વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧૧/૧૫ પાન ૮-૧૨
  • આપણે શા માટે પવિત્ર થવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • આપણે શા માટે પવિત્ર થવું જોઈએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • મથાળાં
  • સરખી માહિતી
  • આપણું પવિત્ર થવું જરૂરી છે
  • આજ્ઞાઓ પાળીને પોતાને પવિત્ર સાબિત કરીએ
  • લોહી વિશેના નિયમને પાળીને પવિત્ર રહીએ
  • યહોવા ચાહે છે કે આપણે પવિત્ર રહીએ
  • જીવન ઈશ્વરની ભેટ છે, એની કદર કરો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • જિંદગી, ઈશ્વરની અનમોલ ભેટ!
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧૧/૧૫ પાન ૮-૧૨
મુસા પ્રમુખ યાજકનો પોશાક હારૂનને પહેરાવી રહ્યા છે અને હારૂનના ચાર દીકરાઓ એ જોઈ રહ્યા છે

આપણે શા માટે પવિત્ર થવું જોઈએ?

‘તમારે પવિત્ર થવું જ જોઈએ.’—લેવી. ૧૧:૪૫.

જવાબમાં તમે શું કહેશો?

  • હારૂન અને તેમના દીકરાઓના શુદ્ધ થવાનો કઈ રીતે આપણા માટે ઊંડો અર્થ રહેલો છે?

  • આપણું આધીન રહેવું કઈ રીતે પવિત્ર રહેવા સાથે જોડાયેલું છે?

  • લોહી વિશે યહોવાના નિયમ માટે આપણને કેવું લાગવું જોઈએ?

૧. લેવીયનું પુસ્તક આપણને કઈ મદદ આપે છે?

યહોવા ચાહે છે કે તેમનો દરેક ભક્ત પવિત્ર થાય. આમ તો આખા બાઇબલમાં “પવિત્ર” શબ્દનો ઉલ્લેખ ઘણી વાર થયો છે, પણ લેવીયના પુસ્તકમાં એ સૌથી વધુ વાર જોવા મળે છે. તેથી, એ પુસ્તકની સમજણ મેળવવાથી અને એની કદર કરવાથી જાણી શકીશું કે પવિત્ર થવા શું કરવું જોઈએ.

૨. લેવીયના પુસ્તકમાં શું જોવા મળે છે?

૨ મુસાએ લખેલું લેવીયનું પુસ્તક પણ ઈશ્વર પ્રેરિત “શાસ્ત્ર”નો ભાગ છે, જે “શિક્ષણને અર્થે ઉપયોગી છે.” (૨ તીમો. ૩:૧૬) મૂળ હિબ્રૂ શાસ્ત્રમાં આ પુસ્તકના દરેક અધ્યાયમાં આશરે ૧૦ વાર “યહોવા” નામનો ઉલ્લેખ થયો છે. લેવીયના પુસ્તકને સમજીશું તો યહોવાના નામનું અપમાન કરતું કોઈ પણ કામ ન કરવા મક્કમ બનીશું. (લેવી. ૨૨:૩૨) એ પુસ્તકમાં ઘણી વાર આ શબ્દો જોવા મળે છે: “હું યહોવા છું.” વારંવાર જોવા મળતા એ શબ્દો આપણને ઈશ્વરનું કહેવું માનવાનું ઉત્તેજન આપે છે. લેવીયનું પુસ્તક કીમતી સિદ્ધાંતોનો ખજાનો છે. આ અને આવતા લેખમાં આપણે એમાંના અમુક મૂલ્યવાન સિદ્ધાંતોની ચર્ચા કરીશું, જે આપણને ઈશ્વરની ભક્તિમાં પવિત્ર થવા મદદ આપશે.

આપણું પવિત્ર થવું જરૂરી છે

૩, ૪. હારૂન અને તેમના દીકરાઓનું શુદ્ધ થવું શાને રજૂ કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૩ લેવીય ૮:૫, ૬ વાંચો. યહોવાએ પોતાની પ્રજા માટે હારૂનને પ્રમુખ યાજક અને તેમના દીકરાઓને યાજકો તરીકે નિયુક્ત કર્યા હતા. હારૂન, પ્રમુખ યાજક ઈસુને અને હારૂનના દીકરાઓ અભિષિક્તોને રજૂ કરે છે. તો પછી, હારૂનનું પાણીથી શુદ્ધ થવું શાને રજૂ કરે છે? શું એ એમ બતાવે છે કે ઈસુને પણ શુદ્ધ થવાની જરૂર હતી? ના. કારણ કે, ઈસુમાં કોઈ પાપ ન હતું. તે તો “નિષ્કલંક” અને પવિત્ર હતા. (હિબ્રૂ ૭:૨૬; ૯:૧૪) તેથી, સમજી શકાય કે શુદ્ધ થયેલા હારૂન ન્યાયી અને નિષ્કલંક ઈસુને રજૂ કરે છે. હવે જોઈએ કે હારૂનના દીકરાઓનું પાણીથી શુદ્ધ થવું શાને રજૂ કરે છે.

૪ હારૂનના દીકરાઓનું શુદ્ધ થવું તો અભિષિક્તોના શુદ્ધ થવાને દર્શાવે છે. તેઓ સ્વર્ગમાં યાજકો થવા પસંદ કરાયેલા છે. શું એ શુદ્ધ થવું અભિષિક્તોના બાપ્તિસ્માને બતાવે છે? ના, ફક્ત બાપ્તિસ્મા લેવાથી કોઈ પાપથી મુક્ત થતું નથી. બાપ્તિસ્મા દ્વારા બસ એટલું જાહેર થાય છે કે વ્યક્તિએ પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે. હકીકતમાં, અભિષિક્તો ઈશ્વરના “વચન” દ્વારા શુદ્ધ થાય છે. તેથી, ઈસુએ જે કંઈ શીખવ્યું એને તેઓ પોતાના જીવનમાં પૂરી રીતે લાગુ પાડે છે. (એફે. ૫:૨૫-૨૭) એ રીતે તેઓ શુદ્ધ અને પવિત્ર થાય છે. હવે સવાલ થાય કે, “બીજાં ઘેટાં”ના સભ્યો કઈ રીતે શુદ્ધ થાય છે?—યોહા. ૧૦:૧૬.

૫. શાને આધારે કહી શકાય કે “બીજાં ઘેટાં”ના સભ્યો બાઇબલનાં વચનોથી શુદ્ધ થાય છે?

૫ હારૂનના દીકરાઓ ઈસુના “બીજાં ઘેટાં”ના ‘મોટા ટોળાને’ દર્શાવતા નથી. (પ્રકટી. ૭:૯) તેમ છતાં, એ સભ્યો પણ બાઇબલનાં વચનો દ્વારા શુદ્ધ અને પવિત્ર થઈ શકે છે. કઈ રીતે? બાઇબલનાં વચનોમાંથી તેઓ જાણી શકે કે ઈસુના બલિદાનથી તેઓ માટે શું શક્ય બન્યું છે. એ વચનોમાં વિશ્વાસ કરવાથી તેઓને યહોવાની “રાતદહાડો” ભક્તિ કરવા પ્રેરણા મળે છે. (પ્રકટી. ૭:૧૩-૧૫) પરિણામે, “બીજાં ઘેટાં”ના સભ્યો અને અભિષિક્તો શુદ્ધ થવામાં સતત લાગુ રહે છે. તેઓ પોતાનાં વાણી-વર્તન હંમેશાં શુદ્ધ રાખે છે. (૧ પીત. ૨:૧૨) ઈશ્વરભક્તો વફાદારીથી ઈસુનું અનુકરણ કરે છે. તેઓ બધા એકતામાં રહે છે અને શુદ્ધ બને છે. એ જોઈને યહોવા ઘણા ખુશ થાય છે.

૬. આપણે શા માટે નિયમિત રીતે પોતાની પરખ કરવી જોઈએ?

૬ ઈસ્રાએલના યાજકોને શારીરિક સ્વચ્છતા પણ જાળવવાની હતી. શું એ નિયમ આપણને પણ લાગુ પડે છે? આપણા ઘણા બાઇબલ વિદ્યાર્થીઓ જોઈ શકે છે કે આપણે સાફ-સફાઈને ઘણું મહત્ત્વ આપીએ છીએ. આપણે ભક્તિનાં સ્થળો પણ ચોખ્ખાં રાખીએ છીએ. ઉપરાંત, જેઓ ઈશ્વરની ભક્તિ કરવા ચાહે છે તેઓએ પોતાના “હૃદય નિર્મળ” રાખવા જોઈએ. (ગીતશાસ્ત્ર ૨૪:૩, ૪ વાંચો; યશા. ૨:૨, ૩) તેથી, આપણે યહોવાની સેવા સાફ મન, શુદ્ધ હૃદય અને સ્વચ્છ શરીરથી કરવી જોઈએ. આપણે પોતાની નિયમિત રીતે પરખ કરવી જોઈએ. અમુક વાર, આપણને પવિત્ર થવા માટે મોટા ફેરફાર કરવાની જરૂર પડી શકે. (૨ કોરીં. ૧૩:૫) દાખલા તરીકે, જો કોઈ ભાઈ કે બહેન પોર્નોગ્રાફી જોતાં હોય, તો તેમણે આવો વિચાર કરવો જોઈએ: “શું યહોવાની નજરે હું પવિત્ર છું?” પછી, તેમણે એ ખરાબ આદત છોડવા વડીલોની મદદ લેવી જોઈએ.—યાકૂ. ૫:૧૪.

આજ્ઞાઓ પાળીને પોતાને પવિત્ર સાબિત કરીએ

૭. લેવીય ૮:૨૨-૨૪ને ધ્યાનમાં રાખીને જણાવો કે ઈસુએ કેવો દાખલો બેસાડ્યો.

૭ યાજક પદની નિયુક્તિ માટે પ્રમુખ યાજક હારૂન અને તેમના દીકરાઓના જમણી બાજુના કાને, હાથના અને પગના અંગૂઠે ઘેટાનું લોહી લગાડવામાં આવ્યું. (લેવીય ૮:૨૨-૨૪ વાંચો.) એ રીતે લોહી લગાડવું દર્શાવતું કે યાજકો પોતાની જવાબદારી યહોવાને આધીન રહીને નિભાવશે. એવી જ રીતે, પ્રમુખ યાજક ઈસુએ પણ અભિષિક્તો અને “બીજાં ઘેટાં” માટે આધીનતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે. તેમણે હંમેશાં યહોવાના માર્ગદર્શન પર ધ્યાન આપ્યું, યહોવાની ઇચ્છા પૂરી કરી અને પવિત્ર જીવન જીવ્યા.—યોહા. ૪:૩૧-૩૪.

૮. આપણે બધાએ શું કરવું જોઈએ?

૮ આપણે યહોવાના ભક્તો હોવાથી ઈસુના દાખલાને અનુસરવું જોઈએ. તે હંમેશાં ઈશ્વરને વફાદાર રહ્યા. આપણે પણ બાઇબલમાં મળતા યહોવાના માર્ગદર્શન પ્રમાણે કરતા રહીએ. એ રીતે આપણે ઈશ્વરની પવિત્ર શક્તિ વિરુદ્ધનું કોઈ પણ કામ કરવાનું ટાળીએ છીએ. (એફે. ૪:૩૦) કેમ નહિ કે, આપણે ‘પોતાના પગ માટે માર્ગ સીધા કરવાનો’ મક્કમ નિર્ણય કરીએ.—હિબ્રૂ ૧૨:૧૩.

૯. ત્રણ ભાઈઓના વિચારો જણાવો. તેમના વિચારો પર મનન કરવાથી તમને પવિત્ર રહેવા કઈ રીતે મદદ મળે છે?

૯ આવો, આપણે ત્રણ ભાઈઓએ કહેલી વાત પર વિચાર કરીએ. તેઓએ વર્ષો સુધી નિયામક જૂથના સભ્યોને કામમાં સહાય આપી છે. એમાંના એક ભાઈએ આમ કહ્યું: ‘નિયામક જૂથના સભ્યો સાથે કામ કરવું એક અનેરો લહાવો રહ્યો. જોકે, એ નજીકની સંગત દરમિયાન સમયે સમયે મને જોવા મળ્યું કે પવિત્ર શક્તિથી અભિષિક્ત હોવા છતાં, એ ભાઈઓથી પણ ભૂલો તો થાય છે. તોપણ, વર્ષોથી મારો ધ્યેય રહ્યો છે કે હું આગેવાની લેનારાઓને આધીન રહું.’ બીજા ભાઈએ કહ્યું: ‘બીજો કોરીંથી ૧૦:૫ જેવાં વચનો “ખ્રિસ્તને આધીન” રહેવા વિશે જણાવે છે. એમાંથી મને આગેવાની લેનારાઓને આધીન રહેવા અને સહકાર આપવામાં મદદ મળી છે. મારી એ આધીનતા દિલથી હોય છે.’ ત્રીજા ભાઈનું કહેવું છે: ‘યહોવાને જે ગમે એ કરવા, તે જે ધિક્કારે એ ધિક્કારવા, હંમેશાં તેમનું માર્ગદર્શન લેવા અને તેમને ખુશ કરવા, આપણે યહોવાના સંગઠનને અને તે પોતાનો હેતુ પૂરો કરવામાં જેઓનો ઉપયોગ કરે છે તેઓને આધીન રહીએ.’ એ ભાઈ, નાથાન નોરના દાખલાને હંમેશાં યાદ રાખે છે. તેમના દિલને ભાઈ નોરની એક વાત સ્પર્શી ગઈ. નિયામક જૂથના સભ્ય બન્યા એ પહેલાં ભાઈ નોરે, ૧૯૨૫ના અંગ્રેજી ચોકીબુરજમાં આવેલા લેખ “રાષ્ટ્રનો જન્મ”માં જે લખ્યું હતું એ ખુશીથી સ્વીકાર્યું. જ્યારે કે, બીજાઓએ એનો નકાર કર્યો. એ ત્રણે ભાઈઓના વિચારો પર મનન કરવાથી ઈશ્વરને આધીન રહેવા અને પોતાને પવિત્ર રાખવા મદદ મળશે.

લોહી વિશેના નિયમને પાળીને પવિત્ર રહીએ

૧૦. લોહી વિશે ઈશ્વરનો નિયમ પાળવો આપણી માટે કેટલો મહત્ત્વનો છે?

૧૦ લેવીય ૧૭:૧૦ વાંચો. યહોવાએ “કોઈ જાતનું રક્ત” ન ખાવાની ઈસ્રાએલીઓને આજ્ઞા આપી હતી. આજે, એ આજ્ઞા આપણને પણ લાગુ પડે છે. તેથી, આપણે લોહીના ઉપયોગથી દૂર રહીએ છીએ, પછી એ મનુષ્યનું હોય કે પ્રાણીઓનું. (પ્રે.કૃ. ૧૫:૨૮, ૨૯) આપણે એવા વિચારથી પણ દૂર રહીએ છીએ, જેના લીધે યહોવા આપણો નકાર કરે અને પોતાના સંગઠનથી આપણને દૂર કરે. આપણે યહોવાને ચાહીએ છીએ અને તેમનું કહેવું કરવા માંગીએ છીએ. યહોવાને ન જાણનાર લોકો કદાચ ચાહે કે આપણે યહોવાની આજ્ઞા ન માનીએ. પરંતુ, આપણું જીવન દાવ પર હોય તોપણ આપણે તેઓની વાતોમાં આવીશું નહિ. લોહી ન લેવાને લીધે અમુક લોકો આપણી મજાક ઉડાવી શકે. તેમ છતાં, આપણે યહોવાને આધીન રહેવા માંગીએ છીએ. (યહુ. ૧૭, ૧૮) લોહી ન ખાવાના કે ન લેવાના આપણા નિર્ણયને મક્કમ રાખવામાં આપણને શું મદદ કરશે?—પુન. ૧૨:૨૩.

૧૧. પ્રાયશ્ચિતનો દિવસ શા માટે મહત્ત્વનો હતો?

૧૧ પ્રાયશ્ચિત્તના દિવસે ઈસ્રાએલના પ્રમુખ યાજક જે કરતા એનો વિચાર કરવાથી આપણે જોઈ શકીશું કે લોહી વિશે યહોવાનો શો વિચાર છે. લોહીનો ઉપયોગ એક ખાસ હેતુસર થતો. એનો ઉપયોગ ઈસ્રાએલીઓ પાપોની માફી મેળવવા માટે કરતા, જેથી તેઓનો ઈશ્વર સાથેનો સંબંધ જળવાઈ રહે. અર્પણ કરાયેલાં વાછરડાંના અને બકરાના લોહીને કરારકોશની આગળ છાંટવામાં આવતું. (લેવી. ૧૬:૧૪, ૧૫, ૧૯) ઈશ્વર એ લોહીના આધારે ઈસ્રાએલીઓના પાપ માફ કરતા. યહોવાએ એમ પણ જણાવી રાખ્યું હતું કે ખોરાક માટેના પ્રાણીને રાંધતા પહેલાં એનું લોહી જમીન પર રેડીને માટીથી દાબી દેવું. કારણ કે, ‘રક્ત એ જ સર્વ સજીવ પ્રાણીનો જીવ છે.’ (લેવી. ૧૭:૧૧-૧૪) એ બધી આજ્ઞાઓ મહત્ત્વની હતી. સેંકડો વર્ષો અગાઉ યહોવાએ નુહ અને તેમના વંશજોને પણ ખોરાકમાં લોહીનો ઉપયોગ ન કરવાની આજ્ઞા આપી હતી. (ઉત. ૯:૩-૬) આજે, ઈશ્વરભક્તો માટે એનો શો અર્થ થાય?

૧૨. પાઊલના જણાવ્યા પ્રમાણે લોહી કઈ રીતે પાપોની માફી સાથે જોડાયેલું છે?

૧૨ પ્રેરિત પાઊલે સમજાવ્યું કે લોહી દ્વારા પાપથી શુદ્ધ થઈ શકાય છે. તેમણે લખ્યું: “નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી.” (હિબ્રૂ ૯:૨૨) જોકે, પાપોની માફી માટે જાનવરોના લોહીથી બરાબરની કિંમત ચૂકવી શકાતી ન હતી. પાઊલના જણાવ્યા પ્રમાણે જાનવરોનાં બલિદાનોને લીધે ઈસ્રાએલીઓને યાદ રહેતું કે તેઓ પાપી છે. અને તેઓને પાપથી પૂરી રીતે દૂર થવા એક ખાસ બલિદાનની જરૂર છે. નિયમ કરાર તો “જે સારી વસ્તુઓ થવાની હતી એની પ્રતિછાયા” હતો. (હિબ્રૂ ૧૦:૧-૪) તો પછી, પાપોની માફી મેળવવી કઈ રીતે શક્ય બનવાની હતી?

૧૩. ઈસુએ યહોવા આગળ પોતાના લોહીની કિંમત રજૂ કરી, એ વિશે તમને કેવું લાગે છે?

૧૩ એફેસી ૧:૭ વાંચો. ઈસુએ પોતાના જીવનનું બલિદાન દરેક વ્યક્તિ માટે આપ્યું છે. જેઓ ઈસુને અને યહોવાને પ્રેમ કરે છે, તેઓ એ બલિદાનને ખૂબ મૂલ્યવાન ગણે છે. (ગલા. ૨:૨૦) સજીવન થયા પછી ઈસુએ જે કર્યું, એના દ્વારા આપણને પાપથી છૂટકારો મળે છે. નિયમ કરાર મુજબ, પ્રાયશ્ચિતને દિવસે જે બનતું એ પ્રમાણે ઈસુએ કર્યું. એ દિવસે પ્રમુખ યાજક પરમપવિત્રસ્થાનમાં જતા અને પ્રાણીના લોહીનું અર્પણ કરતા. (લેવી. ૧૬:૧૧-૧૫) એ જ રીતે, ઈસુ પણ સજીવન થયા પછી સ્વર્ગમાં ગયા અને તેમણે ઈશ્વરની આગળ પોતાના લોહીની કિંમત રજૂ કરી. (હિબ્રૂ ૯:૬, ૭, ૧૧-૧૪, ૨૪-૨૮) ઈસુના બલિદાનમાં વિશ્વાસ કરવાથી આપણે પાપોની માફી અને શુદ્ધ અંતઃકરણ મેળવી શકીએ છીએ. એ બદલ આપણે તેમના ખૂબ આભારી છીએ!

૧૪, ૧૫. લોહી વિશે યહોવાનો નિયમ સમજવો અને પાળવો શા માટે મહત્ત્વનો છે?

૧૪ આપણે સમજી શકીએ છીએ કે યહોવાએ શા માટે ‘કોઈ પણ જાતના લોહીને’ ન ખાવાની આજ્ઞા આપી. (લેવી. ૧૭:૧૦) આપણે જાણ્યું કે લોહીમાં જીવ હોવાથી યહોવા એને પવિત્ર ગણે છે. (ઉત. ૯:૪) તેમની જેમ આપણે પણ લોહીને પવિત્ર ગણીએ અને તેમની આજ્ઞા માનીને એનાથી દૂર રહીએ. ઈસુના બલિદાન પર વિશ્વાસ રાખીએ અને ઈશ્વરની નજરે લોહી કીમતી છે એ સ્વીકારીએ. એમ કરવાથી જ યહોવા સાથેનો સંબંધ જાળવી શકીશું.—કોલો. ૧:૧૯, ૨૦.

૧૫ બની શકે, આપણામાંથી કોઈ પર અચાનક એવા સંજોગો આવી પડે, જેમાં લોહી સંબંધી અમુક નિર્ણયો લેવા પડે. દાખલા તરીકે, લોહીની આપ-લે કરવા વિશે, રક્તકણોના ઉપયોગ વિશે અથવા એવી સારવાર લેવા વિશે જેમાં લોહીનો ઉપયોગ થતો હોય. એવા સંજોગો આવી પડે એ પહેલાં એના વિશે માહિતી શોધી કાઢવી, તેમ જ યહોવાને પ્રાર્થના કરવી અને દૃઢ નિર્ણય લેવો ખૂબ મહત્ત્વનો છે. એમ કરવાથી લોહીના ઉપયોગથી દૂર રહેવા તમારી હિંમત વધશે. યહોવા ધિક્કારે એવી પસંદગી કરીને આપણે તેમને કદી દુઃખી કરવા માંગતા નથી. આજે, બીજાઓનું જીવન બચાવવાના હેતુથી કેટલાક ડૉક્ટર અને બીજા લોકો આપણને લોહી આપવાનું ઉત્તેજન આપે છે. પરંતુ, યહોવાના પવિત્ર લોકો હોવાથી આપણે જાણીએ છીએ કે લોહીના ઉપયોગ વિશે નિયમો આપવાનો હક્ક ફક્ત યહોવાને જ છે. ‘કોઈ પણ જાતનું રક્ત’ યહોવાની નજરે પવિત્ર છે. તેથી, લોહી વિશે યહોવાનો નિયમ પાળવાનો આપણે મક્કમ નિર્ણય લેવો જોઈએ. ઈસુના બલિદાનનું લોહી આપણા માટે કીમતી છે, એવું આપણે પોતાનાં શુદ્ધ વાણી-વર્તનથી પણ બતાવી શકીએ છીએ. ફક્ત ઈસુના લોહીથી જ આપણા માટે પાપની માફી અને હંમેશ માટેનું જીવન શક્ય બન્યું છે.—યોહા. ૩:૧૬.

બીમાર ખ્રિસ્તી બહેન દવાખાનામાં ડૉક્ટર સાથે વાત કરી રહ્યાં છે

લોહી વિશેની યહોવાની આજ્ઞા પાળવા શું તમે મક્કમ છો? (ફકરા ૧૪, ૧૫ જુઓ)

યહોવા ચાહે છે કે આપણે પવિત્ર રહીએ

૧૬. યહોવાના લોકો શા માટે પવિત્ર હોવા જોઈએ?

૧૬ યહોવાએ ઈસ્રાએલીઓને ઇજિપ્તની (મિસરની) ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે કહ્યું: “તમારો ઈશ્વર થવા માટે મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું; માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું.” (લેવી. ૧૧:૪૫) યહોવા પોતે પવિત્ર છે એટલે ઇચ્છતા હતા કે ઈસ્રાએલીઓ પણ પવિત્ર બને. આજે, આપણા માટે પણ યહોવાની એ જ ઇચ્છા છે. લેવીયનું પુસ્તક એ હકીકતને સ્પષ્ટ કરે છે.

૧૭. લેવીયના પુસ્તક વિશે હવે તમને કેવું લાગે છે?

૧૭ લેવીયના પુસ્તકમાંથી અમુક મુદ્દા પર ચર્ચા કરવાથી તમને ફાયદો થયો હશે. એ પુસ્તક માટે તમારી કદર ચોક્કસ વધી હશે. શા માટે પવિત્ર રહેવું જોઈએ એ તમે સારી રીતે સમજી શક્યા હશો. શું એ પુસ્તકમાંથી બીજું પણ કંઈ શીખી શકાય? ઈશ્વરની ભક્તિ શુદ્ધ રીતે કરવા એ પુસ્તક કઈ રીતે મદદ કરે છે? આવતા લેખમાં એની ચર્ચા કરીશું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો