માતા-પિતાઓ—તમારાં બાળકોને ‘ઉદ્ધાર માટે સમજુ બનવા’ મદદ કરો
“તું બાળપણથી પવિત્ર લખાણો જાણે છે; એ લખાણો ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવાથી મળતા ઉદ્ધાર માટે તને સમજુ બનાવી શકે છે.”—૨ તિમો. ૩:૧૫.
૧, ૨. કેટલાંક બાળકો સમર્પણ કરીને બાપ્તિસ્મા લે ત્યારે, તેઓનાં માતા-પિતાને કેમ ચિંતા થઈ શકે?
હજારો બાઇબલ વિદ્યાર્થીઓ પોતાનું જીવન યહોવાને સમર્પણ કરે છે અને બાપ્તિસ્મા લે છે. એમાં એવા યુવાનો પણ હોય છે, જેઓનાં માતા-પિતા યહોવાના ભક્ત છે. આ યુવાનોએ જીવનનો સૌથી સારો રસ્તો પસંદ કર્યો છે. (ગીત. ૧:૧-૩) કદાચ તમે એવાં માતા-પિતા હશો, જે રાહ જોતા હશે કે દીકરો કે દીકરી ક્યારે બાપ્તિસ્મા લે.—૩ યોહાન ૪ સરખાવો.
૨ કદાચ તમને બીજી પણ ચિંતા થતી હશે. અમુક યુવાનો બાપ્તિસ્મા તો લે છે, પણ પછીથી શંકા કરે છે કે ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવાથી સુખી થવાશે કે નહિ. કેટલાકે તો સત્ય પણ છોડી દીધું છે. એટલે, કદાચ તમને ચિંતા થતી હશે કે, તમારું બાળક યહોવાની ભક્તિ શરૂ કરે પછી સમય જતાં, સત્ય માટેનો પ્રેમ ગુમાવી દેશે. કદાચ તેઓ પહેલી સદીના એફેસસમાંના કેટલાક ખ્રિસ્તીઓ જેવા બની જાય. ઈસુએ તેઓને કહ્યું: “તારામાં પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી.” (પ્રકટી. ૨:૪) તમારા બાળકને સત્ય માટે પ્રેમ મજબૂત કરવા અને ‘વૃદ્ધિ પામીને ઉદ્ધાર મેળવવા’ તમે કઈ રીતે મદદ કરી શકો? (૧ પીત. ૨:૨) આપણે તિમોથીના દાખલામાંથી શીખી શકીએ.
‘તું પવિત્ર લખાણો જાણે છે’
૩. (ક) કઈ રીતે તિમોથીએ સત્ય સ્વીકાર્યું અને શીખેલી વાતો લાગુ પાડી? (ખ) પાઊલે તિમોથી વિશે કઈ ત્રણ બાબતો જણાવી?
૩ ઈસવીસન ૪૭માં પ્રેરિત પાઊલ પહેલી વાર લુસ્ત્રા ગયા ત્યારે, તિમોથી કદાચ તરુણ હતા. તિમોથીએ ઈસુનું શિક્ષણ લીધું અને એને લાગુ પાડ્યું. બે વર્ષ પછી, તેમણે પાઊલ સાથે મંડળની મુલાકાત લેવાનું શરૂ કર્યું. એના ૧૬ વર્ષો પછી, પાઊલે તિમોથીને લખ્યું: “તું જે શીખ્યો છે અને જેની સમજણ આપીને તને ખાતરી કરાવવામાં આવી છે, એ કરતો રહેજે. તને ખબર છે કે તું કોની પાસેથી એ શીખ્યો છે અને તું બાળપણથી પવિત્ર લખાણો [હિબ્રૂ શાસ્ત્રવચનો] જાણે છે; એ લખાણો ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવાથી મળતા ઉદ્ધાર માટે તને સમજુ બનાવી શકે છે.” (૨ તિમો. ૩:૧૪, ૧૫) પાઊલે તિમોથી વિશે શું જણાવ્યું? (૧) તિમોથી પવિત્ર લખાણો જાણે છે, (૨) તિમોથીને શીખેલી વાતો વિશે સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી છે અને (૩) તિમોથી ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખીને ઉદ્ધાર માટે સમજુ બન્યા છે.
૪. નાનાં બાળકોને શીખવવા તમે શેનો ઉપયોગ કર્યો છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૪ માબાપો, તમે ચાહતા હશો કે તમારું બાળક પવિત્ર લખાણો એટલે કે, હિબ્રૂ અને ગ્રીક શાસ્ત્રવચનોમાંથી શીખે. નાની ઉંમરના બાળકો પણ બાઇબલમાં જણાવેલા લોકો અને પ્રસંગો વિશે શીખી શકે. યહોવાના સંગઠને એવા ઘણાં પુસ્તકો, પુસ્તિકાઓ અને વીડિયો બનાવ્યાં છે, જેનાથી માતા-પિતાને એ માટે મદદ મળી શકે. એમાંથી તમારી ભાષામાં શું પ્રાપ્ય છે? બાળક માટે જરૂરી છે કે યહોવા સાથેનો સંબંધ મજબૂત કરવા, તે બાઇબલનું શિક્ષણ લે.
‘સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી’
૫. (ક) ‘સમજણ આપીને ખાતરી કરાવવી,’ એટલે શું? (ખ) તિમોથીને સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી હતી, એ આપણે શા પરથી કહી શકીએ?
૫ બાળકોને ફક્ત બાઇબલમાં ઉલ્લેખ કરેલા લોકો અને પ્રસંગો વિશે જણાવવું જ પૂરતું નથી. યાદ કરો, તિમોથીને પણ ‘સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી’ હતી. તિમોથી ‘બાળપણથી’ પવિત્ર શાસ્ત્ર જાણતા હતા, એટલે કે એકદમ નાની ઉંમરથી. પછી, તેમને પાકી ખાતરી થઈ કે ઈસુ જ મસીહ છે. તિમોથીની શ્રદ્ધા એટલી મજબૂત હતી કે તેમણે બાપ્તિસ્મા લીધું અને તે પાઊલ સાથે મિશનરી કામમાં જોડાયા.
૬. બાળકને બાઇબલમાંથી શીખેલી વાતો પર સમજણ મેળવીને ભરોસો કેળવવા તમે કઈ રીતે મદદ કરી શકો?
૬ તિમોથીની જેમ, તમારાં બાળકોને પણ ‘સમજણ આપીને ખાતરી કરાવવા’ તમે શું કરી શકો? પ્રથમ, ધીરજ રાખો. કોઈ બાબત પર ખાતરી કે ભરોસો રાતોરાત આવી જતો નથી. તમે સમજણ મેળવીને ખાતરી કરી છે એટલે બાળકને પણ વારસામાં આપોઆપ ખાતરી મળી જાય એવું હોતું નથી. દરેક બાળકે ‘પોતાની સમજ-શક્તિનો’ ઉપયોગ કરીને બાઇબલ સત્ય વિશે ભરોસો કેળવવાની જરૂર છે. (રોમનો ૧૨:૧ વાંચો.) માબાપો એ માટે મદદ આપી શકે, ખાસ કરીને બાળકો સવાલો પૂછે ત્યારે. ચાલો, અમુક દાખલા જોઈએ.
૭, ૮. (ક) એક પિતા પોતાની દીકરીને શીખવવા કઈ રીતે ધીરજ રાખે છે? (ખ) તમારા બાળક માટે તમારે ક્યારે ધીરજ રાખવી પડી હતી?
૭ દાખલા તરીકે, ભાઈ થોમસની દીકરી ૧૧ વર્ષની છે. ભાઈ જણાવે છે કે તેમની દીકરી અમુક વાર આવા સવાલો પૂછે છે: ‘શું યહોવાએ ઉત્ક્રાંતિથી પૃથ્વી પર જીવન વિકસાવ્યું હશે?’ અથવા ‘સમાજની હાલત સુધરે એ માટે ચૂંટણી જેવી બાબતોમાં આપણે કેમ ભાગ નથી લેતા?’ દીકરીએ શું માનવું જોઈએ એ વિશે ભાઈ સીધેસીધું જણાવતા ન હતા. કેમ કે, તે જાણતા હતા કે સત્ય વિશે કોઈને ખાતરી અપાવવા એક મોટી હકીકત જણાવી દેવી પૂરતું નથી, પણ નાના નાના પુરાવાઓ આપવા પડે છે.
૮ થોમસ એ પણ જાણે છે કે દીકરીને શીખવવા માટે તેમણે ધીરજ રાખવી જોઈએ. હકીકતમાં તો, બધા જ ઈશ્વરભક્તોએ ધીરજનો ગુણ કેળવવો જોઈએ. (કોલો. ૩:૧૨) થોમસને સમજાયું કે દીકરીને એ વિષય પર ખાતરી અપાવવા તેમણે સમય આપવો પડશે. અને તેની સાથે ઘણી બધી વાર વાત કરવી પડશે. દીકરી બાઇબલમાંથી જે શીખી રહી છે, એમાં તેનો ભરોસો મજબૂત કરવા તેમણે તર્ક કરીને સમજાવવું પડશે. થોમસ કહે છે: ‘હું અને મારી પત્ની ધ્યાન રાખીએ છીએ કે અમારી દીકરી મહત્ત્વના વિષયો શીખે છે ત્યારે, તે એમાં ખરેખર માને છે કે નહિ અને તેને એ સમજાયું છે કે નહિ. તે સવાલો પૂછે ત્યારે સારું લાગે છે. સાચું કહું તો, તે જ્યારે કોઈ વાત સવાલ પૂછ્યા વગર માની જાય, ત્યારે મને થોડી ચિંતા થાય છે.’
૯. તમારાં બાળકો બાઇબલ પર ભરોસો મૂકે એ માટે તમે કઈ રીતે મદદ કરી શકો?
૯ માબાપ ધીરજથી શીખવે છે ત્યારે, બાળકો શ્રદ્ધાની “પહોળાઈ અને લંબાઈ અને ઊંચાઈ અને ઊંડાઈ પૂરી રીતે સમજી” શકે છે. (એફે. ૩:૧૮) બાળકોની ઉંમર અને તેઓ કેટલું સમજી શકે છે, એ ધ્યાનમાં રાખીને આપણે તેઓને શીખવવું જોઈએ. જે શીખે છે એમાં તેઓની શ્રદ્ધા વધતી જશે તેમ, પોતાની માન્યતાઓ વિશે બીજાઓને અને સાથે ભણતા વિદ્યાર્થીઓને તેઓ સહેલાઈથી જણાવી શકશે. (૧ પીત. ૩:૧૫) દાખલા તરીકે, શું તમારું બાળક મરણ વિશે શીખેલી બાબતો બાઇબલમાંથી સમજાવી શકે છે? શું બાઇબલની સમજણ પર તેને પૂરેપૂરો ભરોસો છે?a યાદ રાખો કે, તમારું બાળક બાઇબલ પર ભરોસો મૂકે એ માટે તમારે ધીરજ રાખવી પડશે. તેની પાછળ કરેલી મહેનત એક દિવસે રંગ લાવશે.—પુન. ૬:૬, ૭.
૧૦. શીખવતી વખતે કઈ મહત્ત્વની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ?
૧૦ જોકે, તમારાં બાળકોની શ્રદ્ધા મજબૂત કરવા માટે તમારો દાખલો પણ ખૂબ મહત્ત્વનો છે. ત્રણ દીકરીઓની માતા, સ્ટેફની કહે છે: ‘મારી દીકરીઓ નાની હતી ત્યારથી જ હું વિચારતી કે, “મને પૂરી ખાતરી છે કે, યહોવા ખરેખર છે, તે મને ચાહે છે અને તેમના માર્ગો ખરા છે.” પણ, શું હું મારી દીકરીઓને સમજાવી શકું છું કે, મને કેમ એવી ખાતરી છે? શું મારી દીકરીઓ એ જોઈ શકે છે કે હું યહોવાને ખરો પ્રેમ કરું છું?” જો મને જ ખાતરી નહિ હોય, તો દીકરીઓ પાસે કઈ રીતે એની આશા રાખી શકું.’
‘ઉદ્ધાર માટે સમજુ’ બનવું
૧૧, ૧૨. ડહાપણ એટલે શું અને ઉંમરને આધારે વ્યક્તિને પરિપક્વ ગણવી કેમ ખોટું કહેવાશે?
૧૧ આપણે શીખી ગયા કે (૧) તિમોથી પવિત્ર લખાણો જાણતા હતા અને (૨) તિમોથીને શીખેલી વાતો વિશે સમજણ આપીને ખાતરી કરાવવામાં આવી હતી. પાઊલે કહ્યું હતું કે શાસ્ત્રવચનોથી તિમોથી ‘ઉદ્ધાર માટે સમજુ’ બની શકે છે. પાઊલના કહેવાનો શો અર્થ હતો?
૧૨ ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ ગ્રંથ ૨, સમજાવે છે કે, બાઇબલ પ્રમાણે ડહાપણ એટલે ‘જ્ઞાન અને સમજણ પ્રમાણે વર્તવાની આવડત. એનો ઉપયોગ મુશ્કેલીઓ દૂર કરવા, જોખમો ટાળવાં, અમુક ધ્યેયો હાંસલ કરવા અથવા બીજાઓને સલાહ આપવામાં થાય છે. એ મૂર્ખતાનું વિરુદ્ધાર્થી છે.’ બાઇબલ જણાવે છે કે “મૂર્ખાઇ બાળકના હૃદયની સાથે જોડાએલી છે.” (નીતિ. ૨૨:૧૫) મૂર્ખતાથી વિરુદ્ધ ડહાપણ છે. જો વ્યક્તિમાં ડહાપણ હશે, તો તે પરિપક્વ ગણાશે. ઉંમરને આધારે વ્યક્તિ પરિપક્વ ગણાતી નથી. પણ જો તે યહોવાનો ડર રાખશે અને તેમની આજ્ઞાઓ પાળશે, તો તે પરિપક્વ ગણાશે.—ગીતશાસ્ત્ર ૧૧૧:૧૦ વાંચો.
૧૩. યુવાન વ્યક્તિ કઈ રીતે બતાવી શકે કે ઉદ્ધાર મેળવવા માટેનું ડહાપણ તેનામાં છે?
૧૩ જો યુવાનો ભક્તિમાં પરિપક્વ હશે, તો શું ફાયદો થશે? તેઓ પોતાની ઇચ્છા કે બીજા યુવાનોના દબાણને વશ થઈને હોડીની જેમ ‘મોજાંથી આમતેમ ઊછળીને અહીંતહીં ડોલાં’ નહિ ખાય. (એફે. ૪:૧૪) એને બદલે, તેઓ ‘ખરું-ખોટું પારખવા પોતાની સમજશક્તિ વાપરીને એને કેળવે છે.’ (હિબ્રૂ. ૫:૧૪) આમ, તેઓ માબાપ કે મોટા લોકોની હાજરીમાં જ નહિ, પરંતુ તેઓ એકલા હશે ત્યારે પણ યોગ્ય નિર્ણયો લઈ શકશે. (ફિલિ. ૨:૧૨) ઉદ્ધાર મેળવવા એવું ડહાપણ હોવું ખૂબ જરૂરી છે. (નીતિવચનો ૨૪:૧૪ વાંચો.) એવું ડહાપણ મેળવવા તમે બાળકોને કઈ રીતે મદદ કરી શકો? એના માટે બાળકો તમારાં સંસ્કારો જાણે એ ખૂબ જરૂરી છે. તમારાં વાણી-વર્તનથી બાળકો જોઈ શકતા હોવા જોઈએ કે તમે બાઇબલ ધોરણોને આધારે જીવવાની કોશિશ કરો છો.—રોમ. ૨:૨૧-૨૩.
શા માટે માબાપ મહેનત કરે, એ ખૂબ જરૂરી છે? (ફકરા ૧૪-૧૮ જુઓ)
૧૪, ૧૫. (ક) બાપ્તિસ્મા લેતા પહેલાં એક યુવાને શેનો વિચાર કરવાનો છે? (ખ) ઈશ્વરના નિયમો પાળવાથી મળતા આશીર્વાદો પર વિચાર કરવા બાળકોને તમે કઈ રીતે મદદ કરી શકો?
૧૪ જોકે, શ્રદ્ધા કેળવવા બાળકોને ખરું શું છે અને ખોટું શું છે, ફક્ત એ કહેવું જ પૂરતું નથી. તમારે આવા સવાલો પર વિચાર કરવા તેઓને મદદ કરવી જોઈએ: ‘આકર્ષક લાગે એવી વસ્તુની બાઇબલ શા માટે મના કરે છે? હું કઈ રીતે એવી ખાતરી રાખી શકું કે બાઇબલ ધોરણોથી હંમેશાં ભલું થાય છે?’—યશા. ૪૮:૧૭, ૧૮.
૧૫ જો તમારું બાળક બાપ્તિસ્મા લેવા માંગતું હોય, તો તેને કઈ મદદ કરશો? બાપ્તિસ્મા લેનાર વ્યક્તિ પર આવતી જવાબદારી વિશે તેને સમજાવો. તમે તેની સાથે આ સવાલોની ચર્ચા કરી શકો: એ જવાબદારી વિશે તેને કેવું લાગે છે? એના શું ફાયદા છે? કઈ મુશ્કેલીઓનો તેણે સામનો કરવો પડશે? શા માટે મુશ્કેલીઓ કરતાં ફાયદાઓ વધારે છે? (માર્ક ૧૦:૨૯, ૩૦) બાપ્તિસ્મા લેતા પહેલાં, એ બાબતો વિશે વિચારવું ખૂબ મહત્ત્વનું છે. આજ્ઞા પાળવાથી મળનાર આશીર્વાદો અને ન પાળવાથી થનાર નુકસાન વિશે વિચારવા બાળકને મદદ કરો. આમ, તેને એ માનવું સહેલું લાગશે કે બાઇબલનાં ધોરણોથી હંમેશાં તેનું ભલું થશે.—પુન. ૩૦:૧૯, ૨૦.
બાપ્તિસ્મા પામેલ યુવાન વ્યક્તિને શ્રદ્ધા જાળવવી મુશ્કેલ લાગે ત્યારે
૧૬. બાપ્તિસ્મા પામેલા બાળકની શ્રદ્ધા નબળી પડવા લાગે ત્યારે માબાપે શું કરવું જોઈએ?
૧૬ બાપ્તિસ્મા પછી તમારું બાળક સત્ય વિશે શંકા ઉઠાવે તો શું કરશો? દાખલા તરીકે, તમારો દીકરો કે દીકરી કદાચ દુનિયાની વસ્તુઓ તરફ આકર્ષાય. અથવા તમારા બાળકને કદાચ શંકા થાય કે બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ચાલવાથી જીવન ખરેખર સુખી થશે કે કેમ. (ગીત. ૭૩:૧-૩, ૧૨, ૧૩) એ સાંભળીને તમારે કઈ રીતે વર્તવું જોઈએ? ધ્યાન રાખો કે, તમે જે રીતે વર્તશો એનાથી તે કદાચ યહોવાની ભક્તિ ચાલુ રાખશે કે છોડી દેશે. એ વિષય પર તેની સાથે ઝઘડો કરશો નહિ, પછી ભલે તમારું બાળક નાનું હોય કે તરુણ. એને બદલે, એવી રીતે વર્તો કે તેને ખાતરી થાય કે તમે તેને પ્રેમ કરો છો અને તેને મદદ કરવા ચાહો છો.
૧૭, ૧૮. જો યુવાનો શંકા ઉઠાવે તો માબાપ કઈ રીતે મદદ કરી શકે?
૧૭ યાદ રાખો કે, બાપ્તિસ્મા પામેલા યુવાને યહોવાને સમર્પણ કર્યું છે. આમ, તેણે યહોવાને પ્રેમ કરવાનું અને તેમની સેવાને જીવનમાં પ્રથમ રાખવાનું વચન આપ્યું છે. (માર્ક ૧૨:૩૦ વાંચો.) યહોવા એને ગંભીર વચન ગણે છે અને આપણે પણ એને ગંભીર ગણવું જોઈએ. (સભા. ૫:૪, ૫) તમારા બાળકને એ વાત યાદ અપાવો. પણ પહેલા, યહોવાના સંગઠને માબાપ માટે પૂરું પાડેલું સાહિત્ય વાંચો અને એનો અભ્યાસ કરો. પછી, પ્રેમાળ રીતે અને યોગ્ય સમયે બાળકને સમજાવો કે સમર્પણ અને બાપ્તિસ્માનો નિર્ણય કેટલો ગંભીર છે. એ નિભાવવાથી તેને ઘણા આશીર્વાદો મળશે, એ વિશે પણ જણાવો.
૧૮ દાખલા તરીકે, પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે (અંગ્રેજી) ગ્રંથ ૧માં છેલ્લે આપેલા “ક્વેશ્ચન્સ પેરન્ટ્સ આસ્ક” ભાગમાં એ વિશે સુંદર સલાહ છે. એમાં માબાપને સલાહ આપી છે કે તેઓએ એવું ધારી ન લેવું જોઈએ કે તેઓના તરુણોએ સત્ય છોડી દીધું છે. પરંતુ, ખરેખર મુશ્કેલી શું છે એ જાણવાની તેઓએ કોશિશ કરવી જોઈએ: સાથે ભણતા વિદ્યાર્થીઓના દબાણમાં તેઓ આવી ગયા હોય કે પછી એકલા પડી ગયા હોય. અથવા બની શકે કે બાળકને લાગતું હોય કે તેના કરતાં બીજાં બાળકો યહોવાની સેવામાં ઘણું સારું કરે છે. એ ભાગમાં આગળ સમજાવ્યું છે કે આવી મુશ્કેલીઓ આવે તો, એનો અર્થ એ નથી કે બાળક તમારી માન્યતાઓ સાથે સહમત નથી. કદાચ તે બીજી કોઈ મુશ્કેલીનો સામનો કરતું હોય શકે. સત્ય પ્રત્યે શંકા ઉઠાવનાર બાળકને માબાપ કઈ રીતે મદદ કરી શકે, એના સૂચનો એમાં આપ્યાં છે.
૧૯. કઈ રીતે માબાપ પોતાના બાળકને ‘ઉદ્ધાર માટે સમજુ’ બનવા મદદ કરી શકે?
૧૯ માબાપ તરીકે, તમારી પાસે એક મહત્ત્વની જવાબદારી અને લહાવો છે. એ છે “તેઓને શિસ્ત અને શિખામણ આપીને ઉછેરતાં જાઓ.” (એફે. ૬:૪) આપણે જોઈ ગયા તેમ, બાઇબલ જે કહે છે એ તમારે બાળકને શીખવવું જોઈએ. ઉપરાંત, તેઓ જે શીખ્યા એમાં ભરોસો રાખી શકે એ માટે તેઓને મદદ કરવી જોઈએ. જ્યારે તેઓની શ્રદ્ધા દૃઢ થશે, ત્યારે તેઓ પોતે યહોવાને સમર્પણ કરવા અને તેમને માટે બનતું બધું કરવા પ્રેરાશે. તમારા બાળકને ‘ઉદ્ધાર માટે સમજુ’ બનવા બાઇબલ, યહોવાની પવિત્ર શક્તિ અને તમારી મહેનત મદદ કરશે.
a “વૉટ ડઝ ધ બાઇબલ રીઅલી ટીચ?” પુસ્તકની સ્ટડી ગાઇડ્સ અસરકારક સાધન છે. એનાથી યુવાનો અને મોટાઓને બાઇબલ સત્ય સમજવા અને બીજાને શીખવવામાં મદદ મળે છે. આ સ્ટડી ગાઇડ્સ jw.org પર ઘણી ભાષાઓમાં પ્રાપ્ય છે. એ માટે તમે બાઇબલ ટીચિંગ્સ > બાઇબલ સ્ટડી ટૂલ્સ વિભાગ જુઓ.