તેઓને કંઈક સારું મળ્યું
આજે લાખો ખ્રિસ્તીઓએ નાતાલ ન ઊજવવાનો નિર્ણય લીધો છે. શું તેઓ પોતાના નિર્ણયથી ખુશ છે? શું તેઓને એવું લાગે છે કે તેઓના જીવનમાં કંઈક ખૂટી રહ્યું છે? શું તેઓનાં બાળકોને પણ એવું લાગે છે? ચાલો જોઈએ કે એ વિશે આખી દુનિયામાં રહેતા યહોવાના સાક્ષીઓ શું કહે છે.
ઈવ
તેઓને ઈસુ ખ્રિસ્તને યાદ કરવાની સારી રીત મળી: “યહોવાની સાક્ષી બની એ પહેલાં હું ભાગ્યે જ ચર્ચમાં જતી. જો જતી તોપણ નાતાલ કે ઈસ્ટરના દિવસે જ જતી. ત્યાં જઈને પણ હું ઈસુ ખ્રિસ્ત વિશે કંઈ ખાસ વિચારતી ન હતી. હવે હું નાતાલ નથી ઊજવતી, પણ અઠવાડિયામાં બે વાર સભામાં જઉં છું અને બીજાઓને બાઇબલમાંથી ઈસુ વિશે શીખવું છું.”—૪૦ વર્ષની ઈવ, ઑસ્ટ્રેલિયા.
રુબેન
તેઓને બીજાઓને કંઈક આપવાની સારી રીત મળી: “જ્યારે મેં વિચાર્યું ન હોય, ત્યારે જો કોઈ મને ભેટ આપે તો મને બહુ જ ગમે છે, હું ખુશ ખુશ થઈ જઉં છું. મને બીજાઓ માટે કાર્ડ બનાવવાનું અને ચિત્રો દોરવાનું પણ બહુ ગમે છે. એનાથી તેઓને ખુશી મળે છે અને મને પણ ખુશી મળે છે.”—૭ વર્ષનો રુબેન, ઉત્તર આયર્લૅન્ડ.
એમિલિ
તેઓને બીજાઓને મદદ કરવાની સારી રીત મળી: “અમે બીમાર ભાઈ-બહેનો માટે ખાવાનું બનાવીએ છીએ. અમુક વાર અમે તેઓને ફૂલો, કેક અથવા નાની ભેટ આપીએ છીએ, જેથી તેઓને ખુશી મળે. એમ કરવામાં અમને મજા આવે છે, કેમ કે અમે વર્ષના કોઈ પણ સમયે તેઓને મળી શકીએ છીએ.”—૧૫ વર્ષની એમિલિ, ઑસ્ટ્રેલિયા.
વેન્ડી
તેઓને કુટુંબ સાથે સમય વિતાવવાની સારી રીત મળી: “જ્યારે અમારું કુટુંબ ભેગું મળે છે, ત્યારે અમારાં બાળકો કુટુંબીજનો અને સગાં-વહાલાં સાથે સમય વિતાવી શકે છે અને મજા માણી શકે છે. તેઓને મળવા અમારે કોઈ ખાસ દિવસની રાહ જોવી નથી પડતી. અમે તેઓને હંમેશાં મળીએ છીએ, જેથી તેઓ જાણી શકે કે અમે તેઓને પ્રેમ કરીએ છીએ.”—૩૭ વર્ષની વેન્ડી, કેમન ટાપુઓ.
સેન્ડ્રા
તેઓને શાંતિ મળી: “નાતાલના સમયે એટલું બધું કરવાનું હોય છે કે બહુ ઓછા લોકો શાંતિનો વિચાર કરે છે. હું બાઇબલમાંથી શીખી કે સાચી શાંતિ ભાવિમાં મળવાની છે. એનાથી મને રાહત મળે છે. હું એ પણ જાણું છું કે મારાં બાળકો ભાવિમાં હંમેશ માટે ખુશ રહેશે.”—૩૯ વર્ષની સેન્ડ્રા, સ્પેન.