વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૦/૧ પાન ૧૩
  • ઈશ્વરને કોણે બનાવ્યા?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરને કોણે બનાવ્યા?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સરખી માહિતી
  • આપણે હંમેશ માટે જીવીશું
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • શું બાઇબલ અને વિજ્ઞાન સુમેળમાં છે?
    સજાગ બનો!—૨૦૧૧
  • ઈશ્વરનું નામ શું છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૯
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૦/૧ પાન ૧૩
વિશ્વના એક નાના ખૂણામાં આકાશગંગા

વાચકો પૂછે છે . . .

ઈશ્વરને કોણે બનાવ્યા?

કલ્પના કરો કે, એક પિતા સાત વર્ષના દીકરા સાથે વાત કરે છે. પિતા કહે છે: “ઘણાં વર્ષો પહેલાં ઈશ્વરે પૃથ્વી અને એમાંની સઘળી વસ્તુઓ બનાવી. તેમણે સૂર્ય, ચંદ્ર અને તારાઓ બનાવ્યા.” દીકરો થોડો સમય એના પર વિચારીને કહે છે: “પપ્પા, ઈશ્વરને કોણે બનાવ્યા?”

પિતા કહે છે: “ઈશ્વરને કોઈએ બનાવ્યા નથી. તેમનું અસ્તિત્વ પહેલાંથી જ છે.” એ જવાબ બાળક હાલ પૂરતું માની લે છે. પણ, તે મોટો થાય છે તેમ તેના મનમાં એ સવાલ ફર્યા કરે છે. તેને એ સમજવું અઘરું લાગે છે કે કોઈ વ્યક્તિની શરૂઆત વગર તે કેવી રીતે અસ્તિત્વમાં આવી શકે. જ્યારે કે વિશ્વની પણ શરૂઆત હતી. તે વિચારે છે: ‘ઈશ્વર આવ્યા ક્યાંથી?’

બાઇબલ એના વિશે શું શીખવે છે? ઉપર જણાવેલા ઉદાહરણમાં પિતાએ જે કહ્યું એ જ શીખવે છે. ઈશ્વરભક્ત મુસાએ લખ્યું: ‘હે ઈશ્વર યહોવા, પર્વતો ઉત્પન્‍ન થયા હતા, અને તમે પૃથ્વી તથા જગતને રચ્યાં હતાં, તે પહેલાં, એટલે અનાદિકાળથી તે અનંતકાળ સુધી, તમે જ ઈશ્વર છો.’ (ગીતશાસ્ત્ર ૯૦:૧, ૨) ઈશ્વરભક્ત યશાયાએ સ્તુતિ કરતા પોકાર્યું: ‘તેં શું નથી જાણ્યું? તેં શું નથી સાંભળ્યું? યહોવા તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્‍ન કરનાર તે છે.’ (યશાયા ૪૦:૨૮) એ જ રીતે, બાઇબલમાં યહુદાના પત્રમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરનું અસ્તિત્વ “અનાદિકાળથી” છે.—યહુદા ૨૫.

એ કલમો જણાવે છે કે ઈશ્વર તો “સનાતન યુગોનો રાજા” છે. ઈશ્વરભક્ત પાઊલે પણ તેમનું એવું જ વર્ણન કર્યું. (૧ તીમોથી ૧:૧૭) એનો અર્થ થાય કે, ઈશ્વરની કોઈ શરૂઆત નથી. પછી, ભલેને ઇતિહાસમાં ગમે એટલો સમય પાછળ જઈએ, તોય તેમની શરૂઆત મળશે જ નહિ. તેમ જ, તેમનું અસ્તિત્વ ભાવિમાં પણ કાયમ રહેશે. (પ્રકટીકરણ ૧:૮) ઈશ્વર સનાતન છે, એ જ પુરાવો આપે છે કે તે સર્વશક્તિમાન છે.

આપણને એ સમજવું કેમ અઘરું લાગી શકે? આપણું જીવન ટૂકું હોવાથી યહોવાની જેમ સમયને પૂરી રીતે સમજી શકતા નથી. યહોવા અનાદિકાળથી છે, એટલે તેમની નજરમાં હજાર વર્ષ એક દિવસ બરાબર છે. (૨ પીતર ૩:૮) તીડનું ઉદાહરણ જોઈએ. એનું જીવન લગભગ ૫૦ દિવસનું હોય છે. જ્યારે કે, મનુષ્યનું જીવન ૭૦ કે ૮૦ વર્ષનું. હવે વિચારો, શું તીડ એ સમયગાળો સમજી શકે? ના સમજી શકે, ખરું ને! બાઇબલ જણાવે છે કે વિશ્વના સર્જનહારની સરખામણીમાં આપણે તીડ જેવા છીએ. તેમની વિચાર શક્તિની સામે આપણે તો કંઈ જ નથી. (યશાયા ૪૦:૨૨; ૫૫:૮, ૯) યહોવાના સ્વભાવનાં ઘણાં પાસાં છે. માણસો એને પૂરેપૂરી રીતે સમજી શકતા નથી એમાં કોઈ નવાઈ નથી.

ઈશ્વર સનાતન છે, એ સમજવું અઘરું લાગી શકે. જો ઈશ્વરને કોઈએ ઉત્પન્‍ન કર્યા હોય, તો તે સર્જનહાર કહેવાય. જ્યારે કે, બાઇબલ જણાવે છે કે યહોવાએ જ ‘સર્વ ઉત્પન્‍ન કર્યું છે.’ (પ્રકટીકરણ ૪:૧૧) આપણે જાણીએ છીએ કે એક સમયે વિશ્વ હતું જ નહિ. (ઉત્પત્તિ ૧:૧, ૨) તો એ ક્યાંથી આવ્યું? એનો કોઈ સર્જનહાર હોવો જ જોઈએ. ઈશ્વર પહેલાં કોઈ હતું જ નહિ. અરે, સર્વ સૃષ્ટિના પ્રથમજનિત, એટલે પોતાના દીકરા ઈસુ અને અગણિત સ્વર્ગદૂતો ઉત્પન્‍ન કર્યા એ પહેલાં ઈશ્વર હતા. (અયૂબ ૩૮:૪, ૭; કોલોસી ૧:૧૫) એનાથી સ્પષ્ટ થાય છે કે એકલા ઈશ્વરનું જ અસ્તિત્વ હતું. તેમને બનાવનાર કોઈ હોઈ જ ન શકે.

આખું વિશ્વ અને આપણું અસ્તિત્વ પુરાવો આપે છે કે ઈશ્વર સનાતન છે. જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે અને એને અંકુશમાં રાખવા નિયમો ઘડ્યા છે, તે જ સનાતન હોઈ શકે. ફક્ત તે જ બધાને જીવન આપી શકે છે.—અયૂબ ૩૩:૪. (w14-E 08/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો