વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૫/૧ પાન ૧૮-૨૨
  • તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • એદન બાગમાં ઉઠેલા સવાલો
  • અયૂબના દિવસમાં ઉઠેલો સવાલ
  • ઈસુનો સચોટ જવાબ
  • આપણો નિર્ણય
  • તમારે કેવા થવું જોઈએ એ વિચારો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • અયૂબે યહોવાહનું નામ મોટું મનાવ્યું
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • ઈશ્વરના માર્ગે ચાલો
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • અયૂબ—શ્રદ્ધા ને ધીરજનો દાખલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૫/૧ પાન ૧૮-૨૨

તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે?

‘તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’—ગીત. ૮૩:૧૮.

૧, ૨. તારણ મેળવવા શા માટે ફક્ત યહોવાહનું નામ જાણવું પૂરતું નથી?

કોઈએ તમને પહેલી વાર ગીતશાસ્ત્ર ૮૩:૧૮માંથી ઈશ્વરનું નામ બતાવ્યું ત્યારે તમને કેવું લાગ્યું? એ શબ્દો વાંચીને તમને નવાઈ લાગી હશે. એ કલમ કહે છે: ‘જેથી તેઓ જાણે કે તમારું નામ યહોવાહ છે, અને તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’ ત્યારથી કદાચ તમે પણ આ કલમનો ઉપયોગ કર્યો હશે. બીજાઓને પ્રેમાળ ઈશ્વર યહોવાહ વિષે જાણવા મદદ કરી હશે.—રૂમી ૧૦:૧૨, ૧૩.

૨ ખરું કે યહોવાહનું નામ જાણવું મહત્ત્વનું છે. પરંતુ એટલું જ પૂરતું નથી. નોંધ કરો કે ગીતશાસ્ત્રના એક લેખકે બીજી મહત્ત્વની વિગત જણાવી છે, જે આપણા તારણ માટે જરૂરી છે. એ વિગત છે, ‘તમે જ આખી પૃથ્વી પર પરાત્પર ઈશ્વર છો.’ સાચે જ યહોવાહ વિશ્વમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. સર્જનહાર તરીકે આપણી આધીનતા માંગવાનો તેમને પૂરો હક છે. (પ્રકટી. ૪:૧૧) તેથી ‘તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ કોણ છે?’ આ સવાલના જવાબમાં તમે શું કહેશો?

એદન બાગમાં ઉઠેલા સવાલો

૩, ૪. શેતાને કઈ રીતે હવાને છેતરી? એનું શું પરિણામ આવ્યું?

૩ એક દૂતે યહોવાહ સામે બળવો કર્યો એટલે તે શેતાન તરીકે ઓળખાયો. તેણે એદન બાગમાં એવો સવાલ ઉઠાવ્યો કે યહોવાહ સારી રીતે મનુષ્ય પર રાજ કરી શકતા નથી. પ્રથમ સ્ત્રી હવાને પોતાની ઇચ્છાને વધારે મહત્ત્વ આપવા શેતાને લલચાવી. પરિણામે હવાએ મના કરેલ ફળ ખાધું. (ઉત. ૨:૧૭; ૨ કોરીં. ૧૧:૩) આમ કરીને હવાએ વિશ્વના રાજા યહોવાહનું અપમાન કર્યું. તેણે યહોવાહને સૌથી મહત્ત્વની વ્યક્તિ તરીકે સ્વીકાર્યા નહિ. પણ સવાલ થાય કે શેતાને શું કહ્યું જેથી હવા છેતરાઈ ગઈ?

૪ હવા સાથે વાત કરતી વખતે શેતાને અમુક ચાલાકી વાપરી. (ઉત્પત્તિ ૩:૧-૫ વાંચો.) પહેલા તો, શેતાને યહોવાહના નામનો ઉપયોગ ન કર્યો. તેણે ફક્ત “દેવ” કહીને વાત શરૂ કરી. જ્યારે કે ઉત્પત્તિના લેખકે ત્રીજા અધ્યાયની પહેલી કલમમાં યહોવાહના નામનો ઉપયોગ કર્યો હતો. લેખક માટે એ નામ મહત્ત્વનું હતું. બીજી ચાલાકીમાં શેતાને “હુકમ” શબ્દનો ઉપયોગ કરવાને બદલે ઈશ્વરે “કહ્યું” છે એ રીતે વાત કરી. (ઉત. ૨:૧૬) આમ કરીને શેતાને ઈશ્વરની આજ્ઞાનું મહત્ત્વ ઘટાડવા કોશિશ કરી. ત્રીજીમાં ભલે તે ફક્ત હવા જોડે વાત કરતો હતો, પણ તેણે બહુવચનમાં “તમે” શબ્દનો ઉપયોગ કર્યો. આમ કહીને તે હવામાં ઘમંડ જગાડવા માગતો હતો, જાણે કે હવા તેના પતિના વતી બોલી શકે છે. પરિણામે હવાએ આદમને પૂછ્યા વગર જ સર્પને કહ્યું, “વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે.”

૫. (ક) શેતાને હવાનું ધ્યાન શાની પર દોર્યું? (ખ) મના કરેલું ફળ ખાઈને હવાએ શું સાબિત કર્યું?

૫ શેતાને અમુક હકીકતોને ખોટી રીતે રજૂ કરી. તે એવું કહેવા માગતો હતો કે ઈશ્વર અન્યાયી છે. અને આદમ-હવા પાસે એવી માંગણી કરે છે કે ‘વાડીના હરેક વૃક્ષનું ફળ તેઓ ન ખાય.’ ત્યાર બાદ હવાને પોતાના જીવનને વધારે સારું બનાવવા અને “દેવના જેવાં” બનવા ઉશ્કેરે છે. છેવટે શેતાન, હવાનું ધ્યાન ઈશ્વર સાથેના સંબંધને બદલે મના કરેલા ફળ પર દોરે છે. (ઉત્પત્તિ ૩:૬ વાંચો.) ઈશ્વરે હવાને બધું જ આપ્યું હતું, તો પણ દુઃખની વાત છે કે હવાએ મના કરેલ ફળ ખાધું. આમ તેણે સાબિત કર્યું કે યહોવાહ તેના જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ નથી.

અયૂબના દિવસમાં ઉઠેલો સવાલ

૬. અયૂબની શ્રદ્ધા પર શંકા ઉઠાવવા શેતાને શું કહ્યું? અયૂબને શું સાબિત કરવાનો મોકો મળ્યો?

૬ સદીઓ પછી અયૂબને એ સાબિત કરવાની તક મળી કે તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે. જ્યારે શેતાને અયૂબની શ્રદ્ધા પર શંકા ઉઠાવી ત્યારે યહોવાહે અયૂબનો પક્ષ લીધો. પરંતુ શેતાને તરત જ સવાલ ઉઠાવ્યો, “શું અયૂબ કારણ વગર ઈશ્વરની ભક્તિ કરે છે?” (અયૂબ ૧:૭-૧૦ વાંચો.) અહીંયા શેતાને એવું કહ્યું નહિ કે અયૂબ, ઈશ્વરની આજ્ઞા પાળતો નથી. પણ તેમના ઇરાદા પર સવાલ ઉઠાવ્યો હતો. તેણે તહોમત મૂક્યું કે અયૂબ પ્રેમના લીધે નહિ, પણ સ્વાર્થને લીધે યહોવાહની ભક્તિ કરે છે. ફક્ત અયૂબ જ એનો જવાબ આપી શકતા હતા. ચોક્કસ તેમને એ મોકો મળ્યો.

૭, ૮. અયૂબ પર કેવી સતાવણી આવી? વિશ્વાસમાં અડગ રહીને અયૂબે શું સાબિત કર્યું?

૭ યહોવાહે અયૂબ પર એક પછી એક આફતો લાવવાની શેતાનને પરવાનગી આપી. (અયૂ. ૧:૧૨-૧૯) એ આફતોમાં અયૂબ કઈ રીતે વર્ત્યા? બાઇબલ જણાવે છે, “અયૂબે પાપ કર્યું નહિ, અને દેવને દોષ દીધો નહિ.” (અયૂ. ૧:૨૨) જોકે શેતાન એટલેથી જ ચૂપ રહ્યો નહિ. તેણે ફરિયાદ કરી કે “ચામડીને બદલે ચામડી, હા, માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ” આપવા તૈયાર થશે.a (અયૂ. ૨:૪) શેતાને એવું તહોમત મૂક્યું કે જો ખુદ અયૂબ પર દુઃખ લાવવામાં આવે, તો તે યહોવાહને સૌથી મહત્ત્વની વ્યક્તિ નહિ ગણે.

૮ અયૂબને એવી ભયંકર બીમારી થઈ કે તે બદસૂરત બની ગયા. તેમની પત્નીએ પણ તેમને ઈશ્વરને શાપ દઈને મરી જવા કહ્યું. એ ઓછું હોય એમ ત્રણ ઢોંગી મિત્રોએ એવું તહોમત લગાવ્યું કે અયૂબે ખોટાં કામો કર્યા હશે. (અયૂ. ૨:૧૧-૧૩; ૮:૨-૬; ૨૨:૨, ૩) આટલું બધું સહન કર્યા છતાં અયૂબ વિશ્વાસમાં ડગ્યા નહિ. (અયૂબ ૨:૯, ૧૦ વાંચો.) અયૂબે સાબિત કર્યું કે તેમના મને યહોવાહ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. અયૂબે એ પણ બતાવ્યું કે આપણે શેતાનના તહોમતનો પોતાથી થઈ શકે એટલી હદે જવાબ આપી શકીએ છીએ.—વધુ માહિતી: નીતિવચનો ૨૭:૧૧.

ઈસુનો સચોટ જવાબ

૯. (ક) શેતાને ઈસુને લલચાવવા શું કર્યું? (ખ) લાલચનો સામનો કરવા ઈસુએ શું કર્યું?

૯ ઈસુના મને યહોવાહ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે. ઈસુએ બાપ્તિસ્મા લીધું એના થોડા સમય પછી શેતાને તેમને લલચાવવા પ્રયત્ન કર્યો. શેતાને એક પછી એક એમ ત્રણ લાલચો મૂકી. પહેલા તો તેણે ઈસુમાં સ્વાર્થી ઇચ્છા જગાડવા પથ્થરને રોટલી બનાવવાની લાલચ મૂકી. (માથ. ૪:૨, ૩) ઈસુએ ચાળીસ દિવસના ઉપવાસ કર્યા હતા, એટલે શેતાન તેમને ભૂખ સંતોષવા ચમત્કારિક શક્તિનો ઉપયોગ કરવા ઉશ્કેર્યા. ઈસુએ શું કર્યું? તે હવાની જેમ છેતરાય ના ગયા. તેમણે તરત જ શાસ્ત્ર ટાંકીને શેતાનની લાલચનો નકાર કર્યો.—માત્થી ૪:૪ વાંચો.

૧૦. શેતાને શા માટે ઈસુને મંદિરના બુરજ પરથી નીચે પડવાનો પડકાર ફેંક્યો?

૧૦ શેતાને ઈસુને સ્વાર્થી રીતે વર્તવા પણ લલચાવ્યા. તેણે ઈસુ સામે મંદિરના બુરજ પરથી નીચે પડવાનો પડકાર ફેંક્યો? (માથ. ૪:૫, ૬) અહીં શેતાન શું હાંસલ કરવા માગતો હતો? તે એવું કહેવા માગતો હતો કે ઈસુને કંઈ ઇજા ના થાય તો જ સાબિત થશે કે તે “દેવનો દીકરો” છે. શેતાન ઇચ્છતો હતો કે ઈસુ પોતા પર જ વધારે ધ્યાન આપે, અને પોતે કંઈક છે એ સાબિત કરવા કોઈ મોટું કામ કરે. શેતાનને ખબર હતી કે વ્યક્તિ પોતાનું અહમ સાચવવા અને બીજાઓ સામે નીચું જોવું ન પડે એ માટે કોઈ પણ જોખમ ઉઠાવવા તૈયાર થઈ શકે. આ લાલચમાં શેતાને ખોટી રીતે શાસ્ત્રોને લાગુ પાડ્યા. પણ ઈસુએ બતાવી આપ્યું કે તેમને શાસ્ત્રની પૂરી સમજણ છે. (માત્થી ૪:૭ વાંચો.) એ પડકારનો નકાર કરીને ઈસુએ ફરીથી સાબિત કર્યું કે તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે.

૧૧. શેતાને દુનિયાના બધા રાજ્યો આપવાની લાલચ મૂકી ત્યારે કેમ ઈસુએ એને ઠુકરાવી દીધી?

૧૧ શેતાન હવે છેલ્લો પ્રયત્ન કરે છે. તે ઈસુ સામે દુનિયાના બધા રાજ્યો આપી દેવાની લાલચ મૂકે છે. (માથ. ૪:૮, ૯) ઈસુ તરત જ એ લાલચને ઠુકરાવે છે. તેમને ખબર હતી કે એ સ્વીકારવાથી યહોવાહને વિશ્વના રાજા તરીકે નકારશે. (માત્થી ૪:૧૦ વાંચો.) ત્રણેવ લાલચમાં ઈસુએ શેતાનને જવાબ આપવા શાસ્ત્રની કલમો ટાંકી અને યહોવાહ પર ધ્યાન દોર્યું.

૧૨. મરણના થોડા સમય પહેલાં ઈસુએ કેવા કપરા સંજોગોનો સામનો કરવાનો હતો? તેમણે જે નિર્ણય લીધો એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૨ ઈસુને મરણના થોડા સમય પહેલાં એવો નિર્ણય લેવાનો હતો જે તેમના માટે બહુ કપરો હતો. સેવાકાર્ય દરમિયાન ઈસુએ બતાવી આપ્યું કે તે પોતાનું જીવન લોકો માટે આપી દેવા તૈયાર છે. (માથ. ૨૦:૧૭-૧૯, ૨૮; લુક ૧૨:૫૦; યોહા. ૧૬:૨૮) જોકે ઈસુ જાણતા હતા કે તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવશે. યહુદી ન્યાયસભામાં તેમને દોષિત ઠરાવવામાં આવશે અને ઈશ્વરની નિંદા કરનાર તરીકે મારી નાખવામાં આવશે. આવા મુશ્કેલ સંજોગોમાં મરવું તેમના માટે બહુ કપરું હતું. એટલે તેમણે પ્રાર્થનામાં કહ્યું, ‘ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’ (માથ. ૨૬:૩૯) સાચે જ ઈસુ મરણ સુધી યહોવાહને વફાદાર રહ્યા અને સાબિત કરી આપ્યું કે તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે.

આપણો નિર્ણય

૧૩. હવા, અયૂબ અને ઈસુના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?

૧૩ અત્યાર સુધી આપણે શું શીખ્યા? હવાના કિસ્સામાંથી જોવા મળે છે કે જેઓ સ્વાર્થી ઇચ્છાઓને કે પોતાને વધારે મહત્ત્વ આપે છે, તેઓના જીવનમાં યહોવાહ સૌથી મહત્ત્વની વ્યક્તિ નથી. એનાથી સાવ અલગ અયૂબ પાસેથી આપણે શું શીખ્યા? એ જ કે આપણે સતાવણીનો સામનો કરીને યહોવાહને જીવનમાં પ્રથમ મૂકી શકીએ છીએ. પછી ભલે એ સતાવણીનું કારણ ખબર ના હોય. (યાકૂ. ૫:૧૧) આપણને ઈસુના દાખલામાંથી શું શીખવા મળે છે? એ જ કે, લોકો અપમાન કરે તોપણ યહોવાહના ભક્તો તરીકે આપણે શરમાવું ના જોઈએ. પોતાની આબરૂને વધારે મહત્ત્વ આપવું ન જોઈએ. (હેબ્રી ૧૨:૨) આ બધું કઈ રીતે કરી શકીએ?

૧૪, ૧૫. લાલચ આવી ત્યારે ઈસુ કઈ રીતે હવાથી સાવ અલગ રીતે વર્ત્યા? ઈસુની જેમ આપણે શું કરવું જોઈએ? (પાન ૨૦ના ચિત્ર વિષે પણ જણાવો.)

૧૪ આપણે કદી પણ લાલચમાં ન પડીએ, જેથી યહોવાહને ભૂલી જઈએ. હવા સામે લાલચ આવી ત્યારે તેણે એની તરફ જ ધ્યાન આપ્યું. તેને “તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારૂં, ને જોવામાં સુંદર” લાગ્યું. (ઉત. ૩:૬) જ્યારે ઈસુ સામે ત્રણ લાલચો આવી ત્યારે તે સાવ અલગ રીતે વર્ત્યા. તેમણે લાલચ પર ધ્યાન આપવાને બદલે એનું શું પરિણામ આવશે એનો વિચાર કર્યો. તેમણે શાસ્ત્ર પર આધાર રાખ્યો અને હંમેશાં યહોવાહ તરફ ધ્યાન દોર્યું.

૧૫ યહોવાહની ઇચ્છા વિરુદ્ધ કંઈ કરવાની લાલચ આવે ત્યારે આપણે શું કરી શકીએ? જો આપણે લાલચ પર ધ્યાન આપીશું તો ખોટું કરવાની ઇચ્છા વધારે પ્રબળ થશે. (યાકૂ. ૧:૧૪, ૧૫) આપણે ખોટી ઇચ્છા દૂર કરવા તરત જ પગલાં લેવા જોઈએ, પછી ભલે એમ કરવા કોઈ મોટો ભોગ આપવો પડે. (માથ. ૫:૨૯, ૩૦) ઈસુની જેમ આપણે પહેલાં તો પરિણામનો વિચાર કરીએ. એ પણ ધ્યાન આપીએ કે આપણો નિર્ણય કઈ રીતે યહોવાહ સાથેના આપણા સંબંધને અસર કરશે. એ પસંદગી વિષે બાઇબલના સિદ્ધાંતો યાદ કરવા જોઈએ. આમ કરીને બતાવીએ છીએ કે આપણા જીવનમાં યહોવાહ સૌથી મહત્ત્વની વ્યક્તિ છે.

૧૬-૧૮. (ક) શાને લીધે કદાચ આપણે નિરાશ થઈ શકીએ? (ખ) કપરાં સંજોગોનો સામનો કરવા આપણને શું મદદ કરશે?

૧૬ કોઈ ખરાબ બનાવનો ભોગ બનીએ તો યહોવાહને દોષ ના આપીએ. (નીતિ. ૧૯:૩) આ દુષ્ટ જગતનો અંત નજીક આવે તેમ યહોવાહના લોકો પર વધારે મુસીબતો અને આફતો આવે છે. આપણે કોઈ ચમત્કારિક રક્ષણની આશા રાખતા નથી. જોકે પ્રિયજન ગુમાવીએ કે વ્યક્તિગત દુઃખ ભોગવવું પડે ત્યારે આપણે પણ અયૂબની જેમ નિરાશ થઈ શકીએ છીએ.

૧૭ અયૂબ સમજી શક્યા નહિ હોય કે શા માટે યહોવાહે અમુક બાબતો થવાની પરવાનગી આપી. એવી જ રીતે અમુક વાર આપણે સમજી શકતા નથી કે કેમ મુસીબતો આવે છે. કદાચ તમે સાંભળ્યું હશે કે હૈટીના ધરતીકંપમાં કે બીજી કોઈ કુદરતી આફતોમાં અમુક ભાઈ-બહેનોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. તમે એવા કોઈ ભાઈ કે બહેનને જાણતા હશો જેમણે અકસ્માતમાં કે હિંસામાં પોતાનું જીવન ગુમાવ્યું હોય. કદાચ તમારે પણ તણાવભર્યા સંજોગો કે અન્યાયનો સામનો કરવો પડ્યો હોય. આવું બધું થવાને લીધે કદાચ તમે પોકારી ઊઠ્યા હશો, ‘હે યહોવાહ તમે કેમ આવું થવા દીધું? મેં શું ખોટું કર્યું હતું?’ (હબા. ૧:૨, ૩) આવા કપરાં સંજોગોનો સામનો કરવા આપણને શું મદદ કરી શકે?

૧૮ એવું માની ન લેવું જોઈએ કે યહોવાહ આપણાથી નાખુશ છે, એટલે તકલીફો આવે છે. ઈસુના સમયમાં બે અકસ્માતો થયા ત્યારે તેમણે યહોવાહને દોષ આપ્યો નહિ. (લુક ૧૩:૧-૫ વાંચો.) હકીકતમાં તો ‘સમય અને સંજોગોને’ લીધે વ્યક્તિ આફતનો ભોગ બનતી હોય છે. (સભા. ૯:૧૧, કોમન લેંગ્વેજ) જો આપણે ‘સર્વ દિલાસાના ઈશ્વર’ પર આધાર રાખીશું, તો ગમે તે મુશ્કેલીનો સામનો કરી શકીશું. તે આપણને જોઈતી હિંમત પૂરી પાડશે, જેથી તેમના માર્ગ પર ચાલતા રહી શકીએ.—૨ કોરીં. ૧:૩-૬.

૧૯, ૨૦. શરમજનક સંજોગોનો સામનો કરવા ઈસુને ક્યાંથી મદદ મળી? એવા સંજોગોનો સામનો કરવા આપણને શું મદદ કરી શકે?

૧૯ કદી પણ પોતાની આબરૂને વધારે મહત્ત્વ ન આપીએ, કે શરમનો ડર ન રાખીએ. નમ્રતાને લીધે ઈસુએ ‘દાસનું રૂપ ધારણ કર્યું.’ (ફિલિ. ૨:૫-૮) યહોવાહ પર ભરોસો રાખવાથી તે શરમજનક સંજોગોનો સામનો કરી શક્યા. (૧ પીત. ૨:૨૩, ૨૪) તેમણે યહોવાહની ઇચ્છાને જીવનમાં પ્રથમ રાખી, એટલે સ્વર્ગમાં તેમને વધારે મોટી પદવી મળી. (ફિલિ. ૨:૯) ઈસુએ તેમના શિષ્યોને પણ એવું જ જીવન જીવવા ઉત્તેજન આપ્યું.—માથ. ૨૩:૧૧, ૧૨; લુક ૯:૨૬.

૨૦ વિશ્વાસની કસોટી થાય ત્યારે અમુક વખતે આપણને શરમ લાગી શકે. એવા સંજોગોમાં આપણે પાઊલ જેવો ભરોસો રાખવો જોઈએ. તેમણે કહ્યું, ‘હું એ દુઃખો સહન કરૂં છું, તોપણ હું શરમાતો નથી; કેમ કે જેના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને તેમનામાં ભરોસો છે.’—૨ તીમો. ૧:૧૨.

૨૧. દુનિયામાં ભલે લોકો સ્વાર્થી હોય પણ તમે શું કરશો?

૨૧ બાઇબલ જણાવે છે કે અંતના સમયમાં “માણસો સ્વાર્થી” હશે. (૨ તીમો. ૩:૨) એટલે ચારેય બાજુ એવા લોકો છે, જેઓ યહોવાહને બદલે પોતાને વધારે મહત્ત્વ આપે છે. આપણે કદી સ્વાર્થી ન બનીએ. ભલે આપણા પર આફતો કે લાલચો આવે વિશ્વાસમાં અડગ રહીએ. લોકો આપણને શરમાવવા કોશિશ કરે કે બીજું ગમે તે થાય, ચાલો આપણે યહોવાહને જીવનમાં સૌથી મહત્ત્વની વ્યક્તિ ગણીએ! (w11-E 05/15)

ફુટનોટ]

a અમુક બાઇબલ નિષ્ણાતોનું માનવું છે કે શેતાને જ્યારે કહ્યું કે “ચામડીને બદલે ચામડી,” ત્યારે તે કહેવા માગતો હતો કે અયૂબ સ્વાર્થી છે. તે પોતાની ચામડીને બદલે બાળકો અને પ્રાણીઓની ચામડી એટલે કે તેઓનો જીવ આપવા તૈયાર થશે. બીજા અમુક નિષ્ણાત ધારે છે કે શેતાનના શબ્દોનો અર્થ એ થાય કે વ્યક્તિ પોતાનો જીવ બચાવવા શરીરનો થોડોક ભાગ જતો કરવા તૈયાર થશે. દાખલા તરીકે વ્યક્તિ માથામાં ન વાગે એટલે પોતાનો હાથ ધરી દેશે. આમ તે માથાની ચામડી બચાવવા હાથની ચામડીનો ભોગ આપવા તૈયાર થશે. નિષ્ણાતોનો અંદાજ ગમે તે હોય, પણ શેતાનનું કહેવું હતું કે અયૂબ પોતાનો જીવ બચાવવા ગમે તે કરશે.

તમે શું શીખ્યા?

• શેતાને જે રીતે હવાને લલચાવી એમાંથી શું શીખી શકીએ?

• અયૂબે સતાવણીનો સામનો કર્યો, એમાંથી શું શીખી શકીએ?

• ઈસુએ શાના પર વધારે ધ્યાન આપ્યું? એમાંથી આપણે શું શીખી શકીએ?

[પાન ૧૯ પર ચિત્ર]

યહોવાહ સાથેના સંબંધને જાળવી રાખવામાં હવા નિષ્ફળ ગઈ

[પાન ૨૦ પર ચિત્ર]

શેતાનની લાલચોનો નકાર કરીને ઈસુએ યહોવાહની ઇચ્છા પર વધારે ધ્યાન આપ્યું

[પાન ૨૨ પર ચિત્રો]

ધરતીકંપ થયા પછી હૈટીમાં પ્રચાર કામ

મુશ્કેલ સંજોગોમાં આપણે ‘સર્વ દિલાસાના ઈશ્વર’ પર આધાર રાખીએ

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો