વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૪/૧ પાન ૧૦-૧૨
  • શું બાઇબલ જુગાર રમવાની મના કરે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું બાઇબલ જુગાર રમવાની મના કરે છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • શું નસીબમાં માનવું જોઈએ?
  • પૈસા કઈ રીતે જીતાય છે?
  • ફાંદાથી બચો
  • જુગાર
    સજાગ બનો!—૨૦૧૫
  • શું જુગાર રમવો પાપ છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૪/૧ પાન ૧૦-૧૨

શું બાઇબલ જુગાર રમવાની મના કરે છે?

જુગાર વિષે ઘણી જાણીતી ફિલ્મો અને ટીવી પ્રોગ્રામ બન્યા છે. એમાં ખાસ કરીને કેસિનોમાં રમાતો જુગાર ખૂબ જ વૈભવી હોય એ રીતે બતાવવામાં આવે છે. જોકે એવું જોનારા પોતે સ્વીકારે છે કે મોટાભાગના કેસિનો એવા હોતા નથી.

આજની દુનિયામાં અમુક લોકો કેસિનોમાં જવાનું પસંદ કરે છે, તો કેટલાંક બીજી રીતોએ જુગાર રમે છે. જેમ કે, રમત-ગમતમાં સટ્ટો રમવો, ઇન્ટરનેટ પર જુગાર રમવો કે લોટરી ટિકિટ ખરીદવી. ઇન્ટરનેટ ગેમ્બલિંગ નામનું પુસ્તક કહે છે: ‘જંગલમાં લાગેલી આગ ઝડપથી બધે ફેલાય, તેમ જુગાર રમવાનો શોખ દુનિયામાં ઝડપથી ફેલાય ગયો છે.’ જુગારમાં પોકર નામની એક રમત પત્તાં દ્વારા રમવામાં આવે છે. આ રમતને ક્રિકેટ-ફૂટબૉલની જેમ ટીવી અને ઇન્ટરનેટ પર હવે એકદમ સામાન્ય ગણીને રમવા કે જોવામાં આવે છે. એક ન્યૂઝ પેપરમાં નિષ્ણાતોએ અંદાજ કર્યો કે અમેરિકામાં છેલ્લા અઢાર મહિનામાં પત્તાંથી જુગાર રમનારાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

જુગાર એટલે એવી રમત જેમાં પરિણામથી બેખબર હોવા છતાં એના પર પૈસા લગાવવા. ઘણા લોકો માને છે કે જ્યાં સુધી વ્યક્તિ પોતાના પૈસે રમે અને એનો બંધાણી ના બની જાય, ત્યાં સુધી જુગાર રમવામાં કંઈ ખોટું નથી. જુગાર વિષે ન્યૂ કૅથલિક એન્સાઇક્લોપીડિયા કહે છે: ‘જ્યાં સુધી વ્યક્તિ પોતાની જવાબદારી સારી રીતે નિભાવતો હોય, ત્યાં સુધી જુગાર રમવામાં કંઈ પાપ નથી.’ જોકે એ વિચારને ટેકો આપવા તેઓ બાઇબલની કોઈ કલમ ટાંકી શકતા નથી. તો પછી આપણે જુગારને કઈ દૃષ્ટિથી જોવો જોઈએ? શું બાઇબલ જુગાર રમવાની મનાઈ કરે છે કે પછી એને ચલાવી લે છે?

જીવનના દરેક સંજોગોમાં શું કરવું શું નહિ, એ વિષે બાઇબલ જણાવતું નથી. તેમ જ એમાં સીધેસીધી રીતે જુગારને લઈને નિયમો આપેલા નથી. જોકે એનો અર્થ એ નથી કે આપણી પાસે કોઈ માર્ગદર્શન નથી. બાઇબલ ઉત્તેજન આપે છે, “પ્રભુની ઇચ્છા શી છે તે સમજો.” (એફેસી ૫:૧૭) “સમજો” માટે ગ્રીકમાં જે શબ્દ વપરાયો છે એના વિષે બાઇબલ સ્કૉલર ઈ. ડબલ્યુ. બુલિંગર કહે છે, ‘કોઈ પણ બાબતને સારી રીતે સમજવા વ્યક્તિએ એના દરેક પાસાનો ઊંડો વિચાર કરવો જોઈએ.’ જુગાર વિષે ઈશ્વરની ઇચ્છા શી છે એ સમજવા એને લાગુ પડતા બાઇબલ સિદ્ધાંતોનો વિચાર કરવો જોઈએ. આ લેખમાં બાઇબલ કલમો વાંચો ત્યારે તમે આ પ્રશ્નો પર વિચાર કરી શકો. ‘શું આ કલમ જુગાર રમવાની છૂટ આપે છે? આ કલમ ઈશ્વરની ઇચ્છા વિષે શું જણાવે છે?’

શું નસીબમાં માનવું જોઈએ?

રમતના પરિણામથી બેખબર હોવાથી જુગારીઓ નસીબ પર ભરોસો રાખે છે. તેઓના મને નસીબ એટલે એવું કોઈ રહસ્યમય બળ જે બનાવો પર કાબૂ ધરાવતું હોય. એટલે લોકો લોટરી ટિકિટ ખરીદતી વખતે શુભ આંકડા પસંદ કરે છે. મહા-જોંગ રમતમાં અશુભ શબ્દો નથી બોલતા. કે પછી જુગારમાં પાસાં નાખતી વખતે એના પર ફૂંક મારે છે. જુગારીઓ માને છે કે આમ કરવાથી તેઓનું નસીબ ખૂલી જશે.

લોકો કહેશે કે નસીબમાં ભરોસો મૂકવામાં કંઈ વાંધો નથી. પ્રાચીન ઈસ્રાએલના અમુક લોકો પણ એવું જ કહેતા હતા. તેઓ માનતા કે નસીબ તેઓને અમીર બનાવી દેશે. એ વિષયમાં ઈશ્વર યહોવાહને કેવું લાગ્યું? તેમણે પ્રબોધક યશાયાહ દ્વારા લોકોને કહ્યું: “તમે, બાકીનાઓએ પ્રભુનો તથા તેમના મંદિરનો ત્યાગ કર્યો છે અને ‘સૌભાગ્ય’ [નસીબ] તથા ‘વિધાતા’ નામના દેવોની ભક્તિ કરી છે.” (યશાયા ૬૫:૧૧, IBSI) નસીબમાં માનતી વ્યક્તિ ઈશ્વરને બદલે કોઈ કાલ્પનિક બળમાં ભરોસો મૂકે છે. આમ કરીને તે ઈશ્વરની નજરમાં મૂર્તિપૂજા કરે છે, જે તેમની સાચી ભક્તિની વિરુદ્ધ છે. નસીબ વિષે ઈશ્વરના વિચારો આજે પણ એ જ છે.

પૈસા કઈ રીતે જીતાય છે?

ઘણા લોકો ઇન્ટરનેટથી જુગાર રમે છે. તો કોઈ લોટરી ટિકિટ ખરીદે છે, સટ્ટો રમે છે કે પછી કેસિનોમાં જુગાર રમે છે. એવા લોકોને ખ્યાલ નથી કે જીતેલા પૈસા ક્યાંથી આવે છે. સામાન્ય રીતે કોઈ વસ્તુ ખરીદવા વ્યક્તિ એની કિંમત ચૂકવે છે, જ્યારે કે જુગારમાં તે બીજાના પૈસા પડાવી લેવા માગે છે.a કૅનેડાનું સેન્ટર ફૉર એડિક્શન ઍન્ડ મેન્ટલ હેલ્થ જણાવે છે: ‘જે વ્યક્તિ લોટરી જીતીને કરોડપતિ બને છે, તેના ઇનામ પાછળ લાખો લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા છે.’ કયા બાઇબલના સિદ્ધાંતો આપણને આ વિષે ઈશ્વરના વિચારો સમજવા મદદ કરે છે?

ઈસ્રાએલીઓને આપેલી દસ આજ્ઞાઓમાંની છેલ્લી કહે છે: “તારા પડોશીની સ્ત્રી, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઈ હોય તે પર તું લોભ ન રાખ.” (નિર્ગમન ૨૦:૧૭) બીજી વ્યક્તિની પત્ની કે ધન-સંપત્તિ મેળવવાની ઇચ્છા રાખવાને ઘોર પાપ ગણવામાં આવતું. સદીઓ પછી ઈશ્વરભક્ત પાઊલે એ જ આજ્ઞાને યાદ કરાવતા ખ્રિસ્તીઓને કહ્યું: “લોભ ન રાખ.” (રૂમી ૭:૭) જે વ્યક્તિ બીજાના પૈસા જીતવાની આશા રાખે છે, શું તે લોભી નથી!

એક કટારલેખક જણાવે છે, ‘મોટાભાગના જુગારીઓ સ્વીકારે કે ન સ્વીકારે, તેઓ જુગાર રમતા પહેલાં જીતવાના સપના જોતા હોય છે. તેઓ એવી કલ્પના કરે છે કે તેમની પાસે જે છે, એ બધું દાવ પર લગાવીને અઢળક જીતી લેશે.’ (જે. ફિલિપ વૉગેલ) આવા જુગારીઓ વિચારે છે કે તેઓ ચપટીમાં ઢગલો રૂપિયા જીતી લેશે. આવો વિચાર બાઇબલની આ સલાહની વિરુદ્ધ છે: ‘પોતાને હાથે મહેનત કરીને સારા કામ કરવાં, જેથી જેને જરૂર છે તેને આપવાને પોતાની પાસે કંઈ હોય.’ (એફેસી ૪:૨૮) ઈશ્વરભક્ત પાઊલે ખાસ જણાવ્યું હતું, ‘જો કોઈ માણસ કામ ન કરે, તો તેને ખવડાવવું પણ નહિ. તેઓ શાંતિથી મહેનત કરીને પોતાનું રળેલું ખાય.’ (૨ થેસ્સાલોનીકી ૩:૧૦, ૧૨) શું જુગાર રમવાને કામ તરીકે ગણી શકાય?

વ્યક્તિ કોઈ સેવા કે કામ કરે ત્યારે બદલામાં તેને પગાર મળતો હોય છે. આ તેની મહેનતની કમાઈ છે. જ્યારે કે જુગાર રમવામાં વ્યક્તિ ભલે ઘણી મહેનત કરે, તેણે પૈસા કમાયા નથી પણ જીત્યા છે. વ્યક્તિ જુગારમાં જે પૈસા લગાવે છે એને નસીબ પર છોડી દેતી હોય છે. તેને આશા હોય છે કે આજે નહિ, તો કાલે જરૂર નસીબ ખુલશે. ટૂંકમાં કહીએ તો, તે એવું ઇચ્છે છે કે વગર મહેનતે બધું મળી જાય. જ્યારે કે યહોવાહના ભક્તોને સલાહ આપવામાં આવે છે કે તેઓએ ઇમાનદારીથી અને મહેનતથી પૈસા કમાવા જોઈએ. રાજા સુલેમાને કહ્યું: “ખાવું, પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવી, એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલૂમ પડ્યું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે.” (સભાશિક્ષક ૨:૨૪) ઈશ્વરભક્તો જાણે છે કે અમીર બનવાથી ખુશી નથી મળતી, પણ ઈશ્વરના આશીર્વાદોથી મળે છે.

ફાંદાથી બચો

જો ખેલાડી જુગારમાં જીતે, તો તે થોડા સમય માટે જીતનો આનંદ જરૂર માણશે. પણ તેણે એ વિચારવું જોઈએ કે જુગાર રમવાથી તેના જીવન પર કેવી અસર પડશે. નીતિવચનો ૨૦:૨૧ કહે છે: “છેતરપિંડી કરવાથી સમૃદ્ધ થઈ શકાય, પણ તેની સાથે શાપ આવે છે.” (IBSI) ઘણા લોટરી જીતનાર અને બીજા જુગારીઓને અહેસાસ થયો છે કે પૈસા જીતવાથી તેઓને ખરો આનંદ મળ્યો નથી. તેથી એ કેટલું સારું રહેશે કે આપણે બાઇબલની આ સલાહ પાળીએ: ‘પૈસાની અસ્થિરતા પર નહિ, પણ જે ઈશ્વર આપણા આનંદને માટે ઉદારતાથી સર્વ આપે છે તેના પર આશા રાખીએ.’—૧ તીમોથી ૬:૧૭.

જુગાર રમવામાં બીજો એક મોટો ફાંદો રહેલો છે. બાઇબલ કહે છે, “જેઓ ધનવાન થવાની ઇચ્છા રાખે છે, તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષ્ણામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડુબાવે છે.” (૧ તીમોથી ૬:૯) આ ફાંદો એવો છે જેમાં વ્યક્તિ ફસાતીને ફસાતી જાય છે. એવા અઢળક લોકો છે જેઓએ એક-બે વાર રમવાનો નિર્ણય કર્યો, પણ પછી એના બંધાણી બની ગયા છે. એનાથી તેઓનું આખું કૅરિયર ખતમ થઈ ગયું છે. તેઓએ પ્રિયજનોને દુઃખ પહોંચાડ્યું છે, અને કુટુંબને બરબાદ કરી નાખ્યું છે.

અત્યાર સુધી આપણે જુગારને લાગુ પડતી ઘણી કલમો જોઈ. એના પરથી શું તમે પારખી શક્યા કે એ વિષે ઈશ્વરની ઇચ્છા શી છે? ઈશ્વરભક્ત પાઊલે અરજ કરી “તદ્દન નવી અને જુદી જ વ્યક્તિ બની જાઓ. તમારાં કાર્યોમાં તથા વિચારોમાં નવીનતા અપનાવો. પછી તમે ઈશ્વરની નજરમાં જે સારું, માન્ય તથા સંપૂર્ણ છે તે સમજી શકશો.” (રોમન ૧૨:૨, IBSI) આપણે લોકોના વિચારો મુજબ નહિ, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવું જોઈએ. યહોવાહ ઇચ્છે છે કે આપણે જીવનનો આનંદ માણીએ, કેમ કે તે પોતે પણ આનંદી ઈશ્વર છે. તે જરાય ચાહતા નથી કે આપણે જુગાર જેવા ફાંદામાં ફસાઈને દુઃખ ભોગવીએ. (w11-E 03/01)

[ફુટનોટ]

a શેરબજારમાં પૈસા રોકવા અને જુગારમાં પૈસા લગાવવા એમાં શું ફરક છે? એ માટે ઑક્ટોબર ૮, ૨૦૦૦નું અવેક! પાન ૨૫-૨૭ જુઓ. આ મૅગેઝિન યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૧૨ પર બ્લર્બ]

ઈશ્વરભક્તો ઇમાનદારી અને મહેનતથી પૈસા કમાય છે

[પાન ૧૧ પર બોક્સ]

જીતવાની ખુશી

શું જુગાર રમવાથી એના બંધાણી બની શકાય? જુગારીઓ પર હાર-જીતની કેવી અસર થાય છે એ પર અભ્યાસ કરનાર ડૉ. હાન્સ બ્રેટરે કહ્યું: ‘કોકેન લેવાથી કોકેનના બંધાણીને જે નશો ચઢે, એવો જ નશો જુગારીને જીતવાથી ચઢે છે.’

[પાન ૧૧ પર ચિત્ર]

જુગારી કોના પૈસા જીતવાની આશા રાખે છે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો