વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w15 ૯/૧૫ પાન ૮-૧૨
  • શું તમે તમારા અંતઃકરણ પર ભરોસો મૂકી શકો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે તમારા અંતઃકરણ પર ભરોસો મૂકી શકો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • મથાળાં
  • સરખી માહિતી
  • સ્વાસ્થ્ય અને સારવાર વિશે વાજબી વલણ રાખો
  • યોગ્ય મનોરંજનનો આનંદ માણો
  • સેવાકાર્યમાં ઉત્સાહ બતાવો
  • શુદ્ધ અંતઃકરણ રાખવા શું કરશો?
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • શું તમારું અંતઃકરણ સારી રીતે કેળવાયેલું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • કઈ રીતે મારા મનને કેળવી શકું?
    યુવાનો પૂછે છે
  • અંતઃકરણનું સાંભળો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
w15 ૯/૧૫ પાન ૮-૧૨
પ્રાચીન સમયના એક ખ્રિસ્તી યુગલનું અંતઃકરણ બીજા એક ખ્રિસ્તી ભાઈને માંસ ખરીદતો જોઈને ઠોકર ખાય છે

શું તમે તમારા અંતઃકરણ પર ભરોસો મૂકી શકો?

‘એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હૃદયથી અને સારા અંતઃકરણથી પ્રેમ રાખવાનો છે.’—૧ તીમો. ૧:૫.

ગીતો: ૮ (51), ૧૯ (143)

તમારો શો જવાબ છે?

  • તમારું અંતઃકરણ આ ત્રણ પાસાંમાં નિર્ણયો લેવા કઈ રીતે મદદ કરે છે . . .

  • સ્વાસ્થ્ય અને સારવાર

  • મનોરંજન

  • સારાં કામો

૧, ૨. આપણને અંતઃકરણ કોણે આપ્યું છે અને આપણે એ માટે કેમ આભારી હોવા જોઈએ?

યહોવાએ મનુષ્યોને જાતે પસંદગી કરવાની છૂટ આપી છે. મનુષ્યો સારા નિર્ણયો લઈ શકે એ માટે તેમણે તેઓને એક માર્ગદર્શક પણ આપ્યો છે. એ માર્ગદર્શક કોણ છે? આપણું અંતઃકરણ. એ આપણામાં રહેલી એવી ક્ષમતા છે, જે આપણને ખરું-ખોટું પારખવામાં મદદ કરી શકે છે. અંતઃકરણને યોગ્ય રીતે વાપરીશું તો, એ આપણને સારી બાબતો કરવા અને ખરાબ બાબતો ધિક્કારવા મદદ કરી શકે. મનુષ્યોને અંતઃકરણ આપીને યહોવાએ સાબિતી આપી છે કે તે મનુષ્યોને પ્રેમ કરે છે અને ચાહે છે કે તેઓ સારાં કામો કરે.

૨ ઘણા લોકો બાઇબલના સિદ્ધાંતો ન જાણતા હોવા છતાં, જે સારું છે એ કરે છે અને ખોટી બાબતો ધિક્કારે છે. (રોમનો ૨:૧૪, ૧૫ વાંચો.) તેઓ શાને લીધે એમ કરી શકે છે? તેઓનાં અંતઃકરણને લીધે. લોકોનાં અંતઃકરણ તેઓને દુષ્ટ કામો કરતા રોકે છે. જરા વિચારો, જો લોકોમાં અંતઃકરણ ન હોત, તો દુનિયા કેટલી વધારે ખરાબ થઈ ગઈ હોત! આજે જેટલી બૂરાઈ જોવા મળે છે એનાથી પણ અનેક ગણી દુષ્ટતા ફેલાઈ ગઈ હોત. આપણે યહોવાનો આભાર માનવો જોઈએ કે તેમણે મનુષ્યોને અંતઃકરણ આપ્યું છે!

૩. અંતઃકરણ કેળવવાથી કેવા ફાયદા થઈ શકે?

૩ મોટા ભાગના લોકો પોતાનું અંતઃકરણ કેળવવા વિશે વિચારતા નથી. જ્યારે કે, યહોવાના સેવકો તરીકે આપણે ચાહીએ છીએ કે આપણું અંતઃકરણ યોગ્ય માર્ગદર્શન આપે. કારણ કે મંડળમાં સંપ ફેલાવવામાં અંતઃકરણ મોટો ભાગ ભજવે છે. બાઇબલમાં ખરાં-ખોટાં અને સારાં-ખરાબ વિશેનાં ધોરણો આપેલાં છે. અને આપણે ચાહીએ છીએ કે આપણું અંતઃકરણ એ ધોરણો યાદ અપાવે. જોકે, અંતઃકરણ કેળવવા અને એનો ઉપયોગ કરવા ફક્ત બાઇબલ જાણી લેવું પૂરતું નથી. આપણે યહોવાનાં ધોરણોને પ્રેમ કરવાની પણ જરૂર છે. તેમજ, પૂરી ખાતરી રાખવાની જરૂર છે કે એ ધોરણો આપણા ભલા માટે છે. પાઊલે જણાવ્યું હતું: ‘એ આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હૃદયથી તથા સારા અંતઃકરણથી અને ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવાનો છે.’ (૧ તીમો. ૧:૫) અંતઃકરણને કેળવવાથી અને એ પ્રમાણે ચાલવાથી, યહોવા પ્રત્યે આપણાં પ્રેમ અને શ્રદ્ધા વધે છે. આપણે અંતઃકરણનો કેવો ઉપયોગ કરીએ છીએ, એ પરથી સાબિત થાય છે કે યહોવા સાથેનો આપણો સંબંધ કેટલો ગાઢ છે. એ પણ સાબિત થાય છે કે આપણે તેમને ખુશ કરવા ચાહીએ છીએ કે નહિ. આપણું અંતઃકરણ બતાવે છે કે આપણે હકીકતમાં કેવી વ્યક્તિ છીએ.

૪. આપણે પોતાના અંતઃકરણને કેળવવા શું કરવું જોઈએ?

૪ જોકે, આપણે પોતાના અંતઃકરણને કેળવવા શું કરવું જોઈએ? આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ. બાઇબલમાંથી જે વાંચીએ એના પર મનન કરવું જોઈએ. તેમજ, જે શીખીએ એને લાગુ પાડવા યહોવા પાસે મદદ માંગવી જોઈએ. એનો અર્થ થાય કે ફક્ત હકીકતો અને નિયમો જાણવા ઉપરાંત પણ આપણે કંઈક કરવાની જરૂર છે. આપણો હેતુ યહોવાને વધુ સારી રીતે જાણવાનો હોવો જોઈએ. યહોવા કેવી વ્યક્તિ છે અને તેમની પસંદ-નાપસંદ શી છે એ જાણવું જોઈએ. આપણે યહોવા વિશે શીખતા જઈશું તેમ, આપણું અંતઃકરણ સહેલાઈથી પારખી શકશે કે યહોવાની નજરે ખરું-ખોટું શું છે. પોતાના અંતઃકરણને જેટલું વધારે કેળવીશું, એટલું વધારે આપણે યહોવા જેવું વિચારવા લાગીશું.

૫. આપણે આ લેખમાં શાની ચર્ચા કરીશું?

૫ પરંતુ, બાઇબલના સિદ્ધાંતોથી કેળવાયેલું અંતઃકરણ આપણને નિર્ણયો લેવા કઈ રીતે મદદ કરી શકે? મંડળનાં ભાઈ-બહેનો પોતાનાં અંતઃકરણ પ્રમાણે કોઈ નિર્ણય લે ત્યારે, આપણે કઈ રીતે તેઓના નિર્ણયને માન આપી શકીએ? આપણું અંતઃકરણ સારાં કામો કરવાં કઈ રીતે પ્રેરી શકે? એ પ્રશ્નો ધ્યાનમાં રાખીને, ચાલો એવાં ત્રણ પાસાંની ચર્ચા કરીએ, જેના માટે કેળવાયેલું અંતઃકરણ જરૂરી છે: (૧) સ્વાસ્થ્ય અને સારવાર, (૨) મનોરંજન અને (૩) સાક્ષીકાર્ય.

સ્વાસ્થ્ય અને સારવાર વિશે વાજબી વલણ રાખો

૬. સ્વાસ્થ્યને લગતા કેવા નિર્ણયો આપણે લેવા પડે છે?

૬ બાઇબલ આપણને એવી આદતો ટાળવાનું કહે છે, જે આપણને નુકસાન પહોંચાડે. ઉપરાંત, બાઇબલ આપણને ખાવાં-પીવાં જેવી બાબતોમાં વાજબી વલણ રાખવા ઉત્તેજન આપે છે. (નીતિ. ૨૩:૨૦; ૨ કોરીં. ૭:૧) બાઇબલની એ સલાહ પાળવાથી, આપણને અમુક હદે તંદુરસ્તી જાળવવા મદદ મળે છે. જોકે, બીમારીઓ અને વધતી જતી ઉંમરની અસર તો રહેવાની. એવા સમયે આપણે કેવા નિર્ણયો લેવા પડે છે? અમુક દેશો એવા છે, જ્યાં અલગ અલગ પ્રકારની ઘણી દવાઓ અને સારવાર મળી રહે છે. એની પૂછપરછ માટે આપણી શાખા કચેરીઓને, ભાઈ-બહેનો તરફથી અવારનવાર પત્રો મળતા રહે છે. તેઓમાંના ઘણા પૂછે છે: ‘શું યહોવાના સાક્ષી ફલાણી દવા કે સારવાર લઈ શકે?’

૭. સારવારનો પ્રશ્ન ઊભો થાય ત્યારે શાને આધારે નિર્ણયો લઈ શકીએ?

૭ કોઈ પણ શાખા કચેરી અથવા મંડળના વડીલો પાસે અધિકાર નથી કે તેઓ ભાઈ-બહેનો વતી સારવાર વિશે નિર્ણય લે. પછી, ભલેને ભાઈ-બહેનો પોતે એવું ચાહતાં હોય. (ગલા. ૬:૫) જોકે, મંડળના વડીલો ભાઈ-બહેનોને સારો નિર્ણય લેવામાં મદદ જરૂર કરી શકે. તેઓ ભાઈ-બહેનોને યહોવાનાં ધોરણો વિશે સમજણ આપી શકે. દાખલા તરીકે, લોહીથી દૂર રહેવાની યહોવાની આજ્ઞા વિશે વડીલો તેઓને સમજણ આપી શકે. (પ્રે.કૃ. ૧૫:૨૯) આજે, એવી ઘણી દવાઓ અને સારવાર પ્રાપ્ય છે, જેમાં લોહી કે એના ચાર મુખ્ય ભાગોનો ઉપયોગ થાય છે. લોહી વિશેની આજ્ઞા પરથી સ્પષ્ટ થાય છે કે ઈશ્વરના સેવકો એવી કોઈ સારવાર લઈ શકે નહિ. ઉપરાંત, આજે એવી પણ સારવાર પ્રાપ્ય છે, જેમાં રક્તના ચાર મુખ્ય ભાગોનાં અમુક તત્ત્વોનો ઉપયોગ થાય છે.a એ માહિતી જાણીને એક ખ્રિસ્તી વ્યક્તિનું અંતઃકરણ તેને એવી સારવાર લેવી કે નહિ એ નક્કી કરવા મદદ કરી શકે. સારવાર વિશે સારા નિર્ણયો લેવા બાઇબલની બીજી કઈ કઈ સલાહ મદદ કરી શકે?

૮. ફિલિપી ૪:૫ની સલાહ આપણને સ્વાસ્થ્યને લગતા નિર્ણયો લેવામાં કઈ રીતે મદદ કરે છે?

૮ નીતિવચનો ૧૪:૧૫ જણાવે છે: “ભોળો માણસ દરેક શબ્દ ખરો માને છે, પણ ડાહ્યો પુરુષ પોતાની વર્તણૂક બરાબર ચોક્કસ રાખે છે.” આજે, એવી ઘણી બીમારીઓ છે જેનો કોઈ સચોટ ઇલાજ નથી. તેથી, એવી બીમારીઓની સારવાર પસંદ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. કારણ કે, ઘણી સારવારો સચોટ ઇલાજનો દાવો તો કરે છે, પણ બીમારી મટશે જ, એનો કોઈ ઠોસ પુરાવો હોતો નથી. પાઊલે સલાહ આપી હતી, “તમારી સહનશીલતા [“વાજબીપણું,” NW] સર્વ માણસોના જાણવામાં આવે.” (ફિલિ. ૪:૫) વાજબી વલણ આપણને સ્વાસ્થ્યની કાળજી લેવામાં જરૂર કરતાં વધુ સમય ન આપવા મદદ કરશે. તેમજ, યહોવાની ભક્તિ પર ધ્યાન રાખવા પ્રેરશે. પણ, જો આપણે સ્વાસ્થ્યને જરૂર કરતાં વધુ મહત્ત્વ આપીશું, તો સ્વાર્થી બની જવાનું જોખમ રહેલું છે. (ફિલિ. ૨:૪) આપણે જાણીએ છીએ કે શેતાનની આ દુનિયામાં સો ટકા તંદુરસ્ત રહેવું શક્ય જ નથી. તેથી, સારું રહેશે કે આપણે જીવનમાં સૌથી વધુ મહત્ત્વ યહોવાની ભક્તિને આપીએ.—ફિલિપી ૧:૧૦ વાંચો.

સ્વાસ્થ્યને લગતી સારવાર અને દવાઓ વિશે એક યુગલ ઉત્સાહથી સલાહ આપી રહ્યું છે

શું તમે બીજાઓ પર તમારા વિચારો થોપી બેસાડો છો? (ફકરો ૯ જુઓ)

૯. રોમનો ૧૪:૧૩, ૧૯ની સલાહ, સ્વાસ્થ્યને લગતા નિર્ણયોને કઈ રીતે અસર કરે છે? મંડળની એકતા કઈ રીતે જોખમમાં આવી શકે?

૯ વાજબી વલણ રાખનાર ભાઈ-બહેનો પોતાના વિચારો બીજા પર થોપી બેસાડશે નહિ. જોકે, એક મંડળમાં એક સાક્ષી યુગલ વાજબી વલણ બતાવવામાં નિષ્ફળ ગયું. તેઓએ મંડળનાં બીજાં ભાઈ-બહેનોને તંદુરસ્ત રહેવા ખાસ પ્રકારનો આહાર અને દવાઓ લેવાની ભલામણ કરી. અમુક ભાઈ-બહેનો એ યુગલનાં દબાણમાં આવી ગયાં. જ્યારે કે બીજાઓ તેઓનાં દબાણમાં આવ્યાં નહિ. એ યુગલની સલાહનાં સારાં પરિણામો ન આવ્યાં ત્યારે, મંડળનાં ઘણાં ભાઈ-બહેનો નારાજ થયાં. એ યુગલ પાસે ફક્ત પોતાના માટે પસંદગી કરવાનો અધિકાર હતો, બીજાઓ માટે નહિ. તમને શું લાગે છે, સ્વાસ્થ્યને લગતી બાબતો માટે મંડળની એકતા જોખમમાં મૂકવી વાજબી કહેવાશે? પ્રાચીન રોમના ખ્રિસ્તીઓનો વિચાર કરો. અમુક પ્રકારનાં ખોરાક અને ઉજવણીઓ વિશે તેઓના વિચારો જુદા જુદા હતા. એ જોઈને પાઊલે તેઓને કઈ સલાહ આપી? તેમણે કહ્યું: ‘કોઈ માણસ અમુક દિવસને બીજા કરતાં વધારે પવિત્ર ગણે છે, જ્યારે કે બીજો માણસ સર્વ દિવસોને સરખા ગણે છે; દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી.’ તેઓ માટે મહત્ત્વનું હતું કે બીજાઓ માટે ઠોકરનું કારણ ન બને. ચાલો, આપણે પણ એ વાતનું ધ્યાન રાખીએ.—રોમનો ૧૪:૫, ૧૩, ૧૫, ૧૯, ૨૦ વાંચો.

૧૦. બીજાઓએ લીધેલા નિર્ણયોને આપણે શા માટે માન આપવું જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

૧૦ અમુક વાર મંડળમાં કોઈ ભાઈ કે બહેને અંગત બાબતે લીધેલો નિર્ણય, આપણે કદાચ સમજી ન શકીએ. આપણને થઈ શકે કે તેમણે એવો નિર્ણય શા માટે લીધો હશે. એવા કિસ્સામાં આપણે શું કરવું જોઈએ? આપણે ઉતાવળા બનીને તેમનો વાંક કાઢવો ન જોઈએ અથવા નિર્ણય બદલવા તેમને દબાણ કરવું ન જોઈએ. કદાચ, તેમણે પોતાના અંતઃકરણને કેળવવા હજીયે મહેનત કરવાની જરૂર છે અથવા તેમનું અંતઃકરણ અમુક બાબતમાં વધુ સંવેદનશીલ છે. (૧ કોરીં. ૮:૧૧, ૧૨) એમ પણ બની શકે કે આપણે પોતાના અંતઃકરણને વધુ તાલીમ આપવાની જરૂર છે. આપણે દરેકે પોતપોતાના સ્વાસ્થ્યને લગતા નિર્ણયો જાતે જ લેવાના છે. તેમજ, દરેકે સ્વીકારવું જોઈએ કે પોતાના નિર્ણયો માટે તે પોતે જ જવાબદાર છે.

યોગ્ય મનોરંજનનો આનંદ માણો

૧૧, ૧૨. મનોરંજનની પસંદગીમાં બાઇબલ આપણને કેવી મદદ આપે છે?

૧૧ યહોવાએ આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે મોજમજા માણી શકીએ અને એમાંથી લાભ પામી શકીએ. સુલેમાને લખ્યું હતું: ‘હસવાનો વખત અને નૃત્ય કરવાનો વખત હોય છે.’ (સભા. ૩:૪) જોકે, બધાં જ પ્રકારનું મનોરંજન ફાયદો, આરામ કે તાજગી આપનારું હોતું નથી. તેથી, મનોરંજનમાં વધુ પડતો સમય વિતાવવાનું ટાળવું જોઈએ. યહોવા માન્ય કરે એવું મનોરંજન માણવામાં અને એમાંથી ફાયદો મેળવવામાં આપણું અંતઃકરણ કઈ રીતે મદદ કરી શકે?

૧૨ બાઇબલ આપણને “દેહનાં કામ”થી દૂર રહેવા ચેતવે છે. જેમ કે, ‘વ્યભિચાર, અશુદ્ધતા, બેશરમ કામો, મૂર્તિપૂજા, મેલીવિદ્યા, વેરભાવ, ઝઘડા, ઈર્ષા, અતિશય ગુસ્સો, મતભેદો, ભાગલા પાડવા, પંથ પાડવા, અદેખાઈ, દારૂડિયાપણું, બેકાબૂ મિજબાનીઓ અને એનાં જેવાં કામો.’ પાઊલે લખ્યું હતું કે ‘જેઓ એવાં કામો કરે છે, તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.’ (ગલા. ૫:૧૯-૨૧, NW) એટલે, આપણે આવા સવાલો પર વિચાર કરવો જોઈએ: “શું મારું અંતઃકરણ મને હિંસક, ઝનૂની, હરીફાઈ કે દેશભક્તિની લાગણીથી ભરેલી રમતોથી દૂર રહેવા મદદ કરે છે? અશ્લીલ દૃશ્યો કે અનૈતિકતા, દારૂડિયાપણું, મેલીવિદ્યાથી ભરેલી ફિલ્મો જોવા તરફ હું લલચાઉં ત્યારે, શું મારું અંતઃકરણ મને ચેતવે છે?”

૧૩. મનોરંજનની પસંદગી કરવામાં પહેલો તીમોથી ૪:૮ અને નીતિવચનો ૧૩:૨૦ની સલાહ કઈ રીતે મદદ આપે છે?

૧૩ મનોરંજનની બાબતમાં અંતઃકરણ કેળવવા બાઇબલ સિદ્ધાંતો મદદ કરી શકે છે. દાખલા તરીકે, ઘણા લોકોને લાગે છે કે તાજગી મેળવવા અને શરીરને કસવા નિયમિત રીતે ખેલકૂદ કરવું ખૂબ જરૂરી છે. પરંતુ, બાઇબલ બતાવે છે કે એવી પ્રવૃત્તિઓ “થોડી જ ઉપયોગી છે.” (૧ તીમો. ૪:૮) શું એ વિશે વિચારવું જરૂરી છે કે આપણે કોની સાથે ખેલકૂદનો આનંદ માણીએ છીએ? નીતિવચનો ૧૩:૨૦ સલાહ આપે છે, “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.” તેથી, એ જરૂરી છે કે મનોરંજનની પસંદગીમાં પણ બાઇબલ સિદ્ધાંતોથી કેળવાયેલા અંતઃકરણનો ઉપયોગ કરીએ.

૧૪. રોમનો ૧૪:૨-૪ની સલાહ પરથી એક તરુણ બહેનને શું સમજવા મદદ મળી?

૧૪ ક્રિસ્ટાન અને ડેનિલા નામના યુગલને બે તરુણ દીકરીઓ છે. ક્રિસ્ટાન જણાવે છે કે ‘કુટુંબ તરીકેની ભક્તિમાં અમે મનોરંજન વિશે ચર્ચા કરી હતી. અમે બધાએ સ્વીકાર્યું કે અમુક પ્રકારનું મનોરંજન યહોવાને મંજૂર છે, જ્યારે કે અમુક મંજૂર નથી. કોની સંગત સારી કહેવાય, એ વિશે પણ અમે ચર્ચા કરી. એવામાં અમારી એક દીકરીએ ફરિયાદ કરી. તેને લાગતું હતું કે તેની સ્કૂલમાં ભણતા અમુક સાક્ષી યુવાનો રિસેસ દરમિયાન યોગ્ય રીતે વર્તતા નથી. મારી દીકરી તેઓની જેમ વર્તવાનું દબાણ અનુભવતી. અમે તેને સમજાવ્યું કે દરેક પાસે અંતઃકરણ છે. એની મદદથી દરેકે જાતે પસંદગી કરવાની છે કે તે કેવાં કામ કરશે અને કોની સાથે મળીને કરશે.’—રોમનો ૧૪:૨-૪ વાંચો.

૧. સભામાં એક યુવાન જવાબો આપે છે, જ્યારે કે બીજો યુવાન બેસી રહ્યો છે; ૨. એક સાક્ષી યુવાન અયોગ્ય રીતે વર્તે છે, ત્યારે બીજા સાક્ષી યુવાનનું અંતઃકરણ ઠોકર ખાય છે

બાઇબલથી કેળવાયેલું અંતઃકરણ તમને જોખમોથી બચવા મદદ કરી શકે (ફકરો ૧૪ જુઓ)

૧૫. માથ્થી ૬:૩૩ની સલાહ મનોરંજનની બાબતમાં કઈ રીતે મદદ કરી શકે?

૧૫ શું તમે કોઈ દિવસે વિચાર્યું છે કે તમે મનોરંજનમાં કેટલો સમય આપો છો? તમારા જીવનમાં વધારે મહત્ત્વનું શું છે, મનોરંજન કે પછી સભાઓ, પ્રચારકાર્ય અને બાઇબલનો અભ્યાસ? ઈસુએ કહ્યું હતું: ‘તમે પહેલાં તેમના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધી વસ્તુઓ પણ તમને અપાશે.’ (માથ. ૬:૩૩) તમે શામાં સમય પસાર કરશો, એ નક્કી કરતી વખતે શું તમારું અંતઃકરણ ઈસુની એ આજ્ઞા યાદ અપાવે છે?

સેવાકાર્યમાં ઉત્સાહ બતાવો

૧૬. ખુશખબર ફેલાવવા માટે આપણું અંતઃકરણ કઈ રીતે ઉત્તેજન આપે છે?

૧૬ ખરું કે, કેળવાયેલું અંતઃકરણ ખોટાં કામોથી દૂર રહેવા ચેતવે છે. સાથે સાથે, એ આપણને સારાં કામો કરવાં ઉત્તેજન આપે છે. ખુશખબર ફેલાવવાનાં કામ કરતાં બીજું સારું કામ શું હોય શકે! પછી ભલે એ ઘર-ઘરનું સાક્ષીકાર્ય હોય કે બીજી કોઈ રીતે થતું સાક્ષીકાર્ય હોય. પાઊલનું અંતઃકરણ તેમને એમ કરવા ઉત્તેજન આપતું હતું. તેમણે લખ્યું કે “એમ કરવું મારી ફરજ છે અને જો હું સુવાર્તા પ્રગટ ન કરું, તો મને અફસોસ છે.” (૧ કોરીં. ૯:૧૬) પાઊલને અનુસરીશું તો, આપણું અંતઃકરણ સારું રહેશે. તેમજ, આપણને ખાતરી થશે કે આપણે યોગ્ય બાબતો કરી રહ્યા છીએ. ખુશખબર જણાવીને, આપણે લોકોનાં અંતઃકરણને અસર પહોંચાડીએ છીએ. પાઊલે કહ્યું હતું કે ‘સત્ય જાહેર કરીને, ઈશ્વરની નજરમાં દરેક મનુષ્યના અંતઃકરણ માટે અમે સારો દાખલો બેસાડીએ છીએ.’—૨ કોરીં. ૪:૨, NW.

૧૭. એક બહેને અંતઃકરણનું સાંભળીને કેવો નિર્ણય લીધો?

૧૭ જેક્વેલિન બહેનનો વિચાર કરો. સ્કૂલમાં ૧૬ વર્ષની ઉંમરે તે જીવવિજ્ઞાનનો અભ્યાસ કરતાં હતાં. તેમના અભ્યાસમાં ઉત્ક્રાંતિવાદ ભણાવવામાં આવી રહ્યો હતો. એ વિશે બહેન જણાવે છે: ‘સ્કૂલમાં અભ્યાસને લગતી બીજી ચર્ચાઓમાં હું હોંશથી ભાગ લેતી. પણ ઉત્ક્રાંતિવાદના વિષયમાં હું એમ કરી શકતી નહિ. મારું અંતઃકરણ મને એમ કરતાં રોકતું. કારણ કે હું ઉત્ક્રાંતિવાદને જરાય ટેકો આપી શકતી ન હતી. મેં મારાં શિક્ષકને મારી માન્યતા જણાવી. મને એમ હતું કે તે મને સહકાર નહિ આપે. પણ તે ખૂબ મળતાવડા હતા. અરે, તેમણે તો મને ક્લાસમાં મારી માન્યતા વિશે બોલવાની તક પણ આપી!’ જેક્વેલિનને સંતોષ થયો કે તેમણે બાઇબલ આધારે કેળવાયેલા અંતઃકરણનું સાંભળ્યું અને એ પ્રમાણે કર્યું. શું તમારું અંતઃકરણ પણ તમને જે ખરું છે એ કરવા પ્રેરે છે?

૧૮. આપણે શા માટે એક સારું અને ભરોસાપાત્ર અંતઃકરણ મેળવવા ચાહીએ છીએ?

૧૮ આપણો ધ્યેય યહોવાનાં સિદ્ધાંતો અને ધોરણો પ્રમાણે જીવવાનો છે. એ ધ્યેય હાંસલ કરવામાં અંતઃકરણ મદદ કરી શકે. નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરીને, એના પર મનન કરીને અને શીખેલી બાબતો લાગુ પાડીને, આપણે અંતઃકરણ કેળવી શકીએ છીએ. આમ, યહોવાએ આપેલી અંતઃકરણની અદ્‍ભુત ભેટ, ભરોસાપાત્ર માર્ગદર્શક બનશે. યહોવાની ભક્તિમાં એ આપણને યોગ્ય દિશામાં દોરશે!

a જૂન ૧૫, ૨૦૦૪ના ચોકીબુરજમાં પાન ૨૯-૩૧ ઉપર “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો