વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 સપ્ટેમ્બર પાન ૧૪-૧૬
  • ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • પાઊલ અને રોમન કાયદો
  • સમ્રાટની અદાલતમાં પાઊલનો મુકદ્દમો
  • ખુશખબરનો બચાવ કરવાની આપણી જવાબદારી
  • “મારા બચાવમાં હું જે કહું એ સાંભળો”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • “હું કૈસરની પાસે દાદ માગું છું”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • તેમણે “પૂરેપૂરી સાક્ષી” આપી
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
  • “હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”
    ઈશ્વરના રાજ્ય વિશે “પૂરેપૂરી સાક્ષી” આપીએ
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 સપ્ટેમ્બર પાન ૧૪-૧૬
પ્રેરિત પાઊલ રોમન અધિકારી સામે પોતાનો બચાવ કરે છે

ઉચ્ચ અધિકારીઓની સામે ખુશખબરનું રક્ષણ કરવું

“આ માણસ મારું પસંદ કરેલું પાત્ર છે. તે બીજી પ્રજાઓ, રાજાઓ . . . આગળ મારું નામ પ્રગટ કરશે.” (પ્રે.કા. ૯:૧૫) ઈસુએ એ શબ્દો યહુદીમાંથી હમણાં જ ખ્રિસ્તી બનેલા માણસ માટે કહ્યા હતા. એ માણસ પ્રેરિત પાઊલ હતા.

એ “રાજાઓ”માંના એક રોમન સમ્રાટ નીરો હતા. જો તમારે આવા અધિકારી સામે પોતાની શ્રદ્ધાનું રક્ષણ કરવાનું હોય, તો તમને કેવું લાગશે? ઈશ્વરભક્તોને ઉત્તેજન આપવામાં આવે છે કે, તેઓ પાઊલનું અનુકરણ કરે. (૧ કોરીં. ૧૧:૧) એમ કરવાની એક રીત છે, આપણે પાઊલની જેમ કાયદા સામે ખુશખબરનું રક્ષણ કરીએ.

ઇઝરાયેલ દેશ માટે મુસાનો નિયમકરાર કાયદો કહેવાતો અને આખા દેશમાં રહેતા ધાર્મિક યહુદીઓ માટે એ નૈતિકતાના ધોરણોનો આધાર હતો. પેન્તેકોસ્ત ૩૩ની સાલ પછી ઈશ્વરભક્તો મુસાનો નિયમકરાર પાળવા બંધાયેલા ન હતા. (પ્રે.કા. ૧૫:૨૮, ૨૯; ગલા. ૪:૯-૧૧) તેમ છતાં, પાઊલ અને બીજા ખ્રિસ્તીઓએ કાયદાનું અપમાન ન કર્યું; તેઓએ ઘણા યહુદીઓને ખુશખબર જણાવી હતી અને એમ કરવામાં તેઓનો કોઈ વિરોધ થયો ન હતો. (૧ કોરીં. ૯:૨૦) હકીકતમાં, ઘણી વખત પાઊલ યહુદી સભાસ્થાનોમાં ગયા અને ત્યાં તે એવા લોકોને સાક્ષી આપી શક્યા જેઓ ઈબ્રાહીમના ઈશ્વર વિશે જાણતા હતા. તેમ જ, પાઊલ તેઓ સાથે હિબ્રૂ શાસ્ત્રવચનોને આધારે ચર્ચા કરી શક્યા.—પ્રે.કા. ૯:૧૯, ૨૦; ૧૩:૫, ૧૪-૧૬; ૧૪:૧; ૧૭:૧, ૨.

પ્રેરિતોએ યરૂશાલેમને મુખ્ય મથક તરીકે પસંદ કર્યું, જેથી ત્યાંથી પ્રચારકામની દેખરેખ રાખી શકાય. તેઓ નિયમિત રીતે મંદિરમાં શીખવતા. (પ્રે.કા. ૧:૪; ૨:૪૬; ૫:૨૦) પાઊલ ઘણી વખત યરૂશાલેમ ગયા. સમય જતાં તેમને ત્યાં જ નજરકેદ કરવામાં આવ્યા. ત્યાંથી જ તેમના પર કાનૂની કાર્યવાહી શરૂ થઈ, જેના લીધે તેમને રોમ મોકલવામાં આવ્યા.

પાઊલ અને રોમન કાયદો

પાઊલ જે માન્યતાઓનો પ્રચાર કરતા હતા, એને રોમન સરકારે કઈ નજરે જોઈ? એના જવાબ માટે એ જાણવું જરૂરી છે કે, રોમન લોકો ધર્મને કઈ નજરે જોતા હતા. જ્યાં સુધી તેમના રાજ્યને કે નૈતિક ધોરણોને કોઈ ખતરો ન હોય, ત્યાં સુધી તેઓ ત્યાંના કોઈ પણ ધાર્મિક સમૂહના લોકોને પોતાનો ધર્મ છોડવા દબાણ કરતા ન હતા.

રોમન સરકારે પોતાના સામ્રાજ્યમાં યહુદીઓને ઘણા હક આપ્યા હતા. બેકગ્રાઉન્ડ્‌સ ઑફ અર્લિ ક્રિશ્ચિયાનિટી નામનું પુસ્તક જણાવે છે: ‘યહુદીઓને રોમન સામ્રાજ્યમાં સારા હોદ્દાઓ મળતા હતા. તેઓને પોતાનો ધર્મ પાળવાની પૂરી આઝાદી હતી અને તેઓને રોમન દેવી-દેવતાઓની ઉપાસના કરવાની ફરજ પણ પાડવામાં આવતી ન હતી. તેઓ પોતાના સમાજના નિયમો પ્રમાણે છૂટથી જીવી શકતા હતા.’ તેઓ માટે લશ્કરમાં જોડાવવું ફરજિયાત ન હતું.a ખ્રિસ્તી ધર્મના રક્ષણ માટે પાઊલને અધિકારીઓ સામે ઊભા રહેવાનું થયું ત્યારે, તેમણે એ રોમન કાયદાનો ઉપયોગ કર્યો, જે યહુદી ધર્મને રક્ષણ આપતો હતો.

પાઊલના વિરોધીઓએ અલગ અલગ રીતો વાપરીને પ્રેરિતો વિરુદ્ધ થવા શહેરના લોકોને અને અધિકારીઓને ભડકાવ્યા. (પ્રે.કા. ૧૩:૫૦; ૧૪:૨, ૧૯; ૧૮:૧૨, ૧૩) એક બનાવનો વિચાર કરો. યરૂશાલેમના વડીલોના સાંભળવામાં આવ્યું કે, યહુદીઓમાં એવી અફવા ફેલાઈ છે કે, પાઊલ “મુસાના નિયમો ત્યજી દેવાનું શીખવે છે.” આવી અફવાઓથી યહુદીમાંથી ખ્રિસ્તી બનેલા નવા લોકોને લાગી શકતું કે પાઊલ ઈશ્વરની ગોઠવણને માન આપતા નથી. વધુમાં, યહુદી ન્યાયસભા ખ્રિસ્તીઓને ધર્મવિરોધી જાહેર કરી શકતી હતી. જો એવું બનતું, તો ખ્રિસ્તીઓ જોડે સંગત રાખતા યહુદીઓને સજા થઈ શકતી હતી. તેઓને સમાજમાંથી કાઢી નાંખવામાં આવી શકતા હતા. તેમ જ, મંદિર કે યહુદી સભાસ્થાનમાં પ્રચારકામ કરતા રોકી શકતા હતા. એટલે મંડળના વડીલોએ પાઊલને એ અફવાઓ જૂઠી સાબિત કરવા કહ્યું. એ માટે તેમણે મંદિરમાં જવાનું હતું અને એવું કંઈક કરવાનું હતું, જે ઈશ્વરની માંગ ન હતી અને નિયમ વિરુદ્ધ પણ ન હતું.—પ્રે.કા. ૨૧:૧૮-૨૭.

પાઊલે એમ જ કર્યું. એનાથી તેમને ‘ખુશખબરનું રક્ષણ કરવાની અને એનો પ્રચાર કરવા કાયદેસર હક મેળવવાની’ તક મળી. (ફિલિ. ૧:૭) મંદિરમાં યહુદીઓએ બળવો કર્યો અને પાઊલને મારી નાખવાની કોશિશ કરી. એટલે, રોમન લશ્કરી અધિકારી પાઊલને પકડીને લઈ ગયા. તેઓ પાઊલને કોરડા મારવાની તૈયારીમાં હતા ત્યારે, પાઊલે ખુલાસો કર્યો કે પોતે રોમન નાગરિક છે. એટલે તેઓ પાઊલને કાઈસારીઆ લઈ ગયા, જ્યાંથી રોમન સરકાર યહુદા પર રાજ કરતી હતી. ત્યાં તેમને એક જોરદાર તક મળવાની હતી કે, તે હિંમતથી અધિકારીઓને સાક્ષી આપી શકે. એમ કરવાથી જેઓ ખ્રિસ્તી ધર્મ વિશે વધુ જાણતા ન હતા, તેઓ પણ એ વિશે જાણી શક્યા.

પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૨૪ પ્રમાણે રોમન ગવર્નર ફેલિક્સ પાસે પાઊલનો મુકદ્દમો આવ્યો. તે ખ્રિસ્તી ધર્મની માન્યતાઓ વિશે થોડું ઘણું જાણતા હતા. યહુદીઓએ પાઊલ પર રોમન કાયદા તોડવાના ત્રણેક આરોપ મૂક્યા. તેઓએ કહ્યું કે, પાઊલ યહુદીઓને રોમન સામ્રાજ્ય વિરુદ્ધ બંડ પોકારવા ઉશ્કેરે છે; એક ખતરનાક પંથ ચલાવે છે અને મંદિરને અપવિત્ર કરવાનો પ્રયત્ન કરે છે. એ સમયે, મંદિર રોમન સરકારના કબજા હેઠળ હતું. (પ્રે.કા. ૨૪:૫, ૬) એ આરોપો તેમને મોતની સજા અપાવી શકતા હતા.

પાઊલે પોતાનો મુકદ્દમો જે રીતે જાહેર કર્યો, એમાંથી આજના ઈશ્વરભક્તોને પણ મદદ મળી શકે છે. અધિકારીઓ સામે પાઊલ શાંત રહ્યા અને આદરપૂર્વક વર્ત્યા. તેમણે કાયદા અને પ્રબોધકોના શબ્દો ટાંક્યા અને કહ્યું કે તેમની પાસે પોતાના “પૂર્વજોના ઈશ્વર”ની ભક્તિ કરવાનો અધિકાર છે. રોમન કાયદા પ્રમાણે એ અધિકાર બીજા યહુદીઓ પાસે પણ હતો. (પ્રે.કા. ૨૪:૧૪) સમય જતાં, પાઊલ પોતાની શ્રદ્ધાના બચાવમાં બોલી શક્યા તેમજ ગવર્નર ફેસ્તુસ અને રાજા હેરોદ અગ્રીપા સામે પોતાની શ્રદ્ધા જાહેર કરી શક્યા.

આખરે, સાચો ન્યાય મેળવવા પાઊલે કહ્યું: “હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!” સમ્રાટ એ સમયના સૌથી શક્તિશાળી શાસક હતા.—પ્રે.કા. ૨૫:૧૧.

સમ્રાટની અદાલતમાં પાઊલનો મુકદ્દમો

એક સ્વર્ગદૂતે પાઊલને કહ્યું હતું: “તારે સમ્રાટ આગળ ઊભા રહેવાનું છે.” (પ્રે.કા. ૨૭:૨૪) રોમન સમ્રાટ નીરોએ પોતાના શાસનકાળની શરૂઆતમાં કહ્યું હતું કે, તે એકલા હાથે બધા મુકદ્દમાનો ન્યાય નહિ કરે. શરૂઆતના આઠ વર્ષમાં તેમણે મોટા ભાગે બીજાઓને અમુક જવાબદારીઓ સોંપી હતી. ધ લાઇફ એન્ડ એપિસ્ટેલ્સ ઑફ સેન્ટ પૉલ નામનું પુસ્તક જણાવે છે કે, નીરોએ પાઊલનો મુકદ્દમો પોતાના મહેલમાં જ સાંભળ્યો હતો, જ્યાં તેમને બીજા અનુભવી સલાહકારોની મદદ મળી હતી.

બાઇબલ જણાવતું નથી કે નીરોએ પોતે પાઊલની વાત સાંભળીને ન્યાય આપ્યો કે પછી બીજા કોઈએ પાઊલનું સાંભળ્યું અને પછી નીરોને એની જાણ કરી. એક વાત તો ચોક્કસ છે કે, પાઊલે જણાવ્યું હશે કે તે યહુદીઓના ઈશ્વરની ભક્તિ કરે છે અને બધા લોકોને સરકારને માન આપવા અરજ કરે છે. (રોમ. ૧૩:૧-૭; તિત. ૩:૧, ૨) એમ લાગે છે કે ઉચ્ચ અધિકારીઓ સામે ખુશખબરનો બચાવ કરવામાં પાઊલને સફળતા મળી હતી. સમ્રાટની અદાલતે પાઊલને આઝાદ કરી દીધા.—ફિલિ. ૨:૨૪; ફિલે. ૨૨.

ખુશખબરનો બચાવ કરવાની આપણી જવાબદારી

ઈસુએ શિષ્યોને કહ્યું હતું: “મારા નામને લીધે તમને રાજ્યપાલો અને રાજાઓની સામે લઈ જવાશે, જેથી તેઓને અને બીજી પ્રજાના લોકોને સાક્ષી મળે.” (માથ. ૧૦:૧૮) આ રીતે ઈસુના શિષ્ય તરીકે ઓળખાવવાનો આપણી પાસે લહાવો છે. ખુશખબરનો બચાવ કરવાના આપણા પ્રયત્નોથી કાયદેસર જીત મળી શકે છે. ભલે અપૂર્ણ માણસો કોઈ પણ નિર્ણય લે, પણ પ્રચાર કરવાનો હક યહોવાએ આપણને આપ્યો છે. ફક્ત ઈશ્વરનું રાજ્ય જુલમ અને અન્યાયથી કાયમી છુટકારો આપશે.—સભા. ૮:૯; યિર્મે. ૧૦:૨૩.

ઈશ્વરભક્તો જ્યારે પોતાની શ્રદ્ધાનો બચાવ કરે છે, ત્યારે યહોવાના નામને મહિમા મળે છે. એમ કરતી વખતે આપણે પણ પાઊલની જેમ શાંત રહેવું જોઈએ અને આદરપૂર્વક તેમજ દૃઢતાથી પોતાના વિચારો જણાવવા જોઈએ. ઈસુએ તેમના અનુયાયીઓને કહ્યું હતું કે, ‘કઈ રીતે પોતાનો બચાવ કરવો, એ વિશે પહેલેથી તૈયારી કરશો નહિ, કારણ કે હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા બધા વિરોધીઓ ભેગા મળીને પણ એનો સામનો કે વિરોધ કરી શકશે નહિ.’—લુક ૨૧:૧૪, ૧૫; ૨ તિમો. ૩:૧૨; ૧ પીત. ૩:૧૫.

જ્યારે રાજાઓ, ગવર્નરો કે બીજા અધિકારીઓ સામે ખ્રિસ્તીઓ પોતાની શ્રદ્ધાનો બચાવ કરે છે, ત્યારે તેઓ એવા લોકોને સાક્ષી આપી શકે છે જેઓ સુધી ખુશખબર પહોંચાડવી મુશ્કેલ છે. કોર્ટે આપણી તરફેણમાં જે ચુકાદાઓ આપ્યા છે એના લીધે અમુક કાયદામાં સુધારા-વધારા કરવામાં આવ્યા છે. એનાથી આપણી વાણી સ્વતંત્રતા અને ભક્તિ કરવાના હકને રક્ષણ મળ્યું છે. કૉર્ટ ભલે કોઈ પણ ચુકાદો આપે, પણ યહોવાના ભક્તો પોતાની શ્રદ્ધા જાહેર કરવા જે હિંમત બતાવે છે એનાથી યહોવાના દિલને ખુશી મળે છે.

કૉર્ટમાં યહોવાના સાક્ષીની તરફેણમાં ન્યાયચુકાદો આવ્યો છે

આપણે જ્યારે પોતાની શ્રદ્ધાનો બચાવ કરીએ છીએ, ત્યારે યહોવાના નામને મહિમા મળે છે

a લેખક જેમ્સ પાર્કસના અવલોકન પ્રમાણે, ‘યહુદીઓ પાસે એ અધિકાર હતો કે તેઓ પોતાના રિવાજો પાળી શકતા હતા. એ લહાવાઓ આપવા સામાન્ય હતું. કારણ કે રોમન સરકાર સામાન્ય રીતે પોતાના સામ્રાજ્યમાં વસતા સ્થાનિક લોકોને આવી છૂટછાટ આપતી હતી.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો