વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp16 નં. ૨ પાન ૮-૧૧
  • અસલામતી અને ડરની લાગણીનો સામનો કઈ રીતે કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • અસલામતી અને ડરની લાગણીનો સામનો કઈ રીતે કરવો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • સારો ઉછેર ન થવાને લીધે આવતી તકલીફો
  • ઈશ્વર આપણી કાળજી રાખે છે
  • સલામતી અનુભવવાની ત્રણ રીત
  • દરેક માટે સલામતી
  • કાયમી
    સજાગ બનો!—૧૯૯૮
  • તે મારા પ્રેમમાં ન હોય તો?
    સજાગ બનો!—૧૯૯૮
  • તમે એકલા નથી યહોવા તમારી સાથે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • યહોવા તમને ખૂબ ચાહે છે!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૬
wp16 નં. ૨ પાન ૮-૧૧
એક પિતાએ પોતાની દીકરીને બાથમાં લીધી છે

અસલામતી અને ડરની લાગણીનો સામનો કઈ રીતે કરવો

જન્મ લઈએ ત્યારે એક બાળક તરીકે આપણે એકદમ લાચાર લાગીએ છીએ. આપણી સલામતી પૂરી રીતે માબાપના હાથમાં હોય છે. અમુક સમય પછી આપણે ચાલતા શીખીએ છીએ. ચાલતાં ચાલતાં અચાનક કોઈ વ્યક્તિ સામે આવી જાય ત્યારે, તે કદાવર લાગે અને તેને જોઈને આપણે ડરી જઈએ છીએ. પરંતુ, મમ્મી-પપ્પાનો હાથ પકડીએ ત્યારે તરત રાહત અનુભવીએ છીએ.

આપણો સારો ઉછેર મમ્મી-પપ્પા તરફથી મળતાં પ્રેમ અને ઉત્તેજન પર આધાર રાખે છે. તેઓ આપણને પ્રેમ કરે છે એ જાણીને આપણે સલામતીની લાગણી અનુભવીએ છીએ. આપણાં સારા કામ માટે તેઓ શાબાશી આપે ત્યારે, પ્રગતિ કરવા મદદ અને હિંમત મળે છે.

સ્કૂલમાં પણ ખાસ મિત્રો આપણને સલામતીનો અહેસાસ કરાવે છે. તેઓનો સાથ આપણને ગમે છે, એટલે સ્કૂલમાં જવાનો આપણને ઓછો ડર લાગે છે.

ખરું કે, ઘણા યુવાનો એ જ રીતે મોટા થાય છે. પરંતુ, અમુકને ઓછા દોસ્તો હોય છે. અરે, મમ્મી-પપ્પા તરફથી પણ જરૂરી સાથ મળતો નથી. મેલીસાa જણાવે છે કે, ‘કુટુંબના બધા સભ્યો ભેગા મળીને કોઈ કામ કરતા હોય એવાં ચિત્રો જોઉં છું ત્યારે મને થાય છે કે કાશ, મને પણ બાળપણમાં એવી ખુશી મળી હોત!’ કદાચ તમને પણ એવું લાગતું હશે.

સારો ઉછેર ન થવાને લીધે આવતી તકલીફો

બની શકે કે, બાળપણનાં વર્ષોથી તમારામાં આત્મવિશ્વાસની ખામી છે. કદાચ તમને પૂરતો પ્રેમ અને ઉત્તેજન નથી મળ્યાં. તમારાં મમ્મી-પપ્પા વચ્ચે કદાચ વારંવાર ઝઘડા થતા હતા, જે તમને યાદ હશે. કદાચ, એવી તકરારોને લીધે તેઓએ છૂટાછેડા લીધા હશે. એ માટે કદાચ તમે પોતાને દોષી ગણતા હશો. એવું પણ બની શકે કે, મમ્મી-પપ્પા તમને નાનપણમાં ગમે તેમ બોલ્યાં કરતા અથવા વારંવાર મારતાં હતાં.

એવા સંજોગોમાં બાળક કઈ રીતે વર્તે છે? અમુક બાળકો, તરુણ થતાં જ ડ્રગ્સ અથવા દારૂના રવાડે ચઢી જાય છે. બીજાં અમુક કોઈકનો સાથ મેળવવાની ઝંખનામાં કોઈ ગૅંગમાં જોડાય છે. કેટલાક યુવાનો હુંફ મેળવવા પ્રેમમાં પડે છે. પરંતુ, એવા સંબંધો ભાગ્યે જ લાંબા ટકે છે અને સંબંધ તૂટવાથી તેઓ વધારે નિરાશ થાય છે.

અમુક યુવાનો આવા ફાંદામાં નથી ફસાતા. જોકે, તેઓ એવું વિચારવા લાગે છે કે, પોતે નકામાં છે. આન્‍ના પોતાની લાગણી જણાવતા કહે છે: ‘મને ખાતરી થઈ ગઈ કે, હું સાવ નકામી છું. કેમ કે, મારા મમ્મી વારંવાર મને એવું કહેતાં. મમ્મીએ મને ક્યારેય પ્રેમ બતાવ્યો હોય કે મારા વખાણ કર્યા હોય એવું મને જરાયે યાદ નથી.’

નિરાશા કે અસલામતીની લાગણી માટે ફક્ત ઉછેર જ નહિ, પણ બીજાં અમુક કારણો પણ જવાબદાર છે. જેમ કે, છૂટાછેડા થવા, વધતી ઉંમરમાં આવતી મુશ્કેલીઓ અથવા પોતાના દેખાવ વિશે વધારે પડતી ચિંતા. કારણ ગમે તે હોય, પણ એ લાગણીથી આપણી ખુશી છીનવાઈ શકે અને બીજાઓ સાથે આપણા સંબંધો બગડી શકે. એવી લાગણીઓ પર જીત મેળવવા આપણે શું કરી શકીએ?

ઈશ્વર આપણી કાળજી રાખે છે

આપણે જાણવાની જરૂર છે કે, મદદ મળી શકે છે. કોઈ છે જે દરેકને મદદ કરી શકે છે અને મદદ કરવા ચાહે પણ છે. એ બીજું કોઈ નહિ, પણ આપણા સર્જનહાર છે.

ઈશ્વરે પોતાના સેવક યશાયા દ્વારા સંદેશો જણાવ્યો હતો કે, ‘તું બીશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.’ (યશાયા ૪૧:૧૦, ૧૩) ઈશ્વર જાણે આપણને તેમના હાથથી પકડી રાખવા ચાહે છે. એ જાણીને કેટલી રાહત મળે છે! તેથી, આપણને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

પવિત્ર શાસ્ત્ર એવા ઈશ્વરભક્તો વિશે જણાવે છે, જેઓને ઘણી ચિંતા હતી. પણ, એવા સંજોગોમાં તેઓએ ઈશ્વરનો સાથ લીધો હતો. હાન્‍ના નામની સ્ત્રીનો વિચાર કરો. તે નિરાશામાં ડૂબી ગયાં હતાં, કેમ કે તેમને એક પણ બાળક ન હતું. તેથી, તેમની ઘણી વાર મશ્કરી કરવામાં આવતી. એના લીધે તે ખૂબ રડતાં અને ખાવાનું પણ છોડી દેતાં. (૧ શમૂએલ ૧:૬, ૮) પણ, ઈશ્વર આગળ પોતાની લાગણીઓ ઠાલવ્યા પછી તે ઉદાસ રહ્યાં નહિ.—૧ શમૂએલ ૧:૧૮.

ઈશ્વરભક્ત દાઊદે પણ કેટલીક વાર અસલામતીની લાગણી અનુભવી. વર્ષો સુધી રાજા શાઊલ દાઊદને મારી નાંખવા માટે અનેક હુમલા કરતા રહ્યા. દાઊદ ઘણી વાર મરતાં મરતાં બચ્યા. અમુક વખતે તેમને લાગતું કે, તે મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. (ગીતશાસ્ત્ર ૫૫:૩-૫; ૬૯:૧) છતાં, તેમણે લખ્યું: “હું શાંતિમાં સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ; કેમ કે, હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે.”—ગીતશાસ્ત્ર ૪:૮.

હાન્‍ના અને દાઊદે પોતાનો બોજો યહોવા પર નાંખ્યો. તેઓએ અનુભવ્યું કે, ઈશ્વર તેઓની સંભાળ રાખે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) આજે આપણે પણ એવું કઈ રીતે કરી શકીએ?

સલામતી અનુભવવાની ત્રણ રીત

૧. યહોવા પર ભરોસો રાખતા શીખો.

એક ભાઈ બાઇબલમાંથી જે વાંચે છે એના પર મનન કરે છે

ઈસુએ, પોતાના પિતા જે “એકલા ખરા ઈશ્વર” છે, તેમને ઓળખવાની દરેકને અરજ કરી છે. (યોહાન ૧૭:૩) ઈશ્વરભક્ત પાઊલે ખાતરી આપતા લખ્યું, ‘તે આપણામાંના કોઈથી દૂર નથી.’ (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૨૭) ઈશ્વરભક્ત યાકૂબે પણ લખ્યું કે, “તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે.”—યાકૂબ ૪:૮.

સ્વર્ગમાં રહેતા ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને આપણી કાળજી રાખે છે. એ જાણવાથી આપણી ચિંતાઓ હળવી થાય છે. ખરું કે, વિશ્વાસ કેળવતા સમય લાગી શકે. પણ ઘણા લોકોને વિશ્વાસ કરવાથી મદદ મળી છે. કેરોલીન બહેન કહે છે કે, ‘જ્યારે મેં યહોવાને પિતા તરીકે માન્યા, ત્યારે હું તેમને મારા દિલની ઊંડી લાગણીઓ જણાવી શકી. એનાથી મને ઘણી રાહત મળી!’

રેચલ યાદ કરતા કહે છે, ‘મમ્મી-પપ્પા મને છોડી ગયાં ત્યારે, હું સાવ એકલી પડી ગઈ. પરંતુ, હું સલામત છું એવો અહેસાસ યહોવાએ મને કરાવ્યો. હું તેમને મારી મુશ્કેલીઓ જણાવી શકતી અને એમાંથી બહાર આવવા મદદ માંગી શકતી. તેમણે મને મદદ પણ કરી.’b

૨. સાચો પ્રેમ અને દિલાસો આપતું કુટુંબ શોધો.

રાજ્યગૃહના સ્થળે લોકો વાતચીત કરી રહ્યા છે

ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે, તમે એકબીજાને ભાઈ-બહેનો જેવાં ગણો. તેમણે કહ્યું, ‘તમે બધા ભાઈઓ છો.’ (માથ્થી ૨૩:૮) શિષ્યો એકબીજાને પ્રેમ કરે અને ઈશ્વરની ભક્તિ કરનાર લોકોનું એક મોટું કુટુંબ બને એવું ઈસુ ચાહતા હતા.—માથ્થી ૧૨:૪૮-૫૦; યોહાન ૧૩:૩૫.

યહોવાના સાક્ષીઓનાં મંડળો એક કુટુંબ તરીકે સાચો પ્રેમ અને દિલાસો આપવા બનતા પ્રયત્નો કરે છે. (હિબ્રૂ ૧૦:૨૪, ૨૫) ઘણા લોકો માટે આ સભામાં જવું, જાણે દિલ પર લાગેલા ઘા પર મલમ લગાડવા જેવું છે.

ઈવા કહે છે: ‘હું જે મંડળમાં જતી ત્યાં મારી એક ખાસ ફ્રેન્ડ હતી. તે મારું દુઃખ-દર્દ સમજતી. તે મારું ધ્યાનથી સાંભળતી, બાઇબલમાંથી કલમો વાંચી સંભળાવતી અને મારી સાથે પ્રાર્થના કરતી. હું એકલી ન પડી જઉં એનું પણ તે ઘણું ધ્યાન રાખતી. તેની સામે દિલ હળવું કરવું સારું લાગતું. હવે હું વધારે સલામતી અનુભવું છું. એ માટે તેનો ખૂબ આભાર માનું છું.’ રેચલ નામનાં બહેન જણાવે છે: ‘મને મંડળમાં જાણે “મમ્મી-પપ્પા” મળ્યાં. તેઓએ મને પ્રેમ બતાવ્યો અને સલામતીનો અહેસાસ કરાવ્યો.’

૩. બીજાઓને પ્રેમ અને દયા બતાવો.

પ્રેમ અને દયા બતાવવાથી વ્યક્તિઓ વચ્ચેના સંબંધો હંમેશ માટે ટકે છે. ઈસુએ કહ્યું: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) એમાં કોઈ શંકા નથી કે આપણે જેટલો પ્રેમ બતાવીશું એનાથી વધુ પ્રેમ મેળવીશું. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું, “આપો ને તમને અપાશે.”—લુક ૬:૩૮.

આપણે પ્રેમ બતાવીએ અને પ્રેમ મેળવીએ છીએ ત્યારે, સલામતી અનુભવીએ છીએ. શાસ્ત્રમાં લખ્યું છે કે, ‘પ્રેમ હંમેશાં ટકે છે.’ (૧ કોરીંથી ૧૩:૮, NW) મારિયા બહેન કબૂલે છે: ‘અમુક વખતે હું પોતાના વિશે ખોટા વિચારો ધરાવતી, જે યોગ્ય ન હતા. ખોટા વિચારોને દૂર કરવા મેં પોતાના વિશે વિચારવાનું બંધ કર્યું અને બીજાઓને મદદ કરવાનું શરૂ કર્યું. બીજાઓ માટે કંઈ પણ કરું ત્યારે મને સંતોષ મળે છે.’

વૉકર લઈને ચાલતા એક વૃદ્ધને એક જુવાન ભાઈ મદદ કરે છે

દરેક માટે સલામતી

ઉપર બતાવવામાં આવેલી રીતો કંઈ ‘જાદુની છડી’ નથી, જેનાથી તરત રાહત મળે. પણ, એ રીતોને લાગુ પાડવાથી ઘણો ફરક પડી શકે છે. કેરોલીન બહેન જણાવે છે: ‘હું હજી પણ કેટલીક વાર નિરાશા અનુભવું છું. પરંતુ, મારું સ્વમાન વધ્યું છે. હું જાણું છે કે, ઈશ્વર મારી કાળજી રાખે છે. મારા ઘણા મિત્રો પણ મને સલામતીનો અહેસાસ કરાવે છે.’ રેચલ પણ એવું જ અનુભવે છે. તે કહે છે: ‘ઘણી વાર મારા પર નિરાશાનાં વાદળો છવાઈ જાય છે. પણ, મને એવાં ભાઈ-બહેનો મળ્યાં છે, જેઓ પાસે હું સલાહ લેવા જઈ શકું છું. તેઓએ મને સારા વિચારો કેળવવા મદદ કરી છે. ઉપરાંત, હું દરરોજ પ્રાર્થના દ્વારા સ્વર્ગમાંના ઈશ્વર યહોવા સાથે વાત કરી શકું છું. એનાથી મને ઘણો ફાયદો થયો છે.’

આવનાર નવી દુનિયા વિશે શાસ્ત્ર જણાવે છે, જ્યાં દરેક લોકો સલામતી અનુભવશે

જોકે, એક કાયમી ઉકેલ પણ છે, જેની અસર હંમેશ માટે રહેશે. એ છે આવનાર નવી દુનિયા! એના વિશે શાસ્ત્ર જણાવે છે કે ત્યાં બધા લોકો સલામતી અનુભવશે. ઈશ્વર વચન આપે છે: ‘તેઓ સર્વ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. તેમને કોઈ બીવડાવશે નહિ.’ (મીખાહ ૪:૪) એ સમયે આપણને કોઈ ડરાવશે નહિ, કોઈ નુકસાન પહોંચાડશે નહિ. અગાઉ જે બની ગયું એની કડવી યાદોનું “સ્મરણ કરવામાં આવશે નહિ.” (યશાયા ૬૫:૧૭, ૨૫) ઈશ્વર અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર ‘ન્યાયીપણું’ સ્થાપન કરશે. પરિણામે, ‘સર્વકાળ માટે શાંતિ તથા સલામતી રહેશે.’—યશાયા ૩૨:૧૭. (wp16-E No. 1)

a બધાં નામ બદલ્યાં છે.

b ઈશ્વરને સારી રીતે ઓળખવા તમને યહોવાના સાક્ષીઓ ફ્રીમાં બાઇબલમાંથી શીખવશે.

અસલામતીની લાગણીના અનુભવો

‘મારા દારૂડિયા પિતા જ્યારે ગુસ્સામાં ભડકી ઊઠતા, ત્યારે તેમનો આખો મિજાજ બદલાઈ જતો. તે જાણે પોતાના શિકાર સામે દાંત કાઢીને જોઈ રહેલા વરૂ જેવા દેખાવા લાગતા. અને હું એક લાચાર, ગભરાયેલા ઘેટાં જેવું અનુભવતી ને સંતાઈ જવાનો પ્રયત્ન કરતી, જેથી તેમની નજરે ન ચઢું. એ ભયાનક સંજોગોનો સામનો મને લગભગ દરરોજ કરવો પડતો.’—કેરોલીનના બાળપણની યાદો.

‘મને લાગતું કે કોઈના પર ભરોસો થાય એમ નથી. મને થતું કે જાણે હું પહાડના ટોચ પર ક્યાંક ખોવાઈ ગઈ છું અને મદદ માટે પોકારી રહી છું. પણ મને સાંભળનાર કોઈ નથી, મને સલામત જગ્યાએ લઈ જનાર કોઈ નથી.’—ઈવા, હાલમાં જેમનાં છૂટાછેડા થયાં છે.

‘મારા પિતા વારંવાર મારા પર ગુસ્સે થતા ને કહેતા, “તું તો સાવ ખરાબ છે, તને તો ક્યારેય કોઈ પ્રેમ નહિ કરે!” વર્ષો સુધી હું પોતાને મનાવતો રહ્યો કે હું સારો છું અને બીજાઓ સાચે જ મને પસંદ કરે છે. હું પોતાને એક એવા ગલૂડિયા જેવો ગણતો, જે પૂંછડી પગમાં દાબીને, વહાલ માટે આશાની નજરે જોતું હોય પણ એ એને ક્યારેય મળતું ન હોય.’—માર્ક, જેમના પિતા તેમને નકામો ગણતા.

‘અમુક વાર કોઈ સુંદર સ્ત્રીને હું જોઉં છું તો, તેની સરખામણી હું એક સુંદર ફૂલ સાથે કરું છું, જેને ઘરમાં રાખવું સૌને ગમે. જ્યારે કે, પોતાને હું જંગલી ઘાસ સાથે સરખાઉં છું, જેનામાં કોઈને રસ હોતો નથી.’—મારીયા, લઘુતાની લાગણીનો સામનો કરતી યુવતી.

‘હું ૧૨ વર્ષની હતી ત્યારે મારાં મમ્મી-પપ્પા અમને મૂકીને બીજા દેશમાં જતાં રહ્યાં. તેઓ મારી બે નાની બહેનોની સંભાળ રાખવાની જવાબદારી મને સોંપીને ગયાં. મને બહુ એકલું એકલું લાગતું. કોઈ મારી સંભાળ લે અને શાબાશી આપે એવું હું ચાહતી. મને લાગતું કે જાણે હું એક મોટા અને ઘનઘોર જંગલમાં ખોવાઈ ગઈ છું. હું દિવસે ને દિવસે એ બોજો ખેંચતી તો હતી, પણ એ જંગલમાંથી બહાર આવવા માંગતી હતી. હું સલામતી અને ખુશી અનુભવવા ચાહતી હતી.’—રેચલ, પરદેશમાં કામ કરવા ગયેલા યુગલની દીકરી.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો