આનંદ ઈશ્વર તરફથી મળતો ગુણ
લોકોને જીવનમાં આનંદ જોઈએ છે. પરંતુ, છેલ્લા દિવસો ચાલી રહ્યા હોવાથી દરેકના જીવનમાં મુશ્કેલીઓ છે, ‘જે સહન કરવી અઘરી છે.’ (૨ તિમો. ૩:૧) અમુકના જીવનમાં આનંદ રહ્યો નથી, એનું કારણ અન્યાય, બીમારી, બેરોજગારી કે સ્નેહીજનનું મરણ હોય શકે. બીજા અમુકના જીવનમાંથી આનંદ છીનવાઈ ગયો છે, કારણ કે તેઓને કંઈક ચિંતા છે અથવા તેઓ ઉદાસ છે. અરે, યહોવાના ભક્તો પણ કદાચ નિરાશ થઈ જાય કે પછી તેઓ પણ આનંદ ગુમાવી શકે. જો તમારી સાથે પણ એવું થયું હોય, તો તમે કઈ રીતે જીવનમાં આનંદ પાછો મેળવી શકો?
એ સવાલનો જવાબ મેળવવા માટે સૌથી પહેલા આપણે સમજવું પડશે કે ખરો આનંદ કોને કહેવાય. એ પણ જાણવું પડશે કે, મુશ્કેલીઓ છતાં કઈ રીતે બીજાઓએ પોતાનો આનંદ જાળવી રાખ્યો છે. એ પછી, જોઈશું કે કઈ રીતે આપણે આનંદ જાળવી રાખી શકીએ અને એને વધારી શકીએ.
આનંદ એટલે શું?
આનંદી રહેવાનો અર્થ એ નથી કે ખુશમિજાજી હોવું. જરા વિચાર કરો: એક માણસ દારૂ પીધા પછી કદાચ હસ્યા જ કરે. પણ, નશો ઊતરી ગયા પછી તે હસતો નથી. તેને ખ્યાલ આવે છે કે એની તકલીફો તો એમની એમ જ છે. તેની ખુશી ફક્ત થોડા જ સમય માટે હોય છે અને એ ખરો આનંદ હોતો નથી.—નીતિ. ૧૪:૧૩.
બીજી બાજુ, આનંદ આપણા દિલમાં ઊભરાતી એક લાગણી છે. આપણને કોઈ સારી બાબત મળે અથવા આપણે એની આશા રાખીએ, ત્યારે આપણને એવી લાગણી થાય છે. આનંદી હોવું એટલે ખુશ રહેવું, પછી ભલે આપણા સંજોગો સારા હોય કે ખરાબ. (૧ થેસ્સા. ૧:૬) હકીકતમાં, આપણે ઉદાસ હોઈએ તોપણ આપણો આનંદ જાળવી રાખી શકીએ. દાખલા તરીકે, પ્રેરિતો ઈસુ વિશે પ્રચાર કરતા હોવાથી તેઓને મારવામાં આવ્યા હતા. તોપણ, “ઈસુના નામને લીધે પોતે અપમાન સહેવા યોગ્ય ગણાયા હોવાથી, પ્રેરિતો ન્યાયસભામાંથી આનંદ કરતાં કરતાં નીકળી ગયા.” (પ્રે.કા. ૫:૪૧) તેઓને મારવામાં આવ્યા હતા એટલે નહિ, પણ ઈશ્વરને વફાદાર રહ્યા હતા, એટલે તેઓ આનંદ કરતા હતા.
એવો આનંદ જન્મજાત મળી જતો નથી અથવા આપોઆપ આવી જતો નથી. શા માટે? કારણ કે ખરો આનંદ તો ઈશ્વરની પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણોનો એક ભાગ છે. ઈશ્વરની પવિત્ર શક્તિથી “નવો સ્વભાવ” કેળવવા મદદ મળે છે, એમાં આનંદનો પણ સમાવેશ થાય છે. (એફે. ૪:૨૪; ગલા. ૫:૨૨) જ્યારે આપણે આનંદી હોઈએ છીએ, ત્યારે આસાનીથી મુશ્કેલીઓનો સામનો કરી શકીએ છીએ.
આપણે અનુસરી શકીએ એવા દાખલાઓ
આજે પૃથ્વી પર બધે ખરાબ બાબતો જોવા મળે છે, પણ યહોવા તો સારી બાબતો જોવા ચાહતા હતા. ભલે, લોકો ખરાબ કામો કરે પણ, યહોવા પોતાનો આનંદ ગુમાવતા નથી. બાઇબલ જણાવે છે: ‘તેમના મંદિરમાં સામર્થ્ય તથા આનંદ છે.’ (૧ કાળ. ૧૬:૨૭) વધુમાં, યહોવાને પોતાના ભક્તોનાં સારાં કામોથી આનંદ મળે છે.—નીતિ. ૨૭:૧૧.
જ્યારે બાબતો ધાર્યા પ્રમાણે ન થાય, ત્યારે આપણે આનંદ ગુમાવતા નથી. એમ કરીએ છીએ ત્યારે, આપણે યહોવાને પગલે ચાલીએ છીએ અથવા તેમની જેમ બનવાની કોશિશ કરીએ છીએ. ચિંતા કરવાને બદલે, આપણી પાસે હમણાં જે સારી બાબતો છે, એના પર ધ્યાન આપી શકીએ અને ભાવિમાં થનાર સારી બાબતોની ધીરજથી રાહ જોઈ શકીએ.a
બાઇબલમાં એવા ઘણા દાખલા જોવા મળે છે, જેમાં વ્યક્તિઓએ મુશ્કેલીઓ છતાં પોતાનો આનંદ જાળવી રાખ્યો હતો. ચાલો ઈબ્રાહીમનો વિચાર કરીએ. તેમનો જીવ જોખમમાં હતો અને બીજાઓએ પણ તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હતી, છતાં તેમણે પોતાનો આનંદ જાળવી રાખ્યો હતો. (ઉત. ૧૨:૧૦-૨૦; ૧૪:૮-૧૬; ૧૬:૪, ૫; ૨૦:૧-૧૮; ૨૧:૮, ૯) તે કઈ રીતે એમ કરી શક્યા? મસીહના રાજ હેઠળ નવી દુનિયામાં જીવવાની આશાને તેમણે નજર સામે રાખી. (ઉત. ૨૨:૧૫-૧૮; હિબ્રૂ. ૧૧:૧૦) ઈસુએ કહ્યું હતું: “મારો સમય જોવા મળશે એ આશાને લીધે તમારા પિતા ઈબ્રાહીમને ઘણો આનંદ થયો હતો.” (યોહા. ૮:૫૬) આપણે ભાવિમાં મળનાર આનંદનો વિચાર કરતા રહીએ છીએ ત્યારે, ઈબ્રાહીમને અનુસરીએ છીએ.—રોમ. ૮:૨૧.
ઈબ્રાહીમની જેમ પાઊલ અને સિલાસને પણ અડગ શ્રદ્ધા હતી. ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થયા હોવા છતાં, તેઓએ પોતાનો આનંદ જાળવી રાખ્યો હતો. દાખલા તરીકે, તેઓને સખત માર મારવામાં આવ્યો અને જેલમાં નાખવામાં આવ્યા ત્યારે, તેઓ “પ્રાર્થના કરતા હતા તથા ઈશ્વરની સ્તુતિ કરવા ગીત ગાતા હતા.” (પ્રે.કા. ૧૬:૨૩-૨૫) તેઓ પોતાની તકલીફોમાં ટકી શક્યા, કેમ કે ઈશ્વરે ભાવિ વિશે આપેલાં વચનો પર તેઓ વિચાર કરતા હતા. ઈસુના શિષ્યો હોવાને લીધે તકલીફો આવી છે, એ જાણતા હોવાથી તેઓ આનંદ અનુભવતા હતા. જ્યારે આપણે યહોવાને વફાદાર રહેવાથી મળતાં સારાં પરિણામોને યાદ રાખીએ છીએ, ત્યારે પાઊલ અને સિલાસને અનુસરીએ છીએ.—ફિલિ. ૧:૧૨-૧૪.
આજે પણ એવા ઘણાં ભાઈ-બહેનો છે, જેઓએ મુશ્કેલીઓ હોવા છતાં પોતાનો આનંદ જાળવી રાખ્યો છે. દાખલા તરીકે, નવેમ્બર ૨૦૧૩માં ફિલિપાઇન્સમાં ભયંકર વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં એક હજારથી પણ વધારે ભાઈ-બહેનોનાં ઘરો તબાહ થઈ ગયાં હતાં. ટેક્લોબૅન શહેરમાં રહેતા જ્યોર્જનું ઘર એકદમ પડી ભાગ્યું હતું. જ્યોર્જે કહ્યું: ‘ભલે ગમે એવી તકલીફો આવી, તેમ છતાં ભાઈ-બહેનો ખુશ હતાં. મેં જે આનંદ અનુભવ્યો, એને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી.’ યહોવાએ આપણા માટે જે કર્યું છે, એનો વિચાર કરીશું અને એની કદર કરીશું તો, મોટી મોટી મુશ્કેલીઓમાં પણ આનંદી રહી શકીશું. આપણને આનંદ મળે, એ માટે યહોવા બીજી કઈ બાબતો પૂરી પાડે છે?
આનંદ માટેનાં કારણો
યહોવા સાથેનો સંબંધ આપણા આનંદનું સૌથી મોટું કારણ છે. આખા વિશ્વના માલિકને આપણે ઓળખીએ છીએ. તે આપણા પિતા, ઈશ્વર અને મિત્ર છે!—ગીત. ૭૧:૧૭, ૧૮.
આપણે યહોવાના ખૂબ જ આભારી છીએ, કેમ કે તેમણે આપણને જીવન આપ્યું છે અને એનો આનંદ માણવાની ક્ષમતા આપી છે. (સભા. ૩:૧૨, ૧૩) તે આપણને પોતાની પાસે દોરી લાવ્યા છે. શા માટે? જેથી આપણે તેમનો હેતુ જાણી શકીએ, જેમ કે આપણા માટે તે શું ચાહે છે અને આપણે કઈ રીતે જીવન જીવવું જોઈએ. (કોલો. ૧:૯, ૧૦) જોકે, મોટાભાગના લોકો જાણતા નથી કે જીવનનો હેતુ શું છે. એ ફરક સમજાવવા પાઊલે લખ્યું કે, “‘જેઓ ઈશ્વરને ચાહે છે, તેઓ માટે ઈશ્વરે જે તૈયાર કર્યું છે, એને કોઈ આંખે જોયું નથી અને કોઈ કાને સાંભળ્યું નથી, કે પછી માણસના દિલમાં એનો કોઈ વિચાર આવ્યો નથી.’ પણ, ઈશ્વરે પોતાની પવિત્ર શક્તિ દ્વારા આપણને એ જણાવ્યું છે.” (૧ કોરીં. ૨:૯, ૧૦) યહોવાની ઇચ્છા અને હેતુ વિશે શીખવાથી આપણને આનંદ મળે છે.
યહોવાએ આપણા માટે બીજું શું કર્યું છે, એનો વિચાર કરો. આપણાં પાપ માફ થઈ શકે છે, એ જાણીને શું આપણને ખુશી થતી નથી? (૧ યોહા. ૨:૧૨) નવી દુનિયાના જીવનની તેમણે આપણને આશા આપી છે, એ નવી દુનિયા જલદી જ આવવાની છે. (રોમ. ૧૨:૧૨) હમણાં પણ યહોવાએ આપણને ઘણા મિત્રો આપ્યા છે, જેઓ સાથે આપણે યહોવાની ભક્તિ કરી શકીએ છીએ. (ગીત. ૧૩૩:૧) શેતાન અને તેના દુષ્ટ દૂતોથી પણ યહોવા આપણું રક્ષણ કરે છે. (ગીત. ૯૧:૧૧) યહોવાએ આપેલી આ અદ્ભુત બાબતો પર વિચાર કરીશું તો, આપણા આનંદમાં વધારો થશે.—ફિલિ. ૪:૪.
આનંદમાં કઈ રીતે વધારો કરી શકાય?
શું ઈશ્વરભક્ત આનંદી હોવા છતાં પોતાના આનંદમાં વધારો કરી શકે? ઈસુએ કહ્યું હતું: “મેં તમને આ વાતો જણાવી છે, જેથી મારી પાસે છે એવા આનંદથી તમે ભરપૂર થાઓ.” (યોહા. ૧૫:૧૧) એ બતાવે છે કે આપણે હંમેશાં વધુ આનંદ મેળવી શકીએ છીએ. આપણે આનંદને આગ સાથે સરખાવી શકીએ. જો આપણે ચાહતા હોઈએ કે આગ વધુ તેજ થાય, તો આપણે એમાં લાકડાં નાખવાં પડશે. યાદ રાખીએ કે પવિત્ર શક્તિ આપણને આનંદ મેળવવા મદદ કરે છે. તેથી, જો આપણે વધુ આનંદ મેળવવો હોય તો પ્રાર્થનામાં ઈશ્વર પાસે વધુ પવિત્ર શક્તિ માંગવી જોઈએ. ઉપરાંત, આપણે પવિત્ર શક્તિની પ્રેરણાથી લખાયેલા બાઇબલ પર મનન પણ કરવું જોઈએ.—ગીત. ૧:૧, ૨; લુક ૧૧:૧૩.
ઈશ્વરને પસંદ છે એવી બાબતોમાં વ્યસ્ત રહેવાથી પણ આપણા આનંદમાં વધારો થાય છે. (ગીત. ૩૫:૨૭; ૧૧૨:૧) શા માટે? કારણ કે આપણને એ રીતે ઘડવામાં આવ્યા છે, જેથી આપણે ‘ઈશ્વરનો ભય રાખીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ; દરેક મનુષ્યની સંપૂર્ણ ફરજ એ છે.’ (સભા. ૧૨:૧૩) તેથી, આપણે યહોવાની સેવા કરીએ છીએ ત્યારે, જીવનમાં સૌથી વધુ આનંદ મેળવીએ છીએ.b
આનંદથી થતા બીજા ફાયદાઓ
આપણો આનંદ વધશે તેમ, આપણે બીજા ઘણા ફાયદાઓ અનુભવી શકીશું. દાખલા તરીકે, તકલીફો હોવા છતાં પણ યહોવાની ભક્તિ કરતા રહીશું તો, તે ઘણા ખુશ થશે. (પુન. ૧૬:૧૫; ૧ થેસ્સા. ૫:૧૬-૧૮) આપણી પાસે ખરો આનંદ હોવાથી એવું નહિ વિચારીએ કે પુષ્કળ ધનદોલત હોવી, જીવનમાં ઘણી મહત્ત્વની છે. એને બદલે, આપણે ઈશ્વરના રાજ્ય માટે હજુ પણ વધારે જતું કરવા તૈયાર રહીશું. (માથ. ૧૩:૪૪) એમ કરવાથી જે સારાં પરિણામો મળે છે, એ જોઈને આપણા આનંદમાં વધારો થશે. તેમ જ, આપણને ખરો સંતોષ મળશે અને આપણે બીજાઓને પણ ખુશ કરી શકીશું.—પ્રે.કા. ૨૦:૩૫; ફિલિ. ૧:૩-૫.
આપણા આનંદમાં વધારો થશે તો, આપણે સ્વસ્થ રહીશું. બાઇબલ કહે છે: “આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે.” (નીતિ. ૧૭:૨૨) અમેરિકાની યુનિવર્સિટી ઑફ નેબ્રૅસ્કાના એક સંશોધકે સ્વાસ્થ્ય વિશે અભ્યાસ કર્યો છે. તેમણે જે જણાવ્યું એ બાઇબલના સુમેળમાં છે. તેમણે કહ્યું, ‘જો તમે હમણાં તમારા જીવનમાં ખુશ અને સંતોષી હશો, તો બની શકે કે તમે ભાવિમાં તંદુરસ્ત રહેશો.’
આપણે મુશ્કેલ સમયમાં જીવી રહ્યા છીએ, તોપણ આપણે ખરો આનંદ મેળવી શકીએ છીએ. કઈ રીતે? પ્રાર્થનામાં પવિત્ર શક્તિ માંગીએ, બાઇબલનો અભ્યાસ અને એના પર મનન કરીએ. હાલના આશીર્વાદો પર મનન કરીએ, બીજાઓની શ્રદ્ધાને અનુસરીએ અને ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાની તક શોધીએ. એમ કરીશું તો, આપણા આનંદમાં વધારો થશે. આમ, આપણે ગીતશાસ્ત્ર ૬૪:૧૦ના શબ્દોનો પોતે અનુભવ કરીશું, જે કહે છે: ‘ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે અને તેમના પર ભરોસો રાખશે.’
a “પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણો” શૃંખલામાં હવે પછીના લેખમાં ધીરજના ગુણ વિશે ચર્ચા કરવામાં આવશે.
b વધુ માહિતી માટે “આનંદ વધારવાની બીજી રીતો” બૉક્સ જુઓ.