વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 જુલાઈ પાન ૧૮-૨૦
  • “તું બીશ મા, હું તને સહાય કરીશ”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તું બીશ મા, હું તને સહાય કરીશ”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • મેં તારો હાથ “પકડી રાખ્યો છે”
  • અગાઉની ભૂલોને લીધે દિલ ડંખે ત્યારે
  • નોકરીને લઈને ચિંતા સતાવે ત્યારે
  • વધતી ઉંમરને લીધે ચિંતા થાય ત્યારે
  • કાલ અને આજ બાઇબલ અમૂલ્ય ખજાનો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • માફ કરો અને યહોવાના આશીર્વાદ મેળવો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • શું તમે યહોવાના સમર્થ હાથને જોઈ શકો છો?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • શું યહોવાહને તમારા જીવનનો હિસ્સો બનવા દો છો?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 જુલાઈ પાન ૧૮-૨૦
એક માણસ ખીણમાં લપસવાની તૈયારીમાં છે ત્યારે બીજો માણસ તેનો હાથ પકડીને તેને સલામત રીતે બહાર ખેંચે છે

“તું બીશ મા, હું તને સહાય કરીશ”

કલ્પના કરો કે, તમે મોડી રાત્રે રસ્તા પરથી જઈ રહ્યા છો. અચાનક તમને અહેસાસ થાય છે કે, કોઈ તમારો પીછો કરી રહ્યું છે. તમે ઊભા રહો છો ત્યારે, તે પણ ઊભો રહે છે. તમે ઝડપથી ચાલો છો ત્યારે, તે પણ એવું જ કરે છે. તમે નજીકમાં રહેતા એક મિત્રના ઘર તરફ દોટ મૂકો છો. તમે મિત્રના ઘરે પહોંચો છો અને તે દરવાજો ખોલીને તમને અંદર બોલાવે છે. જરા વિચારો કે હવે તમને કેટલી રાહત થશે. તમે જાણો છો કે હવે તમે સલામત છો.

તમને કદાચ એવો અનુભવ નહિ થયો હોય. પરંતુ, કદાચ તમારા જીવનમાં એવી ઘણી બાબતો છે, જેના લીધે તમને ચિંતા થાય છે. દાખલા તરીકે, શું એવી કોઈ નબળાઈ છે, જેમાંથી બહાર આવવા તમે સંઘર્ષ કરો છો, પરંતુ એની એ જ ભૂલ વારંવાર કરો છો? શું તમે લાંબા સમયથી બેરોજગાર છો અને નોકરી માટે લાખ પ્રયત્નો છતાં એ મેળવી શકતા નથી? શું તમે વધતી ઉંમર અને એના લીધે આવતી સ્વાસ્થ્યને લગતી તકલીફોને કારણે પરેશાન છો? અથવા શું એવું બીજું કંઈક છે, જેના લીધે તમને ચિંતા થાય છે?

ગમે તેવી મુશ્કેલીઓ હોય, પરંતુ કેટલું સારું રહેશે કે તમારો એક સારો મિત્ર હોય. એવો મિત્ર જેને તમે તમારી ચિંતાઓ જણાવી શકો અને જે તમને ખુશી ખુશી મદદ કરવા તૈયાર હોય. શું તમારો એવો કોઈ મિત્ર છે? હા છે, યહોવા. યશાયા ૪૧:૮-૧૩ જણાવે છે કે, યહોવા વફાદાર ઈબ્રાહીમના મિત્ર હતા; એવી જ રીતે તે તમારા પણ મિત્ર છે. કલમ ૧૦ અને ૧૩માં યહોવા આપણને દરેકને વચન આપતા કહે છે: ‘તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તું બીશ મા, હું તને સહાય કરીશ.’

મેં તારો હાથ “પકડી રાખ્યો છે”

યહોવાના એ શબ્દોથી આપણને ઘણી રાહત મળે છે. યહોવા આપણને ખરેખર કયું વચન આપી રહ્યા છે એનો વિચાર કરો. એ કલમ એવું નથી કહેતી કે તમે યહોવાનો હાથ પકડીને તેમની સાથે સાથે ચાલી રહ્યા છો. જો તમે તેમની સાથે સાથે ચાલી રહ્યા હો, તો યહોવાનો જમણો હાથ તમારા ડાબા હાથમાં હોય. પરંતુ, યહોવા તો પોતાનો ‘ન્યાયનો જમણો હાથ’ તમારા તરફ લંબાવીને ‘તમારો જમણો હાથ’ પકડે છે. એ તો જાણે દુઃખોની ખીણમાંથી તમને બહાર ખેંચતા હોય એના જેવું છે. યહોવા તમારો જમણો હાથ પકડીને આ શબ્દો દ્વારા તમને હિંમત આપે છે: “તું બીશ મા, હું તને સહાય કરીશ.”

શું તમે યહોવાને પ્રેમાળ પિતા અને મિત્ર તરીકે જુઓ છો? શું તમને ભરોસો છે કે મુશ્કેલ સંજોગોમાં તે તમારી પડખે ઊભા રહેશે? યહોવા ખરેખર તમારી સંભાળ રાખે છે અને તમને સહાય કરવા ઇચ્છે છે. યહોવા ચાહે છે કે, અઘરા અને મુશ્કેલ સંજોગોમાં પણ તમે પોતાને સલામત મહેસૂસ કરો. શા માટે? કારણ કે, તે તમને ખૂબ જ પ્રેમ કરે છે. સાચે જ, “સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.”—ગીત. ૪૬:૧.

અગાઉની ભૂલોને લીધે દિલ ડંખે ત્યારે

અમુક લોકો અગાઉ કરેલી પોતાની ભૂલોને યાદ કર્યા કરે છે અને વિચારે છે કે ઈશ્વરે તેમને માફ કર્યા હશે કે કેમ. જો તમને પણ એવું લાગતું હોય, તો વફાદાર અયૂબનો વિચાર કરો. તેમણે કબૂલ કર્યું કે તેમણે યુવાનીમાં પાપ કર્યું હતું. (અયૂ. ૧૩:૨૬) ઈશ્વરભક્ત દાઊદને પણ એવું જ લાગ્યું હતું; એટલે તેમણે યહોવાને આજીજી કરી: “મારી જુવાનીનાં પાપ તથા મારા અપરાધોનું સ્મરણ ન કર.” (ગીત. ૨૫:૭) અપૂર્ણ હોવાને લીધે આપણે બધાએ “પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિશે સઘળા અધૂરા રહે છે.” (રોમ. ૩:૨૩)

યશાયા ૪૧ના દિલાસો આપતા શબ્દો ઈસ્રાએલીઓ માટે લખાયા હતા. તેઓનાં પાપ ખૂબ જ ગંભીર હતાં. એટલે, યહોવાએ કહ્યું હતું કે તેઓને બાબેલોનની ગુલામી સહેવી પડશે. (યશા. ૩૯:૬, ૭) એ જ સમયે, યહોવાએ વચન આપ્યું હતું કે, જે લોકો પસ્તાવો કરીને પાછા ફરશે તેઓને તે છોડાવશે. (યશા. ૪૧:૮, ૯; ૪૯:૮) આજે પણ, સાચા દિલથી પસ્તાવો કરનાર અને તેમને ખુશ કરવા ચાહનાર વ્યક્તિને યહોવા એવો જ પ્રેમ અને દયા બતાવે છે.—ગીત. ૫૧:૧.

ભાઈ ટકુયાનોa દાખલો લો. તેમને પોર્નોગ્રાફી જોવાની અને હસ્તમૈથુન કરવાની ખરાબ આદત હતી. તે એમાંથી બહાર આવવા પ્રયત્ન કરી રહ્યા હતા. તેમ છતાં, ઘણી વાર એ ભૂલ કરી બેસતા. તેમને કેવું લાગતું? ભાઈ કહે છે: ‘મને લાગતું કે જાણે હું સાવ નકામો છું. પરંતુ, જ્યારે હું પ્રાર્થનામાં યહોવા પાસે માફીની ભીખ માંગતો, ત્યારે તે જાણે મારી પડતી દશામાંથી મને ઊભો કરતા.’ યહોવાએ એમ કઈ રીતે કર્યું? ટકુયાના મંડળના વડીલોએ તેમને જણાવ્યું કે, જ્યારે પણ તે પોતાની શારીરિક ઇચ્છા સામે હારી જાય, ત્યારે વડીલો સાથે ફોન પર વાત કરે. ભાઈ જણાવે છે: ‘એ સમયે વડીલોને ફોન કરવો મારા માટે બહુ અઘરું હતું. પરંતુ, મેં જ્યારે પણ એમ કર્યું, ત્યારે મને ઘણી હિંમત મળતી.’ ત્યાર બાદ, મંડળના વડીલોએ ગોઠવણ કરી કે ટકુયાને સરકીટ નિરીક્ષક દ્વારા ઉત્તેજન આપતી મુલાકાતમાંથી લાભ મળે. સરકીટ નિરીક્ષકે ટકુયાને કહ્યું: ‘મારું અહીં આવવું યોગાનુયોગ નથી. હું અહીં મંડળના વડીલોની ઇચ્છાથી આવ્યો છું. તેઓ ચાહે છે કે આ મુલાકાતથી તમને ઉત્તેજન મળે.’ ટકુયા કહે છે: ‘પાપ તો હું કરતો હતો, છતાં વડીલો દ્વારા યહોવાએ સામે ચાલીને મદદનો હાથ લંબાવ્યો.’ સમય જતાં, ટકુયાએ પોતાની ખરાબ આદત છોડી, નિયમિત પાયોનિયર બન્યા અને હાલમાં શાખા કચેરીમાં કામ કરી રહ્યા છે. તમારાથી ભૂલ થઈ જાય ત્યારે, આ ભાઈને મદદ કરી તેમ યહોવા તમને પણ મદદ કરશે.

નોકરીને લઈને ચિંતા સતાવે ત્યારે

નોકરી ગુમાવવાને લીધે અને બીજી નોકરી ન મળવાને લીધે અમુક લોકો ચિંતામાં આવી જાય છે. એક પછી બીજી કંપનીમાં નોકરી માટે પ્રયત્ન કરીએ અને એ ન મળે ત્યારે, સંજોગોનો સામનો કરવો કેટલું અઘરું બની જાય છે! જેઓની સાથે આવું બને છે, તેઓ પોતાને નકામા ગણે છે. આવા કિસ્સામાં યહોવા કઈ રીતે તમારી મદદ કરી શકે? એવું નથી કે તે રાતોરાત તમને સારી નોકરી અપાવી દેશે, પણ દાઊદના આ શબ્દો યાદ રાખવા મદદ કરશે: “હું જુવાન હતો, અને હવે ઘરડો થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં જોયાં નથી.” (ગીત. ૩૭:૨૫) યહોવા તમને ખૂબ જ કીમતી ગણે છે. પોતાનો ‘ન્યાયનો જમણો હાથ’ તે તમારા તરફ લંબાવે છે, જેથી તેમની સેવામાં લાગુ રહેવા તમને જેની જરૂર છે એ મળી રહે.

નોકરી ગુમાવ્યા પછી એક ભાઈ નોકરીની જગ્યાએથી પાછા ફરે છે

નોકરી છૂટી જાય ત્યારે, યહોવા કઈ રીતે તમારી મદદ કરી શકે?

કોલંબિયામાં રહેતા બહેન સારાએ યહોવાની મદદનો અનુભવ કર્યો. તે ખૂબ જ પ્રખ્યાત અને મોટી કંપનીમાં પૂરા સમયની નોકરી કરતા હતાં. તે ઘણા પૈસા કમાતા હતાં. પણ, તે યહોવાની સેવામાં વધુ કરવા ચાહતા હતાં. તેથી, તેમણે પોતાની નોકરી છોડી દીધી અને પાયોનિયરીંગ શરૂ કર્યું. જોકે, પોતાની જરૂરિયાતો પૂરી કરવા તેમને પાર્ટ-ટાઇમ નોકરીની જરૂર હતી અને એવી નોકરી મળવી ખૂબ મુશ્કેલ હતી. તેથી, તેમણે આઇસક્રીમની નાની દુકાન ખોલી. પણ, સમય જતાં એને ચલાવવા પૈસા ખૂટી ગયા અને એ દુકાન બંધ કરવી પડી. બહેન જણાવે છે: ‘ત્રણ વર્ષ વીતી ગયાં, પણ યહોવાનો આભાર કે તેમની મદદથી હું શ્રદ્ધામાં અડગ રહી શકી.’ એ અનુભવ પરથી તે પારખી શક્યાં કે તેમને ખરેખર શાની જરૂર હતી. તેમ જ, બીજા દિવસની ચિંતા કઈ રીતે ટાળી શકાય એ પણ શીખ્યાં. (માથ. ૬:૩૩, ૩૪) થોડા સમય પછી, તે પહેલાં નોકરી કરતા હતાં, ત્યાંના માલિકે ફરીથી એ નોકરી માટે તેમની આગળ પ્રસ્તાવ મૂક્યો. બહેને તેમને જણાવ્યું કે, તે ફક્ત પાર્ટ-ટાઇમ કામ કરશે અને જો સભા અને પ્રચાર માટે રજા આપવામાં આવશે, તો જ તે એ પ્રસ્તાવ સ્વીકારશે. બહેન આજે પહેલાં જેટલું કમાતા નથી, પણ તે પાયોનિયરીંગ ચાલુ રાખી શક્યાં છે. તે કહે છે કે, એ મુશ્કેલ સમયમાં તેમણે યહોવાની મદદનો પ્રેમાળ હાથ મહેસૂસ કર્યો.

વધતી ઉંમરને લીધે ચિંતા થાય ત્યારે

બીજી એક મોટી ચિંતા છે, વૃદ્ધાવસ્થા. ઘણા લોકોની ઉંમર નિવૃત્તિને આરે પહોંચી છે. તેઓને ચિંતા થાય છે કે, ઢળતી ઉંમરે આરામદાયક જીવન ગુજારવા તેઓ પાસે પૂરતા પૈસા હશે કે કેમ. ઉંમરને લીધે આવતી તકલીફોને લઈને તેઓ ચિંતા કરતા હોય છે. કદાચ રાજા દાઊદે યહોવાને આ વિનંતી કરી હતી: “વૃદ્ધાવસ્થાને સમયે મને તજી ન દે; મારી શક્તિ ખૂટે ત્યારે મારો ત્યાગ ન કર.”—ગીત. ૭૧:૯, ૧૮.

યહોવાના સેવકોએ વૃદ્ધાવસ્થામાં પોતાને સલામત મહેસૂસ કરવા શું કરવાની જરૂર છે? તેઓએ ઈશ્વર પરની શ્રદ્ધામાં વધતા રહેવાની જરૂર છે. તેમ જ, એવો ભરોસો રાખવાની જરૂર છે કે ઈશ્વર તેઓની બધી જરૂરિયાતો પૂરી પાડશે. જોકે, અમુક લોકો પાસે જ્યારે ખૂબ પૈસા હતા, ત્યારે તેઓ વૈભવી જીવન જીવતા હતા. તેથી, તેઓને કદાચ સાદું જીવન જીવવાનું અને પોતાની પાસે જે હોય એમાં સંતોષી રહેવાનું શીખવું પડશે. તેઓને કદાચ અહેસાસ થાય કે, પોતાની તબિયત સાચવવા ‘પુષ્ટ બળદના ભોજન કરતાં ભાજીનું ભોજન’ વધુ સારું છે. (નીતિ. ૧૫:૧૭) જો તમે યહોવાની સેવામાં પોતાનું મન લગાવશો, તો તે ખાતરી કરશે કે ઘડપણમાં તમને જેની જરૂર છે એ બધું તમને મળી રહે.

ટોની અને વેન્ડી સાથે જોસ અને રોઝ

ટોની અને વેન્ડી સાથે જોસ અને રોઝ

હવે જોસ અને રોઝનો વિચાર કરો. તેઓએ ૬૫થી વધુ વર્ષો પૂરા સમયની સેવા કરી છે. એ સમય દરમિયાન તેઓએ ઘણા પડકારોનો સામનો કર્યો છે. ભેગા મળીને તેઓ રોઝના પિતાની કાળજી રાખતા, જેમને દિવસ-રાત કોઈકની મદદની જરૂર પડતી. ઉપરાંત, જોસે કૅન્સરનું ઑપરેશન અને કીમોથેરાપીની વેદના સહેવી પડી. એ વફાદાર યુગલને મદદ કરવા યહોવાએ કઈ રીતે પોતાનો જમણો હાથ લંબાવ્યો? યહોવાએ તેઓને ટોની અને વેન્ડી નામના યુગલ દ્વારા મદદ આપી. એ યુગલ પાસે એક ઍપાર્ટમેન્ટ હતું. એ ઍપાર્ટમેન્ટ તેઓ પૂરા સમયના સેવકોને કોઈ ભાડું લીધા વગર આપવા ચાહતા હતા. ટોનીને યાદ હતું કે જ્યારે તે સ્કૂલમાં ભણતા હતા, ત્યારે તેમણે બારીમાંથી જોસ અને રોઝને નિયમિત રીતે પ્રચાર કરતા જોયા હતા. ટોનીને એ પાયોનિયર યુગલનો ઉત્સાહ ગમતો અને ટોની પર એની ઊંડી અસર થઈ હતી. જોસ અને રોઝે પોતાનું આખું જીવન યહોવાની સેવામાં આપી દીધું હતું, એટલે ટોની અને વેન્ડીએ તેઓને ઍપાર્ટમેન્ટ આપવાનો નિર્ણય કર્યો. પાછલાં ૧૫ વર્ષોથી આ યુગલ જોસ અને રોઝને મદદ કરી રહ્યું છે, જેઓ હવે લગભગ ૮૫ વર્ષનાં છે. જોસ અને રોઝને લાગે છે કે, ટોની અને વેન્ડી તો તેઓ માટે યહોવા તરફથી એક ભેટ છે.

યહોવા તમને વચન આપે છે: “તું બીશ મા, હું તને સહાય કરીશ.” તમને મદદ કરવા તે પોતાના ‘ન્યાયનો જમણો હાથ’ તમારી તરફ લંબાવે છે. શું તમે તમારો હાથ લંબાવીને યહોવાનો હાથ પકડશો?

a અમુક નામ બદલ્યાં છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો