વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w10 ૧૧/૧ પાન ૧૧-૧૫
  • યુવાનો, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાનો, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • કુટુંબમાં બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ
  • પૈસાનો ઉપયોગ કરવા વિષે બાઇબલનું માર્ગદર્શન લઈએ
  • એકલા હોવ ત્યારે પણ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે કરો
  • યહોવાહના દિલને આનંદ પહોંચાડીએ
  • માબાપ કેમ મારી પાછળ પડે છે?
    સજાગ બનો!—૨૦૦૭
  • માબાપો, પ્રેમથી બાળકોને ઉછેરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • માબાપ અને બાળકો—પ્રેમથી વાતચીત કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મમ્મી-પપ્પાને વધારે સારી રીતે જાણવા શું કરું?
    સજાગ બનો!—૨૦૧૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
w10 ૧૧/૧ પાન ૧૧-૧૫

યુવાનો, બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલો

‘જ્ઞાન મેળવ, બુદ્ધિ પ્રાપ્ત કર.’—નીતિ. ૪:૫.

૧, ૨. (ક) જે સારું છે એ કરવું મુશ્કેલ લાગતું ત્યારે પાઊલને શામાંથી મદદ મળી? (ખ) તમે જ્ઞાન, બુદ્ધિ અને સમજશક્તિ કેવી રીતે મેળવી શકો?

“સારું કરવા હું ઇચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે.” તમને ખબર છે આ શબ્દો કોણે કહ્યા હતા? એ પ્રેરિત પાઊલે કહ્યા હતા. તેમને યહોવાહ માટે ખૂબ જ પ્રેમભાવ હતો. તેમ છતાં અમુક વાર પાઊલને જે સારું છે એ કરવું અઘરું લાગતું. એવું થાય ત્યારે તે કેવું અનુભવતા? તેમણે લખ્યું કે “હું કેવો દુર્ભાગ્ય માણસ છું!” (રૂમી ૭:૨૧-૨૪) શું તમે પણ કોઈ વાર પાઊલ જેવું અનુભવ્યું છે? અમુક વખતે શું તમને પણ જે સારું છે એ કરવું અઘરું લાગે છે? એવું બને ત્યારે તમે પાઊલની જેમ આકુળ-વ્યાકુળ થઈ જાવ છો? એમ હોય તો નિરાશ ન થતા. પાઊલ સામે આવી મુશ્કેલી ઊભી થઈ ત્યારે તે એનો સફળતાથી સામનો કરી શક્યા. તમે પણ એમ કરી શકો છો.

૨ પાઊલ સફળ થયા, કેમ કે તે ઈશ્વરના “સત્ય વચનો” પ્રમાણે ચાલ્યા હતા. (૨ તીમો. ૧:૧૩, ૧૪) એમ કરવાથી તેમણે જ્ઞાન, બુદ્ધિ અને સમજશક્તિ મેળવ્યા, જેના દ્વારા તે મુશ્કેલીઓનો સામનો કરી શક્યા અને સારા નિર્ણયો લઈ શક્યા. યહોવાહ તમને પણ જ્ઞાન, બુદ્ધિ અને સમજશક્તિ મેળવવા મદદ કરી શકે. (નીતિ. ૪:૫) ઈશ્વરે સૌથી સારી સલાહ તેમના શબ્દ બાઇબલમાં આપી છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.) ચાલો જોઈએ કે બાઇબલની સલાહ તમને જીવનમાં કેવી રીતે મદદ કરી શકે. ખાસ કરીને આપણે જોઈશું કે માબાપ સાથેના વ્યવહારમાં, પૈસા વાપરવાની વાત આવે ત્યારે અને તમે એકલા હોવ ત્યારે બાઇબલની સલાહ કેવી રીતે મદદ કરી શકે.

કુટુંબમાં બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ

૩, ૪. શા માટે તમને મમ્મી-પપ્પાના નિયમો પ્રમાણે રહેવું અઘરું લાગી શકે? તેઓ કેમ નિયમો બનાવે છે?

૩ શું તમારા મમ્મી-પપ્પાએ બાંધેલા નિયમો પ્રમાણે જીવવું તમને અઘરું લાગે છે? તમને કેમ એવું લાગે છે? એક કારણ એ હોઈ શકે કે તમને વધારે છૂટછાટ જોઈએ છે. આવો વિચાર સામાન્ય છે. તમે મોટા થઈ રહ્યા છો એની એ નિશાની છે. પરંતુ તમે મમ્મી-પપ્પા સાથે રહેતા હોવાથી તેઓનું કહેવું માનવું તમારી ફરજ છે.—એફે. ૬:૧-૩.

૪ માબાપ તમારા માટે કેમ નિયમો બનાવે છે એ તમે સમજશો તો એને પાળવા સહેલા બનશે. ખરું કે તમને કોઈ વાર અઢાર વર્ષની બીનાa જેવું લાગી શકે. તે પોતાના મમ્મી-પપ્પા વિષે કહે છે: “તેઓ સાવ ભૂલી ગયા છે કે મારી ઉંમરના છોકરા-છોકરીઓ શું અનુભવે છે. તેઓ ઇચ્છતા નથી કે હું મારા વિચારો જણાવું અને મારી ઇચ્છા પ્રમાણે કરું. તેઓ હજી પણ મને નાની છોકરી જ ગણે છે.” બીનાની જેમ તમને પણ લાગી શકે કે મારા મમ્મી-પપ્પા પૂરતી છૂટ આપતા નથી. પણ તમે એ ધ્યાનમાં રાખી શકો કે તેઓને તમારી ચિંતા હોવાથી નિયમો બનાવે છે. તેઓ એ પણ જાણે છે કે તમારી સંભાળ રાખવા વિષે તેઓએ યહોવાહને જવાબ આપવો પડશે.—૧ તીમો. ૫:૮.

૫. તમે મમ્મી-પપ્પાના નિયમો પાળશો તો કેવો લાભ થશે?

૫ તમારા મમ્મી-પપ્પાનું માનવું એ જાણે બૅંકમાંથી લીધેલી લોન ભરી આપવા બરાબર છે. તમે સમયસર લોન ભરી આપશો તો બૅંક બીજી વાર કદાચ તમને વધારે લોન આપશે. એવી જ રીતે, તમારે મમ્મી-પપ્પાના નિયમો પાળવા જોઈએ અને તેઓને માન આપવું જોઈએ. (નીતિવચનો ૧:૮ વાંચો.) જો તમે તેઓના નિયમો પાળશો તો કદાચ વધારે છૂટછાટ મળશે. (લુક ૧૬:૧૦) પરંતુ જો તમે વારંવાર તેઓના નિયમો તોડશો તો, એમાં કોઈ નવાઈ નથી કે તેઓ વધારે કડક બને, કે પછી તમને છૂટ આપવાનું સાવ બંધ કરી દે.

૬. બાળકો નિયમો પાળે એ માટે માબાપ તેઓને કઈ રીતે મદદ કરી શકે?

૬ માબાપ જો સારો દાખલો બેસાડશે તો બાળકો માટે પણ નિયમો પાળવા સહેલા બનશે. યહોવાહ ઇચ્છે છે એ પ્રમાણે રાજીખુશીથી કરીને માબાપ બતાવે છે કે ઈશ્વરની આજ્ઞાઓ ભારે નથી. એ જોઈને બાળકો પણ સમજી શકશે કે માબાપે બનાવેલા નિયમો યોગ્ય છે. (૧ યોહા. ૫:૩) બાઇબલમાં એવા બનાવો છે જ્યાં યહોવાહે પોતાના ભક્તોને અમુક બાબતમાં તેઓના વિચારો જણાવવાની તક આપી હતી. (ઉત. ૧૮:૨૨-૩૨; ૧ રાજા. ૨૨:૧૯-૨૨) અમુક વખતે માબાપ અનેક વિષયોમાં બાળકોને પોતાના વિચારો જણાવવાની તક આપી શકે.

૭, ૮. (ક) અમુક યુવાનો કેવી મુશ્કેલીનો સામનો કરે છે? (ખ) શિસ્ત મળે ત્યારે એમાંથી લાભ મેળવવા શું ધ્યાનમાં રાખવું જોઈએ?

૭ અમુક યુવાનોને બીજી એક મુશ્કેલીનો પણ સામનો કરવો પડી શકે. તેઓને એવું લાગી શકે કે મમ્મી-પપ્પા કાયમ તેઓની ભૂલો જ શોધતા હોય છે. અમુક વખતે તેઓને કિરણ જેવું લાગી શકે. તે કહે છે: “મારી મમ્મી પોલીસની જેમ મારી ભૂલ પકડવા રાહ જોઈને જ બેઠી હોય છે.”

૮ વ્યક્તિને સુધારવા કે શિસ્ત આપવા માટે પહેલાં ભૂલ બતાવવી પડે છે. બાઇબલ જણાવે છે કે યોગ્ય કારણથી શિસ્ત આપવામાં આવે તોપણ એ સ્વીકારવી અઘરી લાગે છે. (હેબ્રી ૧૨:૧૧) તમને જે શિસ્ત આપવામાં આવે છે એમાંથી લાભ મેળવવા શું મદદ કરી શકે? હંમેશાં યાદ રાખો કે માબાપ તમને પ્રેમ કરતા હોવાથી શિસ્ત આપે છે. (નીતિ. ૩:૧૨) તમે ખોટી આદતે ચઢી ન જાવ, પણ સારા ગુણો કેળવો એવું તેઓ ઇચ્છે છે. તમારા મમ્મી-પપ્પા એવું માને છે કે તેઓ તમને ન સુધારે તો, એ જાણે તમને ધિક્કારવા બરાબર છે! (નીતિવચનો ૧૩:૨૪ વાંચો.) એ પણ યાદ રાખો કે ભૂલોમાંથી તમને શીખવા મળે છે. તેથી જ્યારે તમને સુધારવા સલાહ કે ઠપકો આપવામાં આવે ત્યારે એને અનમોલ હીરા-મોતીની જેમ સ્વીકારો. ‘જે માણસને જ્ઞાન મળે છે, તેનો વેપાર રૂપાના વેપાર કરતાં, અને તેનો લાભ ચોખ્ખા સોનાના લાભ કરતાં શ્રેષ્ઠ છે.’—નીતિ. ૩:૧૩, ૧૪.

૯. પોતાની સાથે અન્યાય થયો છે એવું વિચાર્યા કરવાને બદલે યુવાનો બીજું શું કરી શકે?

૯ માબાપથી પણ ભૂલો થાય છે. (યાકૂ. ૩:૨) તેઓ તમને ઠપકો આપે ત્યારે કદાચ કોઈ વાર જેમતેમ બોલી જતા હશે. (નીતિ. ૧૨:૧૮) તેઓ કેમ એ રીતે વર્તે છે? તેઓ કદાચ ખૂબ જ તણાવમાં હશે. અથવા, તમે જે ભૂલ કરી એ માટે તેઓ પોતાને જવાબદાર ગણતા હશે. એટલે તમારી સાથે અન્યાય થયો છે એવું વિચાર્યા કરવાને બદલે તમે માબાપની કદર કરો, કેમ કે તેઓ દિલથી તમને મદદ કરવા માગે છે. જો તમે શિસ્ત સ્વીકારશો તો ભાવિમાં એ તમને મદદ કરશે.

૧૦. તમારા માબાપના નિયમો અને શિસ્તને સહેલાઈથી સ્વીકારવા તમે શું કરી શકો?

૧૦ તમારા માતા-પિતાના નિયમો સ્વીકારવા સહેલા લાગે એ માટે તમે શું કરી શકો? તેઓ ઠપકો કે શિસ્ત આપે ત્યારે એમાંથી લાભ લેવા શું કરી શકો? એ માટે તેઓ સાથેની વાતચીતમાં તમે સુધારો કરી શકો. સૌથી પહેલાં તો તેઓનું ધ્યાનથી સાંભળો. બાઇબલ કહે છે: ‘સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમા, તથા ક્રોધમાં ધીરા થાવ.’ (યાકૂ. ૧:૧૯) ઠપકો મળે ત્યારે તરત જ પોતાને નિર્દોષ સાબિત કરવા બેસી ન જાઓ. તમારી લાગણીઓને કાબૂમાં રાખો અને માબાપ જે કહે છે એ ધ્યાનથી સાંભળો. તેઓ જે રીતે કહે છે એના પર નહિ, પણ જે સલાહ આપે છે એના પર ધ્યાન આપો. પછી તમારી ભૂલ સ્વીકારતા તેઓને બતાવો કે જે કહેવામાં આવ્યું છે એ તમે પૂરી રીતે સ્વીકારો છો. એમ કરવાથી તેઓને ખાતરી મળશે કે તમે તેઓની સલાહ સાંભળી છે. જેના લીધે ઠપકો મળ્યો હોય એ વિષે તમારે માબાપને કંઈક કહેવું હોય તો શું? મોટે ભાગે જ્યાં સુધી તેમની ઇચ્છા પ્રમાણે ન કરો ત્યાં સુધી સારું રહેશે કે તમે ‘પોતાના હોઠો પર દાબ રાખો.’ (નીતિ. ૧૦:૧૯) તમારા મમ્મી-પપ્પા જ્યારે જોશે કે તમે તેઓનું ધ્યાનથી સાંભળ્યું છે ત્યારે તેઓ પણ તમારું સાંભળવા તૈયાર થશે. આમ કરવાથી તમે બતાવો છો કે તમે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલો છો.

પૈસાનો ઉપયોગ કરવા વિષે બાઇબલનું માર્ગદર્શન લઈએ

૧૧, ૧૨. (ક) પૈસાની બાબતમાં બાઇબલ આપણને શું ઉત્તેજન આપે છે અને શા માટે? (ખ) પૈસાનો સારો ઉપયોગ કરવા તમારા માબાપ કઈ રીતે મદદ કરી શકે?

૧૧ બાઇબલ કહે છે કે “દ્રવ્ય આશ્રય છે.” પણ એ જ કલમ આગળ જણાવે છે કે જ્ઞાન અથવા બુદ્ધિ ધન-દોલત કરતાં પણ વધારે મૂલ્યવાન છે. (સભા. ૭:૧૨) બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે પૈસાની કિંમત સમજીએ, પણ એ મેળવવા પાછળ પડી ન જઈએ. શા માટે? આ ઉદાહરણનો વિચાર કરો: એક સારા રસોઇયા માટે છરી ખૂબ કામની વસ્તુ છે. પરંતુ એ છરી બેદરકાર વ્યક્તિના હાથમાં હોય તો એનાથી મોટી ઇજા થઈ શકે. એવી જ રીતે જો પૈસાને સારી રીતે વાપરવામાં આવે તો એ ઘણા ઉપયોગી થઈ શકે. “પણ જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે” તેઓ મોટા ભાગે મિત્રો, કુટુંબીજનો અને ઈશ્વર સાથેના તેઓના સંબંધનો ભોગ આપતા હોય છે. પરિણામે ‘ઘણાં દુઃખોથી તેઓ પોતાને વીંધે છે.’—૧ તીમોથી ૬:૯, ૧૦ વાંચો.

૧૨ તો પછી તમે કઈ રીતે પૈસાનો સારો ઉપયોગ કરતા શીખી શકો? પૈસાને સાચવીને વાપરવા વિષે તમારા માબાપ પાસેથી સલાહ લો. રાજા સુલેમાને લખ્યું: “જો ડાહ્યો માણસ સાંભળશે તો તેનું ડહાપણ વધશે. અને સમજુ માણસને દોરવણી મળે” છે. (નીતિવચનો ૧:૫, ઇઝી ટુ રીડ વર્ઝન) એક યુવાન બહેન આનાએ પોતાના માબાપ પાસેથી આ વિષે સલાહ લીધી. તે કહે છે: “મારા પપ્પાએ મને શીખવ્યું કે ક્યાં કેવી રીતે પૈસા વાપરવા જોઈએ. જે કંઈ પૈસા વાપરું એનો હિસાબ રાખવો કેટલું જરૂરી છે એ પણ બતાવ્યું.” આનાની મમ્મીએ પણ અમુક મહત્ત્વની બાબતો શીખવી. આના કહે છે: “મમ્મીએ મને શીખવ્યું કે કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એનો ભાવ બીજે સરખાવી લેવો જોઈએ.” આવી સલાહથી આનાને શું ફાયદો થયો? તે કહે છે: “હવે હું સાચવીને પૈસા વાપરતા શીખી છું અને જેમતેમ ઉડાવતી નથી. ગજા બહાર પૈસા વાપરતી ન હોવાથી મને મનની ઘણી શાંતિ મળી છે.”

૧૩. પૈસા વાપરવાની વાત આવે ત્યારે તમે કેવી રીતે ધ્યાન રાખી શકો?

૧૩ કોઈ વસ્તુ ગમી જાય તો શું તમે તરત એને ખરીદી લો છો? તમારા મિત્રો આગળ દેખાડો કરવા શું તમે ગમે તેમ પૈસા વાપરો છો? એમ હોય તો તમે જલદી જ દેવામાં આવી પડશો. આવા ફાંદાથી બચવા તમને શું મદદ કરી શકે? પૈસા વાપરવાની વાત આવે ત્યારે સમજી વિચારીને ખર્ચવા જોઈએ. વીસેક વર્ષની એલેના એવું જ કરે છે. તે કહે છે: ‘હું મિત્રો સાથે જઉં ત્યારે પહેલેથી નક્કી કરી રાખું છું કે કેટલો ખરચો કરીશ. એ ઉપરાંત, જે મિત્રો સાચવીને પૈસા વાપરે છે અને કિંમત સરખાવીને ખરીદી કરે છે તેઓ સાથે જ હું ખરીદી કરવા જાઉં છું.’

૧૪. ‘દોલતની માયામાં’ ફસાઈ ન જઈએ એ માટે આપણે કેમ સાચવીને ચાલવું જોઈએ?

૧૪ પૈસા કમાવવા અને એનો સારો ઉપયોગ કરવો એ જીવનમાં મહત્ત્વનું છે. પરંતુ ઈસુએ કહ્યું હતું કે “જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે” તેઓને ખરી ખુશી મળે છે. (માથ. ૫:૬) તેમણે ચેતવણી આપી હતી કે જેઓ ‘દોલતની માયામાં’ પડશે તેઓ ઈશ્વરની ભક્તિમાં ધીમા પડી જશે. (માર્ક ૪:૧૯) તેથી, તમે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે ચાલો અને પૈસા માટે યોગ્ય વલણ રાખો એ કેટલું મહત્ત્વનું છે!

એકલા હોવ ત્યારે પણ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે કરો

૧૫. ઈશ્વર માટેની આપણી વફાદારી સૌથી વધારે ક્યારે જોખમમાં મૂકાઈ શકે?

૧૫ જરા વિચાર કરો, યહોવાહ માટેની તમારી વફાદારી ક્યારે જોખમમાં આવી પડે છે? તમે બીજાઓ સાથે હોવ ત્યારે કે પછી એકલા હોવ ત્યારે? કદાચ સ્કૂલે કે કામ પર હોવ ત્યારે યહોવાહ સાથેના તમારા સંબંધને કોઈ આંચ ન આવે એનું તમે ખાસ ધ્યાન રાખતા હશો. પણ એકલા હોવ ત્યારે તમને કદાચ લાગશે કે સાવચેતી રાખવાની જરૂર નથી. પરંતુ ભૂલશો નહિ, આ એવો સમય છે જ્યારે શેતાન તમારા નૈતિક ધોરણોને તોડી પાડવા વધારે ટાંપીને બેઠો હોય છે.

૧૬. તમે એકલા હોવ ત્યારે પણ કેમ યહોવાહને વફાદાર રહેવા માગો છો?

૧૬ એકલા હોવ ત્યારે પણ શા માટે તમારે યહોવાહની આજ્ઞાઓ પાળવી જોઈએ? હંમેશાં યાદ રાખો: તમે યહોવાહને દુઃખ પહોંચાડી શકો છો અથવા તેમને ખુશ કરી શકો છો. (ઉત. ૬:૫, ૬; નીતિ. ૨૭:૧૧) યહોવાહ “તમારી સંભાળ રાખે છે.” એટલે તમે જેવાં કામો કરો એવી તેમને અસર થાય છે. (૧ પીત. ૫:૭) તે ઇચ્છે છે કે આપણે તેમનું સાંભળીએ જેથી આપણને લાભ થાય. (યશા. ૪૮:૧૭, ૧૮) પ્રાચીન સમયમાં ઈસ્રાએલીઓ યહોવાહની આજ્ઞાઓ તોડતા ત્યારે તેમને ખૂબ દુઃખ થતું હતું. (ગીત. ૭૮:૪૦, ૪૧) જ્યારે કે પ્રબોધક દાનીયેલ માટે યહોવાહને ખૂબ જ લાગણી હતી. એક સ્વર્ગદૂતે તો દાનીયેલને “અતિ પ્રિય માણસ” કહ્યા. (દાની. ૧૦:૧૧) શા માટે? કારણ કે દાનીયેલ જાહેરમાં જ નહિ, એકાંતમાં પણ યહોવાહને વફાદાર રહ્યા હતા.—દાનીયેલ ૬:૧૦ વાંચો.

૧૭. મનોરંજન પસંદ કરવાની વાત આવે ત્યારે કયા સવાલો પર વિચાર કરવો જોઈએ?

૧૭ એકલા હોઈએ ત્યારે યહોવાહને વળગી રહેવા આપણે ‘ખરૂં-ખોટું’ પારખવાની સમજશક્તિ કેળવવી જોઈએ. પછી જે ખરું હોય એ જ કરતા રહેવું જોઈએ. આમ આપણી સમજશક્તિ કેળવાતી જશે. (હેબ્રી ૫:૧૪) દાખલા તરીકે, કોઈ સંગીત, ફિલ્મ અથવા ઇંટરનેટ સાઇટની પસંદગી કરવાની વાત આવે ત્યારે, જે સારું છે એ પસંદ કરવા અને ખરાબ છે એનાથી દૂર રહેવા આ સવાલો પર વિચાર કરો: “શું આ સાંભળવાથી કે જોવાથી મને દયાળુ બનવા મદદ મળશે કે પછી બીજાની ‘વિપત્તિ’ જોઈને મજા આવશે?” (નીતિ. ૧૭:૫) “શું એ ‘ભલાને’ વળગી રહેવા મને મદદ કરશે કે પછી ‘ભૂંડાને ધિક્કારવા’ અઘરું બનાવશે?” (આમો. ૫:૧૫) તમે એકાંતમાં જે કંઈ કરો છો એ બતાવી આપશે કે તમારે મન શું કીમતી છે.—લુક ૬:૪૫.

૧૮. તમે એકાંતમાં એવું કંઈ કરી રહ્યા હોય જે યહોવાહની નજરમાં ખોટું છે તો શું કરવું જોઈએ અને શા માટે?

૧૮ તમે એકાંતમાં એવું કંઈ કરી રહ્યા હોય જે યહોવાહની નજરમાં ખોટું છે તો શું કરવું જોઈએ? બાઇબલ કહે છે: “જે માણસ પોતાનાં ઉલ્લંઘનો છૂપાવે છે તેની આબાદી થશે નહિ; પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.” (નીતિ. ૨૮:૧૩) ખોટાં કામોમાં મંડ્યા રહીને યહોવાહને દુઃખ પહોંચાડવું મૂર્ખતા કહેવાય! (એફે. ૪:૩૦) તમે ખોટાં કામમાં ફસાયા હોય તો યહોવાહ અને તમારાં માબાપને એના વિષે જણાવવાની ફરજ છે, જેથી ‘મંડળીના વડીલો’ આવીને તમને જોઈતી મદદ આપે. એના વિષે ઈસુના શિષ્ય યાકૂબે આમ કહ્યું: “તેઓએ પ્રભુના [યહોવાહના] નામથી તેને [ખોટું કરનારને] તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી; અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.” (યાકૂ. ૫:૧૪, ૧૫) ખરું કે એમ કરવાથી નીચું જોવું પડે અને એના પરિણામો પણ ભોગવવા પડી શકે. પણ હિંમતથી મદદ માગશો તો તમારે વધારે દુઃખી થવું નહિ પડે. એટલું જ નહિ, તમારું દિલ પછી સાફ હોવાથી મન પર પાપનો બોજ નહિ રહે.—ગીત. ૩૨:૧-૫.

યહોવાહના દિલને આનંદ પહોંચાડીએ

૧૯, ૨૦. યહોવાહ તમારા માટે શું ચાહે છે? તમારે શું કરવું જોઈએ?

૧૯ યહોવાહ આનંદથી ભરપૂર છે. તે ઇચ્છે છે કે આપણે તેમની જેમ આનંદથી ભરપૂર થઈએ. તે કાયમ આપણું ભલું જ ચાહે છે. તેમના માર્ગે ચાલવા આપણે જે મહેનત કરીએ છીએ એની ભલે બીજું કોઈ નોંધ ન લે, પણ યહોવાહ જરૂર એ ધ્યાનમાં લે છે. યહોવાહથી આપણે કંઈ જ સંતાડી શકતા નથી. પરંતુ તે કંઈ આપણો દોષ શોધવા નહિ, પણ આપણને સારું કરવામાં સાથ આપવા નજર રાખે છે. બાઇબલ કહે છે કે “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.”—૨ કાળ. ૧૬:૯.

૨૦ ચાલો યહોવાહની સલાહ દિલમાં ઉતારીએ અને એ પ્રમાણે ચાલીએ. આમ કરવાથી ખરાબ આદતથી મુક્ત થવા આપણને તેમનું જ્ઞાન, બુદ્ધિ અને સમજશક્તિ મળશે. એનાથી આપણાં માબાપ અને યહોવાહને આનંદ થશે. એટલું જ નહિ, આપણે પોતે પણ સુખી થઈશું. (w10-E 11/15)

[ફુટનોટ્‌સ]

a નામો બદલવામાં આવ્યા છે.

તમે કેવો જવાબ આપશો?

• માબાપ જે નિયમો બનાવે છે અને શિસ્ત આપે છે એનો લાભ લેવા યુવાનો શું કરી શકે?

• પૈસાનો યોગ્ય ઉપયોગ કરતા શીખવું કેમ મહત્ત્વનું છે?

• એકાંતમાં પણ યહોવાહને વળગી રહેવા તમે શું કરી શકો?

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

શું તમે એકાંતમાં પણ યહોવાહને વફાદાર રહેશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો