વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w09 ૫/૧ પાન ૧૭-૨૧
  • યુવાનો, સત્યમાં પ્રગતિ કરતા રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાનો, સત્યમાં પ્રગતિ કરતા રહો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • નાનપણથી જ પ્રગતિ કરો
  • મુશ્કેલીમાં સમજી-વિચારીને વર્તીએ
  • સુખી લગ્‍નજીવનની તૈયારી
  • ‘સેવાકાર્ય પૂર્ણ કરીએ’
  • પ્રગતિ કરવાના આશીર્વાદ
  • સત્યમાં પ્રગતિ કરતા રહીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • તમારી પ્રગતિ જણાવા દો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ૨ તિમોથી ૧:૭—‘ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ આપણને ડરપોક બનાવતી નથી’
    બાઇબલ કલમોની સમજણ
  • વડીલો અને સહાયક સેવકો—તિમોથી પાસેથી શીખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
w09 ૫/૧ પાન ૧૭-૨૧

યુવાનો, સત્યમાં પ્રગતિ કરતા રહો

“એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.”—૧ તીમો. ૪:૧૫.

૧. યહોવાહ યુવાનો માટે શું ચાહે છે?

‘હે જુવાન, તારી જુવાનીમાં તું આનંદ કર; અને તારી જુવાનીના દિવસોમાં તારૂં હૃદય તને ખુશ રાખે.’ યહોવાહે ઈસ્રાએલના બુદ્ધિશાળી રાજા સુલેમાનને એ લખવા પ્રેરણા આપી. (સભા. ૧૧:૯) યહોવાહ ચાહે છે કે યુવાનો હંમેશાં ખુશ  રહે. પણ ઘણી વર યુવાનીમાં કરેલી ભૂલને લીધે જીવનભર સહેવું પડે છે. અયૂબે પણ દુઃખી થઈને  કહ્યું કે તેમની ‘યુવાનીના અન્યાયનો બદલો’ તેમને મળતો હતો. (અયૂ. ૧૩:૨૬) યુવાનોએ ઘણા નિર્ણયો લેવા પડે છે. જો ખોટા નિર્ણય લે તો કદાચ આખું જીવન સહેવું પડે.—સભા. ૧૧:૧૦.

૨. યુવાનોએ કઈ સલાહ દિલમાં ઉતારવી જોઈએ?

૨ યુવાનોને કોઈ પણ નિર્ણયો સમજી-વિચારીને લેવા જોઈએ. પાઊલે કોરીંથ મંડળને આ સલાહ આપી: ‘ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ પણ અનુભવી થાઓ.’ (૧ કોરીં. ૧૪:૨૦) અનુભવી વ્યક્તિની જેમ સમજી-વિચારીને નિર્ણયો લઈએ તો આવતા દિવસોમાં પસ્તાવું નહિ પડે.

૩. યુવાનોએ અનુભવી બનવા શું કરવું જોઈએ?

૩ પાઊલે તીમોથીને કહ્યું કે ‘તને જુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે; પણ વચનમાં, વર્તનમાં, પ્રીતિમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં તું વિશ્વાસીઓને નમૂનારૂપ થજે. શાસ્ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે.’ (૧ તીમો. ૪:૧૨-૧૫) યુવાનો, તમે પણ સત્યમાં આગળ વધો. મહેનત કરો. અનુભવી બનો. તમારા વાણી-વર્તનમાં એ દેખાઈ આવશે.

નાનપણથી જ પ્રગતિ કરો

૪. વ્યક્તિએ સત્યમાં પ્રગતિ કરવા શું કરવું જોઈએ?

૪ જે વ્યક્તિ પ્રગતિ કરે છે, એ આગળ વધે છે, સુધારો કરે છે. પાઊલે તીમોથીને ઉત્તેજન આપ્યું કે તે વાણી-વર્તનમાં, પ્રેમ રાખવામાં, શ્રદ્ધામાં અને બધી રીતે શુદ્ધ રહેવામાં મહેનત કરતા રહે. યહોવાહનું સત્ય વધુ સારી રીતે શીખવે. આ રીતે તીમોથીએ સત્યમાં પ્રગતિ કરતા રહેવાનું હતું.

૫, ૬. (ક) તીમોથીની પ્રગતિ ક્યારથી જોવા મળી? (ખ) તીમોથી જેવા બનવા યુવાનો શું કરી શકે?

૫ તીમોથી ૪૯-૫૦ની સાલમાં વીસેક વર્ષના હતા. તેમણે સત્યમાં ઘણી પ્રગતિ કરી. “લુસ્ત્રા તથા ઈકોનીમાંના ભાઈઓમાં તેની શાખ સારી હતી.” (પ્રે.કૃ. ૧૬:૧-૫) એ બતાવે છે કે તીમોથી યુવાનીમાં પણ અનુભવી વ્યક્તિ હતા. એ જોઈને પાઊલ તેમને પોતાની સાથે મિશનરિ તરીકે લઈ ગયા. પછીથી થેસ્સાલોનિકી મંડળને દિલાસો અને માર્ગદર્શનની જરૂર હતી. થોડા મહિનામાં જ પાઊલે તીમોથીની પ્રગતિ જોઈને, તેમને ત્યાં મોકલ્યા. (૧ થેસ્સાલોનિકી ૩:૧-૩, ૬ વાંચો.) આશરે ૬૧-૬૪ની સાલમાં પાઊલે તીમોથીને પહેલો પત્ર લખ્યો. એ વખતે તીમોથી અનુભવી વડીલ હતા.

૬ બાર વર્ષના ઈસુ ‘જ્ઞાનમાં વધતા જતા’ હતા. (લુક ૨:૫૨) યુવાનો, તમે પણ હમણાંથી જ સારા ગુણો કેળવો. સમજી-વિચારીને નિર્ણયો લો. ખાસ કરીને આ ત્રણ સંજોગોનો વિચાર કરો, જેમાં તમારે બહુ સમજી-વિચારીને નિર્ણય લેવા જોઈએ: (૧) મુશ્કેલીઓ આવે ત્યારે. (૨) મેરેજ કરવાનો વિચાર કરતા હોવ ત્યારે. (૩) ‘સારા સેવક’ બનવા પ્રયત્ન કરતા હોવ ત્યારે.—૧ તીમો. ૪:૬.

મુશ્કેલીમાં સમજી-વિચારીને વર્તીએ

૭. યુવાનો પર મુશ્કેલી આવે ત્યારે તેઓને કેવું લાગે છે?

૭ સત્તર વર્ષની અનીતાનો દાખલો લઈએ. તે દસ વર્ષની હતી ત્યારે, તેના મમ્મી-પપ્પાએ ડિવૉર્સ લીધા. તેને તેની મમ્મી સાથે રહેવાનું થયું, જે યહોવાહને છોડીને પાપમાં પડ્યા હતા. અનીતા કહે છે કે “અમુક વાર હું સાવ નિરાશ થઈ જતી. એટલી થાકી જતી કે સવારે ઊઠવાનું મન ન થાય.”a તમને પણ અનીતા જેવી કોઈ મુશ્કેલી હોય શકે, જેમાંથી નીકળવાનો કોઈ રસ્તો દેખાતો ન હોય.

૮. તીમોથીએ કેવી મુશ્કેલીઓ સહેવી પડી?

૮ તીમોથીએ પણ અમુક મુશ્કેલીઓ સહેવી પડી. જેમ કે, તે પેટને લીધે ‘વારંવાર માંદા’ પડતા. (૧ તીમો. ૫:૨૩) બીજું કે કોરીંથ મંડળમાં અમુક જણ પ્રેરિતો વિષે જેમ-તેમ બોલતા. મંડળમાં શાંતિ લાવવા, પાઊલે તીમોથીને મોકલ્યા. તીમોથી શરમાળ હતા. પાઊલે મંડળને ઉત્તેજન આપ્યું કે તેઓ તેનું સાંભળે, જેથી તે ‘નિર્ભય રીતે’ મદદ કરી શકે.—૧ કોરીં. ૪:૧૭; ૧૬:૧૦, ૧૧.

૯. “સાવધ બુદ્ધિનો આત્મા” હોવાનો શું અર્થ થાય? “ભયનો આત્મા” હોય, એવી અમુક વ્યક્તિઓ શું કરે છે?

૯ સમય જતાં પાઊલે તીમોથીને યાદ કરાવ્યું કે ‘ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે.’ (૨ તીમો. ૧:૭) “સાવધ બુદ્ધિનો આત્મા” હોવાનો અર્થ શું થાય? એ જ કે મુશ્કેલીમાં પણ યહોવાહને પસંદ પડે એવા નિર્ણયો લઈએ. અમુક યુવાનો સત્યમાં પ્રગતિ કરતા ન હોવાથી, તેઓને “ભયનો આત્મા” છે. તેઓ મુશ્કેલીઓથી ડરી જાય છે. ટેન્શનમાંથી છટકવા ઊંઘ્યા કરે છે. ટીવી-ફિલ્મોમાંથી ઊંચા નથી આવતા. ડ્રગ્સ-દારૂ, મોજમજામાં ને સેક્સમાં ડૂબી જાય છે. પણ બાઇબલ કહે છે કે “આપણે અધર્મી જીવન અને સાંસારિક વાસનાથી દૂર જઈ ભક્તિભાવ અને ઈશ્વરની બીકવાળું પ્રમાણિક જીવન જીવીએ.”—તિતસ ૨:૧૨, IBSI.

૧૦, ૧૧. જવાબદાર વ્યક્તિ મુશ્કેલીમાં શું કરશે? એનું પરિણામ શું આવશે?

૧૦ બાઇબલ “જુવાન માણસોને જવાબદારીપૂર્વક વર્તવાનું અને ગંભીર બનવાનું” ઉત્તેજન આપે છે. (તિતસ ૨:૬, IBSI) યુવાનો, આ સલાહ જીવનમાં ઉતારો. મુશ્કેલીમાં યહોવાહની મદદ લો. તેમની દોરવણી પ્રમાણે નિર્ણય લો. (૧ પીતર ૪:૭ વાંચો.) એ રીતે ‘ઈશ્વર જે સામર્થ્ય આપે છે,’ એમાં તમારો ભરોસો વધતો જશે.—૧ પીત. ૪:૧૧.

૧૧ અનીતાએ મદદ માટે પ્રાર્થના કરી. પછી તેણે જવાબદાર વ્યક્તિની જેમ, નિર્ણયો લીધા. તેણે કહ્યું કે “મમ્મી જીવનમાં કોઈ ફેરફારો કરવા માગતા ન હતા. મને એ જરાય પસંદ ન હતું. તેમને એ કહેવું, બહુ અઘરું હતું. પ્રાર્થનામાં મેં યહોવાહ પાસે હિંમત માગી. તે મને કદીયે છોડી નહિ દે, એ મને ખબર છે. એટલે હવે હું ડરતી નથી.” કસોટીઓ સહીને આપણે ઘડાઈએ છીએ. (ગીત. ૧૦૫:૧૭-૧૯; યિ.વિ. ૩:૨૭) આપણી તકલીફોમાં યહોવાહ જરૂર ‘સહાય કરશે.’—યશા. ૪૧:૧૦.

સુખી લગ્‍નજીવનની તૈયારી

૧૨. નીતિવચનો ૨૦:૨૫ પ્રમાણે યુવાનોએ લગ્‍ન કરવા વિષે શું વિચારવું જોઈએ?

૧૨ અમુક યુવાનો ઉતાવળે પરણી જાય છે. તેઓ માને છે કે એમ કરવાથી મમ્મી-પપ્પાની રોકટોક સાંભળવી નહિ પડે. ઘરમાં એકલા નહિ પડી જાય. સુખેથી મન ફાવે એમ જીવશે. જોકે લગ્‍નમાં એકબીજાને વચન આપવું જ પૂરતું નથી, એ પાળવું પણ પડે છે. બાઇબલ કહે છે કે વિચાર્યા વગર ઉતાવળે કદીયે માનતા ન લેવી. (નીતિવચનો ૨૦:૨૫ વાંચો.) અમુક યુવાનો લગ્‍નજીવનની જવાબદારીઓ વિષે કોઈ વિચાર કરતા નથી. લગ્‍ન પછી તેઓની આંખ ઊઘડે છે.

૧૩. જીવનસાથી શોધતા પહેલાં કયા પ્રશ્નો વિચારવા જોઈએ? એના વિષે ક્યાંથી મદદ મળશે?

૧૩ જીવનસાથી શોધતા પહેલાં વિચારો: ‘મારે કેમ લગ્‍ન કરવા છે? મારા જીવનસાથી પાસેથી શાની આશા રાખું છું? શું લગ્‍ન પછીની જવાબદારીઓ ઉપાડવા હું તૈયાર છું?’ ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ બહાર પાડેલા અમુક લેખો તમને મદદ કરશે.b (માથ. ૨૪:૪૫-૪૭) યહોવાહ તમને સલાહ આપતા હોય એવી રીતે એ લેખ વાંચજો. એના પર મનન કરજો. “ઘોડા અથવા ખચ્ચર જેને કંઈ સમજણ નથી,” એવા તમે ન થશો. (ગીત. ૩૨:૮, ૯) લગ્‍નજીવનની જવાબદારી સારી રીતે સમજો. એ જવાબદારી સારી રીતે ઉપાડી શકો એમ લાગે તો, જીવનસાથી શોધજો. જ્યારે તમે હળો-મળો ત્યારે કોઈ પાપ ન કરી બેસતા. યહોવાહની નજરમાં ‘પવિત્ર’ રહેજો.—૧ તીમો. ૪:૧૨.

૧૪. ઈસુ જેવો સ્વભાવ કેળવીશું તો લગ્‍નજીવનમાં કેવી મદદ મળશે?

૧૪ પતિ-પત્ની સત્યમાં પ્રગતિ કરશે તો, લગ્‍ન-જીવન સુખી બનશે. એમ આપણે દરેક ‘ખ્રિસ્તની સંપૂર્ણતાએ પહોંચીએ.’ (એફે. ૪:૧૧-૧૪) એટલે કે ઈસુ જેવો સ્વભાવ કેળવીએ. તેમણે “પોતે પણ પોતાની મરજી પ્રમાણે” કંઈ જ કર્યું નહિ. (રૂમી ૧૫:૩) પતિ-પત્ની પણ સ્વાર્થી બનવાને બદલે, એકબીજાનો વિચાર કરે તો તેઓમાં પ્રેમ વધશે. તેઓ સુખી થશે. (૧ કોરીં. ૧૦:૨૪) પતિ રાજી-ખુશીથી ઈસુને આધીન રહે છે તેમ, પત્નીએ પણ પતિનું માનવું જોઈએ. પતિએ હરેક સંજોગમાં પોતાનો નહિ, પણ પહેલા પોતાની પત્નીનો વિચાર કરવો જોઈએ.—૧ કોરીં. ૧૧:૩; એફે. ૫:૨૫.

‘સેવાકાર્ય પૂર્ણ કરીએ’

૧૫, ૧૬. સેવાકાર્યમાં પ્રગતિ કરવા શું કરીશું?

૧૫ તીમોથીને મંડળમાં ઘણી જવાબદારી હતી. પાઊલે તેમને લખ્યું કે ‘ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ સમક્ષ હું તને કહું છું, કે તું સુવાર્તા પ્રગટ કર. એમ કરવા તત્પર રહે; સુવાર્તિકનું કામ કર, તારૂં સેવાકાર્ય પૂર્ણ કર.’ (૨ તીમો. ૪:૧, ૨, ૫) એ માટે તીમોથીએ ‘વિશ્વાસની વાતોથી પોષણ’ લીધું.—૧ તીમોથી ૪:૬ વાંચો.

૧૬ એનો અર્થ શું થાય? પાઊલે તીમોથીને કહ્યું કે “શાસ્ત્રવાચન પર, બોધ કરવા પર તથા શિક્ષણ આપવા પર ખાસ લક્ષ રાખજે. એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે.” (૧ તીમો. ૪:૧૩, ૧૫) યહોવાહની ભક્તિમાં ‘તલ્લીન રહેવાનો’ શું અર્થ થાય? એ જ કે એમાં મશગૂલ રહીએ. બાઇબલમાંથી “દેવના ઊંડા વિચારો” જાણીએ. (૧ કોરીં. ૨:૧૦) જીવનમાં સુધારો કરવા મન મૂકીને બાઇબલ સ્ટડી કરીએ. જે શીખીએ એ જીવનમાં ઉતારીએ. એમ કરીશું તો યહોવાહની ભક્તિમાં તલ્લીન રહીશું.—નીતિવચનો ૨:૧-૫ વાંચો.

૧૭, ૧૮. (ક) યુવાનોએ કેવી બાબતોમાં સુધારો કરવો જોઈએ? (ખ) સારી રીતે સુવાર્તા ફેલાવવા તીમોથી પાસેથી શું શીખી શકીએ?

૧૭ મીશેલ નામની યુવાન પાયોનિયર કહે છે: ‘બીજાઓને શીખવતા પહેલાં, હું જાતે સ્ટડી કરું છું. બને ત્યાં સુધી મિટિંગ ચૂકતી નથી. આમ સત્યમાં મારી સમજણ ને શ્રદ્ધા વધે છે.’ યુવાનો, તમે પણ પાયોનિયર બનીને, લોકોને સારી રીતે શીખવી શકશો. એમ કરવા સારી રીતે વાંચતા શીખો. મિટિંગમાં દિલથી કૉમેન્ટ આપો. ટૉક હોય ત્યારે, એની પૂરી તૈયારી કરો. ટૉક વિષે આપેલી માહિતીનો જ ઉપયોગ કરો. એ રીતે તમે સત્યમાં સારી પ્રગતિ કરી શકશો.

૧૮ ‘સુવાર્તિકનું કામ કરવાનો’ અર્થ શું થાય? યહોવાહ વિષે લોકોને “ઉપદેશ” આપીએ. તેમની સાથે નાતો બાંધવા લોકોને શીખવવાની કળા કેળવીએ. (૨ તીમો. ૪:૨) પાઊલ સાથે કામ કરવાથી તીમોથી સારી રીતે ઉપદેશ આપતા શીખ્યા. આપણે પણ અનુભવી ભાઈ-બહેનો પાસેથી શીખીએ. (૧ કોરીં. ૪:૧૭) પાઊલે લોકોને શીખવ્યું એટલું જ નહિ, પણ તેઓ માટે ‘જીવ આપવા પણ રાજી હતા.’ મંડળ પર પાઊલને એટલો પ્રેમ હતો કે આખું જીવન તેઓની સેવા કરી. (૧ થેસ્સા. ૨:૮) પાઊલ પાસેથી તીમોથી ‘સુવાર્તા’ ફેલાવવાનું શીખ્યા અને તેમને પગલે ચાલ્યા. (ફિલિપી ૨:૧૯-૨૩ વાંચો.) યુવાનો, શું તમે પણ તીમોથી જેવા ઉત્સાહી છો?

પ્રગતિ કરવાના આશીર્વાદ

૧૯, ૨૦. સત્યમાં પ્રગતિ કરવાના આશીર્વાદ જણાવો.

૧૯ સત્યમાં આગળ વધવા આપણે પ્રયત્ન કરવો પડે. શીખવવાની કળામાં સુધારો કરીએ તેમ, બીજાને યહોવાહની ભક્તિમાં “ધનવાન” બનાવીશું. તેઓની પ્રગતિ આપણા માટે “આનંદ કે અભિમાનનો મુગટ” બનશે. (૨ કોરીં. ૬:૧૦; ૧ થેસ્સા. ૨:૧૯) ફ્રેડભાઈ ફૂલટાઇમ લોકોને યહોવાહ વિષે શીખવે છે. તેમનું કહેવું છે કે “લોકોને યહોવાહ વિષે શીખવવામાં જ સમય નીકળી જાય છે. લેવા કરતાં આપવામાં જે મજા છે, એવી બીજા કશામાં નથી.”

૨૦ ડેફની નામે એક બહેનનો અનુભવ લઈએ. તે સત્યમાં પ્રગતિ કરીને પાયોનિયર બની. એના વિષે તે કહે છે: “પાયોનિયર કામ કરવાથી હું યહોવાહને સારી રીતે ઓળખવા લાગી. તેમની સાથેનો મારો નાતો પાકો થવા લાગ્યો. યહોવાહની ઇચ્છા પ્રમાણે જીવવાથી મને સંતોષ મળ્યો છે!” યહોવાહની ભક્તિમાં આપણી પ્રગતિ ઘણા પારખી નહિ શકે. પણ યહોવાહ એ જુએ છે. તેમની નજરમાં એ અનમોલ છે. (હેબ્રી ૪:૧૩) યુવાનો, તમે પણ યહોવાહની ભક્તિમાં પ્રગતિ કરતા રહો. એનાથી યહોવાહના દિલને ઘણો આનંદ થશે!—નીતિ. ૨૭:૧૧. (w09 5/15)

[ફુટનોટ્‌સ]

a અમુક નામ બદલ્યાં છે.

b “આ વ્યક્તિ સાથે મૅરેજ કરું?” જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૭નું સજાગ બનો!; “યહોવાહની મદદથી લગ્‍નસાથી પસંદ કરો,” મે ૧૫, ૨૦૦૧નું ચોકીબુરજ; “લગ્‍ન અને માબાપ બનવા વિષે શું વિચારવું જોઈએ?” એપ્રિલ ૧, ૨૦૦૮નું ચોકીબુરજ જુઓ.

આપણે શું શીખ્યા?

• સત્યમાં પ્રગતિ કરવા શું કરવું જોઈએ?

• મુશ્કેલીમાં કઈ રીતે તમારી પ્રગતિ દેખાઈ આવશે?

• અનુભવી વ્યક્તિ મેરેજ પહેલાં શાનો વિચાર કરશે?

• સારી રીતે સત્ય શીખવવા તમે શું કરશો?

[પાન ૧૯ પર ચિત્ર]

મુશ્કેલીઓ સહેવા પ્રાર્થના કરીએ

[પાન ૨૦ પર ચિત્ર]

સારી રીતે સત્ય શીખવવા યુવાનો શું કરી શકે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો