શું તમે ઈશ્વરને ઓળખો છો?
અમુક કહેશે, ‘હા, સારી રીતે ઓળખું છું.’ જ્યારે ઘણા કહેશે કે તેઓ ઈશ્વરમાં માને તો છે, પણ બીજું વધારે જાણતા નથી. જો તમે ઈશ્વરમાં માનતા હોવ, તો આ પ્રશ્નોનો કેવો જવાબ આપશો?
૧. ઈશ્વર કેવા છે?
૨. ઈશ્વરનું નામ શું છે?
૩. શું ઈસુ, ઈશ્વર છે?
૪. ‘શું ઈશ્વરને મારી કંઈ પડી છે?’
૫. શું ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે?
આ સવાલોના લોકો જુદા જુદા જવાબો આપશે. એ બતાવે છે કે મોટે ભાગે લોકો ઈશ્વર વિષે સત્ય જાણતા નથી. તેઓ જાતજાતની કથાઓ અને વાર્તાઓમાં માને છે.
ઈશ્વર વિષે સત્ય કેમ જાણવું જોઈએ?
એક ધાર્મિક સ્ત્રીને ઈસુએ કહ્યું કે તેણે ઈશ્વરને સારી રીતે ઓળખવા જોઈએ. એ સ્ત્રીએ સ્વીકાર્યું કે ઈસુ પ્રબોધક હતા. પણ ઈસુ જે માનતા હતા એ સ્વીકારવું તેને અઘરું લાગતું હતું. એટલે ઈસુએ તેને કહ્યું: “જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો.” (યોહાન ૪:૧૯-૨૨) ઈસુ કહેતા હતા કે બધા ધાર્મિક લોકો ખરા ઈશ્વરને ઓળખતા નથી.
આનો અર્થ એ નથી કે ઈશ્વરને કોઈ સારી રીતે ઓળખી ન શકે. ઈસુએ એ સ્ત્રીને પછી કહ્યું: “ખરા ભજનારા આત્માથી [ઈશ્વરની દોરવણીથી] તથા સત્યતાથી બાપનું ભજન કરશે; કેમકે એવા ભજનારાઓને બાપ ઇચ્છે છે.” (યોહાન ૪:૨૩) શું તમે ‘ઈશ્વરની દોરવણી ને સત્યતાથી’ તેમની ભક્તિ કરો છો?
એ સવાલનો જવાબ બહુ જ મહત્ત્વનો છે. ઈસુએ પ્રાર્થનામાં ઈશ્વરને કહ્યું: ‘અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.’ (યોહાન ૧૭:૩) ઈશ્વર વિષે સત્ય જાણવું જ જોઈએ, કેમ કે એમાં આપણા અમર જીવનનો સવાલ છે!
શું આપણે ઈશ્વર વિષે સત્ય શીખી શકીએ? હા, શીખી શકીએ. પણ કેવી રીતે? ઈસુએ કહ્યું: ‘માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા વિના બાપની પાસે કોઈ આવતું નથી.’ (યોહાન ૧૪:૬) તેમણે એમ પણ કહ્યું: “બાપ કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.”—લુક ૧૦:૨૨.
ચાલો આપણે ઈસુ પાસેથી શીખીએ. તે આપણને ઈશ્વર વિષે સત્ય જણાવશે. ઈસુ આપણને વચન આપે છે: “જો તમે મારા વચનમાં રહો, તો ખરેખર તમે મારા શિષ્યો છો; અને તમે સત્યને જાણશો, અને સત્ય તમને મુક્ત કરશે.”—યોહાન ૮:૩૧, ૩૨.
શરૂઆતમાં જોઈ ગયા એ પાંચ પ્રશ્નોના ઈસુએ કેવા જવાબ આપ્યા? ચાલો જોઈએ. (w09 2/1)
[પાન ૪ પર ચિત્રનું મથાળું]
શું તમે જે ઈશ્વરને જાણતા નથી એને ભજો છો?