વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • wp20 નં. ૧ પાન ૬-૮
  • બાઇબલ—સાચી માહિતીનો ખજાનો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાઇબલ—સાચી માહિતીનો ખજાનો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
  • મથાળાં
  • સરખી માહિતી
  • બાઇબલ પર શા માટે ભરોસો રાખી શકીએ
  • બાઇબલ ઈશ્વરની વાણી છે
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • શું બાઇબલની વાતો પર ભરોસો મૂકી શકીએ?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો, એક શરૂઆત
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૦
wp20 નં. ૧ પાન ૬-૮

બાઇબલ​—સાચી માહિતીનો ખજાનો

સદીઓથી લોકો માને છે કે, બાઇબલમાં સાચી માહિતી છે, એટલે એના પર ભરોસો મૂકી શકાય. આજે લાખો લોકો એનાં શિક્ષણ પ્રમાણે જીવે છે. પણ બીજા ઘણા લોકો બાઇબલને જૂનું-પુરાણું કે કાલ્પનિક વાર્તાઓનું પુસ્તક ગણે છે. તમે શું માનો છો? શું બાઇબલમાં તમને સાચી અને કામ લાગે એવી માહિતી મળી શકે? ચાલો જોઈએ.

બાઇબલ પર શા માટે ભરોસો રાખી શકીએ

બાઇબલની માહિતી પર તમે ચોક્કસ ભરોસો મૂકી શકો. એવું શાને આધારે કહી શકાય? ધારો કે વર્ષોથી તમારો કોઈ મિત્ર તમારી જોડે કાયમ સાચું જ બોલે છે. એટલે તમને એ મિત્ર ભરોસાપાત્ર લાગશે, ખરું ને? એ જ રીતે, બાઇબલ પણ ભરોસો મૂકી શકાય એવો મિત્ર છે, જે બધી જ બાબતે સાચી માહિતી આપે છે. ચાલો અમુક દાખલા જોઈએ.

સાચું બોલતા લેખકો

લેખકના હાથનું ચિત્ર

બાઇબલ લેખકો હંમેશા સાચું બોલતા હતા. એટલે, તેઓ પોતાની ભૂલો કે ખામીઓ પણ છુપાવતા નહિ. ચાલો પ્રબોધક યૂનાનો દાખલો લઈએ. એક સમયે ઈશ્વરે તેમને એક આજ્ઞા આપી. પણ તેમણે એ પાળી નહિ. પોતાની ભૂલ વિશે તેમણે કંઈ છુપાવ્યું નહિ. એ બધું બાઇબલમાં સાફ-સાફ લખ્યું. (યૂના ૧:૧-૩) તેમણે પોતાના પુસ્તકમાં છેલ્લે એમ પણ જણાવ્યું કે, ઈશ્વરે તેમને કઈ રીતે સુધાર્યા. યૂનાએ એવું ન લખ્યું કે, તેમણે કઈ રીતે પોતાનું વલણ સુધાર્યું. એનાથી તો લોકોનું ધ્યાન યૂના પર વધારે પડત. (યૂના ૪:૧, ૪, ૧૦, ૧૧) બાઇબલના લેખકોની ઇમાનદારી પરથી જોઈ શકાય કે તેઓએ ફક્ત સાચી માહિતી જ લખી હતી.

રોજિંદા જીવનમાં કામ આવતી માહિતી

શું બાઇબલની સલાહ રોજબરોજનાં જીવનમાં ને દરેક સંજોગમાં તમને કામ લાગી શકે? હા, ચોક્કસ! જેમ કે, બીજાઓ સાથે કઈ રીતે સારો સંબંધ રાખવો, એના વિશે બાઇબલ કહે છે: “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.” (માથ્થી ૭:૧૨) “નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.” (નીતિવચનો ૧૫:૧) ખરેખર, આ સલાહ આજે પણ એટલી જ કામ આવે છે, જેટલી પહેલા આવતી હતી.

ઇતિહાસની નજરે સાચી માહિતી

કચરો અને પાવડાનું ચિત્ર

પુરાતત્ત્વશાસ્ત્રીઓ બાઇબલમાં ઉલ્લેખ થયેલા વિસ્તારોની શોધખોળ કરે છે. એવા ઘણા પુરાવા મળ્યા છે જે સાબિત કરે છે કે, બાઇબલમાં જણાવેલ વ્યક્તિઓ, જગ્યાઓ અને બનાવો વિશેની વિગતો સાચી છે. એક નાનકડી વિગતની સાબિતી પર વિચાર કરો. બાઇબલ લેખક નહેમ્યાએ જણાવ્યું હતું કે, એ સમયે યરુશાલેમમાં રહેતા તૂરના માણસો (તૂરથી આવેલા ફિનીકિયાના લોકો) “માછલી તથા સર્વ પ્રકારનો માલ લાવતા” હતા.—નહેમ્યા ૧૩:૧૬.

બાઇબલની આ કલમ સાચી હોવાનો શું કોઈ પુરાવો છે? હા, છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓને ઇઝરાયેલમાંથી કેટલીક વસ્તુઓ મળી છે, જે ફિનીકિયાની છે. એ બતાવે છે કે, પ્રાચીન સમયના એ બંને દેશો વચ્ચે વ્યાપાર થતો હતો. ઉપરાંત, યરુશાલેમમાં ખોદકામ કરવાથી ભૂમધ્ય સમુદ્રની માછલીઓના કેટલાક અવશેષો પણ મળી આવ્યા છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓ માને છે કે, એ માછલીઓ કોઈ દૂરના દરિયા કિનારેથી વેપારીઓ લઈ આવતા હોય શકે. બધા પુરાવા તપાસ્યા પછી, એક નિષ્ણાતે કહ્યું: ‘નહેમ્યા ૧૩:૧૬માં જણાવેલી આ વાત સાચી લાગે છે કે, યરુશાલેમમાં તૂરના માણસો માછલીઓ વેચતા હતા.’

વિજ્ઞાનના સુમેળમાં સાચી માહિતી

આકાશમાં અધ્ધર રહેતી પૃથ્વીનું ચિત્ર

બાઇબલ આમ તો ઈશ્વર અને ઇતિહાસને લગતું પુસ્તક છે. પણ એમાં જણાવેલી વિગતો વિજ્ઞાનના સુમેળમાં છે. ચાલો એક દાખલો જોઈએ.

આશરે ૩,૫૦૦ વર્ષ પહેલાં બાઇબલમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ‘પૃથ્વી અધ્ધર લટકે છે.’ (અયૂબ ૨૬:૭) પણ, એ જમાનામાં એવી માન્યતાઓ હતી કે, પૃથ્વી પાણી પર તરે છે અથવા કોઈ મોટા કાચબા પર ટકી રહેલી છે. અયૂબનું પુસ્તક લખાયું એના આશરે ૧,૧૦૦ વર્ષ પછી પણ લોકો માનતા હતા કે પૃથ્વી હવામાં અધ્ધર રહી જ ન શકે. એનો કોઈ આધાર તો હોવો જ જોઈએ. પણ, ૩૦૦ વર્ષ પહેલાં, સાલ ૧૬૮૭માં આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમની શોધ કરી ત્યારે એ વધારે સ્પષ્ટ થયું. તેણે જણાવ્યું કે, પૃથ્વી કોઈ પણ આધાર વગર અદૃશ્ય બળને લીધે હવામાં અધ્ધર રહે છે. એ વૈજ્ઞાનિક શોધથી સાબિત થઈ ગયું કે, બાઇબલમાં ૩,૦૦૦ વર્ષ પહેલાં લખેલી વાત સો ટકા સાચી છે.

સાચી ભવિષ્યવાણીઓ

બાબેલોનની દીવાલો અને ખુલ્લા દરવાજાનું ચિત્ર

બાઇબલની ભવિષ્યવાણીઓ કેટલી સાચી છે? ચાલો એક દાખલો જોઈએ. બાબેલોન શહેરના વિનાશ વિશે યશાયાની ભવિષ્યવાણી.

ભવિષ્યવાણી: ઈસવીસન પૂર્વે ૮મી સદીમાં બાઇબલના એક લેખક યશાયાએ આવી ભવિષ્યવાણી કરી હતી: બાબેલોન શહેર, જે એક શક્તિશાળી સામ્રાજ્યનું પાટનગર બનવાનું હતું, એને સમય જતાં હરાવી દેવામાં આવશે અને છેવટે ત્યાં કોઈ રહેશે નહિ. (યશાયા ૧૩:૧૭-૨૦) યશાયાએ તો એ પણ જણાવ્યું હતું કે, કોરેશ નામનો માણસ બાબેલોનને હરાવી દેશે. કોરેશ કઈ રીતે જીત મેળવવાનો હતો? યશાયાએ જણાવ્યું હતું કે, તે નદીના પાણી ‘સૂકવી નાંખશે’ અને શહેરના દરવાજા ખુલ્લાં મૂકી દેવામાં આવશે.—યશાયા ૪૪:૨૭–૪૫:૧.

કઈ રીતે પૂરી થઈ: યશાયાની ભવિષ્યવાણીના આશરે ૨૦૦ વર્ષ પછી, ઇરાનના રાજાએ બાબેલોન પર હુમલો કર્યો. તેનું નામ? કોરેશ. બાબેલોન શહેરની દીવાલો ખૂબ મજબૂત હતી. એ શહેરને જીતવું જાણે અશક્ય હતું. એની ચારે બાજુ ફ્રાત નદીના પાણીનું રક્ષણ હતું. એટલે, કોરેશે એક યુક્તિ અજમાવી. તેના માણસોએ એક નહેર ખોદી કાઢી અને નદીના પાણીને બીજી જગ્યાએ વાળી દીધું. એના લીધે નદીનું પાણી એટલું ઓછું થઈ ગયું કે સૈનિકો આરામથી ઘૂંટણ સુધીના પાણીમાં થઈને શહેરની દીવાલો સુધી પહોંચી ગયા. નવાઈની વાત તો એ કે, બાબેલોનીઓએ નદી તરફના શહેરના દરવાજા ખુલ્લાં છોડી દીધા હતાં! કોરેશના સૈનિકો એ દરવાજામાંથી બાબેલોનમાં ઘૂસ્યા અને એ શહેરનો નાશ કરી દીધો.

ભવિષ્યવાણીમાં એમ પણ જણાવ્યું હતું કે, બાબેલોન ઉજ્જડ થઈ જશે. શું એ વાત સાચી પડી? ખરું કે, થોડી સદીઓ સુધી લોકો એ શહેરમાં રહ્યા. પણ આજે, ઇરાકમાં આવેલા બગદાદની નજીક એ બાબેલોનના, બસ ખંડેરો જ નજરે પડે છે. એ સાબિતી આપે છે, બાઇબલની એ ભવિષ્યવાણી એકદમ સાચી પડી. બાઇબલ ભાવિના બનાવો વિશે પણ ઘણું જણાવે છે, આપણે એમાં પણ પૂરો ભરોસો મૂકી શકીએ.

સાચી અને ભરોસાપાત્ર માહિતીનો ખજાનો

આ તો થોડા જ દાખલાઓ આપણે જોયા. એવા તો બીજા ઘણા દાખલાઓ છે, જેના લીધે લોકો બાઇબલમાં ભરોસો મૂકે છે અને માને છે કે, એ “ખરેખર ઈશ્વરનું વચન છે.”​—​૧ થેસ્સાલોનિકીઓ ૨:૧૩.

બાઇબલમાં બીજી કઈ માહિતી આપવામાં આવી છે? શું એ જાણવાથી તમને કોઈ ફાયદો ખરો? આ મૅગેઝિનના હવે પછીના લેખોમાં જોઈશું કે, બાઇબલમાં કઈ મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. ચાલો પહેલા એ જોઈએ કે, એના મૂળ લેખક, ઈશ્વર વિશે બાઇબલ શું જણાવે છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો