વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ડિસેમ્બર પાન ૨૯-૩૧
  • નમ્ર મિજાજ—ડહાપણભર્યો માર્ગ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નમ્ર મિજાજ—ડહાપણભર્યો માર્ગ
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • નમ્ર મિજાજ—ડહાપણની નિશાની
  • નમ્રતા—એનાથી કેવો ફાયદો થાય છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ગુસ્સાને કાબૂમાં રાખવા હું શું કરું?
    સજાગ બનો!—૨૦૧૦
  • ‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે?’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • કોમળતા તમારી કમજોરી નહિ, પણ તાકાત છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ડિસેમ્બર પાન ૨૯-૩૧
ઉંમરવાળા અને બીમાર વ્યક્તિઓની સંભાળ રાખનાર એક બહેન ગુસ્સે ભરાયેલી એક સ્ત્રી સાથે વાત કરે છે

નમ્ર મિજાજ ડહાપણભર્યો માર્ગ

એન્ટોનિયા નામનાં બહેન ઉંમરવાળા અને બીમાર વ્યક્તિઓની સંભાળ લેવાનું કામ કરે છે. તેમણે એક ઘરે દરવાજો ખટખટાવ્યો; આધેડ વયની એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો. એ સ્ત્રીને લાગ્યું કે બહેન કામ પર મોડા આવ્યા છે, એટલે તે ગુસ્સામાં બહેનને એલફેલ બોલી ગઈ અને તેમનું અપમાન કર્યું. હકીકતમાં તો બહેન સમયસર ત્યાં પહોંચ્યા હતા. છતાં, બહેને શાંતિથી વાત કરી અને એ ગેરસમજ માટે માફી માંગી.

એન્ટોનિયા ફરી એક વાર કામે પહોંચ્યાં ત્યારે, તે સ્ત્રીએ તેમને ફરી ખખડાવી નાંખ્યા. આ વખતે બહેને શું કર્યું? તે જણાવે છે: ‘એ પરિસ્થિતિ હાથ ધરવી અઘરી હતી. તે કારણ વગર મારા પર શબ્દોના બાણ ચલાવતી હતી. એ અસહ્ય હતું.’ તેમ છતાં, એન્ટોનિયાએ ફરીથી તેની માફી માંગી અને તેને જણાવ્યું કે તે જે દુઃખોમાંથી ગુજરી રહી છે, એને તે સમજે છે.

જો તમે એન્ટોનિયાની જગ્યાએ હોત, તો તમે કેવી રીતે વર્ત્યા હોત? શું તમે નમ્રભાવે સંજોગો હાથ ધર્યા હોત? કે પછી ગુસ્સાને કાબૂમાં રાખવો અઘરું બન્યું હોત? હકીકત છે કે, આવી પરિસ્થિતિમાં શાંત મને કામ કરવું સહેલું નથી. તણાવમાં હોઈએ કે ઉશ્કેરવામાં આવે ત્યારે, મિજાજ શાંત રાખવો એક પડકાર છે.

બાઇબલ ઈશ્વરભક્તોને નમ્ર અને શાંત સ્વભાવ કેળવવા ઉત્તેજન આપે છે. બાઇબલમાં એવા સ્વભાવને ડહાપણ સાથે સાંકળવામાં આવ્યું છે. શિષ્ય યાકૂબે કહ્યું: “તમારામાં બુદ્ધિશાળી અને સમજદાર કોણ છે? તે પોતાના સારા વર્તનથી બતાવી આપે કે પોતે જે કંઈ કરે છે એ નમ્રતાથી કરે છે, કેમ કે આવી નમ્રતા ડહાપણને લીધે આવે છે.” (યાકૂ. ૩:૧૩) કઈ રીતે નમ્રતા કે નરમ મિજાજ, યહોવા પાસેથી આવતા ડહાપણનો પુરાવો છે? યહોવા જેવો એ ગુણ કેળવવા આપણને ક્યાંથી મદદ મળી શકે?

નમ્ર મિજાજ—ડહાપણની નિશાની

નમ્ર મિજાજ તણાવભરી પરિસ્થિતિને શાંત પાડે છે. “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.”—નીતિ. ૧૫:૧.

ગુસ્સે થવાથી પરિસ્થિતિ વધારે વણસે છે. એ તો આગમાં ઘી હોમવાનું કામ કરે છે. (નીતિ. ૨૬:૨૧) એના બદલે, નમ્રભાવે જવાબ આપવાથી પરિસ્થિતિ શાંત પડે છે. અરે, નમ્ર ઉત્તર કોઈ વ્યક્તિનો ગરમ મિજાજ પણ ઠારી શકે છે.

એન્ટોનિયાનો અનુભવ એવો જ રહ્યો. એન્ટોનિયાનું નમ્ર વલણ જોઈને એ સ્ત્રીની આંખો ભરાઈ આવી. તેણે જણાવ્યું કે, પોતે વ્યક્તિગત અને કૌટુંબિક કોયડાઓથી ઘેરાયેલી છે. એન્ટોનિયાએ તેને બાઇબલમાંથી દિલાસો આપ્યો અને તેણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. એ બધું બહેનના શાંત અને નમ્ર સ્વભાવને લીધે શક્ય બન્યું.

નમ્ર સ્વભાવ આપણને ખુશ રાખી શકે છે. “જેઓ નમ્ર છે તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.”—માથ. ૫:૫.

નમ્ર લોકો કેમ ખુશ રહે છે? એવા ઘણા લોકો છે, જેઓ પહેલાં તામસી મિજાજના હતા, પણ નમ્ર સ્વભાવ કેળવવાથી હવે તેઓ ખુશ રહે છે. તેઓનું જીવન સુધર્યું છે અને તેઓ જાણે છે કે ઉજ્જવળ ભાવિ તેઓની રાહ જોઈ રહ્યું છે. (કોલો. ૩:૧૨) સ્પેનમાં સરકીટ નિરીક્ષક તરીકે સેવા આપતા ભાઈ એડોલ્ફોનો વિચાર કરો. સત્યમાં આવ્યા પહેલાં તે કેવા હતા એને યાદ કરતા તે કહે છે:

‘મારા જીવનની કોઈ મંજિલ ન હતી. હું ઘણી વાર પિત્તો ગુમાવી દેતો. મારા ઉદ્ધત અને હિંસક વલણને લીધે મારા ઘણા દોસ્તો મારાથી ખૂબ ડરતા. છેવટે મારા જીવનમાં એક વળાંક આવ્યો. એક ઝઘડામાં મને છ વાર ચપ્પું ભોંકવામાં આવ્યું. હું મરતાં મરતાં બચ્યો.’

હવે એડોલ્ફો પોતાનાં વાણી-વર્તન દ્વારા બીજાઓને નમ્ર સ્વભાવ કેળવવાનું શીખવે છે. તેમના પ્રેમાળ અને ખુશમિજાજ સ્વભાવને લીધે ઘણા તેમની તરફ ખેંચાઈ આવે છે. ભાઈ જણાવે છે કે, તે પોતાના જીવનમાં ફેરફાર કરી શક્યા એ માટે ખૂબ ખુશ છે. તે યહોવાના આભારી છે, જેમણે એવો નમ્ર સ્વભાવ કેળવવા મદદ કરી.

નમ્ર સ્વભાવ યહોવાને ખુશ કરે છે. “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ કે, મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.”—નીતિ. ૨૭:૧૧.

યહોવાનો કટ્ટર દુશ્મન, શેતાન તેમને વારંવાર મહેણાં મારે છે. ઇરાદાપૂર્વક કરેલા આવા અપમાનને લીધે ગુસ્સે થવાનું યહોવા પાસે વાજબી કારણ છે. તેમ છતાં, બાઇબલ જણાવે છે કે યહોવા “મંદરોષી” છે. (નિર્ગ. ૩૪:૬) જ્યારે આપણે યહોવા જેવો નમ્ર સ્વભાવ અને મંદરોષી વલણ કેળવીએ છીએ, ત્યારે આપણે ડહાપણ બતાવીએ છીએ. આમ, આપણે યહોવાના દિલને ખુશ કરીએ છીએ.—એફે. ૫:૧.

આખી દુનિયા આજે કજિયા-કંકાસ અને વેરભાવથી ભરેલી છે. આપણી આજુબાજુના લોકો “બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, . . . બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર” છે. (૨ તિમો. ૩:૨, ૩) તેમ છતાં, એના લીધે ઈશ્વરભક્તે નમ્ર સ્વભાવ કેળવવાનું છોડી ન દેવું જોઈએ. બાઇબલ આપણને યાદ અપાવે છે: “જે ડહાપણ સ્વર્ગમાંથી છે એ . . . શાંતિપ્રિય, વાજબી” છે. (યાકૂ. ૩:૧૭) શાંતિ અને વાજબી વલણ બતાવીને આપણે સાબિતી આપી શકીએ કે, આપણે ઈશ્વર પાસેથી આવતું ડહાપણ કેળવ્યું છે. કોઈ આપણને ઉશ્કેરે ત્યારે એવું ડહાપણ આપણને નમ્ર વલણ બતાવવા પ્રેરશે તેમજ યહોવાની વધુ નજીક જવા મદદ કરશે, જે અપાર ડહાપણનો ઝરો છે.

નમ્ર સ્વભાવ કઈ રીતે કેળવવો

કોઈ તમારી સાથે કઠોરતાથી વર્તે કે અન્યાય કરે ત્યારે, મન શાંત રાખવા અને યહોવા ચાહે છે એ રીતે વર્તવા ક્યાંથી મદદ મળી શકે? અહીં આપેલા અનમોલ સિદ્ધાંતો તમને મદદ કરી શકે છે.

  1. “દુનિયાનું વલણ” ટાળો.—૧ કોરીં. ૨:૧૨. અમુક લોકો નમ્ર વલણને કમજોરી માને છે. તેઓનું માનવું છે કે, મક્કમ રહેવા માટે વ્યક્તિએ કડક અને ક્રૂર બનવું પડે. એવા વિચારોમાં દુનિયાનું વલણ જોવા મળે છે, ઈશ્વર પાસેથી આવતું ડહાપણ નહિ. હકીકતમાં, બાઇબલ સાફ જણાવે છે કે નમ્ર સ્વભાવમાં ઘણી હિંમત રહેલી છે. એમાં જણાવ્યું છે: “લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે.”—નીતિ. ૨૫:૧૫.

    વિચારવા જેવું:

    નમ્ર સ્વભાવને શું હું તાકાત ગણું છું કે કમજોરી?

    અતિશય ગુસ્સો અને ઝઘડા જેવા “શરીરનાં કામો”થી દૂર રહેવા શું હું પ્રયત્નો કરું છું?—ગલા. ૫:૧૯, ૨૦.

  2. મનન કરવા સમય કાઢો. “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મોઢે ભૂંડી વાતો વહેતી મૂકે છે.” (નીતિ. ૧૫:૨૮) ગુસ્સામાં આપણે કદાચ ના બોલવાનું બોલી નાખીએ, જેના માટે પછીથી પસ્તાવો થાય. જોકે, બોલતા પહેલાં વિચાર કે મનન કરવાથી તમારી વાત યોગ્ય રીતે જણાવી શકશો, શાંતિથી જવાબ આપી શકશો અને પરિસ્થિતિને થાળે પાડવા મદદ કરી શકશો.

    વિચારવા જેવું:

    તામસી મિજાજ મને કઈ રીતે અસર કરશે?

    શાંતિ જાળવવા શું હું અન્યાયને નજરઅંદાજ કરી શકું?—નીતિ. ૧૯:૧૧.

  3. વારંવાર પ્રાર્થના કરો. પવિત્ર શક્તિ મેળવવા પ્રાર્થના કરો, જે વિશ્વનું સૌથી શક્તિશાળી બળ છે. (લુક ૧૧:૧૩) યાદ રાખો કે, નમ્રતા અને સંયમ પવિત્ર શક્તિથી પેદા થતા ગુણ છે. ભાઈ એડોલ્ફો જણાવે છે: ‘યહોવાને વારંવાર પ્રાર્થના કરવાથી મને ખૂબ જ મદદ મળી છે, ખાસ કરીને તણાવભર્યા સંજોગોમાં.’ એવી જ રીતે, જો આપણે “પ્રાર્થનામાં લાગુ” રહીને નિરંતર યહોવા પાસે પવિત્ર શક્તિ માંગીશું, તો તે ચોક્કસ આપણી અરજ સાંભળશે.—રોમ. ૧૨:૧૨.

    વિચારવા જેવું:

    યહોવા મારા વિચારો અને ઇરાદા તપાસતા રહે એ માટે, શું હું તેમને નિયમિત પ્રાર્થના કરું છું?

    શું હું તેમની પાસે પવિત્ર શક્તિ અને ડહાપણ માંગું છું, જેથી તે ખુશ થાય એ રીતે વર્તી શકું?—ગીત. ૧૩૯:૨૩, ૨૪; યાકૂ. ૧:૫.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો