વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૧૧/૧ પાન ૧૦-૧૪
  • ‘પોતાની જ સમજણ પર આધાર ન રાખ’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘પોતાની જ સમજણ પર આધાર ન રાખ’
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલ સંજોગોમાં હોઈએ ત્યારે
  • નિર્ણય લેતી વખતે
  • લાલચનો સામનો કરતી વખતે
  • માનવ નબળાઈઓ પર વિજય મેળવવો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • એક રાજાના વિશ્વાસની જીત
    યશાયાહની ભવિષ્યવાણી—સર્વ માટે પ્રકાશ ૧
  • વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • પ્રાર્થના કરતા રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૧૧/૧ પાન ૧૦-૧૪

‘પોતાની જ સમજણ પર આધાર ન રાખ’

“તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.”—નીતિ. ૩:૫.

૧, ૨. (ક) આપણી સામે કેવા સંજોગો ઊભા થઈ શકે? (ખ) તમે મુશ્કેલ સંજોગોમાં હોવ, મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય કે પછી લાલચનો સામનો કરવાનો હોય ત્યારે કોના પર આધાર રાખો છો? શા માટે?

દરેકના જીવનમાં ક્યારેક તો મુશ્કેલ સંજોગો ઊભા થતા હોય છે. જેમ કે, સિન્થિયાનોa વિચાર કરો. તેના માલિકે પોતાની અડધી કંપની બંધ કરી નાખી અને ઘણા કર્મચારીઓને છૂટા કરી દીધા. સિન્થિયાને લાગ્યું કે હવે તેનો વારો છે. જો તેની નોકરી છૂટી જાય, તો તે શું કરશે? ઘરના બધા બીલ કેવી રીતે ભરશે? હવે પામેલા નામની બહેનનો વિચાર કરો. તેમને બાઇબલનો સંદેશો ફેલાવવાની વધારે જરૂર છે ત્યાં જવું છે. પણ શું તેમણે એ જગ્યાએ જવું જોઈએ? સેમ્યુલ નામના એક યુવાનનો વિચાર કરો. તેને અલગ જ જાતની ચિંતા છે. તે નાનો હતો ત્યારે અશ્લીલ દૃશ્ય જોતો હતો. હાલમાં તે આશરે પચ્ચીસેક વર્ષનો છે. તેને ફરીથી એ કુટેવ તરફ પાછા જવાની સખત લાલચ થાય છે. તે કઈ રીતે આ લાલચનો સામનો કરી શકે?

૨ જ્યારે તમે મુશ્કેલ સંજોગમાં હોવ, મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય કે પછી લાલચનો સામનો કરવાનો હોય ત્યારે કોના પર આધાર રાખો છો? શું તમે ફક્ત પોતા પર ભરોસો રાખો છો, કે પછી ‘તમારો બોજો યહોવાહ પર નાખો’ છો? (ગીત. ૫૫:૨૨) બાઇબલ જણાવે છે કે ‘ન્યાયીઓ પર યહોવાહની કૃપા છે, તેઓની અરજ પ્રત્યે તેમના કાન ઉઘાડા છે.’ (ગીત. ૩૪:૧૫) તેથી એ કેટલું જરૂરી છે કે પોતાની સમજણ પર નહિ, પણ પૂરા દિલથી યહોવાહ પર આધાર રાખીએ.—નીતિ. ૩:૫.

૩. (ક) યહોવાહ પર ભરોસો રાખવાનો અર્થ શું થાય? (ખ) શા માટે અમુક લોકોને બીજાઓમાં ભરોસો મૂકવો અઘરું લાગે છે?

૩ પૂરા દિલથી યહોવાહ પર ભરોસો રાખવાનો અર્થ થાય કે તેમની ઇચ્છા પ્રમાણે કરવું. એમ કરવા તેમને વારંવાર પ્રાર્થના કરીએ અને તેમનું માર્ગદર્શન શોધીએ. જોકે ઘણાને યહોવાહ પર પૂરો ભરોસો રાખવો અઘરું લાગે છે. લીન નામની બહેન સ્વીકારે છે: “યહોવાહ પર પૂરો ભરોસો રાખવા મારે સતત પ્રયત્ન કરવો પડે છે.” એનું કારણ સમજાવતા લીન કહે છે: “પપ્પા સાથે મારે કોઈ સંબંધ નથી. તેમ જ નાનપણથી જ મમ્મીને મારી લાગણીઓની કંઈ પડી ન હતી. અરે તેમણે મારી જરાય સંભાળ રાખી નહિ. તેથી હું નાનપણથી જ પોતાની સંભાળ રાખતા શીખી ગઈ.” એ સંજોગોને લીધે લીનને કોઈનામાં પણ ભરોસો મૂકવો અઘરું લાગે છે. ઘણી વખત વ્યક્તિને પોતાની આવડત અને સફળતાને લીધે બીજા પર આધાર રાખવાની જરૂર લાગતી નથી. મંડળના વડીલ સાથે પણ એવું જ બની શકે. તે ઈશ્વરને પ્રાર્થના કરવાને બદલે પોતાના અનુભવના આધારે મંડળની સમસ્યા હલ કરવા લાગી શકે.

૪. આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૪ યહોવાહ ચાહે છે કે આપણે જે પ્રાર્થના કરીએ એના સુમેળમાં જીવવા પ્રયત્ન કરીએ. તેમ જ તેમની ઇચ્છા અનુસાર પગલાં ભરીએ. આપણે જાણીએ છીએ કે પોતાની ચિંતાઓ યહોવાહ પર નાખી દેવી જોઈએ. પણ ક્યારે ચિંતા યહોવાહ પર નાખી દેવી અને ક્યારે પોતાના પ્રયત્નો પર આધાર રાખવો, એ બે વચ્ચે કેવી રીતે સમતોલ બની શકીએ? કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? લાલચનો સામનો કરતી વખતે શા માટે પ્રાર્થના કરવી જરૂરી છે? બાઇબલના અમુક દાખલાઓ પર વિચાર કરીને આપણે આ સવાલોના જવાબ મેળવીશું.

મુશ્કેલ સંજોગોમાં હોઈએ ત્યારે

૫, ૬. આશ્શૂરના રાજા ચઢાઈ કરવા આવ્યા ત્યારે હિઝકીયાહે શું કર્યું?

૫ યહુદાહના રાજા હિઝકીયાહ વિષે બાઇબલ જણાવે છે: ‘તે યહોવાહને વળગી રહ્યા, ને તેમનું અનુકરણ કરવાથી તે અટક્યા નહિ; યહોવાહે જે આજ્ઞાઓ મુસાને ફરમાવી હતી, તે તેમણે પાળી.’ હા, ‘તે ઈસ્રાએલના ઈશ્વર યહોવાહ પર ભરોસો રાખતા હતા.’ (૨ રાજા. ૧૮:૫, ૬) એ સમયનો વિચાર કરો જ્યારે આશ્શૂરના લશ્કરે યહુદાહના ઘણા નગરો જીતી લીધા હતા. હવે આશ્શૂરના રાજા સાન્હેરીબે પોતાનું ધ્યાન યરૂશાલેમ તરફ કર્યું હતું. એટલે તેણે રાબશાકેહ અને બીજા પ્રતિનિધિઓને મોટા લશ્કર સાથે યરૂશાલેમ મોકલ્યા. એ જોઈને હિઝકીયાહે શું કર્યું? તેમણે યહોવાહના મંદિરમાં જઈને પ્રાર્થના કરી: ‘હે અમારા ઈશ્વર યહોવાહ, અમને તેના હાથમાંથી બચાવ, કે પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે યહોવાહ, એકલા જ, ઈશ્વર છો.’—૨ રાજા. ૧૯:૧૪-૧૯.

૬ હિઝકીયાહે પોતાની પ્રાર્થનાના સુમેળમાં પગલાં ભર્યા. તે મંદિરમાં પ્રાર્થના કરવા ગયા એ પહેલાં લોકોને કહ્યું કે રાબશાકેહના મહેણાં પર કોઈ ધ્યાન આપશો નહિ. ઉપરાંત તેમણે માર્ગદર્શન માટે યશાયાહ પ્રબોધક પાસે પોતાના માણસોને મોકલ્યા. (૨ રાજા. ૧૮:૩૬; ૧૯:૧, ૨) આમ હિઝકીયાહે યહોવાહની નજરમાં જે યોગ્ય હતું એ કર્યું. તેમણે મુશ્કેલીનો હલ લાવવા મિસર કે પડોશી રાજ્યો પાસે મદદ માંગી નહિ. પોતાની સમજણ પર આધાર રાખવાને બદલે યહોવાહ પર ભરોસો રાખ્યો. તેમની પ્રાર્થનાના જવાબમાં યહોવાહે દૂત મોકલીને સાન્હેરીબના લશ્કરના ૧,૮૫,૦૦૦ સૈનિકોને મારી નાખ્યા. સાન્હેરીબ “પાછો” હટી ગયો અને નિનવેહ જતો રહ્યો.—૨ રાજા. ૧૯:૩૫, ૩૬.

૭. હાન્‍નાહ અને યૂનાની પ્રાર્થનામાંથી આપણને કેવો દિલાસો મળે છે?

૭ લેવી એલ્કાનાહની પત્ની હાન્‍નાહનો વિચાર કરો. તેને બાળકો ન હતા, એટલે તે ખૂબ જ દુઃખી હતી. એવા સંજોગોમાં પણ તેણે યહોવાહ પર ભરોસો રાખ્યો. (૧ શમૂ. ૧:૯-૧૧, ૧૮) પ્રબોધક યૂનાએ માછલીના પેટમાંથી પ્રાર્થના કરી હતી: “મારી વિપત્તિને લીધે મેં યહોવાહને વિનંતી કરી, ને તેણે મને ઉત્તર આપ્યો; શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તેં મારો સાદ સાંભળ્યો.” (યૂના ૨:૧, ૨, ૧૦) આપણે ભલે ગમે તેવા મુશ્કેલ સંજોગોમાં હોઈએ, મદદ માટે યહોવાહને “યાચના” કરી શકીએ છીએ. એ જાણીને આપણને કેટલો દિલાસો મળે છે!—ગીતશાસ્ત્ર ૫૫:૧, ૧૬ વાંચો.

૮, ૯. હિઝકીયાહ, હાન્‍નાહ અને યૂનાએ પોતાની પ્રાર્થનામાં શાને વધારે મહત્ત્વ આપ્યું? આપણે એમાંથી શું શીખી શકીએ?

૮ હિઝકીયાહ, હાન્‍નાહ અને યૂનાનો દાખલો આપણને એક મહત્ત્વની બાબત શીખવે છે. તેઓને મન તો ઈશ્વરનું નામ, તેમની ભક્તિ અને તેમની ઇચ્છા પૂરી કરવી એ સૌથી મહત્ત્વનું હતું. ત્રણેવ જણ મુશ્કેલ સંજોગોમાં હતા ત્યારે તણાવ અનુભવ્યો. તેમ છતાં તેઓની પ્રાર્થનાથી જોઈ શકાય છે કે તેઓએ ફક્ત પોતાની જ ચિંતા કરી નહિ, કે એમાંથી છુટકારો મેળવવાનો માર્ગ જ શોધ્યો નહિ. જેમ કે, હિઝકીયાહને એ વાતનું દુઃખ હતું કે દુશ્મનો યહોવાહના નામ પર કલંક લગાવે છે. હાન્‍નાહે વચન આપ્યું હતું કે જો દીકરો થશે, તો તેને શીલોહમાં આવેલા પવિત્ર મંડપમાં અર્પી દેશે. અને યૂનાએ કહ્યું: “હું મારી માનતાઓ” પૂરી કરીશ.—યૂના ૨:૯.

૯ આપણે જ્યારે મુશ્કેલ સંજોગોમાંથી છુટકારો મેળવવા પ્રાર્થના કરીએ, ત્યારે પોતાનો ઇરાદો તપાસવો જોઈએ. શું આપણે ફક્ત એ તકલીફમાંથી છુટકારો મેળવવા માંગીએ છીએ, કે પછી યહોવાહ અને તેમના હેતુને મનમાં રાખીએ છીએ? કોઈ વાર મુશ્કેલી નીચે એટલા દબાઈ જઈએ કે ઈશ્વરની ભક્તિમાં પાછા પડી જઈ શકીએ. એવા સમયે ઈશ્વર પાસે પ્રાર્થનામાં મદદ માગીએ. પ્રાર્થનામાં ખાસ કરીને તેમનું નામ પવિત્ર મનાય તેમ જ તેમનું જ રાજ સૌથી સારું છે અને હંમેશ માટે સ્થપાય એવી બાબતનો ઉલ્લેખ કરવો જોઈએ. એમ કરીશું તો હિંમત નહિ હારીએ, પછી ભલે આપણે જે ધારતા હોઈએ એ પ્રમાણે ન થાય. પ્રાર્થનાના જવાબમાં ભલે યહોવાહ તકલીફને દૂર ન કરે, તે જરૂર એ મુશ્કેલ સંજોગોનો સામનો કરવા શક્તિ આપશે.—યશાયાહ ૪૦:૨૯; ફિલિપી ૪:૧૩ વાંચો.

નિર્ણય લેતી વખતે

૧૦, ૧૧. કપરાં સંજોગોમાં કેવાં પગલાં ભરવાં એની યહોશાફાટને ખબર ન હતી, ત્યારે તેમણે શું કર્યું?

૧૦ જીવનના મહત્ત્વના નિર્ણય તમે કેવી રીતે લો છો? શું તમે પહેલાં નિર્ણય લો છો અને પછી એના પર આશીર્વાદ માંગવા પ્રાર્થના કરો છો? ચાલો યહુદાહના રાજા યહોશાફાટનો વિચાર કરીએ. તેમની સામે મોઆબીઓ અને આમ્નોનીઓ ભેગાં મળીને યુદ્ધ કરવા આવ્યા. જોકે યહુદાહના લોકો તેઓની સામે થઈ શકે એવી સ્થિતિમાં ન હતા. એવા કપરાં સંજોગોમાં યહોશાફાટે કેવાં પગલાં ભર્યાં?

૧૧ બાઇબલ જણાવે છે કે ‘યહોશાફાટ ભયભીત થઈને યહોવાહની શોધ કરવા લાગ્યા.’ તેમણે આખા યહુદાહને ઉપવાસ કરવા કહ્યું અને ‘યહોવાહની સહાય માગવા’ લોકોને ભેગા કર્યા. ત્યાર બાદ તેમણે યરૂશાલેમ અને યહુદાહના ભેગા થયેલા લોકો સામે ઊભા થઈને પ્રાર્થના કરી. તેમણે આજીજી કરી: ‘હે અમારા ઈશ્વર, તું તેઓનો ન્યાય નહિ કરશે? કેમ કે આ મોટું સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમારે શું કરવું તે પણ અમને સૂઝતું નથી; પણ અમે તો તારી તરફ જોઈએ છીએ.’ ઈશ્વરે, યહોશાફાટની પ્રાર્થના સાંભળી અને ચમત્કારિક રીતે તેઓનો બચાવ કર્યો. (૨ કાળ. ૨૦:૩-૧૨, ૧૭) આ બનાવ શીખવે છે કે નિર્ણય લેતી વખતે આપણે પોતા પર નહિ, પણ યહોવાહ પર આધાર રાખવો જોઈએ. એમાંય ખાસ કરીને જ્યારે આપણી ભક્તિને અસર થતી હોય ત્યારે તો યહોવાહ પર જ આધાર રાખવો જોઈએ.

૧૨, ૧૩. નિર્ણય લેવાનો થયો ત્યારે રાજા દાઊદે શું કર્યું?

૧૨ જીવનમાં કોઈ અનુભવ થયો હોય અને એવા જ સંજોગો ફરીથી ઊભા થાય તો નિર્ણય લેવો સહેલો લાગી શકે. તોપણ એવા કિસ્સામાં આપણે શું કરવું જોઈએ? એ સમજવા આપણને રાજા દાઊદનો દાખલો મદદ કરશે. અમાલેકીઓ સિકલાગ શહેર પર હુમલો કરીને દાઊદની પત્નીઓ, બાળકો અને ચાકરોને ઉઠાવી ગયા. એ સમયે દાઊદે પ્રાર્થનામાં યહોવાહને પૂછ્યું, “જો હું એ ટુકડીની પાછળ પડું, તો શું હું તેને પકડી પાડી શકીશ?” યહોવાહે તેને કહ્યું, “પાછળ પડ; કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ, ને બેશક બધું પાછું મેળવીશ.” દાઊદે એ જ પ્રમાણે કર્યું. “અમાલેકીઓ જે કંઈ લઈ ગયા હતા તે સર્વ દાઊદે પાછું મેળવ્યું.”—૧ શમૂ. ૩૦:૭-૯, ૧૮-૨૦.

૧૩ અમાલેકીઓએ હુમલો કર્યો એના થોડા સમય પછી ઈસ્રાએલની સામે પલિસ્તીઓ આવ્યા. દાઊદે ફરીથી આ વિષે યહોવાહને પૂછ્યું. ઈશ્વરે તેને જવાબમાં કહ્યું: “ચઢાઈ કર; કેમ કે હું નક્કી પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.” (૨ શમૂ. ૫:૧૮, ૧૯) થોડા સમય પછી ફરીથી પલિસ્તીઓ, દાઊદની સામે આવ્યા. આ વખતે દાઊદે શું કર્યું? તે સહેલાઈથી કહી શક્યા હોત: ‘મારી સાથે પહેલાં પણ બે વખત આમ બન્યું છે. પહેલાંની જેમ આ વખતે પણ હું દુશ્મનો સામે જઈશ.’ દાઊદે પોતાના પાછલા અનુભવો પર આધાર રાખવાને બદલે ફરીથી યહોવાહ પાસે પ્રાર્થનામાં માર્ગદર્શન માંગ્યું. સારું થયું તેમણે એમ કર્યું, કારણ કે આ વખતે ઈશ્વરની સલાહ કંઈ જુદી જ હતી. (૨ શમૂ. ૫:૨૨, ૨૩) આમાંથી શીખી શકીએ કે આપણી સામે અગાઉના જેવી જ મુશ્કેલી આવે તોપણ પોતાના અનુભવો પર આધાર ન રાખીએ.—યિર્મેયાહ ૧૦:૨૩ વાંચો.

૧૪. યહોશુઆ અને બીજા વડીલોએ ગિબઓનીઓ વિષે જે નિર્ણય લીધો, એમાંથી આપણે શું શીખી શકીએ?

૧૪ આપણે નાના-મોટા બધા જ ભૂલો કરીએ છીએ. તેથી નિર્ણય લેતા પહેલાં હંમેશાં યહોવાહ પાસે માર્ગદર્શન માંગવું જોઈએ. અનુભવી વડીલોએ પણ એમ કરવું જોઈએ. એ સમજવા ચાલો યહોશુઆ અને ઈસ્રાએલના બીજા વડીલોનો વિચાર કરીએ. તેઓની આગળ ગિબઓનના લોકો શાંતિનો કરાર કરવા આવ્યા. તેઓએ પોતાની ઓળખ છુપાવીને ખૂબ જ દૂર દેશથી આવ્યા છે એવો ઢોંગ કર્યો. એવા સમયે યહોશુઆ અને બીજા વડીલોએ શું કર્યું? તેઓએ યહોવાહને પૂછ્યા વગર ગિબઓનના લોકો સાથે શાંતિનો કરાર કરી નાખ્યો. ભલે તેઓ યહોવાહનું માર્ગદર્શન લેવાનું ચૂકી ગયા, છતાં યહોવાહે તેઓને સાથ આપ્યો. પરંતુ તેઓની ભૂલમાંથી આપણે શીખી શકીએ, એ માટે એને બાઇબલમાં લખાવી દીધું.—યહો. ૯:૩-૬, ૧૪, ૧૫.

લાલચનો સામનો કરતી વખતે

૧૫. લાલચનો સામનો કરવા પ્રાર્થના બહુ મહત્ત્વની છે, એ સમજાવો.

૧૫ આપણામાં ‘પાપનો નિયમ’ હોવાથી પાપી વલણ કે લાલચ સામે સખત લડત આપવી પડે છે. (રોમ. ૭:૨૧-૨૫) આ એવી લડાઈ છે, જે જીતી શકાય છે. કઈ રીતે? લાલચનો સામનો કરવા ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરવા કહ્યું. (લુક ૨૨:૪૦ વાંચો.) જો પ્રાર્થના કર્યા પછી પણ ખરાબ વિચારો આવ્યા કરે કે ખોટી ઇચ્છાઓ થાય, તો શું કરવું? એવા સમયે પણ ઈશ્વર પાસે મદદ ‘માગ્યા’ કરવી જોઈએ. બાઇબલ આપણને ખાતરી આપે છે કે ઈશ્વર ‘સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી.’ (યાકૂ. ૧:૫) જો આપણી ભક્તિમાં નબળાઈ આવી ગઈ હોય તો શું કરવું એ વિષે યાકૂબે લખ્યું: “તમારામાં શું કોઈ માંદો છે? જો હોય તો તેણે મંડળીના વડીલોને બોલાવવા; અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી; અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે.”—યાકૂ. ૫:૧૪, ૧૫.

૧૬, ૧૭. લાલચનો સામનો કરવા ક્યારે પ્રાર્થના કરવાથી સૌથી વધારે મદદ મળશે?

૧૬ લાલચનો સામનો કરવા પ્રાર્થના જરૂરી છે. પરંતુ યોગ્ય સમયે પ્રાર્થના કરીએ એ વધારે જરૂરી છે. નીતિવચનો ૭:૬-૨૩માં જે યુવાનની વાત કરી છે, એનો વિચાર કરો. મોડી સાંજે તે એક વેશ્યા રહેતી હતી એ ગલીમાંથી પસાર થયો. જેમ એક બળદ કસાઈવાડે જાય એવી રીતે આ યુવાન તે સ્ત્રીની મીઠી મીઠી વાતોમાં આવીને તેની પાછળ ગયો. આ યુવાન “અક્કલહીન” એટલે કે બિનઅનુભવી હતો, તેથી ખોટી ઇચ્છાઓની લાલચમાં ફસાઈ ગયો. (નીતિ. ૭:૭) કયા સમયે પ્રાર્થના કરવાથી તેને સૌથી વધારે મદદ મળી હોત? લાલચમાં આવ્યો એ સમયે ગમે ત્યારે પ્રાર્થના કરવાથી તેને ફાયદો થયો હોત. પરંતુ એ ગલીમાં જવાનો વિચાર આવ્યો ત્યારે જ તેણે પ્રાર્થના કરી હોત, તો સૌથી વધારે ફાયદો થયો હોત.

૧૭ ધારો કે એક વ્યક્તિ પોર્નોગ્રાફીથી દૂર રહેવા ઘણા પ્રયત્ન કરે છે. તેમ છતાં જો તે લાગણીઓ ઉશ્કેરાય એવી સાઈટ પર જાય, તો શું તે પેલા અક્કલહીન યુવાન જેવું જ નથી કરતો! તે ચોક્કસ ખાડામાં પડશે. પોર્નોગ્રાફીની લાલચનો સામનો કરવા વ્યક્તિએ શું કરવું જોઈએ? એવી સાઈટ પર જવાનો વિચાર આવે ત્યારે જ પ્રાર્થના કરવી જોઈએ.

૧૮, ૧૯. (ક) લાલચનો સામનો કરવો કેમ સહેલું નથી? એનો સામનો કેવી રીતે કરી શકીએ? (ખ) તમે શું કરવાનો નિર્ણય કર્યો છે?

૧૮ લાલચનો સામનો કરવો કે ખરાબ આદતમાંથી બહાર આવવું સહેલું નથી. પ્રેરિત પાઊલે લખ્યું: ‘પાપી શરીરની ઇચ્છા પવિત્ર શક્તિની વિરુદ્ધ હોય છે અને પવિત્ર શક્તિ, શરીરની ઇચ્છા વિરુદ્ધ છે. એટલા માટે તમે જે કરવા ચાહો છો એ કરી શકતા નથી.’ (ગલા. ૫:૧૭, NW) ખોટા વિચારો કે લાલચો આપણી સામે આવે, ત્યારે વારંવાર પ્રાર્થના કરવી જોઈએ. પછી એ મુજબ પગલાં ભરવા જોઈએ. બાઇબલ કહે છે, ‘લોકોની સામાન્ય રીતે જે કસોટી થતી હોય છે તે કરતાં તમારી વિશેષ કસોટી થતી નથી.’ (૧ કોરીં. ૧૦:૧૩, કોમન લેંગ્વેજ) યહોવાહની મદદથી જ આપણે તેમને વિશ્વાસુ રહી શકીએ છીએ.

૧૯ મુશ્કેલ સંજોગોનો સામનો કરવા, મહત્ત્વનો નિર્ણય લેવા અને લાલચનો સામનો કરવા યહોવાહે એક સુંદર ભેટ આપી છે. એ કીમતી ભેટ છે, પ્રાર્થના. એના દ્વારા બતાવીએ છીએ કે આપણને યહોવાહમાં પૂરો ભરોસો છે. આપણે ઈશ્વર પાસે તેમની શક્તિ માગતા રહેવું જોઈએ. એ શક્તિ આપણને માર્ગદર્શન આપશે અને મુશ્કેલીનો સામનો કરવા હિંમત આપશે. (લુક ૧૧:૯-૧૩) ચાલો આપણે પોતાની સમજણ પર નહિ, પણ યહોવાહ પર આધાર રાખીએ. (w11-E 11/15)

[ફુટનોટ]

a નામ બદલવામાં આવ્યા છે.

શું તમને યાદ છે?

• યહોવાહમાં ભરોસો મૂકવા વિષે હિઝકીયાહ, હાન્‍નાહ અને યૂના પાસેથી શું શીખી શકીએ?

• સમજી-વિચારીને નિર્ણય લેવા દાઊદ અને યહોશુઆનો દાખલો શું શીખવે છે?

• લાલચમાં ન ફસાઈએ એ માટે આપણે ક્યારે પ્રાર્થના કરવી જોઈએ?

[પાન ૧૩ પર ચિત્ર]

લાલચનો સામનો કરવા ક્યારે પ્રાર્થના કરવાથી સૌથી વધારે મદદ મળશે?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો