આપણે શા માટે પ્રભુ ભોજન ઊજવીએ છીએ
“મારી યાદગીરીને માટે એ કરો.”—૧ કોરીં. ૧૧:૨૪.
૧, ૨. સાલ ૩૩, નીસાન ૧૪મીની સાંજે ઈસુએ શું કર્યું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
યહોવાએ ઈસ્રાએલીઓને ઇજિપ્તની (મિસરની) ગુલામીમાંથી છોડાવ્યા હતા. એ બનાવના ૧,૫૦૦ વર્ષો પછી એટલે કે સાલ ૩૩, નીસાન ૧૪મીએ પૂનમ હતી. એ સાંજે, છુટકારાના બનાવને યાદ કરવા ઈસુ અને તેમના પ્રેરિતો યરુશાલેમમાં પાસ્ખા ઉજવી રહ્યા હતા. એ પછી, ઈસુએ પોતાના ૧૧ વફાદાર પ્રેરિતો સાથે મળીને એક ખાસ ભોજનની શરૂઆત કરી. ઈસુના મરણની યાદગીરી તરીકે શિષ્યો દર વર્ષે એ ભોજન લેવાના હતા.—માથ. ૨૬:૧, ૨.
૨ ઈસુએ પ્રાર્થના કરી અને શિષ્યોને ખમીર વગરની રોટલી આપીને કહ્યું, “લો, ખાઓ.” પછી તેમણે દ્રાક્ષદારૂનો પ્યાલો લીધો, એના પર પ્રાર્થના કરીને કહ્યું, “તમે સહુ એમાંનું પીઓ.” (માથ. ૨૬:૨૬, ૨૭) ઈસુએ જે રોટલી અને દ્રાક્ષદારૂ શિષ્યોને આપ્યાં એનો ખાસ અર્થ થતો હતો. ઈસુના વફાદાર પ્રેરિતો એ મહત્ત્વની રાતે ઘણું બધું શીખ્યા હતા.
૩. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ ઈસુ ચાહતા હતા કે તેમના મૃત્યુને દર વર્ષે શિષ્યો યાદ કરે. એ પ્રસંગ સમય જતાં “પ્રભુનું ભોજન” અથવા સ્મરણપ્રસંગ તરીકે ઓળખાયો. (૧ કોરીં. ૧૧:૨૦) એ પ્રસંગ વિશે અમુકને કદાચ આવા સવાલો થઈ શકે: ઈસુના મરણને આપણે શા માટે યાદ કરવું જોઈએ? રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે? એ પ્રસંગ માટે આપણે પોતાનું મન કઈ રીતે તૈયાર કરી શકીએ? રોટલી તેમ જ દ્રાક્ષદારૂ ખાવા અને પીવામાં કોણ ભાગ લઈ શકે? આપણને મળેલી આશાની કદર કરીએ છીએ એવું કઈ રીતે બતાવી શકીએ?
ઈસુના મરણને શા માટે યાદ કરવું
૪. ઈસુના મૃત્યુથી આપણા માટે શું શક્ય બન્યું છે?
૪ આદમના વંશજો હોવાથી આપણને વારસામાં પાપ અને મરણ મળ્યાં છે. (રોમ. ૫:૧૨) એ કારણે, આપણામાંની કોઈ પણ વ્યક્તિ પોતાના કે બીજાના જીવને બદલે કિંમત ચૂકવી શકતી નથી. (ગીત. ૪૯:૬-૯) તેથી, આપણા માટે ઈસુએ પોતાના પાપ વગરના જીવનનું બલિદાન આપ્યું અને એની કિંમત ઈશ્વર આગળ રજૂ કરી છે. આમ, ઈસુએ આપણા માટે પાપ અને મૃત્યુમાંથી છૂટવું શક્ય બનાવ્યું અને હંમેશ માટેના જીવનની આશા આપી.—રોમ. ૬:૨૩; ૧ કોરીં. ૧૫:૨૧, ૨૨.
૫. (ક) શાના આધારે કહી શકાય કે યહોવા અને ઈસુ આપણને પ્રેમ કરે છે? (ખ) આપણે શા માટે સ્મરણપ્રસંગે હાજર રહેવું જોઈએ?
૫ યહોવાએ એ બલિદાનની ગોઠવણ કરીને મનુષ્યો માટે પોતાના પ્રેમની સાબિતી આપી છે. (યોહા. ૩:૧૬) ઈસુએ પણ પોતાનો જીવ આપીને આપણા માટેના પ્રેમને પુરવાર કર્યો છે. ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાંથી જ ‘મનુષ્યોને લીધે તેમને આનંદ થતો હતો.’ (નીતિ. ૮:૩૦, ૩૧) યહોવા અને ઈસુએ આપણા માટે જે કર્યું છે એની આપણે દિલથી કદર કરીએ છીએ. એ કદરની સાબિતી આપવા આપણે દર વર્ષે સ્મરણપ્રસંગે હાજર રહીએ છીએ. આમ આપણે ઈસુની આ આજ્ઞા પાળીએ છીએ: “મારી યાદગીરીને માટે એ કરો.”—૧ કોરીં. ૧૧:૨૩-૨૫.
રોટલી અને દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે
૬. ઈસુના શબ્દોથી શું સ્પષ્ટ થાય છે?
૬ પ્રેરિતો સાથેના છેલ્લાં ભોજન વખતે ઈસુએ રોટલીને પોતાના શરીરમાં અને દ્રાક્ષદારૂને પોતાના લોહીમાં બદલ્યાં ન હતાં. તેમણે એવો કોઈ ચમત્કાર કર્યો ન હતો. તેમણે રોટલી વિશે આમ કહ્યું હતું: “આ મારા શરીરને રજૂ કરે છે.” તેમ જ, દ્રાક્ષદારૂ વિશે કહ્યું, “આ મારા લોહીને એટલે ‘કરારના લોહીʼને રજૂ કરે છે, જે ઘણા લોકો માટે વહેવડાવવામાં આવશે.” (માર્ક ૧૪:૨૨-૨૪, NW) ઈસુના શબ્દો સ્પષ્ટ કરે છે કે રોટલી અને દ્રાક્ષદારૂ ફક્ત પ્રતીકો હતાં.
૭. ખમીર વગરની રોટલી શાને રજૂ કરે છે?
૭ એ મહત્ત્વની સાંજે ઈસુએ ખમીર વગરની રોટલીનો ઉપયોગ કર્યો હતો, કેમ કે પાસ્ખાપર્વમાં એવી જ રોટલી વપરાતી. (નિર્ગ. ૧૨:૮) બાઇબલમાં અમુક વાર પાપને ખમીર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. (માથ. ૧૬:૬, ૧૧, ૧૨; લુક ૧૨:૧) ઈસુએ જે ખમીર વગરની રોટલીનો ઉપયોગ કર્યો હતો, એ તેમના પાપ વગરના શરીરને દર્શાવતી હતી. (હિબ્રૂ ૭:૨૬) એટલા માટે આપણે પણ સ્મરણપ્રસંગમાં ખમીર વગરની રોટલીનો ઉપયોગ કરીએ છીએ.
૮. દ્રાક્ષદારૂ શાને રજૂ કરે છે?
૮ ઈસુએ જે દ્રાક્ષદારૂનો ઉપયોગ કર્યો એ તેમના લોહી અથવા જીવને રજૂ કરતો હતો. તેથી, આપણે પણ સ્મરણપ્રસંગમાં ઈસુના લોહીના પ્રતીક તરીકે દ્રાક્ષદારૂનો ઉપયોગ કરીએ છીએ. યરૂશાલેમની બહાર ગલગથા નામની જગ્યાએ ઈસુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આમ, આપણાં “પાપોની માફીને અર્થે” તેમણે પોતાનો જીવ આપ્યો. (માથ. ૨૬:૨૮; ૨૭:૩૩) એ સૌથી કીમતી ભેટ છે. એની કદર બતાવવા દર વર્ષે ઉજવાતા એ ખાસ પ્રસંગ માટે આપણા મનને તૈયાર કરીએ. ચાલો જોઈએ કે મનને તૈયાર કરવા શું કરી શકાય.
મનને તૈયાર કરવાની અમુક રીતો
૯. (ક) આપણે શા માટે સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરવું જોઈએ? (ખ) ઈસુના બલિદાનની જોગવાઈ વિશે તમને કેવું લાગે છે?
૯ સ્મરણપ્રસંગ માટે મન તૈયાર કરવાની ઘણી રીતો છે. જેમ કે, દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકામાં “સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન” ભાગ આપેલો હોય છે. એમાં જણાવેલી કલમો વાંચવાથી ઈસુના આખરી દિવસો વિશે મનન કરવા મદદ મળશે.a સ્મરણપ્રસંગ વિશે એક બહેન આમ જણાવે છે: ‘અમે દર વર્ષે સ્મરણપ્રસંગની આતુરતાથી રાહ જોઈએ છીએ. દર વર્ષે એ પ્રસંગ મારા માટે વધુને વધુ મહત્ત્વનો બનતો જાય છે. મને યાદ છે એ દિવસ, જ્યારે મારા પિતાની દફનવિધિ થઈ રહી હતી. હું ઊભી ઊભી મારા વહાલા પપ્પાને જોઈ રહી હતી. એ સમયે મારા દિલમાં ઈસુના બલિદાન માટેની કદર વધુ ઊંડી બની. ખરું કે, એની પહેલાં પણ હું શાસ્ત્રવચનો જાણતી હતી અને લોકોને સમજાવી પણ શકતી. પરંતુ, પિતાને ગુમાવવાનું દુઃખ સહ્યા પછી જ, હું સમજી શકી કે ઈસુના બલિદાનથી ખરેખર શું શક્ય બન્યું છે. એ વિશે જ્યારે હું વિચારું છું ત્યારે મારું દિલ ખુશીથી છલકાઈ જાય છે.’ સ્મરણપ્રસંગની તૈયારી કરવાની એક મહત્ત્વની રીત એ છે કે, ઈસુના બલિદાનથી આપણને વ્યક્તિગત રીતે જે ફાયદો મળ્યો છે એના પર મનન કરીએ.
સ્મરણપ્રસંગનું બાઇબલ વાંચન કરવાથી આપણે એ પ્રસંગ માટે પોતાનું મન તૈયાર કરીએ છીએ (ફકરો ૯ જુઓ)
૧૦. સ્મરણપ્રસંગની તૈયારી માટે આપણે બીજું શું કરી શકીએ?
૧૦ સ્મરણપ્રસંગની તૈયારી કરવાની બીજી એક રીત છે કે આપણે સાક્ષીકાર્યમાં વધુ સમય આપીએ. બની શકે એટલા લોકોને એ પ્રસંગ માટે આમંત્રણ આપીએ. શક્ય હોય તો આપણે સહાયક પાયોનિયરીંગ કરીએ. યહોવા, ઈસુ અને હંમેશ માટેના જીવનની આશા વિશે આપણે બીજાઓ જોડે વાત કરીએ. એમ કરવાથી આપણને સંતોષ મળશે કે આપણે ઈશ્વરના કહ્યા પ્રમાણે કરીએ છીએ.—ગીત. ૧૪૮:૧૨, ૧૩.
૧૧. સ્મરણપ્રસંગમાં અમુકે જે રીતે ખાધું અને પીધું એને પાઊલે શા માટે અયોગ્ય કહ્યું?
૧૧ સ્મરણપ્રસંગની તૈયારી કરીએ ત્યારે પ્રેરિત પાઊલે કોરીંથીઓને જે લખ્યું હતું એના પર મનન કરીએ. (૧ કોરીંથી ૧૧:૨૭-૩૪ વાંચો.) તેમણે કહ્યું હતું કે જે વ્યક્તિ અયોગ્ય રીતે અથવા અપમાનજનક રીતે ખાવા-પીવામાં ભાગ લે છે, તે “પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.” એટલે જો કોઈ અભિષિક્ત વ્યક્તિ ખોટાં કામ કરે છે અને સ્મરણપ્રસંગમાં ખાવા-પીવામાં ભાગ લે છે, તો “તે ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાપાત્ર ઠરાવે છે.” પાઊલના સમયમાં કોરીંથી મંડળના ઘણા લોકો ખરાબ કામોમાં સંડોવાયેલા હતા. કદાચ, તેઓમાંથી અમુકે સ્મરણપ્રસંગ પહેલાં અથવા દરમિયાન એટલું બધું ખાધું-પીધું કે પ્રસંગ દરમિયાન તેઓને ઘેન ચઢ્યું. એ પ્રસંગ માટે તેઓએ જરાય માન બતાવ્યું નહિ! તેથી, ખાવામાં અને પીવામાં તેઓનું ભાગ લેવું યહોવાએ માન્ય કર્યું નહિ.
૧૨. (ક) પાઊલે સ્મરણપ્રસંગની સરખામણી શાની સાથે કરી? પ્રસંગમાં ખાવા-પીવામાં ભાગ લેનારાઓને તેમણે કઈ ચેતવણી આપી? (ખ) ખાવા-પીવામાં ભાગ લેનાર જો કોઈ ગંભીર પાપ કરે તો તેણે શું કરવું જોઈએ?
૧૨ પાઊલે સ્મરણપ્રસંગની સરખામણી ભેગા મળીને થતાં ભોજન સાથે કરી. તેમણે એ પ્રસંગમાં ખાવા-પીવામાં ભાગ લેનારાઓને ચેતવણી આપી: “તમે પ્રભુના પ્યાલા સાથે ભૂતપિશાચોનો પ્યાલો પી શકતા નથી. તેમ જ તમે પ્રભુની મેજની સાથે ભૂતપિશાચોની મેજના ભાગીદાર થઈ શકતા નથી.” (૧ કોરીં. ૧૦:૧૬-૨૧) ખાવા-પીવામાં ભાગ લેનાર જો કોઈ ગંભીર પાપ કરે તો તેણે વડીલો પાસે મદદ માંગવી જોઈએ. (યાકૂબ ૫:૧૪-૧૬ વાંચો.) જો તેનાં કાર્યોથી તેનો પસ્તાવો સાબિત થાય તો સ્મરણપ્રસંગમાં ખાવા-પીવામાં ભાગ લઈને તે ઈસુના બલિદાનનું અપમાન કરતો નથી.—લુક ૩:૮.
૧૩. ઈશ્વર તરફથી મળેલી આશા વિશે આપણે શા માટે પ્રાર્થના કરવી જોઈએ?
૧૩ સ્મરણપ્રસંગ માટે મન તૈયાર કરવા આપણે પ્રાર્થના કરવી જોઈએ. ઉપરાંત, ઈશ્વર દ્વારા આપણામાંના દરેકને જે આશા મળી છે એના પર મનન પણ કરવું જોઈએ. આપણે ક્યારેય ઈસુના બલિદાનનું અપમાન કરવા ઇચ્છતા નથી. તેથી, જો વ્યક્તિને અભિષિક્ત હોવાની સાફ સાબિતી ન મળી હોય, તો તેણે સ્મરણપ્રસંગ વખતે ખાવા-પીવામાં ભાગ લેવો નહિ. પરંતુ, વ્યક્તિ કઈ રીતે પારખી શકે કે તે અભિષિક્ત થઈ છે?
ખાવા અને પીવામાં કોણ ભાગ લઈ શકે?
૧૪. નવા કરારનો ભાગ હોવાથી અભિષિક્તો સ્મરણપ્રસંગ વખતે શું કરે છે?
૧૪ સ્મરણપ્રસંગ વખતે ખાવા-પીવામાં એવી જ વ્યક્તિઓ ભાગ લઈ શકે જેઓને પૂરી ખાતરી થઈ છે કે પોતે નવા કરારનો ભાગ છે. ઈસુએ કહ્યું હતું: “આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે.” (૧ કોરીં. ૧૧:૨૫) પ્રબોધક યિર્મેયા દ્વારા યહોવાએ જણાવ્યું હતું કે તે એક નવો કરાર કરશે, જે ઈસ્રાએલીઓ સાથે કરેલાં નિયમ કરાર કરતાં જુદો હશે. (યિર્મેયા ૩૧:૩૧-૩૪ વાંચો.) યહોવાએ એ કરાર અભિષિક્તો જોડે કર્યો. (ગલા. ૬:૧૫, ૧૬) ઈસુના બલિદાનથી એ કરાર અમલમાં લાવવો શક્ય બન્યો. (લુક ૨૨:૨૦) એ નવા કરારમાં ઈસુ મધ્યસ્થ છે. એ કરારનો ભાગ બનેલા વફાદાર અભિષિક્તો ઈસુ સાથે સ્વર્ગમાં રહેશે.—હિબ્રૂ ૮:૬; ૯:૧૫.
૧૫. રાજ્યના કરારનો ભાગ કોણ થયા છે? તેઓ વફાદાર રહે તો તેઓને કયો લહાવો મળે છે?
૧૫ અભિષિક્તો જાણે છે કે તેઓ રાજ્યના કરારનો પણ ભાગ છે. (લુક ૧૨:૩૨ વાંચો.) એ કરાર ઈસુ અને તેમના વફાદાર અભિષિક્ત શિષ્યો વચ્ચે થયો હતો, જેઓ ‘ઈસુનાં દુઃખોમાં સહભાગી’ થયા હતા. (ફિલિ. ૩:૧૦) આજના વફાદાર અભિષિક્તો પણ એ કરારનો ભાગ છે. તેઓ ઈસુ સાથે સ્વર્ગમાં હંમેશ માટે રાજાઓ તરીકે રાજ કરશે. (પ્રકટી. ૨૨:૫) તેથી, તેઓ જ ‘પ્રભુના ભોજન’ દરમિયાન ખાવા-પીવામાં ભાગ લઈ શકે છે.
૧૬. રોમનો ૮:૧૫-૧૭નો અર્થ ટૂંકમાં સમજાવો.
૧૬ અભિષિક્તોને પૂરી ખાતરી છે કે તેઓ ઈશ્વરનાં બાળકો છે. તેથી, તેઓ સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લઈ શકે છે. (રોમનો ૮:૧૫-૧૭ વાંચો.) પાઊલે કહ્યું કે અભિષિક્તો ઈશ્વરને “આબ્બા, બાપ!” કહીને પોકારે છે. અરામી ભાષાના શબ્દ “આબ્બા”માં બે લાગણીઓ જોવા મળે છે. એમાં “પપ્પા” કહેવામાં જે પ્રેમની લાગણી છે અને “પિતા” કહેવામાં જે માનની લાગણી છે એ બંને સમાયેલી છે. એ શબ્દ, અભિષિક્તો અને યહોવા વચ્ચેના ખાસ સંબંધને દર્શાવે છે. ઈશ્વરભક્તો જ્યારે યહોવાના “દત્તકપુત્ર” બને છે ત્યારે તેઓ એ ખાસ સંબંધમાં આવે છે. ઈશ્વરની પવિત્ર શક્તિની “સાક્ષી” મળ્યા પછી તેઓને કોઈ શંકા રહેતી નથી કે, તેઓ ઈશ્વરના અભિષિક્ત બાળકો છે. એનો અર્થ એવો નથી કે તેઓને પૃથ્વી પરના જીવનમાં રસ નથી. તેઓ જાણે છે કે છેલ્લા શ્વાસ સુધી જો તેઓ વફાદાર રહેશે, તો ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરશે. યહોવા ‘પવિત્ર છે અને તેમનાથી તેઓ અભિષિક્ત થયા છે’ એ વાત તેઓ સારી રીતે જાણે છે. આજે, પૃથ્વી પર ૧,૪૪,૦૦૦ અભિષિક્તોમાંના થોડા જ બાકી રહ્યા છે. (૧ યોહા. ૨:૨૦; પ્રકટી. ૧૪:૧) તેઓનો યહોવા સાથે એટલો નજીકનો સંબંધ છે કે, તેઓ યહોવાને “આબ્બા, બાપ!” કહીને પોકારે છે.
તમને મળેલી આશાની કદર કરો
૧૭. અભિષિક્તોને કઈ આશા છે? અભિષિક્ત હોવાની ખાતરી તેઓને કઈ રીતે મળે છે?
૧૭ જો તમે અભિષિક્ત હો તો સ્વર્ગમાં જવાની તમારી આશા વિશે ઘણી વાર વ્યક્તિગત પ્રાર્થનાઓમાં ઉલ્લેખ કરતા હશો. અમુક કલમોનો તમારી માટે ખાસ અર્થ થતો હશે. જેમ કે, ઈસુ અને “કન્યા”ના સ્વર્ગમાં થનાર લગ્ન વિશે બાઇબલમાંથી તમે વાંચો છો, ત્યારે તમે જાણો છો કે એ તમને લાગુ પડે છે. એ પ્રસંગની તમે આતુરતાથી રાહ જોતાં હશો. (યોહા. ૩:૨૭-૨૯; ૨ કોરીં. ૧૧:૨; પ્રકટી. ૨૧:૨, ૯-૧૪) અથવા, બાઇબલનાં વચનો દ્વારા યહોવા જ્યારે અભિષિક્તો પ્રત્યે પ્રેમ દર્શાવે છે, ત્યારે તમે જાણો છો કે યહોવા એ શબ્દો તમને કહી રહ્યા છે. એ જ રીતે, અભિષિક્તોને લાગુ પડતાં સૂચનો તમે બાઇબલમાંથી વાંચો છો ત્યારે, પવિત્ર શક્તિ તમને એ પ્રમાણે કરવાં દોરે છે. ઈશ્વરની પવિત્ર શક્તિ દ્વારા તમને “સાક્ષી” મળે છે કે તમારી આશા સ્વર્ગની છે.
૧૮. “મોટી સભા”ના લોકો માટે કઈ આશા છે? તેઓને એ આશા વિશે કેવું લાગે છે?
૧૮ જો તમે “મોટી સભા”નો ભાગ હો, તો તમને યહોવાએ બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટેના જીવનની તક આપી છે. (પ્રકટી. ૭:૯; યોહા. ૧૦:૧૬) એવા ભાવિ વિશે તમને કેવું લાગી રહ્યું છે? બાગ જેવી પૃથ્વી વિશે તમે બાઇબલમાંથી વાંચીને મનન કરો છો ત્યારે ચોક્કસ રોમાંચ અનુભવો છો. કુટુંબ અને મિત્રો સાથે એ સુંદર દુનિયામાં જીવવા તમે આતુર છો. તમે દિલથી ઇચ્છો છો કે ભૂખમરો, ગરીબી, દુઃખ-તકલીફો અને મરણનો અંત આવે. (ગીત. ૩૭:૧૦, ૧૧, ૨૯; ૬૭:૬; ૭૨:૭, ૧૬; યશા. ૩૩:૨૪) સજીવન થયેલાં તમારા પ્રિયજનોને મળવા તમે તત્પર છો. (યોહા. ૫:૨૮, ૨૯) યહોવા તરફથી મળેલી એ અદ્ભુત આશા માટે તમે ચોક્કસ તેમના આભારી હશો! ખરું કે, તમે સ્મરણપ્રસંગ દરમિયાન ખાવા-પીવામાં ભાગ લેતા નથી. તોપણ તમે ત્યાં હાજર રહીને ઈસુએ આપેલા બલિદાન માટે કદર બતાવો છો.
શું તમે ત્યાં હશો?
૧૯, ૨૦. (ક) હંમેશાંનું જીવન તમારા માટે કઈ રીતે શક્ય બન્યું છે? (ખ) તમે શા માટે સ્મરણપ્રસંગમાં હાજર રહેવા ચાહો છો?
૧૯ યહોવા, ઈસુ અને ખંડણી બલિદાન પર તમે વિશ્વાસ રાખશો તો હંમેશ માટેનું જીવન મેળવી શકશો. પછી, ભલે તમારી આશા પૃથ્વીની હોય કે સ્વર્ગની. તમે સ્મરણપ્રસંગમાં જાઓ ત્યારે તમારી એ આશા પર અને ઈસુના બલિદાનના મહત્ત્વ પર મનન કરો. વર્ષ ૨૦૧૫માં સ્મરણપ્રસંગ શુક્રવાર, એપ્રિલ ૩ના સૂર્યાસ્ત પછી ઊજવવામાં આવશે. દુનિયા ફરતે લાખો લોકો રાજ્યગૃહો કે બીજી જગ્યાઓમાં યોજવામાં આવતા એ પ્રસંગમાં હાજર રહેશે.
૨૦ આપણે યોગ્ય વલણ રાખીને સ્મરણપ્રસંગમાં હાજર રહેવા તૈયારી કરીએ. એમ કરવાથી, આપણને ઈસુએ આપેલા બલિદાન માટે ઊંડી કદર થશે. આપણે સ્મરણપ્રસંગમાં અપાતા પ્રવચનને ધ્યાનથી સાંભળવું જોઈએ. એમ કરીશું તો આપણને બીજાઓ પર પ્રેમ રાખવાની પ્રેરણા મળશે. ઉપરાંત, યહોવાના પ્રેમ અને મનુષ્યો માટે તેમના હેતુ વિશે બીજાઓને જણાવવા આપણને ઉત્તેજન મળશે. (માથ. ૨૨:૩૪-૪૦) ચાલો, આપણે સ્મરણપ્રસંગમાં હાજર રહેવાનો દૃઢ નિર્ણય કરીએ!
a ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનનું ઍપેન્ડિક્સ બી૧૨ અથવા બાઇબલનો અભ્યાસ કરવા મદદ પુસ્તિકાનો વિભાગ ૧૬ જુઓ.