માબાપ તમારાં બાળકોની સંભાળ રાખો
“તારાં ઘેટાંબકરાંની હાલત જાણવાની ખંત રાખ.”—નીતિ. ૨૭:૨૩.
૧, ૨. (ક) ઈસ્રાએલી ઘેટાંપાળકની અમુક જવાબદારીઓ કઈ હતી? (ખ) કઈ રીતે માબાપ પણ ઘેટાંપાળક જેવાં છે?
પ્રાચીન ઈસ્રાએલમાં કોઈ પણ ઘેટાંપાળકને સખત મહેનત કરવી પડતી. ઘેટાંની સંભાળ રાખવા તેણે તડકો અને ઠંડી સહન કરવી પડતી. તેમ જ, જંગલી જાનવરો અને ચોરોથી ઘેટાંનું રક્ષણ કરવું પડતું. ઘેટાંપાળક દરેક ઘેટાને નિયમિત રીતે તપાસતો અને જો કોઈ ઘેટું બીમાર કે ઘવાયેલું જણાય, તો તેને તરત સારવાર આપતો. તે ઘેટાંના બચ્ચાંનું ખાસ ધ્યાન રાખતો કારણ કે, એ ખૂબ નાજુક અને નિર્બળ હોય છે.—ઉત. ૩૩:૧૩.
૨ સાક્ષી માબાપ પણ કેટલીક રીતે ઘેટાંપાળક જેવા ગુણો બતાવે છે. બાળકોને ‘પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં ઉછેરવાની’ જવાબદારી માબાપની છે. (એફે. ૬:૪) શું એ જવાબદારી સહેલી છે? ના. શેતાન ખોટા વિચારોથી બાળકોનાં મન ભરવાં માંગે છે. તેમ જ, બાળકો પણ ખોટું કરવા તરફ જલદી ઢળી જાય છે. તેથી, એ જવાબદારી સહેલી નથી. (૨ તીમો. ૨:૨૨; ૧ યોહા. ૨:૧૬) જો તમને બાળકો હોય તો તમે તેઓને કઈ રીતે મદદ કરશો? ચાલો, ત્રણ રીતો જોઈએ જેનાથી તમે બાળકોની સારી સંભાળ લઈ શકશો: (૧) બાળકોને સારી રીતે જાણવા, (૨) બાળકોની ભૂખ સંતોષવી અને (૩) તેઓને માર્ગદર્શન આપવું.
બાળકોને સારી રીતે જાણો
૩. માબાપ માટે બાળકોને સારી રીતે ‘જાણવાનો’ શો અર્થ થાય?
૩ પોતાના દરેક ઘેટાની તંદુરસ્તીની ખાતરી કરવા એક સારો ઘેટાંપાળક એને ધ્યાનથી તપાસે છે. બાઇબલ જણાવે છે કે, “તારાં ઘેટાંબકરાંની હાલત જાણવાની ખંત રાખ.” (નીતિ. ૨૭:૨૩) માબાપ તરીકે તમે પણ બાળકોને સારી રીતે જાણવા ચાહતા હશો. એમ કરવા માટે તમારે બાળકનાં વાણી-વર્તન, તેનાં વિચારો અને લાગણીઓ પ્રત્યે ધ્યાન આપવાની જરૂર છે. એમ કરવાની એક સારી રીત છે કે બાળકો જોડે નિયમિત વાતચીત કરો.
૪, ૫. (ક) તમારું બાળક મન ખોલીને વાત કરે માટે કઈ રીતો અપનાવી શકાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) તમારું બાળક સહેલાઈથી તમારી જોડે વાત કરી શકે માટે તમે શું કરો છો?
૪ બાળક તરુણ થાય ત્યારે અમુક માબાપને તેની જોડે વાતચીત કરવી અઘરી પડે છે. તરુણ બાળકોને પણ પોતાનાં વિચારો અને લાગણીઓ માબાપને જણાવવી મુશ્કેલ લાગી શકે. જો તમારાં બાળકો જોડે પણ એમ બનતું હોય, તો તમારે શું કરવું જોઈએ? તેઓને પોતાની લાગણીઓ જણાવવાનું દબાણ ન કરશો. વાતચીતને ગંભીર રૂપ ન આપશો. એના બદલે, એવા સમયે વાત કરો જ્યારે માહોલ હળવો હોય. (પુન. ૬:૬, ૭) તેઓની સાથે વધુ સમય વિતાવો. જેમ કે, તેઓ સાથે ફરવા જાઓ, ખેલકૂદમાં જોડાઓ કે પછી, ઘરનાં અમુક કામ તેઓ સાથે મળીને કરો. એવાં માહોલમાં તમારો તરુણ પોતાનાં વિચારો અને લાગણીઓ સહેલાઈથી જણાવી શકશે.
૫ તમારા ઘણા પ્રયત્નો છતાં, જો બાળક મન ખોલીને વાત ન કરે તો શું કરવું? તમે બીજી એક રીત અપનાવી શકો. દાખલા તરીકે, તમારી દીકરીને “તારો દિવસ કેવો રહ્યો?” એવું પૂછવાને બદલે તમે પહેલા જણાવો કે તમારો દિવસ કેવો રહ્યો. એમ કરવાથી તે કદાચ જાતે જ જણાવશે કે તેનો દિવસ કેવો રહ્યો. જો કોઈ વિષય પર તમે તમારી દીકરીના વિચારો જાણવા માંગતા હો તો એવો સીધેસીધો સવાલ ન કરો કે “તને એ વિશે કેવું લાગે છે?” એના બદલે, તમે પૂછી શકો કે “એ વિષય પર તારા મિત્રોનું શું માનવું છે?” ત્યાર બાદ તમે તેને કહી શકો કે, “એ વિષય પર તું તારા મિત્રોને શું સલાહ આપીશ?”
૬. શું કરવાથી તમારાં બાળકોને લાગશે કે તમારી પાસે સમય છે? તેઓ તમારી સાથે સહેલાઈથી વાત કરી શકે માટે તમે શું કરશો?
૬ તમે ચાહતા હો કે બાળક મન ખોલીને તમારી સાથે વાત કરે તો તેના માટે સમય ફાળવો. તેમ જ, એવો સ્વભાવ કેળવો કે તે અચકાયા વગર તમને વાત કરી શકે. જો યુવાનોને એમ લાગશે કે મમ્મી-પપ્પા ખૂબ વ્યસ્ત છે, તો તેઓ પોતાની મુશ્કેલીઓ જણાવતા અચકાશે. હવે સવાલ થાય કે બાળક અચકાયા વગર વાત કરી શકે એ માટે તમે શું કરી શકો? ફક્ત એમ કહી દેવું પૂરતું નથી કે “બેટા, તું મારી પાસે ગમે ત્યારે આવી શકે!” તમારા તરુણ બાળકને ખરેખર લાગવું જોઈએ કે તેની સમસ્યા તમારા માટે પણ મહત્ત્વની છે. ઉપરાંત, તેને ખાતરી થવી જોઈએ કે તમે તેની વાતને મોટું સ્વરૂપ નહિ આપો. ઘણાં માબાપે એ વિશે સારો દાખલો બેસાડ્યો છે. ૧૯ વર્ષની કાયલા જણાવે છે, ‘હું મારા પપ્પા જોડે કોઈ પણ વિષય પર સહેલાઈથી વાત કરી શકું છું. તે મારી વાત અટકાવતા નથી તેમ જ, મારો વાંક કાઢવા લાગતા નથી. મારા પપ્પા મારું ધ્યાનથી સાંભળ્યા પછી જ સલાહ આપે છે, જે સૌથી સારી હોય છે.’
૭. ડેટિંગ જેવા વિષયો પર વાત કરતી વખતે માબાપ શું ધ્યાનમાં રાખી શકે, જેથી બાળકો ચિડાઈ ન જાય?
૭ બાળકો જોડે અમુક વિષયો પર વાત કરવી કદાચ સહેલી નથી. જેમ કે, ડેટિંગ. ધ્યાન રાખો કે, તમે એ વિશે વાત કરતી વખતે ફક્ત ચેતવણીઓ જ આપ્યા ન કરો. તેને એ સમજાવો કે ડેટિંગ વિશે યોગ્ય વિચારો શું હોવા જોઈએ. એ સમજવા ચાલો એક ઉદાહરણ જોઈએ. તમે એક હોટલમાં જાઓ છો અને ત્યાંનું મેનુ કાર્ડ જુઓ છો. એમાં વાનગીઓનાં નામ સાથે એનાથી થઈ શકતી બીમારી વિશે પણ જણાવ્યું છે. તો શું તમને એ હોટલમાં ખાવું ગમશે? કદાચ નહિ ગમે અને તમે બીજી કોઈ હોટલમાં જશો. એ જ રીતે, જો બાળકોને ફક્ત ચેતવણીઓ જ આપ્યા કરશો, તો તેઓ ચિડાઈ જશે અને તમારી સલાહ લેવી નહિ ગમે. (કોલોસી ૩:૨૧ વાંચો.) તેથી, સલાહ આપતી વખતે યોગ્ય વલણ રાખવું જોઈએ. ૨૫ વર્ષની એમેલી આમ જણાવે છે, ‘મારાં મમ્મી-પપ્પા ડેટિંગને એવી રીતે રજૂ નથી કરતા જાણે એ ખોટું હોય. તેઓ જણાવે છે કે એના દ્વારા ભાવિ લગ્નસાથીને ઓળખવાની ખુશી મળે છે. તેઓનાં એવાં વલણને લીધે હું એ વિષય પર તેઓ સાથે સહેલાઈથી વાત કરી શકું છું. અરે, હું ડેટિંગ કરીશ ત્યારે મારાં મમ્મી-પપ્પાને ચોક્કસ જણાવીશ, તેઓથી બિલકુલ છુપાવીશ નહિ!’
૮, ૯. (ક) બાળકોનું ધ્યાનથી સાંભળવાથી કયા ફાયદા થાય છે? (ખ) બાળકોનું ધ્યાનથી સાંભળવામાં તમને કેવી સફળતા મળી છે?
૮ આપણે કાયલા વિશે વાત કરી ગયા. તેણે જણાવ્યું તેમ, માબાપે બાળકોને બતાવવું જોઈએ કે તેઓ વાત કરવા અને ધીરજથી સાંભળવા હંમેશાં તૈયાર છે. (યાકૂબ ૧:૧૯ વાંચો.) કેથીયા એકલા હાથે બાળકોનો ઉછેર કરનાર માતા છે. તે જણાવે છે, ‘અગાઉ હું મારી દીકરી સાથે વાત કરતી વખતે ધીરજ ખોઈ બેસતી. હું તેને વાત પૂરી કરવાની તક પણ ન આપતી. થાકેલી હોવાને લીધે હું તેની વાત પર ધ્યાન ન આપી શકતી. અરે, તેની સમસ્યાઓને ગણકારતી પણ નહિ! જોકે, હવે મેં એ વલણમાં સુધારો કર્યો છે અને મારી દીકરીનું વલણ પણ બદલાયું છે. તે હવે મને વધુ સાથ-સહકાર આપે છે.’
તેઓને સારી રીતે જાણવા ધ્યાનથી સાંભળો (ફકરા ૩-૯ જુઓ)
૯ રોનાલ્ડ નામના ભાઈ એક તરુણ દીકરીના પિતા છે. તેમને પણ એવો જ અનુભવ થયો છે. તે જણાવે છે, ‘એક વાર મારી દીકરીએ જણાવ્યું કે તેની સાથે ભણતા એક છોકરાને તે પ્રેમ કરે છે. એ સાંભળીને હું ગુસ્સે ભરાયો. પરંતુ, મને યાદ આવ્યું કે યહોવા પોતાના ભક્તો સાથે ધીરજથી અને વાજબી રીતે વર્તે છે. તેથી, દીકરીને સલાહ આપતા પહેલાં મેં તેને પોતાની લાગણીઓ જણાવવા દીધી. સારું થયું કે મેં એમ કર્યું! એના લીધે હું મારી દીકરીની લાગણીઓને પહેલી વાર સારી રીતે સમજી શક્યો. તેને ધ્યાનથી સાંભળવાને લીધે હું તેની સાથે પ્રેમથી વાત કરી શક્યો. નવાઈની વાત તો એ છે કે તેણે મારી એ સલાહ સ્વીકારી! તેણે પોતાનું વલણ બદલવાની ઇચ્છા પણ બતાવી.’ બાળકોનાં વિચારો અને લાગણીઓ જાણવાં જરૂરી છે કે તેઓ સાથે વારંવાર વાતચીત કરતા રહો. એમ કરવાથી તમે બાળકોને યોગ્ય નિર્ણય લેવા ઘણી મદદ આપી શકશો.a
બાળકોની ભૂખ સંતોષો
૧૦, ૧૧. તમારું બાળક સત્યથી દૂર ન થઈ જાય એ માટે તમે મદદ આપવા શું કરશો?
૧૦ એક સારો ઘેટાંપાળક જાણે છે કે તેનું ઘેટું ટોળાથી છૂટું પડી શકે. કદાચ ઘેટાને થોડે દૂર લીલુંછમ ઘાસ દેખાય, જેને ખાવા એ ત્યાં જાય. પછી એને હજી આગળ બીજું ઘાસ દેખાય એટલે એ ત્યાં જાય અને આમ ખોવાઈ જાય. એવી જ રીતે, બાળક પણ ખરાબ સોબત અથવા નુકસાનકારક મનોરંજનના માર્ગે ચઢી જઈ શકે. આમ તે ધીરે ધીરે સત્યથી દૂર થઈ જઈ શકે. (નીતિ. ૧૩:૨૦) તમે કઈ રીતે એ બધું થતાં રોકી શકો?
૧૧ તમારાં બાળકમાં કોઈ ખોટું વલણ દેખાય તો તેને તરત મદદ આપો. તેને સારા ગુણો કેળવવામાં સહાય કરો. (૨ પીત. ૧:૫-૮) એમ કરવા માટે કુટુંબ તરીકેની ભક્તિ સૌથી સારો સમય છે. એ ગોઠવણ વિશે ઑક્ટોબર ૨૦૦૮ની આપણી રાજ્ય સેવામાં કંઈક આમ જણાવ્યું છે: ‘નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરવી જોઈએ. એની જવાબદારી યહોવાએ કુટુંબના શિરને સોંપી છે. તે એને એવી રીતે ચલાવે જેથી, કુટુંબને કંઈક નવું શીખવા મળે.’ તમારાં બાળકોની સંભાળ રાખવા શું તમે એ પ્રેમાળ ગોઠવણનો લાભ લો છો? એક વાત તો ચોક્કસ છે કે તમે બાળકોની ભક્તિની ભૂખ સંતોષવા જે મહેનત કરો છો, એની તેઓ ખૂબ કદર કરે છે.—ફિલિ. ૧:૧૦.
તેઓની ભક્તિની ભૂખ સંતોષો (ફકરા ૧૦-૧૨ જુઓ)
૧૨. (ક) નિયમિત રીતે કુટુંબ તરીકેની ભક્તિ કરવાથી યુવાનોને કેવા ફાયદા થયા છે? (“તેઓ એની કદર કરે છે” બૉક્સ જુઓ.) (ખ) કુટુંબ તરીકેની ભક્તિથી તમને કેવા ફાયદા થયા છે?
૧૨ કેરીસા ૧૯ વર્ષની છે. કુટુંબ તરીકેની ભક્તિથી થતા ફાયદા વિશે જણાવતા તે કહે છે, ‘મને ખૂબ ગમે છે કે અમે કુટુંબ તરીકે બેસીને વાત કરી શકીએ છીએ. એમ કરવાથી અમે એકબીજાને સારી રીતે સમજી શકીએ છીએ. એ અમારા માટે યાદગાર સમય બને છે. મારા પપ્પા કુટુંબ તરીકેની ભક્તિ નિયમિત રીતે ગોઠવે છે. તે કુટુંબ તરીકેની ભક્તિને ખૂબ મહત્ત્વ આપે છે. એના લીધે મને ઉત્તેજન મળે છે કે હું પણ એને મહત્ત્વ આપું. તેમના એ વલણને લીધે હું તેમને એક પિતા અને કુટુંબના શિર તરીકે ઘણું માન આપું છું.’ ૨૩ વર્ષની બ્રિટની આમ જણાવે છે: ‘કુટુંબ તરીકેની ભક્તિના લીધે હું મમ્મી-પપ્પાની નજીક આવી છું. હું જાણી શકી છું કે તેઓ મારી મુશ્કેલીઓ વિશે ધ્યાનથી સાંભળવા તૈયાર છે. તેમ જ, મારી કાળજી રાખે છે. એના લીધે કુટુંબ તરીકે અમારામાં એકતા વધી છે અને સંબંધો મજબૂત બન્યા છે.’ એ વાત સાફ છે કે બાળકોની ભક્તિની ભૂખ દૂર કરવાની સૌથી સારી રીત છે કે કુટુંબ તરીકેની ભક્તિ કરીએ. એમ કરવાથી તમે એક સારા ઘેટાંપાળક સાબિત થશો.b
બાળકોને માર્ગદર્શન આપો
૧૩. બાળક પોતે યહોવાની ભક્તિ કરે એ માટે તમારે શું કરવું જોઈએ?
૧૩ એક સારો ઘેટાંપાળક પોતાના ટોળાને દોરવા અને રક્ષણ આપવા છડી વાપરે છે. એના દ્વારા તે ઘેટાંને “સારા બીડ” એટલે કે લીલોતરી વાળી જગ્યા તરફ લઈ જાય છે. (હઝકી. ૩૪:૧૩, ૧૪) માબાપ તરીકે ચોક્કસ તમારો પણ ધ્યેય હશે કે બાળકો યહોવાની ભક્તિ કરે. તેઓને આવી લાગણી કેળવવા મદદ કરો: ‘હે મારા ઈશ્વર, તમારી ઇચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું; તમારો નિયમ મારા હૃદયમાં છે.’ (ગીત. ૪૦:૮) એવી લાગણી જે યુવાનો અનુભવે છે તેઓ પોતાનું જીવન યહોવાને સમર્પિત કરે છે અને બાપ્તિસ્મા લે છે. દેખીતું છે કે એ નિર્ણય તેઓએ પોતે જ લેવાનો છે. એ માટે તેઓના દિલમાં યહોવાની ભક્તિ કરવાની ઇચ્છા હોવી જોઈએ.
૧૪, ૧૫. (ક) માબાપનો કયો ધ્યેય હોવો જોઈએ? (ખ) કોઈ યુવાનને શા માટે સત્ય પર શંકા થઈ શકે?
૧૪ તમારું બાળક સત્યમાં પ્રગતિ ન કરે અથવા શંકા ઉઠાવે તો શું કરવું? તેને યહોવા પ્રત્યે પ્રેમ કેળવવા મદદ કરો. તેમ જ, યહોવાએ તેની માટે જે કર્યું છે એની કદર તેના દિલમાં જગાડો. એવો ધ્યેય રાખવો કેટલો સારો રહેશે! (પ્રકટી. ૪:૧૧) એમ કરવાથી, સમય જતાં તે યહોવાની ભક્તિ કરવા તૈયાર થશે.
૧૫ જો તમારું બાળક સત્ય પર શંકા કરે તો ધીરજ રાખો અને તેને માર્ગદર્શન આપતા રહો. તેને એ સમજવા મદદ કરો કે, યહોવાની ભક્તિ કરવી એ જ જીવનનો સૌથી સારો માર્ગ છે અને એનાથી હંમેશ માટે ખુશી મળે છે. ઉપરાંત, તેની શંકાનું મુખ્ય કારણ શોધો. દાખલા તરીકે, તમારા દીકરાએ શાના લીધે શંકા વ્યક્ત કરી? શું એ માટે કે તે ખરેખર બાઇબલના વિચારો સાથે સહમત નથી, કે પછી તેને પોતાની માન્યતા વિશે દોસ્તોને જણાવવું અઘરું લાગે છે? એ જ પ્રમાણે, તમારી દીકરી શાના લીધે શંકા કરે છે? શું એ માટે કે તેને ઈશ્વરના નિયમો ખરેખર યોગ્ય નથી લાગતા, કે પછી નિયમોને પાળવાને કારણે તેના દોસ્તો નથી બનતા અને તે એકલી પડી જાય છે?
સત્યમાં ચાલવા તેઓને માર્ગદર્શન આપો (ફકરા ૧૩-૧૮ જુઓ)
૧૬, ૧૭. બાળક દિલથી યહોવાની ભક્તિ કરે માટે કઈ રીતોએ મદદ આપી શકાય?
૧૬ સત્ય વિશે તમારા બાળકના મનની શંકાઓ દૂર કરવા કઈ રીતે મદદ આપશો? બાળકના દિલમાં શું છે એ જાણવા ઘણાં માબાપ આવા સવાલો પૂછે છે: “યહોવાના સાક્ષી હોવું તને કેવું લાગે છે? તારા મત પ્રમાણે સાક્ષી હોવાના કયા ફાયદા છે? સાક્ષી હોવાને લીધે તારે શું જતું કરવું પડે છે? યહોવાની ભક્તિ કરવાથી હમણાં અને ભાવિમાં જે આશીર્વાદો મળશે એના વિશે તને કેવું લાગે છે? એ આશીર્વાદો મેળવવા માટે જે જતું કરવું પડે છે શું એ વધુ પડતું છે?” તમે એ પ્રશ્નો પોતાના શબ્દોમાં, પ્રેમથી અને બાળકને રસ પડે એ રીતે પૂછી શકો. બાળકની પૂછપરછ કે તેના પર દોષ મૂકતા હો, એ રીતે ન પૂછો. એ વાતચીત દરમિયાન માર્ક ૧૦:૨૯, ૩૦ની કલમો પર ચર્ચા કરી શકો. બાળક લખી શકે કે પોતે શું જતું કર્યું છે અને કયા આશીર્વાદો મેળવ્યા છે. એ વાંચીને તમે તેની મુશ્કેલી પારખી શકશો અને હલ લાવવા મદદ આપી શકશો. જો આપણે બીજાઓને બાઇબલ શું શીખવે છે અને ઈશ્વરનો પ્રેમ પુસ્તકોમાંથી શીખવતા હોય, તો કેટલું જરૂરી છે કે એ આપણાં બાળકોને પણ શીખવીએ! શું તમે એમ કરો છો?
૧૭ સમય જતાં, તમારું બાળક નિર્ણય લઈ શકશે કે તે યહોવાની ભક્તિ કરવા ચાહે છે કે નહિ. એવું ન વિચારશો કે તમે યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય લીધો છે માટે, તે પણ એમ જ કરશે. દિલથી યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય બાળકે પોતે લેવો પડશે. (નીતિ. ૩:૧, ૨) પરંતુ, જો તમારા બાળકને એમ કરવું મુશ્કેલ લાગે તો શું કરવું? તમે તેને ઉત્તેજન આપો કે આવા સવાલો પર વિચાર કરે: “ઈશ્વર છે, એવું હું શા માટે માનું છું? હું કઈ રીતે પારખી શકું કે યહોવા ખરેખર મારી કાળજી રાખે છે? શું હું એમ માનું છું કે યહોવાની આજ્ઞા પાળવામાં મારું જ ભલું છે?” તમારા બાળકને ધીરજથી દોરવણી આપો. તેને એ પારખવા મદદ કરો કે યહોવાએ બતાવેલો માર્ગ સૌથી સારો છે.c—રોમ. ૧૨:૨.
૧૮. માબાપ કઈ રીતે મહાન ઘેટાંપાળક યહોવાને અનુસરી શકે?
૧૮ દરેક સાક્ષી ચાહે છે કે તે મહાન ઘેટાંપાળક યહોવાને અનુસરે. (એફે. ૫:૧; ૧ પીત. ૨:૨૫) માબાપ એમ કરી શકે માટે બહુ જરૂરી છે કે તેઓ પોતાનાં વહાલાં બાળકોને સારી રીતે જાણે. તેમ જ, તેઓને માર્ગદર્શન આપવા બનતું બધું કરે, જેથી તેઓ યહોવાનો આશીર્વાદ મેળવી શકે. તમારાં બાળકોને દરેક રીતે મદદ આપતા રહો, જેથી તેઓ યહોવાને પ્રેમ કરતા રહે.
a એ વિશે વધુ મદદ મેળવવા ચોકીબુરજ, જૂન ૧૫, ૨૦૦૪નાં પાન ૪-૭ જુઓ.
b વધુ માહિતી માટે ચોકીબુરજ, માર્ચ ૧૫, ૨૦૧૪નાં પાન ૧૭-૧૯નો આ લેખ જુઓ: “કુટુંબ તરીકેની ભક્તિ મજેદાર બનાવવા શું કરી શકાય?”
c એ વિશે ફેબ્રુઆરી ૧, ૨૦૧૨ના ચોકીબુરજ (અંગ્રેજી), પાન ૧૮-૨૧ના લેખમાં વધુ માહિતી મેળવો.