‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવાહ પર ભરોસો રાખો
‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ.’—૨ કોરીં. ૧:૩.
૧. ભલે ગમે એ ઉંમરની હોય, દરેક વ્યક્તિને શાની જરૂર પડે છે?
જન્મથી જ આપણને સંભાળની જરૂર પડે છે. ઉંવા-ઉંવા કરીને નાનું બાળક આપણને જણાવે છે કે એને સંભાળની જરૂર છે. કદાચ બાળક ભૂખ્યું થયું હોય અથવા ઇચ્છતું હોય કે કોઈ એને ઊંચકે. આપણે મોટા થઈએ ત્યારે પણ ઘણી વાર સંભાળ કે દિલાસાની જરૂર અનુભવીએ છીએ. ખાસ કરીને મુશ્કેલ સંજોગોમાં હોઈએ ત્યારે એની વધારે જરૂર પડે છે.
૨. યહોવાહ પર ભરોસો મૂકે છે તેઓને તે કેવી ખાતરી આપે છે?
૨ કુટુંબ અને મિત્રો ઘણી વાર આપણને દિલાસો આપે છે. પરંતુ, બધી મુશ્કેલીઓમાં એનાથી આપણું દુઃખ હળવું થતું નથી. અમુક સંજોગોમાં ફક્ત ઈશ્વર જ આપણને દિલાસો આપી શકે છે. તેમના શબ્દો ખાતરી આપે છે: “જેઓ તેને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવાહ છે. તે તેઓનો પોકાર પણ સાંભળશે.” (ગીત. ૧૪૫:૧૮, ૧૯) હા, “ન્યાયીઓ પર યહોવાહની કૃપાદૃષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે.” (ગીત. ૩૪:૧૫) ઈશ્વર તરફથી દિલાસો અને મદદ મેળવવા આપણે તેમના પર પૂરો ભરોસો મૂકવાની જરૂર છે. ગીતકર્તા દાઊદે એના વિષે કહ્યું કે, “યહોવાહ દુઃખીઓને કિલ્લારૂપ થશે, તે સંકટસમયે ગઢ થશે. તારૂં નામ જાણનારા તારા પર ભરોસો રાખશે; કેમ કે, હે યહોવાહ, તેં તારા શોધનારને તજ્યા નથી.”—ગીત. ૯:૯, ૧૦.
૩. યહોવાહ પોતાના લોકને ખૂબ ચાહે છે એ સમજાવવા ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?
૩ યહોવાહની નજરમાં પોતાના ભક્તો ઘણા અનમોલ છે. ઈસુએ પણ આ હકીકત પર ભાર મૂકતા કહ્યું, ‘શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તોપણ ઈશ્વરની દૃષ્ટિમાં તેઓમાંની એકે ભૂલાયેલી નથી. પરંતુ તમારા માથાના વાળ પણ સઘળા ગણાયેલા છે. બીહો મા, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.’ (લુક ૧૨:૬, ૭) યહોવાહે ઈશ્વરભક્ત યિર્મેયાહ દ્વારા એ જમાનાની પોતાની પ્રજાને કહ્યું હતું, “મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે; તે માટે મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેંચી છે.”—યિર્મે. ૩૧:૩.
૪. આપણે શા માટે યહોવાહના વચનો પર ભરોસો રાખવો જોઈએ?
૪ મુશ્કેલીના સમયે દિલાસો મેળવવા આપણે યહોવાહ પર ભરોસો રાખવો જોઈએ. તેમના વચનો જરૂર પૂરા થશે એવો વિશ્વાસ રાખવો જોઈએ. યહોશુઆએ ઈશ્વર વિષે કહ્યું હતું, ‘જે સારાં વચનો તમારા ઈશ્વર યહોવાહે તમારા વિષે કહ્યાં તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી; તે સર્વ તમારા વિષે પૂરા થયાં છે, તેમાંનું એકે નિષ્ફળ ગયું નથી.’ (યહો. ૨૩:૧૪) ખરું કે હાલમાં આપણે કોઈ વાર મુશ્કેલીઓને લીધે ઘણું સહન કરવું પડે છે. પરંતુ આપણે ખાતરી રાખી શકીએ કે ‘ઈશ્વર વિશ્વાસુ છે’ અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને કદી તરછોડી નહિ દે.—૧ કોરીંથી ૧૦:૧૩ વાંચો.
૫. બીજાઓને કેવી રીતે દિલાસો આપી શકીએ?
૫ પ્રેરિત પાઊલે યહોવાહને ‘સર્વ દિલાસાના ઈશ્વર’ કહ્યા. ‘દિલાસો આપવો’ એટલે કોઈ મુશ્કેલીમાં હોય કે શોકમાં ડૂબેલું હોય ત્યારે સાંત્વના આપવી, કોઈને દુઃખમાં રાહત આપવી. યહોવાહ એમ જ કરે છે. (૨ કોરીંથી ૧:૩, ૪ વાંચો.) આપણા ઈશ્વર યહોવાહને કશાયની ખોટ નથી. એટલે જેઓ તેમની પૂરા દિલથી ભક્તિ કરે છે તેઓને દિલાસો આપવા યહોવાહ ગમે તે કરી શકે છે. આપણે પણ સાથી ભાઈ-બહેનોને “સર્વ વિપત્તિમાં” દિલાસો આપવો જોઈએ. આપણને ‘ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે’ એની મદદથી આપણે બીજાઓને પણ દિલાસો આપી શકીએ છીએ. ખરેખર, યહોવાહ કરતાં વધારે સારી રીતે કોઈ દિલાસો આપી જ ન શકે!
શાના લીધે દુ:ખો આવે છે?
૬. કેવી બાબતો આપણને દુ:ખી કરી શકે?
૬ જીવનમાં અનેક વાર આપણને દિલાસાની જરૂર પડે છે. ખાસ કરીને લગ્નસાથી કે બાળક જેવું કોઈ પ્રિયજન ગુજરી જાય ત્યારે સૌથી વધારે દિલાસાની જરૂર પડે છે. કેટલીક વાર ભેદભાવ કે અન્યાયનો ભોગ બન્યાને લીધે વ્યક્તિને દિલાસાની જરૂર પડે છે. તબિયત સારી ન રહે, વધતી જતી ઉંમર, ગરીબી, લગ્નજીવનમાં તકલીફો કે દુનિયામાં બનતી દુઃખદ ઘટનાઓને લીધે આપણને દિલાસાની જરૂર પડી શકે.
૭. (ક) મુશ્કેલ સમયમાં કેવા દિલાસાની જરૂર પડે છે? (ખ) ‘તૂટેલા અને કચડાયેલા’ હૃદયવાળાને યહોવાહ કેવી રીતે દિલાસો આપે છે?
૭ કપરા સમયમાં આપણને ઘણી રીતોએ દુઃખ પહોંચે છે. જેમ કે, આપણું હૃદય, મન, લાગણીઓ, તબિયત અને આપણી શ્રદ્ધા પર એની અસર પડી શકે. એવા સમયે દિલાસાની જરૂર પડે છે. આપણા હૃદયનો વિચાર કરો. બાઇબલ જણાવે છે કે આપણું હૃદય કોઈ વાર ‘તૂટી શકે.’ અરે, ‘કચડાઈ’ પણ શકે. (ગીત. ૫૧:૧૭, NW) યહોવાહ ચોક્કસ એવા સંજોગોમાં મદદ કરી શકે છે. તે “હૃદયભંગ થએલાંને સાજાં કરે છે; તે તેઓના ઘાને રૂઝવે છે.” (ગીત. ૧૪૭:૩) અરે, અતિ મુશ્કેલ સંજોગોમાં પણ યહોવાહ આપણા હૃદયનું દુઃખ હળવું કરીને દિલાસો આપી શકે છે. પણ એ માટે આપણે પૂરી શ્રદ્ધાથી તેમને પ્રાર્થના કરવી જોઈએ અને તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ.—૧ યોહાન ૩:૧૯-૨૨; ૫:૧૪, ૧૫ વાંચો.
૮. આપણા મનને દિલાસાની જરૂર હોય ત્યારે યહોવાહ કેવી રીતે મદદ કરે છે?
૮ જીવનમાં આવતી અલગ અલગ તકલીફોમાં આપણે કોઈ વાર માનસિક રીતે દુઃખી થઈ જઈએ છીએ. એવા સમયે આપણા મનને દિલાસાની જરૂર પડે છે. શ્રદ્ધાને ડગાવી નાખતી આવી તકલીફોમાં આપણને ઈશ્વરની મદદની જરૂર છે. ગીતકર્તા જણાવે છે કે, ‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તમારા દિલાસાઓ મને ખુશ કરે છે.’ (ગીત. ૯૪:૧૯) પાઊલે પણ લખ્યું કે, ‘કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.’ (ફિલિ. ૪:૬, ૭) આપણા મનને દિલાસાની જરૂર હોય ત્યારે બાઇબલ વાંચવું જોઈએ અને તેના પર મનન કરવું જોઈએ. એનાથી પુષ્કળ દિલાસો મળશે.—૨ તીમો. ૩:૧૫-૧૭.
૯. ખોટી લાગણીઓ ઊભી થાય ત્યારે આપણને શું મદદ કરી શકે?
૯ કેટલીક વાર આપણે એટલા નિરાશ થઈ જઈએ કે ખોટી લાગણીઓ પણ ઊભી થઈ શકે. આપણને લાગે કે ‘મારાથી યહોવાહની ઇચ્છા મુજબ નહિ થાય.’ કે પછી ‘મંડળની જવાબદારી ઉપાડી નહિ શકાય.’ આવા કિસ્સામાં પણ યહોવાહ આપણને દિલાસો અને મદદ આપે છે. એ સમજવા માટે યહોશુઆનો વિચાર કરો. યહોવાહે તેમને બળવાન દેશો સામે ઈસ્રાએલ પ્રજાને લઈ જવા કહ્યું હતું. ત્યારે મુસાએ લોકોને જણાવ્યું, ‘બળવાન તથા હિંમતવાન થાઓ, ડરો નહિ, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમ કે જે તમારી સાથે જાય છે તે તો યહોવાહ તમારો ઈશ્વર છે; તમને તે છોડી દેશે નહિ ને તજી દેશે નહિ.’ (પુન. ૩૧:૬) યહોવાહની મદદથી યહોશુઆ ઈસ્રાએલ પ્રજાને વચનના દેશમાં લઈ ગયા અને દુશ્મન દેશો પર જીત મેળવી. મુસાને પણ લાલ સમુદ્ર પાસે ઈશ્વર તરફથી એવી જ મદદ મળી હતી.—નિર્ગ. ૧૪:૧૩, ૧૪, ૨૯-૩૧.
૧૦. જો ખરાબ સંજોગોની આપણા શરીર પર બૂરી અસર થતી હોય, તો આપણને શું મદદ કરી શકે?
૧૦ ખરાબ સંજોગોની અસર આપણા શરીર પર થઈ શકે. એ ખરું છે કે પૂરતો ખોરાક અને આરામ લેવાથી, કસરતથી તેમ જ સ્વચ્છતા રાખવાથી આપણને લાભ થાય છે. એ ઉપરાંત, જો બાઇબલમાં જણાવેલી ભવિષ્યની સુંદર આશા વિષે વિચારીશું, તો એની આપણી તબિયત પર સારી અસર પડશે. પાઊલનો વિચાર કરો. તે ઘણા મુશ્કેલ સંજોગોમાંથી પસાર થયા હતા. આપણે મુશ્કેલીઓ કે પરીક્ષણને લીધે હેરાન થતા હોઈએ ત્યારે, તેમના શબ્દો યાદ રાખવાથી ઘણું ઉત્તેજન મળે છે. તેમણે કહ્યું હતું: “ચોતરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગએલા નથી; ગૂંચવાયા છતાં નિરાશ થએલા નથી; સતાવણી પામ્યા છતાં તજાએલા નથી; નીચે પટકાએલા છતાં નાશ પામેલા નથી.”—૨ કોરીં. ૪:૮, ૯.
૧૧. જો આપણી શ્રદ્ધા નબળી પડતી હોય તો શું કરવું જોઈએ?
૧૧ કોઈ વાર એવી કસોટીઓ આવે છે, જેનાથી આપણી શ્રદ્ધા નબળી પડી જઈ શકે. આવા સમયે પણ યહોવાહ આપણને સથવારો આપે છે. બાઇબલ આપણને ખાતરી આપે છે: “સર્વ પડતા માણસોને યહોવાહ આધાર આપે છે, અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.” (ગીત. ૧૪૫:૧૪) જો આપણને લાગે કે મારી શ્રદ્ધા નબળી પડતી જાય છે, તો મંડળના વડીલોની મદદ લેવી જોઈએ. (યાકૂ. ૫:૧૪, ૧૫) બાઇબલમાં આપેલી અનંતજીવનની આશાને પણ હંમેશા યાદ રાખીએ. એનાથી કસોટીઓમાં ટકી રહેવા મદદ મળશે.—યોહા. ૧૭:૩.
ઈશ્વરે દિલાસો આપ્યો હોય એવા દાખલા
૧૨. યહોવાહે ઈબ્રાહીમને કેવી રીતે દિલાસો આપ્યો?
૧૨ ગીતકર્તાએ ઈશ્વર પ્રેરણાથી કહ્યું હતું: “તારા જે વચનથી મને આશા ઉપજી છે, તે વચન તારા સેવકને સારૂ સંભાર. મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે, તારા વચને મને જીવાડ્યો છે.” (ગીત. ૧૧૯:૪૯, ૫૦) આજે આપણી પાસે યહોવાહના વચનો, એટલે કે બાઇબલ છે. એમાં યહોવાહે દિલાસો આપ્યો હોય એવા ઘણા દાખલા છે. જેમ કે, યહોવાહ સદોમ અને ગમોરાહનો નાશ કરવાના છે એ જાણીને ઈબ્રાહીમ ઘણા આકુળ-વ્યાકુળ થઈ ગયા હતા. આ વિશ્વાસુ ભક્તે યહોવાહને પૂછ્યું કે “શું તું દુષ્ટોની સાથે ન્યાયીઓનો પણ નાશ કરશે?” યહોવાહે ઈબ્રાહીમને દિલાસો આપતા કહ્યું કે સદોમમાં ફક્ત પચાસ ન્યાયી લોકો હશે, તો એનો નાશ નહિ કરે. છતાં પણ, ઈબ્રાહીમે પાંચ વખત યહોવાહને પૂછ્યું કે જો ૪૫ ન્યાયી લોકો હોય તો? ૪૦? ૩૦? ૨૦? ૧૦? દરેક વખતે યહોવાહે ખૂબ ધીરજ અને પ્રેમથી ઈબ્રાહીમને ખાતરી આપી કે જો એમ હશે તો તે સદોમનો નાશ નહિ કરે. એ શહેરોમાં દસ લોકો પણ ન્યાયી ન હતા! એટલે યહોવાહે એ શહેરોનો નાશ કર્યો, પણ લોત અને તેમની દીકરીઓને બચાવી લીધા.—ઉત. ૧૮:૨૨-૩૨; ૧૯:૧૫, ૧૬, ૨૬.
૧૩. હાન્નાહે કેવી રીતે બતાવી આપ્યું કે તેને યહોવાહ પર પૂરો ભરોસો છે?
૧૩ એલ્કાનાહની પત્ની હાન્નાહને બાળકની ઘણી ઇચ્છા હતી. પણ બાળકો થતા ન હોવાથી તે ઘણી દુઃખી હતી. તેણે યહોવાહને એ વિષે ઘણી પ્રાર્થના કરી અને પ્રમુખયાજક એલીએ તેને કહ્યું: ‘તેં ઈસ્રાએલના ઈશ્વરની આગળ જે વિનંતી કરી છે, એને તે પૂરી કરો.’ એનાથી હાન્નાહને દિલાસો મળ્યો અને “ત્યાર પછી તેનું મુખ ઉદાસ રહ્યું નહિ.” (૧ શમૂ. ૧:૮, ૧૭, ૧૮) હાન્નાહે યહોવાહ પર ભરોસો મૂક્યો અને પૂરી ખાતરીથી બાબત તેમના પર છોડી દીધી. તેને ખબર ન હતી કે એનું શું પરિણામ આવશે તોપણ તેના મનને શાંતિ મળી. સમય જતાં, યહોવાહે તેની પ્રાર્થનાનો જવાબ આપ્યો. તે ગર્ભવતી થઈ અને તેને પુત્ર થયો. તેનું નામ શમૂએલ પાડવામાં આવ્યું.—૧ શમૂ. ૧:૨૦.
૧૪. દાઊદને કેમ દિલાસાની જરૂર હતી, અને એ માટે તેમણે ક્યાં મીટ માંડી?
૧૪ ઈશ્વર તરફથી દિલાસાનું બીજું એક ઉદાહરણ છે, પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદ. યહોવાહ “હૃદય તરફ જુએ છે.” દાઊદ જે ખરું છે એ જ કરવા માંગતા હતા અને યહોવાહ માટે તેમને ઊંડો ભક્તિભાવ હતો. એટલે જ યહોવાહે તેમને ઈસ્રાએલના રાજા બનવા પસંદ કર્યાં. (૧ શમૂ. ૧૬:૭; ૨ શમૂ. ૫:૧૦) પરંતુ, સમય જતાં દાઊદે બાથ-શેબા સાથે વ્યભિચાર કર્યો અને પોતાનું પાપ છૂપાવવા તેના પતિને મારી નાખ્યો. પોતાના આ ઘોર અપરાધ વિષે જ્યારે દાઊદની આંખો ખુલી ત્યારે તેમણે યહોવાહને પ્રાર્થના કરી: ‘તમારી પુષ્કળ રહેમ પ્રમાણે મારાં અપરાધોને ભૂંસી નાખો. મારા અન્યાયથી મને પૂરેપૂરો ધૂઓ, અને મારા પાપથી મને શુદ્ધ કરો. કેમ કે મારાં અપરાધો હું જાણું છું, અને મારું પાપ સતત મારી આગળ છે.’ (ગીત. ૫૧:૧-૩) દાઊદને ખરેખર દિલથી પસ્તાવો થતો હતો એટલે યહોવાહે તેમને માફ કર્યા. પરંતુ દાઊદે પોતાની ભૂલનું પરિણામ તો ભોગવવું જ પડ્યું. (૨ શમૂ. ૧૨:૯-૧૨) પણ યહોવાહની દયાને લીધે તેમને ખૂબ દિલાસો મળ્યો.
૧૫. ઈસુના મરણ પહેલાં યહોવાહે તેમને કઈ મદદ પૂરી પાડી?
૧૫ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમણે ઘણી મુશ્કેલીઓ સહી હતી. યહોવાહે એ મુશ્કેલીઓને ચાલવા દીધી હતી તોપણ ઈસુએ તેમનો સાથ છોડ્યો નહિ. ઈસુ સંપૂર્ણ હતા અને તેમણે હંમેશા યહોવાહ પર ભરોસો રાખ્યો. બધી વાતે તેમનું કહ્યું માન્યું. ગમે એવા સંજોગોમાં તે વિશ્વના માલિક યહોવાહને વળગી રહ્યા. ઈસુને દગો દેવામાં આવ્યો અને મારી નાખવામાં આવ્યા એ પહેલાં તેમણે યહોવાહને પ્રાર્થના કરી કે, “મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તારી ઇચ્છા પ્રમાણે થાઓ.” એ પછી એક દૂતે આવીને ઈસુને હિંમત આપી. (લુક ૨૨:૪૨, ૪૩) આમ, ઈશ્વરે એ કપરા સમયે ઈસુને દિલાસો, હિંમત અને મદદ આપી.
૧૬. આપણી શ્રદ્ધાને લીધે જીવ જોખમમાં આવી જાય તો યહોવાહ કેવી મદદ કરશે?
૧૬ કોઈ વાર પોતાની શ્રદ્ધાને લીધે આપણો જીવ જોખમમાં મૂકાઈ શકે. એ વખતે પણ યહોવાહ આપણી શ્રદ્ધા ટકાવી રાખવા મદદ કરશે. એ ઉપરાંત, સજીવન થવાની આશાથી પણ આપણને ઘણો દિલાસો મળે છે. આપણે એ દિવસની કેટલી આતુરતાથી રાહ જોઈએ છીએ જ્યારે છેલ્લો શત્રુ મરણ “નાશ પામશે.” (૧ કોરીં. ૧૫:૨૬) ગુજરી ગયેલા પોતાના વિશ્વાસુ ભક્તોને અને બીજાઓને યહોવાહ જરૂર યાદ રાખે છે અને તેઓને સજીવન કરશે. (યોહા. ૫:૨૮, ૨૯; પ્રે.કૃ. ૨૪:૧૫) તેમણે સજીવન કરવાનું જે વચન આપ્યું છે એમાં પૂરો ભરોસો રાખવાથી કેવી મદદ મળશે? સતાવણી દરમિયાન આપણને દિલાસો મળશે અને આપણી આશા મજબૂત રહેશે.
૧૭. આપણું પ્રિયજન ગુજરી જાય ત્યારે યહોવાહ કેવી રીતે દિલાસો આપે છે?
૧૭ આપણા ગુજરી ગયેલા પ્રિયજનોને નવી દુનિયામાં સજીવન કરવામાં આવશે એ જાણીને કેટલો દિલાસો મળે છે! એ નવી દુનિયામાં આજના જેવી કોઈ પણ તકલીફો નહિ હોય. યહોવાહના ભક્તોના ‘મોટા ટોળાં’ પાસે દુષ્ટ દુનિયાના નાશમાંથી બચીને નવી દુનિયામાં જવાનો અનેરો લહાવો રહેલો છે. ત્યાં તેઓ સજીવન થયેલા લોકોને આવકારશે અને શીખવશે!—પ્રકટી. ૭:૯, ૧૦.
આપણે ઈશ્વરના અનંત બાહુઓમાં છીએ
૧૮, ૧૯. સતાવણીમાં પણ યહોવાહે તેમના ભક્તોને કેવી રીતે દિલાસો આપ્યો છે?
૧૮ મુસાએ ઉત્તેજન અને દિલાસો આપતા શબ્દોમાં ઈસ્રાએલ લોકોને ખાતરી આપી: ‘સનાતન ઈશ્વર તમારું રહેઠાણ છે, અને તમારી નીચે તેમના અનંત બાહુ છે.’ (પુન. ૩૩:૨૭) ઈશ્વરભક્ત શમૂએલે પછી ઈસ્રાએલી લોકોને જણાવ્યું કે, ‘યહોવાહને અનુસરવાથી આડાઅવળા ફરી ન જતા, પણ તમારા પૂરા હૃદયથી યહોવાહની સેવા કરો, યહોવાહ પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ.’ (૧ શમૂ. ૧૨:૨૦-૨૨) જ્યાં સુધી આપણે સાચા દિલથી યહોવાહને ભજતા રહીશું ત્યાં સુધી તે આપણને છોડી નહિ દે. તે હંમેશા આપણને જરૂરી મદદ પૂરી પાડશે.
૧૯ આ છેલ્લા દિવસોના કપરા સમયમાં ઈશ્વર પોતાના ભક્તોને મદદ અને દિલાસો આપી રહ્યા છે. છેલ્લા સોએક વર્ષમાં દુનિયા ફરતે હજારો ભાઈ-બહેનોની સતાવણી થઈ છે અને ઘણાને તો જેલમાં નાખવામાં આવ્યા છે. શા માટે? કેમ કે તેઓ યહોવાહને ભજે છે. તેઓનો અનુભવ બતાવે છે કે સતાવણીમાં પણ યહોવાહ પોતાના ભક્તોને દિલાસો પૂરો પાડે છે. દાખલા તરીકે, અગાઉના સોવિયત યુનિયનમાં આપણા એક ભાઈને તેમની શ્રદ્ધાને લીધે ૨૩ વર્ષની જેલની સજા થઈ. જેલમાં પણ તેમને કોઈ રીતે બાઇબલ સાહિત્ય મળતું રહેતું, જેનાથી તેમની શ્રદ્ધા અડગ રહી. એનાથી તેમને ઘણો દિલાસો મળ્યો. એ ભાઈ કહે છે: ‘એ બધા વર્ષો દરમિયાન, હું યહોવાહ પર પૂરો ભરોસો રાખતા શીખ્યો અને તેમણે મને અડગ રહેવા ઘણી મદદ કરી.’—૧ પીતર ૫:૬, ૭ વાંચો.
૨૦. આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે યહોવાહ આપણને તજી નહિ દે?
૨૦ ભવિષ્યમાં ભલે આપણા પર ગમે એવી કસોટી આવે, આપણે ગીતકર્તાના આ દિલાસાજનક શબ્દો ભૂલવા ન જોઈએ: “યહોવાહ પોતાના લોકને તજશે નહિ.” (ગીત. ૯૪:૧૪) ખરું કે આપણને પોતાને દિલાસાની જરૂર પડતી હોય છે. તેમ છતાં, આપણી પાસે મોટો લહાવો છે કે બીજાઓને પણ દિલાસો પૂરો પાડીએ. હવે પછીના લેખમાં જોઈશું કે દુષ્ટ દુનિયામાં આપણે શોકમાં ડૂબેલા કે દુઃખી લોકોને કઈ રીતે દિલાસો આપી શકીએ. (w11-E 10/15)
તમે કેવી રીતે જવાબ આપશો?
• શાને લીધે આપણા પર દુઃખો આવે છે?
• યહોવાહ પોતાના ભક્તોને કેવી રીતે દિલાસો આપે છે?
• જીવનું જોખમ હોય ત્યારે આપણને શેનાથી દિલાસો મળી શકે?
[પાન ૨૫ પર બોક્સ/ચિત્રો]
નીચેની બાબતોને અસર કરી શકે એવી તકલીફોને કેવી રીતે પહોંચી વળશો
▪ હૃદય: ગીત. ૧૪૭:૩; ૧ યોહા. ૩:૧૯-૨૨; ૫:૧૪, ૧૫
▪ મન: ગીત. ૯૪:૧૯; ફિલિ. ૪:૬, ૭
▪ લાગણીઓ: નિર્ગ. ૧૪:૧૩, ૧૪; પુન. ૩૧:૬
▪ તબિયત: ૨ કોરીં. ૪:૮, ૯
▪ ઈશ્વરમાં શ્રદ્ધા: ગીત. ૧૪૫:૧૪; યાકૂ. ૫:૧૪, ૧૫