જીવન સફર
યહોવા માટે બધું જ શક્ય છે
‘મરણ હશે જ નહિ, અને ગુજરી ગયેલાઓને પણ ફરી જીવતા કરવામાં આવશે.’ એ શબ્દો બસમાં મુસાફરી કરી રહેલી મારી પત્ની મિરામબૂબૂના કાને પડ્યા. તે વધુ જાણવા આતુર થઈ. બસ થોભી અને મુસાફરો ઊતર્યા. તરત જ મારી પત્ની એ બહેનની પાછળ ગઈ, જે કોઈકને બસમાં એ શબ્દો કહી રહ્યાં હતાં. એ બહેન યહોવાના સાક્ષી હતાં, જેમનું નામ અપૂન મામબેતસેડીકોવા હતું. એ સમયે સાક્ષીઓ સાથે વાત કરવી પણ જોખમકારક હતું. પરંતુ, પછીથી અમે બહેન અપૂન પાસેથી જે કંઈ સાંભળ્યું એનાથી અમારું જીવન બદલાઈ ગયું.
વહેલી સવારથી મોડી સાંજ સુધી કાળી મજૂરી
સાલ ૧૯૩૭માં કિર્ગિઝસ્તાનના તૉકમૉક વિસ્તાર નજીક કાલખોસમાં એક ખેડૂતના કુટુંબમાં હું જન્મ્યો હતો. સરકારની દેખરેખ હેઠળ આવેલાં સામૂહિક ખેતરોને કાલખોસ કહેવામાં આવતાં. અમે કિર્ગિઝ હતા અને એ જ ભાષા બોલતા. મારાં માબાપ ખેતરોમાં (કાલખોસમાં) સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરતાં. એ સમયે ખેતમજૂરોને નિયમિત ખોરાક પુરવઠો આપવામાં આવતો, પણ પગાર વર્ષમાં એક જ વાર મળતો. મારો અને મારી બહેનનો ઉછેર કરવામાં મારી માતાને ઘણી મુશ્કેલી વેઠવી પડતી. એટલે પાંચ વર્ષ ભણ્યા પછી, હું પણ આખા દિવસની મજૂરી કરવા લાગ્યો.
ટેસ્કેય અલા-તૂ પર્વતમાળા
અમે જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં, દૂર દૂર સુધી બસ ગરીબી જ ગરીબી હતી. ત્યાંના લોકોને બે છેડા ભેગા કરતા નાકે દમ આવી જતો. યુવાનીમાં, જીવનના હેતુ વિશે કે પછી ભાવિ વિશે મેં ક્યારેય વિચાર્યું જ ન હતું. મને સપનેય ખ્યાલ ન હતો કે યહોવા ઈશ્વર અને તેમના હેતુ વિશેનું અદ્ભુત અને અનમોલ સત્ય મારું જીવન બદલી નાખશે. સત્યનો એ સંદેશો અમારા દેશ કિર્ગિઝસ્તાન સુધી કઈ રીતે પહોંચ્યો અને ફેલાયો, એ જાણવા જેવી કહાની છે. એ કહાનીની શરૂઆત ઉત્તર કિર્ગિઝસ્તાનમાં આવેલા મારા વતનથી થઈ.
દેશવટો થયેલા લોકો લાવ્યા સત્ય
૧૯૫૦ના દાયકામાં સત્યનું બીજ કિર્ગિઝસ્તાનમાં રોપાયું. પરંતુ, એક પ્રબળ વિચારધારા સામે સત્યએ ટક્કર લેવાની હતી. આજનું કિર્ગિઝસ્તાન એ સમયે સોવિયેત યુનિયનનો ભાગ હતું. આખા સોવિયેત યુનિયનમાં યહોવાના સાક્ષીઓ રાજકીય બાબતોમાં ભાગ ન લેતા અને નિષ્પક્ષ રહેતા હતા. (યોહા. ૧૮:૩૬) તેથી, તેઓને સોવિયેત યુનિયનના દુશ્મનો ગણીને સતાવવામાં આવતા હતા. જોકે, નેક દિલના લોકો સુધી ઈશ્વરના સંદેશાને પહોંચતા કોઈ ન અટકાવી શકે, કોઈ વિચારધારા પણ નહિ! સાચે જ, મારા જીવનના અનુભવો પરથી હું ઘણી બાબતો શીખ્યો છું, એમાંની એક છે કે યહોવા માટે “બધું જ શક્ય છે.”—માર્ક ૧૦:૨૭.
એમીલ યાન્ટઝેન
યહોવાના સાક્ષીઓની સતાવણી થઈ તેમ તેઓ કિર્ગિઝસ્તાનમાં ફેલાતા ગયા. એવું કઈ રીતે બન્યું? એ વખતે સાઇબિરિયા પણ સોવિયેત યુનિયનનો ભાગ હતું. દેશના દુશ્મનોને ત્યાં મોકલી દેવામાં આવતા હતા. દેશવટો પામેલા લોકોને જ્યારે મુક્ત કરવામાં આવ્યા, ત્યારે ઘણા લોકો કિર્ગિઝસ્તાનમાં આવીને વસ્યા. એમાંના અમુક સત્ય લઈને આવ્યા. એવા એક ભાઈ એમીલ યાન્ટઝેન હતા. તેમનો જન્મ ૧૯૧૯માં કિર્ગિઝસ્તાનમાં થયો હતો. તે મજૂર છાવણીમાં હતા ત્યારે, તેમની મુલાકાત યહોવાના સાક્ષીઓ સાથે થઈ હતી. ભાઈ એમીલે સત્ય સ્વીકાર્યું અને ૧૯૫૬માં પોતાના વતન પાછા ફર્યા. મારા વિસ્તારમાં આવેલા ઝોકુલુક નજીક તે વસ્યા. ૧૯૫૮માં ઝોકુલુકમાં કિર્ગિઝસ્તાનનું પ્રથમ મંડળ સ્થપાયું.
વિક્ટર વિન્ટર
એક વર્ષ પછી, વિક્ટર વિન્ટર નામના ભાઈ ઝોકુલુકમાં આવ્યા. આ વફાદાર ભાઈએ અવારનવાર ઘણી તકલીફો ને સતાવણીઓ વેઠી હતી. નિષ્પક્ષ રહેવા બદલ તેમને બે વાર ત્રણ વર્ષની કેદ અને એ પછી બીજાં દસ વર્ષની કેદ થઈ હતી. પછી તેમણે પાંચ વર્ષનો દેશવટો ભોગવવો પડ્યો. જોકે, આવી આકરી સતાવણી પણ સાચી ભક્તિને ફેલાતા રોકી શકી નહિ.
સત્યનો સંદેશો પહોંચ્યો અમારા વતનમાં
એડવર્ડ વાર્ટર
૧૯૬૩ સુધીમાં તો કિર્ગિઝસ્તાનમાં યહોવાના સાક્ષીઓની સંખ્યા ૧૬૦ જેટલી થઈ ગઈ. તેઓમાંના ઘણા લોકો મૂળ જર્મની, યુક્રેઇન અને રશિયાના હતા. એમાંના એક ભાઈ એડવર્ડ વાર્ટર હતા, જેમને દેશવટો આપવામાં આવ્યો હતો. તેમણે ૧૯૨૪માં જર્મનીમાં બાપ્તિસ્મા લીધું હતું. એ પછી ૧૯૪૦ના દાયકામાં, નાઝી સરકારે તેમને જુલમી છાવણીમાં મોકલ્યા હતા. એનાં અમુક વર્ષો પછી સોવિયેત યુનિયનના સામ્યવાદીઓએ તેમને દેશવટો આપ્યો હતો. ૧૯૬૧માં ભાઈ એડવર્ડ મારા શહેરની નજીક આવેલા કાન્ત નામના ગામમાં રહેવા આવ્યા હતા.
એલીઝાબેથ ફોટ; અકસામા સુલ્તાનાલેઇવા
કાન્ત ગામમાં એલીઝાબેથ ફોટ નામનાં એક બહેન પણ રહેતાં હતાં, જે યહોવાના વફાદાર સેવક હતાં. એ બહેન કપડાં સીવીને પોતાનું ગુજરાન ચલાવતાં. એ કામમાં બહેન ખૂબ કુશળ હોવાથી ડૉક્ટર અને શિક્ષક જેવા લોકો તેમનાં ગ્રાહક હતા. અકસામા સુલ્તાનાલેઇવા નામની એક સ્ત્રી પણ આ બહેન પાસેથી કપડાં સીવડાવતી હતી. અકસામાનો પતિ સરકારી વકીલની કચેરીમાં એક અધિકારી હતો. અકસામા આમ તો કપડાં સીવડાવવા એલીઝાબેથ પાસે આવતી પણ તે ઘણા સવાલો પૂછતી. જીવનના હેતુ વિશે અને ગુજરી ગયેલા લોકોનું શું થાય છે, એ વિશે તે પૂછતી હતી. એલીઝાબેથ તેના બધા સવાલોના જવાબ બાઇબલમાંથી આપતાં. આમ, અકસામા રાજ્યની ખુશખબરની એક ઉત્સાહી પ્રચારક બની હતી.
નિકોલાઈ શિમ્પૌશ
આશરે એ જ સમયમાં, નિકોલાઈ શિમ્પૌશ નામના ભાઈની નિમણૂક સરકીટ નિરીક્ષક તરીકે થઈ. તે મૉલ્ડોવા દેશના હતા અને લગભગ ૩૦ વર્ષો સુધી તેમણે એ સેવા આપી હતી. ભાઈ નિકોલાઈ મંડળોની મુલાકાત લેવાની સાથે સાથે આપણાં સાહિત્યની નકલો તૈયાર કરાવવાનું અને એના વિતરણનું કામ પણ હાથ ધરતા. તેમની આ બધી પ્રવૃત્તિઓ અધિકારીઓની નજર બહાર ગઈ નહિ. એટલે ભાઈ એડવર્ડ વાર્ટરે ભાઈ નિકોલાઈને ઉત્તેજન આપતા કહ્યું: ‘અધિકારીઓ જો તમને પૂછે તો સાફ કહી દેજો કે આપણું સાહિત્ય બ્રુકલિનમાં આવેલા મુખ્ય મથકેથી આવે છે. કેજીબી એજન્ટની સાથે નજર મિલાવીને વાત કરજો. એમાં ડરવા જેવું કંઈ નથી.’—માથ. ૧૦:૧૯.
આ વાતચીતના થોડા સમય પછી નિકોલાઈને કાન્તમાં આવેલા કેજીબીના મુખ્યમથકે બોલાવવામાં આવ્યા. તેમણે એ વિશે જણાવ્યું: ‘એજન્ટે મને પૂછ્યું કે તમારું સાહિત્ય ક્યાંથી આવે છે. મેં તેને જણાવ્યું કે બ્રુકલિનથી આવે છે. એ સાંભળીને તેનું મગજ બહેર મારી ગયું, તેને સૂઝ્યું નહિ કે આગળ શું પૂછવું. તેણે મને જવા દીધો અને ફરી ક્યારેય બોલાવ્યો નહિ.’ આવા નીડર સાક્ષીઓએ ઉત્તર કિર્ગિઝસ્તાનના મારા વિસ્તારમાં સાવધ રીતે ખુશખબર ફેલાવવાનું કામ ચાલુ રાખ્યું. આખરે ૧૯૮૧માં સત્ય મારા ઘરે આવ્યું. અમારા ઘરમાંથી સૌથી પહેલા મારી પત્ની મિરામબૂબૂએ સત્ય સાંભળ્યું.
મારી પત્ની સત્યને તરત પારખી ગઈ
મારી પત્ની કિર્ગિઝસ્તાનના નારન વિસ્તારથી છે. ઑગસ્ટ ૧૯૭૪માં, એક દિવસે તે મારી બહેનના ઘરે આવી હતી, ત્યાં અમારી પહેલી મુલાકાત થઈ. તે તરત જ મારી નજરમાં વસી ગઈ અને અમે એ જ દિવસે લગ્ન કરી લીધા.
અપૂન મામબેતસેડીકોવા
જાન્યુઆરી ૧૯૮૧માં મારી પત્ની મિરામબૂબૂ બસમાં બેસી નજીકના બજારમાં જતી હતી. આપણે શરૂઆતમાં જેના વિશે જોઈ ગયા, એ વાતચીત ત્યારે તેને કાને પડી હતી. તે વધુ જાણવા માંગતી હોવાથી તેણે એ બહેનનું નામ અને સરનામું પૂછ્યું. એ બહેને જણાવ્યું કે તેમનું નામ અપૂન છે. પણ, એ સમયે યહોવાના સાક્ષીઓની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોવાથી તે સાવચેતીપૂર્વક વર્ત્યાં. પોતાનું સરનામું આપવાને બદલે તેમણે અમારું સરનામું લીધું. મારી પત્ની હરખાતી હરખાતી ઘરે આવી.
તેણે કહ્યું, ‘માનવામાં નહિ આવે એવી વાત આજે મેં સાંભળી. એક બહેને મને કહ્યું કે એવો સમય જલદી જ આવવાનો છે, જ્યારે લોકો મરશે જ નહિ. અરે, ખૂંખાર પ્રાણીઓ પણ પાલતુ પ્રાણીઓ જેવા બની જશે.’ મને તો એ બધું પરીઓની વાર્તાઓ જેવું જ લાગ્યું. મેં કહ્યું, ‘હમ્મ, પહેલા એ બહેન આવીને વધુ વિગતો જણાવે એની રાહ જોઈએ.’
ત્રણ મહિના પછી બહેન અપૂન અમારા ઘરે આવ્યા અને એ પછી મુલાકાતો ચાલુ રહી. એ મુલાકાતો દરમિયાન અમે એવા સાક્ષીઓને મળ્યા, જેઓએ કિર્ગિઝ લોકોમાંથી સૌપ્રથમ સત્ય સ્વીકાર્યું હતું. યહોવા અને મનુષ્યો માટેના તેમના હેતુ વિશેનું અજોડ સત્ય આ બહેનોએ અમને જણાવ્યું. તેઓ ફ્રોમ પેરેડાઈસ લૉસ્ટ ટુ પેરેડાઈસ રીગેઈન્ડ નામના પુસ્તકમાંથી અમારો અભ્યાસ લેતાં.a એ વખતે અમારા વિસ્તારમાં એ પુસ્તકની ફક્ત એક જ પ્રત હતી, એટલે અમે હાથે લખીને પોતાના માટે નકલો બનાવતા.
સૌપ્રથમ શીખેલા સત્યોમાં એક હતું, ઉત્પત્તિ ૩:૧૫માંની ભવિષ્યવાણી. અમે શીખ્યા કે ઈસુ જ્યારે ઈશ્વરથી નિમાયેલા રાજા બનશે, ત્યારે એ ભવિષ્યવાણી પૂરી થશે. અમને લાગ્યું કે, આ મહત્ત્વનો સંદેશો તો સૌએ જાણવો જ જોઈએ માટે અમે એને જાહેર કરવામાં જોડાઈ ગયા. (માથ. ૨૪:૧૪) જલદી જ, બાઇબલ સત્યને લીધે અમારા જીવનમાં બદલાણ થવા લાગ્યું.
સભાઓ અને બાપ્તિસ્મા પર પ્રતિબંધ
તૉકમૉકમાં એક યહોવાના સાક્ષી ભાઈએ અમને લગ્નમાં આવવાનું આમંત્રણ આપ્યું. ત્યાં અમે જોઈ શક્યા કે યહોવાના સાક્ષીઓ દુનિયાના લોકો કરતાં જુદા છે. એ લગ્નમાં નશીલા પીણાં ન હતાં. ઉજવણી વ્યવસ્થાપૂર્વક પાર પાડવામાં આવી. બીજાં બધા લગ્નોથી એ કેટલું જુદું હતું! બીજાં લગ્નોમાં બેફામ નશો અને અસભ્ય વ્યવહાર કરવો તેમજ વાતે વાતે ગાળો બોલવી લોકો માટે સામાન્ય હતું.
તૉકમૉકમાં અમે યહોવાના સાક્ષીઓની અમુક સભાઓમાં પણ ગયા. મોસમ પરવાનગી આપે ત્યારે આ સભાઓ જંગલોમાં યોજાતી. ભાઈ-બહેનો જાણતાં હતાં કે પોલીસ તેઓ પર ચાંપતી નજર રાખે છે, એટલે એક ભાઈને ચોકી કરવાની સોંપણી આપી હતી. શિયાળામાં અમે સભા માટે કોઈના ઘરે ભેગા થતા. કેટલીક વાર પોલીસ આવીને અમારી પૂછપરછ કરતી. મેં અને મિરામબૂબૂએ જુલાઈ ૧૯૮૨માં શૂય નદીમાં બાપ્તિસ્મા લીધું. એ વખતે ખૂબ સાવચેત રહેવું પડતું. (માથ. ૧૦:૧૬) એ સમયે, થોડાં ભાઈ-બહેનો જંગલમાં ભેગાં થયાં હતાં. ત્યાં અમે રાજ્યગીતો ગાયાં અને સમર્પણનું પ્રવચન સાંભળ્યું હતું.
પ્રચારકાર્યમાં વધુ કરવાની અમે તક ઝડપી લીધી
વર્ષ ૧૯૮૭માં એક ભાઈએ મને બાલીક્તશી શહેરમાં રહેતી, રસ ધરાવનાર વ્યક્તિની મુલાકાત લેવા જણાવ્યું. ઘરેથી ત્યાં જવા મારે ટ્રેનમાં ૪ કલાક મુસાફરી કરવી પડતી. આવી અમુક મુલાકાતો બાદ અમને લાગ્યું કે ત્યાં ઘણા લોકોને સત્ય જાણવામાં રસ છે. પ્રચારકાર્યમાં વધુ કરવાની અમારા માટે આ એક તક હતી.
અમે પતિ-પત્ની ઘણી વાર બાલીક્તશી જતાં હતાં. અમે મોટાભાગના શનિ-રવિ ત્યાં જ ગુજારતાં, પ્રચાર કરતાં અને સભાઓ ગોઠવતાં. એ સમયે આપણાં સાહિત્યની માંગ ખૂબ વધી ગઈ હતી. અમે તૉકમૉકથી એક મિશોકમાં, એટલે કે બટાકા ભરવાના કોથળામાં આપણું સાહિત્ય લઈ જતાં. સાહિત્યની માંગ એટલી હતી કે દર મહિને બે કોથળાં ભરેલું સાહિત્ય પણ ઓછું પડતું. ત્યાં જતી અને આવતી વખતે પણ અમે ટ્રેનમાં મુસાફરોને પ્રચાર કરતાં.
બાલીક્તશી શહેરની અમારી પ્રથમ મુલાકાતના આઠ વર્ષ પછી, ૧૯૯૫માં ત્યાં એક મંડળ શરૂ થયું. તૉકમૉકથી બાલીક્તશી શહેરની મુસાફરી કરવામાં ઘણા પૈસા લાગતા. જ્યારે કે અમે તો પૈસેટકે સાવ સાધારણ લોકો હતાં. તો પછી અમે એ ખર્ચો કઈ રીતે પહોંચી વળ્યા? એક ભાઈ અમને નિયમિત રીતે અમુક રકમ આપતા, જેમાંથી અમારો ખર્ચો નીકળી જતો. યહોવા જોઈ શક્યા કે, વધુ પ્રચારકાર્ય કરવાની અમારા દિલની તમન્ના છે. તેથી, તેમણે અમારા માટે “આકાશની બારીઓ ખોલી નાખી.” (માલા. ૩:૧૦) ખરેખર, યહોવા માટે બધું જ શક્ય છે!
કૌટુંબિક જવાબદારીઓ અને પ્રચારકાર્યમાં વ્યસ્ત
૧૯૯૨માં મંડળમાં સેવા આપવા મને વડીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો, હું સૌથી પહેલો કિર્ગિઝ વડીલ હતો. મારા વતન તૉકમૉકમાં સેવાના નવાં દ્વારો ખુલી ગયાં. ત્યાં ભણતા યુવાન કિર્ગિઝ વિદ્યાર્થીઓ સાથે અમે બાઇબલ અભ્યાસ કરવા લાગ્યાં. એમાંનો એક વિદ્યાર્થી તો આજે શાખા સમિતિમાં સેવા આપે છે અને બીજા બે ખાસ પાયોનિયર છે. અમે સભાઓમાં બીજાઓને મદદ કરવાની તક પણ ઝડપી લેતાં. દાખલા તરીકે, ૧૯૯૦ના દાયકાની શરૂઆતમાં અમારી સભાઓ રશિયન ભાષામાં થતી અને સાહિત્ય પણ એ જ ભાષામાં મળતું. જ્યારે કે, એ સમયે મંડળમાં કિર્ગિઝ બોલતા લોકોની સંખ્યા વધી રહી હોવાથી હું તેઓ માટે ભાષાંતર કરતો. આમ, તેઓને સત્ય સહેલાઈથી સમજવા મદદ મળતી.
૧૯૮૯માં મારી પત્ની અને આઠ બાળકો સાથે
હું અને મારી પત્ની બાળકોનાં ઉછેર માટે પણ સમય કાઢતાં હતાં. અમારું કુટુંબ વધી રહ્યું હોવાથી અમે ઘણા વ્યસ્ત રહેતાં હતાં. અમે બાળકોને નિયમિત રીતે પ્રચારમાં અને સભાઓમાં લઈ જતાં. અમારી દીકરી ગુલસાયરા ત્યારે ફક્ત ૧૨ વર્ષની હતી. તેને રસ્તા પર અવરજવર કરતા લોકો જોડે વાત કરવામાં અને બાઇબલ વિશે જણાવવામાં મજા આવતી. અમારાં બાળકોને બાઇબલની કલમો મોઢે કરવી પણ ખૂબ ગમતું. આમ, અમારાં બાળકો અને પછી તેઓનાં બાળકો મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં હતાં. હાલ, અમારાં ૯ બાળકો અને ૧૧ પૌત્ર-પૌત્રીઓ છે. એમાંથી ૧૬ વ્યક્તિઓ યહોવાની સેવા કરે છે અથવા માબાપ સાથે સભાઓમાં જાય છે.
મોટાં બદલાણો
અમારા વિસ્તારમાં જે ભાઈ-બહેનોએ ૧૯૫૦ના દાયકામાં યહોવાનું કામ શરૂ કર્યું હતું, તેઓને અહીં થયેલાં બદલાણો જોઈને નવાઈ લાગશે. એમાંનું એક છે કે, ૧૯૯૦ના દાયકાથી અમે વધુ છૂટથી ખુશખબરનો પ્રચાર કરી શકીએ છીએ, તેમ જ મોટી સંખ્યામાં ભેગા મળી શકીએ છીએ.
મારી પત્ની સાથે પ્રચારકાર્યમાં
૧૯૯૧માં હું મારી પત્ની સાથે અલ્મા-અતામાં થયેલા પ્રથમ સંમેલનમાં ગયો હતો. કઝાખસ્તાનમાંનું અલ્મા-અતા હવે અલમેતી તરીકે ઓળખાય છે. કિર્ગિઝસ્તાનનું સૌથી પહેલું સંમેલન ૧૯૯૩માં બિશકેક શહેરના સ્પાર્તાક સ્ટેડિયમમાં યોજાયું હતું. એ સ્ટેડિયમ સાફ કરવા પ્રકાશકોને આખું એક અઠવાડિયું લાગ્યું હતું. એ જોઈને ત્યાંનો ડિરેક્ટર એટલો ખુશ થયો હતો કે તેણે ભાડું લીધું નહિ.
સાલ ૧૯૯૪માં અમે બીજું એક શિખર સર કર્યું, કિર્ગિઝ ભાષામાં સૌથી પહેલું સાહિત્ય છાપવામાં આવ્યું. બિશકેકમાં આવેલી શાખા કચેરીમાં હવે આપણા સાહિત્યનો નિયમિત રીતે કિર્ગિઝ ભાષામાં અનુવાદ થાય છે. એટલું જ નહિ, પણ ૧૯૯૮માં આપણા કામને કિર્ગિઝસ્તાનમાં કાયદેસરની પરવાનગી મળી છે. સંગઠન વૃદ્ધિ પામી રહ્યું છે અને હવે અહીંયા ૫,૦૦૦થી વધુ પ્રકાશકો છે. આ દેશમાં ૮૩ મંડળો અને ૨૫ ગ્રૂપ છે, જે ચીની, અંગ્રેજી, કિર્ગિઝ, રશિયન, રશિયન સાઇન લેંગ્વેજ, ટર્કીશ, ઉગર અને ઉઝબેક ભાષાઓમાં છે. જુદા જુદા સમાજમાંથી આવેલાં આ ભાઈ-બહેનો સંપીને યહોવાની સેવા કરે છે. આટલાં મોટાં બદલાણો કોના લીધે શક્ય બન્યાં? યહોવાના લીધે જ તો!
યહોવાએ મારું જીવન બદલી નાંખ્યું. હું તો એક ગરીબ કુટુંબમાં જન્મેલો તથા ફક્ત પાંચ ચોપડી ભણેલો હોવા છતાં, યહોવાએ મને વડીલ તરીકેની જવાબદારી આપી. તેમ જ, લોકોને અનમોલ સત્ય જણાવવામાં તેમણે મારો ઉપયોગ કર્યો, એ પણ એવા લોકોને જેઓ મારા કરતાં ઘણા વધારે ભણેલા હતા. સાચે જ, યહોવા અશક્યને પણ શક્ય બનાવી શકે છે. મારો પોતાનો અનુભવ મને યહોવા વિશે વફાદારીથી સાક્ષી આપવા સતત પ્રેરે છે. એવા ઈશ્વર, જેમના માટે “બધું જ શક્ય છે.”—માથ. ૧૯:૨૬.
a યહોવાના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક, જે હવે છાપવામાં આવતું નથી.