વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૪/૧૫ પાન ૩-૭
  • મુસાની શ્રદ્ધાને અનુસરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મુસાની શ્રદ્ધાને અનુસરીએ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • તેમણે પોતાની ઇચ્છાઓ જતી કરી
  • તેમણે ભક્તિમાં મળતા લહાવાને કીમતી ગણ્યા
  • ‘જે ફળ મળવાનું હતું એ તરફ જ તેમણે લક્ષ રાખ્યું’
  • મુસાની શ્રદ્ધા મજબૂત હતી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • શું તમે “અદૃશ્યને” જુઓ છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • યહોવાહના માર્ગો જાણો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • મુસા પ્રેમાળ હતા
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૪/૧૫ પાન ૩-૭
મુસાને ઇજિપ્તનું શિક્ષણ અપાઈ રહ્યું છે

મુસાની શ્રદ્ધાને અનુસરીએ

“વિશ્વાસથી મુસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી.”—હિબ્રૂ ૧૧:૨૪.

મુસાના દાખલા પરથી બતાવો કે . . .

  • કાયમી અને ક્ષણિક ભાવિ માટે યોજના કરવામાં શું તફાવત છે?

  • આપેલી સોંપણીમાં સફળ કરવા યહોવા આપણને કઈ રીતે મદદ કરે છે?

  • જે આશીર્વાદો આપણને મળવાના છે, એના તરફ શા માટે લક્ષ રાખવું જોઈએ?

૧, ૨. (ક) મુસાએ ૪૦ વર્ષની ઉંમરે કેવો નિર્ણય લીધો? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) મુસાએ શા માટે ઈશ્વરના લોકો સાથે સહન કરવાનું પસંદ કર્યું?

મુસા જાણતા હતા કે ઇજિપ્તમાં (મિસર) તેમના માટે કેવું ભાવિ રહેલું છે. ધનવાનોનાં ભવ્ય ઘરો તેમણે જોયાં હતાં. તેમનો ઉછેર રાજવી પરિવારમાં થયો હતો. મુસાને કલા, ખગોળ વિદ્યા, ગણિત અને બીજા વિજ્ઞાનો જેવી “મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી.” (પ્રે.કૃ. ૭:૨૨) મુસા રાજ્યની એવી સંપત્તિ, લહાવા અને સત્તા મેળવી શક્યા હોત, જેની કલ્પના ત્યાંની એક સામાન્ય વ્યક્તિ કરી પણ ન શકતી!

૨ છતાં, ૪૦ વર્ષની ઉંમરે મુસાએ એવો નિર્ણય લીધો જેનાથી રાજવી પરિવારને આંચકો લાગ્યો. મુસાએ એવું જીવન પસંદ કર્યું જે ઇજિપ્તની એક સામાન્ય વ્યક્તિ જેવું પણ ન હતું. અરે, તેમણે દાસો સાથે જીવવાનું પસંદ કર્યું! શા માટે? કારણ કે મુસાને શ્રદ્ધા હતી. (હિબ્રૂ ૧૧:૨૪-૨૬ વાંચો.) શ્રદ્ધાની નજરથી તે એ જોઈ શક્યા જે જગતના લોકો જોઈ શક્યા નહિ. એક ઈશ્વરભક્ત તરીકે, મુસાને “અદૃશ્ય” યહોવા પર પૂરો ભરોસો હતો અને તેમનાં વચનો પૂરાં થશે એવી ખાતરી પણ હતી.—હિબ્રૂ ૧૧:૨૭.

૩. આ લેખમાં કયા ત્રણ સવાલોના જવાબ મેળવીશું?

૩ આપણે પણ નજર સામે જે દેખાય એના કરતાં કંઈક વધુ જોવાની જરૂર છે. આપણે પણ ‘શ્રદ્ધા રાખવાની’ જરૂર છે. (હિબ્રૂ ૧૦:૩૮, ૩૯) શ્રદ્ધાને મજબૂત કરવા ચાલો મુસા વિશે હિબ્રૂ ૧૧:૨૪-૨૬માં જે લખ્યું છે, એના પર વિચાર કરીએ. એમ કરતી વખતે આપણે આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું: પોતાની ઇચ્છાઓને નકારવા મુસાને શ્રદ્ધા દ્વારા કેવી મદદ મળી? નિંદા થઈ ત્યારે પણ ભક્તિના લહાવાની કદર કરવા તેમને શ્રદ્ધા દ્વારા કેવી મદદ મળી? મુસાએ શા માટે ‘જે ફળ મળવાનું હતું એ તરફ જ લક્ષ્ય રાખ્યું?’

તેમણે પોતાની ઇચ્છાઓ જતી કરી

૪. ‘પાપનું સુખ’ ભોગવવા વિશે મુસા શું સમજી શક્યા?

૪ મુસાએ શ્રદ્ધાની નજરે જોયું કે ‘પાપનું સુખ’ ક્ષણભર માટે છે. બીજી બાજુ, અમુક લોકોએ વિચાર્યું હશે કે મૂર્તિપૂજા અને પિશાચવાદમાં ડૂબેલું હોવા છતાં, ઇજિપ્ત જગત સત્તા બન્યું. જ્યારે કે, ઈશ્વરના લોકોને ગુલામ બની દુઃખ ભોગવવું પડ્યું. જોકે, મુસા જાણતા હતા કે ઈશ્વર બાબતો પલટી શકે છે. તે સમયના બેફિકર લોકોને જોઈને લાગતું કે તેઓ વૃદ્ધિ પામી રહ્યા છે. છતાં, મુસાને શ્રદ્ધા હતી કે દુષ્ટોનો નાશ થશે અને એના લીધે, તે ‘પાપનું ક્ષણિક સુખ ભોગવવા’ લલચાયા નહિ.

૫. ‘પાપનું ક્ષણિક સુખ ભોગવવાʼની લાલચ કઈ રીતે ટાળી શકાય?

૫ તમે ‘પાપનું ક્ષણિક સુખ ભોગવવાʼની લાલચ કઈ રીતે ટાળી શકો? ભૂલશો નહિ કે પાપનું સુખ થોડાક સમય માટે જ હોય છે. શ્રદ્ધાની આંખોથી જોશો તો જાણી શકશો કે ‘જગત અને એની ઇચ્છાઓ’ નાશ તરફ જઈ રહ્યાં છે. (૧ યોહા. ૨:૧૫-૧૭) પાપનો પસ્તાવો ન કરનાર વ્યક્તિઓનું શું થશે, એના પર વિચાર કરો. તેઓ “લપસણી જગામાં” છે અને ‘એક ક્ષણમાં નષ્ટ થાય છે.’ (ગીત. ૭૩:૧૮, ૧૯) પાપ કરવા તરફ તમે લલચાઓ ત્યારે, વિચાર કરો કે ‘હું પોતાના માટે કેવું ભાવિ ઇચ્છું છું?’

૬. (ક) મુસાએ શા માટે “ફારૂનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી?” (ખ) તમને શા માટે લાગે છે કે મુસાએ યોગ્ય નિર્ણય લીધો?

૬ મુસાએ કારકિર્દીની પસંદગી પણ પોતાની શ્રદ્ધાના આધારે કરી. “વિશ્વાસથી મુસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવા ના પાડી.” (હિબ્રૂ ૧૧:૨૪) મુસાએ એવી દલીલ ન કરી કે, રાજમહેલમાં હોદ્દો મેળવીને તે યહોવાની સેવા કરશે. અને પછી, જે ધન-સંપત્તિ અને લહાવાઓ મળે એનાથી ઈસ્રાએલી ભાઈઓને મદદ કરશે. એના બદલે, મુસાએ યહોવાને પૂરાં મન, જીવ અને શક્તિથી પ્રેમ કરવાનો નિશ્ચય કર્યો. (પુન. ૬:૫) એ નિર્ણયના લીધે મુસા તકલીફોમાં સપડાઈ જવાથી બચી શક્યા. કારણ કે, ઇજિપ્તની ઘણી ધન-સંપત્તિ જલદી જ ખુદ ઈસ્રાએલીઓ દ્વારા લૂંટી લેવાઈ હતી. (નિર્ગ. ૧૨:૩૫, ૩૬) ફારૂનને શરમજનક હાર અનુભવી પડી અને તેનો નાશ થયો. (ગીત. ૧૩૬:૧૫) જ્યારે કે, મુસા બચી ગયા અને યહોવાએ તેમનો ઉપયોગ પોતાના લોકોને સલામતી તરફ દોરવા કર્યો. ખરેખર, મુસાના જીવનને સાચી દિશા મળી.

૭. (ક) માથ્થી ૬:૧૯-૨૧ પ્રમાણે આપણે શા માટે કાયમી હોય એવા ભાવિ વિશે યોજના કરવી જોઈએ? (ખ) કાયમી અને ક્ષણિક ભાવિનો તફાવત બતાવતો અનુભવ જણાવો.

૭ જો તમે પણ યહોવાના યુવાન ભક્ત હો, તો તમારી શ્રદ્ધા તમને કઈ રીતે કારકિર્દી પસંદ કરવા મદદ કરશે? ભાવિ વિશે યોજના કરવામાં સમજદારી છે. પરંતુ, યહોવાનાં વચનોમાં શ્રદ્ધા હોવાથી શું તમે એવું ભાવિ પસંદ કરશો જે કાયમી હોય, ક્ષણિક નહિ? (માથ્થી ૬:૧૯-૨૧ વાંચો.) એવા સવાલનો સામનો સોફી નામના બહેનને કરવો પડ્યો. તે બૅલે નામનો ડાન્સ કરવામાં બહુ કુશળ હતાં. તેમને અમેરિકાની કેટલીક બૅલે કંપનીઓ દ્વારા અનેક સ્કૉલરશિપ અને ઊંચી કારકિર્દી બનાવવાની તક મળી. તે જણાવે છે, ‘વખાણ સાંભળવા ખૂબ જ રોમાંચક લાગતું. અરે, હું તો મારા મિત્રો કરતાં ઊંચા હોદ્દે છું, એવું અનુભવતી. પણ, હું ખુશ ન હતી.’ પછી સોફીએ યંગ પીપલ આસ્ક—વૉટ વિલ આઈ ડૂ વિથ માઈ લાઇફ? વિડીયો જોયો. તે જણાવે છે, ‘હું સમજી શકી કે દુનિયાએ મને નામના અને સફળતા તો આપી છે, પણ યહોવાની દિલથી ભક્તિ કરતા મને અટકાવી છે. તેથી, મેં યહોવાને દિલથી પ્રાર્થનાઓ કરી અને કારકિર્દી જતી કરી.’ સોફીને એ નિર્ણય વિશે કેવું લાગે છે? તે કહે છે, ‘મને મારું એ જીવન ક્યારેય યાદ આવતું નથી. આજે હું સો ટકા ખુશ છું. મારાં પતિ સાથે પાયોનિયરીંગ કરું છું. ખરું કે, પહેલાંની જેમ આજે અમારી પાસે નામના અને પૈસો નથી. પરંતુ, અમારી પાસે યહોવા છે, બાઇબલ વિદ્યાર્થીઓ છે અને ભક્તિને લગતા ધ્યેયો છે. મને કશાનો અફસોસ નથી.’

૮. યુવાન વ્યક્તિને કારકિર્દી વિશે નિર્ણય લેવા બાઇબલની કઈ સલાહ મદદ કરી શકે?

૮ યહોવા જાણે છે કે તમારા માટે સૌથી સારું શું છે. મુસાએ કહ્યું હતું: ‘તમે યહોવાનો ડર રાખો, તેમના સર્વ માર્ગોમાં ચાલો, ને તેમના પર પ્રીતિ કરો, ને પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી યહોવાની સેવા કરો અને તેમની જે આજ્ઞાઓ તથા નિયમો હું તમારા ભલા માટે આજે ફરમાવું છું તે તમે પાળો, એ સિવાય ઈશ્વર તમારી પાસે શું માગે છે?’ (પુન. ૧૦:૧૨, ૧૩) તમારી યુવાનીના સમયમાં એવી કારકિર્દી પસંદ કરો જે તમને યહોવાને પ્રેમ કરવામાં અને ‘પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી’ તેમની ભક્તિ કરવામાં મદદ કરે. તમે ખાતરી રાખી શકો કે એવી કારકિર્દી ‘તમારા પોતાના ભલા માટે’ હશે.

તેમણે ભક્તિમાં મળતા લહાવાને કીમતી ગણ્યા

૯. સમજાવો કે મુસાને સોંપણી સ્વીકારવી કેમ અઘરી લાગી હશે.

૯ મુસાએ “ઈશ્વરના અભિષિક્તને ખાતર વેઠેલાં અપમાનને મિસરના ભંડાર કરતાં મોટી સંપત્તિ માની.” (હિબ્રૂ ૧૧:૨૬, સંપૂર્ણ) ઈશ્વરે ઈસ્રાએલને ઇજિપ્તમાંથી કાઢી લાવવા મુસાને “અભિષિક્ત” એટલે કે “ખ્રિસ્ત” તરીકે પસંદ કર્યા. મુસાને જાણ હતી કે તેમની એ સોંપણી અઘરી હશે, અરે “અપમાન” પણ સહેવું પડશે. એક ઈસ્રાએલી વ્યક્તિએ અગાઉ મુસાનું અપમાન કરતા કહ્યું હતું, “તને અમારા ઉપર સરદાર તથા ન્યાયાધીશ કોણે ઠરાવ્યો?” (નિર્ગ. ૨:૧૩, ૧૪) પછીથી, મુસાએ પોતે યહોવાને પૂછ્યું હતું, “ફારૂન મારું કેમ સાંભળશે?” (નિર્ગ. ૬:૧૨) એવા અપમાનને સહન કરવાની તૈયારી અને સામનો કરવા મુસાએ પોતાની બીક અને ચિંતાઓ યહોવાને જણાવી. એ અઘરી સોંપણીને હાથ ધરવામાં યહોવાએ મુસાને કઈ રીતે મદદ કરી?

૧૦. મુસાને સોંપણી પૂરી કરવામાં યહોવાએ કઈ રીતે જરૂરી મદદ આપી?

૧૦ પ્રથમ તો યહોવાએ મુસાને ખાતરી આપી કે, “હું નિશ્ચે તારી સાથે હોઈશ.” (નિર્ગ. ૩:૧૨) બીજું કે, તેમણે પોતાના નામના અર્થનું આ એક પાસું જણાવીને મુસાની હિંમત બાંધી: “હું જે છું તે છું.”a (નિર્ગ. ૩:૧૪) ત્રીજું કે, તેમણે મુસાને ચમત્કાર કરવાની શક્તિ આપી, જેથી સાબિત થાય કે ઈશ્વરે મુસાને મોકલ્યા છે. (નિર્ગ. ૪:૨-૫) ચોથું કે, યહોવાએ મુસાને એક સાથી આપ્યા, જે હારૂન હતા. હારૂન મુસાને મળેલી સોંપણીમાં સાથ આપતા અને મુસા વતી બોલતા. (નિર્ગ. ૪:૧૪-૧૬) મુસા પોતાના જીવન દરમિયાન જોઈ શક્યા કે યહોવા પોતાના સેવકોને જે સોંપણી આપે છે એને પૂરી કરવામાં મદદ પણ કરે છે. તેથી, મુસા યહોશુઆને ખાતરી આપી શક્યા કે: ‘જે તારી આગળ જાય છે તે તો યહોવા છે; તે તારી સાથે રહેશે. તે તને છોડી દેશે નહિ કે તજી દેશે નહિ. તેથી, બીશ કે ગભરાઈશ નહિ.’—પુન. ૩૧:૮.

૧૧. મુસાએ શા માટે સોંપણીને કીમતી ગણી?

૧૧ મુસા એ અઘરી સોંપણીને યહોવાની મદદને લીધે કીમતી ગણી શક્યા. અરે, તેમના માટે એ સોંપણી “મિસરમાંના દ્રવ્યભંડાર કરતાં” પણ મૂલ્યવાન હતી. અને કેમ ન હોય, આખરે સર્વોપરી યહોવાની સેવા સામે ફારૂનની ચાકરીની વિસાત શું? યહોવાના “ખ્રિસ્ત” કે અભિષિક્ત બનવાની સામે ઇજિપ્તમાં રાજકુમાર બનવાની વિસાત શું? કદર કરવાનું વલણ બતાવવાથી મુસાને ખૂબ સારું ફળ મળ્યું. તેમને યહોવા સાથે ગાઢ સંબંધ માણવાનો લહાવો મળ્યો. તેમ જ, ઈસ્રાએલીઓને વચનના દેશમાં દોરી જતી વખતે ‘સર્વ અદ્‍ભુત કામો’ કરવાની યહોવાએ તેમને શક્તિ આપી.—પુન. ૩૪:૧૦-૧૨.

૧૨. યહોવાએ આપણને કયા લહાવા આપ્યા છે?

૧૨ આપણને પણ એક સોંપણી મળેલી છે. યહોવાએ તેમના પુત્ર ઈસુ દ્વારા આપણને ખુશખબર ફેલાવવાની સોંપણી આપી છે, જે તેમણે પાઊલ અને બીજા શિષ્યોને પણ આપી હતી. (૧ તીમોથી ૧:૧૨-૧૪ વાંચો.) એ સોંપણીનો લહાવો આપણે બધા માણી શકીએ છીએ. (માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦) અમુક ભાઈ-બહેનો પૂરા સમયની સેવા આપે છે. બીજા અમુક અનુભવી ભાઈઓ મંડળમાં સેવકાઈ ચાકરો અને વડીલો તરીકેની સેવા આપે છે. બની શકે કે સત્યમાં ન હોય એવાં તમારા સગાં અને બીજાઓ તમારી સેવાના લહાવા પર સવાલ ઉઠાવે. અરે, કદાચ તેઓ સેવા માટે આપેલા તમારા ભોગની નિંદા પણ કરે. (માથ. ૧૦:૩૪-૩૭) તેઓના એવા વલણથી કદાચ નિરાશ થઈ જવાય. જો એમ થવા દેશો તો આવા વિચારો આવી શકે: “શું મારે એવો ભોગ આપવો જોઈએ? શું મારે ખરેખર એ સોંપણીમાં લાગુ રહેવું જોઈએ?” જો એવું લાગે, તો સોંપણીમાં ટકી રહેવા તમારી શ્રદ્ધા કઈ રીતે મદદ કરી શકે?

૧૩. આપણી સોંપણી પૂરી કરવામાં યહોવા કઈ રીતે મદદ કરે છે?

૧૩ મદદ માટે શ્રદ્ધા સાથે યહોવાને અરજ કરો. તમારી બીક અને ચિંતા યહોવાને જણાવો. આખરે, તેમણે જ એ સોંપણી તમને આપી છે અને તે જ એને પૂરી કરવામાં મદદ પણ આપશે. કઈ રીતે? તેમણે મુસાને જે રીતે મદદ આપી એ રીતે. પહેલું કે, યહોવા તમને ખાતરી આપે છે: ‘હું તને બળવાન કરીશ અને તને સહાય કરીશ. હું મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખીશ.’ (યશા. ૪૧:૧૦) બીજું કે, તે આમ કહીને તમને યાદ અપાવે છે કે તેમનાં વચનો ભરોસાપાત્ર છે: “હું બોલ્યો છું અને તે પાર પણ પાડીશ; મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.” (યશા. ૪૬:૧૧) ત્રીજું કે, યહોવા તમને તમારી સોંપણી પૂરી કરવા “પરાક્રમની અધિકતા” આપે છે. (૨ કોરીં. ૪:૭) ચોથું કે, તમારી સોંપણીમાં ટકી રહેવા મદદ મળે માટે આપણા પ્રેમાળ પિતાએ જગત ફરતે ભાઈ-બહેનો આપ્યાં છે. સાચી ભક્તિ કરનાર તેઓ ‘અરસપરસ સુબોધ કરવામાં અને એકબીજાને દૃઢ કરવામાં’ આપણને મદદ કરે છે. (૧ થેસ્સા. ૫:૧૧) તમારી સોંપણી પૂરી કરવામાં યહોવા મદદ કરતા જશે તેમ, તમારી શ્રદ્ધા વધુ મજબૂત થશે. પરિણામે, તમે પણ ભક્તિમાં મળતા લહાવાને દુનિયાની કોઈ પણ ધન-દોલત કરતાં મૂલ્યવાન ગણશો.

‘જે ફળ મળવાનું હતું એ તરફ જ તેમણે લક્ષ રાખ્યું’

૧૪. મુસાને શા માટે ખાતરી હતી કે ઇનામ મળશે?

૧૪ મુસાએ ‘જે ફળ મળવાનું હતું એ તરફ જ લક્ષ રાખ્યું.’ (હિબ્રૂ ૧૧:૨૬) તેમને ભાવિ વિશે ઘણી બાબતો ખબર ન હતી. છતાં, તે જે જાણતા હતા એના આધારે નિર્ણયો લીધા. તેમના પૂર્વજ ઈબ્રાહીમની જેમ મુસાને ભરોસો હતો કે ગુજરી ગયેલાઓને યહોવા સજીવન કરી શકે છે. (લુક ૨૦:૩૭, ૩૮; હિબ્રૂ ૧૧:૧૭-૧૯) મુસાને પોતાનો જીવ બચાવવા ૪૦ વર્ષ ભટકતા રહેવું પડ્યું અને બીજાં ૪૦ વર્ષ અરણ્યમાં પસાર કરવાં પડ્યાં. છતાં, યહોવાએ જે આશીર્વાદો વિશે કહ્યું હતું, એમાં પૂરો ભરોસો હોવાથી મુસાએ એ વર્ષોને નકામાં ગણ્યાં નહિ. યહોવા પોતાનાં વચનો કઈ રીતે પૂરાં કરશે, એ વિશે મુસા પાસે બધી વિગતો ન હતી. છતાં, જે આશીર્વાદો મળવાના હતા એ શ્રદ્ધાની નજરે તે જોઈ શક્યા.

૧૫, ૧૬. (ક) શા માટે આપણે ‘ફળ તરફ લક્ષ’ રાખવું જોઈએ? (ખ) ઈશ્વરના રાજ્યમાં તમે કેવા આશીર્વાદો મેળવવાની રાહ જુઓ છો?

૧૫ શું તમે પણ ‘જે ફળ મળવાનું છે એ તરફ જ લક્ષ રાખો છો?’ યહોવા કઈ રીતે પોતાનાં વચનો પૂરાં કરશે, એ વિશે મુસાની જેમ આપણી પાસે પણ હાલમાં બધી વિગતો નથી. દાખલા તરીકે, મોટી વિપત્તિનો ‘સમય ક્યારે આવશે એ આપણે જાણતા નથી.’ (માર્ક ૧૩:૩૨, ૩૩) છતાં, આવનાર બાગ જેવી સુંદર પૃથ્વી પર જીવન કેવું હશે, એ વિશે આપણે મુસા કરતાં વધુ જાણીએ છીએ. ખરું કે, બધી વિગતો નથી છતાં, ઈશ્વરના રાજ્યમાં જીવન કેવું હશે એને લગતાં પૂરતાં વચનો છે. ઈશ્વરનાં એ વચનો તરફ આપણે ‘લક્ષ રાખવું’ જોઈએ. નવી દુનિયાના જીવન વિશે કલ્પના કરવાથી આપણને રાજ્યને પ્રથમ રાખવા ઉત્તેજન મળશે. કઈ રીતે? વિચારો કે તમે શું એવું ઘર ખરીદશો જેના વિશે ખાસ કંઈ જાણતા નથી? કદી નહિ! એવી જ રીતે, આપણે પણ એવી બાબતો મેળવવા ન પ્રેરાઈ શકીએ જે આપણને હકીકત ન લાગે. તેથી, આપણી શ્રદ્ધા એવી હોવી જોઈએ કે રાજ્યમાં મળનાર જીવનને સ્પષ્ટ જોવા અને એના પર જ લક્ષ રાખવા મદદ કરે.

એક તરુણ છોકરો બાઇબલ વાર્તાઓ વાંચતા કલ્પના કરી રહ્યો છે કે, પોતે નવી દુનિયામાં એક ઈશ્વરભક્ત સાથે વાત કરી રહ્યો છે

મુસા અને બીજા વિશ્વાસુ ઈશ્વરભક્તો સાથે વાત કરવી કેટલી રોમાંચક હશે! (ફકરો ૧૬ જુઓ)

૧૬ યહોવાના રાજ્યને વધુ સ્પષ્ટ જોવા, સુંદર પૃથ્વી પરના તમારા જીવનને ‘લક્ષમાં રાખો.’ એના વિશે કલ્પના કરતા રહો. દાખલા તરીકે, ઈસુ પહેલાંના ઈશ્વરભક્તો વિશે અભ્યાસ કરો ત્યારે, વિચારો કે તેઓના સજીવન થયા પછી, તેઓ પાસેથી તમે શું જાણવા માંગશો. એ પણ કલ્પના કરો કે તેઓ અંતના સમયમાં તમારા જીવન વિશે તમને કઈ બાબતો પૂછી શકે. એ સમયના આનંદ અને ઉત્સાહની કલ્પના કરો જ્યારે સદીઓ અગાઉ થઈ ગયેલા તમારા પૂર્વજોને તમે મળશો અને યહોવાએ તેઓ માટે જે બધું કર્યું એના વિશે શીખવશો. તમે શાંતિ-સલામતીના વાતાવરણમાં જંગલી પ્રાણીઓ વિશે વધુ જાણશો ત્યારે થનાર આનંદની કલ્પના કરો. સંપૂર્ણ થતા જશો તેમ યહોવાની વધારે નજીક હોવાનો જે અનેરો અનુભવ થશે એનો જરા વિચાર કરો.

૧૭. આપણને જે આશીર્વાદો મળવાના છે, એનું સ્પષ્ટ ચિત્ર ધ્યાનમાં રાખવાથી આજે કઈ રીતે મદદ મળે છે?

૧૭ આપણને જે આશીર્વાદો મળવાના છે, એનું સ્પષ્ટ ચિત્ર ધ્યાનમાં રાખવાથી ભક્તિમાં ટકી રહેવા, આનંદી રહેવા મદદ મળશે. ઉપરાંત આપણે હંમેશ માટેના જીવનને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઈ શકીશું. પાઊલે અભિષિક્તોને લખ્યું, “આપણે જે જોતા નથી તેની આશા જ્યારે રાખીએ છીએ, ત્યારે ધીરજથી તેની વાટ જોઈએ છીએ.” (રોમ. ૮:૨૫) એ સિદ્ધાંત, પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખતાં ભાઈ-બહેનોને પણ લાગુ પડે છે. એ આશીર્વાદો હાલમાં આપણને મળ્યા નથી, તોપણ આપણી શ્રદ્ધા એટલી મજબૂત છે કે ‘જે ફળ મળવાનું છે’ એની આપણે ધીરજથી રાહ જોઈએ છીએ. મુસાની જેમ આપણે પણ યહોવાની ભક્તિમાં વિતાવેલા પોતાનાં જીવનને નકામાં ગણતાં નથી. એના બદલે આપણે તો ખાતરી રાખીએ છીએ કે ‘જે દૃશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદૃશ્ય છે તે સદા માટે છે.’—૨ કોરીંથી ૪:૧૬-૧૮ વાંચો.

૧૮, ૧૯. (ક) શ્રદ્ધા જાળવવા આપણે શા માટે લડત આપવી પડે છે? (ખ) આવતા લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૧૮ શ્રદ્ધાને લીધે આપણને “અદૃશ્ય વસ્તુઓની સાબિતી” પારખવા મદદ મળે છે. (હિબ્રૂ ૧૧:૧) જેઓને દુનિયાની બાબતોમાં વધારે રસ છે, તેઓ યહોવાની ભક્તિના લહાવાની કિંમત જાણી શકતા નથી. એવા લોકોને યહોવાની ભક્તિનો એ લહાવો ‘મૂર્ખતા જેવો લાગે છે.’ (૧ કોરીં. ૨:૧૪) આપણે હંમેશ માટેના જીવનનો આનંદ માણવાની અને સજીવન થનારાઓને જોવાની આશા રાખીએ છીએ. જ્યારે કે, દુનિયાના લોકો એની કલ્પના પણ કરી શકતા નથી. પાઊલના સમયમાં ફિલસૂફી કરનારા લોકોએ તેમને અમથો ‘લવારો કરનાર’ કહ્યા. તેઓની જેમ આજના સમયમાં પણ ઘણા લોકો માને છે કે જે આશા વિશે આપણે શીખવીએ છીએ એ તો બસ મૂર્ખામી છે.—પ્રે.કૃ. ૧૭:૧૮.

૧૯ આપણે શ્રદ્ધા ન રાખનારી દુનિયામાં રહીએ છીએ માટે શ્રદ્ધા જાળવવા લડત આપવી પડે છે. યહોવાને પ્રાર્થના કરો કે આપણામાં “વિશ્વાસ ખૂટે નહિ.” (લુક ૨૨:૩૨) મુસાની જેમ, આપણે આ બાબતો વિશે સજાગ રહીએ: પાપનાં ખરાબ પરિણામો, યહોવાની ભક્તિનો લહાવો અને હંમેશ માટેના જીવનની આશા. શું આપણે મુસાના જીવનમાંથી બસ એટલું જ શીખી શકીએ? ના. હજી પણ એક બાબત છે, જેની આપણે આવતા લેખમાં ચર્ચા કરીશું. આપણે શીખીશું કે કઈ રીતે શ્રદ્ધાની મદદથી મુસા ‘અદૃશ્યને’ જોઈ શક્યા.—હિબ્રૂ ૧૧:૨૭.

a નિર્ગમન ૩:૧૪ના શબ્દોને સમજાવતા બાઇબલના એક વિદ્વાને યહોવા વિશે લખ્યું: ‘તેમને પોતાની ઇચ્છા પૂરી કરવાથી કંઈ રોકી શકે નહિ. યહોવા નામ ઈસ્રાએલીઓ માટે એક કિલ્લો હતું, જ્યાં કાયમ આશા અને દિલાસો મળી રહે એવું સ્થાન હતું.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો