વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w19 જુલાઈ પાન ૧૪-૧૯
  • ‘જાઓ, શિષ્યો બનાવો’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘જાઓ, શિષ્યો બનાવો’
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
  • મથાળાં
  • સરખી માહિતી
  • શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે?
  • શિષ્યો બનાવવાના કામમાં શાનો સમાવેશ થાય છે?
  • શિષ્યો બનાવવામાં શું દરેક ઈશ્વરભક્ત મદદ કરી શકે?
  • શિષ્યો બનાવવાના કામમાં શા માટે ધીરજની જરૂર પડે છે?
  • લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૧
  • સત્ય શીખવવા જેવું બીજું કંઈ નહિ!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • લોકોને સચ્ચાઈના માર્ગમાં લાવવા શું કરવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ‘જાઓ, શિષ્યો બનાવો’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૯
w19 જુલાઈ પાન ૧૪-૧૯

અભ્યાસ લેખ ૨૯

‘જાઓ, શિષ્યો બનાવો’

“એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.”—માથ. ૨૮:૧૯.

ગીત ૧૪૪ સાંભળો અને બચો

ઝલકa

૧-૨. (ક) માથ્થી ૨૮:૧૮-૨૦ પ્રમાણે મંડળોની સૌથી મોટી જવાબદારી કઈ છે? (ખ) આ લેખમાં કયા સવાલોની ચર્ચા કરીશું?

શિષ્યો પહાડ પર ભેગા થયા ત્યારે તેઓના મનમાં તાલાવેલી થતી હતી. સજીવન થયા પછી ઈસુએ તેઓને ત્યાં મળવા બોલાવ્યા હતા. (માથ. ૨૮:૧૬) કદાચ એ પ્રસંગે “તે ૫૦૦ કરતાં વધારે ભાઈઓને એક સાથે દેખાયા.” (૧ કોરીં. ૧૫:૬) ઈસુએ શિષ્યોને શા માટે બોલાવ્યા હતા? ઈસુ તેઓને આ ખાસ આજ્ઞા આપવા માંગતા હતા: “એ માટે જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.”—માથ્થી ૨૮:૧૮-૨૦ વાંચો.

૨ જે શિષ્યોએ ઈસુની આજ્ઞા પાળી, તેઓ પ્રથમ સદીના મંડળનો ભાગ બન્યા. એ મંડળની સૌથી મોટી જવાબદારી હતી, બીજા લોકોને ખ્રિસ્તના શિષ્યોb બનાવવા. આજે દુનિયા ફરતે લાખો મંડળો છે. બધાં મંડળોની પણ એ જ જવાબદારી છે. આ લેખમાં ચાર સવાલોની ચર્ચા કરીશું: શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે? એ કામમાં શાનો સમાવેશ થાય છે? શિષ્યો બનાવવામાં શું દરેક ઈશ્વરભક્ત મદદ કરી શકે? એ કામમાં શા માટે ધીરજની જરૂર પડે છે?

શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે?

૩. યોહાન ૧૪:૬ અને ૧૭:૩ પ્રમાણે શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે?

૩ શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે? કારણ કે ખ્રિસ્તના શિષ્યો જ યહોવા સાથે સારો સંબંધ કેળવી શકે છે. જેઓ ખ્રિસ્તના પગલે ચાલે છે, તેઓ હમણાં સારું જીવન જીવી શકે છે. વધુમાં, તેઓ પાસે આવનાર નવી દુનિયામાં હંમેશ માટે જીવવાની આશા છે. (યોહાન ૧૪:૬; ૧૭:૩ વાંચો.) ઈસુએ આપણને ખરેખર મહત્ત્વની જવાબદારી સોંપી છે. જોકે, એ કામ આપણે એકલા હાથે કરતા નથી. પ્રેરિત પાઊલે પોતાના વિશે અને સાથીઓ વિશે લખ્યું હતું: “અમે ઈશ્વરના સાથી કામદારો છીએ.” (૧ કોરીં. ૩:૯) યહોવા અને ઈસુએ આપણા જેવા મામૂલી માણસોને કેટલો સરસ લહાવો આપ્યો છે!

૪. ઈવાનભાઈ અને મટીલ્ડાબહેનના અનુભવ પરથી આપણને શું શીખવા મળે છે?

૪ શિષ્યો બનાવવાના કામથી ઘણી ખુશી મળે છે. ચાલો ઈવાનભાઈ અને મટીલ્ડાબહેનનો દાખલો જોઈએ. તેઓ કોલંબિયા દેશના છે. તેઓએ ડેવિયર નામના યુવાનને ખુશખબર જણાવી ત્યારે તેણે કહ્યું: ‘હું ફેરફાર તો કરવા ચાહું છું પણ કરી શકતો નથી.’ ડેવિયર બૉક્સર હતો. તે ડ્રગ્સ લેતો અને દારૂડિયો હતો. તે એરિકા નામની છોકરી સાથે લગ્‍ન કર્યા વગર રહેતો હતો. ઈવાનભાઈ જણાવે છે: ‘અમને તેના ગામડા સુધી પહોંચતા કલાકો નીકળી જતા. એ માટે અમારે કાદવ-કીચડવાળા રસ્તા પર સાઇકલ ચલાવીને જવું પડતું. ડેવિયરના સ્વભાવમાં સુધારો જોઈને એરિકા પણ અભ્યાસ કરવા લાગી.’ સમય જતાં, ડેવિયરે ડ્રગ્સ, દારૂ અને બૉક્સિંગ છોડી દીધાં. તેણે એરિકા સાથે લગ્‍ન કર્યું. મટીલ્ડાબહેન કહે છે: ‘ડેવિયર અને એરિકાએ ૨૦૧૬માં બાપ્તિસ્મા લીધું. એ સમયે મને ડેવિયરના શબ્દો યાદ આવ્યા: “મારે ફેરફાર કરવો છે, પણ કરી શકતો નથી.” એ સમયે અમારી આંખમાં ખુશીના આંસુ આવી ગયાં.’ લોકોને ખ્રિસ્તના શિષ્યો બનવા મદદ કરીએ છીએ ત્યારે, આપણી ખુશીનો પાર રહેતો નથી.

શિષ્યો બનાવવાના કામમાં શાનો સમાવેશ થાય છે?

૫. શિષ્યો બનાવવાના કામમાં સૌથી પહેલા કઈ બાબત કરવાની છે?

૫ શિષ્યો બનાવવાના કામમાં આપણે સૌથી પહેલા કઈ બાબત કરવાની છે? જેઓ યહોવા વિશે શીખવા માંગે છે, તેઓની ‘તપાસ કરીએ’ એટલે કે તેઓને શોધીએ. (માથ. ૧૦:૧૧) બધા લોકોને સાક્ષી આપીને આપણે ખરેખર યહોવાના સાક્ષી સાબિત થઈએ છીએ. ખ્રિસ્તે આપેલી આજ્ઞા પાળીને આપણે ખરા અર્થમાં ખ્રિસ્તી બનીએ છીએ.

૬. સારી રીતે ખુશખબર ફેલાવવા શું કરવું જોઈએ?

૬ અમુક લોકોને પહેલેથી જ બાઇબલનું સત્ય જાણવામાં રસ હોય છે. પરંતુ, બધા લોકો એવા હોતા નથી. ઘણા લોકોને શરૂઆતમાં બાઇબલનું સત્ય જાણવામાં રસ હોતો નથી. તેઓ સત્ય જાણવા પ્રેરાય એ માટે કદાચ આપણે મહેનત કરવી પડે. ખુશખબર સારી રીતે ફેલાવી શકીએ માટે આપણે સારી તૈયારી કરવી જોઈએ. એવા વિષયો પસંદ કરીએ, જેના વિશે આપણા વિસ્તારના લોકોને જાણવાનું ગમે છે. એ વિષય પર તેઓ સાથે કઈ રીતે વાત કરીશું એની તૈયારી કરીએ.

૭. તમે લોકો સાથે કઈ રીતે વાતચીત શરૂ કરી શકો? ધ્યાનથી સાંભળવું અને આદર કરવો શા માટે જરૂરી છે?

૭ દાખલા તરીકે, તમે ઘરમાલિકને પૂછી શકો: ‘શું હું તમને એક સવાલ પૂછું? દુનિયા ફરતે લોકો પર ઘણી મુશ્કેલીઓ આવે છે. શું તમને લાગે છે કે એ મુશ્કેલીઓ દુનિયાની સરકારો દૂર કરશે?’ પછી તમે દાનીયેલ ૨:૪૪ બતાવીને ચર્ચા કરી શકો. બીજી રીત છે, તમે કદાચ ઘરમાલિકને પૂછી શકો: ‘બાળકોને સારા સંસ્કાર કઈ રીતે આપી શકાય? તમને શું લાગે છે?’ પછી પુનર્નિયમ ૬:૬, ૭ની ચર્ચા કરી શકો. તમે આવી તૈયારી કરી શકો: વિષય પસંદ કરતી વખતે તમારા વિસ્તારના લોકોનો વિચાર કરો. બાઇબલની સારી સલાહ શીખવાથી તેઓને કેવો ફાયદો થશે એ વિચારો. લોકો સાથે વાત કરો ત્યારે તેઓનું ધ્યાનથી સાંભળો અને તેઓની વાતનો આદર કરો. એમ કરવાથી તમે લોકોને સારી રીતે સમજી શકશો. લોકો પણ તમારી વાત ધ્યાનથી સાંભળશે.

૮. શા માટે ફરી મુલાકાત કરતા રહેવું જોઈએ?

૮ વ્યક્તિ બાઇબલમાંથી શીખવા તૈયાર થાય, એ પહેલાં કદાચ તમારે ફરી મુલાકાતો કરવી પડે. એ માટે તમારે ઘણાં સમય-શક્તિ આપવાં પડે. શા માટે? વ્યક્તિને મળવા જઈએ ત્યારે, કદાચ તે ઘરે ન મળે કે પછી વાત કરવા તેની પાસે સમય ન હોય. વ્યક્તિ બાઇબલ અભ્યાસ કરવા તૈયાર થાય, એ માટે કદાચ તમારે કેટલીય વાર તેને મળવા જવું પડે. ભૂલીએ નહિ, એક છોડને નિયમિત પાણી પાઈશું તો જ એ વધશે. એવી જ રીતે, વ્યક્તિના દિલમાં યહોવા અને ખ્રિસ્ત માટે પ્રેમ જગાડવા નિયમિત રીતે બાઇબલમાંથી ચર્ચા કરવી જોઈએ.

શિષ્યો બનાવવામાં શું દરેક ઈશ્વરભક્ત મદદ કરી શકે?

એક માણસ એરપોર્ટ પર સાક્ષીઓ પાસેથી સાહિત્ય લે છે; ફરવાની જગ્યાએ તે ભાઈઓને જુએ છે, જેઓ જાહેરમાં પ્રચાર કરી રહ્યા છે; તેના ઘરે સાક્ષીઓ મળવા આવે છે ત્યારે તે સંદેશો સ્વીકારે છે

દુનિયાભરમાં સાક્ષીઓ યોગ્ય લોકોને શોધે છે (ફકરા ૯-૧૦ જુઓ)c

૯-૧૦. શા પરથી કહી શકાય કે નમ્ર દિલના લોકોને શોધવા બધા ઈશ્વરભક્તો મહેનત કરે છે?

૯ જ્યારે કોઈ બાળક ખોવાય જાય, ત્યારે બધા તેને શોધવા લાગે છે. એવી જ રીતે, નમ્ર દિલની વ્યક્તિને શોધવા બધા ઈશ્વરભક્તો મહેનત કરે છે. કઈ રીતે? એ સમજવા ચાલો એક કિસ્સો જોઈએ. એક ત્રણ વર્ષનું બાળક ખોવાઈ ગયું. તેને શોધવામાં ૫૦૦ જેટલા લોકો લાગેલા હતા. આખરે, વીસ કલાક પછી એક વ્યક્તિને મકાઈના ખેતરમાંથી બાળક મળી આવ્યું. એ વ્યક્તિ ચાહતો ન હતો કે લોકો તેની પ્રશંસા કરે. કારણ કે તેણે કહ્યું: ‘બાળકને શોધવામાં તો બધાએ સાથે મળીને મહેનત કરી છે.’

૧૦ ઘણા લોકો એ ખોવાયેલા બાળક જેવા છે. તેઓ પાસે કોઈ આશાનું કિરણ નથી. તેઓને મદદની જરૂર છે. (એફે. ૨:૧૨) આપણાં જેવાં ૮૦ લાખથી વધુ ભાઈ-બહેનો એવા લોકોને શોધે છે. તમે જે વિસ્તારમાં પ્રચાર કરો છો કદાચ તમને ત્યાં બાઇબલ અભ્યાસ મળ્યો ન હોય. પણ બીજા પ્રકાશકને એ વિસ્તારમાંથી અભ્યાસ મળ્યો હોય. સમય જતાં, એ વ્યક્તિ ખ્રિસ્તનો શિષ્ય બને છે. એનો અભ્યાસ લેનાર ભાઈ કે બહેનને ખુશી થાય છે. નમ્ર વ્યક્તિને શોધવાના કામમાં બધાએ મહેનત કરી હોવાથી બધાને ખુશી થાય છે.

૧૧. ભલે તમારી પાસે અત્યારે અભ્યાસ ન હોય, પણ શિષ્યો બનાવવાના કામમાં કઈ રીતોથી મદદ કરી શકો?

૧૧ ભલે તમારી પાસે અત્યારે બાઇબલ અભ્યાસ ન હોય, પણ શિષ્યો બનાવવાના કામમાં કઈ રીતોથી મદદ કરી શકો? નવા લોકો પ્રાર્થનાઘરમાં આવે ત્યારે તેઓને આવકારી શકો. તેઓને મદદ કરી શકો. આમ તમે તેઓને પ્રેમ બતાવી શકો. એનાથી તેઓ જોઈ શકશે કે આપણે સાચા અર્થમાં ખ્રિસ્તીઓ છીએ. (યોહા. ૧૩:૩૪, ૩૫) સભામાં તમારો જવાબ નાનો હોય કે મોટો, નવાઓને એનાથી ઉત્તેજન મળશે. પોતાની શ્રદ્ધા વિશે સારી રીતે વાત કરવા તેઓને મદદ મળશે. નવા પ્રકાશકને તમે સેવાકાર્યમાં સાથે લઈ જઈ શકો. કલમો બતાવીને લોકો સાથે કઈ રીતે વાત કરવી એ તેઓને શીખવી શકો. આમ, તમે તેને ખ્રિસ્તને પગલે ચાલવા મદદ કરી શકો.—લુક ૧૦:૨૫-૨૮.

૧૨. શિષ્યો બનાવવા શું આપણી પાસે ખાસ આવડત હોવી જોઈએ? સમજાવો.

૧૨ એવું ન વિચારીએ કે શિષ્યો બનાવવા આપણી પાસે ખાસ આવડત હોવી જોઈએ. શા માટે? ચાલો બોલિવિયા દેશનાં ફોસટિનાબહેનનો દાખલો જોઈએ. તેમને વાંચતા આવડતું ન હતું. યહોવાના સાક્ષીઓ મળ્યા પછી તે થોડું થોડું વાંચવાનું શીખ્યાં. હવે તેમણે બાપ્તિસ્મા લીધું છે. બીજાઓને શીખવવામાં તેમને મજા આવે છે. દર અઠવાડિયે તે પાંચ બાઇબલ અભ્યાસ ચલાવે છે. ફોસટિનાબહેન પોતાના વિદ્યાર્થીઓ જેટલું સારી રીતે વાંચી શકતાં નથી, પણ તેમની મહેનત રંગ લાવી છે. તેમનાં છ બાઇબલ વિદ્યાર્થીઓએ બાપ્તિસ્મા લીધું છે.—લુક ૧૦:૨૧.

૧૩. આપણે વ્યસ્ત હોઈએ તોપણ શિષ્ય બનાવવાના કામથી કઈ રીતે ખુશી મેળવી શકીએ?

૧૩ કેટલાક ઈશ્વરભક્તો પાસે ઘણી મહત્ત્વની જવાબદારીઓ છે. છતાં, તેઓ બાઇબલ અભ્યાસ ચલાવવા સમય કાઢે છે. તેઓને એ ઘણું ગમે છે. અલાસ્કામાં રહેતાં મેલીનીબહેન આઠ વર્ષની દીકરીની એકલા હાથે સંભાળ રાખતાં. તે નોકરી કરતા અને સાથે સાથે પોતાના પિતાની સંભાળ રાખતાં. તેમના પિતાને કેન્સર હતું. બહેન જે શહેરમાં રહેતાં હતાં, ત્યાં બીજું કોઈ યહોવાનું સાક્ષી ન હતું. ખુશખબર ફેલાવવાનું કામ કડકડતી ઠંડીમાં પણ કરી શકે એ માટે તે પ્રાર્થના કરતા. બાઇબલ અભ્યાસ મળે એવી પણ તે પ્રાર્થના કરતા. એક દિવસ તેમને સારા નામની સ્ત્રી મળી. ઈશ્વરનું નામ જાણીને એ સ્ત્રી ઘણી ખુશ થઈ. થોડા સમય પછી, તેણે બાઇબલનો અભ્યાસ કરવાની હા પાડી. મેલીનીબહેન કહે છે: ‘શુક્રવારની સાંજે તો ખૂબ થાકી જતી. તોપણ હું અને મારી દીકરી એ દિવસે અભ્યાસ કરવા જતા. એનાથી અમને બંનેને ઘણી મદદ મળી. તેણે પૂછેલા સવાલોના જવાબ શોધવાની અમને ઘણી મજા આવતી. તે યહોવાની સાક્ષી બની ત્યારે અમને બહુ ખુશી થઈ.’ સારાએ હિંમતથી વિરોધનો સામનો કર્યો, ચર્ચમાં જવાનું છોડી દીધું અને બાપ્તિસ્મા લીધું.

શિષ્યો બનાવવાના કામમાં શા માટે ધીરજની જરૂર પડે છે?

૧૪. (ક) કઈ રીતે શિષ્યો બનાવવાનું કામ માછલી પકડવાના કામ જેવું છે? (ખ) બીજો તિમોથી ૪:૧, ૨માં પાઊલે કહેલા શબ્દોને તમે કેવા ગણો છો?

૧૪ તમારા વિસ્તારના લોકો શિષ્યો ન બને તોપણ નિરાશ થશો નહિ. નમ્ર દિલના લોકોને શોધતા રહો. યાદ કરો, ઈસુએ શિષ્યો બનાવવાના કામને માછલી પકડવાના કામ સાથે સરખાવ્યું હતું. માછલી પકડવા માછીમારે કદાચ કેટલાય કલાકો મહેનત કરવી પડે. મોટા ભાગે તે મોડી રાતે કે વહેલી સવારે કામ કરે છે. અમુક વાર તેણે દૂર દૂર સુધી જવું પડે છે. (લુક ૫:૫) એવી જ રીતે, અમુક ભાઈ-બહેનો શિષ્યો બનાવવા ઘણા કલાકો મહેનત કરે છે. લોકોને શોધવા તેઓ ધીરજ બતાવે છે. તેઓ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ જાય છે. જેઓ વધારે મહેનત કરે છે, તેઓને નમ્ર દિલના લોકો મળી આવે છે. વધારે લોકો મળે એ માટે શું તમે ખુશખબર ફેલાવવાના સમય કે જગ્યામાં ફેરફાર કરી શકો?—૨ તિમોથી ૪:૧, ૨ વાંચો.

તે બાઇબલમાંથી શીખવાનું શરૂ કરે છે; તે બાપ્તિસ્મા લે છે

ધીરજથી મદદ કરીએ જેથી વિદ્યાર્થી યહોવાને ઓળખે, તેમને પ્રેમ કરે અને તેમની આજ્ઞાઓ પાળે (ફકરા ૧૫-૧૬ જુઓ)d

૧૫. બાઇબલ અભ્યાસ ચલાવવામાં શા માટે ધીરજની જરૂર પડે છે?

૧૫ બાઇબલ અભ્યાસ ચલાવવામાં શા માટે ધીરજની જરૂર પડે છે? કારણ કે આપણે ચાહીએ છીએ કે વિદ્યાર્થી બાઇબલમાંથી શીખે અને એ માટે પ્રેમ કેળવે. આપણે વિદ્યાર્થીને મદદ કરવા માંગીએ છીએ, જેથી બાઇબલ આપનાર યહોવાને તે ઓળખે અને પ્રેમ કરે. ઈસુએ શિષ્યોને કઈ આજ્ઞાઓ આપી હતી, એ આપણે તેને શીખવીએ. એ આજ્ઞા પ્રમાણે કઈ રીતે ચાલી શકીએ એ પણ શીખવીએ. બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે ચાલવા તેને મદદ કરીએ. અમુકને પોતાનાં વિચારો અને આદતો બદલવાં થોડા જ મહિના લાગે છે. જ્યારે કે, બીજાઓને એનાથી વધારે સમય લાગે છે.

૧૬. રાઉલના કિસ્સામાંથી તમે શું શીખી શકો?

૧૬ પેરુમાં રહેતા એક મિશનરીને ધીરજ રાખવા વિશે એક અનુભવ થયો હતો. તેમણે જણાવ્યું, ‘હું રાઉલનો બાઇબલ અભ્યાસ લેતો હતો. તેણે બે પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો હતો. પણ તેના જીવનમાં હજુ પણ ઘણા પડકારો હતા. તેનું લગ્‍નજીવન ડામાડોળ થતું હતું, તે ગાળો બોલતો હતો. તેના ખરાબ વલણને લીધે બાળકો પણ તેને માન આપતાં ન હતાં. તે નિયમિત સભામાં આવવા લાગ્યો, એટલે હું તેને અને તેના કુટુંબને મળવા જતો હતો. હું તેને પહેલી વાર મળ્યો એનાં ત્રણેક વર્ષ પછી તેણે બાપ્તિસ્મા લીધું.’

૧૭. આવતા લેખમાં આપણે શું જોઈશું?

૧૭ ઈસુએ આપણને આજ્ઞા આપી હતી, “જાઓ, સર્વ દેશના લોકોને શિષ્યો બનાવો.” આપણે ઘણી વાર એવા લોકોને મળીએ છીએ, જેઓની માન્યતા આપણા કરતાં સાવ અલગ હોય છે. અમુક લોકો કોઈ ધર્મ પાળતા નથી કે પછી કેટલાંક લોકો ઈશ્વરમાં પણ માનતા નથી. આવતા લેખમાં જોઈશું કે આપણે કઈ રીતે એવા લોકોને ખુશખબર જણાવી શકીએ.

તમે કેવો જવાબ આપશો?

  • શિષ્યો બનાવવાનું કામ કેમ મહત્ત્વનું છે?

  • શિષ્યો બનાવવાના કામમાં શાનો સમાવેશ થાય છે?

  • શિષ્યો બનાવવાના કામમાં શા માટે ધીરજની જરૂર પડે છે?

ગીત ૪૪ સંદેશો બધે વાવીએ

a દુનિયાભરનાં મંડળોની સૌથી મોટી જવાબદારી છે કે લોકોને ઈસુના શિષ્ય બનવા મદદ કરવી. આ લેખમાં એવાં સૂચનો આપ્યાં છે, જે એ જવાબદારી પૂરી કરવા મદદ કરે છે.

b શબ્દોની સમજ: ખ્રિસ્તના શિષ્યો બનવાનો અર્થ થાય, ઈસુની વાતો શીખવી. એટલું જ નહિ, જે શીખ્યા એ પ્રમાણે કરવું. ઈસુના પગલે ચાલવા કે તેમના દાખલાને અનુસરવા શિષ્યો પૂરી મહેનત કરે છે.—૧ પીત. ૨:૨૧.

c ચિત્રની સમજ: એક માણસ ફરવા જઈ રહ્યો છે ત્યારે એરપોર્ટ પર સાક્ષીઓ પાસેથી સાહિત્ય લે છે. પછીથી, ફરવાની જગ્યાએ તે બીજા સાક્ષીઓને જુએ છે, જેઓ જાહેરમાં પ્રચાર કરી રહ્યા છે. તેના ઘરે સાક્ષીઓ મળવા આવે છે.

d ચિત્રની સમજ: તે બાઇબલમાંથી શીખવાનું શરૂ કરે છે. સમય જતાં, તે બાપ્તિસ્મા લે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો