શીખવવાની કળા વિકસાવીએ—મુખ્ય મુદ્દા ચમકાવીએ
૧ હિબ્રૂઓને લખેલા પત્રમાં પાઊલે કહ્યું હતું: ‘તમારે શિક્ષકો થવું જોઈતું હતું.’ (હિબ્રૂ ૫:૧૨) ઈસુએ તેમના શિષ્યોને ખુશખબર જણાવવાની જવાબદારી સોંપી હતી. એ કાર્ય આજે પૂરા જોશથી આગળ વધી રહ્યું છે. એટલે, પાઊલે કહેલા એ શબ્દો આજે આપણને પણ એટલા જ લાગુ પડે છે. સારા શિક્ષક બનવા માટે જરૂરી છે કે આપણે જે સાહિત્ય વાંચીએ અને બીજાઓને એમાંથી શીખવીએ એ પહેલાં એને પૂરી રીતે સમજીએ. ભલે આખું પુસ્તક હોય, કોઈ પ્રકરણ હોય, કે અમુક ફકરા હોય, આ સિદ્ધાંત બધામાં એટલો જ લાગુ પડે છે.
૨ દરેક પુસ્તકનો એક વિષય હોય છે. એના આધારે પુસ્તક લખવામાં આવ્યું હોય છે. પુસ્તકમાંથી શીખવતી વખતે શિક્ષકે પોતે શીખવું જોઈએ કે પ્રકરણનો વિષય કઈ રીતે પુસ્તકના વિષય સાથે જોડાયેલો છે. વિદ્યાર્થીને પણ એ સમજવા મદદ કરો. અમુક વિષય પર સમજણ આપતું કોઈ પણ પ્રકરણ મોટા ભાગે કોઈ ને કોઈ રીતે પુસ્તકના વિષય સાથે જોડાયેલું હોય છે. દાખલા તરીકે, “ઈશ્વરને માર્ગે ચાલો” અને “કુટુંબ કઈ રીતે સુખી રહી શકે?” પ્રકરણથી વિદ્યાર્થીને એ સમજવા મદદ મળશે કે બાઇબલ શું શીખવે છે.
૩ કોઈ પ્રકરણ કે અધ્યાયમાં આપેલા ગૌણ મથાળાં મુખ્ય મુદ્દાને ચમકાવવા મદદ કરે છે. પ્રકરણમાં દરેક ફકરો કોઈને કોઈ રીતે પ્રકરણના મુખ્ય વિષય સાથે જોડાયેલો હોય છે. તેથી, ફકરામાંથી એવો કોઈ મુદ્દો શોધો જે પ્રકરણના વિષય સાથે જોડાયેલો હોય. એ મુખ્ય મુદ્દા દ્વારા તમે બાઇબલ વિદ્યાર્થીને એ વિષય સારી રીતે શીખવી શકશો.
૪ ઘણાં સાહિત્યમાં છાપેલા સવાલો હોય છે. એના જવાબો મોટા ભાગે ફકરામાં એક અથવા અમુક શબ્દોમાં આપેલા હોય છે. વિદ્યાર્થીને શીખવો કે એના નીચે જ લીટી દોરે. એનાથી ઘણા ફાયદા થાય છે. જેમ કે, તે તરત જવાબ આપી શકશે અને ફરીથી ફકરો વાંચવાની જરૂર નહિ પડે. વિદ્યાર્થીને ઉત્તેજન આપો કે ફકરામાં લીટી દોરેલા ભાગને વાંચવાને બદલે પોતાના શબ્દોમાં જવાબ આપે. લીટી દોરેલા અમુક શબ્દો જોઈને તેને તરત જ ખ્યાલ આવી જશે કે એ માહિતી શેના વિશે છે.
૫ મુખ્ય મુદ્દા અથવા કલમના મુખ્ય વિચાર પર ભાર મૂકવા ત્રાંસા અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. ફકરામાં આપેલા ત્રાંસા અક્ષરો શિક્ષક અને વિદ્યાર્થી માટે ઉપયોગી છે. ખાતરી કરો કે વિદ્યાર્થી ત્રાંસા અક્ષરોનું મહત્ત્વ જાણતો હોય. બીજાઓને પોતાની માન્યતા સમજાવતી વખતે તે એનો સારી રીતે ઉપયોગ કરી શકશે.
૬ આ સાદી રીત બીજાને શિક્ષણ આપવા બહુ જ ઉપયોગી થશે. જેમ કે, ચોકીબુરજ, મંડળકીય બાઇબલ અભ્યાસ, બાઇબલ અભ્યાસ ચલાવતી વખતે કે બાળકોને શીખવતી વખતે. ઈસુએ કહ્યું હતું કે આપણે ‘શિષ્ય બનાવીએ’ અને તેઓને ‘શીખવતા જઈએ.’ (માથ. ૨૮:૧૯, ૨૦) મુખ્ય મુદ્દાઓને ચમકાવવાનું શીખવાથી આપણે વધુ સારા શિક્ષકો બની શકીશું.