વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w17 જુલાઈ પાન ૧૨-૧૬
  • “રડનારાઓની સાથે રડો”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “રડનારાઓની સાથે રડો”
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • યહોવા—“દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર”
  • ઈસુ આપણી લાગણીઓ સમજે છે
  • ‘પવિત્ર શાસ્ત્ર દિલાસો આપે છે’
  • મંડળ તરફથી દિલાસો
  • દિલાસો આપતા રહો
  • શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • દુખિયારાઓને દિલાસો આપો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
  • ‘શોક કરનારાઓને દિલાસો આપો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?
    ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે?
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૭
w17 જુલાઈ પાન ૧૨-૧૬
હૉસ્પિટલમાં ચિંતામાં ડૂબેલા લોકો

“રડનારાઓની સાથે રડો”

“એકબીજાને ઉત્તેજન આપતા રહો અને એકબીજાને મક્કમ કરતા રહો.”—૧ થેસ્સા. ૫:૧૧.

ગીતો: ૫૩, ૨૮

શું તમને યાદ છે?

  • યહોવા કઈ રીતે દિલાસો આપે છે?

  • શોકમાં ડૂબેલાઓને કઈ કલમોમાંથી દિલાસો મળી શકે?

  • શોક કરનારાઓને મંડળ કઈ રીતે દિલાસો આપી શકે?

૧, ૨. આપણે શા માટે શોકમાં ડૂબેલા લોકોનો વિચાર કરવો જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)

બહેન સૂસી જણાવે છે કે ‘અમારા દીકરાનું મૃત્યુ થયાને આશરે એક વર્ષ પછી પણ અમારું દુઃખ ઓછું થયું ન હતું.’ એક ભાઈનાં પત્ની અચાનક મરણ પામ્યાં. તેમણે કહ્યું: ‘એવા કોઈ શબ્દો નથી, જે મારી પીડાને વ્યક્ત કરી શકે.’ દુઃખની વાત છે કે, અસંખ્ય લોકો એવી પીડા અનુભવે છે. આપણે શા માટે એવા લોકોનો વિચાર કરવો જોઈએ? કારણ કે, મંડળનાં ઘણાં ભાઈ-બહેનોએ ક્યારેય ધાર્યું નહિ હોય કે, આર્માગેદન પહેલાં તેમણે સ્નેહીજનોને ગુમાવવા પડશે. તમે પોતે કે તમારા કોઈ મિત્રએ કદાચ કોઈ સ્નેહીજનને ગુમાવ્યા હશે. જરા વિચારો કે, એવા સમયે શોક કરનાર વ્યક્તિ કઈ રીતે દિલાસો મેળવી શકે?

૨ તમે કદાચ સાંભળ્યું હશે કે દુઃખનું ઓસડ દહાડા, એટલે કે સમય સૌથી સારી દવા છે. શું એ શબ્દો દરેકના કિસ્સામાં સાચા પડે છે? એક વિધવા બહેને જણાવ્યું કે, ‘સમય તો ઘા રૂઝવે છે, પણ મુખ્ય આધાર એના પર છે કે વ્યક્તિ એ સમયનો કેવો ઉપયોગ કરે છે.’ શરીરના ઘા રુઝાતા સમય લાગે છે અને કાળજી રાખવી પડે છે. એવી જ રીતે, દિલના ઘા રુઝાતા સમય લાગે છે અને પ્રેમાળ સંભાળની જરૂર પડે છે. પણ, જે વ્યક્તિનું દિલ દુઃખથી વીંધાઈ ગયું છે, એનું દર્દ હળવું કરવા આપણે શું કરી શકીએ?

યહોવા—“દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર”

૩, ૪. યહોવા આપણું દુઃખ સમજે છે, એવી ખાતરી શા માટે રાખી શકીએ?

૩ દિલાસો મેળવવાનો સૌથી મુખ્ય સ્રોત આપણા પ્રેમાળ પિતા યહોવા છે. (૨ કોરીંથીઓ ૧:૩, ૪ વાંચો.) કરુણા બતાવવામાં તે સૌથી ઉત્તમ ઉદાહરણ છે. તેમણે પોતાના લોકોને વચન આપ્યું છે: “જે તમને દિલાસો દે છે, તે હું, હું જ છું.”—યશા. ૫૧:૧૨; ગીત. ૧૧૯:૫૦, ૫૨, ૭૬.

૪ આપણા પ્રેમાળ પિતાએ પોતાનાં પ્રિયજનોને ગુમાવવાનું દુઃખ સહ્યું છે, જેમ કે ઈબ્રાહીમ, ઈસ્હાક, મુસા અને રાજા દાઊદ. (ગણ. ૧૨:૬-૮; માથ. ૨૨:૩૧, ૩૨; પ્રે.કા. ૧૩:૨૨) બાઇબલ બતાવે છે કે યહોવા એ દિવસની આતુરતાથી રાહ જુએ છે, જ્યારે તે પોતાના વફાદાર ભક્તોને સજીવન કરશે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) એ સમયે, વફાદાર ભક્તો ખુશ હશે અને સારી તંદુરસ્તીનો આનંદ માણશે. યહોવાએ પોતાના પ્રથમ દીકરા ઈસુનું મોત પણ સહ્યું છે, જેના પર તે ખૂબ ‘પ્રસન્‍ન હતા.’ (નીતિ. ૮:૨૨, ૩૦, કોમન લેંગ્વેજ) પોતાના દીકરાને રીબાઈ રીબાઈને મરતા જોવો, યહોવા માટે કેટલું અઘરું હશે! યહોવાનું દર્દ આપણી કલ્પના બહાર છે.—યોહા. ૫:૨૦; ૧૦:૧૭.

૫, ૬. યહોવા કઈ રીતે દિલાસો આપે છે?

૫ આપણે પાકી ખાતરી રાખી શકીએ કે યહોવા આપણને મદદ કરશે. તેથી, પ્રાર્થનામાં યહોવા આગળ આપણું દિલ ઠાલવીએ. તેમને આપણું દુઃખ જણાવવામાં જરાય અચકાઈએ નહિ. યહોવા આપણી લાગણીઓ સમજે છે અને જરૂરી દિલાસો આપે છે. એ જાણીને દિલને કેટલી ઠંડક મળે છે! પણ તે કઈ રીતે દિલાસો આપે છે?

૬ યહોવા ઘણી રીતોએ દિલાસો આપે છે. એમાંની એક રીત છે, તેમની પવિત્ર શક્તિ. (પ્રે.કા. ૯:૩૧) ઈસુએ વચન આપ્યું હતું કે જેઓ પિતા પાસે પવિત્ર શક્તિ માંગે છે, તેઓ દરેકને તે આપશે. (લુક ૧૧:૧૩) અગાઉ આપણે બહેન સૂસી વિશે જોઈ ગયા, તે કહે છે: ‘ઘણી વાર અમે ઘૂંટણે પડીને યહોવાને આજીજી કરતાં કે તે અમને દિલાસો આપે. દરેક વખતે ઈશ્વર અમને એવી શાંતિ આપે છે, જેનાથી અમારાં મન અને દિલનું રક્ષણ થાય છે.’—ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો.

ઈસુ આપણી લાગણીઓ સમજે છે

૭, ૮. ઈસુ આપણને દિલાસો આપશે એવી ખાતરી શા માટે રાખી શકીએ?

૭ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે, તેમનાં વાણી-વર્તનમાં તેમના પિતાના સુંદર ગુણો સાફ દેખાઈ આવતા હતા. (યોહા. ૫:૧૯) યહોવાએ ઈસુને પૃથ્વી પર “ભગ્‍ન હૃદયોવાળાને” એટલે કે, દુઃખી લોકોને તથા “શોક કરનારાઓને” દિલાસો આપવા મોકલ્યા હતા. (યશા. ૬૧:૧, ૨; લુક ૪:૧૭-૨૧) લોકોને ખબર હતી કે, ઈસુ તેઓની પીડા સમજે છે અને તેઓને મદદ કરવા માંગે છે.—હિબ્રૂ. ૨:૧૭.

૮ ઈસુ તરુણ હતા ત્યારે, તેમણે નજીકના મિત્રો કે કુટુંબીજનોને મોતમાં ગુમાવ્યાં હશે. દાખલા તરીકે, તેમના પાલક પિતા યુસફ મરણ પામ્યા ત્યારે કદાચ ઈસુ નાની ઉંમરના હતા.a નાની ઉંમરે જ એ દુઃખ સહેવાની સાથે સાથે તેમણે દુઃખી માતા અને ભાઈ-બહેનોની પણ સંભાળ રાખવાની હતી. જરા વિચારો, નાજુક ખભા પર કેટલી મોટી જવાબદારી!

૯. લાજરસ મરણ પામ્યા ત્યારે, ઈસુએ કઈ રીતે સહાનુભૂતિ બતાવી?

૯ ઈસુએ બતાવ્યું હતું કે લોકોનું દર્દ તે સમજે છે અને લોકો માટે તેમને સહાનુભૂતિ છે. દાખલા તરીકે, ઈસુના ખાસ મિત્ર લાજરસ મરણ પામ્યા ત્યારે, મરિયમ અને માર્થાની જેમ તેમનું પણ કાળજું કપાઈ ગયું. ઈસુ જાણતા હતા કે તે લાજરસને સજીવન કરવાના છે. છતાં, મરિયમ અને માર્થાનું દુઃખ જોઈને તેમનું દિલ ભરાઈ આવ્યું અને તે રડી પડ્યા.—યોહા. ૧૧:૩૩-૩૬.

૧૦. આપણે શા માટે ખાતરી રાખી શકીએ કે, ઈસુ આપણું દર્દ સમજે છે?

૧૦ પૃથ્વી પર હતા ત્યારે, ઈસુએ સહાનુભૂતિ બતાવી હતી. એ હકીકત આજે આપણને કઈ રીતે મદદ કરી શકે? બાઇબલ સાફ જણાવે છે કે ઈસુ ખ્રિસ્ત બદલાયા નથી, તે “ગઈ કાલે, આજે અને હંમેશાં એવા જ છે.” (હિબ્રૂ. ૧૩:૮) ઈસુને “જીવન આપવા પસંદ કરાયેલા મુખ્ય આગેવાન” કહેવામાં આવ્યા છે. કારણ કે, તેમના લીધે આપણા માટે હંમેશ માટેનું જીવન શક્ય બન્યું છે. ઈસુ લોકોની પીડા સારી રીતે સમજે છે અને “જેઓની કસોટી કરવામાં આવે છે, તેઓને તે મદદ કરી શકે છે.” (પ્રે.કા. ૩:૧૫; હિબ્રૂ. ૨:૧૦, ૧૮) એમાં કોઈ શંકા નથી કે આજે પણ લોકોનું દુઃખ જોઈને ઈસુ દુઃખી થાય છે. શોકમાં ડૂબેલા લોકોનું દર્દ તે સમજે છે. એટલે, તે “ખરા સમયે” દિલાસો આપી શકે છે.—હિબ્રૂઓ ૪:૧૫, ૧૬ વાંચો.

‘પવિત્ર શાસ્ત્ર દિલાસો આપે છે’

૧૧. કઈ કલમોમાંથી તમને ખાસ દિલાસો મળે છે?

૧૧ લાજરસના મૃત્યુથી ઈસુને ખૂબ દુઃખ થયું હતું. જોકે, એ અહેવાલથી આપણને દિલાસો મળે છે. બાઇબલમાં એવા અનેક અહેવાલો છે. એમાં કોઈ નવાઈ નથી, કે “જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું. પવિત્ર શાસ્ત્ર આપણને ધીરજ રાખવા મદદ કરે છે અને દિલાસો આપે છે, જેથી આપણને આશા મળે.” (રોમ. ૧૫:૪) જો તમે પણ શોકમાં હો, તો તમને પણ આ કલમોમાંથી દિલાસો મળી શકે છે:

  • ‘આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને ભાંગી પડેલાઓને તે તારે છે.’—ગીત. ૩૪:૧૮, ૧૯.

  • ‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા [યહોવાના] દિલાસાઓ મને ખુશ કરે છે.’—ગીત. ૯૪:૧૯.

  • “ઈશ્વર આપણા પિતા આપણને પ્રેમ કરે છે અને અપાર કૃપા દ્વારા હંમેશ માટેનો દિલાસો અને અદ્‍ભુત આશા આપે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તમારા હૃદયોને દિલાસો આપે અને તમને દૃઢ કરે.”—૨ થેસ્સા. ૨:૧૬, ૧૭.b

મંડળ તરફથી દિલાસો

૧૨. આપણે બીજાઓને કઈ રીતે દિલાસો આપી શકીએ?

૧૨ શોક કરનારાઓને મંડળમાંથી પણ દિલાસો મળી શકે છે. (૧ થેસ્સાલોનિકીઓ ૫:૧૧ વાંચો.) જેઓનું ‘મન ઘાયલ થયેલું’ છે, તેઓને તમે કઈ રીતે દિલાસો આપી શકો અને મજબૂત કરી શકો? (નીતિ. ૧૭:૨૨) યાદ રાખો, “ચૂપ રહેવાનો વખત અને બોલવાનો વખત” હોય છે. (સભા. ૩:૭) બહેન ડેલેન વિધવા છે. તે કહે છે: ‘શોકમાં ડૂબેલી વ્યક્તિ પોતાનાં લાગણીઓ અને વિચારો જણાવે, એ જરૂરી છે. સૌથી મહત્ત્વનું એ છે કે આપણે તેઓનું ધ્યાનથી સાંભળીએ, તેમને અટકાવીએ નહિ.’ બહેન યુનિયાના ભાઈએ આપઘાત કર્યો હતો, તે જણાવે છે: ‘ખરું કે શોક કરનારનું દુઃખ આપણે પૂરેપૂરું સમજી શકતા નથી, પણ મહત્ત્વનું છે કે આપણે તેઓની લાગણીઓ સમજવાની કોશિશ કરીએ છીએ.’

૧૩. આપણે શું યાદ રાખવાની જરૂર છે?

૧૩ એ યાદ રાખવાની જરૂર છે કે, આપણે બધા એકસરખી રીતે લાગણીઓ અને દુઃખ પ્રગટ કરતા નથી. અમુક વાર, ઊંડે છુપાયેલી લાગણીઓ લોકો આગળ ઠાલવવી વ્યક્તિ માટે મુશ્કેલ બની શકે. બાઇબલ જણાવે છે: “અંતઃકરણ પોતે પોતાની વેદના જાણે છે; અને પારકો તેના આનંદમાં હાથ ઘાલી શકતો નથી.” (નીતિ. ૧૪:૧૦) અરે, કેટલીક વાર વ્યક્તિ પોતાની લાગણી જણાવે, તોપણ તેની વાત સમજવી બીજાઓ માટે અઘરી હોય છે.

૧૪. શોક કરનારને દિલાસો આપવા આપણે શું કહી શકીએ?

૧૪ દુઃખમાં ડૂબેલી વ્યક્તિને શું કહીને સાંત્વના આપવી, એ કદાચ આપણને ન સૂઝે. છતાં, બાઇબલ જણાવે છે કે, “જ્ઞાનીના શબ્દો રુઝ લાવે છે.” (નીતિ. ૧૨:૧૮, કોમન લેંગ્વેજ) દુઃખી લોકોને દિલાસો આપવા અમુકને ગુજરી ગયેલાનું દુઃખ સહેવું કઈ રીતે? પુસ્તિકામાંથી મદદ મળી છે.c જોકે, દિલાસો આપવાની એક સૌથી અસરકારક રીત છે, “રડનારાઓની સાથે રડો.” (રોમ. ૧૨:૧૫) બહેન ગેબીના પતિ ગુજરી ગયા. તે જણાવે છે: ‘ઘણી વાર લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી છે, બસ આંખે આંસુ આવી જાય છે. પણ મિત્રો મારી સાથે રડે છે ત્યારે, મને દિલાસો મળે છે. મને મહેસૂસ થાય છે કે, આ દુઃખ સહેવામાં હું એકલી નથી.’

૧૫. રૂબરૂમાં દિલાસો આપવું અઘરું લાગતું હોય, તો શું કરી શકાય? (“દિલાસો આપતા પ્રેમાળ શબ્દો” બૉક્સ જુઓ.)

૧૫ જો રૂબરૂમાં દિલાસો આપવું અઘરું લાગતું હોય, તો તમે વ્યક્તિને કાર્ડ, ઇ-મેઇલ, મૅસેજ કે પત્ર મોકલી શકો. એમાં તમે દિલાસો આપતી કલમ લખી શકો, ગુજરી ગયેલી વ્યક્તિના ખાસ ગુણો જણાવી શકો અથવા એ વ્યક્તિ સાથેની મીઠી યાદો લખી શકો. યુનિયા કહે છે: ‘ભાઈ-બહેનોએ લખેલા ઉત્તેજનભર્યા નાના મૅસેજ કે સાથે સમય પસાર કરવાના તેઓના આમંત્રણથી મને ઘણી મદદ મળી. મને અહેસાસ થયો કે તેઓ મને પ્રેમ કરે છે અને મારી કાળજી રાખે છે.’

૧૬. દિલાસો આપવાની બીજી એક અસરકારક રીત કઈ છે?

૧૬ શોકમાં ડૂબેલાં ભાઈ-બહેનોને આપણી પ્રાર્થનાઓથી પણ મદદ મળી શકે છે. આપણે તેઓ માટે અને બની શકે તો તેઓ સાથે પ્રાર્થના કરી શકીએ. તમને કદાચ લાગે કે પ્રાર્થનામાં જ તમે રડી પડશો, પણ દિલથી કરેલી તમારી પ્રાર્થનાથી તેઓને ઘણો દિલાસો મળી શકે છે. ડેલેન યાદ કરતા કહે છે, ‘અમુક વાર, બહેનો મને દિલાસો આપવા આવે છે ત્યારે, હું તેઓને પ્રાર્થના કરવા વિનંતી કરું છું. પ્રાર્થનાની શરૂઆતમાં તેઓને ગળે ડૂમો ભરાય છે, સહેલાઈથી શબ્દો નીકળતા નથી. પણ અમુક શબ્દો પછી, તેઓ દૃઢ અવાજે દિલને સ્પર્શી જાય એવી પ્રાર્થના કરે છે. તેઓની અડગ શ્રદ્ધા, પ્રેમ અને ચિંતા જોઈને મારી શ્રદ્ધા દૃઢ થાય છે.’

દિલાસો આપતા રહો

૧૭-૧૯. આપણે કેમ દિલાસો આપતા રહેવું જોઈએ?

૧૭ વ્યક્તિને શોકમાંથી બહાર આવતા કેટલો સમય લાગશે, એનો અંદાજો લગાવી શકાતો નથી. કોઈને ઓછો સમય લાગે, તો કોઈને વધુ. પ્રિયજન ગુજરી જાય ત્યારે, સગાં-વહાલાં કે મિત્રો દિલાસો આપવા હાજર રહે છે. પણ થોડા સમય પછી, તેઓ પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત થઈ જાય છે. એવા સમયે પણ શોકમાં ડૂબેલી વ્યક્તિને દિલાસાની જરૂર પડે છે. તેથી, તેઓને દિલાસો આપવા તૈયાર રહો. “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.” (નીતિ. ૧૭:૧૭) શોક કરનારના ઘા રુઝાય નહિ ત્યાં સુધી તેઓને દિલાસો આપતા રહીએ, પછી ભલે ગમે એટલો સમય લાગે.—૧ થેસ્સાલોનિકીઓ ૩:૭ વાંચો.

૧૮ યાદ રાખો, શોકને લીધે વ્યક્તિ અચાનક ભાવુક થઈ જઈ શકે. બની શકે કે, એની પાછળનું કારણ કોઈ ખાસ તારીખ, સંગીત, ફોટો, પ્રવૃત્તિ, અરે કોઈ સુગંધ, અવાજ કે ૠતુ પણ હોય શકે. જીવનસાથી ગુમાવનાર વ્યક્તિ પહેલી વાર જ્યારે સ્મરણપ્રસંગ, સંમેલન કે બીજી કોઈ જગ્યાએ એકલી જાય છે, ત્યારે તેનું દુઃખ અનેક ગણું વધી જઈ શકે. મરણમાં પોતાની પત્નીને ગુમાવ્યા પછી, એક ભાઈએ કહ્યું: ‘તેના મરણ પછી જ્યારે અમારી લગ્‍નતિથિ આવી, ત્યારે મારા માટે એ દુઃખદાયક હતું, જરાય સહેલું ન હતું. પણ, કેટલાક ભાઈ-બહેનોએ મારા નજીકના મિત્રોને બોલાવ્યા હતા, જેથી હું એકલતા ન અનુભવું.’

૧૯ શોક કરનારાઓને કોઈ ખાસ પ્રસંગે જ નહિ, પણ હંમેશાં ઉત્તેજનની જરૂર હોય છે. યુનિયા કહે છે, ‘કોઈ ખાસ પ્રસંગ ન હોય ત્યારે પણ ભાઈ-બહેનો મદદ અને ટેકો આપે છે, એનાથી વધારે રાહત મળે છે. એ ઘડીઓ મારા માટે અનમોલ છે, એ મને ઘણો દિલાસો આપે છે.’ ખરું કે શોકમાં ડૂબેલાઓનું દુઃખ કે એકલતા આપણે દૂર કરી શકતા નથી, પણ કાર્યો દ્વારા બતાવી શકીએ કે તેઓ આપણને ખૂબ વહાલા છે. (૧ યોહા. ૩:૧૮) બહેન ગેબી કહે છે: ‘હું યહોવાનો દિલથી આભાર માનું છું કે તેમણે પ્રેમાળ વડીલો આપ્યા છે, જેઓએ આ દુઃખદ સંજોગોમાં ડગલે ને પગલે મને સહાય કરી છે. તેઓએ મને મહેસૂસ કરાવ્યું કે, હું યહોવાની પ્રેમાળ છાયા નીચે સુરક્ષિત છું.’

૨૦. યહોવાનાં વચનો શા માટે સૌથી મોટો દિલાસો આપે છે?

૨૦ દિલાસાના ઈશ્વર યહોવા ગુજરી ગયેલાઓને મરણમાંથી સજીવન કરશે. લોકોના શોકને આનંદમાં બદલી નાંખશે. એ કેટલું રાહત આપનારું છે! (યોહા. ૫:૨૮, ૨૯) તેમણે વચન આપ્યું છે કે, ‘તે સદાને માટે મરણ રદ કરશે; અને પ્રભુ યહોવા સર્વનાં મુખ પરથી આંસુ લૂછી નાખશે.’ (યશા. ૨૫:૮) એ સમયે, પૃથ્વી પર દરેક વ્યક્તિ ‘રડનારાઓની સાથે રડવાને’ બદલે ‘આનંદ કરનારાઓની સાથે આનંદ કરશે.’—રોમ. ૧૨:૧૫.

a બાઇબલ જણાવે છે કે ઈસુ બાર વર્ષના હતા ત્યારે, યુસફ જીવતા હતા. જોકે, ઈસુએ પાણીમાંથી દ્રાક્ષદારૂ બનાવીને પહેલો ચમત્કાર કર્યો ત્યારે કે એ પછીના કોઈ પણ પ્રસંગે યુસફનો ઉલ્લેખ થયો નથી. લાગે છે કે, એ બનાવો પહેલાં યુસફ મરણ પામ્યા હતા. વધુમાં, ઈસુ વધસ્તંભ પર હતા ત્યારે, તેમણે પ્રેરિત યોહાનને પોતાની માતાની કાળજી લેવાનું કહ્યું હતું. જો યુસફ જીવતા હોત, તો ઈસુએ કદાચ એવું ન કહ્યું હોત.—યોહા. ૧૯:૨૬, ૨૭.

b ઘણાં ભાઈ-બહેનોને આ કલમોમાંથી દિલાસો મળ્યો છે: ગીતશાસ્ત્ર ૨૦:૧, ૨; ૩૧:૭; ૩૮:૮, ૯, ૧૫; ૫૫:૨૨; ૧૨૧:૧, ૨; યશાયા ૫૭:૧૫; ૬૬:૧૩; ફિલિપીઓ ૪:૧૩; ૧ પીતર ૫:૭.

c ડિસેમ્બર ૧, ૨૦૧૦ ચોકીબુરજનો આ લેખ પણ જુઓ: “શોકમાં ડૂબેલાને ઈસુની જેમ દિલાસો આપીએ.”

એક વ્યક્તિ દિલાસો મળે એવી કલમ કાર્ડમાં લખી રહી છે

દિલાસો આપતા પ્રેમાળ શબ્દો

શોકમાં ડૂબેલા મિત્રોને દિલાસો આપવા અમુકે લખેલા શબ્દો:

  • ‘અમારી પાસે શબ્દો નથી પણ ફક્ત એટલું કહેવા માંગીએ છીએ કે અમે તમને પ્રેમ કરીએ છીએ. તમે કેવું અનુભવો છો એ અમે સમજી શકતા નથી, પણ યહોવા સમજે છે અને એમાંથી બહાર નીકળવા તે તમને મદદ કરશે. આશા રાખીએ કે અમારી પ્રાર્થના તમને મદદ કરે.’

  • ‘તમે મોટી ખોટ અનુભવો છો, અમારી પ્રાર્થના છે કે આ અઘરા સમયમાં યહોવા તમને ટકાવી રાખે.’

  • ‘એ કેટલું દિલાસો આપનારું છે કે, તમારું પ્રિયજન ઈશ્વરની યાદમાં છે અને તેમની દરેક વિગતો ઈશ્વરને યાદ છે. ઈશ્વર તેમને ફરી પાછા ઉઠાડશે.’

  • ‘બાગ જેવી પૃથ્વી પર તમારું સ્નેહીજન ફરી સજીવન થશે. ત્યાં સુધી, શ્રદ્ધાથી કરેલાં તેમનાં કાર્યોને આપણે યાદ કરતા રહીશું.’

  • ‘તમે જે ખોટ અનુભવો છો, એ શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. પરંતુ, આપણા સ્વર્ગના પિતા તમારા સ્નેહીજનને સજીવન કરશે ત્યારે જે ખુશી થશે, એને પણ આપણે શબ્દોમાં ઢાળી નહિ શકીએ. એ દિવસની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ.’

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો