૫: મરિયમ ઈશ્વરની માતા છે
આ માન્યતા ક્યાંથી આવી? ‘બીજા ધર્મોના લોકો પણ ચર્ચમાં જોડાવા લાગ્યા. એ લોકો હજારો વર્ષથી “માતૃ દેવી” અને “કુંવારી દેવી”માં માનતા હતા. એટલે એ લોકો ઈશ્વરની માતા તરીકે મરિયમની ઉપાસના કરવા લાગ્યા.’—ધ ન્યૂ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા (૧૯૮૮), ગ્રંથ ૧૬, પાન ૩૨૬ અને ૩૨૭.
બાઇબલ શું કહે છે? દૂતે મરિયમને કહ્યું: ‘તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે. તે પવિત્ર, દેવનો દીકરો, કહેવાશે.’—લુક ૧:૩૧-૩૫.
ઉપરની કલમ સાફ જણાવે છે કે મરિયમ ‘દેવના દીકરાʼની માતા હતી. ઈશ્વરને તો ‘આકાશ તથા આકાશોનું આકાશ સમાવેશ કરી શકતું નથી’ તો પછી તે કઈ રીતે મરિયમના પેટમાં રહી શકે? (૧ રાજાઓ ૮:૨૭) મરિયમે કદીએ દાવો કર્યો નહિ કે પોતે ઈશ્વરની માતા છે. એ તો ત્રૈક્યની ખોટી માન્યતાને લીધે મરિયમ વિષે ગૂંચવણ ઊભી થઈ છે. ઈસવીસન ૪૩૧માં એફેસસના સલાહકારીઓએ મરિયમને ગ્રીક ભાષામાં થીઓતોકોસ ખિતાબ આપ્યું. એ શબ્દનો અર્થ થાય કે ‘ઈશ્વરને જન્મ આપનાર’ અથવા ‘ઈશ્વરની માતા.’ એ સમયથી લોકોએ મરિયમની ઉપાસના કરવાનું શરૂ કર્યું. એ ઉપરાંત એફેસસમાં વર્ષોથી ફળદ્રુપતાની દેવી આર્તેમિસની ઉપાસના થતી હતી.
આર્તેમિસની ઉપાસના ઘણી રીતોએ થતી હતી. જેમ કે લોકો માનતા હતા કે આર્તેમિસની ‘મૂર્તિ આકાશમાંથી પડી હતી.’ એટલે તેઓ એ મૂર્તિની પૂજા કરતા. (પ્રેષિતોનાં કાર્યો ૧૯:૩૫, IBSI) એ મૂર્તિનું સરઘસ કાઢતા હતા. આ બધી રીતો લોકોએ મરિયમની ઉપાસનામાં પણ ઉમેરી દીધી. ખ્રિસ્તી ધર્મમાં બીજી અમુક માન્યતા પણ આવી ગઈ. જેવી કે મરિયમની મૂર્તિ પૂજા અને બીજા દેવી-દેવીઓની ઉપાસના કરવી. (w09 11/01)
બાઇબલની આ કલમો સરખાવી જુઓ: માત્થી ૧૩:૫૩-૫૬; માર્ક ૩:૩૧-૩૫; લુક ૧૧:૨૭, ૨૮
હકીકત:
ત્રૈક્યની માન્યતાને લીધે મરિયમની ઉપાસના શરૂ થઈ. મરિયમ ઈશ્વરના દીકરાની માતા હતી, નહિ કે ઈશ્વરની માતા