બાઇબલ વિષય પર ચર્ચા
ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું?—ભાગ ૨
યહોવાના સાક્ષીઓ લોકો સાથે નીચે બતાવેલી રીત પ્રમાણે વાત કરે છે. કલ્પના કરો કે, કૅમરન નામના યહોવાના સાક્ષી જૉનના ઘરે ફરી આવીને વાત કરે છે.
નબૂખાદનેસ્સારનું સ્વપ્ન ફરી યાદ કરીએ
કૅમરન: તમને ફરી મળીને ખુશી થઈ. તમારી સાથે દર અઠવાડિયે બાઇબલ અભ્યાસ કરવાની ઘણી મજા આવે છે.a તમારી તબિયત કેમ છે?
જૉન: સારી છે.
કૅમરન: સરસ. ગયા વખતે આપણે વાત કરી કે, ૧૯૧૪માં ઈશ્વરનું રાજ શરૂ થયું એવું શા માટે યહોવાના સાક્ષીઓ માને છે.b આપણે ચર્ચા કરી હતી તેમ એનો પુરાવો દાનીયેલના ચોથા અધ્યાયમાં જોવા મળે છે. શું તમને એ વિશે યાદ છે?
જૉન: હા, રાજા નબૂખાદનેસ્સારે સ્વપ્નમાં એક મોટું ઝાડ જોયું હતું.
કૅમરન: બરાબર. સ્વપ્નમાં નબૂખાદનેસ્સારે એક મોટું ઝાડ જોયું, જેની ટોચ આકાશ સુધી પહોંચતી હતી. પછી તેણે સાંભળ્યું કે, ઈશ્વરના સ્વર્ગદૂતે ઝાડ કાપવાની આજ્ઞા આપી. પણ એ ઝાડના ઠૂંઠાંને જમીનમાં રાખી મૂકવાનું કહ્યું, જેથી “સાત કાળ” વીત્યા પછી એ ફરી વધે.c આપણે એ પણ જોયું કે શા માટે એ ભવિષ્યવાણી બે વાર પૂરી થઈ. તમને યાદ છે કે પહેલી વાર કોને લાગુ પડી અને શું થયું હતું?
જૉન: એ પહેલી વાર નબૂખાદનેસ્સારને લાગુ પડી હતી, ખરું ને? તેણે સાત વર્ષ માટે સમજશક્તિ ગુમાવી દીધી હતી.
કૅમરન: બરાબર. નબૂખાદનેસ્સારે થોડા સમય માટે સમજશક્તિ ગુમાવી હોવાથી તેની સત્તા અટકાવવામાં આવી હતી. બીજી વાર એ ભવિષ્યવાણી મોટા પાયે ત્યારે પૂરી થઈ, જ્યારે પૃથ્વી પર ઈશ્વરની સત્તા સાત કાળ માટે અટકી ગઈ. આપણે ચર્ચા કરી ગયા તેમ ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો નાશ થયો ત્યારથી, સાત કાળની શરૂઆત થઈ હતી. એ સમયથી, યહોવાએ પોતાના લોકો પર રાજ કરવા પૃથ્વી પરથી રાજા પસંદ કરવાનું બંધ કર્યું. જોકે, સાત કાળના અંતે, ઈશ્વરે પોતાના લોકો પર રાજ કરવા સ્વર્ગમાંથી નવા રાજા નિયુક્ત કર્યા. બીજા શબ્દોમાં, સાત કાળના અંતે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં શરૂ થયું. આપણે જોયું કે સાત કાળની શરૂઆત ક્યારથી થઈ. પરંતુ, સાત કાળ કેટલા લાંબા હતા એ જાણવા મળે તો, ઈશ્વરની સરકારે ક્યારથી રાજ શરૂ કર્યું એ જાણી શકીશું. આટલે સુધી સમજ્યા?
જૉન: હા. ફરી ચર્ચા કરવાથી મને બધું યાદ આવી ગયું.
કૅમરન: બહુ સરસ. ચાલો હવે સાત કાળ કેટલા લાંબા હતા એની ચર્ચા કરીએ. મુખ્ય મુદ્દાઓને યાદ કરવા મેં હમણાં જ એ વિષય પર અભ્યાસ કર્યો છે. તેથી, તમને સમજાવવાનો હું બનતો પ્રયત્ન કરીશ.
જૉન: સારું.
સાત કાળ પૂરા થયા અને છેલ્લા સમયો શરૂ થયા
કૅમરન: ભવિષ્યવાણી પહેલી વાર નબૂખાદનેસ્સાર માટે પૂરી થઈ ત્યારે સાત કાળ એ સાત વર્ષ હતા. પરંતુ, બીજી વાર ઈશ્વરના રાજ્ય માટે પૂરી થઈ ત્યારે એ સાત વર્ષ કરતાં વધુ સમયગાળો હોવો જોઈએ.
જૉન: એવું તમે કઈ રીતે કહી શકો?
કૅમરન: આપણે જોયું હતું કે, ઈ.સ. પૂર્વે ૬૦૭માં યરૂશાલેમનો વિનાશ થયો ત્યારે સાત કાળની શરૂઆત થઈ હતી. ત્યારથી સાત વર્ષ ગણવાનું શરૂ કરીએ તો, ઈ.સ. પૂર્વે ૬૦૦માં આવીશું. પરંતુ, એ સાલમાં ઈશ્વરના રાજને અસર કરે એવી કોઈ બાબત બની ન હતી. ગઈ વખતે ચર્ચા કરી તેમ સદીઓ પછી, ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે જણાવ્યું કે સાત કાળ હજુ પૂરા થયા નથી.
જૉન: હા, હવે યાદ આવ્યું.
કૅમરન: આમ, સાત કાળ ફક્ત સાત વર્ષ નહિ પણ, લાંબો સમયગાળો હોવો જોઈએ.
જૉન: કેટલો લાંબો?
કૅમરન: બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક એ દાનીયેલના પુસ્તક સાથે સંકળાયેલું છે. પ્રકટીકરણનું પુસ્તક એ સમજવા મદદ કરશે કે સાત કાળ કેટલા લાંબા છે. એમાં બતાવ્યું છે કે સાડા ત્રણ કાળ એટલે ૧,૨૬૦ દિવસ.d સાડા ત્રણ કાળના બમણા સાત કાળ હોવાથી એ ૨,૫૨૦ દિવસ થાય. અહીં સુધી સમજ્યા?
જૉન: હા. પણ, એનાથી કઈ રીતે ખબર પડે કે ૧૯૧૪માં ઈશ્વરનું રાજ શરૂ થયું.
કૅમરન: ચાલો, એના વિશે જોઈએ. અમુક વાર બાઇબલ ભવિષ્યવાણીમાં એક દિવસ એક વર્ષને રજૂ કરે છે.e એ પ્રમાણે ગણીએ તો, સાત કાળના ૨,૫૨૦ વર્ષ થાય. ઈ.સ. પૂર્વે ૬૦૭થી ૨,૫૨૦ વર્ષ ગણવાનું શરૂ કરીએ તો, સાલ ૧૯૧૪ આવે.f આમ, સાત કાળ ૧૯૧૪માં પૂરા થયા અને ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુએ રાજ શરૂ કર્યું. અને છેલ્લા સમય વિશે બાઇબલમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી, એ મહત્ત્વના બનાવો ૧૯૧૪થી પૃથ્વી પર બની રહ્યા છે.
જૉન: કયા બનાવો?
કૅમરન: ચાલો, માથ્થી ૨૪:૭માં ઈસુએ શું કહ્યું એ જોઈએ. તેમણે કહ્યું કે, પોતે સ્વર્ગમાં રાજ શરૂ કરશે ત્યારે આવા બનાવો બનશે: “પ્રજા પ્રજાની વિરુદ્ધ, તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુકાળો તથા મરકીઓ તથા ઠેકાણે ઠેકાણે ધરતીકંપ થશે.” તમે જોયું, અહીં ઈસુએ કહ્યું કે એ સમયગાળામાં દુકાળો અને ધરતીકંપો થશે. શું ગઈ સદીમાં પૃથ્વી પર આવા જ બનાવો બન્યા ન હતા?
જૉન: હા, બન્યા હતા.
કૅમરન: આ કલમમાં ઈસુએ એમ પણ જણાવ્યું કે પોતે રાજા બનશે ત્યારે લડાઈઓ થશે. પ્રકટીકરણની ભવિષ્યવાણી સામાન્ય લડાઈઓને નહિ, પણ અંતના સમયમાં આખી પૃથ્વીને અસર કરતા યુદ્ધોને લાગુ પડે છે.g શું તમને યાદ છે કે, પહેલું વિશ્વયુદ્ધ ક્યારે ફાટી નીકળ્યું?
જૉન: ૧૯૧૪માં. અરે, તમે જણાવ્યું તેમ એ જ વર્ષે ઈસુએ પણ રાજ શરૂ કર્યુ! આ બંને આ રીતે સંકળાયેલા છે એવું તો મેં ક્યારેય વિચાર્યું ન હતું.
કૅમરન: સાત કાળની અને જગતના અંત વિશેની બધી ભવિષ્યવાણીઓને સાથે તપાસવામાં આવે તો આપણે આ બધું સહેલાઈથી સમજી શકીએ છીએ. યહોવાના સાક્ષીઓને પૂરી ખાતરી છે કે, ૧૯૧૪થી ઈસુનું રાજ શરૂ થયું અને એ જ વર્ષથી છેલ્લા દિવસો પણ શરૂ થયા.h
જૉન: હું હજુ પણ આ બધું સમજવાની કોશિશ કરી રહ્યો છું.
કૅમરન: સમજી શકું છું. મેં પહેલાં કહ્યું તેમ મને પણ એ સમજતા થોડી વાર લાગી હતી. પરંતુ, આ ચર્ચાને અંતે તમે એટલું તો સમજ્યા હશો કે ૧૯૧૪ વિશેની યહોવાના સાક્ષીઓની માન્યતા બાઇબલ આધારિત છે. પછી ભલેને એ સાલ બાઇબલમાં આપી ન હોય.
જૉન: હું એક વાતથી હંમેશાં પ્રભાવિત થયો છું કે તમે જે કંઈ કહો છો એ બાઇબલ આધારિત હોય છે. તમે ક્યારેય પોતાના વિચારોના આધારે કહેતા નથી. પરંતુ, મને થાય છે કે આ બધું શા માટે આટલું અઘરું છે. ઈસુ સ્વર્ગમાં ૧૯૧૪માં રાજ શરૂ કરશે, એ વિશે ઈશ્વરે સીધેસીધું બાઇબલમાં શા માટે લખાવી ન દીધું?
કૅમરન: જૉન, તમારો સવાલ સરસ છે. એવી ઘણી બાબતો છે, જે વિશે બાઇબલમાં સીધેસીધું લખવામાં આવ્યું નથી. તો પછી, ઈશ્વરે શા માટે બાઇબલ એવી રીતે લખાવ્યું કે એને સમજવા લોકોએ મહેનત કરવી પડે? બીજી વખત આવીશ ત્યારે આપણે એ વિશે વાત કરીશું.
જૉન: એ વિશે જાણવાનું મને ગમશે. (w૧૪-E ૧૧/૦૧)
શું બાઇબલના કોઈ વિષય પર તમને સવાલ છે? શું તમને યહોવાના સાક્ષીઓની માન્યતા કે તેઓની પ્રવૃત્તિઓ વિશે વધુ જાણવું છે? એમ હોય તો યહોવાના સાક્ષીને પૂછતા અચકાશો નહિ. તેઓ રાજીખુશીથી તમને એ વિશે સમજાવશે.
a યહોવાના સાક્ષીઓ લોકોને જુદા જુદા વિષય પર બાઇબલ આધારિત સાહિત્યમાંથી ફ્રીમાં શીખવે છે.
b જાન્યુઆરી-માર્ચ ૨૦૧૫, ચોકીબુરજના “બાઇબલ વિષય પર ચર્ચા—ઈશ્વરના રાજ્યએ ક્યારથી રાજ શરૂ કર્યું?—ભાગ ૧” લેખ જુઓ.
c દાનીયેલ ૪:૨૩-૨૫ જુઓ.
d પ્રકટીકરણ ૧૨:૬, ૧૪ જુઓ.
e ગણના ૧૪:૩૪; હઝકીએલ ૪:૬ જુઓ.
f “નબૂખાદનેસ્સારે જોયેલું ઝાડનું સ્વપ્ન” ચાર્ટ જુઓ.
g પ્રકટીકરણ ૬:૪ જુઓ.