ઈશ્વરે શું કર્યું છે?
કોઈ વ્યક્તિએ જીવનમાં શું કર્યું છે, કેવી મુશ્કેલીઓ સહી છે એ જાણ્યા પછી આપણને ખબર પડે છે કે એ વ્યક્તિ કેવી છે. એવું જ ઈશ્વર સાથે પણ છે. તેમને સારી રીતે ઓળખવા આપણે જાણવાની જરૂર છે કે તેમણે શું કર્યું છે. તેમણે આપણા ભલા માટે ઘણું કર્યું છે. અરે, આપણા સુખી ભવિષ્યનો પણ તેમણે વિચાર કર્યો છે.
ઈશ્વરે આપણા ભલા માટે બધી વસ્તુઓ બનાવી
યહોવા ઈશ્વર મહાન સર્જનહાર છે. ‘દુનિયાનું સર્જન કરવામાં આવ્યું ત્યારથી, તેમના અદૃશ્ય ગુણો સ્પષ્ટ જોઈ શકાય છે, કેમ કે બનાવવામાં આવેલી વસ્તુઓ પરથી એ પારખી શકાય છે.’ (રોમનો ૧:૨૦) ‘તેમણે પોતાના સામર્થ્યથી પૃથ્વી બનાવી છે, પોતાના જ્ઞાનથી જગતને ધરી રાખ્યું છે, ને પોતાની બુદ્ધિથી આકાશને વિસ્તાર્યું છે.’ (યિર્મેયા ૧૦:૧૨) કુદરતનો કરિશ્મા પુરાવો આપે છે કે તેમને આપણામાં રસ છે, તે આપણું ભલું ચાહે છે.
વિચારો કે ઈશ્વરે આપણને તેમના “સ્વરૂપ પ્રમાણે” બનાવીને આપણું જીવન કેવું હર્યુંભર્યું કરી દીધું છે. (ઉત્પત્તિ ૧:૨૭) તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે અમુક હદે તેમના જેવા ગુણો બતાવી શકીએ છીએ. તેમણે આપણામાં ભક્તિની ભૂખ પણ મૂકી છે. એટલે આપણામાં તેમના વિચારો અને ધોરણો શીખવાની ઝંખના છે. એ પ્રમાણે જીવવાથી આપણને જીવનમાં વધુ ખુશી અને સંતોષ મળે છે. અરે, ઈશ્વરે આપણને મોકો પણ આપ્યો છે કે તેમની સાથે ગાઢ સંબંધ કેળવીએ.
ઈશ્વરે ધરતી પર બનાવેલી વસ્તુઓ પર નજર કરવાથી ખબર પડે છે કે તેમને આપણા માટે કેવી લાગણી છે. ઈશ્વરે ‘ભલાઈ બતાવીને પોતાના વિશે સાક્ષી આપી, એટલે કે આપણા માટે આકાશમાંથી વરસાદ વરસાવ્યો, ફળદાયી ઋતુઓ આપી, ખોરાકથી આપણને સંતોષ આપ્યો અને આનંદથી આપણા હૃદયો ભરી દીધા.’ (પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭) ઈશ્વરે આપણી જીવન જરૂરિયાતો કરતા ઘણું વધારે આપ્યું છે. આપણા આનંદ માટે તેમણે ભરપૂર પ્રમાણમાં અનેક વસ્તુઓ પૂરી પાડી છે. આ બધું તો એક ઝલક માત્ર છે. તેમણે આપણા માટે બીજું ઘણું કર્યું છે.
યહોવાએ પૃથ્વી બનાવી, જેથી માણસ એમાં હંમેશ માટે જીવે. બાઇબલ જણાવે છે: ‘પૃથ્વી તેમણે માણસોને આપી છે’ અને ‘ઉજ્જડ રહેવા માટે એને ઉત્પન્ન કરી નથી, તેમણે વસ્તીને માટે એને બનાવી’ છે. (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬; યશાયા ૪૫:૧૮) ઈશ્વરે કેવા લોકો માટે પૃથ્વી બનાવી અને તેઓ ક્યાં સુધી રહેશે? ન્યાયીઓ, એટલે કે સચ્ચાઈથી ચાલનારા લોકો માટે તેમણે પૃથ્વી બનાવી. તેઓ ધરતીનો વારસો મેળવશે અને એમાં સદા જીવશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
યહોવાએ પ્રથમ પુરુષ અને સ્ત્રી, આદમ અને હવાને બનાવ્યા. તેઓને સુંદર બાગ જેવી પૃથ્વી રહેવા આપી, જેથી તેઓ એ બાગને ખેડે અને એની સંભાળ રાખે. (ઉત્પત્તિ ૨:૮, ૧૫) ઈશ્વરે તેઓને બે મજાના કામ સોંપ્યા હતા: ‘સફળ થાઓ, ને વધો. પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો.’ (ઉત્પત્તિ ૧:૨૮) આમ, આદમ અને હવા પાસે હંમેશ માટે પૃથ્વી પર જીવવાની આશા હતી. દુઃખની વાત છે કે તેઓએ ઈશ્વરની આજ્ઞા તોડી. પરિણામે, તેઓ સુંદર ધરતીનો વારસો ગુમાવી બેઠા, જે ઈશ્વરે ‘સચ્ચાઈથી ચાલનારા’ લોકો માટે રાખ્યો છે. આદમ અને હવાએ જે કર્યું એનાથી શું યહોવાનો હેતુ અધૂરો રહી જશે? શું તેમની ઇચ્છા પૂરી નહિ થાય કે સુંદર ધરતી પર મનુષ્યો કાયમ જીવે? એવું નથી. તેમનો હેતુ જરૂર પૂરો થશે. એની ચર્ચા કરીએ એ પહેલા ચાલો જોઈએ કે ઈશ્વરે બીજું શું કર્યું છે.
ઈશ્વરે તેમનો સંદેશો બાઇબલમાં જણાવ્યો છે
બાઇબલ ઈશ્વરની વાણી છે. યહોવાએ કેમ આપણને બાઇબલ આપ્યું છે? જેથી આપણે તેમના વિશે શીખી શકીએ. (નીતિવચનો ૨:૧-૫) ખરું કે બાઇબલ ઈશ્વર વિશે આપણા બધા જ સવાલોના જવાબ નથી આપતું. દુનિયામાં એવું કોઈ પુસ્તક નથી જે બધા જવાબ આપે. (સભાશિક્ષક ૩:૧૧) પણ બાઇબલમાં જે કંઈ માહિતી છે, એ ઈશ્વરને ઓળખવા મદદ કરે છે. જેમ કે, ઈશ્વર જે રીતે લોકો સાથે વર્તે છે એનાથી ખબર પડે છે કે તે કેવા છે. જાણવા મળે છે કે તેમને કેવા લોકો ગમે છે અને કેવા લોકો નથી ગમતા. (ગીતશાસ્ત્ર ૧૫:૧-૫) ભક્તિ, નૈતિક ધોરણો અને સંપત્તિ કે ધનદોલત વિશે ઈશ્વર કેવું વિચારે છે એ પણ જાણવા મળે છે. ઈશ્વરના દીકરા ઈસુ ખ્રિસ્તે ધરતી પર જે કર્યું હતું, જે કહ્યું હતું એ બાઇબલમાં નોંધેલું છે. એનાથી આપણને યહોવાના સ્વભાવ વિશે ઘણું શીખવા મળે છે.—યોહાન ૧૪:૯.
ઈશ્વરે બાઇબલ કેમ આપ્યું, એનું બીજું એક કારણ પણ છે. એમાંથી શીખવા મળે છે કે સુખી જીવન જીવવા શું કરવું. બાઇબલ દ્વારા યહોવા જણાવે છે કે સુખી કુટુંબની ચાવી શું છે; સંતોષી જીવન કઈ રીતે જીવી શકાય; ચિંતાઓ હળવી કરવા શું કરવું. આ મૅગેઝિનમાં આપણે આગળ જોઈશું કે બાઇબલમાં જીવનના મહત્ત્વના સવાલોના જવાબો છે, જેમ કે: આટલી બધી તકલીફો કેમ છે? આપણું ભાવિ કેવું હશે? બાઇબલ એ પણ જણાવે છે કે ઈશ્વરે જે હેતુથી પૃથ્વી અને માણસો બનાવ્યા હતા, એ હેતુ પૂરો કરવા માટે શું કર્યું છે.
બાઇબલ ખરેખર એક અજોડ ગ્રંથ છે. એ ઈશ્વરની વાણી છે. બાઇબલને લગભગ ૪૦ માણસોએ, ૧,૬૦૦ વર્ષના સમયગાળામાં લખ્યું હતું. તોપણ, શરૂઆતથી અંત સુધી બાઇબલના સર્વ વિચારો એકબીજા સાથે સુમેળમાં છે. એવું જ લાગે કે જાણે એક જ લેખકે લખ્યું છે. (૨ તિમોથી ૩:૧૬) એ બીજા પ્રાચીન લખાણોથી એકદમ અલગ છે. બાઇબલ યુગોના યુગો પછી પણ બદલાયું નથી. હજારો પ્રાચીન હસ્તપ્રતો એની સાબિતી આપે છે. બાઇબલને મિટાવવા, એનું બીજી ભાષાઓમાં ભાષાંતર થતાં અટકાવવા ઘણા પ્રયાસો થયા. એનું વિતરણ અને વાંચન પર રોક લગાવવા પણ ઘણા પ્રયત્નો થયા. પણ એમાં કોઈ સફળ થયું નથી. આજે આપણી પાસે આખું બાઇબલ છે. એટલું જ નહીં, આજે દુનિયામાં સૌથી વધારે લોકો સુધી બાઇબલ પહોંચ્યું છે અને સૌથી વધારે ભાષાઓમાં એ મળી આવે છે. આજે આપણી વચ્ચે બાઇબલ છે, એ જ પુરાવો આપે છે કે “ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ” રહે છે.—યશાયા ૪૦:૮.
ઈશ્વર પોતાનો હેતુ પૂરો કરશે જ એવી ગૅરન્ટી
ઈશ્વરે બીજી એક ખાસ ગોઠવણ પણ કરી છે. એ ગોઠવણ ગૅરન્ટી આપે છે કે તેમણે આપણને જે હેતુથી બનાવ્યા હતા, એ ચોક્કસ પૂરો થશે. આપણે જોઈ ગયા તેમ, ઈશ્વરનો હેતુ હતો કે માણસ પૃથ્વી પર હંમેશ માટે જીવે. જ્યારે આદમે ઈશ્વર સામે બંડ કરીને પાપ કર્યું ત્યારે તેણે હંમેશ માટે જીવવાની તક ગુમાવી દીધી. તેણે ફક્ત પોતાના માટે જ નહિ, પણ તેના ભાવિ બાળકો, આપણા બધા માટે તક ગુમાવી. “એક માણસથી દુનિયામાં પાપ આવ્યું અને પાપથી મરણ અને બધા માણસોએ પાપ કર્યું હોવાથી તેઓમાં મરણ ફેલાયું.” (રોમનો ૫:૧૨) આદમે ઈશ્વરની આજ્ઞા તોડીને પાપ કર્યું ત્યારે, એવું લાગતું હતું કે ઈશ્વરનો હેતુ પૂરો નહિ થાય. યહોવાએ શું કર્યું?
યહોવાએ જે પગલાં ભર્યાં એમાં તેમના અદ્ભુત ગુણો દેખાઈ આવે છે. તેમણે અદ્દલ ન્યાય કર્યો, આદમ અને હવાને તેમનાં કાર્યો માટે જવાબદાર ગણી સજા કરી. પરંતુ તેઓના ભાવિ બાળકો માટે પ્રેમથી પ્રેરાઈને રસ્તો પણ કાઢ્યો. યહોવાએ તરત જ માર્ગ કાઢ્યો. (ઉત્પત્તિ ૩:૧૫) તેમણે શું કર્યું? ઈશ્વરે તેમના પુત્ર દ્વારા આપણને પાપ અને મરણમાંથી બહાર કાઢવાની ગોઠવણ કરી. કેવી રીતે?
આદમના પાપથી મનુષ્યો પર જે તકલીફો આવી, એમાંથી તેઓને છોડાવવા યહોવાએ પોતાના દીકરા ઈસુને ધરતી પર મોકલ્યા. ઈસુએ લોકોને જીવનનો માર્ગ શીખવ્યો. એટલું જ નહિ, “લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન” પણ આપી દીધું.a (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧૪:૬) આદમની જેમ ઈસુ પણ તન-મનથી સંપૂર્ણ હતા, તેમનામાં કોઈ ખોટ ન હતી. એટલે તે છુટકારાની કિંમત ચૂકવી શકતા હતા. આદમે ઈશ્વરની આજ્ઞા તોડી હતી. પણ ઈસુએ તો છેલ્લા શ્વાસ સુધી ઈશ્વરની આજ્ઞા પાળી. ઈસુએ મરણને યોગ્ય કંઈ કર્યું ન હોવાથી યહોવાએ તેમને સ્વર્ગદૂત તરીકે જીવતા કર્યા. હવે ઈસુ એ કરી શકતા હતા જેમાં આદમ નિષ્ફળ ગયો. ઈશ્વરનું કહ્યું માને છે તેઓને તેમણે હંમેશ માટે જીવવાની તક આપી. “જેમ એક માણસે આજ્ઞા ન માની તેથી ઘણા લોકો પાપી ગણાયા, તેમ એક માણસે આજ્ઞા માની તેથી ઘણા લોકો નેક ગણાશે.” (રોમનો ૫:૧૯) ઈસુએ મનુષ્યો માટે પોતાનું જીવન બલિદાન કરી દીધું. એ ગોઠવણથી ઈશ્વર મનુષ્યોને પૃથ્વી પર હંમેશ માટેનું જીવન આપશે અને પોતાનો હેતુ પૂરો કરશે.
આદમે ઈશ્વરની આજ્ઞા તોડી, એનાથી ઊભી થયેલી મુશ્કેલીનો યહોવાએ કેવો સુંદર હલ કાઢ્યો! એનાથી તેમના વિશે ઘણું શીખવા મળે છે. યહોવાએ જે શરૂ કર્યું હોય એને પૂરું કરતાં કોઈ રોકી શકતું નથી; તેમનું વચન જરૂર “સફળ થશે.” (યશાયા ૫૫:૧૧) આપણે એ પણ જોયું કે યહોવા આપણને પુષ્કળ પ્રેમ કરે છે. “આપણા કિસ્સામાં ઈશ્વરનો પ્રેમ આ રીતે બતાવવામાં આવ્યો છે: ઈશ્વરે પોતાના એકના એક દીકરાને દુનિયામાં મોકલ્યા, જેથી આપણે તેમના દ્વારા જીવન મેળવીએ. આપણાં પાપોને માટે પ્રાયશ્ચિત્તનું બલિદાન આપવા ઈશ્વરે પોતાના દીકરાને મોકલ્યા. આપણે તેમને પ્રેમ કરીએ છીએ એટલે નહિ, પણ તે આપણને પ્રેમ કરે છે એટલે તેમણે આમ કર્યું.”—૧ યોહાન ૪:૯, ૧૦.
ઈશ્વરે ‘આપણા સર્વ માટે પોતાનો દીકરો પણ આપી દીધો,’ જેથી આપણે ખાતરી રાખી શકીએ કે તે વચન આપ્યા પ્રમાણે “આપણને બીજું બધું” પણ આપશે. (રોમનો ૮:૩૨) ઈશ્વરે આપણને શાનું વચન આપ્યું છે? તે કેવા આશીર્વાદો આપશે? આગળ વાંચો.
ઈશ્વરે શું કર્યું છે? યહોવાએ મનુષ્યોને પૃથ્વી પર હંમેશ માટે જીવવા બનાવ્યા. તેમણે બાઇબલ આપ્યું જેથી આપણે તેમને ઓળખી શકીએ. ઈસુ ખ્રિસ્ત દ્વારા યહોવાએ જીવનના છુટકારાની કિંમત ચૂકવી અને ખાતરી કરાવી કે તેમનો હેતુ જરૂર પૂરો થશે
a ઈસુના બલિદાન વિશે વધુ જાણવા દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો પાઠ ૨૭ જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે અને www.pr418.com/gu પર ઓનલાઇન પ્રાપ્ય છે.