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનો તો થોડા જ છે. એટલે એ મંડળોના કામની સંભાળ રાખવા માટે તેઓએ મોટી સભામાંથી યોગ્ય ભાઈઓને વડીલ તરીકેની જવાબદારી સોંપી છે. આમ મોટી સભાના વડીલો ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરને’ હજારો મંડળની સંભાળ રાખવામાં મદદ કરે છે.

૬. બીજાં ઘેટાંના સાથ વિષે ક્યાં લખવામાં આવ્યું છે?

૬ યશાયાહની ભવિષ્યવાણી એના વિષે કહે છે: ‘યહોવાહ કહે છે, કે મિસરના ખેડૂતો અને કૂશના વેપારીઓ તેમ જ સબાના કદાવર માણસો તારે શરણે આવશે અને તારા દાસ બનશે. તેઓ તારી પાછળ પાછળ ચાલશે.’ (યશાયા ૪૫:૧૪, સંપૂર્ણ) બીજાં ઘેટાંના ભાઈ-બહેનો કયા અર્થમાં અભિષિક્તો અને ગવર્નિંગ બૉડીની પાછળ ચાલે છે? તેઓના માર્ગદર્શન પ્રમાણે ચાલીને. તેઓ તન-મન-ધનથી ‘દાસની જેમ’ મહેનત કરે છે. ઈસુએ સોંપેલા પ્રચાર કામમાં મોટી સભાના ભાઈ-બહેનો રાજી-ખુશીથી સાથ આપે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; પ્રકટીકરણ ૧૨:૧૭.

૭. બીજા ઘેટાંના લોકો આજે શાના માટે તૈયાર થઈ રહ્યા છે?

૭ બીજાં ઘેટાં સાથ આપે છે તેમ, શીખતા પણ જાય છે. આમ તેઓ હમણાંથી આર્માગેદ્દોન પછી નવી દુનિયામાં રહેવા તૈયાર થઈ રહ્યા છે. માનો કે નવી દુનિયાનો પાયો નંખાઈ રહ્યો છે. બીજાં ઘેટાંના લોકો રાજી-ખુશીથી ઈસુની આજ્ઞા પાળશે, એનો પુરાવો હમણાં જ આપવો જોઈએ. ઈસુની કુરબાનીમાં શ્રદ્ધા રાખીને તેમને વફાદાર રહેવું જોઈએ. આમ તેઓ સાબિત કરી શકશે કે નવી દુનિયામાં તેઓ ઈસુની કોઈ પણ આજ્ઞા પાળવા તૈયાર છે.

મોટી સભાની શ્રદ્ધાનો પુરાવો

૮, ૯. મોટી સભા કઈ રીતે પોતાની શ્રદ્ધાનો પુરાવો આપે છે?

૮ મોટી સભાના ભાઈ-બહેનો દરેક રીતે પોતાની શ્રદ્ધાનો પુરાવો આપે છે. કઈ રીતે? એક તો, યહોવાહના રાજ્યનો પ્રચાર કરવા સ્વર્ગમાં જનારા ભાઈ-બહેનોને સાથ આપે છે. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) બીજું, તેઓ રાજી-ખુશીથી ગવર્નિંગ બૉડીના માર્ગદર્શન પ્રમાણે યહોવાહની ભક્તિ કરે છે.—હેબ્રી ૧૩:૧૭; ઝખાર્યાહ ૮:૨૩ વાંચો.

૯ ત્રીજું, અભિષિક્તો મોટા ટોળાને યહોવાહનાં જે ધોરણો શીખવે છે, એ તેઓ રાજી-ખુશીથી જીવનમાં ઉતારે છે. તેઓ આવા ગુણો કેળવવા પણ સખત મહેનત કરે છે: “પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું, નમ્રતા તથા સંયમ.” (ગલાતી ૫:૨૨, ૨૩) ભલેને લોકો તેઓને નફરત કરે તોપણ, તેઓ ‘દેહનાં કામોથી’ દૂર રહે છે: “વ્યભિચાર, અપવિત્રતા, લંપટપણું, મૂર્તિપૂજા, જાદુ, વૈરભાવ, કજીઆકંકાશ, ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસંપ, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવાં કામ.”—ગલાતી ૫:૧૯-૨૧.

૧૦. મોટી સભાના દરેકે મનમાં શું ગાંઠ વાળી છે?

૧૦ ખરું કે ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર.’ એટલે ઈશ્વર જેવા ગુણો કેળવવા સહેલું નથી. તોપણ આપણે ‘દેહનાં કામો’ ને શેતાનની લાલચોથી દૂર રહેવું જોઈએ. કદાચ આપણે કોઈ નબળાઈ, નિરાશા, ઘડપણ કે બીમારીના લીધે યહોવાહની ભક્તિમાં થોડું જ કરતા હોઈએ. પણ એનાથી નિરાશ ન થઈએ. યહોવાહની ભક્તિમાં ઠંડા ન પડીએ એવી મનમાં ગાંઠ વાળીએ. આપણે જાણીએ છીએ કે યહોવાહ પોતાના વચન પ્રમાણે મહાન વિપત્તિમાંથી મોટી સભાને જરૂર બચાવશે!

૧૧. આપણી શ્રદ્ધા નબળી પાડવા શેતાન કેવી રીતો વાપરે છે?

૧૧ એ જ સમયે આપણે ભૂલવું ન જોઈએ કે શેતાન આપણો કટ્ટર દુશ્મન છે. તે આપણને સહેલાઈથી છટકવા દેશે નહિ. એ માટે આપણે હંમેશા સાવચેત રહેવું જોઈએ. (૧ પીતર ૫:૮ વાંચો.) યહોવાહની ભક્તિ છોડી જનારા અને બીજાઓનો ઉપયોગ કરીને, તે આપણને ફસાવવા ચાહે છે. આપણું શિક્ષણ સાવ જૂઠું છે એવો આપણને અહેસાસ કરાવવા ચાહે છે. જોકે મોટે ભાગે તેની એ ચાલ નિષ્ફળ ગઈ છે. તોપણ યહોવાહની ભક્તિ ને પ્રચાર કામ બંધ કરાવવા અમુક સરકારોએ સતાવણી કરી છે. આવા સંજોગોમાં પણ મોટા ભાગે ભાઈ-બહેનોની શ્રદ્ધા મજબૂત થઈ છે. શેતાન આપણી શ્રદ્ધા તોડવા પૂરી કોશિશ કરી રહ્યો છે. આપણે સાવ નકામા છીએ એવા વિચારો તે આપણા મનમાં ભરવા કોશિશ કરે છે. એવા વિચારો મનમાંથી કાઢી નાખવા પહેલી સદીના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપવામાં આવ્યું: “જેણે પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો, તેનો [ઈસુનો] વિચાર કરો.” કેમ? જો એમ નહિ કરીએ તો ‘આપણે મનથી નબળા થઈને થાકી જઈશું.’—હેબ્રી ૧૨:૩.

૧૨. નિરાશા જેવી લાગણીને મુઠ્ઠીમાં રાખવા બાઇબલ કઈ રીતે મદદ કરે છે?

૧૨ શું તમને કદીએ યહોવાહની ભક્તિ છોડી દેવાનું મન થયું છે? શું તમને કોઈ વાર થયું છે કે તમે કંઈ કામના નથી? શેતાનને તમારી લાગણીનો ફાયદો ઉઠાવવા ન દો. બાઇબલનો ઊંડો અભ્યાસ કરો. દિલ ઠાલવીને યહોવાહને પ્રાર્થના કરો. મિટિંગમાં જવાનું ચૂકશો નહિ. યહોવાહના ભક્તોની સંગત રાખશો તો ‘તમે થાકશો નહિ.’ યહોવાહે વચન આપ્યું છે કે તે પોતાના ભક્તોને શક્તિ આપશે. તેમનું વચન કદી જૂઠું પડશે નહિ. (યશાયાહ ૪૦:૩૦, ૩૧ વાંચો.) યહોવાહની ભક્તિ દિલથી કરો. તમારો સમય ખાઈ જાય એવાં કામોથી દૂર રહો. એના બદલે બીજાઓને મદદ કરવામાં મશગૂલ રહો. એનાથી તમે નિરાશા જેવી લાગણીને મુઠ્ઠીમાં રાખીને યહોવાહને ભજી શકશો.—ગલાતી ૬:૧, ૨.

મહાન વિપત્તિ પછી નવી દુનિયા

૧૩. આર્માગેદ્દોન યુદ્ધમાંથી બચી જનારા માટે કયું કામ રહેલું છે?

૧૩ યહોવાહ દુષ્ટ જગતનો નાશ કરવા આર્માગેદ્દોન યુદ્ધ લાવશે. પછી યહોવાહ ગુજરી ગયેલાને જીવતા કરશે. એમાં ઘણા અન્યાયી હશે, જેઓને યહોવાહના માર્ગો વિષે શીખવવાની જરૂર પડશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) ઈસુની કુરબાનીથી આવતા આશીર્વાદો વિષે શીખવવું પડશે. એ આશીર્વાદો પામવા તેઓએ શું કરવું જોઈએ એ પણ શીખવવું પડશે. તેઓએ યહોવાહને માર્ગે ચાલવું પડશે. ઈશ્વર જેવા ગુણો ને સ્વભાવ કેળવવા પડશે. (એફેસી ૪:૨૨-૨૪; કોલોસી ૩:૯, ૧૦) આર્માગેદ્દોન યુદ્ધમાંથી બચી જનાર મોટી સભાના ભાઈ-બહેનો માટે નવી દુનિયામાં પુષ્કળ કામ હશે. ત્યારે આજની જેમ શેતાન ને તેનું દુષ્ટ જગત નહિ હોય. આપણને ખોટાં કામો કરાવનાર કે લાલચ આપનાર કોઈ નહિ હોય. એવા સમયે યહોવાહની ભક્તિ કરવામાં કેટલો આનંદ થશે!

૧૪, ૧૫. મોટી વિપત્તિમાંથી બચી જનારા અને સજીવન પામનારા ઈશ્વરભક્તો એકબીજા પાસેથી શું શીખશે?

૧૪ ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં ગુજરી ગયેલા યહોવાહના ભક્તોને પણ આર્માગેદ્દોન પછી જીવતા કરવામાં આવશે. તેઓએ પણ યહોવાહ ને ઈસુ વિષે ઘણું શીખવાનું હશે. તેઓ મસીહની રાહ જોઈ-જોઈને ગુજરી ગયા હતા. હવે તેઓ મસીહને સારી રીતે ઓળખતા થશે. તેઓ જીવતા હતા ત્યારે વાણી-વર્તનથી બતાવી આપ્યું કે પોતે યહોવાહ પાસેથી શીખવા તૈયાર છે. ભાવિમાં તેઓને શીખવવાનું કામ કેવું આનંદી હશે. જેમ કે, કદાચ તમારે દાનીયેલને સમજાવવું પડે કે તેમણે લખેલી ભવિષ્યવાણી ક્યારે ને કેવી રીતે પૂરી થઈ!—દાનીયેલ ૧૨:૮, ૯.

૧૫ એ સમયે ફક્ત સજીવન થયેલાઓએ જ શીખવાનું નહિ હોય. તેઓને પૂછવા માટે આપણી પાસે પણ ઘણા સવાલો હશે. તેઓ પણ પોતાના જમાના વિષે બાઇબલમાં આપેલા ટૂંકા અહેવાલોની વધારે સમજણ આપશે. યોહાન બાપ્તિસ્મક ઈસુના સગા હતા. તેમની પાસેથી ઈસુ વિષે શીખવાની કેવી મજા આવશે, એની કલ્પના કરો! આ ઈશ્વરભક્તો પાસેથી શીખીશું તેમ યહોવાહનાં વચન માટેની આપણી કદર ઘણી વધશે. એ જ રીતે આ દુષ્ટ જગતના અંત સમયમાં મોટી સભાના ઘણા ભાઈ-બહેનો વર્ષોથી યહોવાહની ભક્તિ કરીને આર્માગેદ્દોન પહેલાં ગુજરી ગયા છે. નવી દુનિયામાં તેઓ પણ ‘વધારે સારું પુનરુત્થાન પામશે.’ તેઓ શેતાનની દુનિયામાં યહોવાહની ભક્તિ શરૂ કરીને ગુજરી ગયા. પણ સ્વર્ગ જેવી દુનિયામાં યહોવાહની ભક્તિ કરવાનો તેઓને કેટલો આનંદ થશે!—હેબ્રી ૧૧:૩૫; ૧ યોહાન ૫:૧૯.

૧૬. બાઇબલ પ્રમાણે ન્યાયના દિવસ દરમિયાન શું થશે?

૧૬ ન્યાયકાળે કે કયામત દરમિયાન એક નવું પુસ્તક ઉઘાડવામાં આવશે. એ નવા માર્ગદર્શન ને બાઇબલના આધારે ન્યાય કરવામાં આવશે કે અમર જીવન પામવા કોણ યોગ્ય છે. (પ્રકટીકરણ ૨૦:૧૨, ૧૩ વાંચો.) ન્યાયના દિવસના અંત સુધી દરેકને આ સાબિત કરવાનો સમય મળશે: ‘શું હું યહોવાહના માર્ગે ચાલીશ કે પછી શેતાનના? શું હું બધી જ બાબતમાં યહોવાહનું કહેવું કરીશ? શું હું ઈસુની દોરવણી પ્રમાણે જીવનના ઝરાઓમાંથી પાણી પીશ? કે પછી યહોવાહના રાજ્યનો વિરોધ કરીશ?’ (પ્રકટીકરણ ૭:૧૭; યશાયાહ ૬૫:૨૦) ત્યાં સુધી પૃથ્વી પરના દરેકને નિર્ણય લેવાનો સમય મળશે. એ નિર્ણય લેતી વખતે તેઓ પર વારસામાં મળેલા પાપની અસર નહિ હોય. શેતાન કે તેના દુષ્ટ દૂતોનું કોઈ દબાણ નહિ હોય. છેવટે યહોવાહના આખરી ફેંસલાની વિરુદ્ધ કોઈ આંગળી ચીંધશે નહિ. પછી શેતાન અને દુષ્ટોનો તદ્દન નાશ થશે.—પ્રકટીકરણ ૨૦:૧૪, ૧૫.

૧૭, ૧૮. સ્વર્ગમાં જનારા ને બીજા ઘેટાં ન્યાયના દિવસ દરમિયાન શેની રાહ જુએ છે?

૧૭ સ્વર્ગમાં જવાની રાહ જોઈ રહેલા ભાઈ-બહેનો ઈસુ સાથે રાજ કરવા યોગ્ય પુરવાર થયા છે. તેઓ ન્યાયને દિવસે ઈસુ સાથે રાજ કરવાની કાગને ડોળે રાહ જોઈ રહ્યા છે. તેઓ માટે કેટલો મોટો આશીર્વાદ! એ આશિષ તેઓને ઈશ્વરભક્ત પીતરે પહેલી સદીના ભાઈઓને આપેલી સલાહ વિચારવા ઉત્તેજન આપે છે: ‘એ માટે, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારૂ વિશેષ યત્ન કરો; કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહિ; કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તના સર્વકાળના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર થશો.’—૨ પીતર ૧:૧૦, ૧૧.

૧૮ સ્વર્ગમાં જનારાને એ આશીર્વાદ મળ્યો હોવાથી બીજાં ઘેટાંના ભાઈ-બહેનો બહુ ખુશ છે. તેઓએ પૂરો સાથ આપવાની દિલમાં ગાંઠ વાળી છે. બીજાં ઘેટાંને યહોવાહમાં પૂરી શ્રદ્ધા છે. એટલે યહોવાહ તેઓને પણ પોતાના મિત્રો ગણે છે. તેઓ યહોવાહની ભક્તિમાં બનતું બધું જ કરવા જોશીલા છે. ન્યાયના દિવસ દરમિયાન ઈસુ તેઓને યહોવાહની ગોઠવણ પ્રમાણે જીવનના પાણીના ઝરામાંથી પાણી પીવા દોરશે. તેઓ રાજી-ખુશીથી ઈસુને સાથ આપશે. છેવટે તેઓ કાયમ યહોવાહની ભક્તિ કરશે ને પૃથ્વી પર અમર જીવશે!—રૂમી ૮:૨૦, ૨૧; પ્રકટીકરણ ૨૧:૧-૭. (w08 1/15)

તમે કઈ રીતે સમજાવશો?

• ઈસુની સંપત્તિમાં શાનો સમાવેશ થાય છે?

• મોટી સભા કઈ રીતે સ્વર્ગમાં જનારાને ટેકો આપે છે?

• મોટી સભા કેવા આશીર્વાદો પામી રહી છે?

• ન્યાયના દિવસ વિષે તમને કેવું લાગે છે?

[પાન ૨૬ પર ચિત્રો]

મોટી સભાએ હલવાનના રક્તમાં પોતાના ઝભ્ભા ધોઈને ઊજળા કર્યા છે

[પાન ૨૭ પર ચિત્રો]

સજીવન થયેલા ઈશ્વરભક્તો સાથે તમે કેવી વાતો કરશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો