સત્યને સારી રીતે સમજાવો
૧ પ્રેરિત પાઊલની જેમ આજે અનેક ભાઈ-બહેનો સારા શિક્ષકો છે. તેઓ જાણે છે કે પ્રચારમાં બાઇબલ કલમો ટાંકવી પૂરતી નથી. એટલે તેઓ ‘સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર’ બન્યા છે. (૨ તીમો. ૨:૧૫) લોકોને શીખવતા હોઈએ ત્યારે આપણે કઈ રીતે ઈશ્વરનાં વચનમાંથી તેઓને “સમજાવી” શકીએ?—પ્રે.કૃ. ૨૮:૨૩.
૨ સાંભળનારને બાઇબલમાંથી બતાવો: સૌ પ્રથમ તો તેઓનું ધ્યાન બાઇબલ તરફ દોરો. તેઓને બતાવો કે બાઇબલ ખરેખર ઈશ્વરનું વચન છે. જો આપણે ઈશ્વરના વચન પર ભરોસો બતાવીશું, તો કલમ વાંચતી વખતે કદાચ વ્યક્તિ વધારે ધ્યાન આપે. (હેબ્રી ૪:૧૨) એ માટે એવું કંઈક કહી શકીએ: ‘ઈશ્વરના વિચારો જાણવાથી મને ઘણો લાભ થયો છે. જુઓ તેમનું વચન શું કહે છે.’ શક્ય હોય તેમ વ્યક્તિને બાઇબલમાંથી કલમો વાંચી સંભળાવો.
૩ બીજી બાબત એ છે કે બાઇબલ કલમને સારી રીતે સમજાવો. જ્યારે લોકો કલમના શબ્દો પહેલી વાર સાંભળે ત્યારે તેઓને એ સમજવું અઘરું લાગી શકે. એટલે આપણે તેઓને સમજાવવું પડે કે એ કલમનું મહત્ત્વ શું છે. (લુક ૨૪:૨૬, ૨૭) કલમમાંથી એવા શબ્દો કે વિચાર પર ધ્યાન દોરો જે તમારી ચર્ચા પર ભાર મૂકશે. એક-બે પ્રશ્ન પૂછવાથી તમે સહેલાઈથી પારખી શકશો કે વ્યક્તિને સમજણ પડી કે કેમ.—નીતિ. ૨૦:૫; પ્રે.કૃ. ૮:૩૦.
૪ શાસ્ત્રમાંથી સમજાવો: ત્રીજી બાબત એ છે કે આપણે સત્યના વચનો તેઓના દિલો-દિમાગમાં રોપવા કોશિશ કરીએ. ઘરમાલિકને બતાવો કે એ કલમો કઈ રીતે તેને લાગુ પડે છે. જો આપણે શાસ્ત્રની સારી સમજણ આપીશું તો કદાચ વ્યક્તિ પોતાના વિચારો બદલે. (પ્રે.કૃ. ૧૭:૨-૪; ૧૯:૮) દાખલા તરીકે, આપણે ગીતશાસ્ત્ર ૮૩:૧૮ વાંચી શકીએ. પછી સમજાવી શકીએ કે કોઈ પણ વ્યક્તિને સારી રીતે ઓળખવા, આપણે તેનું નામ જાણવાની જરૂર છે. ત્યાર પછી પૂછી શકીએ: ‘શું તમને લાગે છે કે ઈશ્વરનું નામ જાણવાથી તમારી પ્રાર્થનામાં ફરક પડશે?’ જ્યારે તમે આવી રીતે વ્યક્તિને સમજાવો કે એ કલમ કઈ રીતે તેને લાગુ પડે છે, ત્યારે વ્યક્તિ એનો લાભ જોઈ શકે છે. બાઇબલની કલમ સારી રીતે સમજાવીશું તો નમ્ર દિલવાળા લોકો જરૂર એકલા ખરા ઈશ્વર યહોવાહની ભક્તિ કરવા આવશે.—યિર્મે. ૧૦:૧૦.
[અભ્યાસ પ્રશ્નો]
૧. સારા શિક્ષક બનવા આપણે શું કરતા શીખવું જોઈએ?
૨. આપણે શું કરી શકીએ, જેથી લોકો બાઇબલ પર વધારે ધ્યાન આપે?
૩. કલમ વાંચ્યા પછી, આપણે શું કરી શકીએ જેથી સાંભળનાર એનો પૂરો અર્થ સમજી શકે?
૪. કલમોને સારી રીતે સમજાવવાની ત્રીજી રીત કઈ છે?