શું ઈસુ ઈશ્વર છે?
લોકો કહે છે:
▪ “હા, ઈસુ એ જ ઈશ્વર છે.”
▪ “ઈસુનો અવતાર લઈને ઈશ્વર પૃથ્વી પર આવ્યા.”
ઈસુએ શું કહ્યું?
▪ ઈસુએ કહ્યું કે “જો તમે મારા પર પ્રેમ રાખતા હોત, તો હું બાપની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત; કેમકે મારા કરતાં બાપ મોટો છે.” (યોહાન ૧૪:૨૮) ઈસુએ સાફ સાફ જણાવ્યું કે ઈશ્વર પોતાના કરતાં મહાન છે.
▪ ઈસુએ કદી પોતાને ઈશ્વર માન્યા નહિ. તેમણે શિષ્યોને કહ્યું: “મારો બાપ તથા તમારો બાપ, અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચઢી જાઉં છું.”—યોહાન ૨૦:૧૭.
▪ ઈસુનું શિક્ષણ પોતાથી નહિ, પણ ઈશ્વર પાસેથી હતું. એટલે તેમણે કહ્યું: “મેં મારા પોતાના તરફથી કહ્યું નથી; પણ મારે શું કહેવું, અને મારે શું બોલવું, એ વિષે જે બાપે મને મોકલ્યો છે તેણે મને આજ્ઞા આપી છે.”—યોહાન ૧૨:૪૯.
ઈસુએ કદીયે દાવો ન કર્યો કે પોતે ભગવાન છે. તેમણે હંમેશાં કહ્યું કે પોતે ઈશ્વરના દીકરા છે. જો તે પોતે ભગવાન હોય, તો તે કોને પ્રાર્થના કરતા? (માત્થી ૧૪:૨૩; ૨૬:૨૬-૨૯) તે કંઈ ખાલી દેખાડો કરવા નહિ, પણ ખરેખર ઈશ્વરને પ્રાર્થના કરતા હતા.
સ્વર્ગમાં ઊંચી પદવીની માંગ કરનારા બે મિત્રોને ઈસુએ કહ્યું: “મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે.” (માથ્થી ૨૦:૨૩, સંપૂર્ણ) ઈસુ પોતે ઈશ્વર હોય તો, શું તે અહીં ખોટું બોલે છે? ના! ઈસુ તો સમજાવે છે કે ફક્ત ઈશ્વર જ એવી પદવી આપી શકે. ઈસુએ એમ પણ કહ્યું કે અમુક માહિતી ફક્ત ઈશ્વર જ જાણે છે. કોઈ સ્વર્ગદૂત કે પોતે પણ એ જાણતા ન હતા.—માર્ક ૧૩:૩૨.
શું ઈસુ સ્વર્ગમાં ગયા પછી ઈશ્વર ગણાયા? ના. તેમના મરણ પછી, ઈશ્વરે તેમને સજીવન કર્યા. તે સ્વર્ગમાં ગયા પછી પણ, ઈશ્વરને આધીન છે. ઈશ્વરભક્ત પાઊલે કહ્યું: “ખ્રિસ્તનું શિર દેવ છે.” (૧ કોરીંથી ૧૧:૩) બાઇબલ કહે છે કે ‘જ્યારે સર્વને ખ્રિસ્તના રાજ્યના અધિકાર નીચે લાવવામાં આવશે, ત્યારે સર્વને આધીનતામાં લાવનાર પુત્ર પોતે પણ ઈશ્વરને આધીન થઈ જશે. પછી ઈશ્વર સર્વ પર સંપૂર્ણ રાજ કરશે.’—૧ કોરીંથી ૧૫:૨૮, કોમન લેંગ્વેજ.
આ બધું બતાવે છે કે ઈશ્વર અને ઈસુ એક જ નથી. ઈસુએ પોતે કહ્યું કે તેમના પિતા યહોવાહ, તેમના ‘ઈશ્વર’ છે.—પ્રકટીકરણ ૩:૨, ૧૨; ૨ કોરીંથી ૧:૩, ૪.a (w09 2/1)
[ફુટનોટ્સ]
a વધારે જાણવા માટે, યહોવાહના સાક્ષીઓનું પુસ્તક, પવિત્ર બાઇબલ શું શીખવે છે? પાન ૨૦૨-૨૦૪ જુઓ.
[પાન ૭ પર બ્લર્બ]
ધરતી પર હતા ત્યારે, ઈસુએ કહ્યું કે અમુક માહિતી ફક્ત ઈશ્વર જ જાણે છે. કોઈ સ્વર્ગદૂત કે પોતે પણ એ જાણતા નથી