વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 મે પાન ૨૭-૩૧
  • યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • મથાળાં
  • સરખી માહિતી
  • “સત્યનો પટ્ટો”
  • “નેકીનું બખતર”
  • “શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા”
  • “શ્રદ્ધાની મોટી ઢાલ”
  • “ઉદ્ધારનો ટોપ”
  • “પવિત્ર શક્તિની તલવાર,” ઈશ્વરનો શબ્દ
  • યહોવા કઈ રીતે આપણું રક્ષણ કરે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • ‘ઈશ્વરનાં સર્વ હથિયારો સજી લો’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • આપણે દુષ્ટ દૂતો સામે કઈ રીતે લડી શકીએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • “શ્રદ્ધાની મોટી ઢાલ” મજબૂત પકડી રાખો!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 મે પાન ૨૭-૩૧
રોમન સૈનિકે બધાં હથિયાર પહેરી લીધાં છે

યુવાનો—શેતાન સામે દૃઢ ઊભા રહો

“ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લો, જેથી તમે શેતાનનાં કાવતરાં સામે દૃઢ ઊભા રહી શકો.”—એફે. ૬:૧૧.

ગીતો: ૧૩૯, ૫૫

તમે કેવો જવાબ આપશો?

  • ઈશ્વરે આપેલા હથિયારો કયા છે?

  • શા માટે આપણે દરેક હથિયાર પહેરી લેવા જોઈએ?

  • યુવાનોના દાખલા પરથી આપણને શું શીખવા મળે છે?

૧, ૨. (ક) કઈ રીતે યુવાનો શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે લડાઈ જીતી રહ્યા છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) આપણે શાની ચર્ચા કરીશું?

પ્રેરિત પાઊલે ઈશ્વરભક્તની સરખામણી સૈનિક સાથે કરી હતી. આપણે દુશ્મનો સામે યુદ્ધ લડી રહ્યા છીએ. પરંતુ, આપણું યુદ્ધ મનુષ્યો સામે નહિ, પણ શેતાન અને તેના દુષ્ટ દૂતો સામે છે. તેઓ હજારો વર્ષોથી યોદ્ધાઓ છે અને સારા લડવૈયા છે. તેથી, કદાચ લાગે કે આપણે એ યુદ્ધ જીતી શકીશું નહિ. ખાસ કરીને, યુવાનોને એવું વધારે લાગી શકે. શું યુવાનો એવા શક્તિશાળી દુશ્મનો સામે જીતી શકે? હા, તેઓ જીતી શકે છે અને જીતી રહ્યા પણ છે! કઈ રીતે? યહોવા તરફથી મળતી શક્તિથી. તેઓ યુદ્ધ માટે પોતાને તૈયાર કરે છે. તાલીમ પામેલા સૈનિકની જેમ, તેઓ ‘ઈશ્વરે આપેલાં બધાં હથિયાર પહેરી લે છે.’—એફેસીઓ ૬:૧૦-૧૨ વાંચો.

૨ પાઊલે એ ઉદાહરણ આપ્યું ત્યારે, તેમણે રોમન સૈનિકનાં બધાં હથિયારનો વિચાર કર્યો હશે. (પ્રે.કા. ૨૮:૧૬) આ લેખમાં આપણે એ અદ્‍ભુત ઉદાહરણની ચર્ચા કરીશું. વધુમાં, ઈશ્વરે આપેલાં હથિયાર પહેરવાથી આવતી મુશ્કેલીઓ અને થતા ફાયદાઓ વિશે યુવાનો શું કહે છે, એ પણ જોઈશું.

એક યુવાન બહેનને પોતાના જીવનમાં ભક્તિના બધા હથિયાર પહેરવાની જરૂર પડે છે

શું તમે બધાં હથિયાર પહેરી લીધાં છે?

“સત્યનો પટ્ટો”

૩, ૪. કઈ રીતે બાઇબલ સત્ય રોમન સૈનિકના પટ્ટા જેવું છે?

૩ એફેસીઓ ૬:૧૪ વાંચો. રોમન સૈનિકના પટ્ટામાં ધાતુનું પતરું હતું, જેથી સૈનિકની કમરનું રક્ષણ થતું અને ભારે બખતર એની જગ્યાએ ફિટ રહેતું. અમુક પટ્ટામાં મજબૂત કડીઓ પણ હતી, જેથી તલવાર અથવા કટાર લટકાવી શકાતી. પટ્ટો ફિટ બાંધવાથી સૈનિક પૂરા ભરોસા સાથે યુદ્ધના મેદાનમાં ઊતરી શકતો.

૪ બાઇબલનું સત્ય સૈનિકના પટ્ટા જેવું છે. કેમ કે, એ જૂઠાં શિક્ષણથી આપણું રક્ષણ કરે છે. (યોહા. ૮:૩૧, ૩૨; ૧ યોહા. ૪:૧) બાઇબલ સત્યને પ્રેમ કરવાનું શીખતા જઈશું તેમ, ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવવું એટલે કે “બખતર” પહેરવું સહેલું થઈ પડશે. (ગીત. ૧૧૧:૭, ૮; ૧ યોહા. ૫:૩) તેમ જ, એ સત્યો સારી રીતે સમજવા લાગીશું તેમ, આપણે દુશ્મનોને યોગ્ય જવાબ આપી શકીશું.—૧ પીત. ૩:૧૫.

૫. આપણે શા માટે સાચું બોલવું જોઈએ?

૫ બાઇબલનું સત્ય પટ્ટાની જેમ આપણા ફરતે વીંટાળેલું હશે તો, આપણે એની સુમેળમાં જીવવા પ્રેરાઈશું. એટલું જ નહિ, પણ હરવખત આપણે સત્ય બોલવા પ્રેરાઈશું. શા માટે આપણે જૂઠું બોલવાનું ટાળીશું? કારણ કે, જૂઠાણું શેતાનનું સૌથી મોટું હથિયાર છે. જૂઠું બોલવાથી વ્યક્તિને પોતાને નુકસાન થાય છે. એટલું જ નહિ, એ જૂઠાણાને સાચું માની લેનારને પણ નુકસાન થાય છે. (યોહા. ૮:૪૪) ભલે આપણે સંપૂર્ણ નથી, છતાં સાચું બોલવાનો પ્રયત્ન કરીએ છીએ. (એફે. ૪:૨૫) હંમેશાં સાચું બોલવું, એ એક પડકાર બની શકે છે. ૧૮ વર્ષની અબીગાઈલ જણાવે છે: ‘સાચું બોલવાથી કદાચ અમુક વાર લાગે કે ફાયદો થશે નહિ. જૂઠું બોલીને અઘરા સંજોગોમાંથી બહાર નીકળી જવાતું હોય ત્યારે ખાસ એવું લાગે છે.’ તો પછી તે શા માટે હંમેશાં સાચું બોલવાની કોશિશ કરે છે? તે આગળ કહે છે કે, ‘જ્યારે હું સાચું બોલું છું, ત્યારે યહોવા સામે શુદ્ધ અંતઃકરણ રાખી શકું છું. માતા-પિતા અને મિત્રો મારા પર ભરોસો મૂકી શકે છે.’ ૨૩ વર્ષની વિક્ટોરિયા જણાવે છે: ‘જ્યારે તમે સાચું બોલો છો અને પોતાની માન્યતા વિશે હિંમતથી જણાવો છો, ત્યારે કદાચ તમને સતાવવામાં આવે. પરંતુ, એનાથી તમને હંમેશાં ફાયદો થશે. જેમ કે, તમે આત્મવિશ્વાસ કેળવી શકશો, યહોવાના પાકા મિત્રો બની શકશો અને તમારાં સ્નેહીજનો તમને માનની નજરે જોશે.’ સાચે જ, તમે હંમેશાં “તમારી કમરે સત્યનો પટ્ટો” બાંધવા મહેનત કરશો તો, એ મહેનત રંગ લાવશે.

યુવાન બહેન સૃષ્ટિ વિશે પોતાની માન્યતા શિક્ષકને સમજાવે છે

સત્યનો પટ્ટો (ફકરા ૩-૫ જુઓ)

“નેકીનું બખતર”

૬, ૭. શા માટે નેકીને બખતર સાથે સરખાવવામાં આવી છે?

૬ રોમન સૈનિકનું બખતર કદાચ લોખંડની આડી પટ્ટીઓથી બનતું હતું. પટ્ટીઓને એ રીતે વાળવામાં આવતી કે, જેથી પટ્ટીઓ છાતી ફરતે એકદમ બંધબેસતી. લોખંડની પટ્ટીઓને ચામડાના પટ્ટાઓ સાથે જોડવામાં આવતી હતી. એ લોખંડની પટ્ટીઓમાં ધાતુની કડીઓ અને આંકડાઓ હતાં. સૈનિકનો ખભો પણ લોખંડની પટ્ટીઓથી ઢંકાયેલો રહેતો. એ પટ્ટીઓ પણ ચામડાં સાથે જોડાયેલી હતી. બખતર પહેરવાને કારણે સૈનિક બહુ હલનચલન કરી શકતો નહિ. ઉપરાંત, તેણે નિયમિત રીતે ધ્યાન રાખવું પડતું કે બખતર એની જગ્યાએ જ રહે. પરંતુ, બખતરના લીધે તેનાં હૃદય અને બીજાં અંગોનું તલવાર અને તીર જેવાં તીક્ષ્ણ હથિયારોથી રક્ષણ થતું હતું!

૭ યહોવાનાં નેક ધોરણો એક બખતરની જેમ આપણા ‘હૃદયનું’ એટલે કે મનનું રક્ષણ કરે છે. (નીતિ. ૪:૨૩) એક સૈનિક લોખંડના બખતરને બદલે હલકી ધાતુનું બખતર ક્યારેય નહિ પહેરે. એવી જ રીતે, જે ખરું છે એ વિશેનાં યહોવાનાં ધોરણોને બદલે, પોતાની નજરે જે ખરું છે એ આપણે ક્યારેય નહિ કરીએ. આપણા હૃદયનું રક્ષણ કરવા પોતાની બુદ્ધિ પર આધાર નહિ રાખીએ. (નીતિ. ૩:૫, ૬) તેથી, “બખતર” આપણાં હૃદયનું રક્ષણ કરે છે કે નહિ, એની હંમેશાં તપાસ કરતા રહેવું જોઈએ.

૮. શા માટે આપણે યહોવાનાં ધોરણો પાળવાં જોઈએ?

૮ શું તમને કોઈ વાર એવું લાગે છે કે, યહોવાનાં ધોરણોથી તમારી સ્વતંત્રતા છીનવાઈ જાય છે અથવા પોતાની મરજી પ્રમાણે કરી શકતા નથી? ૨૧ વર્ષનો દાનિયેલ કહે છે: ‘હું બાઇબલ ધોરણો પ્રમાણે જીવતો હોવાથી શિક્ષકો અને સાથી વિદ્યાર્થીઓ મારી મજાક ઉડાવતા. થોડા સમય માટે મેં આત્મવિશ્વાસ ગુમાવી દીધો હતો અને હું નિરાશ થઈ ગયો હતો.’ પણ હવે તેને કેવું લાગે છે? તે કહે છે: ‘સમય જતાં, હું જોઈ શક્યો કે યહોવાનાં ધોરણો પ્રમાણે જીવવાથી ફાયદો થાય છે. મારા અમુક “મિત્રો” ડ્રગ્સ લેવા લાગ્યાં. બીજા અમુકે સ્કૂલનું ભણતર છોડી દીધું. હવે તેઓનું જીવન જોઈને મને દુઃખ થાય છે. સાચે જ, યહોવા આપણું રક્ષણ કરે છે.’ ૧૫ વર્ષની મેડિસન કહે છે: ‘સાથી વિદ્યાર્થીઓ મોજમજા માણવામાં રચ્યાપચ્યા રહે છે. એ બધાથી દૂર રહીને યહોવાનાં ધોરણોને વળગી રહેવું મારા માટે એક પડકાર છે.’ એ માટે તે શું કરે છે? તે જણાવે છે: ‘એ હંમેશાં યાદ રાખું છું કે હું યહોવાના નામથી ઓળખાઉં છું. તેમ જ, હું એ પણ ભૂલતી નથી કે સાથી વિદ્યાર્થીઓ મારી સામે જે લાલચો મૂકે છે, એની પાછળ તો હકીકતમાં શેતાનનો હાથ છે. પરંતુ, જ્યારે હું એ પડકારનો હિંમતથી સામનો કરું છું, ત્યારે મને ઘણું સારું લાગે છે.’

યુવાન બહેનને મિત્રો દ્વારા દબાણ થતું હોવા છતાં ધૂમ્રપાન કરવાની ના પાડે છે

નેકીનું બખતર (ફકરા ૬-૮ જુઓ)

“શાંતિની ખુશખબર જણાવવા તૈયાર હોય, એવા જોડા”

૯-૧૧. (ક) ઈશ્વરભક્તોએ કેવા જોડા પહેરવા જોઈએ? (ખ) સહેલાઈથી સાક્ષી આપવા આપણને શું મદદ કરી શકે?

૯ એફેસીઓ ૬:૧૫ વાંચો. એક રોમન સૈનિક માટે જોડાનું ઘણું મહત્ત્વ હતું. તે હંમેશાં યુદ્ધમાં એ પહેરીને જતો. એ જોડા ચામડાનાં ત્રણ પડથી બનાવવામાં આવતા, એટલે એ ઘણા મજબૂત હતા. એ જોડાને લીધે સૈનિક લપસતો ન હતો. એ આરામદાયક અને ટકાઉ હતા.

૧૦ એ જોડા પહેરવાથી રોમન સૈનિકને યુદ્ધ જીતવા મદદ મળતી હતી. એવી જ રીતે, ઈશ્વરે આપેલાં હથિયારોમાંના જોડા પહેરવાથી “શાંતિની ખુશખબર જણાવવા” મદદ મળે છે. (યશા. ૫૨:૭; રોમ. ૧૦:૧૫) જોકે, અમુક વાર ખુશખબર ફેલાવવાનું કામ હિંમત માંગી લે છે. ૨૦ વર્ષનો બો કહે છે કે, ‘સાથી વિદ્યાર્થીને સંદેશો જણાવતા મારા હાંજા ગગડી જતા. મને ઘણી શરમ આવતી. આજે હું વિચારું છું, ખબર નહિ કેમ મને એવું લાગતું હતું. હવે, મને સાથી વિદ્યાર્થીઓને સંદેશો જણાવવામાં ખુશી મળે છે.’

૧૧ ઘણા યુવાનોને જોવા મળ્યું છે કે જો તેઓ અગાઉથી તૈયારી કરે, તો સહેલાઈથી સાક્ષી આપી શકે છે. સારી તૈયારી કરવા તમે શું કરી શકો? ૧૬ વર્ષની જુલિયા કહે છે: ‘મારી બેગમાં હું સાહિત્ય રાખું છું. ક્લાસમાં વિદ્યાર્થીઓ પોતાનાં વિચારો અને માન્યતાઓ જણાવે ત્યારે, હું ધ્યાનથી સાંભળું છું. હું તેઓને કઈ રીતે મદદ કરી શકું, એનો વિચાર કરું છું. તૈયારી કરવાથી હું તેઓ સાથે એવી બાબતો પર વાત કરી શકું છું, જેમાં તેઓને ખાસ મદદની જરૂર હોય.’ ૨૩ વર્ષની મકેન્ઝી જણાવે છે કે, ‘જો તમે પ્રેમાળ અને સારા સાંભળનારા હશો, તો મિત્રોના સંજોગોને સારી રીતે સમજી શકશો. આપણાં સાહિત્યમાંથી યુવાનો માટેની બધી માહિતી હું વાંચી જાઉં છું. એમ કરવાથી હું તેઓનું ધ્યાન બાઇબલ કે પછી jw.org વેબસાઈટ પર દોરી શકું છું.’ ખુશખબર ફેલાવવા માટે તૈયારી કરવી, એ તો જાણે તમારા પગમાં બંધબેસે એવા ‘જોડા’ પહેરવા જેવું છે.

યુવાન બહેન સાથે ભણતા લોકોને સજીવન થવાની આશા વિશે જણાવી રહ્યા છે

તૈયાર હોય, એવા જોડા (ફકરા ૯-૧૧ જુઓ)

“શ્રદ્ધાની મોટી ઢાલ”

૧૨, ૧૩. શેતાનનાં અમુક ‘સળગતાં તીર’ કયાં છે?

૧૨ એફેસીઓ ૬:૧૬ વાંચો. રોમન સૈનિક પોતાની સાથે મોટી લંબચોરસ ઢાલ રાખતો હતો. એ ઢાલ તેના ખભાથી લઈને ઘૂંટણ સુધીનું રક્ષણ કરતી હતી. એ તેને તલવારો, ભાલાઓ અને તીરોથી બચાવતી હતી.

૧૩ શેતાન તમારા પર કયાં ‘સળગતાં તીર’ મારી શકે છે? કદાચ તે તમારી સામે યહોવા વિશે જૂઠાણાંનાં તીર ચલાવે. શેતાન ચાહે છે, તમે એવું વિચારો કે યહોવા તમને પ્રેમ કરતા નથી અને કોઈને તમારી પડી નથી. ૧૯ વર્ષની ઇડા કહે છે: ‘મને ઘણી વાર થતું કે યહોવા મારાથી ઘણા દૂર છે અને તે મારા મિત્ર બનવા માંગતા નથી.’ એવું લાગ્યું ત્યારે તેણે શું કર્યું? તે જણાવે છે કે, ‘સભાઓથી મારી શ્રદ્ધાને નવું જોમ મળતું. અગાઉ હું સભામાં જઈને બેસી રહેતી અને ક્યારેય જવાબ ન આપતી. મને લાગતું કોઈને મારા જવાબ સાંભળવામાં રસ નથી. જોકે, હવે હું સભાની તૈયારી કરું છું અને એક કે બે જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. એ અઘરું છે, પણ એનાથી મારા મનને સંતોષ મળે છે. ઉપરાંત, ભાઈ-બહેનો પણ ઘણું ઉત્તેજન આપે છે. સભામાંથી પાછી ફરું ત્યારે, મને હંમેશાં લાગે છે કે યહોવા મને ખૂબ પ્રેમ કરે છે.’

૧૪. ઇડાના અનુભવથી શું શીખવા મળે છે?

૧૪ સૈનિકની ઢાલનું એક જ માપ હોય છે. પરંતુ, આપણી શ્રદ્ધા માટે એવું હોતું નથી. ઇડાના અનુભવથી એ આપણે જોઈ શકીએ છીએ. પણ આપણી શ્રદ્ધાની ઢાલ વધી શકે છે કે ઘટી શકે છે. એ આપણા હાથમાં છે. (માથ. ૧૪:૩૧; ૨ થેસ્સા. ૧:૩) ‘શ્રદ્ધાની ઢાલથી’ આપણું રક્ષણ થાય માટે જરૂરી છે કે, એને મજબૂત કરતા રહીએ!

યુવાન બહેન સભામાં જવાબ આપે છે

શ્રદ્ધાની મોટી ઢાલ (ફકરા ૧૨-૧૪ જુઓ)

“ઉદ્ધારનો ટોપ”

૧૫, ૧૬. કઈ રીતે આશા ટોપ જેવું કામ કરે છે?

૧૫ એફેસીઓ ૬:૧૭ વાંચો. પોતાનાં માથાનું, ગળાનું અને ચહેરાનું રક્ષણ કરવા રોમન સૈનિક ટોપનો ઉપયોગ કરતો. અમુક ટોપમાં દાંડો હતો, જેથી ટોપ સહેલાઈથી પકડી શકાતો.

૧૬ ટોપ સૈનિકના મગજનું રક્ષણ કરતો હતો. એવી જ રીતે, “તારણની આશા” આપણા વિચારોનું રક્ષણ કરે છે. (૧ થેસ્સા. ૫:૮; નીતિ. ૩:૨૧) આશા આપણને ઈશ્વરનાં વચનો પર ધ્યાન આપવા અને મુશ્કેલીઓને કારણે નિરાશ ન થવા મદદ કરે છે. (ગીત. ૨૭:૧, ૧૪; પ્રે.કા. ૨૪:૧૫) જો આપણે ચાહતા હોઈએ કે “ટોપ” આપણું રક્ષણ કરે, તો જરૂરી છે કે એને હાથમાં નહિ પણ માથા પર રાખીએ!

૧૭, ૧૮. (ક) કઈ રીતે શેતાન આપણને ટોપ કાઢી નાખવા લલચાવી શકે? (ખ) આપણે શેતાનથી છેતરાયા નથી, એ કઈ રીતે સાબિત કરી શકીએ?

૧૭ કઈ રીતે શેતાન આપણને ટોપ કાઢી નાખવા લલચાવી શકે? યાદ કરો કે, તેણે ઈસુને પણ લલચાવવાનો પ્રયત્ન કર્યો હતો. શેતાન જાણતો હતો કે, ઈસુ એક દિવસે માણસજાત પર રાજ કરશે. પણ એ પહેલાં, ઈસુએ મુશ્કેલીઓ સહેવાની હતી અને મરવાનું હતું. પછી, રાજા બનવા માટે ઈસુએ યહોવાનો સમય આવે ત્યાં સુધી રાહ જોવાની હતી. તેથી, શેતાને ઈસુને લાલચ આપી કે તે હમણાં જ રાજા બની શકે છે. શેતાને વચન આપ્યું કે જો ઈસુ ફક્ત એક વાર તેની ભક્તિ કરે, તો બદલામાં તરત જ તે દુનિયાના શાસક બની શકે છે. (લુક ૪:૫-૭) શેતાન એ પણ જાણે છે કે, યહોવાએ આપણને નવી દુનિયામાં અદ્‍ભુત બાબતોનું વચન આપ્યું છે. પરંતુ, એ વચન પૂરું થાય માટે આપણે રાહ જોવાની છે અને પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો કરવાનો છે. એટલે, શેતાન આપણને હમણાં જ આરામદાયક જીવનનો આનંદ માણવાની લાલચ આપે છે. તે ચાહે છે કે, આપણે પોતાની સુખ-સગવડને જીવનમાં પહેલા સ્થાને રાખીએ અને ઈશ્વરના રાજ્યને બીજા સ્થાને ધકેલી દઈએ.—માથ. ૬:૩૧-૩૩.

૧૮ ઘણા ઈશ્વરભક્ત યુવાનો શેતાનની ચાલાકીઓથી છેતરાયા નથી. દાખલા તરીકે, ૨૦ વર્ષની કીઆના કહે છે: ‘મુશ્કેલીઓના હલ માટે હું ફક્ત ઈશ્વરના રાજ્ય પર આશા રાખું છું.’ તેની આશા કઈ રીતે તેનાં વિચારો અને જીવનને અસર કરે છે? એનાથી તેને એ યાદ રાખવા મદદ મળે છે કે આ દુનિયા તો પળ બે પળની છે. આ દુનિયામાં કૅરિયર બનાવવા પાછળ તનતોડ મહેનત કરવાને બદલે, તે પોતાનાં સમય-શક્તિ યહોવાની સેવામાં વાપરે છે.

યુવાન બહેન રાજ્યથી મળનાર આશીર્વાદોની કલ્પના કરે છે

ઉદ્ધારનો ટોપ (ફકરા ૧૫-૧૮ જુઓ)

“પવિત્ર શક્તિની તલવાર,” ઈશ્વરનો શબ્દ

૧૯, ૨૦. બાઇબલનો કઈ રીતે કુશળતાથી ઉપયોગ કરી શકીએ?

૧૯ રોમન સૈનિકો આશરે ૫૦ સે.મી. લાંબી તલવારો વાપરતા હતા. એ સૈનિકો પોતાની તલવાર વાપરવામાં ઘણા પાવરધા હતા. કારણ કે, તેઓ દરરોજ એનો અભ્યાસ કરતા હતા.

૨૦ પ્રેરિત પાઊલે કહ્યું હતું કે બાઇબલ તલવારની જેમ કામ કરે છે. બાઇબલ તો યહોવા તરફથી મળેલી એક ભેટ છે. એનો કુશળતાથી ઉપયોગ કરવાનું આપણે શીખવું જોઈએ. જેથી, આપણી શ્રદ્ધા વિશે લોકોને હિંમતથી જણાવી શકીએ અને પોતાના વિચારોને સુધારી શકીએ. (૨ કોરીં. ૧૦:૪, ૫; ૨ તિમો. ૨:૧૫) આપણે પોતાની આવડતને કઈ રીતે વધારે અસરકારક બનાવી શકીએ? ૨૧ વર્ષનો સેબેસ્ટિયન કહે છે કે, ‘બાઇબલ વાંચન દરમિયાન હું દરેક અધ્યાયમાંથી મારી એક મનપસંદ કલમ લખી લઉં છું. પછી એ કલમોની એક ડાયરી બનાવું છું.’ એની મદદથી તે યહોવાના વિચારોને વધુ સારી રીતે સમજી શકે છે. તે આગળ જણાવે છે: ‘બાઇબલ વાંચન દરમિયાન લોકોને મદદરૂપ થાય એવી કલમો હું પસંદ કરું છું. મને જોવા મળ્યું કે, જો તમે બાઇબલ પ્રત્યે ઊંડો પ્રેમ બતાવો અને લોકોને મદદ કરવા બનતું બધું કરો, તો એનાથી લોકો સંદેશો સાંભળવા પ્રેરાય છે.’

યુવાન બહેન સેવાકાર્યમાં બાઇબલનો ઉપયોગ કરે છે

પવિત્ર શક્તિની તલવાર (ફકરા ૧૯-૨૦ જુઓ)

૨૧. શેતાન અને તેના દુષ્ટ દૂતોથી કેમ આપણે ડરવું ન જોઈએ?

૨૧ આ લેખમાં યુવાનોના દાખલા પરથી શીખવા મળ્યું કે, શેતાન અને તેના દુષ્ટ દૂતોથી આપણે ડરવું ન જોઈએ. એ સાચું છે કે તેઓ શક્તિશાળી છે, પણ તેઓ યહોવાની તોલે આવી શકે નહિ. તેઓ હંમેશ માટે જીવવાના નથી. તેઓને કેદ કરવામાં આવશે, એટલે ખ્રિસ્તના હજાર વર્ષના રાજ દરમિયાન તેઓ કોઈને હાનિ પહોંચાડી શકશે નહિ. એ પછી, તેઓનો નાશ કરવામાં આવશે. (પ્રકટી. ૨૦:૧-૩, ૭-૧૦) આપણા દુશ્મનને, તેની ચાલાકીઓને અને તેના ધ્યેયને આપણે જાણી ગયા છીએ. યહોવાની મદદથી તેની સામે આપણે મક્કમ ઊભા રહી શકીએ છીએ!

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો