વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૭/૧૫ પાન ૨૮-૩૨
  • “તમે મારા સાક્ષી થશો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તમે મારા સાક્ષી થશો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • “ઈશ્વરનાં મોટાં કામો”
  • ‘ઘણા લોકો માટે કિંમત ચૂકવી’
  • ‘સુવાર્તા પ્રગટ કરવાને હિંમતવાન થઈએ’
  • ઈસુની પ્રેમાળ પ્રાર્થનાની સુમેળમાં ચાલીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • ઈસુની જેમ પ્રચાર કરો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • ઈસુને પગલે ચાલીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • સર્વ પ્રજાઓને રાજ્યનો સંદેશ જણાવતા સાક્ષીઓ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૭/૧૫ પાન ૨૮-૩૨
યહોવાના સાક્ષીઓ એક સંમેલનમાં

“તમે મારા સાક્ષી થશો”

‘ઈસુએ તેઓને કહ્યું, કે પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.’—પ્રે.કૃ. ૧:૭, ૮.

તમારો જવાબ શો છે?

  • કઈ રીતે ઈસુ પોતાના નામના અર્થના સુમેળમાં જીવ્યા?

  • ઈસુએ શા માટે કહ્યું કે, “તમે મારા સાક્ષી થશો?”

  • આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે સાક્ષી આપવાના કામમાં સફળતા મળશે જ?

૧, ૨. (ક) “વિશ્વાસુ તથા ખરો સાક્ષી” કોણ છે? (ખ) ઈસુ નામનો શો અર્થ થાય અને કઈ રીતે તે પોતાના નામની સુમેળમાં જીવ્યા?

“એ જ માટે હું જન્મ્યો છું, અને એ જ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિશે હું સાક્ષી આપું.” (યોહાન ૧૮:૩૩-૩૭ વાંચો.) ઈસુ પર મુકદ્દમો ચાલતો હતો ત્યારે તેમણે એ શબ્દો યહુદાના રોમન ગવર્નર પીલાતને કહ્યા હતા. એ બનાવનાં કેટલાક વર્ષો પછી, પ્રેરિત પાઊલે ઈસુએ બતાવેલી એ હિંમતનો ઉલ્લેખ કર્યો. તેમણે ઈસુને “પોંતિયસ પીલાતની આગળ સારો ઇકરાર કરનાર [સારી સાક્ષી આપનાર]” કહ્યા. (૧ તીમો. ૬:૧૩) સાચે જ, નફરતથી ભરેલી શેતાનની આ દુનિયામાં “વિશ્વાસુ તથા ખરો સાક્ષી” બની રહેવું ઘણી હિંમત માંગી લે છે.—પ્રકટી. ૩:૧૪.

૨ બધા જ યહુદીઓ યહોવાના સાક્ષી ગણાતા હતા. આમ, યહુદી હોવાથી ઈસુ પણ જન્મથી જ યહોવાના સાક્ષી હતા. (યશા. ૪૩:૧૦) અરે, તે તો સૌથી મોટા સાક્ષી થયા. ઈસુના જન્મ પહેલાં એક દૂતે યુસફને જણાવ્યું કે મરિયમને “દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે; કેમ કે જે પોતાના લોકોને તેઓનાં પાપથી તારશે તે એ જ છે.” (માથ. ૧:૨૦, ૨૧) મોટા ભાગના બાઇબલ નિષ્ણાતો સ્વીકારે છે કે “ઈસુ” નામ એક હિબ્રૂ શબ્દ “યેશુઆ” પરથી આવ્યું છે, જેનો અર્થ થાય: “યહોવા તારણ છે.” ઈસુ હંમેશાં પોતાના નામની સુમેળમાં જીવ્યા. તેમણે “ઈસ્રાએલના ઘરનાં ખોવાએલાં ઘેટાં”ને પોતાનાં પાપનો પસ્તાવો કરીને યહોવા સાથે સંબંધ ફરી બાંધવામાં મદદ કરી. (માથ. ૧૦:૬; ૧૫:૨૪; લુક ૧૯:૧૦) એ માટે ઈસુએ ઈશ્વરના રાજ્યની સાક્ષી બહુ જ ઉત્સાહથી આપી. શિષ્ય માર્કે લખ્યું: ‘ઈસુ ગાલીલમાં આવ્યા અને ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરતાં તેમણે કહ્યું, કે સમય પૂરો થયો છે અને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો.’ (માર્ક ૧:૧૪, ૧૫) અરે, ઈસુએ યહુદી ધર્મગુરુઓની ખોટી બાબતો પણ હિંમતથી ખુલ્લી પાડી. એ પણ એક કારણ હતું જેના લીધે તેઓએ ઈસુને વધસ્તંભે લટકાવીને મારી નાખ્યા.—માર્ક ૧૧:૧૭, ૧૮; ૧૫:૧-૧૫.

“ઈશ્વરનાં મોટાં કામો”

૩. ઈસુના મરણના ત્રીજા દિવસે શું બન્યું?

૩ પરંતુ, એક મોટો ચમત્કાર બન્યો! ક્રૂર રીતે મારવામાં આવેલા ઈસુને યહોવાએ ત્રીજે દિવસે સ્વર્ગદૂત જેવા શરીરમાં સજીવન કર્યા. (૧ પીત. ૩:૧૮) સજીવન થયા છે એની સાબિતી આપવા ઈસુ માણસના રૂપમાં પોતાના શિષ્યોને દેખાયા. સજીવન થયા એ દિવસે, તે શિષ્યોને ઓછામાં ઓછી પાંચ વાર, જુદી જુદી જગ્યાએ દેખાયા.—માથ. ૨૮:૮-૧૦; લુક ૨૪:૧૩-૧૬, ૩૦-૩૬; યોહા. ૨૦:૧૧-૧૮.

૪. શિષ્યો ભેગા મળ્યા હતા ત્યાં ઈસુ દેખાયા ત્યારે શું બન્યું અને તેમણે તેઓને કઈ આજ્ઞા કરી?

૪ બધા શિષ્યો ભેગા મળ્યા હતા ત્યાં ઈસુ પાંચમી વાર દેખાયા. એ યાદગાર પ્રસંગે તેમણે ‘ધર્મલેખો સમજવા માટે તેઓનાં મન ખોલ્યાં.’ આમ, ઈશ્વરના વિરોધીઓ ઈસુને મારી નાખશે અને ઈશ્વર તેમને સજીવન કરશે એ વિશેના શાસ્ત્ર લેખોની સમજણ શિષ્યોને મળી. એ સભાના અંતે ઈસુએ ત્યાં હાજર બધાને સ્પષ્ટ રીતે જણાવ્યું કે, તેઓ પર હવે કઈ જવાબદારી છે. તેમણે તેઓને કહ્યું કે ‘યરૂશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને મારા નામમાં પાપોની માફી મળે માટે પસ્તાવો કરવાનું જણાવો.’ એ પછી ઈસુએ કહ્યું: “એ વાતના સાક્ષીઓ તમે છો.”—લુક ૨૪:૪૪-૪૮.

૫, ૬. (ક) ઈસુએ શા માટે કહ્યું કે “તમે મારા સાક્ષી થશો”? (ખ) ઈસુના શિષ્યોને હવે, યહોવાના હેતુનું કયું નવું પાસું લોકોને જણાવવાનું હતું?

૫ સજીવન થયાના ૪૦ દિવસ પછી ઈસુ જ્યારે આખરી વાર દેખાયા, ત્યારે તેમના શિષ્યો સમજી શક્યા કે આ આજ્ઞાનો અર્થ શો છે: “યરૂશાલેમમાં, આખા યહુદાહમાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” (પ્રે.કૃ. ૧:૮) તો સવાલ થાય કે, ઈસુએ શા માટે કહ્યું કે “તમે મારા સાક્ષી થશો?” તેમણે શા માટે એમ ન કહ્યું કે તમે યહોવાના સાક્ષીઓ થશો? તે એવું કહી શક્યા હોત, પણ જેઓ સાથે ઈસુ વાત કરી રહ્યા હતા તેઓ ઈસ્રાએલીઓ હતા અને આમ પહેલાંથી જ તેઓ યહોવાના સાક્ષીઓ હતા.

૧. પહેલી સદીમાં ઈસુના શિષ્યો ખુશખબર જણાવી રહ્યા છે; ૨. આજના સમયમાં ઈસુના એક શિષ્ય જાહેરમાં સાક્ષી આપી રહ્યા છે; ૩. આજના શિષ્યો ક સ્ત્રીને આપણી વેબસાઇટ JW.ORG બતાવી રહ્યા છે

ઈસુના શિષ્યો હોવાથી આપણે ભાવિ માટે યહોવાના હેતુ વિશે લોકોને જણાવતા રહીએ છીએ (ફકરા ૫, ૬ જુઓ)

૬ હવે, ઈસુના શિષ્યોને ઈશ્વરના હેતુનું નવું પાસું લોકોને જણાવવાનું હતું. એ પાસું, ઇજિપ્તની અને પછીથી બાબેલોનની ગુલામીમાંથી મળેલા છુટકારા કરતાં પણ ઘણું ભવ્ય હતું. ઈસુ ખ્રિસ્તના મરણ અને સજીવન થવાને લીધે, માણસજાતને મૃત્યુ અને પાપ જેવી સૌથી ક્રૂર ગુલામીમાંથી છૂટવાની તક મળી છે. પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં ઈસુના નવા નવા અભિષિક્ત થયેલા શિષ્યોએ લોકોને “ઈશ્વરનાં મોટાં કામો” વિશે જણાવ્યું. સાંભળનારા ઘણાઓએ વિશ્વાસ મૂક્યો. એ રીતે, પિતા યહોવાના જમણા હાથે બેઠેલા ઈસુ, એક મહત્ત્વની બાબત થતા જોઈ શક્યા. તે જોઈ શક્યા કે હજારો લોકો તેમના નામમાં પસ્તાવો કરે છે અને છુટકારા માટે યહોવાએ કરેલી એ ગોઠવણમાં વિશ્વાસ મૂકી રહ્યા છે.—પ્રે.કૃ. ૨:૫, ૧૧, ૩૭-૪૧.

‘ઘણા લોકો માટે કિંમત ચૂકવી’

૭. સાલ ૩૩, પેન્તેકોસ્તના દિવસે બનેલા બનાવો પરથી શું સાબિત થયું?

૭ સાલ ૩૩, પેન્તેકોસ્તના દિવસે બનેલા બનાવો પરથી એક બાબત સાબિત થઈ. એ કઈ હતી? એ જ કે માણસજાતને પાપમાંથી છોડાવવા ઈસુએ પૃથ્વી પરના પોતાના જીવનથી ચૂકવેલી કિંમતનો યહોવાએ સ્વીકાર કર્યો છે. (હિબ્રૂ ૯:૧૧, ૧૨, ૨૪) ઈસુએ જણાવ્યું હતું કે તે ‘સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના છુટકારાની કિંમતને માટે પોતાનો જીવ આપવા’ આવ્યા હતા. (માથ. ૨૦:૨૮) પસ્તાવો કરીને ઈસુના નામમાં પાપની માફી મેળવવાનો ફાયદો ફક્ત યહુદીઓને જ નહિ, બીજા ‘ઘણા લોકોʼને પણ થયો. અરે, ઈશ્વર પોતે ચાહે છે કે ‘સઘળાં માણસોનો ઉદ્ધાર’ થાય. કારણ કે તેમણે કરેલી એ ગોઠવણ આખા ‘જગતનું પાપ દૂર કરે’ છે.—૧ તીમો. ૨:૪-૬; યોહા. ૧:૨૯.

૮. ઈસુના શિષ્યોએ કેટલી હદ સુધી સાક્ષી આપી અને એમ શાને કારણે બની શક્યું?

૮ શું એ શિષ્યોમાં ઈસુ વિશે સાક્ષી આપતા રહેવાની હિંમત હતી? હા, હતી. પરંતુ, તેઓ ફક્ત પોતાની શક્તિથી એમ કરી શક્યા ન હોત. ઈશ્વરની પવિત્ર શક્તિએ તેઓને બળ પૂરું પાડ્યું, જેના લીધે તેઓ હિંમતથી સાક્ષી આપતા રહી શક્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૩૦-૩૨ વાંચો.) એની સાબિતી પેન્તેકોસ્ત સાલ ૩૩ના આશરે ૨૭ વર્ષ સુધીમાં મળી. એ સુધીમાં ‘સુવાર્તાનો સત્ય સંદેશો’ યહુદીઓ અને બીજી પ્રજાના લોકોને, એટલે કે “આકાશ તળેનાં સર્વ પ્રાણીઓને પ્રગટ” કરવામાં આવ્યો હતો.—કોલો. ૧:૫, ૨૩.

૯. ભાખવામાં આવ્યું હતું તેમ શરૂઆતના ખ્રિસ્તી મંડળમાં શું બન્યું?

૯ જોકે, દુઃખની વાત છે કે શરૂઆતના એ ખ્રિસ્તી મંડળમાં, સમય જતાં સત્યના શિક્ષણમાં ભેળસેળ થવા લાગી. (પ્રે.કૃ. ૨૦:૨૯, ૩૦; ૨ પીત. ૨:૨, ૩; યહુ. ૩, ૪) વર્ષો વીત્યાં તેમ ખોટું શિક્ષણ ફેલાવનારાઓએ આખા મંડળને ભ્રષ્ટ કરી દીધું. ઈસુએ એ જ ભાખ્યું હતું કે સત્યમાં ભેળસેળ ‘આ જગતના અંતʼના સમયગાળા સુધી ચાલશે. (માથ. ૧૩:૩૭-૪૩) સાલ ૧૯૧૪, ઑક્ટોબરમાં યહોવાએ આખી માણસજાત પર ઈસુને રાજા નીમ્યા. એ સમયથી, શેતાનની દુનિયાનો ‘છેલ્લો સમય’ શરૂ થયો.—૨ તીમો. ૩:૧.

૧૦. (ક) અભિષિક્તો કયા મહત્ત્વના સમય વિશે શીખવતા હતા? (ખ) ઑક્ટોબર ૧૯૧૪માં શું બન્યું અને એ શાના પરથી સાબિત થાય છે?

૧૦ સાલ ૧૯૧૪ના ત્રીસેક વર્ષો પહેલાં જ અભિષિક્તો શીખવવા લાગ્યા કે વર્ષ ૧૯૧૪ના ઑક્ટોબરનો સમય મહત્ત્વનો હશે. તેઓ દાનીયેલની મોટા ઝાડ વિશેની ભવિષ્યવાણીને આધારે એ તારણ પર આવ્યા હતા. એ ભવિષ્યવાણી પ્રમાણે મોટું ઝાડ કાપવામાં આવે છે અને ‘સાત કાળ વીત્યા’ પછી પાછું ઊગે છે. (દાની. ૪:૧૬) એ સમયગાળાનો ઉલ્લેખ ઈસુએ પોતાની ભવિષ્યવાણીમાં “વિદેશીઓના સમયો” તરીકે કર્યો હતો. એમાં તે શિષ્યોને નિશાની આપી રહ્યા હતા કે પોતે ક્યારે રાજા બનશે અને છેલ્લા દિવસો ક્યારે શરૂ થશે. દુનિયામાં વર્ષ ૧૯૧૪થી બની રહેલા બનાવો સાફ બતાવે છે કે ઈસુ રાજા બની ચૂક્યા છે. (માથ. ૨૪:૩, ૭, ૧૪; લુક ૨૧:૨૪) આજે, આપણે “ઈશ્વરનાં મોટાં કામો” વિશે લોકોને જણાવીએ છીએ. એ કામોમાં એ વાતનો પણ સમાવેશ થાય છે કે, યહોવાએ ઈસુને પોતાના રાજ્યના રાજા ૧૯૧૪માં બનાવી દીધા છે.

૧૧, ૧૨. (ક) સાલ ૧૯૧૯માં શું બન્યું? (ખ) વર્ષ ૧૯૩૫માં કઈ વાત સાફ દેખાઈ આવી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૧ ૧૯૧૪માં રાજા બન્યા પછી, ઈસુએ પોતાના અભિષિક્તોને ‘મોટા બાબેલોનʼમાંથી મુક્ત કરવાનું શરૂ કરી દીધું. (પ્રકટી. ૧૮:૨, ૪) વર્ષ ૧૯૧૯માં વિશ્વયુદ્ધના પૂરા થયા પછી તરત, અભિષિક્તો દુનિયા ફરતે ખુશખબર જાહેર કરવા લાગ્યા. તેઓ યહોવાએ કરેલી પાપમાંથી છુટવાની ગોઠવણ અને સ્વર્ગના રાજ્ય વિશે જોશથી પ્રચાર કરવા લાગ્યા. તેઓ એમ કરતા ગયા અને એના લીધે બીજા હજારો અભિષિક્તો પણ ઈસુના રાજ્યના ભાગીદાર બનતા ગયા.

૧૨ આશરે ૧૯૩૫ પછી એ સાફ દેખાઈ આવ્યું કે ઈસુએ લાખો “બીજાં ઘેટાં”ને ભેગા કરવાનું શરૂ કરી દીધું છે, જેથી તેઓ જુદા જુદા દેશોના લોકોની “મોટી સભા” બની શકે. અભિષિક્તોના માર્ગદર્શન નીચે એ મોટી સભા પણ ઈસુનો દાખલો અનુસરે છે. તેઓ હિંમતથી લોકોને જણાવે છે કે ઈશ્વર અને ઈસુ દ્વારા તેઓને તારણ મળ્યું છે. સાક્ષી કામમાં લાગુ રહીને અને ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરીને, તેઓ શેતાનના જગતનો અંત લાવતી “મોટી વિપત્તિમાંથી” બચી જશે.—યોહા. ૧૦:૧૬; પ્રકટી. ૭:૯, ૧૦, ૧૪.

‘સુવાર્તા પ્રગટ કરવાને હિંમતવાન થઈએ’

૧૩. યહોવાના સાક્ષીઓ તરીકે આપણે શો નિર્ણય કર્યો છે અને એમાં સફળ થઈશું જ, એવું શાને આધારે કહી શકીએ?

૧૩ “ઈશ્વરનાં મોટાં કામો” વિશે અને સારા ભાવિના તેમનાં વચનો વિશે લોકોને જણાવવું એક લહાવો છે. એ લહાવા માટે આપણે કદર બતાવતા રહીએ. ખરું કે, સાક્ષી આપવાનું એ કામ એટલું સહેલું નથી. આપણામાંના ઘણાં ભાઈ-બહેનો એવાં વિસ્તારમાં કામ કરે છે, જ્યાં તેઓને અપમાન, મશ્કરી કે પછી સખત વિરોધનો સામનો કરવો પડે છે. આપણે પણ પાઊલ અને તેમના સાથીઓની જેમ કરવું જોઈએ. તેમણે જણાવ્યું હતું: અમે “દુઃખ તથા અપમાન સહ્યાં, તોપણ ઘણાં કષ્ટથી તમારી આગળ ઈશ્વરની સુવાર્તા પ્રગટ કરવાને આપણા ઈશ્વરથી હિંમતવાન થયા.” (૧ થેસ્સા. ૨:૨) આપણે હતાશ ન થઈએ. એના બદલે શેતાનની દુનિયાનો પૂરેપૂરો નાશ થાય ત્યાં સુધી આપણે યહોવાને કરેલા સમર્પણની સાબિતી આપતા રહીએ. (યશા. ૬:૧૧) એવું આપણે પોતાની શક્તિથી કરી શકતા નથી. પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ આપણે પણ પ્રાર્થના કરીએ કે યહોવા “પરાક્રમની અધિકતા” એટલે કે પવિત્ર શક્તિથી મદદ પૂરી પાડે.—૨ કોરીંથી ૪:૧, ૭ વાંચો; લુક ૧૧:૧૩.

૧૪, ૧૫. (ક) પ્રથમ સદીના ખ્રિસ્તીઓ સાથે કેવું વર્તન થયું અને પીતરે તેઓને શું કહીને ઉત્તેજન આપ્યું? (ખ) યહોવાના સાક્ષી હોવાને લીધે જો આપણો વિરોધ થાય તો આપણને કેવું લાગવું જોઈએ?

૧૪ આજે ભલે લાખો લોકો ખ્રિસ્તી હોવાનો દાવો કરે. પરંતુ, ‘પોતાનાં કાર્યોથી તેઓ ઈશ્વરનો નકાર કરે છે. તેઓ ધિક્કારપાત્ર, આજ્ઞા તોડનારા અને સર્વ સારાં કામને માટે નકામા છે.’ (તીત. ૧:૧૬) આપણે ભૂલીએ નહિ કે પ્રથમ સદીના સાચા ખ્રિસ્તીઓને મોટા ભાગના લોકો નફરત કરતા હતા. એ જ કારણે પીતરે લખ્યું: ‘જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય, તો તમને ધન્ય છે. કેમ કે ઈશ્વરની શક્તિ તમારા પર રહે છે.’—૧ પીત. ૪:૧૪.

૧૫ શું ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા એ શબ્દો આજે યહોવાના સાક્ષીઓને લાગુ પડે છે? હા, ચોક્કસ. કારણ કે, ઈસુ રાજા છે એવી સાક્ષી આપણે પણ આપીએ છીએ. આપણને પણ યહોવાના નામથી ઓળખાવવાને લીધે લોકો નફરત કરે છે. એ ‘ઈસુ ખ્રિસ્તના નામને લીધે નિંદા થવા’ જેવું જ છે. ઈસુએ પોતાના વિરોધીઓને કહ્યું, ‘હું મારા પિતાના નામમાં આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી.’ (યોહા. ૫:૪૩) એ માટે જો તમે સાક્ષી કામમાં ક્યારેય વિરોધનો સામનો કરો, તો હિંમત ન હારજો. એવી સતાવણી સાબિતી આપે છે કે તમારું જીવન યહોવાને ખુશ કરનારું છે અને તેમની પવિત્ર શક્તિ “તમારા પર રહે છે.”

૧૬, ૧૭. (ક) સાક્ષી આપવાના કામ વિશે દુનિયા ફરતે યહોવાના સાક્ષીઓ કેવું અનુભવે છે? (ખ) તમે શો નિર્ણય કર્યો છે?

૧૬ આપણે એ પણ યાદ રાખીએ કે દુનિયા ફરતે ઘણા વિસ્તારોમાં સાક્ષીઓમાં વધારો થઈ રહ્યો છે. વારંવાર આવરેલા પ્રચાર વિસ્તારોમાં રસ બતાવતા અમુક લોકો હજી પણ મળે છે. તારણના આપણા અદ્‍ભુત સંદેશા વિશે તેઓ જાણવા માંગે છે. રસ બતાવતા લોકોની ફરી મુલાકાત લેવામાં આપણે તત્પર રહીએ. શક્ય હોય તો તેઓને બાઇબલ અભ્યાસ કરાવીને યહોવાને સમર્પણ કરવા અને બાપ્તિસ્મા લેવામાં મદદ કરીએ. દક્ષિણ આફ્રિકામાં રહેતાં બહેન સારાય જેવું કદાચ તમને પણ લાગે. એ બહેન ૬૦ કરતાં વધારે વર્ષોથી સાક્ષી કામ ઉત્સાહથી કરી રહ્યાં છે. તે જણાવે છે: ‘હું આભાર માનું છું કે ઈસુના બલિદાનની ગોઠવણ દ્વારા મને વિશ્વના માલિક યહોવા સાથે સંબંધ બાંધવાની તક મળી. તેમ જ, તેમનું ભવ્ય નામ લોકોને જણાવી શકું છું એ વાતની મને ખુશી છે.’ એ બહેને અને તેમના પતિ માર્ટનસે પોતાનાં ત્રણ બાળકો ઉપરાંત, બીજા ઘણા લોકોને યહોવાના ભક્ત બનાવામાં મદદ કરી છે. સારાય કહે છે, ‘આટલો સંતોષ આપતું બીજું કોઈ કામ નથી! તેમ જ, પવિત્ર શક્તિ દ્વારા યહોવા આપણને એ જીવન બચાવનારું કામ કરવામાં મદદ આપે છે.’

૧૭ આપણે કદાચ બાપ્તિસ્મા લઈ લીધું હશે અથવા બાપ્તિસ્મા લેવાનો ધ્યેય રાખ્યો હશે. બંને કિસ્સામાં યહોવાના સાક્ષીઓના દુનિયા ફરતેના સંગઠન સાથે આપણે સંગત રાખી શકીએ છીએ. એ બદલ આપણે યહોવાનો આભાર માનવો જોઈએ. શેતાનના આ દુષ્ટ જગતમાં પોતાને શુદ્ધ રાખવાની સાથે સાથે સારી સાક્ષી આપતા રહીએ. એમ કરવાથી આપણે સ્વર્ગમાંના પિતાને માન આપી શકીએ છીએ, જેમના પવિત્ર નામથી ઓળખાવવાનો આપણને અદ્‍ભુત લહાવો મળ્યો છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો