વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૧૦/૧ પાન ૧૦-૧૫
  • તે અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તે અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • “૪૦ દિવસ અને ૪૦ રાત”
  • ‘પાણીમાંથી બચી ગયાં’
  • “વહાણમાંથી નીકળો”
  • તે ‘ઈશ્વરની સાથે ચાલ્યા’
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • જગતને દોષિત ઠરાવતો નુહનો વિશ્વાસ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ઈશ્વરની કૃપા પામવા નુહે શું કર્યું? આપણે શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • મોટું પૂર, કોણે ભગવાનનું સાંભળ્યું?
    ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૧૦/૧ પાન ૧૦-૧૫

તેમની શ્રદ્ધાને અનુસરો | નુહ

તે અને ‘તેમની સાથેનાં સાત માણસો બચ્યાં’

ધોધમાર વરસાદ શરૂ થયો તેમ, નુહ અને તેમનું કુટુંબ ભેગું થાય છે. તમે નરી આંખે જોઈ રહ્યાં હોય એમ આ બનાવની કલ્પના કરો: ઝબકતા દીવાના પ્રકાશમાં તેઓ ઝાંખા દેખાય છે, છાપરા પર પડતો વરસાદ અને વહાણ સાથે અથડાતાં પાણીના સપાટાનો અવાજ સંભળાતા તેઓની આંખો મોટી થઈ જાય છે. એ અવાજ સાચે જ ડરામણો હશે.

નુહે પોતાની વફાદાર પત્ની, ત્રણ દીકરા અને તેઓની પત્નીઓને જોઈને તેઓની કદર કરી હશે ત્યારે, તેમની છાતી ફૂલાઈ ગઈ હશે એમાં કોઈ શંકા નથી. એ સૌથી અઘરા સમયમાં પોતાના વહાલા કુટુંબને ત્યાં જોઈને તે દિલાસો પામ્યા હશે. તેઓ બધા એકદમ સહીસલામત હતા. સાચે જ, તેમણે ઉપકાર માનતા કુટુંબ સાથે ઊંચા અવાજે પ્રાર્થના કરી હશે, જેથી વરસાદના અવાજથી પોતાનો સાદ ધીમો ન પડે.

નુહને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. નુહની શ્રદ્ધા જોઈને તેમના ઈશ્વર યહોવા તેમનું અને તેમના કુટુંબનું રક્ષણ કરવા પ્રેરાયા. (હિબ્રૂ ૧૧:૭) વરસાદ પડવાનો શરૂ થયો પછી, શું તેઓએ શ્રદ્ધા રાખવાનું છોડી દીધું? ના, જરાય નહિ. હકીકતમાં, તેઓને એ મહત્ત્વના ગુણની આવનાર મુશ્કેલ દિવસોમાં ખાસ જરૂર હતી. આજે આપણને પણ આ અઘરા સમયમાં એવી શ્રદ્ધાની એટલી જ જરૂર છે. ચાલો આપણે જોઈએ કે નુહની શ્રદ્ધા પરથી આપણને શું શીખવા મળે છે.

“૪૦ દિવસ અને ૪૦ રાત”

બહાર તો “૪૦ દિવસ અને ૪૦ રાત” ધોધમાર વરસાદ ચાલુ હતો. (ઉત્પત્તિ ૭:૪, ૧૧, ૧૨) પાણી વધતું ને વધતું જતું હતું. પાણી ચઢતું હતું તેમ નુહ જોઈ શક્યા કે, તેમના ઈશ્વર યહોવા દુષ્ટોનો નાશ કરવાની સાથે ન્યાયી લોકોનું રક્ષણ પણ કરે છે.

સ્વર્ગદૂતો વચ્ચે શરૂ થયેલો બળવો જળપ્રલયથી બંધ થયો. શેતાનની સ્વાર્થી ઇચ્છાઓની અસરને લીધે ઘણા દૂતો સ્વર્ગમાં ‘રહેવાનું પોતાનું સ્થાન’ છોડીને ધરતી પર આવ્યા અને સ્ત્રીઓ સાથે સંબંધ બાંધ્યો. તેઓને નેફિલિમ એટલે રાક્ષસી બાળકો થયાં. (યહુદા ૬; ઉત્પત્તિ ૬:૪) પૃથ્વી પર યહોવાની ઉત્તમ રચના એટલે મનુષ્યોને વધુ બંડખોર બનતા જોઈને શેતાનને ખૂબ જ આનંદ થયો હશે એમાં કોઈ શંકા નથી.

જોકે, પૂરનું પાણી વધતું ગયું તેમ, એ દુષ્ટ દૂતો માણસનું રૂપ છોડી દૂતનું રૂપ લઈને સ્વર્ગમાં પાછા ગયા. એ પછી, ફરી કદી તેઓ માણસનું રૂપ લઈ શક્યા નથી. તેઓએ પોતાની પત્ની અને બાળકોને મનુષ્યો સાથે જળપ્રલયમાં મરી જવા છોડી દીધા.

એના લગભગ સાત સદીઓ પહેલાં એટલે હનોખના સમયથી, યહોવાએ મનુષ્યોને ચેતવ્યા હતા કે પોતે દુષ્ટ અને અધર્મી લોકોનો નાશ કરશે. (ઉત્પત્તિ ૫:૨૪; યહુદા ૧૪, ૧૫) એ સમયથી લોકો બગડતા ગયા, પૃથ્વીને બગાડી અને હિંસાથી ભરી દીધી. હવે તેઓ પર વિનાશ આવી પડ્યો હતો. એનાથી શું નુહ અને તેમનું કુટુંબ ખુશ થયું?

ના, તેઓ તેમ જ તેઓના દયાળુ ઈશ્વર પણ ખુશ થયા નહિ. (હઝકીએલ ૩૩:૧૧) યહોવાએ ઘણા લોકોને બચાવવા બનતું બધું જ કર્યું. તેમણે હનોખ દ્વારા ચેતવણી આપી અને નુહને વહાણ બાંધવાની આજ્ઞા કરી હતી. લોકો જોઈ શકે એમ નુહ અને તેમનું કુટુંબ દાયકાઓથી વહાણ બાંધવા તનતોડ મહેનત કરી રહ્યા હતા. એટલું જ નહિ, યહોવાએ નુહને “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે સેવા આપવાનું જણાવ્યું હતું. (૨ પીતર ૨:૫) હનોખની જેમ નુહે પણ લોકોને આવી રહેલા ન્યાયી ચુકાદા વિષે ચેતવણી આપી હતી. લોકોએ શું કર્યું? ઈસુએ સ્વર્ગમાંથી એ બનાવ જોયો હોવાથી સમય જતાં તેમણે નુહના સમયના લોકો વિષે કહ્યું: “જળપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા.”—માથ્થી ૨૪:૩૯.

કલ્પના કરો કે યહોવાએ વહાણના દરવાજા બંધ કર્યા પછી નુહના કુટુંબ માટે શરૂઆતના ૪૦ દિવસો કેવા હશે? કાન ફાડી નાખતો મુશળધાર વરસાદ વહાણ પર રાત-દિવસ પડતો હતો. આઠેય જણ મોટા ભાગે તેઓનું રોજિંદું કામ કરતા હશે. જેમ કે, એકબીજાની અને ઘરની સંભાળ રાખવી. તેમ જ, વહાણમાં રહેલા પ્રાણીઓની જીવન જરૂરિયાતો પૂરી પાડવી. એક પ્રસંગે તો આખું વહાણ ધ્રૂજવા અને ઝૂલવા લાગ્યું. વહાણ તરવા લાગ્યું. પાણી વધવા લાગ્યું અને વહાણ “પૃથ્વી પરથી ઊંચકાયું” અને ઊંચે ને ઊંચે તરવા લાગ્યું. (ઉત્પત્તિ ૭:૧૭) યહોવા ઈશ્વરની શક્તિનો કેવો અજોડ પુરાવો!

ઈશ્વરે નુહ અને તેમના કુટુંબને બચાવ્યા. એટલું જ નહિ, નાશ પામેલા લોકોને ચેતવણી આપવા તેઓનો ઉપયોગ કર્યો માટે નુહ યહોવાની કૃપાના ઘણા આભારી હશે. એક સમયે તેઓને વર્ષોથી કરેલી મહેનત નકામી લાગી હોઈ શકે. કેમ કે, લોકો જરાય સાંભળતા ન હતા! વિચાર કરો કે જળપ્રલય પહેલાં નુહના ભાઈ-બહેનો, ભત્રીજા-ભત્રીજીઓ જીવતા હોઈ શકે. તેમ છતાં, નુહના પોતાના કુટુંબ સિવાય કોઈ બચ્યું નહિ. (ઉત્પત્તિ ૫:૩૦) હવે, આઠ વ્યક્તિઓ વહાણમાં સલામત હતા. લોકોનું જીવન બચાવવા તેઓએ વર્ષોથી ચેતવણી આપી હતી એ વિચારીને તેઓને જરૂર દિલાસો મળ્યો હશે.

નુહના સમયથી આજ સુધી યહોવાના વિચારો બદલાયા નથી. (માલાખી ૩:૬) ઈસુ ખ્રિસ્તે સમજાવ્યું હતું કે આપણા સમયો ‘નુહના સમય’ જેવા છે. (માથ્થી ૨૪:૩૭) આપણો સમયગાળો અજોડ છે, જેમાં મોટી મુસીબતો આવશે જેનો દુષ્ટ જગતના અંતમાં નાશ થશે. આજે પણ ઈશ્વરના લોકો જેઓ સાંભળવા માંગે તેઓ સર્વને ચેતવણી આપી રહ્યાં છે. શું તમે તેઓનો સંદેશો સાંભળશો? જો તમે જીવન બચાવતો સંદેશો સ્વીકાર્યો હોય, તો શું તમે પણ બીજાઓને ચેતવણી આપશો? નુહ અને તેમના કુટુંબે આપણા સર્વ માટે દાખલો બેસાડ્યો છે.

‘પાણીમાંથી બચી ગયાં’

વધતા પાણીમાં વહાણ ઊંચું આવવા લાગ્યું તેમ, એમાં રહેલા દરેકે તોતિંગ લાકડાના જોરદાર તીણા ચીચવાટા સાંભળ્યા હશે. શું નુહને ચિંતા હતી કે પાણીનાં મોટાં મોજાંથી વહાણ તૂટી જશે? ના. જેઓને ભરોસો ન હોય તેઓને એવી ચિંતા થાય, જ્યારે કે નુહને ભરોસો હતો. બાઇબલ કહે છે: ‘નુહે શ્રદ્ધાથી વહાણ તૈયાર કર્યું.’ (હિબ્રૂ ૧૧:૭) શેમાં શ્રદ્ધા? યહોવાએ વચન આપીને કરાર કર્યો હતો કે નુહની સાથે જેઓ છે તેઓ સર્વને જળપ્રલયમાંથી બચાવશે. (ઉત્પત્તિ ૬:૧૮, ૧૯) જેમણે આખું વિશ્વ, પૃથ્વી અને એમાંની સઘળી ચીજ વસ્તુઓ બનાવી છે શું તે વહાણને સલામત રાખી ન શકે? ચોક્કસ રાખી શકે. નુહને પૂરેપૂરો ભરોસો હતો કે યહોવા પોતાનું વચન નિભાવશે. એવું જ થયું, તે અને તેમનું કુટુંબ ‘પાણીમાંથી બચી ગયા.’—૧ પીતર ૩:૨૦.

ચાળીસ દિવસ અને ચાળીસ રાત પૂરા થયા પછી આખરે વરસાદ બંધ થયો. આપણા કૅલેન્ડર પ્રમાણે એ લગભગ ઈસવીસન પૂર્વે ૨૩૭૦ ડિસેમ્બરનો સમય હતો. પરંતુ, વહાણમાંના કુટુંબની મુસાફરી હજુ પૂરી થઈ ન હતી. પ્રાણીઓથી ભરેલું વહાણ પર્વતો ઉપરના ઊંચા પાણીમાં તરતું રહ્યું. (ઉત્પત્તિ ૭:૧૯, ૨૦) આપણે કલ્પના કરી શકીએ કે નુહે પોતાના દીકરાઓ શેમ, હામ અને યાફેથની સાથે મળીને ભારે કામ કર્યું હશે. જેમ કે પ્રાણીઓને ખવડાવવું, સાફ કરવાં અને તંદુરસ્ત રાખવાં. હકીકતમાં, જો ઈશ્વર જંગલી પ્રાણીઓને વહાણમાં લાવી શક્યા હોય, તો તે તેઓને જળપ્રલય દરમિયાન એવી જ સ્થિતિમાં પણ રાખી શકે છે.a

નુહે દરેક બનાવની ચોક્કસ નોંધ રાખી હતી. એના પરથી જાણી શકીએ છીએ કે ક્યારે વરસાદ શરૂ થયો અને બંધ થયો. તેમ જ, પૃથ્વી ૧૫૦ દિવસ સુધી પાણીથી ઢંકાયેલી હતી. છેવટે, પાણી ઊતરવા લાગ્યું. એક દિવસે વહાણ “અરારાટ પહાડો” પર થોભ્યું, જે આજના તુર્કીમાં આવ્યા છે. એ ઈસવીસન પૂર્વે ૨૩૬૯નો એપ્રિલ મહિનો હતો. એના ૭૩ દિવસ પછી એટલે જૂનમાં એ પહાડોની ટોચ દેખાવા લાગી. એના ત્રણ મહિના પછી સપ્ટેમ્બરમાં નુહે વહાણના છાપરાનો અમુક ભાગ ખુલ્લો કરવાનું વિચાર્યું. સાચે જ, એમ કરવાથી પ્રકાશ અને તાજી હવા આવી, જેનાથી તેઓને લાભ થયો. નુહે શરૂઆતમાં તપાસ કરી કે બહારનું વાતાવરણ સલામત છે કે નહિ. તેમણે કાગડો મોકલ્યો જે ઊડીને અમુક વાર આવ-જા કરતો, વચ્ચે વચ્ચે કદાચ વહાણ પર પણ બેઠો હશે. પછી, નુહે કબૂતર મોકલ્યું, જે ઊડીને વારંવાર તેમની પાસે આવ્યું જ્યાં સુધી એને બેસવાની જગ્યા ન મળી.—ઉત્પત્તિ ૭:૨૪–૮:૧૩.

એમાં કોઈ શંકા નથી કે મુશ્કેલ સમયમાં પણ નુહે કુટુંબ તરીકે ભક્તિ કરવામાં આગેવાની લીધી હશે

નુહ માટે રોજિંદુ કામ કરવા કરતાં યહોવાની ભક્તિ મહત્ત્વની હતી એમાં કોઈ શંકા નથી. આપણે કલ્પના કરી શકીએ કે નિયમિત રીતે પ્રાર્થના કરવા અને ઈશ્વરે તેઓનું કઈ રીતે રક્ષણ કર્યું એની ચર્ચા કરવા કુટુંબ ભેગું મળતું હશે. નુહે દરેક મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં યહોવા તરફ મીટ માંડી. તે વહાણમાં લગભગ એક વર્ષથી વધુ સમય રહ્યાં; તે જોઈ શકતા હતા કે “ભૂમિ કોરી” થઈ ગઈ છે તોપણ, તેમણે એના દરવાજા ખોલીને બધાને બહાર લાવ્યા નહિ. (ઉત્પત્તિ ૮:૧૪) અરે, તેમણે તો યહોવાના હુકમની રાહ જોઈ.

આજે કુટુંબના વડીલો ઈશ્વરભક્ત નુહ પાસેથી ઘણું શીખી શકે છે. તે વ્યવસ્થિત, મહેનતુ અને ધીરજવાન હતા. તેમ જ, પોતાના હાથ નીચેના સર્વનું રક્ષણ કરી જાણતા હતા. એ ઉપરાંત, બધી જ બાબતોમાં તે હંમેશાં યહોવાની ઇચ્છા પ્રથમ મૂકતા. જો આપણે પણ બધી જ રીતે નુહની શ્રદ્ધા અનુસરીશું, તો આપણા પ્રિયજનો માટે આશીર્વાદ બનીશું.

“વહાણમાંથી નીકળો”

આખરે યહોવાએ નુહને આજ્ઞા કરી: ‘તું તથા તારી પત્ની, તારા દીકરા તથા તારા દીકરાઓની પત્નીઓ વહાણમાંથી નીકળો.’ એ આજ્ઞા માનીને પ્રથમ કુટુંબ નીકળ્યું અને પાછળ બધા પ્રાણીઓ નીકળ્યા. કેવી રીતે? જેમ તેમ નાસભાગ કરીને? ના, જરાય નહિ. અહેવાલ બતાવે છે કે “સર્વ પોતપોતાની જાત પ્રમાણે વહાણમાંથી નીકળ્યાં.” (ઉત્પત્તિ ૮:૧૫-૧૯) બહાર નીકળ્યા પછી નુહ અને તેમના કુટુંબે અરારાટ પર્વતની તાજી હવામાં શ્વાસ લીધો અને જોઈ શક્યા કે આખી પૃથ્વી શુદ્ધ થઈ ગઈ છે. રાક્ષસો, જુલમ, દુષ્ટ દૂતો અને દુષ્ટ સમાજ સર્વ નાશ પામ્યું.b મનુષ્યો પાસે નવી શરૂઆત કરવાનો સુંદર મોકો હતો.

નુહ જાણતા હતા કે તેમણે શું કરવું જોઈએ. તેમણે ઈશ્વરની ભક્તિ કરવાનું શરૂ કર્યું. તેમણે વેદી બાંધી. તેઓ વહાણમાં ‘સાત સાત’ પ્રાણીઓ લઈ ગયા, એમાંથી યહોવાની નજરે જે શુદ્ધ હતા એમાંના અમુકનું વેદી પર બાળીને યહોવાને અર્પણ કર્યું. (ઉત્પત્તિ ૭:૨; ૮:૨૦) શું એવી ભક્તિથી યહોવા ખુશ હતા?

એનો જવાબ બાઇબલ આ સુંદર શબ્દોથી આપે છે: “યહોવાને તેની સુગંધ આવી.” મનુષ્યોએ ધરતી જુલમથી ભરી હતી એ જોઈને યહોવાને ખૂબ દુઃખ થયું હતું. પણ હવે તેમની ઇચ્છા પ્રમાણે જીવવા ચાહતા કુટુંબે અર્પણ ચઢાવ્યું એની સુગંધથી યહોવાને આનંદ થયો. તેઓ કોઈ ભૂલ નહિ કરે એવી યહોવા આશા રાખતા ન હતા. કલમ આગળ જણાવે છે, “માણસના મનની કલ્પના તેના બાળપણથી ભૂંડી છે.” (ઉત્પત્તિ ૮:૨૧) યહોવાએ કઈ રીતે મનુષ્યો પ્રત્યે ધીરજથી હમદર્દી બતાવી એનો વિચાર કરો.

ઈશ્વરે ધરતી પરથી શાપ પાછો ખેંચી લીધો. આદમ અને હવાએ બંડ પોકાર્યું ત્યારે, યહોવાએ ધરતીને શાપ આપ્યો હતો એનાથી ખેતીવાડી કરવું મુશ્કેલ બન્યું હતું. લામેખે પોતાના દીકરાનું નામ નુહ પાડ્યું હતું, જેનો અર્થ કદાચ “વિસામો” અથવા “દિલાસો” થાય. લામેખે ભવિષ્યવાણી કરી હતી કે તેમનો દીકરો મનુષ્યોને એ શાપમાંથી વિસામો આપશે. નુહને એ ભવિષ્યવાણી પૂરી થતા જોઈને અને આખી ધરતીનો સહેલાઈથી ખેતીવાડીમાં ઉપયોગ કરી શકશે એ જાણીને બહુ ખુશી થઈ હશે. પછી નુહે ખેતીવાડી કરવાનું શરૂ કર્યું એમાં કોઈ નવાઈ નથી.—ઉત્પત્તિ ૩:૧૭, ૧૮; ૫:૨૮, ૨૯; ૯:૨૦.

નુહ અને તેમનું કુટુંબ વહાણમાંથી બહાર શુદ્ધ ધરતી પર આવ્યા

એ જ સમયે, યહોવાએ નુહના સર્વ વંશજોને માર્ગદર્શન આપવા અમુક સ્પષ્ટ નિયમો આપ્યા. જેમ કે, ખૂન ન કરવું અને લોહીનો દુરુપયોગ ન કરવો. ઈશ્વરે મનુષ્યો સાથે કરાર કરતા વચન આપ્યું કે પોતે ફરી કદી જળપ્રલય લાવીને પૃથ્વીનો નાશ કરશે નહિ. તેમનું વચન ભરોસાપાત્ર છે એની સાબિતી આપતા યહોવાએ મનુષ્યોને પ્રથમ વાર અજોડ કરામત ઝલક આપી. એ છે મેઘધનુષ્ય. આજે પણ જ્યારે મેઘધનુષ્ય જોઈએ છીએ ત્યારે એ દિલાસો આપે છે કે યહોવા પોતાનું વચન નિભાવશે.—ઉત્પત્તિ ૯:૧-૧૭.

જો નુહની વાર્તા દંતકથા હોય, તો એ ફક્ત મેઘધનુષ્યથી જ સમાપ્ત થઈ જાત. પરંતુ, નુહ હકીકતમાં જીવંત વ્યક્તિ હતા અને તેમનું જીવન સુખભર્યું ન હતું. તેમના જમાનામાં લોકો લાંબું જીવતા હોવાથી એ ઈશ્વરભક્ત બીજા ૩૫૦ વર્ષ જીવ્યા. એ દરમિયાન તેમણે ઘણું દુઃખ સહ્યું. એક પ્રસંગે તેમણે વધારે પડતો દારૂ પીને મોટી ભૂલ કરી. વળી, એમાં ઓછું હોય એમ તેમના પૌત્ર કનાને ગંભીર પાપ કર્યું. એનાથી તેમના કુટુંબ પર ખરાબ પરિણામ આવ્યું. નુહ લાંબું જીવ્યા હોવાથી, તેમના વંશજોએ નિમ્રોદના સમયમાં કરેલા પાપ તે જોઈ શક્યા. જેમ કે, મૂર્તિપૂજા અને જુલમ. બીજી તર્ફે, નુહ એ પણ જોઈ શક્યા કે તેમના દીકરા શેમે પોતાના કુટુંબ માટે યહોવાની ભક્તિમાં સરસ દાખલો બેસાડ્યો છે.—ઉત્પત્તિ ૯:૨૧-૨૮; ૧૦:૮-૧૧; ૧૧:૧-૧૧.

મુશ્કેલ સંજોગોમાં આપણે પણ નુહની જેમ મજબૂત શ્રદ્ધા રાખવી જોઈએ. આપણી આજુબાજુના લોકો યહોવાને અવગણે કે પછી તેમની ભક્તિ કરવાનું છોડી દે, તોય નુહની જેમ આપણે ભક્તિમાં ચાલુ રહેવું જોઈએ. ભક્તિમાં અડગ રહીશું તો યહોવાની નજરમાં એ કીમતી ગણાશે. ઈસુએ કહ્યું તેમ “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.”—માથ્થી ૨૪:૧૩.

a ઘણા લોકોનું માનવું છે કે શિયાળા દરમિયાન પ્રાણીઓ સુસ્તીમાં હોય એવી સ્થિતિમાં ઈશ્વરે તેઓને રાખ્યા હશે, જેથી ખોરાકની બહુ જરૂર ન પડે. ઈશ્વરે એમ કર્યું કે નહિ એ આપણે જાણતા નથી. પણ તેમણે પોતાનું વચન નિભાવીને વહાણમાં રહેનારા સર્વને બચાવ્યા અને રક્ષણ કર્યું.

b જળપ્રલયથી ધરતી પરના અસલ એદન બાગનું નામનિશાન મટી ગયું. એટલે, એના દરવાજા આગળ ચોકી કરતા કરૂબો પાછા સ્વર્ગમાં જતા રહ્યાં. તેઓએ ત્યાં ૧,૬૦૦ વર્ષ ચોકી કરી હતી.—ઉત્પત્તિ ૩:૨૨-૨૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો