વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૧૨/૧ પાન ૮-૯
  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • વિષય
    સજાગ બનો!—૨૦૨૦
  • દુઃખ-તકલીફો
    સજાગ બનો!—૨૦૧૫
  • ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • દુઃખ સહેવાથી આવતા આશીર્વાદો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૧૨/૧ પાન ૮-૯

સવાલ ૩: તમે મારા પર દુઃખ કેમ આવવા દો છો?

ઇયાનના પિતા ઘણો દારૂ પીતા હતા. ઇયાનને જે વસ્તુઓની જરૂર હતી, એ બધી તેમને મળતી, પણ પિતાનો પ્રેમ ન મળતો. તે કહે છે: “પપ્પા બહુ દારૂ પીતા અને મમ્મી સાથે જે રીતે વર્તતા, એના લીધે મને તેમની માટે સાવ ઓછી લાગણી હતી.” જેમ ઇયાન મોટા થતા ગયા, તેમ ઈશ્વરના અસ્તિત્વ વિશે તેમને શંકા થવા લાગી. તે વિચારતા કે “જો ઈશ્વર હોય તો પછી કેમ તે લોકોને દુઃખની ચક્કીમાં પીસાવા દે છે?”

આવો સવાલ થાય એ કેમ સ્વાભાવિક છે?

તમારા જીવનમાં તકલીફો ન હોય તોપણ, નિર્દોષ લોકોને દુઃખી થતા જોઈને તમને પણ ગુસ્સો આવશે. જો તમે ઇયાનની જેમ તકલીફો સહેતા હો કે પછી તમારું કોઈ પ્રિયજન બીમાર પડે કે મરણ પામે, તો આ સવાલ તમારા માટે વધારે મહત્ત્વનો બની જશે.

અમુક કેવા જવાબ આપશે?

અમુક માને છે કે આપણે નમ્ર અને દયાળુ બનીએ એ માટે, ઈશ્વર આપણાં પર દુઃખ-તકલીફો આવવા દે છે. બીજા અમુકને લાગે છે કે ગયા જન્મનાં પાપને કારણે લોકોને આજે દુઃખ સહેવું પડે છે.

એ જવાબ શું બતાવે છે?

મનુષ્ય પર આવતી તકલીફોની ઈશ્વરને કંઈ પડી નથી, એટલે તેમને પ્રેમ બતાવવો આપણા માટે અઘરું બને છે. ઈશ્વર બહુ ક્રૂર છે.

બાઇબલ શું શીખવે છે?

બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે મનુષ્ય પર આવતી તકલીફો માટે ઈશ્વરને દોષિત ઠરાવવા ન જોઈએ. ‘કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું; કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી.’ (યાકૂબ ૧:૧૩) બાઇબલમાં જણાવેલા ઈશ્વરના ગુણો જોતા, એ વિચારવું જરાય વાજબી ન કહેવાય કે તે આપણી તકલીફો માટે જવાબદાર છે. કેમ?

ઈશ્વરના મુખ્ય ગુણોમાંથી એક ગુણ પ્રેમ છે. (૧ યોહાન ૪:૮) એ ગુણ પર ભાર આપતા, બાઇબલ ઈશ્વરની લાગણીને માતાની લાગણી સાથે સરખાવે છે. ઈશ્વર કહે છે: “શું, સ્ત્રી પોતાના પેટના દીકરા પર દયા ન કરે, એવી રીતે કે તે પોતાના ધાવણા બાળકને વિસરી જાય? હા, કદાચ તેઓ વિસરે, પરંતુ હું તને વિસરીશ નહિ.” (યશાયા ૪૯:૧૫) શું તમે કલ્પી શકો કે એક પ્રેમાળ માતા જાણીજોઈને પોતાના બાળકને નુકસાન પહોંચાડતી હોય? કદી નહિ! પ્રેમાળ માતા-પિતા તો બાળકની તકલીફો દૂર કરવા, ઘણા પ્રયત્નો કરશે. એવી જ રીતે, ઈશ્વર પણ નિર્દોષ લોકો પર તકલીફો નથી લાવતા.—ઉત્પત્તિ ૧૮:૨૫.

તોપણ, આજે નિર્દોષ લોકો પર તકલીફો આવે છે. તમે કદાચ વિચારશો કે ‘જો ઈશ્વર આપણી કાળજી રાખતા હોય, તો પછી કેમ તે દુઃખ-તકલીફો ઊભી કરતી બાબતોને જડમૂળથી ઉખેડી નથી નાખતા?’

ઈશ્વર હાલમાં તકલીફો ચાલવા દે છે, એની પાછળ યોગ્ય કારણો છે. એક કારણનો વિચાર કરો: લોકો જ બીજા લોકો પર તકલીફો લાવે છે. ઘણા ગુંડાગીરી અને જુલમ કરીને લોકોને હેરાન કરે છે. તેઓ પોતાને સુધારવા પણ ચાહતા નથી. એટલે, દુઃખ-તકલીફોનું મૂળ કારણ દૂર કરવા ઈશ્વરે દુષ્ટ લોકોનો નાશ કરવો જ પડશે.

ઈશ્વરભક્ત પીતર સમજાવે છે કે ઈશ્વરે હજી સુધી કેમ દુષ્ટોનો નાશ નથી કર્યો. તે જણાવે છે, ‘વિલંબનો જેવો અર્થ કેટલાએક લોકો કરે છે, તેમ યહોવા પોતાના વચન સંબંધી વિલંબ કરતા નથી; પણ કોઈનો નાશ ન થાય પણ સઘળાં પશ્ચાત્તાપ કરે, એવું ઇચ્છીને તે તમારે વિશે ધીરજ રાખે છે.’ (૨ પીતર ૩:૯) ઈશ્વરની ધીરજમાં તેમનો પ્રેમ અને દયા દેખાઈ આવે છે.

તોપણ, જલદી જ ઈશ્વર પગલાં ભરશે. નિર્દોષ લોકોને જેઓ “દુઃખ દે છે તેમના પર ઈશ્વર દુઃખ લાવશે.” જેઓ બીજાઓ પર દુઃખ-તકલીફો લાવે છે તેઓ “સાર્વકાલિક નાશની શિક્ષા ભોગવશે.”—૨ થેસ્સાલોનીકી ૧:૬-૯, કોમન લેંગ્વેજ બાઇબલ.

ઇયાન વિશે આપણે આગળ જોઈ ગયા, તેમને દુઃખ-તકલીફો વિશેના સંતોષકારક જવાબો બાઇબલમાંથી મળ્યા. તે જે શીખ્યા એનાથી જીવન પ્રત્યેના તેમના વિચારો બદલાઈ ગયા. (w12-E 11/01)

ઈશ્વર કેમ તકલીફો ચાલવા દે છે અને તે જલદી જ શું કરશે એ વિશે વધારે જાણવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનું ૧૧મું પ્રકરણ જુઓ. તમે વેબસાઇટ પરથી પણ એ ડાઉનલોડ કરી શકો: www.pr418.com/gu

દુઃખ-તકલીફો વિશે ઈસુએ શું કહ્યું?

ઈસુએ પોતા પર આવેલી તકલીફો માટે ઈશ્વરને દોષી ઠરાવ્યા નહિ. એને બદલે, તેમણે નીચેની બાબતો કરી હતી.

ઈસુએ બતાવ્યું કે ઈશ્વર લોકોને શિક્ષા કરવા દુઃખ-તકલીફો લાવતા નથી. ઈસુએ બીમાર, અપંગ અને આંધળા લોકોને સાજા કર્યા. (માથ્થી ૧૫:૩૦) તેમણે કરેલા ચમત્કારો બે મહત્ત્વની બાબત શીખવે છે. એક તો તેમણે ઈશ્વરની શક્તિનો ઉપયોગ તકલીફો મિટાવવા કર્યો, એને વધારવા નહિ. બીજું કે ઈસુએ કઠોર બનીને લોકોને સાજા કર્યા નહોતા, પરંતુ લોકોનું દુઃખ જોઈને તેમને “દયા આવી.” (માથ્થી ૨૦:૨૯-૩૪) ઈસુએ પોતાના પિતા યહોવાની જેમ જ લોકોનું દુઃખ જોઈને લાગણી બતાવી હતી. તેથી, ઈસુના વાણી-વર્તન પરથી જોઈ શકીએ છીએ કે લોકો પર આવતી તકલીફો જોઈને, યહોવા ઈશ્વર પણ દુઃખી થાય છે અને એને દૂર કરવા તે ચાહે છે.—યોહાન ૧૪:૭, ૯.

ઈસુએ બતાવ્યું કે મનુષ્ય ઉપર આવતી ઘણી તકલીફો પાછળનું મૂળ કારણ શેતાન છે. ઈસુએ કહ્યું: “પહેલેથી જ તે ખૂની હતો.” (યોહાન ૮:૪૪, સંપૂર્ણ બાઇબલ) ઈસુએ શેતાનને ‘જગતનો અધિકારી’ કહ્યો જે “આખા જગતને ભમાવે છે.”—યોહાન ૧૨:૩૧; પ્રકટીકરણ ૧૨:૯.

ઈસુએ એ સમયની આશા આપી, જ્યારે બધી તકલીફોનો અંત આવશે. ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું કે ‘સ્વર્ગમાંના અમારા પિતા, તમારું રાજ્ય આવો; તમારું નામ પવિત્ર મનાઓ; જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઇચ્છા પૂરી થાઓ.’ (માથ્થી ૬:૯, ૧૦) જ્યારે ઈશ્વરનું રાજ્ય આખી પૃથ્વી પર આવશે, ત્યારે કોઈ પણ દુઃખ-તકલીફો નહિ હોય. સ્વર્ગમાં કોઈ તકલીફો નથી તેમ, પૃથ્વી ઉપર પણ નહિ હોય.

ઈશ્વરભક્ત યોહાનને સંદર્શનમાં ઈસુએ જણાવ્યું કે ઈશ્વરનું રાજ્ય પૃથ્વી ઉપર આવશે ત્યારે જીવન જીવવું કેવું હશે. એ સમયે ઈશ્વર “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૧:૧; ૨૧:૩, ૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો