જીવન સફર
ધાર્યા પણ ન હતા એવા આશીર્વાદો યહોવાએ મને આપ્યા
હું વિચારતો, ‘મારે પાયોનિયર તો બનવું છે, પણ શું એ કામમાં મજા આવશે?’ હું જર્મનીમાં નોકરી કરતો હતો. એ નોકરી મને ખૂબ ગમતી. હું ખોરાક પહોંચાડવાનું (નિકાસ) કામ કરતો હતો. આફ્રિકામાં દારેસલામ, એલિઝાબેથવીલ અને એસ્મારા જેવાં શહેરોમાં હું ખોરાક પહોંચાડતો. કોને ખબર હતી કે એક દિવસ હું આફ્રિકાનાં શહેરોમાં યહોવાની પૂરા સમયની સેવા કરતો હોઈશ!
મેં પાયોનિયર સેવા શરૂ કરી. મેં ધાર્યું પણ ન હતું એ રીતે મારું જીવન બદલાઈ ગયું! (એફે. ૩:૨૦) પણ તમને થશે કે એવું તો શું થયું. ચાલો હું તમને પહેલેથી વાત કરું.
૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. એના થોડા મહિના પછી જર્મનીના બર્લિન શહેરમાં મારો જન્મ થયો. ૧૯૪૫માં યુદ્ધ પૂરું થવાને આરે હતું ત્યારે, બર્લિનમાં વિમાનોથી સેંકડો બૉમ્બ વરસાવવામાં આવ્યા. એક વાર અમારી શેરીમાં પણ એવું થયું. એટલે અમારું કુટુંબ બૉમ્બથી રક્ષણ મળે એવી જગ્યાએ જતું રહ્યું. પછીથી, સલામતી માટે અમે ઍરફર્ટ જતા રહ્યા, જ્યાં મારી મમ્મીનો જન્મ થયો હતો.
મારાં માતા-પિતા અને બહેન સાથે, જર્મની, આશરે ૧૯૫૦
મમ્મીને સત્ય જાણવું હતું. તેણે ફિલસૂફીનાં પુસ્તકો વાંચ્યાં. કેટલાય ધર્મોમાં તપાસ કરી તોય સત્યની તરસ છીપાઈ નહિ. આશરે ૧૯૪૮માં બે યહોવાના સાક્ષીઓ અમારા ઘરે આવ્યા. મમ્મીએ તેઓને ઘરમાં બોલાવ્યા. તેણે તેઓ પર સવાલોનો મારો ચલાવ્યો. કલાકની અંદર મમ્મીએ મને અને મારી નાની બહેનને કહ્યું, “મને સત્ય મળ્યું છે!” થોડા જ સમયમાં હું, મમ્મી અને નાની બહેન ઍરફર્ટમાં સભામાં જવા લાગ્યા.
૧૯૫૦માં અમે બર્લિન પાછા ગયા. અમે બર્લિન-ક્રુઝબર્ગ મંડળમાં જતા હતા. પછીથી અમે ઘર બદલ્યું એટલે બર્લિન-ટેમ્પલહોફ મંડળમાં જવા લાગ્યા. સમય જતાં, મમ્મીએ બાપ્તિસ્મા લીધું, પણ હું અચકાતો હતો. ચાલો એનું કારણ કહું.
શરમાળ સ્વભાવથી પીછો છોડાવ્યો
સ્વભાવે હું શરમાળ હતો. યહોવાની ભક્તિમાં આગળ વધવું, મારા માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું. હું પ્રચારમાં જતો પણ એકેય શબ્દ બોલતો નહિ. એવું તો બે વર્ષ સુધી ચાલ્યું. ભાઈ-બહેનો સાથે હળવા-મળવાથી મને ઘણી મદદ મળી. એ ભાઈ-બહેનો યહોવામાં ઘણી શ્રદ્ધા રાખતાં હતાં અને તેઓમાં ઘણી હિંમત હતી. એમાંના અમુક તો નાઝી જુલમી છાવણીમાં કે પૂર્વ જર્મનીની જેલમાં રહ્યાં હતાં. બીજા અમુકે પૂર્વ જર્મનીમાં સાહિત્ય પહોંચાડવા જોખમ ઉઠાવ્યું હતું. એમ કરતા જો તેઓ પકડાઈ ગયા હોત તો તેઓએ જેલમાં જવું પડ્યું હોત. તેઓ પાસેથી મને ઘણું શીખવા મળ્યું. મેં વિચાર્યું કે જો તેઓ યહોવા અને ભાઈઓ માટે પોતાનું જીવન જોખમમાં મૂકવા કે જેલમાં જવા તૈયાર હોય, તો મારે સ્વભાવ બદલવા પ્રયત્ન કરવો જ જોઈએ.
૧૯૫૫માં મેં ખાસ પ્રચાર ઝુંબેશમાં ભાગ લીધો. મારો સ્વભાવ ધીમે ધીમે બદલાવા લાગ્યો. ઇન્ફોર્મન્ટમાંa એક પત્ર છપાયો હતો. એ પત્રમાં ભાઈ નાથાન નૉરે જાહેર કર્યું હતું કે આ ઝુંબેશ સંગઠનની મોટી ઝુંબેશોમાંની એક છે. તેમણે કહ્યું હતું કે જો બધા પ્રકાશકો એમાં ભાગ લેશે, તો ‘એ સાક્ષીકાર્યનો જોરદાર મહિનો બનશે. પૃથ્વી પર પહેલાં ક્યારેય કોઈ પણ મહિનામાં એવું સાક્ષીકાર્ય થયું નહિ હોય.’ ખરેખર એવું જ થયું! એના થોડા જ સમય પછી મેં યહોવાને સમર્પણ કર્યું અને ૧૯૫૬માં મેં, પપ્પા અને બહેને બાપ્તિસ્મા લીધું. બહુ જલદી મારે એક મોટો નિર્ણય લેવાનો થયો.
વર્ષોથી વિચારતો કે મારે પાયોનિયર સેવા શરૂ કરવી જોઈએ પણ હું એ ટાળતો રહ્યો. પહેલા મારે હોલસેલ અને આયાત-નિકાસ વેપારની તાલીમ લેવી હતી. એ લીધા પછી અનુભવ મેળવવા હું નોકરી શોધવા લાગ્યો. ૧૯૬૧માં મને હેમબર્ગમાં નોકરી મળી, એ જર્મનીનું મોટું બંદર હતું. મને એ કામ એટલું ગમવા લાગ્યું કે પાયોનિયર બનવાનો વિચાર પાછો ઠેલવવા લાગ્યો. ચાલો તમને જણાવું, આગળ શું થયું.
હું યહોવાનો ઘણો આભાર માનું છું. તેમણે મને પ્રેમાળ ભાઈ-બહેનોની મદદથી સમજાવ્યું કે તેમની ભક્તિ જીવનમાં સૌથી મહત્ત્વની છે. મારા કેટલાય મિત્રો પાયોનિયર બન્યા હતા. તેઓએ મારા માટે સારો દાખલો બેસાડ્યો હતો. વધુમાં, ભાઈ એરીક મુન્ડે મને યહોવામાં ભરોસો રાખવાનું ઉત્તેજન આપ્યું હતું. તેમણે જુલમી છાવણીમાં ઘણી સતાવણી સહન કરી હતી. તેમણે કહ્યું કે જુલમી છાવણીમાં જે ભાઈઓ પોતા પર ભરોસો રાખતા તેઓ નબળા પડી જતા. પણ જે ભાઈઓએ યહોવા પર પૂરેપૂરો ભરોસો રાખ્યો, તેઓ વફાદાર રહી શક્યા. આગળ જતાં, તેઓએ યહોવાના સંગઠનમાં ઘણી મદદ કરી.
મેં પાયોનિયર સેવા શરૂ કરી ત્યારે, ૧૯૬૩
માર્ટિન પોટઝીંગર હંમેશાં ભાઈઓને ઉત્તેજન આપતા કે, ‘હિંમત સૌથી કીમતી ધન છે!’ પછીથી માર્ટિનભાઈ નિયામક જૂથના સભ્ય બન્યા હતા. મેં એ શબ્દો પર મનન કર્યું અને નોકરી છોડી દીધી. જૂન ૧૯૬૩માં હું પાયોનિયર બન્યો. એ મારા જીવનનો સૌથી ઉત્તમ નિર્ણય હતો! બે મહિના પછી મને એક આમંત્રણ મળ્યું. નવી નોકરી શોધવાનું શરૂ કરું એ પહેલાં મને ખાસ પાયોનિયર સેવાનું આમંત્રણ મળ્યું. થોડાં વર્ષો પછી, યહોવાએ મારા ધાર્યા કરતાં વધુ આશીર્વાદો વરસાવ્યા. ગિલયડ શાળાના ૪૪મા વર્ગનું આમંત્રણ મળ્યું.
ગિલયડમાં મળ્યો કીમતી બોધપાઠ
‘તમારી સોંપણી છોડવામાં ઉતાવળ કરશો નહિ.’ આ બોધપાઠ મને નાથાન નૉર અને લેમન સ્વિંગલ પાસેથી શીખવા મળ્યો. અઘરા સંજોગોમાં પણ સોંપણીમાં લાગુ રહેવાનું તેઓએ અમને ઉત્તેજન આપ્યું. ભાઈ નૉરે કહ્યું, ‘તમે શેના પર ધ્યાન આપશો? ગંદકી, જીવડાં કે ગરીબી પર? કે પછી ઝાડ, ફૂલ અને હસતા ચહેરા પર? લોકોને પ્રેમ કરવાનું શીખો!’ એક દિવસે ભાઈ સ્વિંગલ સમજાવતા હતા કે અમુક ભાઈઓ શા માટે ઉતાવળે સોંપણી છોડી દે છે. એ વખતે તેમની આંખમાં આંસુ આવી ગયા. તેમણે પ્રવચન અધવચ્ચે રોકવું પડ્યું. થોડા સમય પછી તેમણે પ્રવચન આગળ વધાર્યું. એ મારા દિલને સ્પર્શી ગયું. ખ્રિસ્ત કે તેમના વફાદાર ભાઈઓને નિરાશ ન કરવાનો મેં પાકો નિર્ણય લીધો.—માથ. ૨૫:૪૦.
હું, ક્લોડ અને હેન્રીક અમારી પહેલી મિશનરી સોંપણી વખતે, લુબુમબાશી, કૉંગો, ૧૯૬૭
અમને બધાને સોંપણી મળી. એ સમયે બેથેલના અમુક સભ્યો સોંપણી ક્યાં મળી એ વિશે પૂછવા લાગ્યા. દરેકની સોંપણી વિશે સાંભળીને તેઓ સારી સારી વાતો કહેતા હતા. મારો વારો આવ્યો ત્યારે મેં કહ્યું: ‘કૉંગોમાં (કિન્શાસામાં) સોંપણી મળી છે.’ તેઓ બે મિનિટ ચૂપ રહ્યા. પછી ફક્ત એટલું જ કહ્યું, ‘કૉંગો! ત્યાં તો તમને યહોવાના સાથની બહુ જરૂર પડશે!’ એ દિવસોમાં કૉંગો બહુ ચર્ચામાં હતું. યુદ્ધ, સૈનિકો અને કત્લેઆમ વિશે બહુ સાંભળવા મળતું. મને મળેલા બોધપાઠ પર હંમેશાં મેં ધ્યાન આપ્યું. સપ્ટેમ્બર ૧૯૬૭માં ગ્રેજ્યુએટ થયા પછી હેન્રીક ડેનબોસ્ટેલ, ક્લોડ લીન્ઝી અને હું કૉંગોની રાજધાની કિન્શાસા જવા નીકળી પડ્યા.
મિશનરી તરીકે અદ્ભુત તાલીમ મળી
કિન્શાસા પહોંચ્યા પછી અમે ત્રણ મહિના ફ્રેન્ચ ભાષા શીખ્યા. પછી અમે લુબુમબાશી ગયા, જે પહેલા એલિઝાબેથવીલ તરીકે ઓળખાતું. એ નગર કૉંગોની છેક દક્ષિણે ઝામ્બિયાની સરહદ પાસે આવેલું છે. અમે મિશનરી ઘરમાં રહેવા ગયા, જે શહેરની વચ્ચે હતું.
લુબુમબાશીના મોટા ભાગના વિસ્તારમાં પ્રચાર થયો જ ન હતો. એટલે ત્યાંના લોકોને ખુશખબર જણાવવા અમે ઘણા આતુર હતા. થોડા જ વખતમાં અમને એટલા બધા બાઇબલ અભ્યાસ મળ્યા કે અમે બધે પહોંચી વળી શકતા ન હતા. સરકારી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને પણ અમે ખુશખબર જણાવી હતી. ઘણા લોકોને બાઇબલ માટે માન હતું અને આપણા કામની કદર કરતા હતા. મોટા ભાગના લોકો સ્વાહિલી ભાષા બોલતા. એટલે હું અને ક્લોડ લીન્ઝી એ ભાષા શીખવા લાગ્યા. થોડા જ સમય પછી અમને સ્વાહિલી મંડળમાં સોંપણી મળી.
અમને અનેરા અનુભવો થતા પણ અમારે પડકારોનો પણ સામનો કરવો પડતો. કેટલીય વાર પીધેલા સૈનિકો કે ઝનૂની પોલીસો અમારા પર ખોટા આરોપો મૂકતા હતા. એક વાર પોલીસનું ટોળું બંદૂક સાથે મિશનરી ઘરમાં ચાલી રહેલી સભામાં ધસી આવ્યું. તેઓ અમને પકડીને સેન્ટ્રલ પોલીસ સ્ટેશને લઈ ગયા. તેઓએ અમને રાતના દસ વાગ્યા સુધી જમીન પર બેસાડી રાખ્યા. પછી અમને છોડી મૂક્યા.
૧૯૬૯માં મને સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી મળી. એટલે મારે લાંબા લાંબા ઘાસમાંથી અને કાદવવાળા રસ્તા પરથી ચાલીને દૂર દૂર જવું પડતું. આફ્રિકામાં મોટા ભાગના રસ્તાઓ એવા જ હતા. એક ગામમાં તો રાત્રે મારા ખાટલા નીચે મરઘી તેનાં બચ્ચાં સાથે આવીને સૂઈ ગઈ. સવારે હજી તો અંધારું હતું ત્યારે મરઘી મોટે મોટેથી અવાજ કરવા લાગી. હું તો એકદમ ચોંકી ગયો. એ દિવસ તો હું ક્યારેય નહિ ભૂલું! હું ભાઈઓ સાથે સાંજે તાપણું કરવા બેસતો અને ત્યાં અમે સત્યની ઘણી બધી વાતો કરતા. એ મીઠી યાદો આજે મનમાં તાજી થાય ત્યારે મારા મોં પર સ્મિત આવી જાય છે.
એક મોટી તકલીફનો મેં અનુભવ કર્યો. અમુક લોકો યહોવાના સાક્ષી હોવાનો દાવો કરતા હતા પણ ખરેખર તો તેઓ કીતાવાલા આંદોલનનો ભાગ હતા.b એમાંથી અમુકે તો બાપ્તિસ્મા પણ લઈ લીધું હતું અને મંડળમાં વડીલ પણ બન્યા હતા. એ લોકો તો ‘સંતાયેલા ખડકો’ જેવા હતા. (યહુ. ૧૨) પણ તેઓ વફાદાર ભાઈ-બહેનોને ભમાવી શક્યા નહિ. એવા લોકોને યહોવાએ મંડળોમાંથી કાઢી મૂક્યા. એ પછી ઘણી પ્રગતિ થઈ.
૧૯૭૧માં મને કિન્શાસા શાખા કચેરીમાં સોંપણી મળી. ત્યાં મને આવા વિભાગોમાં કામ કરવાનો મોકો મળ્યો: પત્ર-વહેવાર વિભાગ, સાહિત્યનો ઑર્ડર અને સર્વિસ વિભાગ. બેથેલમાં મને શીખવા મળ્યું કે ઓછી સુવિધા હોય, એવા મોટા દેશમાં કઈ રીતે આપણું કામ વ્યવસ્થિત રીતે કરવું. અમે મંડળોને પત્રો મોકલતા, પણ મંડળો સુધી પહોંચતા અમુક વાર તો મહિનાઓ લાગી જતા. પત્રો વિમાનથી મોકલવામાં આવતા, પછી હોડીમાં લઈ જવામાં આવતા. એ હોડીઓ પાણીમાં રહેલી જાડી વનસ્પતિઓમાં ફસાઈ જતી. અઠવાડિયાઓ સુધી એ હોડીઓ નીકળી શકતી નહિ. પણ એ તકલીફ અને બીજી તકલીફો હોવા છતાં એ કામ પૂરું કર્યું.
ઓછું દાન હોવા છતાં ભાઈઓ મોટા મોટા સંમેલનોની ગોઠવણ કરી શકતા હતા. એ જોઈને મને ઘણી નવાઈ લાગતી. ઊધઈના દર એટલા મોટા હતા, જાણે ટેકરી ન હોય! એનાથી ભાઈઓ સ્ટેજ બનાવતા. લાંબા ઘાસની દીવાલો બનાવતા. એ ઘાસને ગોળ ગોળ વાળીને એના પર બેસતા. તેઓ વાંસથી થાંભલા બનાવતા. લાકડાની પટ્ટીઓ બાંધીને છાપરું કે ટેબલ બનાવતા. તેઓ પાસે ખીલીઓ ન હતી એટલે ઝાડની છાલના પાતળા પાતળા ટુકડા કાપીને એ વાપરતા. તકલીફોને હાથ ધરવા ભાઈ-બહેનો અવનવી રીતો શોધી કાઢતા. એ ભાઈ-બહેનોની હું ખૂબ કદર કરતો. તેઓ મને ખૂબ વહાલા હતા. નવી સોંપણી માટે બીજી જગ્યાએ ગયો પછી એ બધાં ભાઈ-બહેનોને ખૂબ યાદ કરતો.
કેન્યામાં યહોવાની સેવા
૧૯૭૪માં મને નાઈરોબી, કેન્યાની શાખા કચેરીમાં મોકલવામાં આવ્યો. અમારે ઘણું કામ કરવાનું હતું. કારણ કે કેન્યાની શાખા કચેરી આસપાસના દસ દેશોમાં ખુશખબર ફેલાવવાના કામમાં મદદ કરતી હતી. એમાંના અમુક દેશોમાં આપણા કામ પર પ્રતિબંધ હતો. મને ઘણી વાર એ દેશોની મુલાકાતે મોકલવામાં આવતો, ખાસ તો ઇથિયોપિયા. ત્યાંનાં ભાઈ-બહેનોની ઘણી સતાવણી થતી, તેઓએ આકરી કસોટીનો સામનો કરવો પડતો. ઘણાં ભાઈ-બહેનો સાથે ક્રૂર રીતે વર્તવામાં આવતું કે પછી જેલમાં પૂરવામાં આવતાં. અમુકને તો મારી નાખવામાં આવ્યાં હતાં. પણ એ બધી કસોટીઓમાં તેઓ વફાદાર રહ્યાં. કારણ કે યહોવા સાથે અને એકબીજા સાથે તેઓનો સંબંધ મજબૂત હતો.
૧૯૮૦માં મારા જીવનમાં ખુશીની પળ આવી. મેં ગેલ મેથેસન જોડે લગ્ન કર્યા. તે કેનેડાની છે. અમે ગિલયડ શાળાના એક જ વર્ગમાં હતા. શાળા પછી પત્રોથી અમે એકબીજાના ખબરઅંતર પૂછતા. તે બોલિવિયા દેશમાં મિશનરી તરીકે સેવા આપી રહી હતી. ૧૨ વર્ષ પછી અમે ન્યૂ યૉર્કમાં ફરીથી મળ્યા. થોડા સમય પછી અમે કેન્યામાં લગ્ન કર્યા. કંઈ કરતા પહેલાં તે યહોવાના વિચારો જાણવાનો પ્રયત્ન કરે છે. તેની પાસે જે હોય એમાં તે ખુશ રહે છે. એ માટે હું તેની દિલથી કદર કરું છું. તે હંમેશાં મને પ્રેમથી સાથ આપે છે અને મારી પડખે ઊભી રહે છે.
૧૯૮૬માં અમને મંડળોની મુલાકાત લેવાની સોંપણી મળી. એ વખતે હું શાખા સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપતો. કેન્યાની શાખા જે દેશોની દેખરેખ રાખતી હતી, એમાંના ઘણા દેશોનાં મંડળોની અમે મુલાકાત લેતા.
સંમેલનમાં પ્રવચન આપતા, એસ્મારા, ૧૯૯૨
એ સમયે એસ્મારામાં (એરિટ્રિયામાં) આપણા કામ પર પ્રતિબંધ ન હતો. ૧૯૯૨માં અમે સંમેલન માટે ત્યાં જે તૈયારીઓ કરી હતી, એ યાદો આજે પણ મારા મનમાં તાજી છે. અમને માંડમાંડ એક ગોડાઉન મળ્યું. બહારથી એ ગંદું દેખાતું હતું, પણ અંદરથી તો એટલું ગંદું હતું કે વાત જ ન પૂછો! સંમેલનના દિવસે જ્યારે મેં એ જોયું ત્યારે હું મોંમાં આંગળા નાખી ગયો! ભાઈઓએ એ જગ્યાને સાફસૂફ કરીને એટલી સુંદર બનાવી દીધી હતી કે અમે ત્યાં યહોવાની ભક્તિ કરી શકતા હતા. ઘણાં કુટુંબોએ રંગબેરંગી કાપડ લાવીને જે જગ્યા ખરાબ દેખાતી હતી, એને ઢાંકી દીધી. અમને એ સંમેલનમાં ઘણી મજા આવી. એમાં ૧,૨૭૯ લોકો આવ્યા હતા.
મંડળોની મુલાકાતે જવાનું કામ અમારા માટે એક મોટો ફેરફાર હતો. કારણ કે દર અઠવાડિયે અમારી રહેવાની જગ્યા બદલાતી રહેતી. કોઈક વાર અમને સમુદ્ર કિનારે મોટા અને બધી સુખ-સગવડવાળા ઘરે રહેવા મળતું. તો અમુક વાર પતરાના સાદા ઘરમાં રહેવા મળતું, જ્યાં ૩૦૦ ફૂટ (૧૦૦ મીટર) દૂર ટોઇલેટ હતું. એવી બાબતો હોવા છતાં, પાયોનિયરો અને પ્રકાશકો સાથે વિતાવેલી પળો અમને હજીયે યાદ છે. અમને નવી સોંપણી મળી. અમારે વહાલા મિત્રો છોડવા પડ્યા. અમને તેઓની બહુ યાદ આવી.
ઇથિયોપિયામાં મળ્યા મહેનતનાં ફળ
કેન્યા શાખા દેખરેખ રાખતી હતી, એ દેશોમાંથી અમુકને ૧૯૮૭થી ૧૯૯૨ દરમિયાન આપણા કામ માટે કાયદાકીય પરવાનગી મળી. એના લીધે એ દેશોમાં પણ શાખાઓ અને દેશની ઑફિસો શરૂ કરવામાં આવી. ૧૯૯૩માં અમને ઍડિસ અબાબા, ઇથિયોપિયાની ઑફિસમાં સેવા કરવા મોકલવામાં આવ્યા. એ દેશમાં ઘણાં વર્ષો સુધી આપણું કામ ખાનગી રીતે કરવામાં આવતું હતું. હવે આપણા કામને કાયદાકીય પરવાનગી મળી છે.
ગામડાઓમાં સરકીટ નિરીક્ષક તરીકેની સોંપણી વખતે, ઇથિયોપિયા, ૧૯૯૬
ઇથિયોપિયામાં યહોવાએ આપણા કામ પર આશીર્વાદ વરસાવ્યો હતો. ઘણાં ભાઈ-બહેનો પાયોનિયર બન્યાં. ૨૦૧૨થી દર વર્ષે બધા પ્રકાશકોમાંથી ૨૦ ટકા કરતાં વધારે ભાઈ-બહેનોએ નિયમિત પાયોનિયર સેવા કરી છે. વધુમાં, સંગઠન દ્વારા ચલાવવામાં આવતી શાળાઓમાં પણ ઘણાં ભાઈ-બહેનોએ તાલીમ લીધી છે. ૧૨૦ કરતાં વધારે પ્રાર્થનાઘરો બાંધવામાં આવ્યાં છે. ૨૦૦૪માં અમને એક મોટો આશીર્વાદ મળ્યો. બેથેલ કુટુંબને નવું બેથેલ મળ્યું અને એ જ જગ્યાએ સંમેલનઘર પણ હતું.
આટલાં વર્ષોમાં ઇથિયોપિયામાં અમે કેટલાય પાકા મિત્રો મેળવ્યા છે. તેઓ માયાળુ અને પ્રેમાળ હોવાથી અમે તેઓને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમારી તબિયતની તકલીફોને લીધે અમને મધ્ય યુરોપની શાખામાં સોંપણી મળી. અમારી સારી સાર-સંભાળ રાખવામાં આવે છે. પણ ઇથિયોપિયાના મિત્રોની અમને બહુ યાદ આવે છે.
યહોવાએ વૃદ્ધિ આપી
યહોવા પોતાના કામને કઈ રીતે વૃદ્ધિ આપે છે, એ અમે નજરે જોયું છે. (૧ કોરીં. ૩:૬, ૯) દાખલા તરીકે, કૉંગોમાં રુવાન્ડાના લોકો તાંબાની ખાણમાં કામ કરવા આવતા. મેં તેઓને પ્રચાર કરવાનું શરૂ કર્યું ત્યારે રુવાન્ડામાં એક પણ પ્રકાશક ન હતો. હવે ત્યાં ૩૦,૦૦૦થી વધારે ભાઈ-બહેનો છે. ૧૯૬૭માં કૉંગોમાં (કિન્શાસામાં) આશરે ૬,૦૦૦ પ્રકાશકો હતા. હવે ત્યાં ૨,૩૦,૦૦૦ કરતાં પણ વધારે પ્રકાશકો છે. ૨૦૧૮માં સ્મરણપ્રસંગમાં દસ લાખ કરતાં વધારે લોકો આવ્યા હતા. કેન્યા શાખા જે દેશોની દેખરેખ રાખતી હતી, એ દેશોમાં એક લાખ કરતાં વધારે પ્રકાશકો છે.
૫૦થી વધારે વર્ષો પહેલાં પૂરા સમયની સેવા શરૂ કરવા યહોવાએ અલગ અલગ ભાઈઓ દ્વારા મને મદદ કરી હતી. હજુ પણ મારો સ્વભાવ શરમાળ છે. હું યહોવા પર પૂરો ભરોસો રાખવાનું શીખ્યો છું. આફ્રિકામાં થયેલા અનુભવોથી મને ધીરજ અને સંતોષ જેવા ગુણો કેળવવા મદદ મળી. જેઓએ જોરદાર મહેમાનગતિ બતાવી, મોટી મુશ્કેલીઓને સહન કરી અને યહોવા પર ભરોસો રાખ્યો એવાં ભાઈ-બહેનોની અમે કદર કરીએ છીએ. યહોવાએ બતાવેલી અપાર કૃપાની હું ખૂબ કદર કરું છું. યહોવાએ મને એટલા બધા આશીર્વાદો આપ્યા છે, જેના વિશે મેં ક્યારેય વિચાર્યું ન હતું.—ગીત. ૩૭:૪.
a આપણી રાજ્ય સેવાને અગાઉ એ નામથી ઓળખવામાં આવતી હતી. હવે એને બદલે આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા છે.
b “કીતાવાલા” શબ્દ સ્વાહિલી ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ થાય કે “રાજ કરવું, હુકમ કરવો કે શાસન કરવું.” એ આંદોલન રાજકારણને ટેકો આપતું હતું. કૉંગો બેલ્જિયમનો ભાગ હતું, એટલે આંદોલનનો હેતુ હતો કે બેલ્જિયમથી આઝાદી મેળવવી. કીતાવાલા જૂથના સભ્યો યહોવાના સાક્ષીઓનાં સાહિત્ય વાંચતા, એનો અભ્યાસ કરતા અને એ વહેંચતા. તેઓ બાઇબલના શિક્ષણને મારી-મચકોડીને એ રીતે રજૂ કરતા, જેનાથી તેઓના રાજકારણ વિશેના વિચારો, અંધશ્રદ્ધા સાથે જોડાયેલા રિવાજો અને વ્યભિચાર જેવાં ખરાબ કામોને ટેકો મળે.