વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૧/૧૫ પાન ૮-૧૨
  • યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • ‘હે યહોવા, તમારાં કાર્યો કેટલાં બધાં છે!’
  • આભારી વલણ જાળવવા મનન અને પ્રાર્થના મદદ કરશે
  • મુશ્કેલીઓનો સામનો કરતી વખતે
  • “હું યહોવામાં હર્ષ પામીશ”
  • “બધી બાબતો માટે આભાર માનો”
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • વધારે સારી રીતે પ્રાર્થના કરવા શું કરી શકીએ?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • આપણે બીજાઓની કદર કરવી જોઈએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • “યહોવાનો આભાર માનો”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૧/૧૫ પાન ૮-૧૨
એક સ્તુતિ ગીત ગાઈને ઈસ્રાએલીઓ યહોવાનો આભાર માને છે

યહોવાનો આભાર માનો અને આશીર્વાદ પામો

“યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે.”—ગીત. ૧૦૬:૧.

જવાબમાં તમે શું કહેશો?

  • આભાર માનવા વિશે પ્રેરિત પાઊલના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

  • આભાર માનવાનું વલણ જાળવવામાં મનન અને પ્રાર્થના કઈ રીતે મદદ કરે છે?

  • આપણને મળેલા આશીર્વાદો પર મનન કરવાથી મુશ્કેલીઓનો સામનો કરવા કઈ રીતે મદદ મળે છે?

૧. યહોવાની આપણે શા માટે દિલથી કદર કરવી જોઈએ?

યહોવા આપણને ‘દરેક ઉત્તમ અને સંપૂર્ણ દાન’ આપે છે. (યાકૂ. ૧:૧૭) તે એક પ્રેમાળ પાળક પણ છે અને આપણી દરેક જરૂરિયાતની કાળજી રાખે છે. (ગીત. ૨૩:૧-૩) એ માટે યહોવાની દિલથી કદર થવી જ જોઈએ. તે આપણા “આશ્રય તથા આપણું સામર્થ્ય” છે, ખાસ તો સંકટના સમયોમાં. (ગીત. ૪૬:૧) આપણે પણ એ લેખકના જેવું અનુભવીએ છીએ, જેમણે લખ્યું: ‘યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સદાકાળ ટકે છે.’—ગીત. ૧૦૬:૧.

વર્ષ ૨૦૧૫નું વાર્ષિક વચન: “યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે.”—ગીતશાસ્ત્ર ૧૦૬:૧

૨, ૩. (ક) આભાર ન માનવાના વલણને લીધે શું જોખમ રહેલું છે? (ખ) આ લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?

૨ યહોવાનો આભાર માનવો શા માટે મહત્ત્વનો છે? બાઇબલમાં અગાઉથી જણાવ્યું હતું કે આ છેલ્લા દિવસોમાં લોકો આભાર ન માનનારા હશે. (૨ તીમો. ૩:૨) યહોવાએ કરેલા આટલા ઉપકારો છતાં ઘણા લોકો તેમની કદર કરતા નથી. આ જગતે લાખો લોકોને ધનદોલતની પાછળ દોડવા લલચાવ્યા છે. લોકો પોતાની જરૂરિયાત કરતાં ઘણું વધારે મેળવી લેવા ચાહે છે. તેઓ પાસે ગમે તેટલું હોવા છતાં તેઓ ધરાતા નથી. પ્રાચીન ઈસ્રાએલીઓએ પણ એવું વલણ બતાવ્યું હતું. તેઓએ યહોવા સાથેના સંબંધની કદર કરી નહિ અને તેમણે આપેલા આશીર્વાદોનો આભાર માન્યો નહિ. તેથી, જો ધ્યાન નહિ રાખીએ તો આપણે પણ પ્રાચીન ઈસ્રાએલીઓ જેવા બની જઈશું.—ગીત. ૧૦૬:૭, ૧૧-૧૩.

૩ પરંતુ, આપણા પર દુઃખ-તકલીફો આવી પડે એવા સમય વિશે શું? એવા સમયમાં જો આપણે મુશ્કેલીઓ વિશે જ વિચાર્યા કરીશું, તો યહોવાના આશીર્વાદો જોઈ શકીશું નહિ. (ગીત. ૧૧૬:૩) તો સવાલ થાય કે, આપણે એવા સંજોગોમાં પણ કઈ રીતે યહોવાનો આભાર માનતા રહી શકીએ? સખત મુશ્કેલીઓમાં પણ આપણે કઈ રીતે આનંદી વલણ જાળવી રાખી શકીએ? ચાલો જોઈએ.

‘હે યહોવા, તમારાં કાર્યો કેટલાં બધાં છે!’

૪. યહોવા પ્રત્યે આભારી મન જાળવી રાખવા આપણે શું કરવું જોઈએ?

૪ યહોવા પ્રત્યે આભાર માનવાનું વલણ કેળવવા અને જાળવી રાખવા પ્રયત્નો કરવા પડે છે. એમ કરવા સૌપ્રથમ આપણે યહોવા તરફથી મળેલા આશીર્વાદો વિશે વિચારવું જોઈએ. એના દ્વારા યહોવાએ આપણા માટે જે પ્રેમ બતાવ્યો છે, એના વિશે મનન કરવું જોઈએ. એક ઈશ્વરભક્તે એ વિશે મનન કર્યું ત્યારે તે નવાઈ પામ્યા કે યહોવાએ તેમના માટે કેટલાં બધાં અદ્‍ભુત કાર્યો કર્યાં છે.—ગીતશાસ્ત્ર ૪૦:૫; ૧૦૭:૪૩ વાંચો.

૫. આભાર માનવા વિશે પ્રેરિત પાઊલના દાખલામાંથી આપણને શું શીખવા મળે છે?

૫ પ્રેરિત પાઊલના દાખલામાંથી આપણે યહોવાનો આભાર માનવાનું શીખી શકીએ છીએ. પોતાને મળેલા આશીર્વાદો વિશે પાઊલ નિયમિત મનન કરતા હતા. એવું શાને આધારે કહી શકાય? તે પ્રાર્થનામાં નિયમિત રીતે યહોવાનો આભાર માનતા હતા. પાઊલને ખ્યાલ હતો કે અગાઉ તે ‘દુર્ભાષણ કરનાર, સતાવનાર અને જુલમી’ હતા. તે આભારી હતા કે તેમનો એવો ભૂતકાળ હોવા છતાં, યહોવાએ અને ઈસુએ તેમના પર કૃપા બતાવી. તેમ જ, બીજાઓને ખુશખબર જણાવવાનો તેમને લહાવો આપ્યો હતો. (૧ તીમોથી ૧:૧૨-૧૪ વાંચો.) પાઊલે સાથી ભાઈ-બહેનોની પણ ઘણી કદર કરી. તેઓનાં સારા ગુણો અને વફાદારીથી કરેલી સેવા માટે તે યહોવાનો આભાર માનતા હતા. (ફિલિ. ૧:૩-૫, ૭; ૧ થેસ્સા. ૧:૨, ૩) સતાવણીના સમયમાં ભાઈઓએ પાઊલ માટે જે કર્યું એ માટે પણ તેમણે યહોવાનો આભાર માન્યો. (પ્રે.કૃ. ૨૮:૧૫; ૨ કોરીં. ૭:૫-૭) તેથી, એમાં કોઈ નવાઈ નથી કે પાઊલે એ સમયના ઈશ્વરભક્તોને આ ઉત્તેજન આપ્યું: ‘આભારી બનો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને ભક્તિના ગાયનો ગાઓ.’—કોલો. ૩:૧૫-૧૭, કોમન લેંગ્વેજ.

આભારી વલણ જાળવવા મનન અને પ્રાર્થના મદદ કરશે

૬. યહોવાના કયા આશીર્વાદો માટે તમે તેમના આભારી છો?

૬ તમે પાઊલને કઈ રીતે અનુસરી શકો? યહોવાએ તમારા માટે જે કર્યું છે એના પર મનન કરીને. (ગીત. ૧૧૬:૧૨) જરા વિચારો, તમે આ સવાલના જવાબમાં શું કહેશો: “યહોવાના કયા આશીર્વાદો માટે તમે તેમના આભારી છો?” જવાબમાં કદાચ તમે યહોવા સાથેના તમારા કીમતી સંબંધ વિશે ઉલ્લેખ કરશો. અથવા, ખ્રિસ્તના બલિદાનની ગોઠવણ વિશે જણાવશો, જેના દ્વારા પાપની માફી મેળવવી શક્ય બની છે. કદાચ તમે એ ભાઈ-બહેનો વિશે જણાવશો, જેઓએ મુશ્કેલ સમયોમાં તમારી મદદ કરી છે. કે પછી, તમે તમારાં લગ્‍નસાથી અથવા બાળકો વિશે જણાવશો. યહોવાએ જે અલગ અલગ રીતોએ તમને આશીર્વાદો આપ્યા છે એના પર મનન કરવા સમય કાઢવો જોઈએ. એમ કરવાથી તમને યહોવાનો દરરોજ આભાર માનવાનાં ઘણાં કારણો મળશે.—ગીતશાસ્ત્ર ૯૨:૧, ૩ વાંચો.

૭. (ક) આપણે પ્રાર્થનામાં શા માટે આભાર માનવો જોઈએ? (ખ) પ્રાર્થનામાં યહોવાનો આભાર માનવાથી કેવા ફાયદા થાય છે?

૭ પોતાને મળેલા આશીર્વાદો પર મનન કરીશું તો પ્રાર્થનામાં યહોવાનો આભાર માનવાનું મન થશે. (ગીત. ૯૫:૨; ૧૦૦:૪, ૫) અમુક લોકો કંઈ માંગવું હોય ત્યારે જ ઈશ્વરને પ્રાર્થના કરે છે. પરંતુ, આપણી પાસે જે છે એના માટે આભાર માનવા પ્રાર્થના કરીએ છીએ ત્યારે યહોવા ખુશ થાય છે. બાઇબલમાં એવા ઘણા ઈશ્વરભક્તોના અહેવાલો છે, જેઓએ પ્રાર્થનામાં યહોવાનો આભાર માન્યો હતો. જેમ કે, હાન્‍નાહ અને હિઝકીયા. (૧ શમૂ. ૨:૧-૧૦; યશા. ૩૮:૯-૨૦) આભાર માનવાના એ વલણને આપણે અનુસરીએ અને યહોવાએ આપણા માટે જે કર્યું છે એની કદર કરીએ. (૧ થેસ્સા. ૫:૧૭, ૧૮) એમ કરીશું તો આપણને સંતોષ મળશે અને આપણો ઉત્સાહ વધશે. ઉપરાંત, યહોવા માટે આપણો પ્રેમ વધશે અને તેમની જોડે આપણી મિત્રતા ગાઢ બનશે.—યાકૂ. ૪:૮.

એક ભાઈ પ્રાર્થનામાં ઈસુના બલિદાન, બાળક, પત્ની અને સારા મિત્રો માટે યહોવાનો આભાર માને છે

“યહોવાના કયા આશીર્વાદો માટે તમે આભારી છો?” (ફકરા ૬, ૭ જુઓ)

૮. કયાં કારણોને લીધે આભાર ન માનવાનું વલણ આપણામાં આવી શકે?

૮ ધ્યાન નહિ રાખીએ તો યહોવાએ આપેલા “ઉત્તમ દાનો” માટેની કદર આપણે સહેલાઈથી ગુમાવી શકીએ છીએ. કારણ કે, આદમ અને હવા દ્વારા વારસામાં આપણને કદર ન કરવાનું વલણ મળ્યું છે. યહોવાએ તેઓને ઘર તરીકે સુંદર પૃથ્વી આપી હતી. તેમ જ, તેઓની દરેક જરૂરિયાત પૂરી પાડી હતી. તેઓ શાંતિથી ભરપૂર એવી દુનિયામાં હંમેશ માટે જીવી શક્યાં હોત. (ઉત. ૧:૨૮) પરંતુ, એ આશીર્વાદોની તેઓએ કદર કરી નહિ. તેઓ લાલચી બન્યાં અને વધુ મેળવવાનો લોભ રાખ્યો. પરિણામે, તેઓએ બધું જ ગુમાવી દીધું. (ઉત. ૩:૬, ૭, ૧૭-૧૯) ઉપરાંત, આપણે એવા જગતમાં જીવીએ છીએ જ્યાં આભાર ન માનવાનું વલણ ચારેય બાજુ ફેલાયેલું છે. એવા વલણની અસર આપણા પર સહેલાઈથી થઈ શકે છે. એના લીધે આપણા મનમાં કદાચ યહોવા સાથેની મિત્રતાની કદર ઓછી થવા લાગશે. અથવા તેમના સંગઠનનો ભાગ હોવાના લહાવાને આપણે મહત્ત્વનો નહિ ગણીએ. સાવચેત નહિ રહીએ તો આપણું વલણ પણ આ જગત જેવું બનશે અને આપણું ધ્યાન યહોવાના ઉપકારો પરથી ફંટાઈ જશે. (૧ યોહા. ૨:૧૫-૧૭) એ ફાંદાથી બચવા માટે યહોવાએ આપેલા આશીર્વાદો પર મનન કરીએ. તેમના લોકો હોવાનો જે લહાવો મળ્યો છે, એની હંમેશાં કદર કરતા રહીએ.—ગીતશાસ્ત્ર ૨૭:૪ વાંચો.

મુશ્કેલીઓનો સામનો કરતી વખતે

૯. કપરા સંજોગો આવી પડે ત્યારે શા માટે આશીર્વાદો પર મનન કરવું જોઈએ?

૯ આભાર માનવાનું વલણ જાળવી રાખવાથી સખત મુશ્કેલીઓમાં પણ ટકી રહેવા મદદ મળશે. અમુક વાર આપણા જીવનમાં અચાનક એવા કપરા સંજોગો આવી પડે છે, જે આપણું જીવન બદલી નાખે અને જાણે આપણને કચડી નાખે છે. જેમ કે, લગ્‍નસાથીનું વફાદાર ન રહેવું, ગંભીર બીમારી, પ્રિયજનનું મૃત્યુ અથવા કુદરતી આફત. એવા સમયે જો આપણે યહોવાના આશીર્વાદો પર મનન કરીશું તો આપણને દિલાસો મળશે. તેમ જ, મુશ્કેલીઓનો સામનો કરવા હિંમત મળશે. ચાલો, એ વિશે અમુક અનુભવો જોઈએ.

૧૦. પોતાને મળેલા આશીર્વાદો પર મનન કરવાથી આઈરીનાને કેવો ફાયદો થયો?

૧૦ ઉત્તર અમેરિકાનાં બહેન આઈરીનાa એક નિયમિત પાયોનિયર છે. મંડળના એક વડીલ જોડે તેમનાં લગ્‍ન થયા હતા. પરંતુ, સમય જતાં તેમનાં લગ્‍નસાથી વફાદાર ન રહ્યા. આઈરીનાને અને બાળકોને તરછોડીને તે જતા રહ્યા. એ મુશ્કેલ સમયમાં બહેનને યહોવાની સેવા વફાદારીથી કરતા રહેવા ક્યાંથી મદદ મળી? બહેન જણાવે છે, ‘યહોવાએ મારી જે રીતે કાળજી લીધી છે, એની માટે હું તેમનો આભાર માનું છું. યહોવાએ આપેલા આશીર્વાદો પર દરરોજ મનન કરવાથી હું જોઈ શકી છું કે તે મને વ્યક્તિગત રીતે ઓળખે છે. તેમ જ, કાળજી રાખનાર પિતાની જેમ મને પ્રેમ કરે છે. એ મારી માટે મોટા લહાવા છે. મને ખાતરી છે કે યહોવા મને કદી તરછોડી દેશે નહિ.’ આઈરીનાએ પોતાના જીવનમાં ઘણા દુઃખદ સંજોગો જોયા છે. જોકે, તેમના આનંદી સ્વભાવને લીધે તે એ સંજોગોનો સામનો કરી શકે છે અને બીજાઓને પણ ઉત્તેજન આપી શકે છે.

૧૧. ગંભીર બીમારીનો સામનો કરવા ક્યુંગ-સૂકને ક્યાંથી મદદ મળી?

૧૧ ક્યુંગ-સૂક નામનાં બહેન એશિયાનાં છે. તે અને તેમના પતિએ ૨૦થી વધુ વર્ષો સાથે પાયોનિયરીંગ કર્યું. અચાનક બહેનને ખબર પડી કે તેમને ફેફસાંનું કૅન્સર છે અને તે ત્રણથી છ મહિના જીવી શકશે. તેમને અને તેમના પતિએ અગાઉ પણ ઘણી મુશ્કેલીઓ જોઈ હતી. પરંતુ, તંદુરસ્તીને લઈને આટલી મોટી કસોટી પહેલી વાર આવી હતી. બહેન કહે છે, ‘એ બીમારીને લીધે હું ભાંગી પડી. મને લાગ્યું કે મેં બધું જ ગુમાવી દીધું છે. મને ડર લાગવા લાગ્યો.’ એ કપરા સમયનો સામનો કરવા બહેનને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે, ‘દરરોજ સૂતા પહેલાં હું ધાબા પર જઉં છું અને મોટેથી પ્રાર્થના કરું છું. પ્રાર્થનામાં હું દિવસ દરમિયાન બનેલી પાંચ બાબતો માટે આભાર માનું છું. એમ કરવાથી મને દિલાસો મળે છે અને યહોવા માટે પ્રેમ બતાવવાનું મન થાય છે.’ પ્રાર્થનાઓથી ક્યુંગ-સૂકને શી મદદ મળી? તે કહે છે, ‘હું સમજી શકી છું કે યહોવા આપણને પરીક્ષણોના સમયોમાં ટકી રહેવા મદદ કરે છે. હકીકતમાં તો, જીવનમાં પરીક્ષણોની સરખામણીમાં આશીર્વાદો ઘણા વધારે છે!’

શેરીલ અને વાવાઝોડામાંથી બચી ગયેલો તેનો ભાઈ જોન

વાવાઝોડામાંથી બચી ગયેલા તેના ભાઈ જોન સાથે (ફકરો ૧૩ જુઓ)

૧૨. પત્નીને ગુમાવ્યા પછી જેસનને ક્યાંથી દિલાસો મળ્યો?

૧૨ ભાઈ જેસન આફ્રિકાની એક શાખા કચેરીમાં સેવા આપે છે. તે ૩૦થી વધુ વર્ષોથી પૂરા સમયની સેવામાં છે. તે જણાવે છે, ‘સાત વર્ષ પહેલાં મારી પત્ની ગુજરી ગઈ. એ દુઃખ સહેવું ખૂબ જ અઘરું છે. તેને કૅન્સર હતું અને તેની એ પીડા વિશે વિચારું તો આજે પણ મારું મન કંપી ઊઠે છે.’ જેસનને ક્યાંથી દિલાસો મળ્યો? તે કહે છે, ‘એક દિવસે, હું મારી પત્ની સાથે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો હતો. એ સુંદર યાદો માટે મેં પ્રાર્થનામાં યહોવાનો આભાર માન્યો. એમ કરવાથી મને થોડી રાહત મળી અને ત્યાર બાદ હું નિયમિત રીતે એવી સારી યાદો માટે યહોવાનો આભાર માનવા લાગ્યો. આભાર માનતા રહેવાને લીધે જીવન પ્રત્યે મારું વલણ બદલાયું. પત્નીને ગુમાવવાનું દુઃખ મને આજે પણ છે. પરંતુ, સુખી લગ્‍નજીવન અને ઈશ્વરને પ્રેમ કરતી વ્યક્તિ જોડે સેવા કરવાના લહાવા માટે હું યહોવાનો આભાર માનું છું. એમ કરવાથી મારું વલણ સારું બન્યું છે.’

‘યહોવા મારા ઈશ્વર છે માટે હું તેમની ખૂબ આભારી છું.’—શેરીલ

૧૩. કુટુંબીજનોને ગુમાવવાના દુઃખને સહેવા શેરીલને ક્યાંથી મદદ મળી?

૧૩ સાલ ૨૦૧૩ના અંતે ફિલિપાઇન્સમાં ખૂબ જ વિનાશક વાવાઝોડું આવ્યું હતું. એમાં ૧૩ વર્ષની શેરીલે લગભગ બધું જ ગુમાવી દીધું. તે કહે છે, ‘મેં મારું ઘર અને લગભગ આખું કુટુંબ ગુમાવી દીધું.’ તેનાં પપ્પા, મમ્મી અને ત્રણ ભાઈ-બહેનો એ વાવાઝોડામાં મૃત્યુ પામ્યાં. જે બન્યું એના લીધે શેરીલ નારાજ ન થઈ, તેણે હિંમત રાખી. એવી હિંમત રાખવા તેને ક્યાંથી મદદ મળી? શેરીલ હજી પણ યહોવાની આભારી છે કારણ કે, તેમણે આપેલા બધા આશીર્વાદો પર તે મનન કરે છે. તે કહે છે, ‘જેઓને રાહત અને ઉત્તેજનની જરૂર હતી તેઓ માટે ભાઈ-બહેનોએ જે કર્યું એ મેં જોયું છે. હું જાણું છું કે દુનિયાભરનાં આપણાં ભાઈ-બહેનો મારી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. યહોવા મારા ઈશ્વર છે માટે હું ખૂબ આભારી છું. તે હંમેશાં મારી જરૂરિયાતો પૂરી કરે છે.’ આપણે પણ આશીર્વાદો માટે આભારી બનીશું તો, કરુણ સંજોગોને આપણા પર હાવી થવા નહિ દઈએ. આમ, આપણને મુશ્કેલીઓમાં પણ ટકી રહેવા મદદ મળશે.—એફે. ૫:૨૦; ફિલિપી ૪:૬, ૭ વાંચો.

“હું યહોવામાં હર્ષ પામીશ”

૧૪. આપણી પાસે કેવી અદ્‍ભુત આશા રહેલી છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૪ યહોવાના લોકોનો ઇતિહાસ બતાવે છે કે તેઓને મળેલા આશીર્વાદોની તેઓએ કદર કરી હતી. દાખલા તરીકે, રાતા સમુદ્ર પાસે ફારૂન અને તેના સૈન્યથી યહોવાએ ઈસ્રાએલીઓનો છુટકારો કર્યો. ત્યારે યહોવાનો મહિમા કરવા અને આભાર માનવા ઈસ્રાએલીઓએ આનંદથી ગીતો ગાયાં હતાં. (નિર્ગ. ૧૫:૧-૨૧) આજે, આપણા માટે પણ એક મોટો આશીર્વાદ રહેલો છે. આપણને પૂરી ખાતરી છે કે ટૂંક સમયમાં જ દરેક દુઃખ-તકલીફને દૂર કરવામાં આવશે. (ગીત. ૩૭:૯-૧૧; યશા. ૨૫:૮; ૩૩:૨૪) જરા એ સમયની કલ્પના કરો જ્યારે યહોવા તેમના દરેક દુશ્મનનો વિનાશ કરશે અને ન્યાયી નવી દુનિયામાં આપણને આવકાર આપશે. એ દિવસે આપણે યહોવાનો કેટલો બધો આભાર માનીશું!—પ્રકટી. ૨૦:૧-૩; ૨૧:૩, ૪.

૧૫. વર્ષ ૨૦૧૫ માટે તમારો નિર્ણય શો છે?

૧૫ વર્ષ ૨૦૧૫માં પણ આપણે યહોવા તરફથી ઘણા આશીર્વાદોની આશા રાખીએ છીએ. ખરું કે, આપણા પર અમુક મુશ્કેલીઓ તો આવશે જ. છતાં, આપણે ખાતરી રાખી શકીએ કે ગમે તે સંજોગો હોય, યહોવા આપણને ક્યારેય ત્યજી દેશે નહિ! (પુન. ૩૧:૮; ગીત. ૯:૯, ૧૦) આપણે યહોવાની વફાદારીથી સેવા કરી શકીએ માટે તે યોગ્ય ગોઠવણો કરતા રહેશે. ચાલો, આપણે પ્રબોધક હબાક્કૂક જેવું વલણ રાખવાનો દૃઢ નિર્ણય કરીએ. તેમણે કહ્યું હતું, ‘જોકે અંજીરીને મોર ન આવે, ને દ્રાક્ષાવેલાઓને દ્રાક્ષા ન લાગે, જૈતુનની પેદાશ ન થાય, ખેતરોમાં કંઈ અન્‍ન પાકે નહિ, વાડામાંથી ઘેટાંબકરાં નાશ પામે અને તબેલામાં કંઈ ઢોરઢાંક રહે નહિ, તોપણ હું યહોવામાં હર્ષ પામીશ. હું મારા તારણહાર ઈશ્વરમાં આનંદ કરીશ.’ (હબા. ૩:૧૭, ૧૮) આવનાર આખા વર્ષ દરમિયાન આપણે યહોવા તરફથી મળેલા આશીર્વાદો પર મનન કરતા રહીએ. વર્ષ ૨૦૧૫ના વાર્ષિક વચનની આ સલાહ પાળીએ: “યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે.”—ગીત. ૧૦૬:૧.

a આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો