વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 ફેબ્રુઆરી પાન ૮-૧૨
  • શું તમે નુહ, દાનીયેલ અને અયૂબની જેમ યહોવાને ઓળખો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે નુહ, દાનીયેલ અને અયૂબની જેમ યહોવાને ઓળખો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • દુષ્ટ દુનિયામાં નુહ ઈશ્વર સાથે ચાલ્યા
  • બાબેલોનમાં દાનીયેલ ઈશ્વરના ડહાપણ પ્રમાણે વર્ત્યા
  • સારા અને ખરાબ સંજોગોમાં અયૂબે ઈશ્વરના સિદ્ધાંતો પાળ્યા
  • નુહ, દાનીયેલ અને અયૂબની જેમ શ્રદ્ધા બતાવો અને આજ્ઞા પાળો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • તે ‘ઈશ્વરની સાથે ચાલ્યા’
    તેઓની શ્રદ્ધાને પગલે ચાલો
  • ઈશ્વરની કૃપા પામવા નુહે શું કર્યું? આપણે શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
  • જગતને દોષિત ઠરાવતો નુહનો વિશ્વાસ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 ફેબ્રુઆરી પાન ૮-૧૨
લામેખ નુહને યહોવા વિશે શીખવે છે

શું તમે નુહ, દાનીયેલ અને અયૂબની જેમ યહોવાને ઓળખો છો?

“દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ યહોવાની શોધ કરનારાઓ સઘળી બાબતો સમજે છે.”—નીતિ. ૨૮:૫.

ગીતો: ૪૩, ૪૯

શ્રદ્ધા અને ઈશ્વર તરફથી મળતું ડહાપણ . . .

  • નુહે કેવી રીતે બતાવ્યા?

  • દાનીયેલે કેવી રીતે બતાવ્યા?

  • અયૂબે કેવી રીતે બતાવ્યા?

૧-૩. (ક) ઈશ્વરને વફાદાર રહેવા આ છેલ્લા દિવસોમાં આપણને શું મદદ કરશે? (ખ) આ લેખમાં આપણે શું શીખીશું?

આજે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. દુષ્ટ લોકો “ઘાસની પેઠે” વધી રહ્યા છે. (ગીત. ૯૨:૭) એટલે, ઈશ્વરની વાતો ખરી છે, એવું ઘણા લોકો સ્વીકારતા નથી ત્યારે, આપણને આશ્ચર્ય થતું નથી. પાઊલે ઈશ્વરભક્તોને કહ્યું હતું: “દુષ્ટતામાં બાળકો બનો.” પણ, “સમજણમાં પરિપક્વ બનો.” (૧ કોરીં. ૧૪:૨૦) આપણે એવું કઈ રીતે કરી શકીએ?

૨ આપણને આ લેખની મુખ્ય કલમમાં એનો જવાબ જોવા મળે છે: “યહોવાની શોધ કરનારાઓ સઘળી બાબતો સમજે છે.” એટલે કે, યહોવાને ખુશ કરવા જરૂરી છે, એવી બધી બાબતો તેઓ સમજે છે. (નીતિ. ૨૮:૫) નીતિવચનો ૨:૭, ૯ શીખવે છે કે, ખરું કરનારને યહોવા ડહાપણ આપે છે. પરિણામે, વ્યક્તિ ‘નેકી, ન્યાય તથા ઇન્સાફને, હા, દરેક સારા માર્ગને સમજશે.’

૩ નુહ, દાનીયેલ અને અયૂબને ઈશ્વર તરફથી ડહાપણ મળ્યું હતું. (હઝકી. ૧૪:૧૪) આજે ઈશ્વરના લોકો પાસે પણ એવું ડહાપણ છે. તમારા વિશે શું? શું તમારી પાસે એવું ડહાપણ છે? યહોવાને ખુશ કરવા જરૂરી એવી ‘સઘળી બાબતો સમજવા’ માટે તમારે ઈશ્વર વિશે શીખવું જોઈએ. આ લેખમાં આપણે આ સવાલોની ચર્ચા કરીશું: (૧) નુહ, દાનીયેલ અને અયૂબ કઈ રીતે ઈશ્વરને ઓળખી શક્યા? (૨) ઈશ્વરને સારી રીતે ઓળખવાથી તેઓને કેવી મદદ મળી? (૩) આપણે તેઓ જેવી શ્રદ્ધા કેવી રીતે કેળવી શકીએ?

દુષ્ટ દુનિયામાં નુહ ઈશ્વર સાથે ચાલ્યા

૪. નુહ કઈ રીતે યહોવાને ઓળખી શક્યા અને એનાથી તેમને કેવી મદદ મળી?

૪ નુહ કઈ રીતે યહોવાને ઓળખી શક્યા? આદમના સમયથી લોકો યહોવા વિશે શીખતા આવ્યા છે. એ માટેની મુખ્ય ત્રણ રીતો છે: ઈશ્વરે રચેલી સૃષ્ટિ, ઈશ્વરના વફાદાર ભક્તો અને ઈશ્વરની આજ્ઞા પાળવાથી મળતા આશીર્વાદો. (યશા. ૪૮:૧૮) સૃષ્ટિને નિહાળવાથી નુહને ઈશ્વરના અસ્તિત્વ વિશે ખાતરી મળી હશે અને ઈશ્વરના ગુણો વિશે શીખવા મળ્યું હશે. પરિણામે, નુહ સમજી શક્યા હશે કે યહોવા સૌથી શક્તિશાળી છે અને તે એકલા જ સાચા ઈશ્વર છે. (રોમ. ૧:૨૦) નુહ ફક્ત ઈશ્વરમાં માનતા જ ન હતા, પણ તેમણે ઈશ્વરમાં પાકી શ્રદ્ધા પણ કેળવી હતી.

૫. ઈશ્વર માણસજાત પાસેથી શું ઇચ્છે છે, એ વિશે નુહ ક્યાંથી શીખ્યા?

૫ બાઇબલ કહે છે, “વાતો સાંભળ્યા પછી શ્રદ્ધા જાગે છે,” એટલે કે, બીજાની વાત સાંભળીને પણ આપણને શ્રદ્ધા રાખવા મદદ મળે છે. (રોમ. ૧૦:૧૭) નુહને પોતાનાં સગાઓ તરફથી યહોવા વિશે જાણવા મળ્યું હશે. તેમના પિતા લામેખને ઈશ્વરમાં શ્રદ્ધા હતી અને આદમના મરણ પહેલાં લામેખનો જન્મ થયો હતો. (શરૂઆતનું ચિત્ર જુઓ.) તેમના દાદા મથૂશેલા અને મથૂશેલાના દાદા યારેદ નુહના જન્મના ૩૬૬ વર્ષ પછી મરણ પામ્યા હતા.a (લુક ૩:૩૬, ૩૭) એ ઈશ્વરભક્તો અને તેમની પત્નીઓએ નુહને યહોવા વિશે શીખવ્યું હશે. નુહને શીખવા મળ્યું હશે કે, યહોવાએ માણસોને રચ્યા છે તથા તે ચાહે છે કે માણસો બાળકો પેદા કરે, પૃથ્વીને ભરપૂર કરે અને ઈશ્વરની ભક્તિ કરે. નુહ એ પણ શીખ્યા હશે કે, આદમ અને હવા યહોવાને બેવફા બન્યા. તેમણે એના ખરાબ પરિણામો પણ જોયા હશે. (ઉત. ૧:૨૮; ૩:૧૬-૧૯, ૨૪) જે શીખ્યા હતા, એની નુહના દિલ પર એટલી અસર થઈ કે તેમને યહોવાની ભક્તિ કરવાની પ્રેરણા મળી.—ઉત. ૬:૯.

૬, ૭. આશા રાખવાથી કઈ રીતે નુહની શ્રદ્ધા મજબૂત થઈ હતી?

૬ આશાથી શ્રદ્ધા મજબૂત થાય છે. નુહના નામનો અર્થ, ‘વિસામો, દિલાસો’ કે રાહત છે, જેમાં આશાનો પણ સમાવેશ થાય છે. કલ્પના કરો કે, પોતાના નામનો અર્થ જાણીને નુહની શ્રદ્ધા કેટલી મજબૂત થઈ હશે! (ઉત. ૫:૨૯) યહોવાની પ્રેરણાથી લામેખે પોતાના દીકરા નુહ વિશે કહ્યું, ‘જે ભૂમિને યહોવાએ શાપ દીધો, તેમાં અમારાં કામ તથા અમારાં હાથોની મજૂરીમાંથી નુહ જ અમને દિલાસો આપશે.’ તેથી, નુહને આશા હતી કે, ઈશ્વર સ્થિતિ સુધારશે. હાબેલ અને હનોખની જેમ, તેમને વિશ્વાસ હતો કે, “સંતાન” સાપનું માથું છૂંદશે.—ઉત. ૩:૧૫.

૭ નુહ ઉત્પત્તિ ૩:૧૫માં જણાવેલું ઈશ્વરનું વચન પૂરેપૂરું સમજ્યા નહિ હોય. પણ, તે એટલું તો સમજ્યા હતા કે, એ ભવિષ્યવાણી ભાવિ માટેની આશા આપે છે. હનોખે પણ એવો જ સંદેશો જાહેર કર્યો હતો કે, યહોવા દુષ્ટોનો નાશ કરશે. (યહુ. ૧૪, ૧૫) હનોખના સંદેશાથી ચોક્કસ નુહની શ્રદ્ધા અને આશા મજબૂત થયા હશે! એ સંદેશાની પરિપૂર્ણતા આર્માગેદનમાં થવાની છે.

૮. ઈશ્વર વિશેનું ખરું જ્ઞાન લેવાથી નુહને કેવી મદદ મળી?

૮ ઈશ્વર વિશેનું ખરું જ્ઞાન લેવાથી નુહને કેવી મદદ મળી? યહોવા વિશે શીખવાથી નુહ શ્રદ્ધા કેળવી શક્યા અને ઈશ્વર તરફથી મળતું ડહાપણ મેળવી શક્યા. એટલે તે એવી બાબતોથી દૂર રહી શક્યા, જેનાથી યહોવા દુઃખી થાય છે. કેવી રીતે? નુહ ઈશ્વરના મિત્ર બનવા ચાહતા હતા, એટલે તેમણે એવા લોકો સાથે મિત્રતા ન કરી, જેઓને યહોવામાં શ્રદ્ધા ન હતી અને તેમનો નકાર કર્યો હતો. પૃથ્વી પર આવેલા દુષ્ટ દૂતોથી પણ તે છેતરાયા ન હતા. લોકો એ શક્તિશાળી દુષ્ટ દૂતોથી ઘણા પ્રભાવિત થયા હતા. અરે, કદાચ લોકોએ તેઓની ભક્તિ કરવાની કોશિશ પણ કરી હશે. (ઉત. ૬:૧-૪, ૯) મનુષ્યો બાળકો પેદા કરે અને પૃથ્વીને ભરપૂર કરે, એવી યહોવાની ઇચ્છા વિશે નુહ જાણતા હતા. (ઉત. ૧:૨૭, ૨૮) તેથી, જ્યારે દુષ્ટ દૂતોએ પત્નીઓ કરી અને તેઓને બાળકો થયા, ત્યારે નુહ જાણતા હતા કે એ ખોટું હતું. સમય જતાં, એવું જ થયું, એ બાળકો બીજાં બાળકો કરતાં વધારે મોટાં અને બળવાન થતાં ગયાં. પછીથી, યહોવાએ નુહને કહ્યું કે બધા જ દુષ્ટ લોકોનો નાશ કરવા તે જળપ્રલય લાવશે. યહોવાની એ ચેતવણી પર નુહને ભરોસો હતો, એટલે તેમણે વહાણ બાંધ્યું અને નુહ તથા તેમનું કુટુંબ બચી ગયાં.—હિબ્રૂ. ૧૧:૭.

૯, ૧૦. કઈ રીતે આપણે નુહ જેવી શ્રદ્ધા કેળવી શકીએ?

૯ કઈ રીતે આપણે નુહ જેવી શ્રદ્ધા કેળવી શકીએ? બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરવો ઘણું મહત્ત્વનું છે. એમ કરવાથી આપણે શીખેલી બાબતો માટે પ્રેમ કેળવી શકીશું, આપણા જીવનમાં સારી પસંદગી અને ફેરફારો કરી શકીશું. (૧ પીત. ૧:૧૩-૧૫) પછી, શ્રદ્ધા અને ઈશ્વર તરફથી મળતું ડહાપણ આપણને શેતાનની ચાલાકીઓથી અને આ દુનિયાની ખરાબ અસરોથી રક્ષણ આપશે. (૨ કોરીં. ૨:૧૧) દુનિયામાં ઘણા લોકોને હિંસા અને અનૈતિકતા ગમે છે અને તેઓ પોતાની ખોટી ઇચ્છાઓ પૂરી કરવા મંડ્યા રહે છે. (૧ યોહા. ૨:૧૫, ૧૬) આ દુષ્ટ દુનિયાનો અંત નજીક છે, એ હકીકત વિશે તેઓ આંખ આડા કાન કરે છે. જો આપણી શ્રદ્ધા મક્કમ નહિ હોય, તો આપણે પણ એમ કરવા લાગીશું. યાદ રાખીએ કે ઈસુએ આપણા સમયને નુહના સમય સાથે સરખાવ્યો હતો. તેમણે હિંસા કે અનૈતિકતા વિશે નહિ, પણ યહોવાની ભક્તિમાંથી ફંટાઈ જવાના જોખમ વિશે વાત કરી હતી.—માથ્થી ૨૪:૩૬-૩૯ વાંચો.

૧૦ પોતાને પૂછો: ‘શું મારું જીવન બતાવે છે કે હું ખરેખર યહોવાને ઓળખું છું? યહોવા ચાહે છે, એવી ખરી બાબતો કરવા અને બીજાઓને ઈશ્વર વિશે શીખવવા, શું શ્રદ્ધા મને પ્રેરણા આપે છે?’ એ સવાલોના જવાબોથી દેખાઈ આવશે કે તમે પણ નુહની જેમ ‘સાચા ઈશ્વર સાથે ચાલો છો.’

બાબેલોનમાં દાનીયેલ ઈશ્વરના ડહાપણ પ્રમાણે વર્ત્યા

૧૧. (ક) નાનપણથી દાનીયેલે ઈશ્વર માટે બતાવેલા પ્રેમથી તેમના ઉછેર વિશે શું જાણવા મળે છે? (ખ) દાનીયેલના કયા ગુણોનું તમે અનુકરણ કરવા માંગો છો?

૧૧ દાનીયેલ કઈ રીતે યહોવાને ઓળખી શક્યા? દાનીયેલનાં માતા-પિતાએ તેમને ચોક્કસ શીખવ્યું હશે કે, તે યહોવાને અને તેમનાં શાસ્ત્રવચનોને પ્રેમ કરે. દાનીયેલ જીવનભર એમ કરતા રહ્યા. અરે, તે વૃદ્ધ થઈ ગયા ત્યારે પણ, તેમણે શાસ્ત્રવચનોનો અભ્યાસ કરવાનું છોડ્યું નહિ. (દાની. ૯:૧, ૨) દાનીયેલ યહોવાને સારી રીતે ઓળખતા હતા. યહોવાએ ઇઝરાયેલીઓ માટે જે બધું કર્યું હતું, એ પણ તે જાણતા હતા. એ શા પરથી કહી શકાય? દાનીયેલ ૯:૩-૧૯માં નોંધેલી પ્રાર્થનામાં એ જોવા મળે છે. દાનીયેલે નમ્રતાથી અને દિલથી કરેલી એ પ્રાર્થના વાંચો અને એના પર મનન કરો. પોતાને પૂછો: ‘આ પ્રાર્થના દાનીયેલ વિશે મને શું શીખવે છે?’

૧૨-૧૪. (ક) કઈ રીતે દાનીયેલે ઈશ્વર તરફથી મળતું ડહાપણ બતાવ્યું? (ખ) યહોવાએ કઈ રીતે દાનીયેલને હિંમત અને વફાદારી માટે આશીર્વાદ આપ્યો?

૧૨ ઈશ્વરને સારી રીતે ઓળખવાથી દાનીયેલને કઈ રીતે મદદ મળી? બાબેલોનમાં જૂઠાં દેવ-દેવીઓના ભક્તો ચારે બાજુ હતા. એવા શહેરમાં યહોવાની ભક્તિ કરવી એક વિશ્વાસુ યહુદી માટે સહેલું ન હતું. દાખલા તરીકે, યહોવાએ યહુદીઓને કહ્યું હતું: ‘જે નગરમાં મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે એના માટે શાંતિ શોધો.’ (યિર્મે. ૨૯:૭) સાથે સાથે યહોવાએ એવી આજ્ઞા પણ આપી હતી કે તેઓએ પૂરા દિલથી ફક્ત તેમની જ ભક્તિ કરવી. (નિર્ગ. ૩૪:૧૪) આ બંને આજ્ઞાઓ દાનીયેલ કઈ રીતે પાળી શક્યા? ઈશ્વરના ડહાપણથી દાનીયેલ એ જાણી શક્યા કે તેમણે સૌથી પહેલા યહોવાની આજ્ઞા પાળવાની છે, પછી માણસોની. સદીઓ પછી, ઈસુએ પણ એ જ સિદ્ધાંત શીખવ્યો હતો.—લુક ૨૦:૨૫.

૧૩ ચાલો દાનીયેલના સંજોગો પર વિચાર કરીએ. એ સમયે એક કાયદો ઘડવામાં આવ્યો કે ૩૦ દિવસ સુધી રાજા સિવાય કોઈ ઈશ્વરને કે માણસને પ્રાર્થના કરવી નહિ. (દાનીયેલ ૬:૭-૧૦ વાંચો.) દાનીયેલ બહાનાં કાઢી શક્યા હોત. તે કદાચ કહી શક્યા હોત કે ‘આ તો ફક્ત ૩૦ દિવસ માટે જ કરવાનું છે ને!’ એને બદલે, દાનીયેલે માણસોના કાયદા કરતાં યહોવાની ભક્તિને વધારે મહત્ત્વની ગણી. જો દાનીયેલ ચાહત તો એકાંતમાં યહોવાને પ્રાર્થના કરી શક્યા હોત. પણ તેમને ખબર હતી કે લોકો તેમને દરરોજ પ્રાર્થના કરતા જુએ છે. દાનીયેલ ચાહતા ન હતા કે લોકો એમ વિચારે કે તેમણે યહોવાની ભક્તિ છોડી દીધી છે. એટલે, જીવનનું જોખમ હોવા છતાં, તેમણે બીજાઓ જોઈ શકે એ રીતે પ્રાર્થના કરવાનું ચાલુ રાખ્યું.

૧૪ દાનીયેલે એ નિર્ણય લઈને હિંમત અને વફાદારી બતાવી એટલે, યહોવાએ તેમને આશીર્વાદ આપ્યો. યહોવાએ ચમત્કાર કરીને તેમને સિંહોથી બચાવ્યા. પરિણામે, માદાય-ઈરાનના સામ્રાજ્યના ખૂણેખૂણે યહોવાનું નામ ફેલાઈ ગયું.—દાની. ૬:૨૫-૨૭.

૧૫. કઈ રીતે આપણે દાનીયેલ જેવી શ્રદ્ધા કેળવી શકીએ?

૧૫ કઈ રીતે આપણે દાનીયેલ જેવી શ્રદ્ધા કેળવી શકીએ? શ્રદ્ધા દૃઢ કરવા ફક્ત બાઇબલ વાંચવું જ પૂરતું નથી, પણ એની સમજણ લેવી જોઈએ. (માથ. ૧૩:૨૩) આપણે એ જાણવાની જરૂર છે કે યહોવા કઈ રીતે બાબતોને જુએ છે. એટલે, આપણે જે વાંચીએ એના પર મનન કરવું જોઈએ. ઉપરાંત, મહત્ત્વનું છે કે આપણે નિયમિત પ્રાર્થના કરતા રહીએ, ખાસ કરીને તકલીફોમાં હોઈએ ત્યારે. આપણે ભરોસો રાખી શકીએ કે, યહોવા પાસે ડહાપણ અને શક્તિ માંગીશું તો, તે ઉદારતાથી આપશે.—યાકૂ. ૧:૫.

સારા અને ખરાબ સંજોગોમાં અયૂબે ઈશ્વરના સિદ્ધાંતો પાળ્યા

૧૬, ૧૭. અયૂબ કઈ રીતે યહોવાને ઓળખી શક્યા?

૧૬ અયૂબ કઈ રીતે યહોવાને ઓળખી શક્યા? અયૂબ ઇઝરાયેલી ન હતા. પણ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબ તેમના દૂરના સગાં હતાં. યહોવાએ પોતાના વિશે અને મનુષ્યો માટે તે શું કરવાના છે, એ વિશે તેઓને જણાવ્યું હતું. કોઈક રીતે અયૂબ એ મૂલ્યવાન સત્યની અમુક વાતો શીખ્યા હશે. (અયૂ. ૨૩:૧૨) તેમણે યહોવાને કહ્યું: ‘મેં મારા કાનથી તમારા વિશે સાંભળ્યું હતું.’ (અયૂ. ૪૨:૫) યહોવાએ પોતે કહ્યું કે અયૂબે તેમના વિશેનું સત્ય બીજાઓને જણાવ્યું હતું.—અયૂ. ૪૨:૭, ૮.

પિતા પોતાના બાળકોને પક્ષીનો માળો બતાવે છે અને યહોવાના ગુણો વિશે શીખવે છે

સૃષ્ટિમાં યહોવાના ગુણો જોઈને આપણી શ્રદ્ધા દૃઢ થાય છે (ફકરો ૧૭ જુઓ)

૧૭ સૃષ્ટિની રચના જોઈને પણ અયૂબ યહોવાના ગુણો વિશે શીખ્યા હશે. (અયૂ. ૧૨:૭-૯, ૧૩) યહોવા આગળ મનુષ્યની કોઈ વિસાત નથી, એ વાત અયૂબને સમજાવવા અલીહૂ અને યહોવાએ સૃષ્ટિની અનેક વસ્તુઓનો ઉલ્લેખ કર્યો હતો. (અયૂ. ૩૭:૧૪; ૩૮:૧-૪) યહોવાના શબ્દોની અયૂબ પર એટલી અસર થઈ કે તે નમ્રતાથી કહી શક્યા: ‘હું જાણું છું કે તમે સઘળું કરી શકો છો, અને તમારા કોઈ મનસૂબાને અટકાવી શકાય નહિ. હું ધૂળ તથા રાખમાં બેસીને પશ્ચાત્તાપ કરું છું.’—અયૂ. ૪૨:૨, ૬.

૧૮, ૧૯. અયૂબે કઈ રીતે બતાવ્યું કે યહોવાને તે સારી રીતે ઓળખતા હતા?

૧૮ ઈશ્વરને સારી રીતે ઓળખવાથી અયૂબને કઈ રીતે મદદ મળી? અયૂબ ઈશ્વરના સિદ્ધાંતો સારી રીતે સમજતા હતા. તે સાચે જ યહોવાને ઓળખતા હતા, એટલે તેમને ખરા માર્ગે ચાલવા ઉત્તેજન મળ્યું. દાખલા તરીકે, અયૂબ જાણતા હતા કે જો તે બીજાઓ પર દયા ન બતાવે, તો તે એમ ન કહી શકે કે પોતે યહોવાને પ્રેમ કરે છે. (અયૂ. ૬:૧૪) તેમણે એવું ન વિચાર્યું કે પોતે બીજાઓ કરતાં ચઢિયાતા છે. એને બદલે, તેમણે બીજાઓને પોતાના કુટુંબના સભ્યો ગણ્યા, પછી ભલે તેઓ અમીર હોય કે ગરીબ. અયૂબે કહ્યું: ‘જેમણે મને ગર્ભસ્થાનમાં બનાવ્યો, તેમણે જ શું તેને પણ બનાવ્યો નથી?’ (અયૂ. ૩૧:૧૩-૨૨) અયૂબ ધનવાન અને શક્તિશાળી હતા ત્યારે પણ, તેમણે ઘમંડ ન કર્યું. તેમણે ક્યારેય બીજાઓને પોતાના કરતાં ઊતરતા ગણ્યા નહિ. આજના ધનવાન તેમજ શક્તિશાળી લોકો અને અયૂબ વચ્ચે કેટલો આભ-જમીનનો ફરક!

૧૯ અયૂબ માટે યહોવાની ભક્તિ સૌથી મહત્ત્વની હતી, એની આડે તેમણે માલમિલકતને પણ આવવા દીધી નહિ. તે જાણતા હતા કે જો તે માલમિલકતને પ્રથમ સ્થાન આપશે, તો “ઉચ્ચસ્થાનમાં રહેનાર ઈશ્વરનો” નકાર કર્યો ગણાશે. (અયૂબ ૩૧:૨૪-૨૮ વાંચો.) વધુમાં, અયૂબ લગ્‍નને પતિ-પત્ની વચ્ચેનું પવિત્ર વચન ગણતા હતા. તેમણે પાકો નિર્ણય લીધો હતો કે સ્ત્રીને ખોટી નજરે ક્યારેય નહિ જુએ. (અયૂ. ૩૧:૧) એ પ્રશંસાપાત્ર છે, કારણ કે અયૂબ એવા સમયમાં જીવતા હતા, જ્યારે યહોવાએ પુરુષોને એકથી વધારે પત્નીઓ રાખવાની છૂટ આપી હતી. એટલે, અયૂબે ચાહ્યું હોત તો, તે બીજી સ્ત્રીને પરણી શક્યા હોત.b કદાચ તે જાણતા હતા કે યહોવાએ એક સ્ત્રી અને એક પુરુષ વચ્ચે પહેલું લગ્‍ન કરાવ્યું હતું. એટલે, અયૂબે બીજા લગ્‍ન ન કરીને યહોવાના સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું પસંદ કર્યું હતું. (ઉત. ૨:૧૮, ૨૪) આશરે ૧,૬૦૦ વર્ષ પછી ઈસુએ પણ લગ્‍ન અને નૈતિકતા વિશે એ જ સિદ્ધાંત શીખવ્યો હતો.—માથ. ૫:૨૮; ૧૯:૪, ૫.

૨૦. યહોવા વિશે અને તેમનાં ધોરણો વિશે ખરું જ્ઞાન લેવાથી કઈ રીતે મિત્રો અને મનોરંજનની યોગ્ય પસંદગી કરવા મદદ મળે છે?

૨૦ કઈ રીતે આપણે અયૂબ જેવી શ્રદ્ધા કેળવી શકીએ? આપણે યહોવાને સારી રીતે ઓળખવા જોઈએ અને જીવનના દરેક પાસામાં તેમના માર્ગદર્શન પ્રમાણે વર્તવું જોઈએ. દાખલા તરીકે, બાઇબલ કહે છે કે યહોવા ‘દુષ્ટ તથા જુલમીથી કંટાળે છે.’ એટલે, આપણે કપટી માણસો સાથે સમય ન વિતાવવો જોઈએ. (ગીતશાસ્ત્ર ૧૧:૫; ૨૬:૪ વાંચો.) પોતાને પૂછો: “આ બે કલમો પરથી મને યહોવાના વિચારો વિશે શું શીખવા મળે છે? એનાથી મારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે, એ હું પારખી શકું છું? એનાથી મને ઇન્ટરનેટ, મિત્રો, મનોરંજન જેવી બાબતોમાં યોગ્ય પસંદગી કરવા કઈ રીતે મદદ મળે છે?” તમારા જવાબોથી જાણી શકશો કે તમે યહોવાને કેટલી સારી રીતે ઓળખો છો. આપણે આ દુષ્ટ દુનિયાના રંગમાં રંગાઈ જવા માંગતા નથી, એટલે આપણે “સમજશક્તિ” કેળવવાની જરૂર છે. એમ કરવાથી, આપણે ફક્ત ખરા-ખોટા વચ્ચેનો ફરક જ નહિ, પણ ડહાપણભરી વાતો અને મૂર્ખતાભરી વાતો વચ્ચેનો ફરક પણ પારખી શકીશું.—હિબ્રૂ. ૫:૧૪; એફે. ૫:૧૫.

૨૧. યહોવાની કૃપા મેળવવા જરૂરી એવી “બધી બાબતો સમજવા” આપણને શું મદદ કરશે?

૨૧ નુહ, દાનીયેલ અને અયૂબે યહોવાને સારી રીતે ઓળખવા પોતાનાથી બનતું બધું કર્યું. એટલા માટે, યહોવાની કૃપા મેળવવા જરૂરી એવી “બધી બાબતો સમજવા” યહોવાએ તેઓને મદદ કરી હતી. તેઓના દાખલાઓ સાબિત કરે છે કે યહોવાના માર્ગે ચાલવાથી જીવનમાં સફળતા મળે છે. (ગીત. ૧:૧-૩) પોતાને પૂછો કે ‘શું હું નુહ, દાનીયેલ અને અયૂબની જેમ, યહોવાને સારી રીતે ઓળખું છું?’ હકીકતમાં તો, એ વફાદાર વ્યક્તિઓ કરતાં આપણે વધારે સારી રીતે યહોવાને ઓળખી શકીએ છીએ. કઈ રીતે? યહોવાએ પોતાના વિશે આપણને ઘણી બધી માહિતી આપી છે. (નીતિ. ૪:૧૮) તો પછી, બાઇબલનો ધ્યાનથી અભ્યાસ કરીએ. એના પર મનન કરીએ. પવિત્ર શક્તિ માટે પ્રાર્થના કરીએ. આમ કરવાથી, આ દુષ્ટ દુનિયાની અસરથી બચી શકીશું. વધુમાં, આપણે ઈશ્વર તરફથી મળતા ડહાપણ પ્રમાણે વર્તી શકીશું અને સ્વર્ગમાંના પિતાની વધુ નજીક જઈ શકીશું.—નીતિ. ૨:૪-૭.

a નુહના પરદાદા, હનોખ ‘ઈશ્વર સાથે ચાલ્યા.’ પણ, તે નુહના જન્મના ૬૯ વર્ષો પહેલાં મરણ પામ્યા હતા.—ઉત. ૫:૨૩, ૨૪.

b નુહને પણ એક જ પત્ની હતી. આદમ અને હવાએ યહોવાની આજ્ઞા તોડી, એના થોડા સમય પછી માણસોએ એકથી વધારે પત્ની કરવાનું શરૂ કરી દીધું હતું. તોપણ, નુહ એક જ સ્ત્રીને પરણ્યા હતા.—ઉત. ૪:૧૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો