ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
૧. ઈશ્વરના પ્રેમની છાયામાં રહો પુસ્તક, શું ધ્યાનમાં રાખીને તૈયાર કર્યું છે?
૧ ઈશ્વરના પ્રેમની છાયામાં રહો, આ નવાં પુસ્તકનો અભ્યાસ કરવા આપણે કેટલા આતુર છીએ! બીજી જુલાઈના અઠવાડિયાથી આપણે આ પુસ્તકની ચર્ચા મંડળના બાઇબલ અભ્યાસમાં કરીશું. યહોવાને ચાહનારા દરેકને નિયામક જૂથે લખેલો પત્ર આ શબ્દોથી પૂરો થાય છે: “અમારી દિલની પ્રાર્થના છે કે આ પુસ્તક તમને સત્ય પ્રમાણે જીવવા હંમેશા મદદ કરે, જેથી તમે ‘અનંતજીવનને માટે ઈશ્વરના પ્રેમની છાયામાં રહી શકો.’—યહુદા ૨૧.”
૨. આ નવું પુસ્તક જીવનનાં કયાં પાસાંમાં આપણને મદદ કરશે?
૨ આપણને શું શીખવા મળશે: બાઇબલ સિદ્ધાંતો કેવી રીતે જીવનનાં આ પાસાંમાં લાગુ પડે છે? જેમ કે, સંગત, મનોરંજન, સત્તાને માન આપવા વિષે, પોતાની આદતો, લગ્ન, વાણી-વર્તન અને રિવાજો વિષે. બાઇબલમાં જણાવેલા ઊંચાં ધોરણો પ્રમાણે આપણું અંતઃકરણ કેળવવા આ પુસ્તક મદદ કરશે. (ગીત. ૧૯:૭, ૮) આપણે યહોવાના વિચારો સમજતા જઈશું તેમ, જીવનનાં દરેક પાસાંમાં તેમની આજ્ઞાઓ પાળવાનું મન થશે અને એનાથી તેમને આનંદ થશે.—નીતિ. ૨૭:૧૧; ૧ યોહા. ૫:૩.
૩. દર અઠવાડિયે અભ્યાસમાં ભાગ લેવા કેમ ખાસ પ્રયાસો કરવા જોઈએ?
૩ ભાગ લેવાનો પાક્કો નિર્ણય કરીએ: તમે પુસ્તકની એ હેતુ સાથે તૈયારી કરો કે ભેગા મળેલા ભાઈ-બહેનો વચ્ચે ઈશ્વરને મહિમા આપશો. (હિબ્રૂ ૧૩:૧૫) આખું મંડળ ભેગા મળીને આ નવા પુસ્તકનો અભ્યાસ અને ચર્ચા કરશે. દર અઠવાડિયે પુસ્તકમાંથી થોડાંક ફકરાઓની ચર્ચા થશે. એનાથી આપણને એની બહુ સારી તૈયારી કરવાનો અને જે શીખ્યા હોઈશું એને ભરોસાથી બીજાઓને જણાવવાનો મોકો મળશે. સારી રીતે તૈયાર કરેલા આપણા ટૂંકા જવાબો એકબીજાને પ્રેમ બતાવવા અને સારાં કામ કરવા ઉત્તેજન આપશે. તેમ જ, અભ્યાસ આનંદ આપનારો બનાવી શકીશું અને એમાંની માહિતી વધારે સારી રીતે સમજી શકીશું. (હિબ્રૂ ૧૦:૨૪) વધુમાં, આપણી શ્રદ્ધા દર્શાવતા જવાબો આપીશું ત્યારે, આપણો આનંદ વધશે.
૪. યહોવાની આજ્ઞાઓ પાળવી કેમ બહુ અગત્યનું છે?
૪ ઈસુએ પોતાના મરણની છેલ્લી રાત્રે જણાવ્યું કે યહોવાના પ્રેમની છાયામાં રહેવા તેમની આજ્ઞાઓ પાળવી જોઈએ. (યોહા. ૧૫:૧૦) “ઈશ્વરનો પ્રેમ” પુસ્તક રોજિંદા જીવનમાં બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવા આપણને મક્કમ બનાવશે. તેમ જ, ‘ઈશ્વરના પ્રેમની છાયામાં રહેવા’ મદદ કરશે.—યહુ. ૨૧.